Tuesday, August 25, 2015

લાગણીસભર સંગીત

આજના અંકની શરૂઆતમાં એક વાત કહેવાનું મન થાય છે. 
શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ અને જાણકારોને ‘તાનસેન’ કહેવાય છે! જ્યારે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં અનભિજ્ઞ એવા જિપ્સી જેવા અનેક ચાહકો છે જેમને સંગીતશાસ્ત્રનું જરા જેટલું પણ જ્ઞાન નથી, પણ સંગીત પરના પ્રેમ અને તેની ચાહતને કારણે આ દિવ્ય સરિતાના અબાધિત અને અમૃતમય આનંદનો લાભ લઈ શકતા હોય છે. સંગીતના આવા ચાહકોને ‘કાનસેન’ કહેવાય છે. તેઓ તો બસ, આંખ મિંચીને અદ્ભૂત સંગીત સાંભળતા રહે છે અને તેના શ્રવણના આનંદમાં રમમાણ થતા હોય છે.
શાસ્ત્રીય સંગીતના જાણકારો કોઈ પણ રાગ કેટલાક સૂર સાંભળીને સહજ રીતે કહી શકે છે કે તે દિવસના કયા સમયે ગાઈ શકાય, તેનો રસ કયા પ્રકારનો છે, તેમાં કયા સૂર વાદી - સંવાદી, તીવ્ર, મધ્યમ, કોમલ કે અતિ કોમલ છે. તબલાંના ક્યા તાલ ત્રિતાલ, ઝપતાલ કે કહેરવાનાં છે. જિપ્સી તો પહાડી ઠુમરી સાંભળીને કુમાયૂં કે હિમાચલના પહાડમાં વસતા લોકોઓનાં હૃદયમાંથી નીકળતી ઉર્મિઓ અનુભવે છે. ખુલ્લા મેદાનમાં  ચાલતી વખતે અચાનક વરસતી શ્રાવણની હેલીમાં મલ્હારનાં સૂર અનુભવે છે
સંગીતના કેટલાક અંગ એવાં હોય છે, જે કોઈ રાગમાં હોય કે ન હોય, જેને લોક સંગીત કહીને મોકળા થવાતું હોય છે. આવાં ગીત ગાનારાં સ્ત્રી-પુરુષો તેમાં તન્મય અને રત થઈને ગાતાં હોય છે અને તે સાંભળનારા શ્રોતાઓનાં મન ભાવનાસભર થઈ જતા હોય છે. આવાં ગીતોને લાગણી સભર સંગીત કહી આપની સમક્ષ રજુ કરવાની રજા લઈશ.
આજનું પ્રથમ ગીત છે રામદેવ પીરનો હેલો. 
જુના જમાનામાં રાવણહત્થો નામનું વાદ્ય લઈ ભજનીકો અને ભક્તો જાત્રાએ નીકળતા અને ઘેર ઘેર જઈ રામદેવ પીરનો હેલો ગાતાં. જજમાન તેમની શક્તિ પ્રમાણે તેમને સીધું કે પૈસા આપે અને યાત્રીકો તેમના ગંતવ્ય પર પ્રસ્થાન કરે. ભારતના સિને જગતના ઉમદા ગાયક મન્ના દે સાહેબને કોલકાતાના એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું, ‘આપે અન્ય ભાષાઓમાં અનેક ગીતો ગાયાં છે. તેમાંનું આપનું પ્રિય ગીત કયું છે?”
મન્ના’દાએ એક ક્ષણના વિલંબ વિના કહ્યું, ‘ગુજરાતી ગીત, જેને ત્યાંના લોકો હેલો કહે છે.’ હેલાના વર્ણનમાં તેમણે બંગાળીમાં કહ્યું, ‘આ એવું ગીત છે, જે ગાતી વખતે મનમાં અદ્ભૂત કંપન અને ભાવના ઉત્પન્ન થતી હોય છે,’ કહી તેમણે હેલો ઉપાડ્યો!

રામદેવ પીરનો હેલો અનેક ગાયકોએ ગાયો છે. હેલો કોઈ પણ ગાયક ગાય, પણ તે સાંભળનારના હૃદયમાં કંપન જરૂર ઉત્પન્ન કરશે.  


