Sunday, January 3, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨

પ્રકરણ ૨
ચંદ્રાવતી બે વર્ષની થઈ ત્યારે ડૉક્ટરસાહેબે આ બંગલો બંધાવ્યો હતો. મહારાજાએ હૉસ્પિટલના કમ્પાઉન્ડની નજીકનો આ પ્લૉટ તેમને નજીવી કિંમતે આપ્યો હતો. બંગલાની આગળ - પાછળ ખુલ્લી જગ્યા હતી. બંગલાના ચાર - પાંચ પગથિયાં ચઢતાં મોટો વરંડો, અને ત્યાંથી અંદર પ્રવેશ કરીએ તો મોટો હૉલ આવે. હૉલની જમણી બાજુએ ભોજનકક્ષ હતો. પૂજાની ઓરડી અને ચંદ્રાવતીની રુમ ભોજનકક્ષને સમાંતર હતાં. હૉલની પાછળની બાજુએ કોઠાર અને રસોડું. હૉલની ડાબી બાજુએ ડૉક્ટરસાહેબનો શયનકક્ષ અને તેમાં જ અંગ્રેજી કાચ મઢાવેલું બાથરુમ. ડૉક્ટરસાહેબના શયનગૃહને અડીને બે ઓરડા હતા. એક શેખરનો અને એક મહેમાનો માટે. બંગલાની પાછળના આંગણામાં ભારતીય પદ્ધતિનું બાથરુમ હતું અને તેની બાજુએ ઉપર અગાશીમાં જવાનો દાદરો.
રામરતન ઘોડાગાડીવાળો ડૉક્ટરસાહેબને હૉસ્પિટલમાં અને શેખરને નિશાળે મૂકવા નીકળી જાય ત્યારે ઘરમાં મા-દીકરી અને એકાદ બે નોકર સિવાય બીજું કોઈ ન હોય. જાનકીબાઈ પૂજાઘરમાં કે રસોડામાં અને ચંદ્રાવતી તેના કમરામાં અભ્યાસ કરતી હોય. કોઈ કોઈ વાર રસોડામાં નાસ્તાના ડબા ફંફોસવા આવે એટલું જ.
ચંદ્રાવતીની પરીક્ષાઓ નજીક આવી હતી. અભ્યાસમાં ધ્યાન પરોવતી હતી ત્યાં જાનકીબાઈ મોટે મોટેથી વ્યંકટેશસ્ત્રોત્ર ગાવા લાગ્યાં: ‘ધાવ ધાવ રે ગોવિન્દા, હાતી ઘેઉનિયાં ગદા/કરી માઝ્યા કર્માચા ચેંદા, સચ્ચિદાનંદા! (હે ગોવિંદ, હાથમાં ગદા લઈને દોડતાં આવો અને મારા કર્મોને છુંદી નાખો, હે સચ્ચિદાનંદ!)
સ્તોત્ર રટતાં રટતાં તેમને અચાનક કંઈક યાદ આવ્યું, અને પ્રભુસ્મરણ અર્ધે મૂકી તેમણે બૂમ પાડી, “અરે બાલકદાસ!”
સિકત્તર પાછળના આંગણામાં વાવેલાં શાકભાજીને ઝારી વતી પાણી પાતો હતો. તેણે જવાબ આપ્યો, “જી હજૂર, સિકત્તર અબ્બે હાલ આયા,” પણ આરામથી પોતાનું કામ કર્યે રાખ્યું.
જાનકીબાઈનો બબડાટ શરુ થઈ ગયો. “આ સિકત્તર પણ ખરો છે! જાતનો આહિર, પણ તેનો રુવાબ તો જુઓ! કપાળમાં ભસ્મના પટા અને ગળામાં તુલસીની માળાઓનો ઠઠારો! જેને તેને કહેતો ફરે છે કે હું ડૉક્ટરસાહેબનો સેક્રેટરી છું, મને સિકત્તર કહીને બોલાવો!” સ્વગત વક્તવ્ય સાથે તેમણે ભગવાનને એક એક કરીને ફૂલ ચઢાવ્યાં અને આરતી પૂરી કરી. ચરણામૃતનું પાણી પાછળના તુલસીક્યારામાં રેડવા જતાં હતાં ત્યાં તેમને કશું’ક યાદ આવ્યું. રસોડા પાસે તે રોકાઈ ગયા અને હવે ધારદાર અવાજમાં બૂમ પાડી, “બાલકદા….સ!”
