Friday, February 18, 2011

પરિક્રમા: ન્યુ યૉર્કથી કૅલીફોર્નિયા.

૪.

ક્રિસ ન્યુ યૉર્ક આવતાંની સાથે જ કામમાં પડી ગયા. કોઇ પણ મહત્વનું કામ કરવાનું હોય તો તેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટના સિદ્ધાંતનો અવલંબ કરતા. ક્વીન્સમાં કાર્ય ઉપાડતાં પહેલાં તેમણે critical path analysis કર્યું. કયા કયા કામ મહત્વના છે, જે પૂરા કર્યા વગર કામ આગળ વધી ન શકે, અને તેમાં વિલંબ થતાં આગળના બધા જ કામ ખોરંભાઇ જાય. વળી કેટલાક કાર્ય એવા હતા કે જેમાં મલ્ટી-ટાસ્કીંગ થઇ શકે તેનો અભ્યાસ કરી આખા કાર્યનું માળખું તૈયાર કર્યું. પ્રોજેક્ટ ટીમની નિયુક્તિ કરી. જે જુથ - કૅરીબીયન વસાહતીઓ - તેમનું લક્ષ્ય હતું તેમની સિદ્ધીઓ, તેમના વિકાસમાં અવરોધ બનતા મુદ્દાઓ કે નબળા પાસાઓ તથા તેમના માટે કઇ તકો ઉપલબ્ધ થઇ શકે છે તેનું વિશ્લેષણ કરી, તેમને સ્થાનિક પ્રજાના કન્ટ્રોલ ગ્રુપ સાથે સરખાવ્યા. વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને અંતે તેમના વાલીઓની. ક્રિસને કૅરીબીયન દેશોના કેટલાક ભાગમાં પ્રચલિત પત્વા (patois) બોલીનો મહાવરો હતો તેનો પણ ઉપયોગ કરી લોકો સાથે ઘનીષ્ઠ સંપર્ક કરી પોતાનું કામ પૂરૂં કર્યું. તેમણે કરેલા સૂચનો તથા તેને અમલમાં લાવવા માટે કરવો પડે તે ખર્ચના અનુમાન પણ કાઢી આપ્યા. શિક્ષણ ખાતાએ તે મંજુર કર્યા.

આ સમગ્ર કાર્યમાં તેમને એક વર્ષ લાગી ગયું, પણ તેના પરિણામ સુંદર આવ્યા. ત્યાર પછીના પાંચ વર્ષમાં ક્વીન્સની શાળાઓના હાઇસ્કૂલ ગ્રૅજ્યુએટ્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ કોલમ્બીયા, પ્રિન્સ્ટન તથા હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠીત કૉલેજોમાં દાખલા મેળવી શક્યા. તેમણે પોતે માયા તથા શૉન પર કોઇ જાતનું દબાણ લાવ્યા વગર તેમને તેમના પ્રિય વિષયોમાં વિકાસ સાધવાની પૂરી તક આપી.

માયાએ જ્યારે સારા ગુણ સાથે હાઇસ્કૂલનો ડિપ્લોમા મેળવી કોલમ્બિયા યુનિવર્સીટીમાં દાખલો મેળવ્યો ત્યારે તેઓ ખુશ થયા. શૉનને મેડીકલમાં જવાની ઇચ્છા હતી. ક્રિસને આશા હતી કે તે ઘરમાં રહી સ્થાનિક કૉલેજમાં દાખલ થશે. જ્યારે તેણે પિતાને જણાવ્યું કે તેણે ઉત્તર કૅલીફૉર્નિયામાં પૅલો અૅલ્ટોની મેડીકલ સ્કૂલમાં અૅડમિશન મેળવ્યું છે, તેમને ઘણી ખુશી ઉપજી. શૉનને સ્ટૅનફર્ડ યુનિવર્સીટીએ સ્વીકાર્યો તેમાં શૉનની પ્રતિભાનું બહુમાન થયું હતું. તેમના માટે આ ફખ્રની વાત હતી.

