Saturday, March 12, 2011

પરિક્રમા: સંઘર્ષ, ભાવના અને કર્તવ્ય

જગત જાણતો હતો કે ફરજ આગળ ભાવના લાચાર છે. એક પ્રોફેશનલ સૈનિક તરીકે તેને ખબર હતી કે સૂર્યના પહેલા કિરણે - જેને મિલીટરી શબ્દપ્રયોગમાં First Light કહેવાય છે - અંગ્રેજ સેના તેમની શોધમાં નીકળશે અને પગીઓની મદદથી તેમનો પીછો કરશે. રાતનો એક વાગ્યો હતો. તે ઘડીએ તેઓ નીકળે તો તેમને પાંચ કલાકનો lead time મળે તેમ હતું. તેણે પોતાના ગુરૂના નિધનનો શોક અંતરમાં સમાવ્યો.
“રાજાસાહેબ, આપણી પૂરી સેના ખુવાર થઇ ગઇ છે. આગળ શું કરવું તેનો આપે વિચાર કર્યો છે?”
“મારો વિચાર નેપાળ જવાનો છે. હું લખનૌ ભણતો હતો ત્યારે પોખરાના રાણા નર બહાદુર શાહનો દિકરો વીરવિક્રમ શાહ મારો ખાસ મિત્ર હતો. મને ખાતરી છે કે તે મને આશ્રય આપશે. તે સિવાય અમારી પાસે બીજો કોઇ ઉપાય નથી.”
“કેમ?”
“જગદીશપુરને મેજર વિન્સેન્ટ એયરે ઉધ્વસ્ત કર્યું છે. તેણે અમારો મહેલ તો ઠીક, અમારા કૂળદેવ મહાદેવનું મંદિર સુદ્ધાં તોડી નાખ્યું છે. આખા પ્રદેશમાં ત્રાસ અને ભયનું સામ્રાજ્ય વર્તાવ્યું છે. વતનમાં અમારા માટે કોઇ સ્થાન નથી. અમારા જમાઇ, રાજા બેની માધવ, નાનાસાહેબ પેશ્વા - બધા નેપાલ જતા રહ્યા છે. ફક્ત તાત્યા ટોપે એકલે હાથે વિંધ્ય પ્રદેશમાં અને રેવા કાંઠે યુદ્ધ ખેલી રહ્યા છે.”
“આપને જો ખાતરી હોય કે વીરવિક્રમને ત્યાં આપ સુરક્ષીત રહી શકશો, હું આપને ત્યાં પહોંચાડવા આપની સાથે આવીશ.”
અમરસિંહે તેને પરાવૃત્ત કરવાનો પ્રયત્ન કર્યો. જગત અડગ રહ્યો. “રિસાલદારસાહેબે જે કામ હાથ ધર્યું હતું તે પૂરૂં કરવાની નૈતીક જવાબદારી હવે મારી છે. આપણે હમણાં જ નીકળવું જોઇશે.”
બન્ને ત્યાંથી નીકળ્યા. શાળાના દિવસોમાં અમરસિંહ તેમના મિત્રના ઘેર પોખરા ગયા હતા. તેઓ માર્ગ જાણતા હતા. પહેલાં ગોરખપુર, ત્યાંથી રક્સૌલ પાસેથી નેપાલની સરહદ પાર કરવાની હતી. માર્ગ કઠણ હતો કારણ કે અંગ્રેજ સેના ચારે તરફ ફેલાયેલી હતી. જનરલ નીલના હાઇલૅન્ડર્સ તો કારણ વગર દેશી લોકોને મારી નાખતા હતા. દિવસના જંગલમાં છુપાવાનું, રાતના પ્રવાસ, રસ્તામાં કોઇ વાર મંદિર કે ધર્મશાળામાં રાત ગાળી તેઓ એક મહિના બાદ પોખરા પહોંચ્યા. વીરવિક્રમે મૈત્રીધર્મ નિભાવ્યો અને અમરસિંહને તેમની તરાઇની વાડીમાં મોકલી આપ્યા.
“જગતસિંહ, આપનો અહેસાન માનું એટલો ઓછો રહેશે. આપના પિતાજીએ અમારા મોટાભાઇને મદદ કરી હતી. હવે આપે મને અહીં સુધી પહોંચાડ્યો. આપને આપવા અમારી પાસે કશું નથી. અમારૂં હિરાજડીત મંદીલ આપ સ્વીકારો તો...”
“રાજાસાહેબ, અમે કોઇ પુરસ્કાર માટે આ કામ નથી કર્યું. અમે કેવળ ક્ષાત્રધર્મ નિભાવ્યો છે. આપ હવે રજા આપો તો અમે નીકળીએ.”
બીજા દિવસે જગત ઘેર જવા નીકળ્યો. વળતાં તેણે રસ્તો બદલ્યો. હવે તે જનકપુર ગયો. આ વિસ્તારથી તે થોડો ઘણો પરિચીત હતો. ત્યાંથી મધુબની, દરભંગા થઇ પંદર દિવસે મુંઘેર પહોંચ્યો.