આખ્યાયિકા મુજબ રામદેવ -ઉર્ફે રામાપીર વિષ્ણુનો અવતાર હતા. રાજસ્થાનની રણુજા રિયાસતના રાજા અજમલજીને બે પુત્રીઓ હતી, પણ કોઈ પુત્ર નહોતો. તેમની પ્રાર્થના સાંભળી વિષ્ણુએ તેમને ત્યાં રામદેવજીના સ્વરૂપે જન્મ લીધો હતો. તેમનાં બાદ નાના ભાઈ વિરમદેવનો જન્મ થયો. રામાપીરનો હેલો ગવાય તેમાં તેમના પિતા અજમલજી, માતા મિનલદેવી, ભાઈ વિરમદેવનાં નામ અચૂક આવે.

રામાપીર વિશે એવી માન્યતા છે કે સંકટમાં તેમના નામનો પોકાર કરનારા ભક્તોને સહાય કરવા તેઓ લીલા રંગની ઝાલર અને લીલા પલાણથી શણગારાયેલા ઘોડા પર બેસીને પહોંચી જાય છે. ઘોડાને દૂરથી જોનારને આ લીલો રંગ દેખાતો હોવાથી ‘લીલૂડા ઘોડલાના અસવાર’ તરીકે તેમની ઓળખાણ થવા લાગી.  અહીં રાજસ્થાની બોલીમાં ગવાતા ગીતનું વર્ઝન એટલા માટે ઉતાર્યું છે કે તેમની એક આખ્યાયિકાને નાટ્યસ્વરૂપ અપાયું છે.***
બંગાળ…

લોકગીતોનાં ભાવની ભિનાશનો અનુભવ લેવા દૂર જવું પડતું નથી. જ્યાં જવાનું થાય ત્યાં લોકગીતો સાંભળવા મળશે. બંગાળના લોકગીતોમાં ભક્તિપંથનો ભાવ કિર્તન અને બાઉલ કવિઓની રચનાઓમાં રજુ થયો અને ગાયકોએ બન્ને પરંપરાનાં ગીતો ગંગા - પદ્મા - બ્રહ્મપુત્રના પાત્રમાં નૌકા ચલાવતા નાવિકોની ભઠિયાલી શૈલીમાં ગાયો. કિર્તનમાં વૈષ્ણવ, શાક્ત અને શૈવ પંથના અનેક ગીતો રચાયાં અને હજી ગવાય છે. આજે રજુ કરીશું કવિ ગોવિંદ અધિકારી રચિત બંગાળનું જગપ્રસિદ્ધ વૈષ્ણવ કિર્તન : વૃંદાવન વિલાસીની, રાઈ આમાદેર! વૃંદાવનમાં રાચતી અમારી રાધા!