શૉન સાન હોસે જવા નીકળ્યો ત્યારે તેમના મનમાં એક પ્રકારનું ખાલીપણું ઉદ્ભવ્યું. કદાચ મનના ઊંડાણમાં એક ભાવના છુપાઇ હતી કે પુત્ર દૂર વેસ્ટ કોસ્ટ જઇને કાયમ માટે તેમનાથી દૂર થઇ જશે.

વર્ષો વિતી ગયા. શૉને સફળતાપૂર્વક અભ્યાસ પૂરો કર્યો અને અૉર્થોપીડીક્સમાં સ્પેશીયાલીઝમ મેળવી. કૉલેજકાળમાં તેનો પરિચય સ્વીડીશ-અમેરીકન યુવતિ સુઝન ગુનારસન સાથે થયો, સ્નેહ થયો અને પોસ્ટગ્રૅજ્યુએશન બાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.

સુઝને બૌદ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો. શૉન athiest અને માનવતાવાદી હતો. તે નિશ્ચયપૂર્વક માનતો હતો કે મનુષ્ય જન્મત: શુદ્ધ મનનો હોય છે, અને તેની પાસે બુદ્ધીમતા છે. માનવમાં મૂળભૂત રીતે સારાસારવિવેકબુદ્ધી હોય છે. સંજોગો તેને કઇ દિશામાં લઇ જાય, અને તેની અસર નીચે કેવી રીતે વર્તવું તે તેણે જ નક્કી કરવાનું હોય છે. તે જાણતો હોય છે કે તેનાં શા પરિણામ આવી શકે છે, અને તે તેણે ક્યારેક તો ભોગવવા જ પડે. આવી વ્યક્તિના સારા કે નરસા વર્તન સામે આપણે કેવો પ્રતિભાવ આપવો તેનો આધાર આપણા મૂલ્યો પર હોવો જોઇએ, નહિ કે કોઇ દૈવી શક્તિના ભયના કારણે કે પાપ પુણ્યના હિસાબે. માનવ તરીકે વ્યવહારમાં પ્રામાણીકતા જાળવી, માનજાતીના ભલા માટે કંઇ પણ કરવું પડે તે કરવામાં જરા પણ અચકાવું ન જોઇએ એવી તેની માન્યતા હતી. સૌજન્ય તો તેના માનસમાં ભારોભાર ભર્યું હતું. તે માનતો હતો કે જેમ તેને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનો અધિકાર છે, તેવો હક્ક કોઇ ધર્મ કે પંથ પર રાખવાનો અન્ય વ્યક્તિને છે. સુઝનની ભાવના પ્રત્યે શૉનને ઘણું માન હતું તેથી સુઝનનું મન તેના મન સાથે મળી ગયું હતું.

લગ્નની તૈયારી કર્યા બાદ મકાન લેવાની વાત નીકળી ત્યારે સુઝને જ શૉનને આગ્રહપૂર્વક કહ્યું કે લગ્ન બાદ ક્રિસ તથા ગ્રેસ તેમની સાથે રહેવા આવે. પરિણામે માતા-પિતા અને પુત્ર-પુત્રવધુનો બનેલો પરસાદ પરિવાર લગુના બીચ રહેવા આવ્યો હતો. સદ્ભાગ્યે તેમની આવક એટલી હતી કે તેઓ ગ્રૅની-ફ્લૅટ સાથેનું સમુદ્ર કિનારે ઘર લઇ શક્યા હતા અને ક્રિસ તથા ગ્રેસ પોતાનું સ્વાતંત્ર્ય જાળવીને પુત્ર-પુત્રવધુ સાથે રહેવા આવ્યા હતા.


* * * * * * * * *

4 comments:

  1. અને ક્રિસ તથા ગ્રેસ પોતાનું સ્વાતંત્ર્ય જાળવીને પુત્ર-પુત્રવધુ સાથે રહેવા આવ્યા હતા...
    Thus ends the Post !
    What happens now in this Family ?
    We will wait for the next Post !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Hope to see you again on Chandrapukar for the New Post !

