Friday, February 25, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨ "ઘુવડ બોલ્યું"

રાધાના પિતા બલદેવ સહાયને પ્રથમ પત્નિથી ત્રણ સંતાન હતાં: રામદુલારી, શ્યામલાલ અને જસોદા. પત્નિનું અવસાન થયું ત્યારે તેઓ ૪૭ વર્ષના હતા. બે વર્ષ વિધુરાવસ્થામાં ગાળ્યા અને સગાં તેમની પાછળ પડી ગયા: ‘બીજાં લગ્ન કરો. ઘરડે ઘડપણ બે વખતનો રોટલો રાંધીને ખવડાવે અને સેવા કરે એવી પત્નિ લઇ આવો. દહેજ લેવાની ના પાડશો તો કન્યા-પિતાઓની તમારા આંગણે લાઇન લાગી જશે.’ ન્યાતમાં કન્યાઓની કમી નહોતી. એટલે સુધી કે પુરુષ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ દોઢગણું હતું તેથી સાચે જ તેમના ઘેર વધુ-પિતાઓની અવરજવર શરૂ થઇ ગઇ. આમ પણ ઉત્તર ભારતમાં કહેવત છે કે ઘોડો અને માણસ કદી વૃદ્ધ નથી થતા. પુરુષ માટે આ કહેવત તેની બોજ કે જવાબદારી ઉઠાવવાની ક્ષમતા કરતાં તેની પ્રજનન શક્તિને ઉદ્દેશી બનાવાઇ છે તે સ્પષ્ટ છે.
ચકાસણી કર્યા બાદ તેમણે શાંતીદેવીને પસંદ કર્યા. બિહારના તે સમયના હિસાબે ૨૨ વર્ષની શાંતી લગ્નની ઉમર પાર કરી ચૂકી હતી. લગ્ન ન થવાનું કારણ સાદું હતું: શાંતીદેવી શ્યામ વર્ણનાં હતા. તેમના પિતાને ડર હતો કે જો બલદેવબાબુ તેને પસંદ નહિ કરે તો તે આજીવન કુમારીકા રહી જશે. તેમણે વાંકડો આપવાની પણ તૈયારી બતાવી. બલદેવબાબુએ કન્યા જોઇ, તેનો કરીક્યુલમ વિટા સાંભળ્યો અને દાયજો લેવાનો ઇન્કાર કરીને લગ્ન માટે તૈયાર થયા. મંદિરમાં લગ્ન કરી તેમણે કન્યાપક્ષનો મોટો ખર્ચ સુદ્ધાં બચાવ્યો અને પત્નિને ઘેર લાવ્યા. નવવધુને ખબર હતી કે પતિને ‘બાળકો’ છે, પણ તેમાંના બે તેમનાથી મોટા છે તથા મોટી દિકરી પરિણીત અને બે બાળકોની માતા હતી તેની તેમને જાણ નહોતી.
ત્રણ વર્ષ બાદ રાધાનો જન્મ થયો.
કડક સ્વભાવના પિતા, માતા પર અબોલ, પણ નજરથી ક્રોધ વરસાવનારા ભાઇ બહેનો, અસિમીત કામના બોજ નીચે ડૂબેલી માતાને રાધાએ કદી પણ ભૃકુટિ ભંગ કરતાં પણ જોઇ નહોતી. તેમનાં હોઠનાં ખુણાં પરમાત્માએ એવી રીતે સર્જ્યા હતા, તેમાંથી હંમેશા સ્મિત પ્રગટતું. આંખોની રચના એવી હતી, તેમાંથી સ્નેહ જ વરસતો.
રાધા ત્રણ વર્ષની થઇ ત્યારથી તે માતા સાથે નદીએ કપડાં ધોવા જતી. કપડાં ધોતી વખતે, સૂકવતી વખતે શાંતીદેવી નાનકડી રાધાને તેમની સાથે કજરી ગાવા કહેતી. “હાયે રામા બરખાકી આયી બહાર/સજનવા બરસન લાગી ફૂહાર” કાલા કાલા શબ્દોમાં રાધા ગાતી ત્યારે શાંતાદેવીનો હર્ષ ગગનમાં ન સમાતો. જેમ જેમ તે મોટી થતી ગઇ, તેમને રાધાની બુદ્ધિમતાનો ખ્યાલ આવતો ગયો. તેમણે તેને કજરીની સાથે હોરી, બસંત ગાતાં શીખવ્યા. મોસાળ મધુબનીમાં હતું તેથી ત્યાં શીખેલી કાયેથી ચિત્રકલા રાધાને વારસામાં આપી.
