Monday, January 11, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૬

ગણેશ બાવડીના કાંઠે બેઠેલા વિશ્વાસને જોઈ ચંદ્રાવતીના કાળજામાં ધ્રાસકો પડ્યો. તેનાં પગલાં થીજી ગયાં. કાંઠા પરથી ઉતરી વિશ્વાસ મોટા ઠાઠથી તેની પાસે આવ્યો અને બોલ્યો, “આવો, આપની જ રાહ જોઈ રહ્યા હતા અમે.”

“તમે અહિંયાં…?” થોથવાતી જીભે ચંદ્રાવતી બોલી.

“કેમ, અમારે ગનેશજીના દર્શન માટે આવવું ન જોઈએ? આવો, પધારો. શા માટે ગભરાવ છો? અમે કાંઈ વાઘ - સિંહ નથી કે આપને ખાઈ જઈએ.”

“હું અહિંયા આવવાની છું તેની તમને ખબર હતી?”

“અમે અમારા જાસુસ આપના બંગલાની ચારે બાજુ ગોઠવી રાખ્યા છે,” મશ્કરીભર્યા હાસ્ય સાથે વિશ્વાસ બોલ્યો. “દરરોજ ટેકરીની પ્રદક્ષિના કરીને અમે ચાલ્યા જતા હોઈએ છીએ, પન આપના દર્શન નથી થતાં. એક - બે વાર દૂરથી આપનાં દિદાર થયાં, પન આપનાં મા સાહેબ આપની સાથે હતા, તેથી અમે શું કરીએ?”

ચંદ્રાવતીએ ત્રાંસી આંખે વિશ્વાસ તરફ જોયું.

“આપની સાથે એકાંતમાં વાત કરવાનો અમે મોકો શોધતા હતા. આજે એકલા મળ્યા એટલે થયું દેવ પ્રસન્ન થયા. હવે દેવી પ્રસન્ન થાય એટલે થયું!”

“ઈશ્શ..” 

“એમાં ઈશ્શ જેવું શું છે? બંગલાની વાડ પાછળ સંતાઈને ખાલી એકબીજા સામે કેટલા દિવસ જોતાં રહીશું? અમને થયું, મનમાં જે કાંઈ છે તેની એક વાર ચોખવટ થઈ જવી જોઈએ,” કહી વિશ્વાસે ચંદ્રાવતીનો પ્રસ્વેદથી ભીંજાયેલો હાથ પોતાના હાથમાં લઈ તેની સામે પ્રેમથી જોવા લાગ્યો.

“જુઓ, કાંઈક બોલો તો ખરાં? આમ થરથર કેમ કાંપો છો?”

વિશ્વાસની નજરને ટાળી ચંદ્રાવતીએ હળવેથી પોતાનો હાથ છોડાવ્યો અને પાલવથી લૂછવા લાગી. વિશ્વાસ દિંગમૂઢ થઈને તેની સામે જોતો રહ્યો.

“અમે ચાલ્યા,” કહી વિશ્વાસે પીઠ ફેરવી.

“રિસાઈ ગયા?” વ્યાકુળ થઈને ચંદ્રાવતીએ પૂછ્યું.

“આપ મોઢા પર તાળું મારીને બેસવાના હો તો…”

“પણ હવે તો બોલું છું ને?”

“હા. પન હવે કહો જોઉં કે અમારા પ્રત્યે આપના મનમાં ચોક્કસ કેવી ભાવના છે? અમે તો અમારું કાળજું કાઢીને આપના ચરનોમાં ધરી દીધું છે.”

ચંદ્રાવતીએ પાલવ વડે કપાળ પરનો પસીનો લૂછ્યો.

“આક્કા સાબ (મોટાં રાજકુમારી)નાં લગ્ન વખતે અમે આપને બે - ત્રણ વાર જોયાં હતાં ત્યારથી જ અમે આપના વિશે નક્કી નાખ્યું હતું. જો કે આક્કા સાબનાં લગ્ન વખતે આપ ઘનાં મોટાં દેખાતા હતાં.”

“એવું તો કાંઈ થતું હશે?”

“બસ? ફક્ત ‘ઈશ્શ’ અને ‘એવું તો કાંઈ થતું હશે’ એ જ જવાબ છે આપનો? અમારા વિશે આપના મનમાં શું છે એ તો જાનવા દો અમને!”

ચંદ્રાવતીનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. તેણે પોતાની નજર સામેના ચંપાના ઝાડના થડ પર ટેકવી. વિશ્વાસે ચંદ્રાવતીના ખભા પર હાથ મૂક્યો. ચંદ્રાવતીએ તેનો હાથ એમ જ રહેવા દીધો અને કહ્યું, “ભગવાન સામે દીવો પ્રગટાવવો છે.”

“જરુર પ્રગટાવો. કાલે ફરીથી અમે આપની અહીં રાહ જોઈશું.”

“કાલે હું કેવી રીતે આવી શકું? હું તો ફક્ત મંગળવારે જ અહીં આવતી હોઉં છું, રોજ નહિ. આજે કોઈનો સથવારો નહોતો તેથી એકલાં આવવું પડ્યું. ઘેર ખબર પડશે તો ગજબ થઈ જશે.”

“તો પછી અમે આપના બંગલે આવીશું.”

“ના બાબા, ના! બંગલે નહિ!

“કેમ? બચપનમાં અમે અમારા પિતાજીની સાથે આપના બંગલે નહોતાં કે આવતા? હવે તો અમારે ખુલ્લંખુલ્લા આપના બંગલે આવવું પડશે. ડાક્ટરસાહેબ અમને હાંકી નહિ કાઢે એ નક્કી!”

“જુઓ, વાત વાતમાં મારી પૂજા બાજુએ રહી ગઈ,” વાવના પગથિયા પરથી ઊઠતાં ચંદ્રાવતી બોલી. 

તેણે ગણેશજી પર લાલ ફૂલ અને દર્ભ ચઢાવ્યાં અને હાથ જોડી ગણેશ સ્તોત્ર બોલવા લાગી. પ્રાર્થના પૂરી થતાં તેણે આંખો ખોલી. વિશ્વાસ વાવના કાંઠા પરથી તેની તરફ અપલક જોઈ રહ્યો હતો.
"ભગવાન પાસે શું માગયું?"

"બસ, બધું હેમ ખેમ પતી જાય તો વાવની પાળ પર મોદકનાં લાડુનો ઢગલો કરી દઈશ!"

વિશ્વાસે હેતથી ચંદ્રાવતીનો હાથ પોતાના હાથમાં ધરીને કહ્યું, “આપના હાથ કેટલા કલાત્મક છે! અને આંગળીઓ લાંબી અને પાતળી - કલાકારની. શું આપ ચિત્રકામ કરો છો?”

“હા, કોઈ કોઈ વાર કરું છું. મને કુદરતી દૃશ્યો ચિતરવા ગમે છે.”

“અમે આપને ઓરછા, શિવપુરીના જંગલમાં ચિત્રકામ કરવા લઈ જઈશું. ત્યાંના દૃશ્યો એટલાં અનુપમ, સુંદર હોય છે, અને ત્યાં લાકડાં લેવા નીકળતી ભીલ કન્યાઓ કતારબંધ થઈને ચાલતી હોય છે, તે આખું દૃશ્ય…” વિશ્વાસ કહેતાં કહેતાં રોકાઈ ગયો.

“કેમ રોકાઈ ગયા?”

“અમને એક પ્રસંગ યાદ આવી ગયો. રાવરાજાને લઈ અમે એક વાર શિવપુરીના જંગલમાં શિકાર પર ગયા હતા. સાંજનો સમય હતો અને ભીલ સ્ત્રીઓ જંગલમાંથી લાકડાંની ભારીઓ માથા પર મૂકીને આવતી હતી. ઊંચી, લાંબી કાયા  અને તડકાને કારણે તપાવેલા તાંબા જેવો તેમનો રંગ. આપને તો ખબર હશે કે આ વનવાસી સ્ત્રીઓ ફક્ત કમર પર જ વસ્ત્ર લપેટતી હોય છે, ઉપર કશું નહિ. તેમને જોઈ રાવરાજાએ અમને કહ્યું, ‘વિશ્વાસરાવ, આમાંની સૌથી સુંદર યુવતીને અમારી સેવામાં હાજર કરો. અમે આપને ભરપુર ઈનામ આપીશું.’ અમે તેમને તે જ વખતે પરખાવી દીધું. ‘સરકાર, આવું નીચ કામ અમારાથી નહિ થાય. આ પહેલાં પન અમે આપને સ્પષ્ટ રીતે કહ્યું હતું.”

“પછી?”

“શું થાય? રાવરાજા થોડા દિવસ અમારા પર નારાજ રહ્યા. કદાચ ડ્રાઈવરે આ વાત રાનીમાને કરી હશે તેથી અમને બોલાવીને શાબાશી આપી અને રાનીમાએ કહ્યું, ‘વિશ્વાસરાવ, આપ મોટાભાઈની હેસિયતથી રાવરાજાને આમ સાચવતા રહેશો. તેમનું ચારિત્ર્ય જાળવશો.’  અમે શું કહીએ? જ્યાં સુધી અમે તેમની નોકરીમાં છીએ, અમારું કામ ઈમાનદારીથી કરતાં રહીશું. અમે કોઈ ઈમાન વેચનારા માનસ નથી!”

સાંજ પડવા આવી હતી. ઠંડો પવન વહેવા લાગ્યો હતો. ચંદ્રાવતીના પગ તળેનું ઘાસ આકાશની દિશામાં ઊંચું નીચું થતું હતું. વાતાવરણમાં ચંપાની ઉગ્ર ખુશબૂ વાતાવરણમાં પસરાવા લાગી. અસ્ત થતા સૂર્યનાં કેસરી કિરણો તામ્ર આકાશમાંથી આસમંતના વૃક્ષ અને તેનાં પાંદડાઓની જાળીમાંથી ગણેશ બાવડીનાં સ્થિર જળ પર તરવા લાગ્યાં. 

“મારે હવે નીકળવું જોઈશે. વધુ મોડું થશે તો બા મને ખાઈ જશે. પ્લીઝ, મને જવા દો.”

“કાલે આવશો?”

“કાલે હું મારી બહેનપણીને ત્યાં અભ્યાસ કરવા જવાની છું.”

“કઈ બેનપની?”

“શીલા દિઘે.”

“હત્તેરે કી! ત્યાં અમે જરુર આવીશું. રાનીમાના નવા મંદિરની ડિઝાઈન બનાવડાવવા દિઘે માસ્તરના ઘેર અમે હંમેશા જતાં હોઈએ છીએ.”

વિશ્વાસની વાતોથી ચંદ્રાવતીનું મન તેના પ્રત્યેના આદર અને પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયું. પ્રફૂલ્લિત હૃદયે મનમાં જ ગીત ગણગણતાં તે ગણેશ ટેકરી ઉતરવા લાગી. ટેકરીની પાછળનાં કોતરમાં એક નાનકડા ઝાડ નીચે રાવરાજાની સફેદ મોટર ઊભી હતી. વિશ્વાસ હળવેથી ત્યાં જતો રહ્યો.

સાંજ અંધારાથી ઘેરાવા લાગી. ઝાડીઓમાંથી ટેકરીની નીચે આવેલાં ઘરોમાં દીવાબત્તીનો પ્રકાશ જાણે ઘડામાંથી ઢોળાતા પ્રવાહીની જેમ બહાર પડતો હતો. હનુમાનજીના મંદિરમાં થતી આરતીના ઘંટનો અવાજ ગણેશ ટેકરીના વચલા ઢાળ સુધી મંદ સ્વરે સંભળાતો હતો. બંગલાની લાલ ઈંટની કમ્પાઉન્ડની દીવાલ અને તેના પર જાણે ગરદન ઝૂકાવીને સૂતી હોય તેવી બોગનવિલિયાની વેલ દેખાવા લાગી. બગીચાના છેડે લીંબોળીના ભરચક ભારથી લચી પડેલ લીંબડીનું ઝાડ તેની આછી કટૂ પણ મધુમય સુગંધથી સભર ચમર વાતાવરણ પર ઢાળતી હોય તેવું લાગતું હતું. બંગલાની પાછળના નાનકડા બાગમાં આવેલા કોઠાંના વૃક્ષ પર બુલબુલની જોડી ફેરફૂદરડી કરતી હતી. જમરુખનાં પીળાશ પડતા સફેદ ફૂલ પર મધમાખીઓનું ઝૂંડ ઊતરી પડ્યું હતું. વૃક્ષો અને ઝાડીઓ તેની ઘટામાં ચમકતા આગિયાને કારણે સહેજ સજાગ બની ગયા જેવાં લાગતાં હતાં અને ઊંચે ઊડતા સફેદ બગલાંઓની કતાર જોઈને એવું લાગતું હતું જાણે ઘેરા નીલા આકાશે હીરાનો હાર પહેર્યો હતો!
સડકની પેલી પાર, આમલીના ઝાડ નીચે ગાય ભેંસના હવાડાની નજીક ઊભો સિકત્તર ગણેશ ટેકરી તરફ નજર તાકીને ઊભો હતો. તંદ્રામય સ્થિતિમાં જ ટેકરીનો આખરી ઢાળ ઊતરતી ચંદ્રાવતીને જોઈ તે ઝાડીની પાછળ સંતાઈ ગયો.

બંગલાની પાછળના ભાગમાં આવેલી કમ્પાઉન્ડની દીવાલમાંના ખોડીબારામાં ગોઠવેલ લોખંડના ગોળ ચકરડાના turnstileમાંથી નીકળી ચંદ્રાવતી બંગલાના ફળિયામાં આવી. કપાળ પર બાઝેલાં પરસેવાનાં બિંદુઓને પાલવથી લૂછી તેણે રસોડામાં પ્રવેશ કર્યો.
“અલી, કેટલું મોડું કર્યું, તેં? જામુની મિથ્લા અહિંયા ક્યારથી ધિંગાણું કરી રહી છે. સંધ્યાટાણું થઈ ગયું અને તું એકલી જ ગણેશ બાવડી જતી રહી?” જાનકીબાઈ એકદમ ચંદ્રાવતી પર ગુસ્સે થઈને બોલ્યાં.

“જામુની - મિથ્લાને મેં કેટલીયે બૂમો પાડીને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. આજે ન ગઈ હોત તો મારા નિયમમાં ભંગ પડ્યો હોત કે નહિ?” કાકલૂદીના સ્વરમાં ચંદ્રાવતી બોલી.

“હવે પછી કદી પણ એકલાં ક્યાંયે જવાનું નથી, સમજી? પછી ભલે તારો નિયમ ભંગ થાય કે બાધા તૂટે. પેલા બિચારા દિનકરરાવ આવી ગયા. એક ઘંટાભર બેસી રહ્યા અને વાપસ ચાલ્યા ગયા. તેમણે હૉલ પરના ટેબલ પર ચોપડીઓની થપ્પી મૂકી છે.”

“પણ બા, મેં તેમને કહી રાખ્યું હતું કે મારી પરીક્ષાઓ પતે નહિ ત્યાં સુધી ચાેપડીઓ ના લાવશો.”