કૃષ્ણનારાયણ તથા તેમનો પરિવાર આતુરતાપૂર્વક રિસાલદાર તથા જગતની રાહ જોઇ રહ્યા હતા. પાર્વતિ સુદ્ધાં કલકત્તાથી મુંઘેર આવી હતી. સવારે જગત તેમની પાસે પહોંચ્યો અને વિગતવાર સમાચાર આપ્યા, આખો પરિવાર શોકમાં ડુબી ગયો. જ્યારે તેણે રિસાલદારના અવશેષ તેમને સોંપ્યા, કૃષ્ણનારાયણ અને પાર્વતિના કંઠ ફરીથી ભરાઇ આવ્યા.
“જગત, આપે જે કાર્ય કર્યું તેનો ઉપકાર અમે કોઇ કાળે ઉતારી નહિ શકીએ. આજથી અમારો પરિવાર વંશપરંપરા આપનો તથા આપના પરિવારનો ઋણી રહેશે. આપે એક પુત્રનું કામ કર્યું. અવશેષ આણી અમારા વડીલના આત્માને મુક્તિ અપાવી છે.” તેમણે ગંગામાં અવશેષ પધરાવ્યા. કલકત્તા જતાં પહેલાં પાર્વતિએ જગતને વિધિવત્ રાખડી બાંધી. કૃષ્ણનારાયણે તેને એક તામ્રપત્ર આપ્યું. “આ તામ્રપત્ર આપ અને આગળ જતાં આપના વંશજો પાસે રાખશો. અમારા પરિવારમાંથી કોઇ પણ માણસ જીવિત હશે, તેને આ તામ્રપત્ર બતાવીને જે માગશે, જે કહેશે તે કરવા અમે બાધ્ય રહીશું. તામ્રપત્રમાં અમારૂં વચન લખેલું છે. કોઇ ગલત માણસના હાથમાં તે ન જાય અને તેનો ગેરફાયદો કોઇ ન ઉઠાવે, આપ એક ગુપ્ત શબ્દ અમને કહો, જેની અમે નોંધ રાખીશું. આપના પરિવારના માણસે તામ્રપત્ર બતાવી, તે શબ્દ કહેવાનો રહેશે. બસ એટલી જ પહેચાન અમારા માટે પૂરતી રહેશે.”
જગતે તે શબ્દ કહ્યો.
*********
માણસ ધારે છે કંઇ અને થાય છે કંઇ. વીરવિક્રમના એક નોકરે ઇનામની લાલચમાં જંગ બહાદુરને ખબર આપી કે એક વિપ્લવી સરદાર તરાઇની હવેલીમાં આશ્રય લઇ રહ્યો છે.
જ્યારે જંગબહાદુરે અચાનક દરોડો પાડી આ ‘સરદાર’ પકડ્યો, તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમની ધરપકડ માટે કંપનીએ ભારે ઇનામ રોકડ ઇનામ જાહેર કર્યું હતું. તેણે અમરસિંહને પકડી અંગ્રેજોને હવાલે કર્યો અને રોકડા વસુલ કર્યા.. એક વરસ સુધી કોઇ પણ ન્યાયાધીશ સામે રજુ કર્યા વગર ઇસ્ટ ઇંડીયા કંપનીએ રાજા અમરસિંહને ગોરખપુરની જેલમાં રાખ્યા. ફેબ્રુઆરી ૧૮૬૦માં તેમણે જાહેર કર્યું કે જેલના દવાખાનામાં અમરસિંહ મૃત્યુ પામ્યા. જગતને લાંબા સમય સુધી આની જાણ ન થઇ.
૧૮૫૮ના અંતમાં કંપની સરકારે જાહેર કર્યું, "સિપાઇઓનો બળવો’ નિષ્ફળ થયો. હિંદુસ્તાનના ‘ભૂતપૂર્વ રાજ્યકર્તા’ - અંગ્રેજીમાં “ex-ruler of India’ બહાદુરશાહ ઝફર પર રાજદ્રોહનો આરોપ લગાડી તેને ગિરફ્તાર કરવામાં આવ્યો છે અને તેને તડીપાર કરી બ્રહ્મદેશના રંગુનની જેલમાં મોકલવામાં આવ્યો છે.
"બહાદુરશાહના બળવાખોર પુત્રો વિદ્રોહીઓના નેતા હતા, તે લડાઇમાં માર્યા ગયા છે. હવે દેશમાં શાંતી પ્રવર્તી રહી છે."
ખુદ અંગ્રેજ ઇતિહાસકારોએ લખ્યું છે કે હકીકતમાં શાહજાદાઓને દિલ્લીની સડક પર તેમના મહેલમાંથી ઘસડીને બહાર કાઢવામાં આવ્યા હતા અને જેને ખુદ અંગ્રેજો “બદમાશ” (renegade) કહેતા હતા તે કૅપ્ટન હડસને આ નિ:શસ્ત્ર શાહજાદાઓનાં લમણા પર પિસ્તોલ મૂકી, ગોળી ચલાવી મારી નાખ્યા હતા. દુ:ખની વાત તો એ છે કે આ કૅપ્ટન હડસનનો રિસાલો આજે પણ ભારતીય સેનામાં મોજુદ છે અને તે “Hodosn’s Horse”ના નામથી ઓળખાય છે. આજે પણ તેમાં મુખ્યત્વે સિખ સૈનિકો ભરતી થાય છે.