શાંતીદેવીએ રાધાને કોઇ શીખામણ ન આપી કે ન આપ્યો કોઇ ઉપદેશ. તેમણે તો તેમની અશિક્ષીત મા પાસેથી જે સાંભળ્યું અને જીવનમાં ઉતાર્યું તે રાધાને કહ્યું હતું. કહેવાય છે કે આપણું આચરણ હજારો શબ્દોનાં ઉપદેશ કે દોષ જાહેર કરતા હોય છે. તેમણે રાધાને પોતાની તળપદી ભાષામાં કહ્યું હતું, “દિકરી, સુખ અને દુ:ખ માણસના નજરિયા પર આધાર રાખે છે.”
આ નવ શબ્દોમાં તેમનું જીવન સમાયું હતું. તેમાં કોઇ મહાન તત્વજ્ઞાન છે એવું તો નહિ કહેવાય. વાત સરળ છે. જે કાંઇ કરીએ તે ખુશીથી કરીએ તો મન આનંદથી ઉભરાય. કોઇ મુશ્કેલીઓ આવે તો તેને જીવનની ગ્રીષ્મ ઋતુ સમજી સ્વીકારવી. તેના પગબળણાનો અનુભવ લીધો હોય તો જીવનની તડકીમાં બળતા અન્ય લોકોની વ્યથા આપણે સમજી શકીશું. તેમના પ્રત્યે આપણા મનમાં સ્વાભાવિક કરૂણા જન્મે તો તેનો આનંદ જુદા જ પ્રકારનો હોય છે. ગરમીના દિવસોને લોકો વિપદા કહે તો એ તેમનો દૃષ્ટિબિંદુ હોય છે. તેમાંથી દુ:ખ જ ઉપજશે.
આ હતું શાંતીદેવીની વાતનું તારતમ્ય. આ હતો શાંતીદેવીના જીવનનો સાર.
રાધા અગિયાર વર્ષની થઇ અને માતાનું અવસાન થયું. બુદ્ધિમતિ હોવા છતાં તેને ખબર ન પડી કે માતા કામના બોજને લીધે, પતિની ઉપેક્ષાને કારણે, કે જૉન કીટ્સે તેમનાં Ode to a Nightingale’માં વર્ણવેલા alien corn - ભાતીગળ વાતાવરણમાં આવી પડેલ બુલબુલની જેમ ગાતાં ગાતાં જ તે અવકાશના અંતરાળમાં વિરમી ગયા. શાંતીદેવી ગયા. માતાએ સંસ્કારોનો વારસો આપ્યો. મોટાભાઇએ કામનો બોજ સોંપ્યો. પિતા ઘણા વૃદ્ધ થયા હતા અને નવપરિણીત પુત્ર શ્યામલાલ તરફથી તેમની ઉપેક્ષા અને અવહેલના શરૂ થઇ ગયા. તેને કશું કહેવાની તેમની હિંમત નહોતી. રાધાની શાળા બંધ પડી. માતા જે કરતી આવી હતી તે હવે તેના ભાગે આવ્યું. રસોઇ, કપડાં, વાસણ, સાફ સફાઇ, પિતાજીની સેવા - આ બધું તે ગીત ગાતાં ગાતાં કરતી. માતાની જેમ. આનંદપૂર્વક.
પિતા તેની સેવા જોઇને છાનાં આંસુ ગાળી લેતા. રાધાને તેમણે ઘણો સ્નેહ આપ્યો. “તું મારી મા છો, રાધા. તેણે મને જે લાડ પ્યારથી મને મોટો કર્યો, એવી જ રીતે તું મારૂં ધ્યાન રાખે છે. ભગવાન તારૂં ભલું કરે.”
“તમે પણ શું બાબુજી! આ તે કંઇ કહેવાની વાત છે? તમારી દિકરી જ છું ને!”
નસીબની વાત છે. બાપુજીના અવસાન સમયે શ્યામલાલ કામ પર ગયા હતા. ઘરમાં બીજું કોઇ નહોતું, તેથી ગંગાજળ રાધાને હાથે સ્વીકાર્યા.