“મને શી ખબર? પણ દિનકરરાવના મનમાં કેવા વિચાર આવ્યા હશે એનો તો વિચાર કર? જુવાનજોધ છોકરી અૅન સાંજના એકલદોકલ બંગલાની બહાર જાય જ કેમ? આબરુ સાચવવા અમારે શું શું કરવું પડે છે તેનું તને ભાન છે? આવું કરતી રહીશ તો અમારી નાહક બદનામી થશે.”

વિલાયેલા ચહેરે ચંદ્રાવતી પોતાની રુમમાં ગઈ.


ભોજનનું ટેબલ ગોઠવતી વખતે તેના હાથમાં છૂટેલી કંપારી તેને એકલીને જ મહેસૂસ થઈ

Sunday, January 10, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૫

પ્રકરણ ૫

ત્યાર પછી ચંદ્રાવતીની દરેક પરોઢ અસ્ત થતા ચંદ્રપ્રકાશમાં ફૂલ પરથી સરી પડતા ઝાકળની જેમ વીતવા લાગી. વિશ્વાસ રોજ ઘોડેસ્વારી કરતો રાવરાજા સાથે નીકળે ત્યારે ચંદ્રાવતી અને તે એકબીજાને સ્મિતથી કે હાથ ઉંચો કરીને અભિવાદન કરવા લાગ્યા.
ડૉક્ટરસાહેબ બપોરના આરામ બાદ ચ્હા-પાણી પરવારી સાડા ચાર - પાંચના સુમારે હૉસ્પિટલ જવા નીકળે ત્યારે દીકરીને હૉલમાં કોચ પર બેસી અભ્યાસ કરતી જોઈને કહેતા, “વાહ! પરીક્ષા માટે કેટલું વાંચી રહી છે અમારી દીકરી! જો, આમ આખો દિવસ વાંચતી રહીશ તો તારી આંખો બગડી જશે.”
જવાબમાં ચંદ્રાવતી શું કહે? ‘અભ્યાસ શાનો અને વાત શાની! પુસ્તકના પાનાંઓમાંથી તો પેલો તોફાની બારકસ, મેઘ શ્યામ સાંવરિયો વિશ્વાસ ડોકિયું કરીને હાસ્ય કરી રહ્યો હોય છે! તેની ભમર વચ્ચે ચંદ્રકોર જેવી રેખા, એક ભમર ઉંચી કરીને બોલવાની ઢબ, એનો રાજસી રુવાબ, કિમતી પોશાક અને કપડાં પર છંટકાવ કરેલા મર્દાનગીભર્યા સેન્ટની ફોરમ - બધું નજર સામે આવે છે!
‘વિશ્વાસ પવાર આવીને મળ્યો તે દિવસથી વાંચન પરનું ધ્યાન ખુલ્લામાં મૂકેલા કપુરની જેમ ઊડી ગયું હતું. પુસ્તક ખોલતાં જ તેની મૂર્તિ પાનાં પાનાં પર દેખાવા લાગે છે અને અક્ષરો કોણ જાણે ક્યાં રફુચક્કર થઈ જતા હોય છે!
‘ફર્સ્ટ ડિવિઝન નહિ મળે તો ઘરના લોકો કરતાં શાળાનાં હેડમિસ્ટ્રેસ મિસ જોહરી, છોકરાઓની શાળાના હેડમાસ્તર બર્વે સાહેબ અને ખાસ તો તેમનાં પત્ની - બર્વેકાકી, તેની પોતાની પ્રાણથી પ્યારી સાહેલી શીલા દિઘે - આ બધાંને દુ:ખનો આંચકો લાગશે…પણ મારા અભ્યાસમાં વ્યત્યય લાવનાર વ્યક્તિ કોણ છે, અને મારા પુસ્તકોમાં ધામા નાખીને તે બેઠો છે તેની આ લોકોને કેવી રીતે ખબર પડે?
‘બીજાંઓનું તો ઠીક, પણ એકલી શીલાને તો મારે કહેવું જ પડશે. પ્રેમનો સૌરભ હવે મારા મનની કુપ્પીમાં સમાતો  નથી. એ તો તા-થૈ, તા-થૈ કરીને નાચીને ઉડવા લાગે છે!’
“હવે બહુ થઈ ગઈ તારી પઢાઈ,” ડૉક્ટરસાહેબ બોલ્યા. ”જરા આરામ કર.પરમ દિવસે હેડમાસ્તર સાહેબને ઘેર ગયો હતો ત્યારે તેમનાં પત્ની બારણા પાછળથી શું બોલ્યાં ખબર છે? કહે, ‘ડાક્ટરસા’બનાં બન્ને સોકરાં એકદમ ગ્યાલેન્ટીજેન્ટ છે! અમારા સાહેબનું તો ઈમની નિશાળના સોકરાંઓની કૉપી જાંચતાં જાંચતાં માથું દુ:ખવા લાગી જાતું હોય સે! કન્યા શાળાની હેડમાસ્ટરનીબાઈ ચંદ્રાવતીની કૉપી અમારા સાહેબ પાસે ખાસ મોકલાવે. પછી સાહેબ તેમના ક્લાસમાંના સોકરાંવને આ કૉપી પઢીને સંભળાવતા હોય છે,” કહી ડૉક્ટરસાહેબ ખડખડાટ હસવા લાગ્યા. બર્વે સાહેબનાં પત્ની સાવ ગામડા ગામનાં. નોટબુકને હિંદીમાં કૉપી કહે અને ‘તપાસવા’ને ‘જાંચવા’નું કહેવાય, તે તેમની ભાષામાં સહજ રીતે ઉતરી ગયું હતું.
“બાબા, બર્વે કાકી તો તમને ખુશ કરવા અમારી બુદ્ધિમત્તા માટે ગમે તે બોલી જતા હોય છે.  ઈન્ટેલિજન્ટને બદલે ગ્યાલેન્ટિજન્ટ’ અને ‘પેપર તપાસવા’ કહેવાને બદલે ‘કૉપી જાંચવી’ એવું થોડું બોલતાં હશે?” ચંદ્રાવતી હસીને બોલી.
“ચાલે એ તો. તેમનો આખો જન્મારો બુંદેલખંડમાં ગયો છે તેથી આમ બોલતાં હોય છે. ચાલો, ઉઠો હવે.  બહુ થયું વાંચવાનું. વાંચવાની રજાઓ પડી છે એનો અર્થ એવો નથી ચોવિસે ઘંટા વાંચનમાં જ ગાળવાનાં હોય. જાવ તો, ગામમાં બહેનપણીઓને ત્યાં ચક્કર મારી આવો,” ડૉક્ટરસાહેબ બોલ્યા.  
“કાલે શીલા દિઘેને ઘેર જવાની છું.”
“આજે જ ચાલી જા ને? રામરતનને તાંગો જોડવાનું કહે.”
“આજે તો હું ગણેશ બાવડી (વાવ) જવાની છું.”
“અરે વાહ!”
“હા, બાબા. બાવડીના ગણેશજીના એકવીસ વાર દર્શન કરવાની મેં બાધા રાખી છે. દર મંગળવારે જઉં છું. આજે ત્રીજો મંગળવાર છે.”
“શાની બાધા રાખી છે?”
“મૅટ્રિકમાં ફર્સ્ટ ડિવિઝન આવે તે માટે.”
“એના માટે તારે બાધા રાખવાની શી જરુર છે? એ તો તને બાધા વગર પણ મળી જશે.”
“પાગલ છે અમારી દીકરી!”
પુસ્તક બંધ કરી ચંદ્રાવતી બહાર વરંડામાં આવી. જોયું તો શેખર માળીના છોકરા સાથે ગિલ્લી દંડો રમવામાં મશગુલ હતો. નજીક શેતુરના ઝાડને ટેકીને જામુની ખડી હતી.
“સેખર ભૈયા, હમેં સિખા દો ના, ગુલ્લી ખેલને;” જામુની આર્જવતાથી શેખરને વિનવી રહી હતી.
“ચલ, હટ! લડકિયોંકો ગુલ્લી દંડા ખેલના નહિં  સિખાયા જાતા,” શેખરે જવાબ આપ્યો.
***
જાનકીબાઈ સાંજની રસોઈની તૈયારીમાં પડ્યાં હતાં. ચંદ્રાવતીએ બાથરુમમાં જઈ હાથ-મ્હોં ધોયાં અને વાળ સરખા કર્યા. પાઉડર-કંકુ લગાવી, કબાટમાંથી લિંબોળી રંગની નાજુક બૂટાંવાળી ચંદેરી સાડી પહેરી પૂજાઘરમાં ગઈ અને હાથ જોડીને ઉભી રહી. 
દીકરીની સપ્રમાણ શરીરયષ્ટિને રસોડામાંથી નીરખતાં જાનકીબાઈએ મનોમન મુંબઈથી તેમનાં ભાઈએ મોકલાવેલ મુરતિયાઓનાં લિસ્ટમાંથી એક પછી એક માતબર છોકરા સાથે તેની જોડી ગોઠવવાનું શરુ કર્યું.
પ્રાર્થના પૂરી કર્યા બાદઆંખ ખોલીને ચંદ્રાવતીએ જોયું તો જાનકીબાઈ તેની તરફ એક ટસે જોઈ રહ્યાં હતાં.
“બા, આમ શું જોઈ રહી છે? તૈયાર થઈ જા. આપણે ગણેશ બાવડી જવું છે ને?”
“તું જ જઈ આવ બાલકદાસ સાથે. દર મંગળવારે ત્યાં જવું મને કેમ ફાવે? આવી આલતુ ફાલતુ માનતા રાખવાની શી જરુર હતી? આપણા પૂજાઘરમાં છે તે ગણપતિની માનતા રાખવી હતી ને? ઘરના અને બાવડીના ગણેશજીમાં શો ફેર છે?”
“પણ બા, તે દિવસે પંડિતજીએ નહોતું કહ્યું કે મારી કુંડલીમાં મંગળનો બહુ તેજ કુપ્રભાવ છે, તેથી બાવડીવાળા ગણેશજીનું વ્રત રાખ?”
“લે, કર વાત! મને કહે જોઉં કે પરીક્ષાને મંગળ સાથે કશી લેવા દેવા હોય છે? મંગળનો સંબંધ તો લગન સાથે હોય.”
“એ જવા દે. હવે પછી તું કહીશ તેમ કરીશ.”
“લગન માટે તારે ગણેશજીનાં વ્રત કે બાધા રાખવાં હોય તો ભલે, પણ પરીક્ષાને આટલું બધું મહત્ત્વ આપવાની જરુર નથી. ફર્સ્ટ ડિવિઝન મળે કે ન મળે, આપણે ક્યાં ઘોડા પર સવાર થઈને જવાનું છે?”
ઘોડા પર સવાર થઈને જવાની વાત સાંભળી ચંદ્વાવતી ચોંકી ગઈ.
“તું સત્વંતીને સાથે લઈ જા,” ચિંતાયુક્ત સ્વરે જાનકીબાઈ બોલ્યાં.
“એ તો નીકળી ગયા હશે હનુમાનજીના મંદિરમાં ભજન સાંભળવા. મેં તેમને ઘણી વાર કહ્યું હતું ચાલો ગણેશ બાવડી. વનવગડામાં આવેલી વાવના પાણીમાં ઘડેલી ગણપતિની પ્રચંડ મૂર્તિ એક વાર તો જુઓ, પણ એ આવ્યા જ નહિ.”
“આ બુંદેલાઓથી તો તોબા! એમને બુદ્ધિદાતા દેવ ગણેશજીની મહત્તા ક્યાંથી હોય? સદીઓ પુરાણી વાવ, આજુબાજુ ઘનઘોર જંગલ છે પણ વાવનું પાણી કાચ જેવું સ્વચ્છ! અત્યાર સુધી કાવડની કાવડ ભરીને વાવનું પાણી રાજમહેલમાં જતું. હવે જાય છે કે નહિ, રામ જાણે!”
જુની વાવના પાણીમાં ઘડેલી ગણેશજીની મૂર્તિ ખરેખર ભવ્ય અને અદ્ભૂત હતી. લાલ પત્થરમાં કંડારાયેલા ગણેશજીના મુકુટની કલગી વાવના કાંઠાને અડતી હતી. ગળામાં ગુંથાયેલા હારની લડી, હીરા કંઠી, હાથે - પગે શિંદેશાહી કંકણ અને કડલાંનું શિલ્પકામ ઝીણવટભર્યું હતું. તેમણે પહેરેલા પીતાંબરની કિનાર, કમર પર પીતાંબરમાં પાડેલી પાટલી અને તેની ગડીઓ પાણીમાંથી પણ સ્પષ્ટ રીતે દેખાતી હતી. આ દૃશ્યને અંતર્દૃષ્ટિ સામે લાવી તેમણે ક્યું, “આ બુંદેલાઓને શિલ્પકળાની અને વિદ્યાદાતા ગણેશની મહત્તાની શી પડી છે? એમને તો બસ, રામલીલા અને રાધા-કૃષ્ણનાં રાસ ભજવાતાં જોવા મળે એટલે પત્યું. એટલે જ તો આ લોકો ભોળા, બરછટ અને પછાત રહ્યા છે!” 
બાનું સ્વગત વક્તવ્ય સાંભળતાં સાંભળતાં ચંદ્રાવતીએ પૂજાની તૈયારી પૂરી કરી અને બોલી, “બા, મને મોડું થાય છે. હું તો આ નીકળી.”
“બાલકદાસ,” જાનકીબાઈએ સાદ પાડ્યો, “જીજીસાહબની સાથે ગણેશબાવડી જા તો! અને સાંભળ, બાવડીના પાણીને અડવાનું નથી, સમજ્યો?”
“મો કો ટેમ કિતૈ?” સિકત્તરે જવાબ આપ્યો, “બડી માલકિન, આપ જ કહો, હું ભેંસ ક્યારે દોહું? અને બંગલામાં લોબાનનો ધૂપ નહિ કરું તો રાતે મચ્છર ચાવી ખાશે સૌને. પછી મંદિરમાં દર્શન કરવા અને રામકથા સાંભળવા ક્યારે જઉં?”
“આ…હા…રે સિકત્તર! જાતનો આહિર છે, પણ દિમાગ બ્રાહ્મણ ભટ્ટ કરતાં પણ ચઢી જાય એવો છે!”

“રહેવા દે, બા. મારું કામ કરવામાં એનો હંમેશા જીવ જાય છે. હું જામુની - મિથ્લાને લઈને ચાલી પડીશ.” હિંદીનું ‘ચલ પડુંગી’નું માતૃભાષામાં ભાષાંતર અનાયાસ થયું તેનો કોઈને ખ્યાલ ન રહ્યો! તેણે સત્વંતકાકીને ઘેર જઈને જોયું તો ત્યાં કોઈ નહોતું. બાધામાં ભંગ ન પડે તેથી તે સત્વંતકાકીના ઘર પાછળની કાચી સડક પરથી નીકળીને એક તંદ્રામાં તે ગણેશ ટેકરી ચઢવા લાગી.

