Friday, April 24, 2009

પ્રથમ આંચ...

તે દિવસે હું નાગપુરની સિવિલ ડીફેન્સ કૉલેજમાં ટ્રેનિંગ પૂરી કરીને અમદાવાદ પાછો આવ્યો હતો. રાત્રે શહેરમાં તોફાન ફાટી નીકળ્યા. ૧૯૬૭ બાદ અમદાવાદમાં મોટા પાયા પર જ્યારે પણ અશાંતિ થતી ત્યારે બીએસએફને બોલાવવામાં આવે. સવારે રેડિયો પર સમાચાર સાંભળી ખ્યાલ આવ્યો કે આ વખતે તોફાને માઝા મૂકી હતી. ન્યુ મેન્ટલ પાસે આવેલા અમારા હેડક્વાર્ટરને ફોન કર્યો તો જાણવા મળ્યું કે મારી બટાલિયન આગલી રાતે જ કાળુપુર-દરિયાપુર વિસ્તારમાં ફરજ પર લાગી ગઇ હતી. શહેરમાં તોફાન ચાલી રહ્યા હતા. અમારા વાહનો અને બધા 'રીસોર્સીઝ' ડ્યુટી પર પરોવાયા હતા. આસિસ્ટન્ટ ડાયરેક્ટરે મને હુકમ આપ્યો કે તેઓ મારા માટે ગાડી કે ‘એસ્કૉર્ટ’ મોકલી શકશે નહિ, અને મારે કોઇ પણ હિસાબે કાળુપુરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવી રહેલ અમારી ટુકડીમાં પહોંચી જવાનું છે!

મીઠાખળીમાં રીક્ષા કે ટૅક્સી નજરે પડતી નહોતી. હું મીઠાખળી છ રસ્તા તથા નવરંગપુરા તરફ જવાનો વિચાર કરતો હતો ત્યાં અમારા પાડોશી મારી પાસે આવ્યા.

“સાહેબ, તમે બીએસએફના અફસર છો તે જાણીને વિનંતી કરવા આવ્યો છું. અમારા ભાઇનો પરિવાર કાળુપુરના ઝનુની ગણાતા વિસ્તારને અડીને આવેલ પોળમાં રહે છે. અમને તેમની ચિંતા છે. તેમને ત્યાંથી બહાર લાવી, નજીકની જ સલામત ગણાતી ટંકશાળની પોળમાં ખસેડવાના છે. તમે અમને મદદ કરી શકો? તેમના ઘર સુધી લઇ જવા મોટરની વ્યવસ્થા હું કરીશ. તમે યુનિફૉર્મ પહેરેલો હશે તો તમને કોઇ નહિ રોકે.”

મારે એ જ વિસ્તારમાં જવાનું હતું તેથી હું તરત તૈયાર થઇ ગયો. યુનિફૉર્મ તો પહેર્યો હતો, પણ મારી પાસે મારી ૯ મિલીમીટર કૅલીબરની સર્વિસ પિસ્તોલ નહોતી. નાગપુરના કોર્સ માટે હથિયાર જરૂરી નહોતાં તેથી હું નિ:શસ્ત્ર હતો. મને થયું, યુનિફૉર્મ પહેરેલા અફસરને કોણ રોકશે?

અમે તેમની ફિયૅટ કારમાં નીકળ્યા. સરદાર બ્રીજ પાર કરી દિલ્લી દરવાજેથી થોડા આગળ પહોંચ્યા કે ડાબી બાજુએ આવેલી એક ચાલીમાંથી ધારિયાં લઇને મોટું ટોળું ધસી અાવ્યું. મેં ડ્રાઇવરને ગાડી રોકવાનું કહ્યું. મારો યુનિફૉર્મ જોઇને તથા મારી વાત સાંભળીને તેઓ અમારા પ્રવાસમાં અડચણ ઉભી નહિ કરે એવી મને ખાતરી હતી. મેં બારણાંનો કાચ નીચે કર્યો, પણ ડ્રાઇવરે ગાડી પૂર ઝડપે મારી મૂકી. ટોળાંના માણસોએ ધારિયાનાં ઘા માર્યા તે ફિયેટના બૉનેટ, છાપરા પર અને મારી સીટના બારણા પર પડ્યા. મારો હાથ સહેજમાં બચી ગયો.

