Thursday, June 23, 2016

આસપાસ ચોપાસ : સોડા, સા, ચા, ગુલાબી અને ઈંગ્લિશ ટી (૧)

સૌરાષ્ટ્રની મહેમાનગતિ વિશ્વવિખ્યાત છે. અમારે ત્યાં સમય અને સંબંધ પ્રમાણે યથોચિત મહેમાનનવાજી થાય તેમાં કોઈ શંકા નહિ. બચપણમાં વડીલોની સાથે હતા ત્યારની વાત જુદી પણ થોડો સમજણો થયા બાદ આની પ્રતિતિ સારી રીતે થઈ ગઈ.

સાતમા ધોરણમાં આવ્યો ત્યારે અમારે ભાવનગર રહેવા જવાનું થયું. બાર વર્ષની વયે અમારા ઘરમાં "મોટો પુરુષ" હું જ હતો! બાને ઓછું સંભળાતું અને બહેનો મારાથી ઘણી નાની, બહારના બધા કામ કરવાની જવાદરારી મારી જ. તેથી ‘ગ્રોસરી શૉપિંગ’ કરવા  રવિવારે ઊંડી વખાર જતો. બજારમાં શાળાના એકબીજાના નામથી નહિ, પણ ચહેરાથી ઓળખતાે કોઈ વિદ્યાર્થી મળી જાય તો તે  હસીને પૂછશે, ‘કેમ છો? પાન જમશો?” તે વખતે સાદું પાન બે પૈસામાં મળતું. કોઈ વાર ક્લાસમેટ મળે તો ‘ચાલો, સોડા પીવા!” કહી પરાણે લઈ જાય. દુકાનના માલિક પનાભાઈ પણ ઘરના સદસ્ય જેવા. ઘરાકની સાથે કોઈ હોય તો હસીને પૂછે, “બોલો બચુભાઈ, મેમાન માટે પાન કે સોડા?” 

બચુભાઈ “સોડા” કહે ત્યાં પનાભાઈ થડાની પાસે પાણીથી ભરી રાખેલા માટીના મોટા કુંડામાં મૂકેલી લખોટીવાળી લીલા કાચની ભારે ભરખમ સોડાની બાટલી કાઢે. લાકડાની નાનકડી ગોળ ડબી જેવા સાધનથી બાટલીમાંની ગોળી પર આઘાત કરે. ફટાકડો ફૂટવા જેવા અવાજ સાથે બાટલી ખૂલે અને જ્વાળામુખીમાંથી ખળખળ કરીને લાવા નીકળે તેમ ફીણવાળો સોડા નીકળે, તે પનાભાઈ બે નાનકડા ગ્લાસમાં રેડીને અમને આપતા. (જ્વાળામુખીમાંથી લાવા ખળખળ અવાજ કરીને નીકળે છે એ મારી કલ્પના છે. ખરું ખોટું ભગવાન જાણે! પણ સોડાની બાટલીમાંથી ખળખળ અવાજ જરૂર નીકળતો.) તે વખતે સાદી સોડા એક આનામાં મળતી અને અમે ભાઈબંધો અડધી અડધી પી લેતા. વર્ગમાંનો સાથી સારો ભાઈબંધ થયો હોય તો સાદી સોડાને બદલે કાશ્મિરી સોડાનો અૉર્ડર આપે. ભાવનગરની કાશ્મિરી સોડા બહુ પ્રખ્યાત. સૌ પ્રથમ પનાભાઈ એક લિંબુ કાપે, તેમાંનું અર્ધું એક ગ્લાસમાં અને અર્ધું બીજા ગ્લાસમાં નિચોવે. ત્યાર પછી તેમાં ચપટી મીઠું અને કાળા મરીનો પાવડર ભભરાવે અને તેમાં ફીણવાળો સ્ટ્રૉંગ સોડા રેડે. આ થઈ કાશ્મિરી સોડા. કિંમત બે આાના! 

મિડલ સ્કુલમાં ગયો ત્યારે મને અૅડમિશન સરકારી નિશાળમાં દાખલો ન મળ્યો. ખાનગી નિશાળમાં નાણાંની સંકડાશને કારણે જુદા પી.ટી. ટીચર રાખવાની જોગવાઈ નહોતી તેથી સઘળા વર્ગશિક્ષકોને એક વધારાની ડ્યુટી અપાઈ હતી. અઠવાડિયામાં એક કલાક કસરતનો પિરિયડ તેમણે લેવાનો. 