Friday, January 8, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૪

પ્રકરણ ૪
ફાટક ખુલવાનો અવાજ સાંભળી ચંદ્રાવતીએ પાછા વળીને જોયું તો શ્યામ વર્ણનો, ઘાટદાર કોરેલી મૂછોવાળો રુવાબદાર યુવાન તેની સામે આવીને ઉભો હતો.
“ડૉક્ટરસા’બ ઘેર છે?” કમાનદાર ડાબી ભમર થોડી ઉપર ખેંચી, ચંદ્રાવતીની નજર સાથે નજર મેળવી યુવાને પૂછ્યું.
ચંદ્રાવતી થોડી બહાવરી થઈ. તેનો ફૂટપટ્ટીવાળો હાથ હજી ઉગામેલો જ હતો, પણ તે તરત સ્વસ્થ થઈ ગઈ અને હાથ નીચો કરીને બોલી, “બાબા તો દવાખાને ગયા છે.”
“અમારા પિતાશ્રી ગામથી અહીં સારંગપુર પધાર્યા છે. ડૉક્ટરસા’બને યાદ કરતા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં જ અમને ખબર કરવા ફરમાવ્યું હતું, પન અમે ભૂલી ગયા… પન આપે અમને ઓળખ્યા કે?”
ચંદ્રાવતી ગૂંચવાઈ ગઈ.
“વિશ્વાસ પવાર અમારું નામ છે. પંદરે’ક દિવસ પર રાનીમાએ કરેલ ગંગાપૂજનનું નોતરું દેવા અમે પોતે આપના બંગલે આવ્યા હતા…”
“જી, આપ આવ્યા તો હતા…”
“આપે અમને હજી બરાબર ઓળખ્યા નથી એવું લાગે છે. ગયા ચાર વર્ષ અમે અહિંયા નહોતાં. અમારા માસીસાહેબને ત્યાં ભનવા માટે કોલ્હાપુર ગયા હતા. બી.એ. થઈને આવ્યા બાદ રાવરાજાના કમ્પૅનિયન તરીકે બડે સરકારે અમારી નીમનૂંક કરી છે.”
“ઘણાં વર્ષ પછી મુલાકાત થઈ…” વિનયને ખાતર કંઈક કહેવું જોઈએ તેથી ચંદ્રાવતી બોલી પડી.
“ક્યાં ઘના વર્ષ થયા? મોટાં રાજકુમારીના લગ્નમાં આપ રાજમહેલ પધાર્યાં હતાં, ખરું ને? તે પ્રસંગને બે વર્ષ પન નથી થયા.”
“હા, જી, આવી તો હતી.”
“આપે અમને જોયા નહિ હોય, પન અમે આપને જોયા હતા.”
“એમ?”
“એમ તો અમે આપને કોઈક વાર વહેલી સવારના બી જોતાં હોઈએ છીએ.”
“અભ્યાસ કરવા વહેલી ઉઠું છું ત્યારે જ ફૂલ તોડી રાખું છું. નહિ તો રસ્તા પર આવતાં-જતાં લોકો ફૂલ ચૂંટી લેતા હોય છે અને પૂજા માટે એક પણ તાજું ફૂલ મળતું નથી.”
“એમ કે?” વિશ્વાસ હસીને બોલ્યો. “રાનીમાને ત્યાં ગંગાપૂજન વખતે આપના માસાહેબ સાથે આવ્યા ત્યારે અમે આપને જોયા હતા.”
“પણ અમે તો પડદામાં હતા!”
“જી, એટલે આપને દૂરથી - એટલે આપની ઝલક દેખી હતી!”
“બહાર કેમ ઉભા છો? અંદર આવો ને!”
“જી, ના. મોડું થશે. બહાર રાવરાજા અમારો ઈંતજાર કરી રહ્યા છે.”
ચંદ્રાવતીએ ઠંડી સડક તરફ નજર કરી તો તેને બંગલાથી થોડે દૂર, ક્લબની નજીક રાવરાજાની સફેદ  મોટર દેખાઈ.
“આ વર્ષે આપ મૅટ્રિકમાં છો ને?”
“હા, એટલે જ તો વહેલી સવારે ઊઠી જવું પડે છે, વાંચવા માટે.”
“સવારના પહોરમાં આપના દર્શન થાય તો અમારો દિવસ સારો જતો હોય છે!”
“ઈશ્શ! આવું તે કંઈ થતું હશે?” કહીને ચંદ્રાવતી શરમાઈ ગઈ.
“ડૉક્ટરસા’બને અમારો સંદેશ આપશો ને?” ચંદ્રાવતી તરફ જોઈને વિશ્વાસ બોલ્યો.
“હા, આપીશ.”
બહાર જતાં વારે વારે પાછળ નજર કરતો વિશ્વાસ ફાટકની બહાર નીકળ્યો. હાથમાં ફૂટપટ્ટી પકડીને ચંદ્રાવતી ઠંડી સડક પર આત્મવિશ્વાસ અને ગૌરવપૂર્ણ રીતે ડગલાં ભરીને જતા વિશ્વાસ તરફ મંત્રમુગ્ધ બનીને જોતી રહી. તેની છાતીના ધબકાર વધી ગયા. કાનની બૂટીઓ ગરમ થઈ ગઈ અને કપોલ લાલ લાલ! કપાળ પર પ્રસ્વેદના મૌક્તિક બાઝી ગયાં.
અચાનક તે ભાનમાં આવી. ‘આજે આ શું વિપરીત થઈ ગયું? વિશ્વાસ પવાર મારી સામે જોઈને ઘણી જુની ઓળખાણ હોય તેમ શા માટે હસ્યો અને પ્રેમથી આટલી બધી વાતો કરી? અને એની હિંમત તો જુઓ!’
ચંદ્રાવતીના હાથમાંથી ફૂટપટ્ટી પડી ગઈ. સામેથી સિકત્તરને આવતો જોઈ જામુની અને મિથ્લાને તેને હવાલે કરી, તેમને ઘેર પહોંચાડવાનો આદેશ આપ્યો. શેખરને ઝાડ પરથી હળવે’કથી ઉતારી, તેના ગાલ પર હેતથી ચૂમી લીધી.
બંગલામાં પેસતાં તે હસીને બોલી, “આ જામુની આવી રે આવી, શેખર તેની સાથે તોફાન કરવા ભાગ્યો જ સમજ! એને તારી વહુ બનાવી લે ને, બા! જિંદગીભર ઝાડ અને ઝૂલા પર બેસીને તેઓ સુખેથી સંસાર કરશે!”
“કેવી ઢંગધડા વગરની વાત કરે છે?” સાંધ્યદીપ પ્રગટાવતાં જાનકીબાઈ દીકરીને વઢ્યાં.
“ઢંગધડા વગરની કેમ, વારુ? જામુનીનાં નયન, નાક કેટલાં સુંદર અને આકર્ષક છે! એ લોકો રાજપુત કોમના છે તેથી શું થયું? આમ આપસમાં લગ્ન કરીએ તો જ જાતપાતનાં બંધન તૂટે.”
“બહુ થયું હવે. આજકાલ બહુ બોલવા લાગી ગઈ છો,” જાનકીબાઈ છંછેડાઈને બોલ્યાં.
મનમાં જ ગીત ગણગણતાં ચંદ્રાવતી પોતાની રુમમાં ગઈ અને દીવાનું બટન દબાવ્યું. અરીસાવાળા કબાટની સામે ઉભી રહી તે પોતાને નિહાળવા લાગી.
‘આવા લઘરા વેશમાં મારે બગિચાના ફાટક સુધી જવું  જોઈતું નહોતું. શા માટે મેં દોરી પર સૂકાતી સાડી ખેંચીને લપેટી લીધી અને લઘર-વઘર પહેરવેશમાં ફાટક સુધી પહોંચી ગઈ? સાંજના તો સારા મુલાયમ પોશાક પહેરી અત્તરનો છંટકાવ કરી, વાળમાં બટમોગરાનું ફૂલ ખોસીને તૈયાર રહેવું જોઈએ!’ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો, ‘પણ આટલો ઠઠારો કરીને કોને બતાવવાનો છે? શા માટે આટલી મહેનત કરવી? આ શણગાર કોના માટે? અહીં તો બહાર જવાના ચારે રસ્તા બંધ છે. ચોરે ને ચૌટે પહેરા લાગ્યા છે. અમારા બાગમાં મોગરાના ફૂલનો ફાલ આવ્યો છે. હવામાં પમરાતી તેની સુગંધ આખા શહેરમાં ફેલાય છે અને પ્રાણ ઉત્કંઠિત થઈ જાય છે. મોગરાનો ગજરો બનાવીને પહેરવાની અહીં મનાઈ છે. ગજરા અને વેણીની મજા તો ફક્ત મુંબઈમા! મોહનમામાને ત્યાં જઈએ ત્યારે પેટ ભરીને ગજરા ને વેણી પહેરી લેવાનાં. જોઈએ એટલી  'અછૂત કન્યા', 'બંધન', 'કંગન', 'ઝૂલા' જેવી ફિલ્મો જોઈ લેવાની. 
‘અહીં દરરોજ ટોપલી ભરાય એટલા મોગરાનાં ફૂલ ઉગે છે, પણ તેનો ગજરો બનાવીને વાળ શણગારવાની ચોરી છે. સત્વંતકાકી તરત બોલી ઊઠે, “છિ, છિ, છિ! અચ્છે ઘરકી બહુ બેટિયાં બાલોમેં ફૂલ નહિ લગાઉત. કોઠેકી ઔરતે લગાઉત હેંગી! ઉતાર દેઓ વહ ગજરા!”
‘શું કરીએ? દેશ તેવો વેશ કર્યા વગર છૂટકો છે પણ આવા લઘરા વેશમાં મારે ફાટક સુધી જવું જોઈતું નહોતું. જુઓ ને, બરાબર આજે જ વિશ્વાસ પવાર મારી સામે આવીને હાજર થશે અને આપણા તન મને પર છવાઈ જશે એવો સ્વપ્ને પણ કોને ખ્યાલ હતો? અને તેની તાંબા વરણી આંખની પૂતળીઓ, એક ભમ્મર ઉંચી કરીને વાત કરવાની ઢબ, બધું કેટલું વિલોભનિય હતું!  અને તેની બે ભમ્મરોને જોડતી નાનકડી ચંદ્રકોર જેવી પાતળી રેખા કૃષ્ણના મુકુટ પર રહેલા મોરના પિંછા જેવી લાગતી હતી. એ હસ્યો ત્યારે તેની શુભ્ર દંતપંક્તિ કેવી ચમકતી હતી! તેની ઉભા રહેવાની છટા પણ આગવી જ હતી.
“દશેરાના દરબારમાં દરબારી પોશાકમાં તે બાબા જેવો જ રુવાબદાર દેખાતો હશે! દશેરા - દિવાળીના દરબારમાંથી પાછા આવતાં જ બંગલાના પગથિયાં પર જ બાબાની નજર બા ઉતારે. વિશ્વાસની નજર કોણ ઉતારતું હશે? એની મા જ, તો! બીજું કોણ? અને તેના લગ્ન પછી તેની પત્ની જ તેની નજર ઉતારશે, નહિ?” અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં ચંદ્રાવતી બોલી અને શરમાઈ ગઈ.
તેનું વિચારચક્ર કંઈ રોકાયું નહિ. ‘એના બોલવામાં કેટલો ખાનદાની વિનય હતો! આખો વખત મને ‘આપ’ કહીને ઉદ્દેશતો હતો. અને મરાઠા પરિવારમાં ‘ણ’નો ઉચ્ચાર નથી હોતો તેથી ‘ણ’ને બદલે ‘ન’ - જેમ કે રાણીમા ને બદલે ‘રાનીમા’ બોલતો હતો! પણ ગંગાપૂજન વખતે વળી તેણે મને ક્યાંથી જોઈ હશે? અમે બધાં તો ચકના પડદા પાછળ બેઠાં હતાં. ઉપરની મેડી પરથી કે હવામહેલની જાળીમાંથી? કદાચ ઉપરની મેડીમાંથી જ તેણે મને જોઈ હશે, કારણ કે અમારી બન્ને બાજુએ મહેલની દાસીઓ પડદા પકડીને ખડી હતી.
‘તે દિવસે બાએ આગ્રહ કર્યો હતો તેથી મેં અંજીરી રંગનો સાળુ પહેર્યો હતો. અને ગળામાં રત્નજડિત હાંસડી. બાએ આગ્રહ ન કર્યો હોત તો હું ગંગાપૂજનમાં જવાની પણ નહોતી. ‘“સવારના પહોરમાં આપના દર્શન થતાં અમારો દિવસ સારો જતો હોય છે” એવું બોલ્યો!
આખા તન મન પર સુખની સુરખી ફેલાવનારા આ વાક્યમાં ચંદ્રાવતી કેટલોય વખત રાચતી રહી.
‘સવાર બાગમાં ફૂલ ચૂંટવા રાતે પહેરી રાખેલી સાડીમાં જ જતી હોઉં છું. વાળ પણ અસ્તવ્યસ્ત હોય છે. જો કે સવારના ધુમ્મસમાં તેને મારી આ દશા તો દેખાતી નહિ હોય, પણ હવેથી સારી એવી સાડી પહેરીને જ સૂઈશ. બાગમાં જતાં પહેલાં વાળ તો ઠીકઠાક કરી લેવાશે.’
ચંદ્રાવતીનું મન ભમચક્કર થઈને ફરવા લાગ્યું.
રાત્રે જમવાના ટેબલ પર થાળી વાટકા ગોઠવતી વખતે ચંદ્રાવતીની નજર બગિચાની પેલી પાર ઠંડી સડક પર મંડાઈ હતી.
“બાબા, હું તમને કહેવાનું ભુલી ગઈ. સાંજે તમને મળવા પેલો વિશ્વાસ પવાર આવ્યો હતો.” ડૉક્ટરસાહેબ ડાઈનિંગ ટેબલની ખુરશી પર આવી બેઠા ત્યારે ભુલાયેલી વાત યાદ આવી હોય તેવું નાટક કરી ચંદ્રાવતી બોલી.
“શું કહેતો હતો એ?”
“પૂછતો હતો, ડૉક્ટરસાહેબ ઘરમાં છે કે કેમ.”
“તેં કહ્યું નહિ કે સાંજના ડૉક્ટરસાહેબ કેમ કરીને ઘરમાં હોય?” જાનકીબાઈ જાણે તેનો ઉધડો લેતાં હોય તેમ બોલ્યાં અને પૂછ્યું, “વિશ્વાસે તને શું કહ્યું?”
“કહેતો હતો કે એના બાપુજી બાબાને યાદ કરતા હતા.”
“અરે, હા,” ડૉક્ટરસાહેબ બોલ્યા. “ગયા અઠવાડિયે હું બર્વે હેડમાસ્તરને ઘેર શેખરના અભ્યાસ અંગે પૂછપરછ કરવા ગયો ત્યારે પાછા ફરતાં પવારસાહેબની હવેલી પર જઈ આવ્યો હતો.  બિચારા હાર્ટના પેશન્ટ છે.”
“પણ પેલો વિશ્વાસ તારી સાથે આગળ શું બોલ્યો?” આ વખતે જરા ઉંચા અવાજે જાનકીબાઈ તેમનો પહેલો સવાલ જરા ભારપૂર્વક પૂછ્યો.
“રાણીમાને ત્યાં ગંગાપૂજનનું આમંત્રણ આપવા તે એક વાર બંગલે આવ્યો હતો એવું કંઈક બોલતો હતો.” ચંદ્રાવતીએ જવાબ આપ્યો.
“આપણને તો ભઈ એવું કંઈ યાદ નથી. અને તું ગઈ હતી સત્વંતીને ઘેર. મુંબૈથી તૈયાર કરીને લાવેલી તારી બિલોરી બંગડીઓ બતાવવા,”
“અચ્છા.”
“વિશ્વાસ બંગલાની અંદર કેમ ન આવ્યો?” જાનકીબાઈ વાતને છોડે એવાં નહોતાં.
“રાવરાજા તેની રાહ જોઈને બહાર મોટરમાં બેઠા હતા, એવું કહ્યું.”
“ક્યાં હતા રાવરાજા?”
“મને શી ખબર?”
વાતાવરણ ગરમ થતું જોઈ ડૉક્ટરસાહેબ બોલ્યા, “પવારસાહેબને ત્યાં ફરી એક વાર જઈ આવવું જોઈશે. બુધવારે કે શુક્રવારે સવારે જવાનું ફાવશે. તે દિવસે અૉપરેશન્સ નથી.” અને શેખર તરફ જોઈ બોલ્યા, “શેખરભૈયા, ભાજી ખતમ કરો જોઉં! અને રોટલી બરાબર ચાવી ચાવીને ખાવ. હાજમો સારો રહેશે. અને ચંદા, બેટા, સવારે ખાલી પેટે એકાદું ફળ ખાવાનું શરુ કરો. એનાથી આખો દિવસ તાજગી રહેશે. ઉનાળાની ગરમી નહિ નડે અને બુદ્ધિ તેજ થશે, તે અલગ.”