મને ડ્રાઇવર પર ગુસ્સો આવ્યો. મેં કહ્યું, “તમે ગાડી રોકી હોત તો આવું ન થાત. હું સંભાળી લેત.”

“અરે સાહેબ, આવા ગાંડાતુર ટોળા પર કદી વિશ્વાસ રખાય? એ તો પહેલાં કતલ કરે, અને ત્યાર પછી તપાસ કરે કે ગાડીમાં કોણ હતું.”

તેમની વાત સાચી હતી. ગાડી પર પડેલા ધારિયાનાં ઊંડા ઘા પરથી તેમના ઝનુનનો ખ્યાલ આવી ગયો. બીજી વાત એ પણ હતી કે આવા રમખાણોમાં જનતા પોલીસ પર સૌથી પહેલો હુમલો કરતી હોય છે. મારો યુનિફૉર્મ ખાખી રંગનો હતો. ટોળાંને પોલીસ અને બીએસએફ વચ્ચેના તફાવતની નથી પડી હોતી.

જીવન-મૃત્યુ વચ્ચેની પાતળી રેખા પાર કરી અમે કાળુપુર પહોંચ્યા. ત્યાં અમારી બટાલિયનની કંપનીને જોઇ હું ખુશ થયો. અમારા પાડોશીનું કામ કરી મેં તેમનો આભાર માન્યો અને તેમને સલામત વિસ્તારમાં મૂકી આવ્યો.

તે રાતે હું એક સેક્શન (દસ જવાન) લઇ અસારવા વિસ્તારમાં પેટ્રોલીંગ પર ગયો. કર્ફય્ુ હોવાથી રસ્તાઓ સામસુમ હતા. ટાંકણી પડે તો પણ સંભળાય એવી ભયાનક શાંતિ. રસ્તામાં લગભગ કાટખુણા જેવો વળાંક આવ્યો અને અમે ત્યાં જેવા વળ્યા, વીસે’ક મીટર પર ચાર-પાંચ માણસ હોળી સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું જણાયું. અમે તેમને પડકારતાં જ તેઓ નાસી ગયા. અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના ઢગલામાં માણસનો પગ દેખાયો. જવાનોએ ઝડપથી લાકડાં હઠાવ્યા તો અંદર લોહીથી લથપથ બે લાશો હતી. અમે વાયરલેસથી અૅમ્બ્યુલન્સ બોલાવી. અમને shoot at sightના હુકમ મળ્યા હતા, તેથી સ્થળ પર ત્રણ જવાનોને ચોકી માટે રાખ્યા અને હુકમ આપ્યો કે અૅમ્બ્યુલન્સ આવે તે પહેલાં કોઇ પણ માણસ અહીં ‘હોળી’ પેટવવા આવે તો ગોળીએ દેવા. આ હુકમ સાંભળી બે લાશોમાંની એક ઉભી થઇ! આ ૨૦-૨૨ વર્ષનો ઘાયલ યુવાન હતો. તેને મરેલો ધારી તેને તથા તેના સાથીને ગુંડાઓનું ટોળું બાળી નાખવા માગતું હતું. સશસ્ત્ર સૈનિકો નાગરિકોની રક્ષા કરવા આવી ગયા છે તેવી ખાતરી થતાં આ ઘાયલ યુવાન ઉઠ્યો અને ઉપકારવશ અમારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે તેને પાણી પાયું અને તેને હૈયાધારણ આપી. થોડી વારે અૅમ્બ્યુલન્સ આવી પહોંચી અને અમે તેને તથા તેના મૃત્યુ પામેલ સાથીને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા.

