Friday, March 25, 2011

પરિક્રમા: સાગરના સંગમ પર...

“સુબેદાર રામ પ્રતાપ સિંહા? કયા ગામના હતા તે યાદ છે?”
“આ વાતને બે-ત્રણ વર્ષ થઇ ગયા તેથી યાદ નથી. જો કે હું તેમની વિગતો મેળવી શકું તેમ છું. ભારતની આર્ટીલરીનું મુખ્ય કેન્દ્ર તથા રેકૉર્ડ ઓફિસ મહારાષ્ટ્રના નાસિક નજીક દેવલાલી કૅમ્પમાં છે. ત્યાંના રેકૉર્ડઝ અૉફિસર મેજર નાયર મારા ક્વાર્ટરમાસ્ટર હતા. તેઓ મને આ માહિતી આપી શકશે. અત્યારે બપોરના ત્રણ થયા છે. તે હજી અૉફિસમાં જ હશે. હું તેમને ફોન કરી જોઉં,” કહી તેઓ ફોન કરવા તેમની લાઉન્જમાં ગયા. થોડી વારે બહાર આવીને તેમણે કહ્યું, “નાયર એકાદ કલાકમાં ફોન કરશે.”
કલાક વિતતાં પહેલાં મેજર નાયરનો ફોન આવ્યો. કર્નલ ચંદ્રાએ તેમની સાથે વાત કરી અને નોંધ કરેલો એક કાગળ લઇને બહાર આવ્યા.
“I have some good news and bad news. ખરાબ સમાચાર એ છે કે સુબેદાર રામ પ્રતાપ સિંહા બે વર્ષ પહેલાં અવસાન પામ્યા.”
“Oh God! After all the effort!!” વિનય બોલ્યો.”હવે સારા સમાચાર કહો તો!
“સારા સમાચાર એ છે કે તેમની એક માત્ર વારસ - નેક્સ્ટ અૉફ કિન તેમની દિકરી છે અને તે પટના રહે છે. તેનું નામ,” કર્નલે કાગળ તપાસીને કહ્યું, “હા, તેનું નામ શ્રીમતિ રૂપવતીદેવી વાઇફ અૉફ રામ અભિલાષ છે. પટનાની નજીક કોઇ નયી કૉલોની વિસ્તારમાં રહે છે.”
“મને ખબર છે આ નયી કૉલોની ક્યાં આવી. પટના-આરા રોડ પર બાટા શૂ ફૅક્ટરીની નજીક છે. It is more or less a slum,” વિનય ઝાએ કહ્યું.
“આપણે કાલે જ તેમને મળીશું. What do you say, Sean?” સુઝને કહ્યું.
“કાલે ક્રિસમસ છે! આથી વધુ સારો દિવસ ક્યો હોઇ શકે?” શૉને કહ્યું. એક બે મિનિટ વિચાર કરી તેણે કર્નલ ચંદ્રાને કહ્યું, “આપને તથા મિસેસ ચંદ્રાને વાંધો ન હોય તો કાલે અમારા મહેમાન થશો તો અમે આભારી થઇશું. કાલે “મૌર્ય”માં મોટી પાર્ટી છે. વિનય, તમે અને તમારા પત્નિ પણ જરૂર આવશો. આપણે એવું કરીએ તો? આપણે બધા અહીંથી સાથે નીકળીએ. હું “મૌર્ય”માં ફોન કરી આપના માટે રૂમ્સ બૂક કરાવી દઉં. સુબેદાર સાહેબની દિકરીને મળવા જઇશું ત્યારે આપ સાથે આવશો તો એક ઉત્સવ જેવું થશે.”
“મને શંકા ફક્ત એક વાતની છે, મોહન ભાઇસાહબ, આટલી માહિતી પરથી એમ કેમ કહી શકાય કે રામ પ્રતાપ સિંહા ઠાકુર જગતપ્રતાપના વંશજ છે?”
“અમુક અંશ સુધી પ્રાસંગીક પુરાવાનો આધાર લઇએ તો આનો જવાબ મારા દાદાજીના સાચવેલા આ પત્રમાંથી મળશે. અમે તામ્રપત્ર સાથે સંકળાયેલા જગતપ્રતાપસિંહના વારસોના જે ખાસ પત્રો આવ્યા, તે અમે સાચવી રાખ્યા હતા. આ પ્રથા શરૂથી જ અમલમાં મૂકાઇ હતી.
