Friday, September 5, 2014

“વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?” - અર્થાત્ મારી નિશાળ અને અમારા ગુરુવર્યો

જુની વાત છે.
૧૯૬૫નું યુદ્ધ હાલમાં જ ખતમ થયું હતું. અમારી ફર્સ્ટ આર્મર્ડ  ડિવીઝન પાકિસ્તાનમાંથી પાછી ફરી હતી પણ હજી બૉર્ડર પર જ હતી. શાંતીની સંધિ થઈ હોવાથી અફસરો ડિવીઝનમાંની અન્ય બટાલિયન કે રેજીમેન્ટની મુલાકાત લેવા અફસર મેસમાં જતા.
એક દિવસ બપોરના સમયે આર્મર્ડ બ્રિગેડના કમાંડર અને તેમના સ્ટાફ અફસરો અમારા મહેમાન થઈને આવ્યા. આમાંના બહુતાંશ અફસરો ૨૦૦-૩૦૦ વર્ષ જુના રિસાલા - જેમકે ગાર્ડનર્સ હૉર્સ, સિંધ હૉર્સ, પૂના હૉર્સના હતા. આવા સિસાલાઓમાં પસંદ થતા અફસરો ડૂન સ્કૂલ, બિશપ કૉટન, સનાવર કે રાજકુમાર કૉલેજ જેવી માતબર શાળાઓમાં ભણેલા ધનિક પરિવારના અથવા ‘કુંવર’ કે ‘કુમાર’થી શરૂ થતા નામનાં અફસર હોય. સ્વાભાવિક છે આ અફસરોની વાતો અંગ્રેજી સાહિત્ય, મિલિટરીની પરંપરાઓની આસપાસ ચાલતી હોય.
બ્રિગેડ કમાંડરે વાત ઉપાડી અંગ્રેજી સાહિત્યના ‘ડ્રાય ઈંગ્લીશ હ્યુમર’ની. વાત વાતમાં જિપ્સીએ પી.જી.વૂડહાઊસ અને અૉસ્કર વાઈલ્ડના વિનોદની વાત કરી તે સાંભળી કમાંડરે પૂછ્યું, “યંગમૅન, વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?”
જિપ્સીએ જવાબ આપ્યો, “હું અમદાવાદની વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં ભણ્યો છું.”
“ઓહ! મેં આ શાળાનું નામ સાંભળ્યું નથી, પણ એટલું કહી શકું કે તે ઉચ્ચ કક્ષાની શાળા હોવી જોઈએ.”
બ્રિગેડ કમાંડરની વાત સાચી હતી. ભારતમાં ભાગ્યેજ કોઈએ અમદાવાદના ત્રણ દરવાજાની બહાર ફૂટપાથ પરનાં ફેરિયાઓનાં ઝૂંડની પાછળ સંતાયેલી - અને હવે વર્ષોથી બંધ પડેલી, એક જમાનામાં ડચ વ્યાપારીઓની ‘બૅલેન્ટાઈનની વખાર’નામે ઓળખાતી આ શાળા વિશે સાંભળ્યું હશે. પરંતુ શાળાની નામના તો તેમાં ભણેલા વિદ્યાર્થીનાં મુખમાંથી તેમની શાળા વિશેના ગૌરવ અને કૃતકૃત્યતાની ભાવનાનાં શબ્દોમાં વ્યક્ત થતી હોય છે.
શાળા એટલે શાળાનાં શિક્ષકો, આપણા ગુરૂવર્યો. બાળકમાં સંસ્કારનાં મૂળ તો તેના માતા પિતા સિંચતા હોય છે. આ મૂળને દૃઢ કરવાનું, તેમાં આદર્શોનું ખાતર પૂરવાનું, તેના જીવનને સાહિત્ય, કલા, વિજ્ઞાન, સદ્ભાવના જેવા સપ્તરંગી સૂર્યકિરણોનો જીવનાવશ્યક પ્રકાશ આપવાનું દિવ્ય કાર્ય તો કેવળ આપણાં ગુરુવર્યો કરતા હોય છે. તેમની કૃપાથી નહાઈને બહાર પડતા વિદ્યાર્થીઓનાં મનમાં ગુરૂજનો પ્રત્યે ઋણની ભાવના જન્માવે, જે શાળાનું નામ લેતાં માણસ નતમસ્તક થાય, તે સાચી શાળા હોય છે. અમારી ‘વીએસટી ત્રણ દરવાજા ટ્યુટોરીયલ હાઈસ્કૂલ’ આવી શાળા હતી!