શેઠાણીના અવાજમાંની તીક્ષ્ણતા સિકત્તર ઓળખી ગયો અને હાથમાંની ઝારી ઝડપથી હોજના કઠેડા પર મૂકી, પોતાના મેલા ધોતિયા વતી હાથ લૂછતાં લૂછતાં ડફોળ જેવો ચહેરો કરીને આવ્યો અને રસોડાનાં પગથિયાંથી થોડે દૂર ઉભો રહ્યો. 
“બડે બાબુજીકે જઈકે સતવન્તીકો કહિયો, ઠાઢે ઠાઢે બંગલે પર આ જઈયો.”
ચંદ્રાવતીએ નિ:શ્વાસ મૂક્યો. ‘આજે સત્વન્તકાકીના દિગ્દર્શન નીચે પાપડ બનવાના છે. આખ્ખો દિવસ ધમાલ રહેવાની અને બા કહે છે, ‘ઠાઢે - ઠાઢે!’ અને સત્વન્તકાકી એકલાં થોડાં આવશે? સાથે આવશે તેમની બન્ને દીકરીઓ! ઓ મા! આજે તો રિવિઝનનું સત્યાનાશ થવાનું છે.’
મૅટ્રિકના વર્ગની વિદ્યાર્થિનીઓને પરીક્ષાની તૈયારી કરવાની રજાઓ પડી હતી. ચંદ્રાવતીએ પુષ્કળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. તેના ક્લાસની અંજિરા, મંજુલા, પવિત્રા અને દિઘે માસ્તરની શિલા, બધી ખિંટીએ ચોટલા બાંધીને વાંચવા મંડી પડી હશે.
પરમ દિવસે મંજુલા અને અંજિરા સવારના પહોરમાં જ તેની પાસે આવી પહોંચી હતી ; અંગ્રેજીનાં પ્રશ્નોના જવાબ પૂછવા. તેમાં મંજુલા તો ઠીક છે, પણ અંજિરાને તો સમ ખાવા પૂરતું પણ અંગ્રેજીનું વાક્ય લખતાં નથી આવડતું. જો કે દોઢ મહિનામાં તે આ કમી પણ પૂરી કરી લેશે. તેના ઘરમાં તો જમ્યા પછી હાથ પર પાણી રેડવા અને રુમાલ ધરવા નોકર રાખ્યા છે. આ છોકરીઓની મા ભલે અભણ હોય, પણ અૅન પરીક્ષાના સમયે પાપડ - ફરફર બનાવવા પોતાની દીકરીઓ પાસે વેઠ નથી કરાવતી. પરીક્ષા મ્હોં ફાડીને સામે ઊભી છે અને અમારા માતુશ્રીને પાપડ બનાવવાનું યાદ આવે છે! મનમાં ચડભડ કરતી ચંદ્રાવતી ઈતિહાસનાં પાનાં ફેરવવા લાગી. આંખ સામેથી અક્ષરો તો ફટાફટ પસાર થઈ રહ્યા હતા, પણ મગજમાં કંઈ ઉતરતું નહોતું.  પુસ્તક બંધ કરીને તે પેન્સિલ સાથે રમત કરતી રહી અને ત્યાર પછી બારી પાસે જઈ દૂર સુધી નજર નાખતી રહી. સૂરજ બરાબર મધ્યાહ્ન પર આવી પહોંચ્યો હતો.
ગરમી એટલી પડી હતી કે અંગારા પર તપાવેલા લોઢાના સળિયાને પાણીમાં ડૂબાડતાં જેમ ‘ચર્ર ચર્ર’ અવાજ થાય, તેમ આંખો ચરચરાટ કરીને બળતી હતી. આ સડકનું નામ કોઈએ ‘ઠંડી સડક’ કેમ પાડ્યું હશે? ખેર, સડકની પેલી પાર આવેલી વિસ્તીર્ણ ઝાડીના છેવાડે શરુ થતા ભૂખરા, તાંબા જેવા ડુંગરાઓની હારના શિખર પર સોનગિરનાં આરસનાં જૈન મંદિરો તડકામાં ઝગમગતા હતા.  જૈન મંદિરોની ડાબી બાજુએ આવેલા શિખર પર પુરાતન મહાદેવના મંદિરમાં જવા માટેનાં ઊંચી અને સીધી નિસરણી જેવાં પગથિયાં સ્પષ્ટ દેખાતા હતા. પ્રખર ગરમીને કારણે સમગ્ર ઝાડી પરથી મૃગજળની જેમ તરંગો ઉઠતાં હતાં. ચંદ્રાવતીના મનમાં એક વિચીત્ર ઝંખના જાગી અને તેણે ત્યાંથી નજર ફેરવી લીધી.