“નાયરના ફોન બાદ મેં સંદૂકમાંથી જુના પત્ર કાઢ્યા તેમાંથી રામનરેશ સિંહાએ દાદાજીને લખેલા પત્રમાં ઉલ્લેખ છે. તેમણે લખ્યું હતું કે તેમનો સોળ વર્ષનો પૌત્ર રામ પ્રતાપ તેના વડદાદાની જેમ મિલીટરીમાં જોડાયો છે, તેને તોપખાનામાં ભરતી કરી મોકલવામાં આવ્યો છે,” કહી એક જુનું આઠમા એડવર્ડના સ્ટૅમ્પવાળું પોસ્ટકાર્ડ વિનયને આપ્યું. “શૉન, આ હિંદીમાં છે. વિનય તેનું ભાષાંતર કરી આપશે.”
“તો પછી તમે શું નક્કી કર્યું? તમે બધા આવશો તો અમને ઘણી ખુશી થશે,” સુઝને કહ્યું.
“અમે તમારા આતિથ્ય પર impose નથી....”
“ના રે! અમને તો ખુશી થશે.”
અંતે તેઓ પટના જવા તૈયાર થયા. પટના જવાનું થાય ત્યારે કર્નલ તથા તેમનાં પત્નિ વિનયકાંતને ઘેર જ ઉતરતા. તેમણે નક્કી કર્યું કે સવારે તેઓ “મૌર્ય”માં શૉનને મળશે. પહેલી વાર રૂપવતીને મળવાનું હોવાથી ઔપચારીકતા જાળવવા તેમણે તેના માટે મોંઘી સાડી અને તેના પતિ માટે ઘડીયાળ ખરીદવી. રૂપવતીને કેટલા બાળક હતા તેની જાણ ન હોવાથી તેમના માટે મિઠાઇઓ લેવાનો વિચાર કર્યો.
સવારે સુઝને હોટેલના કૉન્સીએર્જને તપાસ કરવા કહ્યું કે રામ અભિલાષને ફોન જોડી આપે. તેને જણાવવું જરૂરી હતું કે છ-સાત વ્યક્તિઓ તેમને મળવા સવારે આવવાના છે. કૉન્સીએર્જ ભલો માણસ હતો. તેણે તપાસ કરીને કહ્યું, “મૅડમ, આ નામ પર કોઇ કનેક્શન નથી. સાચું કહું તો નયી કૉલોનીમાં કોઇને ત્યાં ટેલીફોન નથી. ત્યાં એક કૉલબૂથ છે. ત્યાં તપાસ કરી જોઉં.” તપાસ કરતાં બૂથના માલિકે કહ્યું કે હા, કૉલોનીમાં રામ અભિલાષ રહે છે પણ તેને બોલાવી શકાય તેમ નથી. અંતે તેમણે ત્યાં ખબર કર્યા વગર જવાનું નક્કી કર્યું. આ વાતો ચાલતી હતી તેવામાં ઝા અને ચંદ્રા દંપતિ ત્યાં આવી પહોંચ્યા. તેમની પાસે તેમની પોતાની કાર હતી, પણ સુઝને હોટેલ દ્વારા બે મોટરકારની વ્યવસ્થા કરી. પહેલાં તેમણે ખરીદી કરી અને નયી કૉલોની જવા નીકળ્યા.
આરા રોડ પર બાટા ફૅક્ટરીથી આગળ ગયા ત્યાં રસ્તાની બન્ને બાજુએ દુકાનો જોઇ. પહેલી મોટરમાં કર્નલ, વિનય અને શૉન હતા. તેમની પાછળ સ્ત્રીઓ. શૉફર આ રસ્તાથી પરિચિત હતો, જો કે અંદરની ગલીઓથી સાવ અણજાણ. તેણે એક ચ્હાની દુકાન પાસે મોટર રોકી પુછ્યું, “ભૈયા, રામ અભિલાષ ક્યાં રહે છે?”
“રામ અભિલાષ? પેલો બાટા શૂ ફૅક્ટરીમાં બાબુ છે એ તો નહિ?”
“ભાઇ એ તો અમે નથી જાણતા, પણ તેમની પત્નિનું નામ રૂપવતી છે.”
“અરે ભૈયા, એવું બોલોને! એ તો અમારા કિશોરની બુઆ છે. એવું કરો, આ... ડાબી બાજુની ગલીમાં વળી જાવ અને..”એટલામાં ત્યાં એક ટોળું ભેગું થઇ ગયું. તેમાંનો એક યુવાન સાઇકલ સાથે હતો, તેણે કહ્યું, “ડરાઇવરસા’બ, મારી પાછળ આવો. હું તમને રુબ્બતીચાચીને ઘેર પહોંચાડીશ. મારી પાછળ તમારી મોટરને રેસ મારો!” કહી મોટરની આગળ થઇ ગયો અને ઝડપથી સાઇકલ મારી મૂકી. જતાં જતાં તે મોટેથી જાહેરાત કરતો હતો, “સાંભળો, રુબ્બતીકાકીને મળવા ગોરી મેમસાબ અને બડા સાબલોગ આવ્યા છે, બાજુ ખસો!”