***
ત્રણ દરવાજાથી ફૂવારા તરફ જતાં રસ્તામાં આવતી કેમિસ્ટોની દુકાન વચ્ચે ધારી ધારીને જોઈએ તો જ અમારી શાળાનો દરવાજો દેખાય. શાળામાં પ્રવેશ કરીએ તો ડાબી બાજુએ અૉફિસ, શિક્ષકોનો ‘કૉમન રૂમ’, હેડમાસ્તર શ્રી. નંદુભાઈ ડી. શુક્લ (જેમને અમે સૌ  ‘એન્ડી’ સાહેબ કહેતા) તથા શાળાનાં માલિક/પ્રિન્સીપલ શ્રી. વિનાયકરાવ ત્રિવેદીની કચેરી. નજીકમાં પાણીની ઓરડી, જેની બહાર છ ફીટ ઉંચા, સફેદ પૂણી જેવી ભરાવદાર મૂછોવાળા મહાદેવ ભૈયાજી હસતે મુખે બાળકોને પાણી પાતા દેખાય. ભૈયાજીનો પરિવાર  ઉત્તર પ્રદેશમાં. તેઓ એકલા શાળાના મકાનમાં જ રહેતા. દિવસે અમને પાણી પાવાનું અને રાત્રે શાળાના ચોકીદારનું કામ કરે. અમને પાણી પાતી વખતે તેમની આંખમાં એવો આનંદ જણાતો, કરચલીઓવાળા ચહેરા પર એવું પ્રેમ સભર હાસ્ય દેખાતું, જાણે તેઓ તેમનાાં પૌત્ર-પૌત્રીઓને સ્નેહનાં જળ પીવડાવતા હોય! શાળામાં અમે સાત વર્ષ કાઢ્યા, અને ભૈયાજીના ચહેરા પર સ્નેહપૂર્ણ ભાવ જોતાં રહ્યા.
પાણીની કોટડીની જમણી બાજુએથી શરૂ થાય ‘U’-આકારનું ત્રણ માળનું મકાન. Uની વચ્ચે નાનકડું ચોગાન, જેમાં રોજ સવારે અરવિંદરાય સાહેબ હાર્મોનિયમ પર તેમના સુમધુર અવાજમાં પ્રાર્થના ગવડાવે: ‘હે જગત્રાતા, વિશ્વવિધાતા/હે સુખશાંતિ નિકેતન હે!’, 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ' અને ‘રચા પ્રભુ તુને સંસાર સારા’ જેવી પ્રાર્થનાઓ બાદ વયોવૃદ્ધ પ્રિન્સીપલ વિનાયકરાવ આશ્રમ ભજનાવલીમાંથી સર્વધર્મની પ્રાર્થનાઓ વાંચે અને વિદ્યાર્થીઓ તેમના વર્ગમાં જાય.