હવે તેણે નજર રાજમહેલની દેવડી તરફ ફેરવી. દેવડી પરનો સુવર્ણ કળશ બળબળતા તડકામાં  ઝળહળતો હતો. કાળા સૅટીનના ખુલ્લા તાકાને જાણે કોઈએ ખોલીને પાથર્યો હોય તેવી ઠંડી સડક દેખાતી હતી. સડક રાજમહેલથી નીકળી, ડૉક્ટરસાહેબના બંગલાને અડી, બંગલાની ડાબી બાજુએ થઈ એકા’દ માઈલ દૂર આવેલા ક્લબને પાર કરી ઠેઠ સારંગપુર રેલ્વે સ્ટેશન પર પહોંચે. ગામમાંથી નીકળતો કાચો રસ્તો ઠંડી સડકને મળતો. બંગલા પાસે કોઈ અવરજવર હોય તો આ કાચા રસ્તા પરથી ઠંડી સડક પર આવી, ત્યાંથી ચાલીને હૉસ્પિટલ જનારા ગરીબ અને બિમારો લોકોની ચહેલ પહેલ, અથવા રાજમહેલ જનાર ચકના પડદાવાળી એકાદ બગ્ગી કે કોઈ વાર ખુલ્લી ટમટમની આવન-જાવન હોય. નહિ તો સડક સામસૂમ જ રહેતી.
અસહ્ય તડકાથી તપાયેલી ઠંડી સડક પર ઠેરવેલી ચંદ્રાવતીની નજર હવે રાજમહેલની અગાશી પરના પત્થરની જાળીવાળા હવામહેલ પર સ્થિર થઈ અને લોકપ્રિય થયેલું લોકગીત ગણગણવા લાગી : ‘જવાની સરર સરર સર્રાવૈ, જૈસો અંગ્રેજનકો રાજ/કજર દઈ, મૈં કા કરું? મોરે વૈસેઈ નૈન કટાર : અંગ્રેજન કો રાજ, જૈસો ઉડૈ હવાઈ જહાજ/જવાની સરર સરર સર્રાવૈ - જૈસી અંગ્રેજીમેં તાર!”
બંગલાની આગળના વરંડાના ખૂણામાં રાખેલા જોડા પહેરી દબાતા પગલે સિકત્તર બંગલાના પગથિયાં ઉતરી, બંગલાની પાછળની પગદંડી પર ચાલવા લાગ્યો અને ફરી પાછો આવી, ચંદ્રાવતીની બારીની નીચે જોડા ઉતારી બિલીપત્રના વૃક્ષ ફરતી ગોળાકારમાં બાંધેલી પાળ પર ત્રણ વાર માથું મૂકી પગે પડ્યો - જે ચંદ્રાવતી હંમેશા કરતી આવી હતી. સિકત્તરને પોતાની નકલ કરતો જોઈ ચંદ્રાવતીને ગીત ગાતાં ગાતાં જ હસવું આવી ગયું. રસોઈ પતાવીને જાનકીબાઈ ચંદ્રાવતીની પાછળ ક્યારે આવીને ઉભાં એની તેને ખબર ન રહી.
“રામ જાણે, ક્યાંથી કેવાં કેવાં ગાયન સાંભળીને આવે છે અને બરાડા પાડીને ગાતી જાય છે!” તેઓ બોલ્યાં. 
ચંદ્રાવતી ચમકી ગઈ. તેણે ગરદન ફેરવી બા સામે જોયું.
“સાંભળ, આજે એમની જમવા વ્યવસ્થા હૉલમાં કરવાની છે. તેમને જોઈતી ચીજવસ્તુનું બરાબર ધ્યાન રાખજે, એવું કહેવા અાવી તો તું તો બાઈ ગાયનમાં મશગૂલ છો! બારીમાં ઉભાં રહીને જેવાં તેવાં ગાયન ગાવાનાં ના હોય, સમજી?”