કૅપ્ટન ટૉમસ રૅટ્રેના સિખ સૈનિકોએ પાંચમા રિસાલાના ૨૦૦ જવાનોની કતલ કરી હતી અને આદિથી અંત સુધી કંપની સરકારને સાથ આપ્યો હતો. આજે પણ ભારતીય સેનામાં સિખ રેજીમેન્ટની ૩જી બટાલિયન- 3 Sikh - Rattray’s ના નામથી ઓળખાય છે.
૧૮૫૯માં મહારાણી વિક્ટોરીઆએ ઢંઢેરો બહાર પાડી લૉર્ડ ડલહાઉઝીની ખાલસા નીતિ પાછી ખેંચી લીધી. ૧૪ સિવાય બધા વિદ્રોહીઓને માફી જાહેર કરી.
આ ૧૪ જણામાં નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે જેવા ૧૨ નેતાઓ અતિ પ્રખ્યાત હતા. બે વ્યક્તિઓ વિશે ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હતું. તે હતા રિસાલદાર બ્રિજ નારાયણ પાંડે અને લાન્સ દફાદાર જગતસિંહ. જ્યારે પણ તેઓ પકડાય, તેમના પર તરત મુકદ્દમો ચલાવી સજા કરવી એવો હુકમ હતો.
વિપ્લવ પતી ગયો, સમય વિતી ગયો, તેમ છતાં આપ જેવા વિચાર કરનાર ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો અને ઉઠતો રહેશે. ૧૮૫૭માં અસલ દેશદ્રોહી કોણ હતા?
ભારતના શહેનશાહ બહાદુરશાહ ઝફર? તેમની હકૂમત નીચેના લખનૌના નવાબ, નાનાસાહેબ, કુંવરસિંહ જેવા નાના મોટા રજવાડા અને તેમની પ્રજા? કેટલાક વિચારવંતોના કહેવા પ્રમાણે ઇસ્ટ ઇંડીયા કંપની પોતે જ નિમકહરામ હતી. તેણે પોતે જ રાજદ્રોહ કર્યો હતો. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે બક્સરની સંધિમાં દિલ્લી સલ્તનતના શહેનશાહે ઇસ્ટ ઇંડીયા કંપનીને સલ્તનતના નોકર તરીકે બંગાળ અને બિહાર પ્રાન્તનો કર ઉઘરાવવા દિવાન તરીકે નિંમણૂંક કરી હતી. આ જ ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ દિલ્લીની સલ્તનત વિરૂદ્ધ શસ્ત્ર ઉઠાવી દિલ્લીના શહેનશાહને કેદ કરી રંગુન મોકલ્યા હતા. આ રાજદ્રોહ નહિ તો બીજું શું હતું? તેમણે રાજદ્રોહ - treason - ત્યારે કર્યો જ્યારે તેમણે બહાદુરશાહ ઝફરને કેદ કર્યા અને તેમની પ્રજાની તથા રાજકુમારોની હત્યા કરનારાઓને માન અકરામ અને વિક્ટોરીયા ક્રૉસ જેવા બહાદુરીના સર્વોચ્ચ તમગા આપ્યા. કવિહૃદયના શહેનશાહને બે ગજ જમીન તો નસીબ થઇ, પણ કૂ એ યાર -માં નહિ: તેમને રંગુનની જેલના કોટની રાંગની પાછળ, એક નિર્જન, અનામી કબરમાં દફનાવવામાં આવ્યા.
વિશ્વભરમાં British Justiceને આદર્શ ગણવામાં આવે છે. આ આદર્શ ઇસ્ટ ઇન્ડીયા કંપની માટે લાગુ કરવામાં આવ્યો નહોતો.
ખેર, આપણો સંબંધ તો આપણા નાયક જગતસિંહ પૂરતો જ સિમીત છે. બાકીના પ્રશ્નોનો ઉકેલ તો વાચકોએ, ભારતના રાજકર્તાઓ તથા ઇતિહાસકારોએ કરવાનો છે. સર જદુનાથ સરકાર, ગો.સ. સરદેસાઇ, આર.સી. મજુમદાર જેવા ભારતીય ઇતિહાસવિદ્ પૂર્ણ-સંશોધીત તવારીખ લખી ચૂક્યા છે. તેની અવહેલના કરી સ્થાપીત હિતોના અને ખુદ પોતાના અંગત સ્વાર્થ માટે સરકારમાં રહેલા રાજકારણીઓ દ્વારા ચલાવાતી ભારતની સરકાર પાસેથી ન્યાયની આશા રાખવી બેકાર છે. તેમણે તો શહીદ ભગતસિંહ, રામપ્રસાદ ‘બિસ્મીલ’ તથા શુકદેવ રાજ્યગુરુને સરકાર પ્રણીત પાઠ્યપુસ્તકોમાં ‘આતંકવાદી‘ - terrorists જાહેર કર્યા છે!
ઇતિહાસની બાબતમાં ભારતીય જનતાએ શું કરવું એ આ કથાનો વિષય નથી. આપણી કથા ખાસ વ્યક્તીઓની છે.

