Thursday, February 12, 2015

સૂરોના કસબી (૧) - નૌશાદ અલી


વર્ષો પહેલાં મૂળ હૈદરાબાદના નસરીન મુન્ની કબીરે બ્રિટનના ચૅનલ ફોર માટે ‘મુવી મહલ’ નામની શ્રેણી બનાવી જેમાં ભારતીય સિનેમાના ગાયક, સંગીતકાર, અભિનેતાઓની કારકિર્દીને આવરી લીધી. તેમણે સર્જેલી આ શ્રેણીઓના દરેક ‘એપીસોડ’માં કળાનો એવો રંગ ભર્યો, બધા પ્રસંગો યાદગાર બની ગયા. આજે ફિલ્મ જગત અને તેના વિવિધ પાસાઓ વિશે નિર્માતી શ્રેણીઓ અને લેખોમાં ઘણું વૈવિધ્ય છે. ઘણી વાર તો મારા જેવા શ્રોતાઓને જાણ નથી હોતી કે ફિલ્મોને લગતો કયો કલા પ્રયોગ જોવો. અનેક ફિલ્મો જોયા બાદ એકાદ રત્ન હાથ લાગે તો મરજીવાને મોતીની છીપ લાધ્યાનો આનંદ મળે છે! થોડા દિવસ પહેલાં 'જિપ્સી'ને આદરણીય આચાર્યશ્રી મહેશભાઈ વસાવડાનો પત્ર મળ્યો અને તેમાં તેમણે  બ્રિટનની ચૅનલ ફોરનાં નિર્મીતી નસરીન મુન્ની કબીરની ‘મુવી મહલ’ શ્રેણીમાં નૌશાદ સાહેબની શ્રેણીનો ઉલ્લેખ કર્યો.  તે જ દિવસે (અને આખી રાત બેસીને) જે 'એપિસોડ' જોયા તેમાં  હિમાલયના શિખરની જેમ ઝળકતી હોય તેવી બે ફિલ્મો હતી : નૌશાદ સાહેબ અને અલબત્, લતા મંગેશકરની.

આજે વાત કરીશું નૌશાદ સાહેબ પર બનાવેલ ત્રણ ભાગમાં વહેંચાયેલી 'મુવી મહલ' શ્રેણીની. 

નૌશાદ સાહેબે સંગીતબદ્ધ કરેલા ગીતો આપણે દશકોથી સાંભળતા આવ્યા છીએ. કોણ જાણે કેમ, આપણા વિજયભાઈ ભટ્ટ દ્વારા નિર્માયેલી ફિલ્મ દ્વારા નૌશાદ સાહેબ અને બૈજુ બાવરા જાણે એકબીજાની પૂરક ઓળખાણ ન હોય તેવો ઈતિહાસ સર્જાઈ ગયો. 

આપ તો જાણો છો કે કવિની ભાવના તેના હૃદયમાંથી અનેક આવર્તનો પામીને કાગળ પર ઉતરીને કાવ્ય બને છે. દરેક ભાવનાની પાછળ કોઈ ને કોઈ પ્રસંગ કે દૃશ્યનો અનુભવ હોય છે. એક અંગ્રેજ કવિએ લખ્યું છે, “Beauty is in the eye of the beholder" -  તેમ કવિની દૃષ્ટીમાં ઉતરેલો અનુભવ તેમના માનસ પર એવી રીતે છવાઈ જાય છે, તે સમયે તેમના મનમાં ઉદ્ભવેલી સંવેદનાના ધબકાર કાવ્ય બનીને કાગળ પર ઉતરે છે. આવા કાવ્ય પર એવી જ કલાત્મકતાથી સંગીતકાર તેમની કલાનો ઓપ ચઢાવે ત્યારે તે સાંભળીને આપણાં મુખેથી કેવળ એક જ શબ્દનીકળે, ‘વાહ!’ કોણ જાણે કેમ, નસરીન મુન્ની કબીરની આ શ્રેણી જોઈને એવું લાગ્યું, તેમના મુખેથી આ શબ્દ નીકળ્યો અને તેમની કલાત્મકતાએ તેને મૂર્ત સ્વરૂપ આપ્યું! શ્રીમતી કબીરની ખાસિયત એ છે કે તેમણે બનાવેલી ફિલ્મોમાં કલાકાર દ્વારા જ તેમની કૃતિનો અને તેમણે માણેલા આનંદનો રસાસ્વાદ કરાવ્યો છે. નૌશાદ સાહેબ પર બનેલી આ ફિલ્મમાં આનો વારે વારે અનુભવ થાય છે. 