આખી રાત પેટ્રોલીંગ કરી સવારના પહોરમાં મુખ્ય મથક પર અમે પહોંચ્યા ત્યાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરે મને હુકમ આપ્યો, “હુલ્લડ બેકાબુ થયા છે. હવે ‘એઇડ ટૂ સિવિલ પાવર’ માટે બીએસએફની સાથે જામનગરથી આર્મીની બ્રિગેડ તથા નીમચથી સીઆરપીને બોલાવવામાં આવેલ છે. તોફાનોને coordinated response આપી પરિસ્થિતિ પર કાબુ કરવા માટે જામનગર બ્રિગેડ મેજરની આગેવાની નીચે શાહીબાગમાં પોલિસ કમીશ્નરની કચેરીમાં જોઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ રૂમ’ (JOC) સ્થાપવામાં આવી છે. બીએસએફના પ્રતિનિધિ તરીકે તને મોકલું છું. તારે હમણાં જ નીકળી જવાનું છે.”

tatto media
tatto media

3 comments:

 1. અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના ઢગલામાં માણસનો પગ દેખાયો. જવાનોએ ઝડપથી લાકડાં હઠાવ્યા તો અંદર લોહીથી લથપથ બે લાશો હતી. અમે વાયરલેસથી અૅમ્બ્યુલન્સ બોલાવી. અમને shoot at sightના હુકમ મળ્યા હતા, તેથી સ્થળ પર ત્રણ જવાનોને ચોકી માટે રાખ્યા અને હુકમ આપ્યો કે અૅમ્બ્યુલન્સ આવે તે પહેલાં કોઇ પણ માણસ અહીં ‘હોળી’ પેટવવા આવે તો ગોળીએ દેવા. આ હુકમ સાંભળી બે લાશોમાંની એક ઉભી થઇ! આ ૨૦-૨૨ વર્ષનો ઘાયલ યુવાન હતો. તેને મરેલો ધારી તેને તથા તેના સાથીને ગુંડાઓનું ટોળું બાળી નાખવા માગતું હતું. સશસ્ત્ર સૈનિકો નાગરિકોની રક્ષા કરવા આવી ગયા છે તેવી ખાતરી થતાં આ ઘાયલ યુવાન ઉઠ્યો અને ઉપકારવશ અમારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે તેને પાણી પાયું અને તેને હૈયાધારણ આપી. થોડી વારે અૅમ્બ્યુલન્સ આવી પહોંચી અને અમે તેને તથા તેના મૃત્યુ પામેલ સાથીને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા.............
  Narendrabhai....As I read this portion of the Post, I was shocked & saddened......Komi-Hullado can lead the Man to the Lowest & this is a "tragic example " of that. I salute you & ALL who were responsible for saving the Youths !
  Chandrapukar (Chandravadan.)
  www.chandrapukar.wordpress.com

  ReplyDelete
 2. અમદાવાદમાં આ જ ગાળામાં નાગરીક તરીકે તોફાનો જોયેલાં છે. પણ બીજી તરફનો હેવાલ વાંચી રુંવાડા ઉભા થઈ ગયા.
  - સુરેશ જાની

  ReplyDelete
 3. વાંચતાં રુવાંડા ઊભા થઇ જાય એવી કલમ છે તમારી.
  13 સપ્ટેમબર 1969-એ હું અમેરિકા આવવા અમદાવાદથી નિકળ્યો.
  મને વિદાય આપવા આવેલા બધાં સ્ગા સંબંધીઓ પોત પોતાને ગામ પહોંચી ગયા પછી બે ત્રણ દિવસમાં હુલ્લ્ડો ચાલું થયા હતા.-એવું યાદ છે.પછીની વિગતો તો મિત્રોના પત્રોથી જાણી હતી.
  તમારો રીપોર્ટ વાંચતાં શ્વાસ અધ્ધર થઇ ગયો.
  બીજા ચેપ્ટરનો ઇંતઝાર છે.

  ReplyDelete