6 comments:

 1. દુઃખની વાત એ છે કે, કમ્પની અને અંગ્રેજ સરકારને સારા કહેવડાવે, તેવા આપણા હાલના રાજકારણીઓ છે.

  આ કથની સાથે જ જે વાંચી રહ્યો છું; તે સર પ્રભાશંકર પટ્ટણીનું જીવન પણ ખરેખર અદભૂત છે. અંગ્રેજી રાજ્યની ગુલામી કરવા છતાં; એમના ગુંણો જાણી બહુ પ્રફુલ્લિત થયો છું.
  આપણા ઈતિહાસની આ ગૌરવકથાઓ , પ્રાણવાન જીવનો નવી પેઢીને પ્રેરણા આપે; તેવી આશા રાખીએ.

  ReplyDelete
 2. @ સુરેશભાઇ, સાવ સાચી વાત કહી.
  સર પ્રભાશંકર તો ઋષી હતા. વ્યવસાય તેના ઠેકાણે રાખી પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે તેમણે કદી પણ બાંધ છોડ ન કરી. નિ:સ્પૃહતા, અણીશુદ્ધ ચારિત્ર્ય અને પારદર્શક પ્રામાણિકતાથી તેમનું વ્યક્તિત્વ હજી સુદ્ધાં લોકો યાદ રાખે તેવા સંત હતા. શાળામાં અમે તેમની કવિતા "ઉઘાડી રાખજો બારી" શીખી હતી, તેની પંક્તિઓ હજી યાદ છે.

  ReplyDelete
 3. નરેન્દ્રભાઈ, તમારી શ્રેણી ના છેલ્લા ફકરાએ વિચાર કરતો કરી દીધો. ઈતિહાસ કોને કહેવાય કે શું ઈતિહાસ કહેવાય, તે તો આપડા લોકો અંગ્રેજી રાજ્યકર્તા અને કહેવતો ઈતિહાસ વાંચીને શીખ્યા છે ને! ધન્યવાદ.