બંગાળી અને મહારાષ્ટ્રનાં લોકગીતોમાં રાધાને ‘રાઈ’ કહેવાય છે. અહીં રજુ કરેલા કિર્તનમાં શુક (પોપટ)  અને સારિકા (મેના) વચ્ચે મીઠા ઝઘડાનો સંવાદ છે. શુક કહે છે, મારો કૃષ્ણ જ શ્રેષ્ઠ! પ્રણયના દેવ કામદેવ જેવા મદનમોહન તે અમારા કૃષ્ણ છે! જવાબમાં સારિકા કહે છે, ‘હા, પણ પ્રણય વગર કામદેવની શી કિંમત? તેમ રાધાના પ્રણયને કારણે કૃષ્ણ પ્રણયના દેવ બને છે.’ રાધા વગર પ્રેમ ક્યાં? અને પ્રણય વગર કામદેવને કોઈ અસ્તીત્વ ખરૂં? આખા કિર્તનમાં આમ કૃષ્ણ અને રાધાનાં ગુણોની તુલના કરવામાં શુક અને સારિકા વચ્ચે આ ઝઘડો ચાલતો રહે છે!
અહીં રજુ થયેલા કિર્તનનાં ગાયિકા છે અદિતી મુન્શી અને તેમને સાથ આપી રહ્યા છે મણીપુરી નૃત્યશૈલીની કોલકાતાની સંસ્થાની નર્તકીઓ. અદિતીના આખા કાર્યક્રમમાં અનેક વિશિષ્ટતાઓ છે. કોરસની ગાયિકાઓ તથા નર્તકીઓએ તન્મયતાપૂર્વક તેમના કિર્તનમાં રંગ પૂર્યાં. તેમને સાથ આપનારા વાદકોમાં સુદ્ધાં એક અદ્ભૂત સંયોગ જોવા મળશે. વિડિયોમાં મણીપુરી ઢોલક, જેને ખોલ કહેવામાં આવે છે તેનાં બે વાદકો છે. બન્નેનાં વાદનમાં એવી સુંદર એકસુત્રતા છે, જાણે બન્નેનાં આત્મા અને કલા એક ઢાંચામાંથી નીકળ્યાં હોય! હકીકત પણ એવી જ છે! આ પિતા-પુત્રીની જોડી છે! અદિતીના ગીતના સમાપનમાં પ્રસ્તુતકારે  એક વાત કહી: ‘અદિતી, આપનું કિર્તન કાન નહિ, આત્મા સાંભળતો હોય છે. રાધાની મહત્તાનું આપનું કિર્તન સાંભળી એવી અનુભૂતિ થઈ કે આજે જો રાધા જન્મ લે તો તે આપના જેવી હશે!’


આ કિર્તનનો આનંદ માણવા તેનું અંગ્રેજી ભાષાંતર નીચેની લિંકમાં આપ્યું છે:


અહીં નમૂદ કરવું જરૂરી છે કે આ વિડિયો આપણા જાણીતા સાહિત્યકાર શ્રી. હરનીશ જાનીના સૌજન્યથી પ્રાપ્ત થયો છે, જે માટે તેમનો જિપ્સી આભાર માને છે.

***

અંતમાં સાંભળીશું મહારાષ્ટ્રના સંત તુકારામનો અભંગ. ગાયિકા છે લતાદિદિ અને સંગીત આપ્યું છે વડોદરાના સંગીતકાર સ્વ. શ્રીનિવાસ ખળે સાહેબે :

कमोदिनी काय जाणें, परिमळ…

પહેલાં તેનો અર્થ જાણીએ. કુમુદના પુષ્પની સુગંધ કેવળ ભ્રમર પારખી શકે છે, ખુદ કુમુદ નહિ. તેથી ભમરો કુમદના સૌરભનો પૂરો આનંદ માણી શકે છે. એવી જ રીતે, હે પ્રભુ, આપ જાણતા નથી આપનો મહિમા કેટલો વિશાળ છે, આપની કૃપા કેટલાં મહાન છે. એ તો અમે આપની નિ:સીમ કૃપાનો લાભ લેતા રહ્યાં છીએ. ગાય લીલુંછમ ઘાસ ખાઈને દૂધ ઉત્પન્ન કરે છે તેનો તેને ખુદને કશો ઉપયોગ નથી, પણ તેનું બાળક  - વાછરડું તેની માતાનો કૃપા પ્રસાદ આરોગીને આરોગ્ય પ્રાપ્ત કરે છે. તે રીતે હે તુકારામ, છિપના ગર્ભમાં સંતાયેલા મોતીનો છિપને કશો ઉપયોગ નથી પણ તેનો આનંદ તો તેને જોનાર વ્યક્તિઓ મેળવતા હોય છે, તે તું જાણ! 

પરમાત્મા નિર્વિકાર, નિરંતર, નિ:સીમ છે. તેમની શક્તિઓ તેમણે નિસર્ગના નિયમોમાં વિખેરી છે જેનો અનુભવ અને આનંદ અમે પામર પ્રાણીઓ માણતાં હોઈ છીએ. સંત તુકારામના આ સુંદર અભંગનો આસ્વાદ લઈએ!આવતા અંકમાં એક નવો વિષય, નવી વાત, નવી વાનગી લઈને હાજર થઈશું.

No comments:

Post a Comment