અમારા સાહેબ અમને ખુબ દોડાવતા. અમે થાકી જઈએ તો કહેતા, ‘સાવ તકલાદી શરીર છે તમારું. અમારી જેમ બચપણમાં દૂધ ને બદલે ચા, ચા અને ચા પીધી હોય તો પછી શું થાય? તમને તો ગળથૂથીમાં ચા પીવડાવવામાં આવે છે. આજકાલના માતા-પિતા પણ કેવાં ! બાળક પાસેથી તેઓ સૌથી પહેલું કયું વાક્ય બોલાતાં શીખવે છે એ પણ હું જાણું છું,” કહી અમારા સર્વજ્ઞ માસ્તરસાહેબ ચાળા પાડીને કહેતા, “બા, ચા પા!”

માસ્તર સાહેબ ગણિતના શિક્ષક હતા તેથી ઈતિહાસ સાથે તેમને ખાસ લેવાદેવા નહિ. હોત તો ચા વિશે જરા માનપૂર્વક વાત કરી હોત. તમે જ કહો, જગતમાં ચા ન હોત તો દુનિયાના આજના સૌથી શક્તિશાળી દેશ - અમેરિકાનો જન્મ થયો હોત? બૉસ્ટનના બંદરે ચાની પેટીઓ આવી ન હોત તો હજી સુધી અમેરિકા તેના પાડોશી કૅનેડાની જેમ ઈંગ્લૅન્ડની મહારાણીના ફોટાવાળી કડકડતી ડૉલરની નોટ વાપરતો હોત. કૅપિટોલ બિલ્ડીંગ પર યુનિયન જૅક ફરકતો હોત. 

ઈંગ્લૅન્ડ અને અમેરિકાની વાત જવા દો. ભગવાન શ્રીકૃષ્ણે પણ શ્રીમદ્ભગવદ્ગીતામાં ચાનું મહાતમ નથી કહ્યું? “સર્વસ્ય ચાહમ્!” દુનિયામાં બનતી સઘળી ચામાં હું સમાયો છું. આવો મહિમા છે ચા નો!

***
આઠમા ધોરણમાં (વર્ગમાં સૌથી છેલ્લી) પાટલી પર મારી સાથે બેસતો ભરત જાની ચા અને બીડીનો ખાસ શોખિન. તેના બાપુજી પૈસાદાર અને આધુનિક વિચારના હતા તેથી તેને અઠવાડિયાનો એક રૂપિયો પૉકેટમની તરીકે આપતા. શાળાના પહેલા દિવસે ભરત મને રિસેસમાં બહાર લઈ ગયો અને બીડી અૉફર કરી. મેં ના પાડી. તેણે બીડી પેટવી અને મને કહ્યું, ‘હાલ્ય, તને ચા પીવડાવું.” 

અમારા ઘરમાં હૉટલમાં જવું ખરાબ ગણાતું. મેં ભરતને ના પાડી, તો કહે, “એલા, કેવો છો તું? તું અહીં નવો નવો છે એટલે અહીંની કહેવતો જાણતો નથી. જો સાંભળ, ‘ઘરમાં બા ને બજારમાં ચા!’ મનમાં ગમે એટલો ઉચાટ હોય, અશાંતિ હોય, ઘરમાં બાનો સહારો સૌથી મોટો. ઘરની બહાર મનમાં આવું કંઈ થાય તો ચા સિવાય બીજું શું? અને બીડીનો મજો તું નથી જાણતો. એક વાર પીશ તો તું’યે કે’વા લાગીશ કે બીડી મારી સ્વર્ગે ચડવાની સીડી.” 

સમય જતાં ભરતની બન્ને વાત સાથે હું સમ્મત થયો. ઘરમાં કે બહાર, જીવનના અંત સુધી આધિ - વ્યાધિ - ઉપાધિમાં બાનો સહારો હંમેશા રહેવાનો. કામની જગ્યાએ ટેન્શન થાય તો બજારમાં જઈએ અને તત્કાળ ચા મળે! ચા આવી,ઉપાધિ ભાગી! રહી બીડીની વાત. ભરતની વાત સાચી : બીડી પીનારા જીવનની સીડીની ઉપર કે નીચે ઝપાટાબંધ ચઢવા કે ઉતરવા લાગે છે.