રસ્તા સાંકડા હતા તૈથી મોટર જરા ધીમે ધીમે જવા લાગી. મહોલ્લાના લોકો કુતૂહલથી મોંઘી મોટર અને તેમાં બેસેલા પૅસેન્જરોને જોવા રસ્તાની બન્ને બાજુએ લાઇનબંધ થઇ ગયા.
“અરે જમની, જસોદા, આમાંની પેલી મેમ જોઇ? કેટલી રૂપાળી છે!”
અંતે સાઇકલવાળો રૂપવતીના બેઠા ઘાટના કમ્પાઉન્ડવાળા મકાન પાસે ઉભો રહ્યો. ડેલીનો દરવાજો અર્ધો ખુલ્લો હતો તેને ધકેલી મોટેથી બુમ પાડી, “રૂબ્બતી કાકી હમ રવિશંકર હૈં. તમારે ઘેર મહેમાન આવ્યા છે. બહુ મોટા માણસો છે. તેમની સાથે એક ગોરી મેમસાબ પણ છે.”
કર્નલે શૉન અને સુઝનને આગળ કર્યા, અને તેમનો પરિવાર તેમની પાછળ ઉભા રહ્યા.
એટલામાં મકાનની અંદરથી રણકતો અવાજ આવ્યો, “કૌન હૈ ભૈયા? હમરા કોનુ મહિમાન નાહિ...” અને આખું બારણું ખોલ્યું. તેની સામે શૉન ઉભો હતો. તેને જોઇ તે હેબતાઇ ગઇ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. શૉન પરથી તેની નજર હઠતી નહોતી. અચાનક તેનો હાથ તેની છાતી પર ગયો અને અસ્ફૂટ સ્વરે બોલી ઉઠી, “હાય રામ! ભૈયાજી આપ?” અને તેના હોશ ઉડી ગયા. સુઝન નજીક હતી તેણે તરત આગળ વધી તેને સંભાળી લીધી. “ભૈયાજી તો...”
હવે કર્નલ આગળ આવ્યા. તેમણે કહ્યું, “બહેનજી, તમે શું કહો છો તે અમે કોઇ સમજી શકતા નથી. તમારા મહેમાન અમેરીકાથી આવ્યા છે. અમે અંદર આવીએ? તમને બધી વાત સમજાવીશું.”
રૂપવતીએ પોતાની જાતને સંભાળી લીધી અને સહુને ડેલીની અંદર આવવાનું કહ્યું. તેની પાછળ બે છોકરીઓ હતી. તેઓ કમ્પાઉન્ડમાં આવ્યા. મહેમાનોને જોઇ તે અંદર દોડી ગઇ અને મહેમાનોને બેસવા માટે મુંઢાની તિપાઇ ગોઠવવા લાગી. એટલામાં બહારથી એક છોકરો દોડતો આવ્યો. હાંફતા અવાજે તે બોલ્યો, “બુઆ, મેં સાંભળ્યું કે કોઇ મહેમાન આવ્યા....” અને શૉનને જોઇ તે સ્તબ્ધ થઇ ગયો. તેની વાચા બંધ થઇ ગઇ. “બાબુજી, આપ?” તે માંડ માંડ બોલ્યો. બે-એક સેકંડ બાદ તેનો ચહેરો ખુશીના હાસ્યથી છલકાઇ ગયો. “તો સાન્ટા આખરે તમને લઇ આવ્યો!”
શૉન અને સુઝન આ જોઇને અવાચક થઇ ગયા.કોઇ અદ્ભૂત, ન સમજાય તેવો અલૌકિક બનાવ બની રહ્યો હોય તેવું તેમને લાગ્યું. તેમણે કર્નલ તરફ જોયું. કર્નલે માથું હલાવ્યું, જાણે કહેતા હોય કે હું પણ તમારી જેમ દિઁગમૂઢ થયો છું.”
અહીં રૂપવતીની દિકરીઓએ એક ચારપાઇ બીછાવી અને ચાર મૂંઢા ગોઠવ્યા. મહેમાનો બેઠા અને મિસેસ ચંદ્રાએ વાતનો દોર પકડ્યો.
“રૂપવતી બહેન, તમે જે કહ્યું અને આ બાળકે જે વાત કરી તે અમને સમજાવશો? તમારા મહેમાન પહેલી વખત ભારત આવ્યા છે. કદાચ તમારા દૂરના સગા વહાલા હોય એવી ધારણા છે તેમની.”
