વર્ષા ઋતુમાં બંગાળની વાત નીકળતી ત્યારે મારા બંગાળી મિત્રો અભિમાનથી શરૂ કરતા, 'આમાર બાંગ્લાદેશે..' અને ખ્યાલ આવતો કે અમે બંગાળી નથી, તેઓ બંગાળી-હિંદીમાં શરૂ કરતા, "હામારા બાંગાલમેં આપ છૉય (૬) રિતૂ અૉનુભોબ કોર સાકતા હૈ". અમે જવાબ આપતા, અમારે ત્યાં ગુજરાતમાં ભલે છએ છ ઋતુઓનો અનુભવ ન થાય, પણ જે છે તેમાં અમને બેવડો આનંદ મળતો હોય છે. વર્ષામાં આષાઢી સાંજમાં અંબર તો ગાજે જ પણ સાથે સાથે મોરનો ટહૂકતો સાદ રણકે અને વરસાદનાં ફોરાં તન અને મન બન્નેને ભીંજવે. વળી વસંત ઋતુનું આગમન પણ બેવડી રાગિણીથી થાય છે. પહેલાં તો અમારી જ્યુથીકા રેનું ગીત સંભળાય, 'બોલ રે, મધુબનમેં કોયલીયા', અને ગીત પૂરૂં થતાં આંબાના વનમાંથી નીકળતો પંચમ સૂરમાં કોયલનો સાદ..."
"કિંતુ જ્યુથિકા રૉય તો હામારે બાંગાલકી હૈ!" બોઝબાબુ બોલી ઉઠતા.
ના, બોઝબાબુ. જ્યુથીકા રે આખા દેશની છે. જો કે હું તો તમને એ કહેતો હતો કે અમારે ત્યાં વસંત ઋતુ આવે ત્યારે કોઇ ગીત મનમાં આવે તો તે છે "બોલ રે મધુબનમેં મુરલીયા...."
*
સોઇલેન્દ્રોનાથ (શૈલેન્દ્રનાથ) બોઝને કેવી રીતે કહું કે અમારે ત્યાં રેડીયો પર ભજન આવે તો જ્યુથીકા રેનાં "ઘુંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે' અથવા "આજ મેરે ઘર પ્રીતમ આયે"થી શરૂઆત થાય. બપોરે સુગમ સંગીતની રેકર્ડઝ વાગે તો તેમાં 'મેરી વીણા રો રહી હૈ, સારી દુનિયા સો રહી હૈ...' અચૂક હોય! સાંજે કોઇ વાર'બૈરન હો ગઇ રાત પિયા બિન..." પણ સંભળાય!
ગુજરાતને બંગાળ સાથે ઘણી જુની લેણાદેણી. શ્રી. અરવિંદ પૉંડીચેરી ગયા તે પહેલાં તેમણે વડોદરામાં સમય ગાળ્યો હતો. વિ.સ. ખાંડેકર પછી સૌથી વધુ કોઇના પુસ્તકો વંચાયા હોય તો શરદબાબુનાં. રવિશંકર, નિખીલ બૅનર્જી, પન્નાલાલ ઘોષ, નિખીલ ઘોષ જેવા સંગીતકારોની કારકિર્દીની શરૂઆતમાં તેમને સૌથી વધુ નવાજ્યા હોય તો ગુજરાતે! અરે, એક જમાનામાં અમદાવાદની ૧૦૬માંની કાર્યરત એવી ૮૦ મિલોમાં બંગાળી વિવીંગમાસ્ટર અને શાળ પર કામ કરવામાં અસંખ્ય કામદારો બંગાળના હતા. ન્યુ થિયેટર્સના ચલચિત્રોની ધુમ મચી હતી, આવામાં જ્યુથિકા રે આપણને પોતીકા લાગે તેમાં નવાઇ શી? હાલની જ વાત છે. જ્યુથીકા રે ૯૧ વર્ષનાં થયા. તેમના સત્કારનો મહોત્સવ તાજેતરમાં આપણા મલકમાં થયો. ગુજરાત ગુણીજનોને હજી પૂજે છે.
સમય વીતતો ગયો. મનગમતાં પુષ્પોને યાદગિરીનાં પૃષ્ઠોમાં આપણે સંઘરતા ગયા. કોઇ વાર મનની અભરાઇ પરથી એકાદું પુસ્તક લઇએ અને તેમાંનું એક પાનું ખોલીએ તો તેમાં સુકાયેલું ગુલાબનું ફૂલ જીવીત થઇને હસી પડે છે અને તેની સુગંધની ફોરમ શબ્દ બનીને બહાર પડે છે..
"મેરી વીણા રો રહી હૈ!"
આજે આપને જિપ્સીની વાતમાં રોકાવાને બદલે જ્યુથીકા રેનાં આપને ગમતાં ગીતો તરફ લઇ જઇશું:
બૈરન હો ગઇ રાત પિયા બિન
આજ મેરે ઘર પ્રીતમ આયે
મૈં તો રામરતન ધન પાયો
આજે ફક્ત આટલું જ! આશા છે આજે આપને જ્યુથીકાજીની મુલાકાતથી આનંદ થયો હશે.