અહીં શેખર નીચું માથું કરી, થાળીમાંની લીલી ભાજીના ગોળા બનાવવા લાગી ગયો. આ જોઈ જાનકીબાઈ અને ચંદ્રાવતી એકબીજા સામે જોઈ હસવું દબાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

Wednesday, January 6, 2016

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૩

પ્રકરણ ૩.

વરંડાના પગથિયાં ચઢતાં ચઢતાં હૉલમાંના ટેબલ પર થાળી વાટકા ગોઠવતી દીકરી તરફ જોઈ ડૉક્ટરસાહેબ બોલ્યા, “ચંદા બેટી, આજે અમારી રવાનગી હૉલમાં શા માટે કરવામાં આવી છે?”
“બાએ પાપડ બનાવવા કાઢ્યાં છે. સત્વંતકાકી આવવાના છે, તેથી.” પિતા સામે જોયા વગર જ ચંદ્રાવતીએ જવાબ આપ્યો.
“અરે વાહ!”
“પણ એક મહિના પર મારી પરીક્ષા આવીને ઉભી છે!” થાળી વાટકા જોર જોરથી લૂછતાં ચંદ્રાવતીએ તોરમાં આવીને જવાબ આપ્યો.
“એક મહિનામાં જાણે તું દુનિયાને આમ થી તેમ પલટાવી નાખવાની છે! ખરું ને?” જાનકીબાઈ બોલ્યાં.
“હા! મોટી ઉથલ - પાથલ કરી નાખવાની છું,” ગરદનને ઝટકો આપી ચંદ્રાવતી બબડી.
“આજે મામલો કંઈ ગરમ દેખાય છે! શું થયું?” બાથરુમમાંથી બહાર આવતાં ડૉક્ટરસાહેબ દીકરી તરફ જોઈને બોલ્યા.
ચંદ્રાવતી જાણે ચટણી - કચૂંબર પીરસવામાં મશગુલ હોય તેવા ભાવથી ઉભી રહી.
“શું થયું, દીકરી? અમને નહિ કહે?” ખુરશી પર બેસતાં ચંદ્રાવતીના રિસાયેલા ચહેરા તરફ જોઈ તેમણે પૂછ્યું.
“બા વારેઘડીએ મારા પર ખિજાય છે. કામ કરવા પરથી, ગાયન ગાવા પરથી…અમારે શું ગીત પણ નહિ ગાવાનાં?”
“અલી, એ તો ચાલ્યા જ કરે. તે દિવસે આપણા બગીચાની પાછળ છોકરાંઓને ભેગાં કરી તેમને ‘ચરખા ચલા ચલા કે લેંગે સ્વરાજ લેંગે’ શીખવતી હતી તેથી તને ટોકી હશે. અરે, રેંટિયો ચલાવીને તે કદી સ્વરાજ મળવાનું છે? વળી આપણે રજવાડાના તાબેદાર. આ બંગલામાં અંગ્રેજ સરકાર વિરોધી ગીત ગવાય છે એવી વાત મહારાજના કાન સુધી પહોંચે તો મારી નોકરી પર આવી બને કે નહિ? રજવાડાંની નોકરી એટલે અળવીના પાંદડા પરનું પાણીનું ટીપું. ગમે ત્યારે દડી પડે, તેથી આપણે ખુબ સંભાળીને રહેવું પડે, દીકરા.”
ચંદ્રાવતી ફક્ત ‘હં’ કરીને ઉભી રહી.
“તારી બાનો ગુસ્સો બે મિનિટ પણ ન ટકે. એને ઘરકામમાં થોડી મદદ કરો કે તે ખુશ! અને હા, ગીતો પણ ગાવાં. કેમ નહિ, વારુ? ભગવાનનાં, દેવીદેવતાઓનાં ગીત જરુર ગાવાં. ઈંદોરની તારી શાંતાફોઈ છે ને? એને પણ ગાવાનો ભારે શોખ છે, હોં કે! પેલા રૂક્મિણી સ્વયંવરના ગીતો કેવી સુંદર રીતે ગાય છે! આજકાલમાં તે અહીં આવવાની છે. તેની પાસેથી ભજન, આરતી, ભૂપાળી શીખી લેજે.”
“ક્યારે આવવાનાં છૈ અમારાં ફોઈ-ધ-ગ્રેટ?”
“રક્ષાબંધન સુધીમાં આવી જશે.”
“સદ્ભાગ્ય અમારાં! અૅન પરીક્ષા વખતે ટપકી પડ્યાં હોત તો અમારા રિઝલ્ટના બાર જ વાગી જાત!”
ડૉક્ટરસાહેબે દીકરી તરફ ન જોતાં મનોમન હસીને જમવાનું શરુ કર્યું.

***
બંગલાની પાછળનું ફાટક ખોલીને સત્વંતકાકી રસોડામાં આવ્યાં. “તનિક બેરી ભઈ. દદ્દાકા અઉર ઈનકા ખાના લગા કર આઈ. દદ્દા પૂછત્તે, મોડીકી સાદી કબ રચા રઈ હેંગી ડાંગધરાઈન?” રસોડાની ચોકડીમાં હાથ ધોતાં સત્વંતકાકી હસીને બોલ્યાં. બુંદેલી બોલીમાં ‘મોડી’ એટલે આપણે ત્યાં ગામડાંમાં છોકરી માટે વપરાતાે અપભ્રંશ શબ્દ ‘છોડી’!
ચંદ્રાવતીએ ઊંડો શ્વાસ લીધો. ‘શરુ થઈ ગયો અા બન્નેનો પ્રિય વિષય!!’
‘તમારા બુંદેલખંડમાં અમારી બિરાદરીના સારા છોકરા ક્યાં છે, કહો તો? અમે દક્ષિણી કાયસ્થ. આને સોળમું પૂરું થવા આવ્યું. આમના બાપુજી તો બેઠા છે હૉસ્પિટલ સંભાળીને અને દીકરીને જોતરી છે મૅટ્રીકની પઢાઈમાં. આ જાણે ઓછું હોય, રાજમહેલના પણ અંગત ડૉક્ટર બનાવવામાં આવ્યા છે એમને. રાણી માને છિંક આવી, ચાલો મહેલમાં! મહારાજને ઊંઘ નથી આવતી, મોકલો મોટર ડૉક્ટરસાહેબને તેડવા. આવું બધું ચાલી રહ્યું છે. બોલો સત્વંતી, અમે કરીએ તો શું કરીએ?”
“સત્વંતીકાકીના હાથમાં શો જાદુ છે કોણ જાણે!” વિષયાંતર કરવા ચંદ્રાવતીએ રસોડામાં ડોકિયું કરીને કહ્યું. “કાકીના હાથના નાનકડા પંજા જેવડો પાપડ અંગારા પર મૂકતાંજ ફૂલીને તાવડી જેટલો મોટ્ટો થઈ જાય છે! અને હિંગ, કાળા મરી અને જીરાની સ્વાદિષ્ટ ફોરમ આખા બંગલામાં ફરી વળતી હોય છે. નરમ ભાત ઉપર માખણનું તાજું ઘી અને સાથે સત્વંતકાકીએ બનાવેલો પાપડ! વાહ! જમવાની મજા પડી જાય છે, હોં કે!”
ચંદ્રાવતીના માખણભર્યા વક્તવ્ય પછી જાનકીબાઈને કશું કહેવાપણું રહે?
જાનકીબાઈએ પાપડ બનાવવાની સામગ્રીની વસ્તુઓ સત્વંતકાકી સામે મૂકવા લાગ્યા. 
“કાહે ચિંતા કરત હો, બાઈજી? ઈશ્વરની કૃપાથી બધું વખતસર થઈ જશે,” કહી સત્વંતકાકી પાપડનો લોટ બાંધવા લાગ્યાં.
હાથ ધોઈ, સાડીનો પાલવ કમર પર ખોસી ચંદ્રાવતી ભિંજાયેલા લોટને પાટા પર મૂકી કૂટવાની તૈયારી કરતી હતી ત્યાં સત્વંતકાકીની દીકરીઓ - જામુની અને મિથ્લા - એક હાથે કપાળ પરની ભૂખરી લટ સમારતી અને બીજા હાથમાં રંગીન પાટલા-વેલણ સંભાળતાં વરંડામાં આવી પહોંચી.
“તુમ દોઉ જની કા કાજે ઈત્તે આઈ? ભાગો, ઘર જૈ કે ખેલો…” સત્વંતકાકી દબાયેલા અવાજમાં દીકરીઓને વઢ્યાં.
છોકરીઓનાં ચહેરા પડી ગયા અને બન્ને બહેનો દરવાજામાં જ થંભી ગઈ.
“રહેવા દે, સત્વંતી. એ બિચારી તારું શું બગાડે છે? આગળ જતાં બન્નેને આ જ કામ કરવાનું છે,” અને ચંદ્રાવતી તરફ વળીને જાનકીબાઈએ કહ્યું, “ચંદા, એમને આપ ને બે -ચાર લૂવા!”
આ નાની છોકરીઓને આટલી સહેલાઈથી પાપડ વણવાની રજા મળી તે ચંદ્રાવતીને ગમ્યું તો નહિ, પણ તે બહાને બા એ તેની સાથે વાત કરી તેનો તેને આનંદ થયો. બા રિસાય તો બે દિવસ સુધી અબોલા રાખે. આથી ચંદ્રાવતીને એટલું દુ:ખ થતું, ન પૂછો વાત. મેળામાં ખોવાઈ ગયેલા બાળકની જેમ મન દિશાહીન થઈને દોડતું હોય એવું તેને લાગ્યા કરતું.
“તમારા હાથ બતાવો તો!” પાપડનો લોટ કૂટતાં ચંદ્રાવતી બોલી.
ચાર ટચૂકડા હાથ તેની સામે રજુ થયા!
“છી! છી! કેટલા ગંદા હાથ છે તમારા! જાવ, સાબુથી સરખી રીતે હાથ ધોઈ આવો, પછી આવજો પાપડ વણવા.”
રસોડાની ચોકડીમાં ઘસી ઘસીને ધોવાયા બાદ ગોરા ગોરા હાથ ફરીથી ચંદ્રાવતી સામે પેશ થયા. ત્યાર પછી પાપડનો લોટ ખાતાં ખાતાં બે - ચાર જાડા, વાંકાચૂકા પાપડ વણાયા અને દરેક પર અદૃશ્ય નામ પણ લખાઈ ગયા. ‘આ દદ્દાનો, આ બાપુનો, આ બડે સાહબનો, આ સેખર ભૈયાનો…’ અને જમીન પર ચારે બાજુ લોટ વેરાતો ગયો.
એટલામાં રામરતનની ઘોડાગાડી આવી અને વરંડા પાસે રોકાઈ. તેનો અવાજ સાંભળતાં જ વેલણ - પાટલા ત્યાં જ મૂકી, ‘સેખર ભૈયા આવ્યા!’ ની બૂમો પાડતી જામુની અને મિથ્લા બહાર દોડી ગઈ.
જામુની અને મિથ્લા. દેખાવમાં બન્ને જોડિયા બહેનો જેવી. ફેર હોય તો એટલો કે જામુની થોડી વધુ ઊંચી અને પાતળી હતી જ્યારે મિથ્લા જરા ભારે શરીરની ; જામુની કરતાં વધુ ઉજળા વર્ણની પણ હાલ ચાલમાં ઢીલી. બન્ને બહેનો પોતાની નમણી, પાતળી ચિબુક, દાડમના દાણા જેવા દાંત, અને કોણ જાણે કઈ ધૂનમાં ખોવાયાં હોય તેવાં તેમનાં નયન, ગાઢ પાંપણ અને ભૂખરા રંગનાં વાળના કસીને બાંધેલા - વિંછીની પૂંછડી જેવા વળેલા ચોટલામાં સાવ જુદી તરી આવતી. તેમનો પોશાક પણ એવો જ વિશિષ્ટ. કોઈ વાર લાલ ચટક અથવા જર્દ પીળા રંગનાં ચણિયા-ચોળી પહેરે. ચોળીમાં બટનને બદલે પાછળ દોરીનાં બંધ અને પીઠ સાવ ખુલ્લી. કોઈ વાર માદરપાટના કૂર્તા-શલવાર પહેરીને આ બહેનો બંગલે આવતી.
ઘણી વાર સત્વંતકાકીની નજર ન હોય ત્યારે ચંદ્રાવતી આ છોકરીઓની વિંછીની પૂંછડી જેવા વાંકા, કડક ચોટલા ખોલી સરસ, ઢિલી વેણી બાંધી, તેમાં રિબન બાંધી તેનાં ફૂમતાં કરી આપે. ત્યાર પછી તેમનાં મ્હોં ધોઈ, સુગંધી પાઉડર લગાડીને સજાવે. કોઈ વાર તો તેમના માટે પ્રિન્ટેડ છિંટનું કાપડ લાવી બાના મશીન પર ફ્રૉક સિવી તેમને પહેરાવે! પોતાને બહેન નથી તે ક્ષતિનું દુ:ખ ભુલવા જામુની-મિથ્લાના ખૂબ લાડ લડાવતી - ખાસ કરીને જામુનીનાં.
દીકરીઓનું ‘બદલાયેલું’ સ્વરુપ જોઈ, બનાવટી ગુસ્સો કરતાં સત્વંતકાકી કહેતાં, “ઈત્તી ફૈસન કરકે કિત્તે જા રહી હેંગી દોઉ મેમ્સાબ?” પછી ચંદ્રાવતી તરફ જોઈને કહેતાં, “આ છોડીઓનાં આટલા લાડ કરીશ મા. ઘેર આવીને મારી સાથે ઝઘડો કરતી હોય છે કે તારી જેમ ઢિલા ચોટલા બાંધી આપો!”
જામુનીનું ખરું નામ બુંદેલખંડના બાદશાહ બાઝ બહાદુરની પ્રખ્યાત રુપસુંદરી રાણી પરથી રાખ્યું હતું - રુપમતી હતું. પણ તેનાં હોઠની સુંદર જાંબુડા રંગની કિનારી જોઈને ચંદ્રાવતીએ તેનું લાડકું નામ જામુની રાખ્યું. આ નામ તેની સાથે કાયમ માટે જોડાઈ ગયું.


