Wednesday, March 16, 2011

પરિક્રમા: પ્રવાસનો પહેલો પડાવ.

“શૉન, સૂ, આ છે આપણા ‘ગ્રેટ-વન’ની કહાણી,” કમલા દાદી બોલ્યા

શૉન અને સૂ કમલાદાદીની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેમની વાત કહેવાની રીત એવી હતી, જાણે આખું દૃશ્ય તેમની નજર સામે ઉભું થયું હતું.
આમ તો કમલાદાદીએ ઘણી વાતો કહી, તેમ છતાં તેને કેમ એવું લાગ્યું કે દાદી પૂરી વાત નહોતાં કહેતાં? તે કોઇ વાત તો નહોતા છુપાવતા?
દાદીએ પહેલાં કહ્યું હતું કે દદ્દા - રામપ્રસાદને તેમણે આ નામથી ઘણી વાર ઉદ્દેશ્યા હતા - પટનાથી તેમની પ્રિયાને લઇ કલકત્તા નાસી ગયા હતા. ત્યાર પછી વાત નીકળી તેમના નાના દિકરાની, જેને ભારત મૂકીને તેમને ગયાના જવું પડ્યું હતું. વળી કઇ મા પોતાના પુત્રને મૂકીને જતી રહે, જ્યારે તેને ખબર હતી કે તેના બાપુજી અને ભાઇ તેના બાળકને લઇને મુંઘેર આવવાના હતા? મૂળભૂત વાત તો એ હતી કે કોઇ માબાપ પોતાના પુત્રને મૂકી વતન છોડીને ન જાય. એવું તે શું હતું કે રામ પરસૉદને પોતાના પુત્રને છોડી જવું પડ્યું?
સર્ટિફિકેટ અૉફ ઇન્ડેન્ચરમેન્ટમાં ગામનું નામ ડુમરાઁવ લખ્યું છે, નેક્સ્ટ અૉફ કિનમાં રામ દયાલ સિંહા લખ્યું છે, પિતાનું કેમ નહિ? દાદી આ વાત જાણતા હોવા જોઇએ તેમ છતાં ન કહી. તે ભૂલી ગયા હતા? અને રઇસખાન તેમના જ ગામના હતા એ તો દાદીએ કહ્યું, પણ ગામ વિશે, કે ગામમાં રહેનારા તેમના પરિવાર વિશે બીજી માહિતી કેમ નથી આપી?
તેમના પૂર્વજ રામપ્રસાદ વિશે એવી કઇ વાત હતી કે દાદી તેને છુપાવવા માગતા હતા? શા માટે?
તેણે સીધો પ્રશ્ન પૂછ્યો. “કમલા ગ્રૅન, સૂ અને મારા માટે દદ્દાના ભારતના પરિવાર વિશે જાણવું અત્યંત જરૂરી છે,” કહી તેણે પૂરી વાત કરી: સૂના અૉપરેશનની, ભારતમાંથી મળે તો દદ્દાના પરિવારમાંથી બાળક ખોળે લેવાની, તે માટે તેઓ ભારત જઇ ઉંડાણથી તપાસ કરવા તૈયાર છે, તે તેણે કહ્યું.
“ગ્રૅન, પ્લીઝ, અમને તમારી મદદની જરૂરત છે. ‘ગ્રેટ વન’ વિશે તમને જેટલી ખબર છે એટલી બીજા કોઇને નથી,” સુઝને કહ્યું.
કમલાદાદીએ ઉંડો શ્વાસ લીધો.
“મારાં બચ્ચાંઓ, અત્યારે હું થાકી ગઇ છું. તમે બન્ને કાલે સવારે અગિયાર વાગે આવી શકશો? મારી યાદદાસ્ત કદાચ પાછી આવે! અને હા, મારી અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ જડી આવે તેનો તમને ઉપયોગ થાય,” કહી તેઓ ખંધું હસ્યા.