નૌશાદ સાહેબની નમ્રતા, તેમની સૌમ્ય ઉર્દુની તહેજીબ-સભર વાક્ શૈલીથી કહેવાયેલી વાતો હૃદય પર નાજુક ભાવ ઉમટાવતી જાય છે. ત્રણેય ભાગમાં તેમનું વ્યક્તિત્વ તો નજર સામે આવે છે, પણ તેમના અન્ય સાથીઓ અને શાયરો પ્રત્યેનો આદર એવી રીતે વ્યક્ત થાય છે કે દિલીપ કુમાર, શકીલ બદાયુઁની અને લતાજી જેવા અદાકાર, કવિ અને ગાયકોનાં વ્યક્તિત્વ પણ આપણી નજર સામે ઉભા થાય. તેમના પ્રશંસકો માટે એવો જ આદરભાવ છે. લોકોએ તેમના એક ગીતને ઘણું પસંદ કર્યું, તેમાં તેમણે પોતાને કશો શ્રેય આપ્યા વગર કહ્યું, "ઈસ ગાને કો આપને બહુત પસંદ ફરમાયા!" 

"મુવી મહલ" શ્રેણીમાં નસરીન મુન્ની કબીરે montageનો સુંદર ઉપયોગ કરી નૌશાદ સાહેબની વાતની સાથે સાથે તેમના સાથી કલાકારોને રજુ કરીને ગીત અને સંગીતનો આસ્વાદ કરાવ્યો છે.  દાખલા તરીકે ‘મધુબનમેં રાધિકા નાચે, રે…”માં. આ પ્રસંગ તેમણે જે ઋજુતાથી રજુ કર્યો છે, તેનું વર્ણન મારા માટે અશક્ય છે. એ તો આપે જોવું જ રહ્યું! એક hint આપીશ : શાસ્ત્રીય સંગીત પર આધારીત આ ગીતમાં સિતારનો એક piece આવે છે. નૌશાદ સાહેબે નક્કી કર્યું હતું કે આ પીસ ખાઁસાહેબ અબ્દુલ હલીમ જાફરખાન સાહેબ વગાડે અને ફિલ્મમાં દિલીપ કુમાર ફક્ત સિતાર પર હાથ 'ફેરવે'! ખાસ વાત એ છે કે દિલીપ કુમારે આવું કરવાનો ઈન્કાર કર્યો. એક વર્ષ સુધી તેઓ સિતાર શીખ્યા અને ફિલ્મમાં આ piece તેમણે પોતે વગાડ્યો! ધ્યાનપૂર્વક જોવાથી આ વાત જણાઈ આવશે. (આપ મુવી મહલ જોશો ત્યારની વાત ત્યારે, પણ અત્યારે આ ગીત અહીં રજુ કરીને આપને તેનો આનંદ લેવા આમંત્રણ આપું છું.)


આવી જ રીતે નૌશાદ સાહેબે એક અન્ય ગીતની રજુઆત કરી છે. “બાબુલ” શબ્દ દીકરી માટે તેમના આનંદ અને સુરક્ષાનો પરમોચ્ચ આધાર હોય છે. આ શબ્દની સાથે સંકળાયેલ છે બીજો શબ્દ “નૈહર” - પિયર. દીકરીની ભાવનાને વાજીદ અલી શાહે પોતાના હૃદયમાં ઝીલી અને એક અમર ગીત લખ્યું. નૌશાદ સાહેબે શાયર શકીલ બદાયુઁની એક કૃતિની રજુઆત કરતી વખતે તેનો મર્મ સહજતાથી કહ્યો. “બાબુલ એટલે સંસાર - જગત. દીકરી લગ્ન કરીને જાય છે ત્યારે તે પોતાનું ખાનગી વિશ્વ છોડીને જાય છે. તેવી રીતે માનવ જીવ જગત છોડીને જાય ત્યારે તે પણ તેના 'પિતા'નું ઘર - આ સંસાર છોડી જાય છે. આ ભાવનાને વ્યક્ત કરવા નૌશાદ સાહેબે ફિલ્મ ‘બાબુલ’માં તેના theme song ‘છોડ બાબુલ કા ઘર…’ બે વાર મૂક્યું.  પહેલી વાર નાયિકા લગ્ન કરીને જાય છે ત્યારે અને તેના પિયા (પ્રિયતમ)ની સોડમાં પ્રાણ ત્યાગે છે ત્યારે. બન્નેનો ભેદ તેમણે સમજાવ્યો ત્યારે ખ્યાલ આવે કે લય અને તાલમાં સૂક્ષ્મ ફેર કરવાથી બે સાવ જુદા, ભાવોની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે છે. ફિલ્મમાં દિગ્દર્શકે આ ભાવનાને અભિનય સમ્રાટ અને સામ્રાજ્ઞીના ભાવચિત્રણ દ્વારા ફિલ્મના climaxને તેના પરમોચ્ચ બિંદુ પર પહોંચાડ્યું.ઉર્દુમાં એક કહેવત છે : હાથ કંગનકો આરસી ક્યા, પઢે-લીખે કો ફારસી ક્યા! નૌશાદ સાહેબની મુવી મહલમાં થયેલી મુલાકાત વિશે કંઈ કહું તેના કરતાં આપ સૌ તેને જોઈને તેનો આનંદ માણશો. આ માટે નીચેની લિંક પર ક્લિક કરશો.   

1 comment:

 1. - નૌશાદ અલી
  A New Post.....Enjoyed !
  Chandravadan
  www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  ReplyDelete