  ReplyDelete
 4. ખૂબ સરસ
  આપણા ગુજરાતનો ઇતિહાસ પણ ઉજાકર કરે તેવો છે જ!કુખ્યાત અંગ્રેજ કેપ્ટન જેમ્સ મિલવધની આગેવાની હેઠળ ૯ તોપ અને ૨૦૦૦ના સૈન્ય સાથે માંડ ૧૧૦૦ની વસતી ધરાવતા ટચૂકડા અનગઢ પર હુમલો કરી દીધો. મોત નિિશ્ચત હોવા છતાં શહાદતના હોંશીલા રાજપૂતો કેસરિયા કરીને રણે ચડયા. આખી રાત મહીસાગરની કોતરો તોપના અવાજ, બારૂદની ગંધ અને આગની જવાળાથી છવાતી રહી.
  અનગઢના જીર્ણ બુરજ અને કાંગરા શહાદતની આ યશગાથા સાચવવા મથી રહ્યા છે. અંગ્રેજ ઇતિહાસકાર આર્થર મેકસવેલે ‘૧૮૫૭: ટ&થ બેનિથ ધ લાઇઝ’ પુસ્તકમાં અનગઢની વીરતાનો ઉલ્લેખ કર્યોછે, કમનસીબે આપણાં સરકારી દસ્તાવેજો કે ઇતિહાસના પાઠયપુસ્તકોમાં કયાંય આઝાદીની આ ગુજરાતી યશકથાનો ઉલ્લેખ નથી. પ્રજાજનોના સ્વયંભૂ લશ્કરે માત્ર લાકડી, તલવારથી મહાશકિતશાળી અંગ્રેજોને પડકાર ફેંકયો હતો. સરવાળે હરદાસ સહિત ૧૬ જણાને તોપના નાળચે બાંધીને ફૂંકી દેવાયા હતા. ચાંડુપનું પરાક્રમ પણ અનગઢની બરોબરીમાં ઊભું રહે તેવું યશસ્વી છે.
  શહિદોં કી મઝારોં પર લગેંગે હર બરસ મેલે,
  વતન પે મરને વાલોં કા યહી બાકી નિશાઁ હોગા
  દયાનંદ સરસ્વતીના જન્મસ્થળે શ્રઘ્ધાનો એક દિવડો કે ઋણસ્વીકારની એક અગરબત્તી પ્રગટાવવામાંથી ય ગયા છીએ.પ્રજ્ઞાજુ

  ReplyDelete
 5. @ Envy: અંગ્રેજ ઇતિહાસકારો ગયા, પણ તેમનું સ્થાન લીધું છે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)ના નવા ફાલના પ્રૉ. ઇરફાન હબીબ, શર્મા તથા રોમીલા થાપર જેવા માર્ક્સીસ્ટ ઇતિહાસકારોએ. શહીદ ભગતસિંહને આતંકવાદી અને ઔરંગઝેબને સર્વધર્મનિરપેક્ષ સિદ્ધ કરનારા આ ઇતિહાસકારો ભારતનો ઇતિહાસ બદલવા બેઠા છે.

  @ પ્રજ્ઞાજુ: મહર્ષિ દયાનંદ સરસ્વતિનો સાચો સંદેશ ઉપાડી લીધો હોય તો તે પંજાબીઓએ. આજે પંજાબના હિંદુઓમાં આર્યસમાજનો પ્રસાર ભારતમાં સૌથી વધુ છે. અમે જાલંધરમાં હતા ત્યારે જાતે જોયું કે DAV હાઇસ્કુલ અને કૉલેજના શિક્ષણનું સ્તર સૌથી ઊંચું ગણાતું. આ છે મહર્ષિ પ્રત્યેની સાચી અંજલિ.

  ReplyDelete
 6. વિશ્વભરમાં British Justiceને આદર્શ ગણવામાં આવે છે. આ આદર્શ ઇસ્ટ ઇન્ડીયા કંપની માટે લાગુ કરવામાં આવ્યો નહોતો.
  ખેર, આપણો સંબંધ તો આપણા નાયક જગતસિંહ પૂરતો જ સિમીત છે. બાકીના પ્રશ્નોનો ઉકેલ તો વાચકોએ, ભારતના રાજકર્તાઓ તથા ઇતિહાસકારોએ કરવાનો છે
  Theuntold history in the told history by the British.
  The Truth which was hidden is revealed !
  DR. CHANDRAVADAN MISTRY

  ReplyDelete