“કેમ વળી?” વિસ્ફારેલી નજરે મા તરફ જોઈ ચંદ્રાવતીએ પૂછ્યું.
“રસ્તા પર લોકો આવતા-જતા હોય છે. વળી બડે બાબુજીના દદ્દા આવ્યા છે, ખબર છે ને?”
“ખબર છે, હવે!”  બારી પાસેથી ખસી ચંદ્રાવતી ચિડાઈને બોલી.
“દદ્દાને ગામમાં જવું હોય તો આપણા કમ્પાઉન્ડમાંથી જ જતા હોય છે. બહુ ઝી…ણી નજર હોય છે એમની.”
“એવા તે આપણા કોણ થાય છે આ દદ્દા કે આપણે તેમનાથી ડરવું જોઈએ?”
“તને કહીને શો ફાયદો? પેલા કાલીચરણ ઝાડુવાળાની બૈરી કજરી જાંબુડીની નીચે બેસી તેના ભુલકાને ધવરાવતી હતી. એનું બિચારીનું ધ્યાન પણ નહોતું કે તેનો ઘૂંઘટ ખસી ગયો હતો અને દદ્દા ત્યાંથી નીકળી રહ્યા હતા.”
“પછી?”
“પછી શું? એવું તે કાંઈ બબડ્યા એમની ભાષામાં, આપણી તો જીભ પણ ન ઉપડે એવું કહેતાં.”
“પણ કહો તો ખરી!”
“શું કહું? છિનાલ…રાં…” એવી ગાળ આપીને તેના પર થૂંક્યા.”
“છી!” જાણે પોતાના શરીર પર થૂંક ઉડ્યું હોય તેવી સૂગથી તમતમીને ચંદ્રાવતી બોલી. “પણ તને કેવી રીતે ખબર પડી, બા?”
“રસોડામાંથી મેં બધું જોયું. બિચારો કાલીચરણ તેમના પગે પડ્યો અને વારે વારે કાલાવાલાં કરીને માફી માગી ત્યારે તેઓ શાંત થયા. તારા બાપુજી હૉસ્પિટલમાંથી આવ્યા પછી મેં તેમને બધી વાત કરી. અમે નક્કી કર્યું હતું કે આ બાબતમાં તને કશું ન કહેવું. પણ આજે કહેવું જ પડ્યું. અરે, દદ્દાના જોડાંનો દૂર દૂરથી કર્ર કર્ર અવાજ સંાભળતાં વેંત હું તો બાઈ, રસોડાનું પાછલું બારણું બંધ કરી દઉં છું.”
“હવામાં ગયા તમારા દદ્દા. અમારા બંગલામાં અમે ગમે તે કરીએ. અમારી મરજી,” ચંદ્રાવતી બોલી.
“તો કરો જે કરવું હોય તે! આ બુંદેલા રાજપુત કોમ બહુ કડક હોય છે એવું તને સમજાવવા આવી તે અમારી ભુલ થઈ,” કહી જાનકીબાઈ રસોડા તરફ ગયાં. એમનાં પગનાં આંગળાઓ પર ચઢાવેલા વિંછિયાઓનો ટપ્પ, ટપ્પ અવાજ લાંબા વખત સુધી ગુંજતો રહ્યો. ચંદ્રાવતી ફરી એક વાર બારી પાસે ઝુકીને ઉભી રહી, જાણે સંભ્રમિત થઈ હોય તેમ.
દદ્દા કજરી પર થૂંક્યા? આવું બને જ નહિ. દદ્દાને જોઈને તેણે ઘૂમટો ન તાણ્યો તેમાં એવો તે શો ગુનો કર્યો?

રાજમહેલ પરથી બાર વાગ્યાની તોપ ફૂટવાનો અવાજ સાંભળી ચંદ્રાવતી ભાનમાં આવી. પિતાજીનો ઘેર આવવાનો સમય થઈ ગયો હતો. તેણે ટેબલ પરના ઘડિયાળને ચાવી આપી અને રસોડામાં જઈને ડૉક્ટરસાહેબના ભોજનની તૈયારી કરવા લાગી.

No comments:

Post a Comment