બાળપણથી જ જામુની આ બંગલામાં મોટી થઈ. ડૉક્ટરસાહેબનો બંગલો અને બડેબાબુજીનું લાલ માટીનું બેઠા ઘાટનું મકાન છેલ્લા અઢાર-ઓગણીસ વર્ષથી જોડિયા ભાઈઓની જેમ પ્રેમથી એકબીજાને સાથ આપતા રહ્યા હતા. બેઉ મકાનો વચ્ચે વિશાળ હરિયાળી ફેલાયેલી હતી અને તેમાં આંબા, આમલી અને લીમડાનાં વૃક્ષો હતા. હરિયાળા ઘાસમાં વાંકીચૂકી પગદંડીઓ પડી હતી. દિવાળીના તહેવારે ચૌબળ પરિવાર તરફથી પૂરણપોળી અને ખાજાંના ઘૂઘરા પ્રેમપૂર્વક બડેબાબુજીને ઘેર જાય, તો ડૉક્ટરસાહેબને ત્યાં સત્વંતકાકીના હાથનાં બનેલા મંગોડા - મગની દાળના ગોટા - અને પકોડા કાંસાના કટોરામાં ભરીને પહોંચે. બન્ને પરિવાર એકબીજાના સુખ દુ:ખના સાથી અને દુ:ખ તકલીફમાં એકબીજા માટે દોડીને પહોંચી જનારા. જામુની-મિથ્લાને તાવ વધે તો જાનકીબાઈને બોલાવાય, અને શેખર-ચંદાને શરીરે અસુખ હોય તો સત્વંતકાકી લાલ મરચાં લઈને તેમની નજર ઉતારવા હાજર થઈ જતાં.
નાનપણથી જ બિમારી અને નાનાં નાનાં ઘા-જખમ, ઓરી, બળિયા શેખર-જામુની-મિથ્લા જાણે ભાગ હોય તેમ સાથે વહેંચીને મોટા થયાં. 
છોકરીઓની વાત કરીએ તો મિથ્લા કરતાં જામુની વધુ જીદ્દી હતી. ‘હમ કરે સો કાયદા’ જાણે તેનો મુદ્રાલેખ ન હોય! તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ વાત થાય તો તરત મોટેથી રડવાનું શરુ થયું સમજવું. રિસાવું, ગુસ્સો કરવો કે મોઢું ફુલાવીને બેસી રહેવું એ જામુનીની ખાસિયત. અને વારે વારે રિસાતી જામુનીને ચીઢવવામાં શેખરને કેવો આસુરી આનંદ મળતો એ તો ભગવાન જાણે! શેખર ગિલ્લી દંડો રમવા લાગે કે જામુની તરત તેની રમતમાં ઘાલમેલ કરવા ત્યાં પહોંચી જાય. વળી રમતમાં તે હારી જાય તો શેખર સાથે લડવા લાગે, અને પછી થાય મારામારી, નખોરિયાં ભરવાનાં અને છેલ્લે મોટેથી ઘાંટો પાડીને રડવાનું. તેના કરતાં મિથ્લા થોડી ગરીબ સ્વભાવની.
ઉતરાણના સમયની આસપાસ શેખર અને તેના ભાઈબંધ બંગલાની અગાસી પર પતંગ ચગાવવા જાય ત્યારે જામુની ત્યાં અચૂક પહોંચે અને કહે, “સેખરભૈયા હમેં ભી સિખા દો પતંગ ઉડાના.”
“ચલ હઠ! છોકરીઓ પતંગ ન ચગાવે,” કહી શેખર તેને અગાસી પરથી ભગાવે. આક્રંદ કરતી જામુની સીધી જાય ચંદ્રાવતી પાસે અને શેખરની ફરિયાદ કરવા લાગી જાય. પછી ચંદ્રાવતીએ અગાસી પર જઈ શેખરને કહેવું પડે, “એને શીખવને, ભૈલા! સ્ત્રી અને પુરુષો વચ્ચે રમત ગમતમાં ભેદભાવ હોવો જોઈએ એવો કોઈ કાયદો છે?”
કચવાતા મને શેખર જામુનીના હાથમાં પતંગ આપે, અને ક્યાંક પતંગ અટવાઈ કે ફાટી જાય તો ફરી જામે બન્ને વચ્ચે મારામારી!
***
શેખર અને આ બન્ને ભવાનીઓને મહામુશ્કેલીએ દૂધ-રોટલી પીરસી ચંદ્રાવતી ચા બનાવવા માટે સ્ટવ સળગાવવા લાગી. બીજી તરફ જામુની અને શેખર વચ્ચે એકબીજાના કાનમાં કંઈક ગુફતેગો શરુ થઈ ગયો. થોડી વારે રસોડાના દરવાજા વચ્ચે શેખર આવીને ઉભો રહ્યો. કમર પર હાથ રાખી મોટી બહેનને જાણે આહ્વાન આપતો હોય તેવી મુદ્રામાં બોલ્યો, “અમે ઝૂલા પર હીંચવા જવાના. જવાના એટલે જવાના જ!”
“હમણાં કોઈએ ક્યાંય જવાનું નથી. બહાર લૂ વાય છે અને હિંચકાના દોરડાં સડી ગયાં છે. નકામા પડશો બડશો! જાવ, ચૂપચાપ ઘરમાં જ રમો જોઉં! ધ્યાન રાખજો, બાબા સૂતા છે,” સ્ટવ પર ચ્હા મૂકતાં ચંદ્રાવતી બોલી.
અહીં પાપડ વણતાં વણતાં સત્વંતકાકી અને જાનકીબાઈ વચ્ચે વાતો શરુ થઈ ગઈ.
“ચાલો, સારું થયું જામુનીનો જન્મ થયો અને દદ્દા તમારે ત્યાં આવવા લાગ્યા,” મનમાં ઘર ઘાલી બેઠેલા વિષયને વાચા આપતાં જાનકીબાઈ બોલ્યાં.
“શું કહું? આ ગામમાં ઘર બાંધવું અને ‘એમણે’ અહીં નોકરી કરવી દદ્દાને ક્યાં પસંદ હતું? તેઓ કહેતા, ‘મૅટ્રિક સુધી ભણીને અમારો નાનો ભાઈ પોતાને અંગ્રેજ સમજવા લાગ્યો છે. ઠાકુર જાતિનું નામ ધૂળધાણી કરી નાખ્યું છે એણે. બાપદાદાની હવેલીઓ ભિંડ-મોરેનામાં ખાલી પડી છે અને અમારા નાનાભાઈએ સારંગપુરમાં દિવાસળી ડાબલી જેવડું ઘર બાંધીને અહીં જુદા રહેવાની શી જરુર હતી?”
“દિવાસળીની ડાબલી જેવું કેમ વળી?” જાનકીબાઈ બોલ્યાં. “ખાસ્સું મોટું આંગણું, બેઠકનો મોટો ઓરડો, રસોડું, ઠાકુરઘર, ખૂણામાં બે-ત્રણ કમરા - આટલું મોટું ઘર છે અને દદ્દા કહે છે દિવાસળીની ડબી જેટલું…”
ચ્હા બનાવતાં ચંદ્રાવતી આ સંવાદ ધ્યાનપૂર્વક સાંભળવા લાગી.
“હા, પણ દદ્દા સામે કોઈનું કંઈ ચાલે ખરું? હવે જુઓ, એક સો વર્ષ અગાઉ અમારા બાપદાદાઓની જમીન એમનાં જ સગાંઓએ હજમ કરી. હવે દદ્દા તેનો બદલો લે છે. નાહક ખૂન-ખરાબો કરવા લાગ્યા છે. જામુનીના બાપુનો માર્ગ જુદો એ તો આપ ક્યાં નથી જાણતાં?”
“બડેબાબુજીનાે રસ્તો તો હું જાણું છું. પણ દદ્દાના રસ્તાની અમને શી પડી છે? હું તો કશું નથી જાણતી, સત્વંતી!” પાછળ ઉભેલી ચંદ્રાવતી તરફ નજર કરી, સત્વંતકાકીને આંખોથી ચૂપ રહેવાનો ઈશારો કરતાં જાનકીબાઈ બોલ્યાં.
અહીં ચંદ્રાવતી ચ્હાના કપ ભરવા લાગી તે જોઈ શેખર, જામુની અને મિથ્લા જાંબુડીના ઝાડ તરફ પલાયન કરી ગયા.
“આ ત્રિપુટી મારી નજર ચૂકવીને ઝૂલા પર પહોંચી ગઈ, જોયું!” ગળણીમાંથી કપમાં ચ્હા રેડતાં ચંદ્રાવતી બબડી, અને રસોડાની બહાર નજર કરીને જોયું તો ત્યાં શેખર અને જામુની વચ્ચે ઝૂલા પર પહેલાં કોણ બેસે તે વાત પર ઝપાઝપી જામી હતી.”
“અમારા દદ્દા તારા પિતાજી કરતાં ઘણા મજબૂત છે. તને એક તમાચાે જડી દેશે તો તું મરી જઈશ!”
“ચલ હટ, વાંદરી. ભાગ અહીંથી. આ હિંચકો મારો છે.”
“જા, જા હવે! મારા બાબુજીએ આ હિંચકો બાંધ્યો છે, સમજ્યો, છછુંદર?”
આમ ઝગડો ચાલતો હતો ત્યાં ચંદ્રાવતી પહોંચી ગઈ. બન્નેની પીઠ પર ધબ્બા માર્યા અને તેમને વરંડામાં લઈ ગઈ. મિથ્લા ત્યાં થાંભલાને અઢેલીને બેઠી હતી. ચંદ્રાવતી અંદર જવા લાગી ત્યાં તેની નજર ચૂકાવીને શેખર અને જામુની ત્યાંથી છટકીને હિંચકા પર પાછા પહોંચી ગયા.
***
 પાપડ, વણી, સૂકવી સત્વંતીકાકી ઘેર જવા નીકળ્યાં, પણ દીકરીઓ ક્યાંય દેખાઈ નહિ.
“તમે શા માટે ચિંતા કરો છો? હું તેમને મૂકવા આવીશ, પણ અંદર નહિ આવું.”
“કેમ વળી?”
“દદ્દા આવ્યા છે ને!”
“તે દદ્દા શું તને ખાઈ જવાના છે? અત્યાર સુધી તો તને કશો વાંધો નહોતો. તેઓ હોય તો પણ તું માલપૂવા બનાવવાનું શીખવા, નવી બંગડી લીધી હોય તો તે બતાવવા આવતી. હવે અચાનક શું થઈ ગયું?” કહી સત્વંતકાકી ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા.
તેમના ગયા પછી ચંદ્રાવતીએ બારીમાંથી બગીચા તરફ જોયું તો ફાટકની નજીક આવેલા શેતૂરના ઝાડની શાખાઓ પરથી શેખર, જામુની અને મિથ્લાના લટકતા પગ દેખાયા.
નીચું મ્હોં કરી ચંદ્રાવતી પોતાની રુમમાં ગઈ. વાળ પરથી કાંસકો ફેરવી, ઝપાટાબંધ સાડી બદલીને વિચાર કરવા લાગી કે બંગલાની ફાટક સુધી જવું કે નહિ. 
સાંજ પડી ગઈ હતી. ઠંડા પવનની લહેર વહેવી શરુ થઈ ગઈ હતી. બાગમાંના મોગરાની મહેક હવામાં પમરાતી હતી. ચંદ્રાવતીના તન મનમાં એક પ્રકારનો ઉલ્લાસ પ્રગટ્યો હોય તેવું તેને લાગ્યું. કેસરી - કિરમજી રંગનું આકાશ જાણે પૃથ્વિને આલિંગન આપવા ઝુકી રહ્યું હતું અને ક્ષિતિજની રેખા એટલી નજીક દેખાતી હતી, જાણે હાથ લાંબો કરી તેને અડી શકાય!
“‘બાગમાં જવું કે નહિ? ન જઉં તો આ ત્રણે જણા અંધારું થાય ત્યાં સુધી ઝાડ પર રમતા જ રહેશે અને શેખર તેનું હોમવર્ક પૂરું નહિ કરી શકે. બાબા પૂછશે કે શેખરનું લેસન તપાસ્યું કે નહિ, તો શો જવાબ આપીશ? આ છોકરીઓને તેમના ઘેર પહોંચાડવાની છે…શેખરનું આવતી કાલનું લેસન…” આ ગડભાંજમાં તેણે ફરી વિચાર કર્યો : ફાટક પાસે જવું કે નહિ. 
આ વિચાર કરવાનું મુખ્ય કારણ હતું તે સમયે રાવરાજા ઘોડેસ્વારી કરતાં કે રાજમહેલમાંથી ખુલ્લી મોટરમાં બેસી ઠંડી સડક પરથી બંગલાની સામે આવેલા ક્લબમાં જતા હોય અને તેમની સાથે કોણ જાણે તેમનો સગો-વહાલો કે ભાઈબંધ તેમની સાથે હોય. પોતાના રુમની બારીમાંથી બગીચામાંના વૃક્ષોની પાર તેઓ બન્ને નીકળતા ત્યારે તેમનાં અસ્પષ્ટ રુપ તેને દેખાતાં. છેલ્લા પાંચ-છ મહિનાથી વહેલી સવારે દૂરથી આવતા ઘોડાંઓનાં ડાબલાંઓનો અવાજ તે રોજ સાંભળતી અને બટન દબાવતાં વીજળીનું ઝૂમર ઝળકવા લાગે તેમ ઝબકીને તેની મીઠી નિંદરમાંથી જાગી જતી.  ત્યાર પછી મોઢું ધોઈ, પૂજા ઘરમાંથી પિત્તળની છાબડી લઈ ફૂલ ચૂંટવા જતી. કોઈ કોઈ વાર તો તેને એવો આભાસ પણ થતો કે તે બંગલાના ફાટક નજીક આવતાં જ બેઉ ઘોડાંઓની લગામ જાણે ઢીલી પડી છે, અને તેથી જ કે કેમ, ઘોડાંઓની ગતિ એકદમ મંદ પડી જાય છે. આ સાચું છે કે પછી તેનું પોતાનું મન તેની સાથે રમત કરે છે, રામ જાણે! ગમે તે હોય, પણ જ્યારે ઘોડાંઓનાં ડાબલાં બંગલાની ફાટક નજીક આવે કે તે તરત કોઈ એક ઝાડની પાછળ સંતાઈ જતી.
આ વિચારચક્ર પૂરું થતાં તેણે ટેબલ પરથી ફૂટપટ્ટી ઉપાડી અને હળવે પગલે બાગમાં ગઈ અને શેતૂરના ઝાડ પાછળ સંતાઈને જોવા લાગી બાળકો શું કરે છે. બાળકો ઘર ઘર રમતા હતાં. 
જામુની રોફથી હુકમ આપતી હતી, “દેખો, હમ બડી બાઈજી, સેખર તુમ ડાગધર સાહબ અને મિથ્લા, તુમ સિકત્તર!”
“ઠીક, બડી બાઈજી,” મિથ્લાએ જવાબ આપ્યો.
“સિકત્તર - નહિ - બાલકદાસ!” જામુનીએ સાદ પાડ્યો.
“જી હજુર, સિકત્તર અબ્બે હાલ આયા,” મિથ્લાએ જવાબ આપ્યો.
“જા, શહેરમાં જઈને શાકભાજી લઈ આવ!”
મિથ્લાએ શેતૂરનાં પાંદડાં તોડ્યાં અને જામુની સામે ધર્યાં. “લો બાઈજી!”
‘ડૉક્ટરસાહેબ’ - શેખર ઊંચ ડાળ પર બેસી પેશન્ટ તપાસતો હતો!
ચંદ્રાવતીએ દરવાજાના ફાટકની નજીક આવી અને હાથમાંની ફૂટપટ્ટી ઉગામીને બોલી, ”શેખર, જામુની, ઝાડ પરથી ઉતરો છો કે નહિ? કે પછી લગાવું એક ફટકો?”