*********
બીજા દિવસે તેઓ નક્કી કરેલા સમયે તેઓ કમલાદાદી પાસે પહોંચ્યા, ત્યારે તેમની પાસે શીલા પણ બેઠી હતી. તેણે કૉફી તૈયાર કરી રાખી હતી.
કૉફી પૂરી થતાં દાદીએ શૉનને કહ્યું, “દિકરા, સામેની ભીંત પર દદ્દાનો મોટો પોર્ટ્રેટ છે, તે લાવ તો, જરી?”
“ગ્રૅન, આવો ફોટો ગ્રૅન્ડપાને ત્યાં છે. મેં તે ઘણી વાર જોયો છે. તેમના ૭૫મા જન્મદિવસે ફોટો પડાવ્યો હતો એવુ દાદાજી કહેતા હતા.”
“થોડી ધીરજ રાખ.”
ભારે ફ્રેમની ભારેખમ તસ્વીર લઇને શૉન અવ્યો.
“ફ્રેમ પાછળની ક્લિપ્સ ખોલ. ફોટોના બૅકીંંગ બોર્ડની પાછળના કંઇક છે તે મને આપ.”
શૉને દાદીની સૂચના પ્રમાણે પુંઠાનું બૅકીંગ કાઢ્યું અને નવાઇ પામી ગયો. અંદર એક મોટું કવર હતું. તેણે તે કમલાદાદીને આપ્યું.
કમલાદાદીએ કવરમાંથી એક અતિ જુની, સહેજ ઝાંખી પડેલી તસ્વીર કાઢી અને શૉનને આપી. શૉન-સુઝન છબી જોવા લાગ્યા. આ એક ભવ્ય લાગતા યુગલનો તેમનાં બાળકો સાથેનો સ્ટુડીઓ ફોટોગ્રાફ હતો. પતિએ રેશમનું જરીકામ કરેલ અચકન પહેર્યું હતું. માથા પર સાફો અને મંદીલ. રાણી જેવી લાગતી સ્ત્રીએ ભારે બનારસી સાડી પહેરી હતી અને માથા પર પાલવ લીધો હતો. ગળામાં સુંદર હાર હતો, અને ફોટોગ્રાફરે તેમના ચહેરા પર પ્રકાશ પાડવા અરીસાનો ઉપયોગ કર્યો હતો, તેનું એક કિરણ હારમાંના રત્ન પર પડ્યું હતું અને ચળકી ઉઠ્યું હતું. તેમની સામે છ-સાત વર્ષનું બાળક હતું. મખમલનો જરીકામ કરેલ પોશાક, નાનકડો સાફો, તેના પર પીંછાવાળું મંદીલ અને હાથમાં નાનકડી તલવાર હતી. બાળકની આંખો અને સ્મિતમાં કોઇ પરિચિત વ્યક્તિનો ભાસ થયો.
“ગુડનેસ, નાની! આ તો કોઇ રાજ પરિવાર લાગે છે. કોણ છે તેઓ?”
“જે રાજા-રાણી છે, તેમનાં નામ ઉદયપ્રતાપસિંહ અને જ્યોતિદેવી છે. જ્યોતિદેવીના ખોળામાં તેમની દિકરી પ્રકાશિની છે.”
“અને આ રૂપાળો છોકરો...”
“તેમનો દિકરો છે.”
“આ રાજપરિવારનો દદ્દા સાથે શો સંબંધ હતો? તેમના કોઇ...”
“આ બાળક તે આપણા દદ્દા રામ પરસૉદ હતા. તેમના પિતા ઉદયપ્રતાપ રઘુરાજપુરની નાનકડી રિયાસતના રાજા હતા. સાથે તેમનાં પત્નિ જ્યોતિદેવી અને તેમના ખોળામાં છે તે દદ્દાની બહેન પ્રકાશિની,” કમલાદાદીએ શાંતિથી કહ્યું.
“What?” રૂમમાં બેસેલી ત્રણ વ્યક્તિઓ એક સાથે બોલી ઉઠી.

3 comments:

  1. પડેલી તસ્વીર કાઢી...

    યાદ આવી
    ચંદ તસ્વિરેં બુતાં, ચંદ હસીનોં કે ખતુત
    બાદ મરને કે મેરે ઘરસે યે સામાં નિકલા
    Pragnaju

    ReplyDelete
  2. Fantastic flow of incidences, Narendrabhai.

    ReplyDelete