*********
રાધાને કોકિલ કંઠ તેની મા પાસેથી મળ્યો હતો તેણે તે કેળવ્યો. લોક ગીતો, લગ્નગીતો તે એવી મીઠાશથી ગાતી કે ગામમાં કોઇ લગ્ન હોય તો લોકો તેને ખાસ બોલાવતા.
આવા જ એક લગ્નમાં રામેશ્વરે તેને જોઇ અને ગીત ગાતાં સાંભળી. લગ્ન તેમની કચેરીના સાથીનાં હતા અને વર પક્ષના હોવાથી તેમને માનપાનથી અગ્રસ્થાન મળ્યું હતું. તેમણે મિત્ર પાસે રાધા વિશે પૃચ્છા કરી. તે અપરિણીત છે સાંભળી તેમણે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો.
આદર્શવાદી યુવાન રામેશ્વરે શરતો મૂકી: કન્યાને ફક્ત પહરેલે કપડે વિદાય આપવાની રહેશે અને કન્યાના લગ્નનો પોષાક પણ વર આપશે. લગ્નમાં વરપક્ષ તરફથી ફક્ત પાંચ માણસ હશે: રામેશ્વર, તેમના કાકા રામ પ્રતાપ, બહેન રૂપવતી, લગ્નસંબંધમાં મદદરૂપ થનાર તેમના મિત્ર અને મિત્ર પત્નિ, આર્યસમાજી પ્રથા પ્રમાણે લગ્ન તથા લગ્નભોજન નહિ યોજાય.
શ્યામલાલ તરત રાજી થયા. એક ભણેલા, સરકારી નોકર સાથે બહેનનાં લગ્ન થયા તેના આનંદ કરતાં સસ્તામાં કામ પતી ગયું અને બલા ટળી એની ખુશી વધુ હતી.
બિદાઇ વખતે પાડોશનાં ડોશીમાએ રાધાને કહ્યું, “ દિકરી, હવે તારા દુ:ખના દહાડા ગયા!”
રાધાએ હસીને જવાબ આપ્યો, “ઇમ્રતી માસી, મને ક્યારે દુ:ખ હતું? મારા મસ્તક પર માબાપનો હાથ હતો. મોટાભાઇનું હેત હતું. કદી રાતે ભુખી સુતી નહોતી. તન પર હંમેશા કપડાં હતાં, ઉપર છત હતી. હું તો હંમેશા સુખી હતી. પહેલાં પિયરમાં અને હવે દેવતા સમાન પતિના ઘેર.”
પંચમહાતત્વના બનેલા રાધાના શરીરમાં એવું કયું દિવ્ય તત્વ પરમાત્માએ ભેળવ્યું હતુ જેથી તે આવી અનન્ય-રૂપા સ્ત્રી બની હતી? આ વિચારથી રૂપની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.
રાધા અને રૂપની વાત કહેનારે રાતના અંધકારમાં ઘુવડને પૂછ્યું: આ બે સ્ત્રીઓમાં અનન્યા કોણ છે? મારી વાતનો જવાબ આપીશ?
આ વખતે ઘુવડે એમ ન કહ્યું, “કદી નહિ, કદી નહિ.” તેણે મારી સામે અપલક નજરે જોયું, અને જોતું ગયું, જ્યાં સુધી મારા હૃદયે જ મને જવાબ આપ્યો ત્યાં સુધી.
“વિશ્વની દરેક સ્ત્રી પોતપોતાની રીતે અનન્ય છે.”