“શું કહું બહેનજી! મારા ભાઇ બે વર્ષ પહેલાં ગુજરી ગયા. ડાકુઓની ગોળીથી મારાં ભાભી અને ભાઇ રામેશ્વર બન્નેનું અવસાન થયું હતું. આ સાહેબ આવ્યા છે તે આબેહુબ મારા ભાઇ જેવા દેખાય છે. એ જ કાઠી, એવી જ ઉંચાઇ, એ જ ચહેરો અને ટટ્ટાર ઉભા રહેવાની લઢણ પણ એ જ. તેમને જોઇ હું ચકરાઇ ગઇ. જેમનું અંત્યદર્શન કર્યું હોય તે અચાનક સામે આવે તો તમને પણ કેવું લાગે? આ સાહેબમાં ભાઇમાં એક જ ફેર છે. ભૈયાજી મૂછ રાખતા હતા. આ સાહેબને નથી.”
કર્નલે બાળકને બોલાવ્યો. “અહીં આવ બેટા. હમણાં તેં શું કહ્યું તે અમને સમજાવ તો! સાન્ટા વિશે તું શું કહેતો હતો?”
“ગયા વરસની કિસમીસમાં મેં સાન્ટાને ખાસ કહ્યું હતું. તું બધા બાળકોને તેમની મનગમતી ચીજ ભેટમાં આપે છે. મને મારા બાબુજી જોઇએ. આવતી કિસમીસમાં મારા બાબુજીને લાવી આપ. મેં બજરંગ બલીને પણ વિનંતિ કરી હતી. સાન્ટા બહુ દૂર - ઉત્તર ધ્રુવથી આવે છે. અહીંની ગલીઓમાં ખોવાઇ ન જાય તેથી તમે તેને રસ્તો બતાવજો. આજે બન્ને જણાએ મારી માગણી પૂરી કરી!”
કર્નલે આ વાત શૉન અને સુઝનને કરી. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.
“આવો coincidence થઇ શકે છે?” મિસેસ ચંદ્રાએ પૂછ્યું.
“હા. મેન્ડેલ નામના નૃવંશ શાસ્ત્રીએ ઉંડા અભ્યાસ બાદ તારવ્યું હતું કે સામાન્ય રીતે એક વ્યક્તિના અમુક કે ખાસ કેસીસમાં બધા શારીરિક લક્ષણો તેની ત્રીજી કે ત્યાર પછીની પેઢીના સંતાનમાં હૂબહુ જોવા મળે તે બનવા જોગ છે. આ એક અજબ કોઇન્સીડન્સ છે.”
બુઆ તથા મહેમાનો વાત કરતા હતા તેવામાં કિશોર એક મિનીટ માટે ત્યાંથી છટકી ગયો. તેને જોવું હતું કે સાન્ટાનો રથ કે હનુમાનજીની કોઇ નિશાની તો ત્યાં નહોતી?
બહાર ફક્ત ચળકતી બે મોટર હતી. મોટર પર કંપનીનું નામ હિંદી અને અંગ્રેજીમાં સોનેરી અક્ષરોમાં લખાયું હતું. “સન્તા સિંઘ અૅન્ડ કંપની.” તે આ વાંચતો હતો ત્યાં ગાડીનો ચાલક આવ્યો અને હસીને પૂછ્યું, “બચ્ચા, તારે બેસવું છે ગાડીમાં?”
કિશોરે માથું હલાવીને ના કહી. અચાનક તેની નજર શૉફરના લાલ રંગના યુનિફૉર્મના ખિસ્સાની ઉપરની બાજુએ ચળકતી તેની નેમ-પ્લેટ પર પડી. તેમાં હિંદી અને અંગ્રેજીમાં ડ્રાઇવરનું નામ લખ્યું હતું.
“અંજનિ કુમાર સિંહ”

2 comments:

  1. નરેન્દ્રભાઈ, શું લખવું તે સમઝ નથી પડતી! અદ્ભુત! વિધિ ના લેખ કહો, નિયતિ કહો કે ફક્ત સંયોગ, પરંતુ તમે વર્ણવેલી વાત - સત્ય કથા....વાહ વાહ.

    ReplyDelete
  2. અદભૂત ... અદભૂત.
    જો જે, આવું કાંઈક થશે એવી પૂર્વધારણા જરૂર હતી. વાર્તાના ૧૮૫૭ના જમાનાના વળાંક વખતથી હતી.

    એ સાચી પડતી જોઈ, બહુ જ હરખ થયો.

    કથાના ઉપોદઘાતમાં આમાં તમારી કલ્પનાના રંગ કેટલા, તે સ્પષ્ટતા જરૂર કરજો.
    ગમે તે હો. આવી વાત ગુજરાતી સાહિત્યમાં મેં હજુ સુધી વાંચી નથી.

    માશાલ્લા...

    ReplyDelete