એટલામાં બાગના લોખંડના ફાટકનો ખૂલવાનો અવાજ આવ્યો.


***

Sunday, January 3, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨

પ્રકરણ ૨
ચંદ્રાવતી બે વર્ષની થઈ ત્યારે ડૉક્ટરસાહેબે આ બંગલો બંધાવ્યો હતો. મહારાજાએ હૉસ્પિટલના કમ્પાઉન્ડની નજીકનો આ પ્લૉટ તેમને નજીવી કિંમતે આપ્યો હતો. બંગલાની આગળ - પાછળ ખુલ્લી જગ્યા હતી. બંગલાના ચાર - પાંચ પગથિયાં ચઢતાં મોટો વરંડો, અને ત્યાંથી અંદર પ્રવેશ કરીએ તો મોટો હૉલ આવે. હૉલની જમણી બાજુએ ભોજનકક્ષ હતો. પૂજાની ઓરડી અને ચંદ્રાવતીની રુમ ભોજનકક્ષને સમાંતર હતાં. હૉલની પાછળની બાજુએ કોઠાર અને રસોડું. હૉલની ડાબી બાજુએ ડૉક્ટરસાહેબનો શયનકક્ષ અને તેમાં જ અંગ્રેજી કાચ મઢાવેલું બાથરુમ. ડૉક્ટરસાહેબના શયનગૃહને અડીને બે ઓરડા હતા. એક શેખરનો અને એક મહેમાનો માટે. બંગલાની પાછળના આંગણામાં ભારતીય પદ્ધતિનું બાથરુમ હતું અને તેની બાજુએ ઉપર અગાશીમાં જવાનો દાદરો.
રામરતન ઘોડાગાડીવાળો ડૉક્ટરસાહેબને હૉસ્પિટલમાં અને શેખરને નિશાળે મૂકવા નીકળી જાય ત્યારે ઘરમાં મા-દીકરી અને એકાદ બે નોકર સિવાય બીજું કોઈ ન હોય. જાનકીબાઈ પૂજાઘરમાં કે રસોડામાં અને ચંદ્રાવતી તેના કમરામાં અભ્યાસ કરતી હોય. કોઈ કોઈ વાર રસોડામાં નાસ્તાના ડબા ફંફોસવા આવે એટલું જ.
ચંદ્રાવતીની પરીક્ષાઓ નજીક આવી હતી. અભ્યાસમાં ધ્યાન પરોવતી હતી ત્યાં જાનકીબાઈ મોટે મોટેથી વ્યંકટેશસ્ત્રોત્ર ગાવા લાગ્યાં: ‘ધાવ ધાવ રે ગોવિન્દા, હાતી ઘેઉનિયાં ગદા/કરી માઝ્યા કર્માચા ચેંદા, સચ્ચિદાનંદા! (હે ગોવિંદ, હાથમાં ગદા લઈને દોડતાં આવો અને મારા કર્મોને છુંદી નાખો, હે સચ્ચિદાનંદ!)
સ્તોત્ર રટતાં રટતાં તેમને અચાનક કંઈક યાદ આવ્યું, અને પ્રભુસ્મરણ અર્ધે મૂકી તેમણે બૂમ પાડી, “અરે બાલકદાસ!”
સિકત્તર પાછળના આંગણામાં વાવેલાં શાકભાજીને ઝારી વતી પાણી પાતો હતો. તેણે જવાબ આપ્યો, “જી હજૂર, સિકત્તર અબ્બે હાલ આયા,” પણ આરામથી પોતાનું કામ કર્યે રાખ્યું.
જાનકીબાઈનો બબડાટ શરુ થઈ ગયો. “આ સિકત્તર પણ ખરો છે! જાતનો આહિર, પણ તેનો રુવાબ તો જુઓ! કપાળમાં ભસ્મના પટા અને ગળામાં તુલસીની માળાઓનો ઠઠારો! જેને તેને કહેતો ફરે છે કે હું ડૉક્ટરસાહેબનો સેક્રેટરી છું, મને સિકત્તર કહીને બોલાવો!” સ્વગત વક્તવ્ય સાથે તેમણે ભગવાનને એક એક કરીને ફૂલ ચઢાવ્યાં અને આરતી પૂરી કરી. ચરણામૃતનું પાણી પાછળના તુલસીક્યારામાં રેડવા જતાં હતાં ત્યાં તેમને કશું’ક યાદ આવ્યું. રસોડા પાસે તે રોકાઈ ગયા અને હવે ધારદાર અવાજમાં બૂમ પાડી, “બાલકદા….સ!”
શેઠાણીના અવાજમાંની તીક્ષ્ણતા સિકત્તર ઓળખી ગયો અને હાથમાંની ઝારી ઝડપથી હોજના કઠેડા પર મૂકી, પોતાના મેલા ધોતિયા વતી હાથ લૂછતાં લૂછતાં ડફોળ જેવો ચહેરો કરીને આવ્યો અને રસોડાનાં પગથિયાંથી થોડે દૂર ઉભો રહ્યો. 
“બડે બાબુજીકે જઈકે સતવન્તીકો કહિયો, ઠાઢે ઠાઢે બંગલે પર આ જઈયો.”
ચંદ્રાવતીએ નિ:શ્વાસ મૂક્યો. ‘આજે સત્વન્તકાકીના દિગ્દર્શન નીચે પાપડ બનવાના છે. આખ્ખો દિવસ ધમાલ રહેવાની અને બા કહે છે, ‘ઠાઢે - ઠાઢે!’ અને સત્વન્તકાકી એકલાં થોડાં આવશે? સાથે આવશે તેમની બન્ને દીકરીઓ! ઓ મા! આજે તો રિવિઝનનું સત્યાનાશ થવાનું છે.’
મૅટ્રિકના વર્ગની વિદ્યાર્થિનીઓને પરીક્ષાની તૈયારી કરવાની રજાઓ પડી હતી. ચંદ્રાવતીએ પુષ્કળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. તેના ક્લાસની અંજિરા, મંજુલા, પવિત્રા અને દિઘે માસ્તરની શિલા, બધી ખિંટીએ ચોટલા બાંધીને વાંચવા મંડી પડી હશે.
પરમ દિવસે મંજુલા અને અંજિરા સવારના પહોરમાં જ તેની પાસે આવી પહોંચી હતી ; અંગ્રેજીનાં પ્રશ્નોના જવાબ પૂછવા. તેમાં મંજુલા તો ઠીક છે, પણ અંજિરાને તો સમ ખાવા પૂરતું પણ અંગ્રેજીનું વાક્ય લખતાં નથી આવડતું. જો કે દોઢ મહિનામાં તે આ કમી પણ પૂરી કરી લેશે. તેના ઘરમાં તો જમ્યા પછી હાથ પર પાણી રેડવા અને રુમાલ ધરવા નોકર રાખ્યા છે. આ છોકરીઓની મા ભલે અભણ હોય, પણ અૅન પરીક્ષાના સમયે પાપડ - ફરફર બનાવવા પોતાની દીકરીઓ પાસે વેઠ નથી કરાવતી. પરીક્ષા મ્હોં ફાડીને સામે ઊભી છે અને અમારા માતુશ્રીને પાપડ બનાવવાનું યાદ આવે છે! મનમાં ચડભડ કરતી ચંદ્રાવતી ઈતિહાસનાં પાનાં ફેરવવા લાગી. આંખ સામેથી અક્ષરો તો ફટાફટ પસાર થઈ રહ્યા હતા, પણ મગજમાં કંઈ ઉતરતું નહોતું.  પુસ્તક બંધ કરીને તે પેન્સિલ સાથે રમત કરતી રહી અને ત્યાર પછી બારી પાસે જઈ દૂર સુધી નજર નાખતી રહી. સૂરજ બરાબર મધ્યાહ્ન પર આવી પહોંચ્યો હતો.
ગરમી એટલી પડી હતી કે અંગારા પર તપાવેલા લોઢાના સળિયાને પાણીમાં ડૂબાડતાં જેમ ‘ચર્ર ચર્ર’ અવાજ થાય, તેમ આંખો ચરચરાટ કરીને બળતી હતી. આ સડકનું નામ કોઈએ ‘ઠંડી સડક’ કેમ પાડ્યું હશે? ખેર, સડકની પેલી પાર આવેલી વિસ્તીર્ણ ઝાડીના છેવાડે શરુ થતા ભૂખરા, તાંબા જેવા ડુંગરાઓની હારના શિખર પર સોનગિરનાં આરસનાં જૈન મંદિરો તડકામાં ઝગમગતા હતા.  જૈન મંદિરોની ડાબી બાજુએ આવેલા શિખર પર પુરાતન મહાદેવના મંદિરમાં જવા માટેનાં ઊંચી અને સીધી નિસરણી જેવાં પગથિયાં સ્પષ્ટ દેખાતા હતા. પ્રખર ગરમીને કારણે સમગ્ર ઝાડી પરથી મૃગજળની જેમ તરંગો ઉઠતાં હતાં. ચંદ્રાવતીના મનમાં એક વિચીત્ર ઝંખના જાગી અને તેણે ત્યાંથી નજર ફેરવી લીધી.
હવે તેણે નજર રાજમહેલની દેવડી તરફ ફેરવી. દેવડી પરનો સુવર્ણ કળશ બળબળતા તડકામાં  ઝળહળતો હતો. કાળા સૅટીનના ખુલ્લા તાકાને જાણે કોઈએ ખોલીને પાથર્યો હોય તેવી ઠંડી સડક દેખાતી હતી. સડક રાજમહેલથી નીકળી, ડૉક્ટરસાહેબના બંગલાને અડી, બંગલાની ડાબી બાજુએ થઈ એકા’દ માઈલ દૂર આવેલા ક્લબને પાર કરી ઠેઠ સારંગપુર રેલ્વે સ્ટેશન પર પહોંચે. ગામમાંથી નીકળતો કાચો રસ્તો ઠંડી સડકને મળતો. બંગલા પાસે કોઈ અવરજવર હોય તો આ કાચા રસ્તા પરથી ઠંડી સડક પર આવી, ત્યાંથી ચાલીને હૉસ્પિટલ જનારા ગરીબ અને બિમારો લોકોની ચહેલ પહેલ, અથવા રાજમહેલ જનાર ચકના પડદાવાળી એકાદ બગ્ગી કે કોઈ વાર ખુલ્લી ટમટમની આવન-જાવન હોય. નહિ તો સડક સામસૂમ જ રહેતી.
અસહ્ય તડકાથી તપાયેલી ઠંડી સડક પર ઠેરવેલી ચંદ્રાવતીની નજર હવે રાજમહેલની અગાશી પરના પત્થરની જાળીવાળા હવામહેલ પર સ્થિર થઈ અને લોકપ્રિય થયેલું લોકગીત ગણગણવા લાગી : ‘જવાની સરર સરર સર્રાવૈ, જૈસો અંગ્રેજનકો રાજ/કજર દઈ, મૈં કા કરું? મોરે વૈસેઈ નૈન કટાર : અંગ્રેજન કો રાજ, જૈસો ઉડૈ હવાઈ જહાજ/જવાની સરર સરર સર્રાવૈ - જૈસી અંગ્રેજીમેં તાર!”
બંગલાની આગળના વરંડાના ખૂણામાં રાખેલા જોડા પહેરી દબાતા પગલે સિકત્તર બંગલાના પગથિયાં ઉતરી, બંગલાની પાછળની પગદંડી પર ચાલવા લાગ્યો અને ફરી પાછો આવી, ચંદ્રાવતીની બારીની નીચે જોડા ઉતારી બિલીપત્રના વૃક્ષ ફરતી ગોળાકારમાં બાંધેલી પાળ પર ત્રણ વાર માથું મૂકી પગે પડ્યો - જે ચંદ્રાવતી હંમેશા કરતી આવી હતી. સિકત્તરને પોતાની નકલ કરતો જોઈ ચંદ્રાવતીને ગીત ગાતાં ગાતાં જ હસવું આવી ગયું. રસોઈ પતાવીને જાનકીબાઈ ચંદ્રાવતીની પાછળ ક્યારે આવીને ઉભાં એની તેને ખબર ન રહી.
“રામ જાણે, ક્યાંથી કેવાં કેવાં ગાયન સાંભળીને આવે છે અને બરાડા પાડીને ગાતી જાય છે!” તેઓ બોલ્યાં. 
ચંદ્રાવતી ચમકી ગઈ. તેણે ગરદન ફેરવી બા સામે જોયું.
“સાંભળ, આજે એમની જમવા વ્યવસ્થા હૉલમાં કરવાની છે. તેમને જોઈતી ચીજવસ્તુનું બરાબર ધ્યાન રાખજે, એવું કહેવા અાવી તો તું તો બાઈ ગાયનમાં મશગૂલ છો! બારીમાં ઉભાં રહીને જેવાં તેવાં ગાયન ગાવાનાં ના હોય, સમજી?”
“કેમ વળી?” વિસ્ફારેલી નજરે મા તરફ જોઈ ચંદ્રાવતીએ પૂછ્યું.
“રસ્તા પર લોકો આવતા-જતા હોય છે. વળી બડે બાબુજીના દદ્દા આવ્યા છે, ખબર છે ને?”
“ખબર છે, હવે!”  બારી પાસેથી ખસી ચંદ્રાવતી ચિડાઈને બોલી.
“દદ્દાને ગામમાં જવું હોય તો આપણા કમ્પાઉન્ડમાંથી જ જતા હોય છે. બહુ ઝી…ણી નજર હોય છે એમની.”
“એવા તે આપણા કોણ થાય છે આ દદ્દા કે આપણે તેમનાથી ડરવું જોઈએ?”
“તને કહીને શો ફાયદો? પેલા કાલીચરણ ઝાડુવાળાની બૈરી કજરી જાંબુડીની નીચે બેસી તેના ભુલકાને ધવરાવતી હતી. એનું બિચારીનું ધ્યાન પણ નહોતું કે તેનો ઘૂંઘટ ખસી ગયો હતો અને દદ્દા ત્યાંથી નીકળી રહ્યા હતા.”
“પછી?”
“પછી શું? એવું તે કાંઈ બબડ્યા એમની ભાષામાં, આપણી તો જીભ પણ ન ઉપડે એવું કહેતાં.”
“પણ કહો તો ખરી!”
“શું કહું? છિનાલ…રાં…” એવી ગાળ આપીને તેના પર થૂંક્યા.”
“છી!” જાણે પોતાના શરીર પર થૂંક ઉડ્યું હોય તેવી સૂગથી તમતમીને ચંદ્રાવતી બોલી. “પણ તને કેવી રીતે ખબર પડી, બા?”
“રસોડામાંથી મેં બધું જોયું. બિચારો કાલીચરણ તેમના પગે પડ્યો અને વારે વારે કાલાવાલાં કરીને માફી માગી ત્યારે તેઓ શાંત થયા. તારા બાપુજી હૉસ્પિટલમાંથી આવ્યા પછી મેં તેમને બધી વાત કરી. અમે નક્કી કર્યું હતું કે આ બાબતમાં તને કશું ન કહેવું. પણ આજે કહેવું જ પડ્યું. અરે, દદ્દાના જોડાંનો દૂર દૂરથી કર્ર કર્ર અવાજ સંાભળતાં વેંત હું તો બાઈ, રસોડાનું પાછલું બારણું બંધ કરી દઉં છું.”
“હવામાં ગયા તમારા દદ્દા. અમારા બંગલામાં અમે ગમે તે કરીએ. અમારી મરજી,” ચંદ્રાવતી બોલી.
“તો કરો જે કરવું હોય તે! આ બુંદેલા રાજપુત કોમ બહુ કડક હોય છે એવું તને સમજાવવા આવી તે અમારી ભુલ થઈ,” કહી જાનકીબાઈ રસોડા તરફ ગયાં. એમનાં પગનાં આંગળાઓ પર ચઢાવેલા વિંછિયાઓનો ટપ્પ, ટપ્પ અવાજ લાંબા વખત સુધી ગુંજતો રહ્યો. ચંદ્રાવતી ફરી એક વાર બારી પાસે ઝુકીને ઉભી રહી, જાણે સંભ્રમિત થઈ હોય તેમ.
દદ્દા કજરી પર થૂંક્યા? આવું બને જ નહિ. દદ્દાને જોઈને તેણે ઘૂમટો ન તાણ્યો તેમાં એવો તે શો ગુનો કર્યો?