6 comments:

 1. Read the whole story.
  This is Bihar ! Once upon a time,
  arena of most prosperous kingdoms and Indian culture and learning.

  Alas! the present polity is leading the whole country into similar ( or more ghastly?) disorder.

  ReplyDelete
 2. નરેન્દ્રભાઈ,
  પોસ્ટ વાંચી....
  શ્યામલાલ (કિશોરના મામા) આવ્યા.
  ભાણેજ કિશોરની સંભાળની ચિંતા દર્શાવ્યા વગર , અને કિશોર તરફ જોયા વગર જ
  સલાહો આપવા લાગ્યા કે હવે એના માટે "અનાથ આશ્રમ" જ છે..ત્યારે રૂપવતીની આશાઓ નિરાશામાં બદલાય ગઈ..અને સેવા આપનાર મિસરી પણ ક્રોધીત થઈ ગઈ.
  આ વાર્તા ભલે "કલ્પના" હોય....પણ જગતમાં ખરેખર આવી જ ધટનાઓ બનતી હોય છે.
  આ જ દુઃખભરી કહાણી છે.

  - ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

  ReplyDelete
 3. "પંચમહાતત્વના બનેલા રાધાના શરીરમાં એવું કયું દિવ્ય તત્વ પરમાત્માએ ભેળવ્યું હતુ જેથી તે આવી અનન્ય-રૂપા સ્ત્રી બની હતી?" આ સંસ્કાર આપવાની પ્રેરણાત્મક પધ્ધતિ અદ્ભુત હતી
  " તેમને રાધાની બુદ્ધિમતાનો ખ્યાલ આવતો ગયો. તેમણે તેને કજરીની સાથે હોરી, ..."
  કજરી ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કજરી નામ શ્રાવણ મહિનામાં ઘેરાતા કાળાં વાદળોની કાલિમાને લીધે થયું છે. વર્ષાઋતુના મનભાવન મહિનાઓમાં ભોજપુરી પ્રદેશમાં કજરીનાં ગીતો ખાસ ગવાય છે. ભારતીય સંસ્કૃતિમાં, સાહિત્યમાં તેમ જ સંગીતમાં વર્ષાઋતુનું સ્થાન અનેરું છે. કજરી, સાવન તથા ઝૂલા ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કાલિદાસનો મેઘજળના ફુવારાથી ભરેલો, મેઘ-ગર્જનની મૃદંગ બજાવતો ધરતી પર રાજશી ઠાઠમાઠથી ઉતરે છે. આદિકવિ વાલ્મીકિનો નીલકમલ સરખો મેઘ દશેદિશાઓને શ્યામ બનાવી શિથિલ પડી ગયો છે. લોકસંગીતમાં પણ વર્ષાઋતુ ભાતભાતનાં ગીત પ્રકાર લઈને આવે છે. ઉત્તર ભારતમાં કજરી, સાવન, ઝૂલા વગેરે મહેફિલી સંગીતમાં સ્થાન પામ્યા છે. ઉપશાસ્ત્રીય સંગીતના કલાકરોએ તેના ગ્રામીણ સ્વરૂપમાં ફેરફાર કરી મૂળ લોકસંગીત અને સાહિત્યનાં તત્વોને અકબંધ રાખી ઉત્તમ રીતે અપનાવ્યાં છે.તેમજ હોરી,બાસંતીમા સંતોનાં બનાવેલાં પદùમાં પણ લૌકિક રંગ-રાગની વાતો આવતી જ નથી.
  એ સંતોના પદùમાં આવે છે :
  'ના ખેલે ઐસી હોરી રે, હમ તો ના ખેલે ઐસી હોરી,
  જ્યા હોરી મેં લાગી રહે, નિત આવાગમન કí દùરી.' આમ ભોજપુરી સંસ્કાર વારસો અપાતો
  “વિશ્વની દરેક સ્ત્રી પોતપોતાની રીતે અનન્ય છે.”
  ખૂબ સુંદર
  પ્રજ્ઞાજુ વ્યાસr

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. has left a new comment on your post "પરિક્રમા - બિહાર : ભાગ ૨ "ઘુવડ બોલ્યું"":

  આભાર પ્રજ્ઞાબહેન. હંમેશની જેમ આપના insightful પ્રતિભાવ 'જીપ્સી'ની વાતને ચાર કળા ચઢાવે છે. અાપે 'કજરી' વિશે લખ્યું તેના ઉપલક્ષ્યમાં બે ગીતો રજુ કરૂં છું. એક તો બનારસ ઘરાણાના શ્રીમતિ ગિરીજાદેવીએ ગાયેલી કજરી

  http://www.youtube.com/watch?v=HuF2H482_h0
  તથા લોકગીત તરીકે બાલીકાઓ દ્વારા ગવાતી કજરી. http://www.youtube.com/watch?v=qmJ53TqHW6M&feature=related

  આ અંકનું શિર્ષક જુનું ગુજરાતી કાવ્ય "ઘુવડ બોલ્યું" મને યાદ છે ત્યાં સુધી નરસિંહરાવ ભોળાનાથ દીવેટીયા દ્વારા લખાયેલું છે. તેમાં કવિ ઘુવડને પ્રશ્ન કરે છે, અને જવાબ મળે છે, "કદી નહિ, કદી નહિ." આ કાવ્ય એડગર અૅલન પોના પ્રખ્યાત કાવ્ય The Raven પરથી પ્રેરાયું હતું.

  ReplyDelete
 6. બિદાઇ વખતે પાડોશનાં ડોશીમાએ રાધાને કહ્યું, “ દિકરી, હવે તારા દુ:ખના દહાડા ગયા!”
  રાધાએ હસીને જવાબ આપ્યો, “ઇમ્રતી માસી, મને ક્યારે દુ:ખ હતું? મારા મસ્તક પર માબાપનો હાથ હતો. મોટાભાઇનું હેત હતું. કદી રાતે ભુખી સુતી નહોતી. તન પર હંમેશા કપડાં હતાં, ઉપર છત હતી. હું તો હંમેશા સુખી હતી. પહેલાં પિયરમાં અને હવે દેવતા સમાન પતિના ઘેર.”
  બહુ જ સુન્દર

  ReplyDelete