મૅટ્રિક સુધી પહોંચતામાં ખાતરબરદાસની રીત બદલાતી ગઈ. મહુવા પાસેના ગામડામાં મારા ભાઈબંધ રવિભાઈ જોશીને ઘેર જઈએ ત્યારે સૌથી પહેલાં તેમનાં બા - જેમને અમે નરબદામાસી કહેતા -  આવકારના સ્મિત સાથે કહેતાં, ‘બેસ ભગા, હું સા મૂકું.” પછી જર્મન સિલ્વરના કપ - રકાબીમાં માસી ચા લાવતાં. તે વખતે અમે રકાબીને અડાળી કહેતા, તેમાં ચા રેડી સબડકા મારીને ચાનો આસ્વાદ લેતાં. માસીએ બનાવેલી ‘સા’ જગતમાં અદ્વિતિય હતી. આજકાલ અમુક પેય (ખાસ કરીને સ્કૉચ) અને ખાદ્ય પદાર્થ (અમે તો જાણતા નથી, પણ લોકો કહે છે લખનૌના ચપલી કબાબ)માં આવતી smoky - ધુમ્રમય ખુશબો વિશ્વવિખ્યાત છે, તેમ નરબદામાસીએ બનાવેલી ‘સા’માં અદ્ભૂત smoky ખુશબોની લહેજત મળતી. માટીના ચૂલામાં છાણાં અને સાંઠીકડા સળગાવીને મૂકેલી ‘સા’માં તેમનાં ગમાણમાં રાખેલી ભેંસના મલાઈદાર દૂધમાં ઉકાળેલી ચા જગતમાં બીજે ક્યાં’ય ન મળે. હજી પણ નરબદામાસીની ‘એક એક અડાળી સા’ ની યાદ આવે છે ને હૈયામાં વતનની તીવ્ર યાદ જાગી ઉઠે છે!

ચાની મહિમાથી કોણ અપરિચિત છે? ગુજરાતમાં આપણી સર્વ-પ્રમાણિત અવિધિસરની “બેસવા જવાની” પદ્ધતિમાં સગાં સંબંધીઓને ઘેર અગાઉથી જાણ કર્યા વગર પહોંચી જવાની રસમમાં મહેમાનગતિ કરવાની સૌથી સરળ પદ્ધતિ કઈ? અલબત્ ચા-પાણી. જો ચા ન હોત તો આપણે મહેમાનોની પરોણાગત કેવી રીતે કરી હોત? આ પૃચ્છા કરતાં જ અમારાં ગૃહિણી તરત બોલી ઉઠ્યાં, “આવા ભયંકર પ્રશ્નો ન પૂછો!” 

***
મારા ખાસ ભાઈબંધ - એક થાળીમાં જમનારા અને એક ડબલે.… ખેર, મારાં બાનું મારા પર જેટલું હેત, એટલું જ હેત જેના પર હતું તે ચંદ્રકાંત ત્રિવેદીને રાજકોટમાં નોકરી મળી. તેને મળવા હું પહેલી વાર ગયો, ત્યારે સવારના પહોરમાં તેઓ મને નજીકની હોટલમાં ચા પીવા લઈ ગયા. આ હોટલમાં ચા સિવાય બીજું કશું મળે નહિ. અહીં મોટા બોર્ડમાં એવડા જ મોટા અક્ષરોમાં menu લખેલો હતો.. ચા ના આટલા પ્રકાર હશે તેનો મને અંદાજ નહોતો :
સાદી
સ્પેિશયલ
કડક મીઠી
મસાલાની
ઘાટો
લિપ્ટન
બાદશાહી
અમીરી 
અને છેલ્લે પોસ્ટ સ્ક્રિપ્ટ જેવા સાવ નાનકડા અક્ષરમાં લખ્યું હતું ‘ઉકાડો’ - એટલે ઉકાળો.  આ વાનગીમાં પાણીમાં દૂધ, ખાંડ અને ચાને બદલે ચાનો મસાલો નાખીને ઉકાળીને જે પ્રવાહી (અંગ્રેજીમાં concoction) બનાવાય તે. આમાં સૌથી મોંઘી ચા એટલે અમીરી. આઠ અાનાનો (પચાસ પૈસાનો) એક કપ. અમારી દોડ કડક મીઠી સુધીની. ગમે તે હોય, ‘સા’ જેવી મજા બીજે ક્યાંય નહિ.