રાજમહેલ પરથી બાર વાગ્યાની તોપ ફૂટવાનો અવાજ સાંભળી ચંદ્રાવતી ભાનમાં આવી. પિતાજીનો ઘેર આવવાનો સમય થઈ ગયો હતો. તેણે ટેબલ પરના ઘડિયાળને ચાવી આપી અને રસોડામાં જઈને ડૉક્ટરસાહેબના ભોજનની તૈયારી કરવા લાગી.

Friday, January 1, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧

ઘેરા નીલા આકાશમાં તારલા હજી ઝળહળતા હતા. હવામાં સુખદ ઠંડક ફેલાઈ હતી. ચંદ્રાવતીની રુમની બારી બહાર, સામેની જાંબુડીની ડાળીઓ અચાનક જાગી હોય તેમ સળવળવા લાગી અને તેનાં પાંદડાઓમાં સંતાયેલી કોયલ એક વાર ટહૂકીને ચૂપ થઈ ગઈ. નજીકના હનુમાનજીના મંદિરના ઘંટના મંદ ધ્વનિમાં દૂર ક્યાંકથી આવતી કૂકડાની બાંગનો સાદ ભળી ગયો હતો. પરોઢિયું ધુમ્મસથી છવાઈ ગયું હતું. પશ્ચિમ તરફ ઢળેલ ચંદ્રની કોર જાણે ઉતરી ગયેલ સંતરાની પેશીની જેમ ઢીલી ઢફ થઈને ફિક્કી પડી ગઈ હતી.
ચંદ્રાવતી શાલ લપેટીને પલંગ પર શાંતિથી પડી રહી. દૂર દોડતા ઘોડાંઓના ડાબલાંના આછાે અવાજ સાંભળી તે ઊઠી ગઈ. બાથરુમમાં જઈ મ્હોં ધોઈ, પૂજાઘરમાંથી ફૂલની છાબડી લઈ હળવે પગલે વરંડાના પગથિયાં ઉતરી બાગમાં ફૂલ ચૂંટવા ગઈ. ગુલાબનાં ફુલોનો મોસમ લગભગ પૂરો થવા આવ્યો હતો. પૂર્ણ ખીલેલા ગુલાબના ગોટાને હાથ લગાડતાં જ તેની સુગંધી પાંખડીઓ જમીન પર ખરી પડતી હતી. લીલા ચંપાના ફૂલનો સૌરભ હવામાં પ્રસરી રહ્યો હતો. ચંપકવૃક્ષની નીચે ઉભી રહી ચંદ્રાવતી તેનાં લીલાંછમ પાંદડાઓમાં સંતાયેલ ફૂલ શોધવા લાગી. પ્રયત્નો બાદ એક માથોડા જેટલી ઊંચાઈ પર તેને એક ફૂલ દેખાયું. તેને તોડવા તેણે જેવો હાથ લંબાવ્યો, પેલાં ઘોડાંઓનાં ડાબલાંઓનો અવાજ તેના બંગલાના ફાટક સુધી પહોંચી ગયો હતો. અચાનક તેને ખ્યાલ આવ્યો કે ઘોડાંઓની રેવાલ ચાલ હવે એકદમ ધીમી થઈ ગઈ હતી.
હાથમાં આવેલી ફૂલની ડાળ છોડીને ચંદ્રાવતી ચંપાના વૃક્ષ પાછળ સંતાઈ ગઈ. હળવેથી તેણે ફાટક તરફ ડોકિયું કર્યું અને જોયું તો બે ઘોડેસ્વાર ધીરે ધીરે દરવાજા પાસેથી પસાર થતા હતા. આ ધમાલમાં પેલું ચંપાનું ફૂલ ક્યાંક ખોવાઈ ગયું. ચંદ્રાવતી જાસૂદના છોડ પાસે ગઈ અને ફૂલ ચૂંટવાનું શરુ કર્યું. જાસૂદના લાલચટક ફૂલોથી છાબડી ભરાઈ ગઈ અને તે દર્ભના ક્યારા પાસે ગઈ. દૂર્વાંકૂર પર જામેલું ઝાકળ હવે ચળકવા લાગ્યું હતું અને ઝાકળની ફોરમ હવામાં ફેલાઈ હતી. 
આજે ચોથ છે તેથી ગણેશજી માટે લીલાંછમ દર્ભની જૂડી અને જાસૂદનાં ફૂલોનો હાર બનશે. ફૂલની છાબડી લઈ પગથિયાં ચઢતાં વરંડામાં સૂતેલા બાલકદાસને તેણે સાદ પાડ્યો. 
“સિકત્તર, ઊઠ બૈઠો તો! સાહબ જાગને વાલે હૈં, જલ્દી દૂધ નિકાલો.” 
બાલકદાસ આમ તો સામાન્ય કામકાજ કરવા માટે રાખેલો નોકર હતો, પણ પોતાને ચંદ્રાવતીના પિતાના સેક્રેટરી તરીકે ઓળખાવાનો આગ્રહ રાખતો. “હમ ડાગધર સાહેબકે સિકત્તર હૈં” કહી કહીને તેનું હુલામણું નામ પણ સિકત્તર થઈ ગયું હતું. 
બાલકદાસ ચાદર ખેંચીને ઊંઘવાનો ઢોંગ કરી પડી રહ્યો. 
“બાલકદાસ!” રસોડામાંથી જાનકીબાઈએ સાદ પાડ્યો.
શેઠાણીનો અવાજ સાંભળી સિકત્તર ઝપાટાબંધ ઊભો થઈ ગયો અને વરંડાના થાંભલા પાસે મૂકેલાં પિત્તળનાં બોઘરણાં ઊંચકી ભેંસની ગમાણ તરફ દોડી ગયો.
***
ડૉક્ટર ચૌબળના બંગલાના ભોજનકક્ષમાં સવારની ચ્હાનો કાર્યક્રમ આરામથી ચાલે. આજે ચ્હા સાથેજાનકીબાઈએ બનાવેલા માવાના સાટા લાવવા તેમણે ચંદ્રાવતીને કહ્યું. 

“બડેબાબુજીના મોટા ભાઈ ભિંડથી પરમ દિવસે આવ્યા ત્યારે હંમેશની જેમ તેમણે બે મોટાં પડિયા ભરીને માવો મોકલ્યો અને ખાસ કહેવડાવ્યું, એક પડિયો ચંદા માટે છે અને એક શેખર માટે!”
“હું આવડી મોટી થઈ તોય દદ્દા હજી પણ મારા માટે જુદો ભાગ મોકલે છે,” પિતાજીના ચહેરા તરફ જોઈ હસીને ચંદ્રાવતી બોલી.

“તું કેટલીયે મોટી થઈશ તો પણ અમારા માટે તો નાનકડી ચંદા જ રહેવાની છો!”

“હું ક્યાં નાની રહી છું? આ વર્ષે મૅટ્રિકની પરીક્ષામાં બેસવાની છું.”

“હા ભાઈ, હા! સરખી રીતે લેસન કરો અને ફર્સ્ટ ડિવિઝન મેળવો એટલે થયું,” જાનકીબાઈ બોલ્યાં.

“મને નિશાળમાં વહેલી દાખલ કરી હોત તો અત્યારે હું ઈન્ટરમાં હોત.” ચંદ્રાવતીની આ હંમેશની ફરિયાદ.

“આ સારંગપુરમાં કન્યાશાળા ક્યાં હતી? બડી મુશ્કીલથી હવે શરુ થઈ છે, અને તે પણ અમે બધાંએ મળીને ખટપટ - સટપટ કરી ત્યારે. ત્યાર પછી મિસ જોહરીએ મોરચો ઉપાડ્યો ત્યારે તો મૅટ્રિક સુધીના ક્લાસ શરુ થયા.”

“મૅટ્રિક પછી હું કૉલેજમાં જઈશ, હોં કે!”

“અહીં છોકરીઓની કૉલેજ ક્યાં છે? છોકરાઓની કૉલેજમાં તો બાબા, અમે તને નહિ મૂકીએ. લોકો શું કહેશે? જોઈએ તો ઈંદોર જા, તારા મોટા કાકાને ઘેર.”

“ઈંદોર? છી…એવા બંધિયાર વાતાવરણમાં કોણ જવા તૈયાર થાય? ‘અહીં પાંચ ગજની સાડી પહેરવાની નથી. નવ ગજની સાડી જ પહેરવી જોઈશે… અને બારી પાસે ઉભા રહેવાય નહિ!’ આવા બંધનવાળા માહોલમાં કોણ જાય?”

“તો કહો જોઉં, અમારી દીકરીને આગળ અભ્યાસ કરવા ક્યાં જવું છે?” ડૉક્ટર સાહેબે પૂછ્યું.

“મારે તો મુંબઈ જવું છે, મોહનમામાને ત્યાં. થોડા દિવસ પહેલાં જ તો તેમનો કાગળ હતો કે ચંદાને કૉલેજનો અભ્યાસ કરવા અમારે ત્યાં મોકલો.”

“મુંબૈ? એમની ચાર રુમની સાંકડી જગ્યામાં તમારે ચંદાને મોકલવી છે? અને ચંદા, મુંબૈમાં આજકાલ શું ચાલી રહ્યું છે એની ખબર છે તને? અલી, છાપું-બાપું વાંચે છે કે નહિ? ત્યાં બૈરાંઓની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. ગોરા રંગરૂટ આપણી સ્ત્રીઓને ભગાડીને લઈ જાય છે. કોઈ સ્ત્રી સડક પર એકલી આવી - જઈ શકતી નથી. રાતે બ્લૅક - આઉટ. મુંબૈ પર ફરીથી બૉમ્બ ક્યારે પડશે એનો કોઈ ભરોસો છે ખરો? લોકો મુંબૈ છોડવા ભાગમ્ ભાગ કરી રહ્યા છે, ને તારે મુંબૈ જવું છે?”

ચાર - છ મહિના પહેલાં મોહનમામાનો કાગળ આવ્યો ત્યારથી ચંદ્રાવતીએ મુંબઈના મનમુક્ત વાતાવરણનાં, ત્યાંની મોટી કૉલેજો, એકથી એક ચઢિયાતા વિદ્વાન પ્રૉફેસરો, ભાવિ મિત્રો અને સખીઓ વિશેના જે સ્વપ્ન સજાવી રાખ્યાં હતાં, તે કડડભૂસ થઈને ભાંગી પડ્યાં.

“મુંબઈ પર બૉમ્બ પડશે તો ત્યાંના લોકોનું જે થશે તે મારું થશે. એથી વધુ શું થવાનું છે?”

“અરે વાહ! બહુ મોટી વિદ્વાન થઈ ગઈ છો ને કંઈ! પેલો ઉલ્લુનો પઠ્ઠો દિનકર આને કોણ જાણે કેવી કેવી ચોપડીઓ લાવી આપે છે અને આ છોકરી તે ધ્યાનપૂર્વક વાંચતી હોય છે. ‘કાશ્મિરી ગુલાબ’ અને ‘જાદુગર’ - અને -”

“દિનકરરાવ વિશે તમે કશું ના કહેશો, બા. પુસ્તકો તો મને જોઈતા હોય છે. તેઓ તો બિચારા પોતાનો સમય બગાડીને ગામની લાઈબ્રેરીમાંથી ચોપડીઓ લાવી ઠેઠ આપણા બંગલે પહોંચાડતા હોય છે,” ચંદ્રાવતીએ ફટાક દઈને જવાબ આપ્યો.

“સવારે નાહી-ધોઈને તુલસીના છોડને પાણી પા, ‘રુક્મિણી સ્વયંવર’ વાંચ એવું કહું છું તો આની પાસે સમય નથી. આમાં કશું પણ બોલનારી હું કોણ? જવા દો, હવે. સવારના પહોરમાં મારે આવા વિતંડાવાદ નથી જોઈતા,” કહી જાનકીબાઈએ પતિ તરફ નજર કરી પણ પતિનો ચહેરો જોઈ પોતાનો અવાજ ઢીલો કરી નાખ્યો. તેમણે પતિને કહ્યું, “અરે, આ સાટા તો ચાખી જુઓ!”

સાટાનો ટુકડો મ્હોંમાં મૂકી, તેનો આસ્વાદ લેતાં તૃપ્ત દૃષ્ટિથી જાનકીબાઈ તરફ જોઈ ડૉક્ટર સાહેબ બોલ્યા, “વાહ! એક તો તાજા ઘીની સુગંધથી મઘમઘતો માવો અને તેમાં તમારા હાથનો જાદુ! હવે તેમાં કંઈ કહેવાપણું રહે ખરું?”

“હવે તો દદ્દા પોતાના નાના ભાઈને ઘેર આવવા લાગ્યા છે. આ પહેલાં તો તેમના ઘરમાં પગ પણ મૂકતા નહોતા. હવે બધું થાળે પડી ગયું લાગે છે.”

“તમે વળી જુની વાતો ક્યાં ઉખેળવા બેસી ગયા?” એક દિવસના જુના ‘સ્ટેટ્સમૅન’નાં પાનાં પાછળથી ડૉક્ટર સાહેબ બબડ્યા અને છાપું હઠાવી પત્ની તરફ તીવ્ર નજરે જોયું. પછી દીકરી તરફ જોઈને બોલ્યા, “અરે ચંદા, શેખર ઉઠ્યો કે નહિ? એને કહે, નિશાળે જવું છે કે નહિ? જા, એને જગાડ તો!”