    ReplyDelete
  2. આ વાંચતા હંમણાના સંદર્ભમા વાતો યાદ આવી. વાઈટ હાઉસમા જેમને માન અપાયું તે વિશિષ્ટ સેલિબ્રિટી - વોરન બફેટ કેલિર્ફોિનયાના
    'આવી વ્યક્તિના સારા કે નરસા વર્તન સામે આપણે કેવો પ્રતિભાવ આપવો તેનો આધાર આપણા મૂલ્યો પર હોવો જોઇએ, નહિ કે કોઇ દૈવી શક્તિના ભયના કારણે કે પાપ પુણ્યના હિસાબે. માનવ તરીકે વ્યવહારમાં પ્રામાણીકતા જાળવી, માનજાતીના ભલા માટે કંઇ પણ કરવું પડે તે કરવામાં જરા પણ અચકાવું ન જોઇએ એવી તેની માન્યતા હતી' ઘણી ઓછી જગ્યાએ જોવા મળતી આ ભાવનાને સલામ.

    લગુના બીચ ખાતે પણ ૪૦ લાખ ડોલરનું ઘર ધરાવે છે. બફેટ ઓમાહા છોડીને બહારગામ જવું ઓછું પસંદ કરે છે! અને સમાચારમા વારંવાર ચમક્તી ટ્રાઇ વેલી યુની.અને ભારતના વિદ્યાથ્રીઓ!સ્ટૅનફર્ડ યુનિવર્સીટીમા અભ્યાસ કરવાની ઘણાની ઈચ્છા હોય છે પણ કૅલીફૉર્નિયાના વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશની તકલીફ પડે છે કારણકે બહારના વિધાર્થીઓ પાસે વધુ ફી લઇ શકાય છે!
    "તેઓ ગ્રૅની-ફ્લૅટ સાથેનું સમુદ્ર કિનારે ઘર લઇ શક્યા હતા અને ક્રિસ તથા ગ્રેસ પોતાનું સ્વાતંત્ર્ય જાળવીને પુત્ર-પુત્રવધુ સાથે રહેવા આવ્યા હતા"

    પણ બહુ મૉટી વાત છે!
    ગંમતની વાત -હવે રાહ જોઈએ કે તમારા અને ડૉ મીસ્ત્રિના લો.ઍ.ના ઘર નજીક આવ્યા કે...પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  3. @ પ્રજ્ઞા બહેન,
    આપના પ્રતિભાવ માટે આભાર. આપને શૉનનું પાત્ર ગમ્યું તેનો આનંદ છે. અમારા અતિ નિકટના એક યુવાનના અંતરંગનો અભ્યાસ કર્યા બાદ તેના પરથી આ પાત્ર સર્જાયું છે. હા, સત્ય પણ કલ્પનાતીત હોઇ શકે છે, તે આપ ક્યાં નથી જાણતા?

    કૅલીફૉર્નિયામાં આપ ક્યારે પધારો છો તેની રાહ જોઇ રહ્યો છું. અલભ્ય લાભ થશે!

    @ ચંદ્રવદનભાઇ,
    હંમેશની જેમ આપનો સાથ મળતો રહે છે તેની ખુશી છે. આવો જ પ્રતિભાવ આપતા રહેશો.

    ReplyDelete
  4. નરેન્દભાઈ,

    ફરી તમારા બ્લોગ પર..અને જે પોસ્ટ વાંચી તે જોવાનું મન થયું.

    તો..પ્રજ્ઞાજુબેનનો પ્રતિભાવ વાંચ્યો.

    અને, તમે "બે શબ્દો" લખ્યા તે વાંચ્યા.

    તમે બંને મિત્રોએ "ચંદ્ર"ને વચ્ચે મુક્યો....ખુબ જ આનંદ થયો !

    પ્રજ્ઞાજુબેન તો કેલીફોર્નીઆ આવ્યા, અને પાછા ઘરે ચાલી ગયા..

    હું જ્યારે સીડની હતો ત્યારે આવ્યા, અને જ્યારે ૧૨મી ફેબ્રુઆરીએ હું લોસ એન્જીલીસ,

    તો એ જ દિવસે એમણે વિદાય લીધી....ખરેખર એક્બીજાને મળવાની આશા પુર્ણ ના થઈ.

    એક દિવસ પ્રભુ ઈચ્છા હશે તો..એ પણ શક્ય હશે !

    >>>>ચંદ્રવદન

    Narenbhai....It is always a pleasure to be on your Blog !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    I will be reading New Posts too.

    ReplyDelete