***
નોકરી નિમિત્તે અમદાવાદ ગયો ત્યારે ત્યાં ચાનું વિશ્વ નિરાળું હતું. ત્યાં ઠેર ઠેર ઈરાની ‘રેસ્ટોરન્ટ’ હતાં. ત્યાં સૌથી સસ્તી અને લોકપ્રિય ચા હતી - ગુલાબી. આનું નામ ગુલાબી કેમ પડ્યું તે અૅડવાન્સ ઈરાની રેસ્ટોરન્ટના માલિક બહેરામજી ઈરાની પણ નહોતા જાણતા. તેમનું રેસ્ટોરન્ટ કદી ખાલી નહોતું પડતું. આનું એક જ કારણ હતું : આસપાસ રહેનારા અમદાવાદી ઉર્દુ બોલનારા શિઘ્ર કવિઓ  - I mean ગઝલ - નજમ - શેર લખનારા સર્જકો અહીં ચાર આનામાં મળતી ગુલાબી ચાનો એક એક કપ અને બબ્બે રકાબીઓ મગાવી કલાકો 
Image result for old people in cafe
સુધી એકબીજાને ‘સમાદ ફરમાઈએ’ કહી પોતાની કૃતિઓ સંભળાવતા, અને ‘ઈર્શાદ’, ‘ક્યા બાત!’ કહેતા. ‘અહો રૂપમ્ અહો ધ્વનિમ્’નો અા સિલસિલો આખો દિવસ ચાલતો રહેતો. આમાંનો એક શેર મને હજી યાદ છે : પત્નીને ઉદ્દેશીને લખેલો આ શેર હતો “યે તેરી જીભ હૈ કે હૈ હાથી સૂંઢ/ તેરેકુ લડના હૈ તો ઔર કિસીકો ઢૂંઢ. શ્રોતાઓ વાહ! વાહ! કરતા. આ કોઈ નવી વાત નથી. આવા અહો રૂપમ્ અહો ધ્વનિમ્ પ્રકારના સાહિત્ય મંડળોથી સૌ પરિચિત છે. અૅડવાન્સ ઈરાનીમાં જતા લોકો ગરીબ હતા તેથી એકબીજાને ગુલાબી પીવડાવી એકબીજાને પુરસ્કાર આપતા. સમૃદ્ધ પ્રદેશોમાં ચાલતા મંડળોમાં વાહ વાહ! અતિ ઉત્તમ, સાક્ષરશ્રી! કહી તેમને તથા એકમેકને off the shelf મળતી ટ્રૉફીઓ અર્પણ થતી હોય છે. જે હોય તે, પણ ગુલાબીના રંગમાં રંગાયેલા મંડળની વાત જ જુદી હતી.

અમદાવાદમાં મારા મિત્ર સદાનંદને નોકરી મળ્યા બાદ તેણે તેના કામની જગ્યાની નજીક રિલીફ રોડ પર નવું રેસ્ટોરાં શોધી કાઢ્યું. : ’ગુલાબી’ ચાના સર્જક ઈરાનીઓથી upmarket ગણાતું, રિલીફ સિનેમાની બાજુમાં આવેલ ઈમ્પિરિયલ રેસ્ટોરન્ટ. અહીં બનતી ચા એટલી તો ઉત્તમ હતી કે તે પીવા દૂર દૂરથી લોકો આવતા. અમારા જેવા ‘રેગ્યુલર્સ’માં એક સજ્જને અમારૂં ખાસ ધ્યાન દોર્યું હતું. આછા બદામી રંગનો લૉંગકોટ, ધોતિયું અને કાળી ટોપી પહેરેલા, ઉજ્જવળ કાંતિના અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ વૃદ્ધ સજ્જન અમને દરરોજ - ટાઢ, તડકો, વરસાદ - કશાની પરવા કર્યા વગર સવારના આઠના સુમારે અચૂક ઈમ્પિરિયલમાં દેખાતા. સદાનંદે કહ્યું, “અહીંની ચાના આ સાચા દર્દી છે.”  મેં જીવનમાં લખેલ પહેલો લેખ નવચેતનને મોકલ્યો ત્યારે સંપાદકશ્રીએ મને મળવા બોલાવ્યો. જ્યારે પાલડીમાં આવેલા તેમના ઘેર પહોંચ્યો ત્યારે તેમને જોઈ હેરત પામી ગયો. જેમને અમે ઈમ્પિરિયલમાં દરરોજ જોતાં તે સજ્જન નવચેતનના તંત્રી - શ્રી. ચાંપશીભાઈ ઉદ્દેશી હતા! રોજ અમે નજીકના ટેબલ પર બેસતા અને તેઓ અમને જોઈ એકાદ વાર સ્મિત પણ કરી લેતા. તે દિવસે તેમના ઘેર ગયો ત્યારે તેમના વ્યક્તિત્વના ભિન્ન પાસાના દર્શનનો અલભ્ય લાભ મળ્યો. ઈમ્પિરિયલની ચાને કારણે હોય કે તેમની યુવાન લેખક (મારી ઉમર તે વખતે ૧૯ - ૨૦ વર્ષની હતી) પ્રત્યેની અનુકંપા, તેમણે મારા લખાણની ચર્ચા કરી, યોગ્ય સુધારા કરવા કહ્યા અને ત્યાર પછી મારા ત્રણ લેખ નવચેતનમાં પ્રકાશિત પણ કર્યા!
(ક્રમશ:)

No comments:

Post a Comment