પગને પરાણે ખેંચતા લઈ જવા પડતા હોય તેવી રીતે ચંદ્રાવતી શેખરના કમરા ભણી ગઈ.

“છોકરાંઓ સામે શું બોલવું, શું કહેવું તેનો ખ્યાલ રાખશો,” છાપું બાજુએ મૂકી ડૉક્ટર સાહેબે પત્ની તરફ નારાજીપૂર્ણ દૃષ્ટિક્ષેપ કરતાં કહ્યું.

“ચંદા કાંઈ આખી જિંદગી શું નાની રહેવાની છે? જાણે એને દદ્દાના…”

“દદ્દાના શું?”

“ચંબલ ખીણમાંના તેમના પરાક્રમ, બીજું શું? આજે આનું ખૂન, કાલે પેલાને ત્યાં લૂંટ…”

“જુઓ, આપણે આવી વાતો પર વિશ્વાસ ન રાખવો જોઈએ. આજે તમે જે વાત કરી તેનો હવે ભૂલથી પણ ક્યાંય ઉલ્લેખ કરશો મા, સમજ્યા? આજ નહિ ને કાલ, દદ્દાને ખબર પડશે કે બંગલામાં તેમના વિશે આવી વાત થાય છે તો નકામી આફત આવશે. ચંદાને ખબર પડવાની હશે તો તેને એની મેળે પડી જશે. તેને આ બધી વાતો ખાસ ભાર આપીને કહેવાની જરુર નથી.”

“તો રહ્યું,” માથું ઝૂકાવીને જાનકીબાઈ બોલ્યાં.

દાઢી, સ્નાન પતાવી, સૂટ - બૂટ પહેરી, શિર પર ગુલાબી સાફો બાંધી નવે’ક વાગ્યાના સુમારે ડૉક્ટર સાહેબ બહાર વરંડામાં આવ્યા. ત્યાં બડે બાબુજી - સારંગપુર રજવાડાના દવાખાનાના સુપરિન્ટન્ડેન્ટ તેમની રાહ જોઈને બેઠા હતા. તેમના હાથમાં તે દિવસનું તાજું આવેલું સ્ટેટ્સમૅન હતું. ડૉક્ટર સાહેબને જોઈ તેમણે છાપું બાજુએ મૂક્યું અને ઉભા થઈ, હાથ જોડીને બોલ્યા, “જૈ રામજીકી સાહેબ.”

બીજું વિશ્વ યુદ્ધ મધ્યાહ્ને પહોંચ્યું હતું. અખબારમાં આવેલા સમાચારની ચર્ચા કર્યા બાદ બડે બાબુએ સરકારી હૉસ્પિટલની કાર્યવાહીનો રિપોર્ટ આપવાનું શરુ કર્યું.

“સાહેબ, પેલો ટી.બી.નો દર્દી ઘેર જવાનો ઈન્કાર કરે છે. કહે છે, ઘરમાં તેની સારસંભાળ રાખનાર કોઈ નથી. મન્ના વૉર્ડબૉય બરાબર કામ નથી કરતો.”

“હશે. નવો નવો કામે લાગ્યો છે. શીખી જશે. રાવરાજાના ઘૂંટણમાં દર્દ હતું તેના વિશે મહેલમાંથી કોઈ સમાચાર?“

“ગઈ સાંજના પવાર સાહેબનો દીકરો - જે હાલમાં જ રાવરાજાના કમ્પૅનિયન તરીકે નીમાયો છે, હૉસ્પિટલમાં આવ્યો હતો. મને કહે, ‘રાવરાજાના ઘૂંટણમાં બહુ દર્દ થાય છે. ડૉક્ટર સાહેબને મહેલ બોલાવ્યા છે તેથી હું તેમને બોલાવવા તેમના બંગલે જઉં છું.’ મેં તેમને રોક્યા અને તેમના હાથમાં અૅસ્પિરિનની ચાર ટિકડીઓ પધરાવીને રવાના કર્યા અને કહ્યું, ‘ડૉક્ટર સાહેબ સવારે મહેલમાં પહોંચી જશે.”

“બાબુજી, આપે આ બરાબર ન કર્યું.”

“સાહેબ, આપને પણ આરામ કરવો જોઈએ કે નહિ? રજવાડાનાં લોકોને બીજું કોઈ કામ જ નથી હોતું. બસ, ટેનિસ અને પોલો ખેલવા સિવાય બીજું શું કરે છે? એમાં જ હાથ પગ મરોડી લેતા હોય છે.”

“અરે, આ યુવાનીના ખેલ છે, બાબુજી. આજના રાવરાજા આવતી કાલના મહારાજા છે.”

“આપની વાત બરાબર છે. આપે તેમનો શિકારનો કિસ્સો તો સાંભળ્યો હશે.”

“તેમના શિકારના ઘણા કિસ્સા સાંભળ્યા છે.”

“ગયા અઠવાડિયે બડે સરકાર શિવપુરીના જંગલમાં શિકાર ખેલવા ગયા હતા. સાથે આ પવાર છોકરાને પણ સાથે લઈ ગયા હતા. છોકરાની નિશાનબાજી એવી અચૂક હતી, બેનાળી બંદૂકના બારમાં જ તેણે વાઘને ઢેર કરી નાખ્યો. બડે સરકાર છોકરાને ભેટી પડ્યા અને તરત પાંચસો રુપિયાનું ઈનામ જાહેર કર્યું.”

“બડે સરકાર ગુણીજનોની હંમેશા કદર કરતા હોય છે.”

“સાહેબ, આગળ શું થયું તે તો સાંભળો! પવારસાહેબનો દીકરો ખુશ થઈ ગયો અને તેણે આખા મહેલમાં મિઠાઈ વહેંચી. અહીં બડે સરકારે પેલા મરેલા વાઘના માથા પર પગ મૂકી, હાથમાં બંદૂક પકડી ફોટા પડાવ્યા. જ્યારે તેમને હોશ આવ્યો કે તેમના ખિસ્સામાંથી પાંચસો રુપિયા નીકળી ગયા છે, તેમણે પવાર-પુત્રને બોલાવીને કહ્યું, “અમે નશામાં હતા તેથી આટલા બધા પૈસા ઈનામ તરીકે જાહેર કર્યા. તમે એવું કરો, તેમાંના પચાસ રાખો અને બાકીના પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવો.”

“પછી?”

“આ છોકરો પણ તમતમી ગયો. એણે તો પૂરા પાંચસો રુપિયા બડે સરકારની સામે મૂક્યા અને ત્યાંથી પગ પછાડતો નીકળી ગયો. છોકરો પણ અજબ છે. રાવરાજા કોઈ ગલત કામ કરે તો તેમને પણ કોઈ કોઈ વાર સંભળાવી દેતો હોય છે!”

ડૉક્ટર સાહેબ કેવળ હસ્યા.

“સાહેબ, પહેલાં મહેલ જઈશું કે? રાવરાજાને જોવા?”

“ના. પહેલાં હૉસ્પિટલના મરીજ. ત્યાર પછી મહેલના દર્દીઓને જોઈશું.”

***

Wednesday, December 30, 2015

૨૦૧૫નું વર્ષ નવાઈ લાગે એટલી ત્વરાથી વહી ગયું!  વિતેલા વર્ષનું વિહંગાવલોકન કરતાં ખ્યાલ આવશે કે આપને અનેક સિદ્ધીઓ પ્રાપ્ત થઈ હતી. સુંદર અનુભવો આવ્યા હતાં, અને આજે જ્યારે નુતન વર્ષની સંધ્યાએ નવા વર્ષના આગમનની ઘડીઓ ગણીને રાતના બારના ટકોરા સાંભળતા હશો ત્યારે Auld Lang Syneના ગીતો સાથે ટેલિવિઝન પર અનેક પાટનગરોમાં ઉજવાતી આતશબાજી જોવા મળશે.  આપને તેમાં આગામી વર્ષના પથ પર પડતો આશાનો પ્રકાશ પણ  દેખાશે. તે સમયે કદાચ ગયા વર્ષના યાદગાર પ્રસંગોની ઝાંખી પણ થશે.

વિતેલા વર્ષને અલ વિદા કહી ૨૦૧૬નું વર્ષ આપને આરોગ્યદાયી અને આનંદમય નીવડે એવી શુભેચ્છા સાથે આ વર્ષનો  છેલ્લો અંક રજુ કરું છું.

આવતા વર્ષમાં આપની સેવામાં વર્ષો પહેલાં જિપ્સીએ  સ્વ. નિર્મલા દેશપાંડેએ લખેલી મરાઠી નવલકથા 'બંસી કાહેકો બજાયી'નું લેખિકા તથા પ્રકાશકની લેખિત પરવાનગીથી કરેલ ગુજરાતી ભાષાંતર પ્રસ્તૂત કરીશું. આજના અંકમાં અનુવાદકનું નિવેદન રજુ કર્યું છે, જેના પરથી લેખિકાની પ્રતિભાનો અને પુસ્તક વિશે આપને ખ્યાલ આવશે.
***
મરાઠી સાહિત્યમાં નિર્મલાબહેન દેશપાંડેનું સ્થાન વિશીષ્ઠ અને માનપૂર્ણ ગણાય છે. જેમ ખાનોલકરે કોંકણ અને ગ.દિ. માડગુળકરે દેશની ખુશ્બૂ તેમના સાહિત્યમાં રજુ કરી, તેમ નિર્મલાબહેને તેમની જન્મભુમિ - બુંદેલખંડની ધરતીની સુગંધને મરાઠી પૈઠણીની પોતમાં સુલભ અને સુંદર રીતે વણી લીધી છે. તેનો આહ્લાદદાયક પમરાટ, ત્યાંની વ્યક્તિઓ અને તેમના વાસ્તવ્યની જમીનનું દર્શન વાચક વર્ગને જરૂર મોહી લેશે. બુંદેલખંડની સુજલા અને સુફલા ધરતી તથા તેમાં વસતા નિર્દોષ અને સરળ મનના લોકોની એવી જ નિર્મળ કથા એટલે 'બંસી કાહેકો બજાયી'. કથાની નાયિકા ચંદ્રાવતી છે. તેની સહનાયિકા છે નાજુક હૃદયની કિશોરી જામુની. પુસ્તક વાંચતાં ચંદ્રાવતીના મનની સંવેદનાઓને અનુભવીએ અને તેની ભાવનાઓના projectionનો અહેસાસ થાય ત્યાં જામુનીનું પારદર્શક, પ્રામાણિક અને લાગણી-સભર વ્યક્તિત્ત્વ આપણા માનસપટલ પર આગમન કરે છે.

જામુની. આંખોને આંજી નાખે તેવી પ્રતિભાશાળી કિશોરીનું આ નવલકથામાં આગમન
સામાન્ય લાગશે. લગભગ દુર્લક્ષ્ય કરવા જેવું. જેમ જેમ લેખિકા જામુનીના વ્યક્તિત્વના પાસાઓ પર પ્રકાશ પાડે છે, તેમ તેમ એક દુર્લભ હીરામાંથી નીકળતા પ્રકાશની હજારો જ્યોતિઓની જેમ ઝળહળી ઊઠે છે તેની નિર્દોષ બાલીશતા, કૌમાર્યની કુમાશભરી પ્રેમભાવના અને યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતા તેણે જીવનના વાસ્તવિક સત્યનો કરેલો સ્વીકાર. એક ગ્રામકન્યા હોવા છતાં તેણે જીવન દર્શનનો જે સાક્ષાત્કાર કર્યો અને તેનો તે જે રીતે ખુલાસો કરે છે, તે ચંદ્રાવતી જેવી આધુનિક યુવતિને અને વાચકોને આશ્ચર્યચકિત કરી નાખે છે. જામુનીએ ગાયેલાં ગીતોને પોતાના જીવન સાથે તેણે એવી સહજતાથી વણી લીધા છે તે સાંભળીને - વાંચીને આપણા મનમાં જેવી કસક ઉપજશે, તેના પ્રત્યે જે આત્મભાવ જન્મશે તે અનન્ય અનુભવ સાબિત થશે.

મૂળ નવલકથામાં નિર્મલાબહેને લખેલા કેટલાક હિંદી સંવાદ બને ત્યાં સુધી તેવાં જ રાખ્યા છે જેથી ત્યાંની માટીની મહેક આપણે અનુભવી શકીએ. એક અન્ય મજાની વાત જોવા મળશે કે આપણી માતૃભાષાને પરદેશમાં પણ જાળવવાનો પ્રયત્ન કરવા છતાં જ્યાં આપણે વસ્યા છીએ, ત્યાંના શબ્દપ્રયોગ કે વ્યાકરણ આપોઆપ આપણી ભાષામાં આવી જતા હોય છે. ઉદાહરણ તરીકે 'હું જઉં છું' કહેવાને બદલે હિંદીભાષીક પ્રદેશોમાં બોલાતાં 'મૈં જા રહા હું'નું ગુજરાતીકરણ 'હું જઈ રહ્યો છું' આપોઆપ થતું હોય છે. નિર્મલાબહેને આવા વાક્યપ્રયોગ ઠેરઠેર કર્યા છે, તે આપણા ભાષાંતરમાં પણ રાખ્યા છે.

અંતમાં એક વાત કહીશ: લંડનમાંના મારા રહેવાસ દરમિયાન વેમ્બલીની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકોનો વિભાગ છે તે જાણવા મળ્યું ત્યારે હું કિશનસિંહ ચાવડાનું 'અમાસના તારા' લેવા ગયો. પુસ્તક તો કોઈ લઈ ગયું હતું, પણ તપાસ કરતાં ગુજરાતી પુસ્તકોની બાજુમાં કેટલાક મરાઠી પુસ્તકો જોવા મળ્યાં. તેમાં 'બંસી કાહેકો બજાયી' જોયું. પહેલાં તો તેની ઉપેક્ષા કરી, કારણ કે 'અમાસના તારા'માં કિશનસિંહજીની આ જ શિર્ષકની એક પહાડી બાલિકાની સુંદર વાર્તા હતી. જો નિર્મલાજીનું પુસ્તક શિર્ષકને અન્યાય કરનારૂં નીવડે તો મનમાં ઉદ્ભવનારી નિરાશા સહન કરવા મન માનતું નહોતું. તેમ છતાં પુસ્તક લીધું, વાંચ્યું અને તેની મારા માનસ પર એવી તીવ્ર અસર પડી કે તેનું ભાષાંતર કર્યા વગર રહી ન શકાયું. લેખિકાને પત્ર લખી તેમની રજા મેળવી. કમભાગ્યે 'જિપ્સી'ને પ્રકાશક ન મળ્યા અને વર્ષો સુધી તેની હસ્તપ્રત પડી રહી. વીસ વર્ષ બાદ જુનો સામાન ઉખેળતાં 'બંસી...' હાથ લાગી અને તે આપની સમક્ષ રજુ કરવાનું મન થયું. આશા છે આપને તે ગમશે.

ફરી એક વાર આપ સૌને નુતન વર્ષાભિનંદન અને સાલ મુબારક.