પાંચમીના અમારા વર્ગમાં ચાર બહેનો હતી. નીલમ મહેતા, કુલસુમ, આથીકા અને રેહાના. છેલ્લી ત્રણ બહેનો વહોરા પરિવારની અને માથા પર ચાંદલિયાવાળી ટોપી પહેરીને આવે. શિક્ષકો તેમને આદરથી ‘મિસ કુલસુમ, મિસ નીલમ’ કહીને પ્રશ્ન પૂછે. બહેનોને સંકોચાવું ન પડે તેથી તેમને કદી અઘરા સવાલ ન પૂછે! એ અમારા જેવા તોફાની વિદ્યાર્થીઓ માટે ખાસ ‘રિઝર્વ’ રખાતા. રિસેસ પછીનો પિરિયડ હોય ડ્રૉઈંગનો. અમારા ચિત્રકલાના ગુરૂ હતા ભટ્ટ સાહેબ. ઉંચું ખડતલ શરીર, બદામી રંગનો લૉંગ કોટ, ધોતિયું અને માથા પર કાળી ટોપીમાં સજ્જ ભટ્ટ સાહેબના ચહેરા પર એક પ્રકારનું કરૂણ ગાંભિર્ય રહેતું. જો કે દરેક વિદ્યાર્થી પર તેઓ સ્નેહપૂર્ણ ધ્યાન આપતા. તેમનું મનપસંદ વાક્ય હતું, “The more you see, the more you learn’. ચિત્રકામમાં નિરીક્ષણ અને ચિત્રકામ માટે નક્કી કરેલ પાત્ર કે દૃશ્યનો બારીકાઈથી કરેલ અભ્યાસ કેટલો અગત્યનો હોય છે તે સમજાવતા. જિપ્સીને તેમનો ગુરૂ મંત્ર મિલિટરીમાં ઘણો ઊપયોગી થયો! દૂરથી દુશ્મનની હિલચાલ, તેમણે છોડેલાં પદચિહ્ન જેવાં નિશાન શોધવામાં આ કામ આવ્યા! તેમના ચહેરા પરનું કારૂણ્ય અમે ઘણા સમય બાદ જાણ્યું. તેમના યુવાન પુત્રનું કેટલાક વર્ષો પહેલાં અવસાન થયું હતું, પણ વિદ્યાર્થીઓ પ્રત્યેના સ્નેહમાં ઓછપ અમે કદી ભાળી નહિ. ભટ્ટ સાહેબના પ્રિય શિષ્ય હતા શ્રી. પીરાજી સાગરા - જે આગળ જતાં ભારતમાં અગ્રગણ્ય ચિત્રકાર તરીકે જાણીતા થયા અને અમદાવાદની સ્કૂલ અૉફ આર્કીટેક્ચરમાં કલા વિભાગના પ્રૉફેસર તરીકે નીમાયા હતા.
અમારા ગુરૂવર્યો માટે જેટલું લખીએ, અધુરૂં જ ગણાશે. ખાસ ઉલ્લેખ કરવો હોય તો અમારા હેડમાસ્તર ‘એન્ડી’ સાહેબ. ઈતિહાસ શીખવનારા (તે સમયે ઈતિહાસકાર તરીકે જાણીતા નહોતા થયા તે) ગૌરીશંકર ભવાનીશંકર ઓઝા ભારત અને ઈંગ્લંડનો ઇતિહાસ શીખવતી વખતે ઐતિહાસીક પાત્રોના સંવાદો સાથે પ્રસંગોનું જે વર્ણન કરતા તે અમે હજી ભુલ્યા નથી. ‘Every man has his price” કહેનાર બ્રિટનના વ્હીગ વડા પ્રધાન વૉલપોલે આ તત્વનો ઉપયોગ કરી ‘Whig Oligarchy’ ચલાવી હતી  તેનું વર્ણન અમને હજી યાદ છે! ભારતના પ્રાચિન ઈતિહાસમાં વિષ્ણુદત્તે પોતાની ચોટલી ખોલીને જે શપથ લીધી હતી તે વક્તવ્ય રૂપે તેમણે શીખવ્યું હતું. આ કેમ કરીને ભુલી શકાય? 
અમને કેમીસ્ટ્રી શીખવતા હતા શ્રી. બી.એસ.શાહ સાહેબ. પદાર્થની રાસાયણીક પ્રક્રિયા એક સુંદર કાવ્યના alliteration જેવી હોય છે, તેનો ‘છંદ’ સમજાય તો બે પદાર્થો વચ્ચેની આ પ્રક્રિયાનું શું પરિણામ આવે તે તેમણે એવી રીતે સમજાવ્યું, જાણે તે પ્રકૃતિનું સુંદર કાવ્ય ન હોય! 
અંગત રીતે કહેવાનું થાય તો મારા આદર્શ ગુરૂ હતા અમારા ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક શ્રી. અરૂણકાંત દિવેટિયા. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા દિવેટિયા સાહેબ માનવેન્દ્રનાથ રૉયની રૅડીકલ હ્યુમૅનિસ્ટ પાર્ટીના અનુયાયી હતા. ‘રોજીંદા જીવનમાં પ્રામાણીકતા જાળવવા માટે કોઈ વાર નુકસાન ભોગવવું પડે છે, પણ મન, વચન અને કર્મથી પ્રામાણીક રહેવાથી તમારા મનનો અરીસો એટલો સ્વચ્છ રહેશે કે તેમાં ઝાંખીને જોવામાં તમને કદી શરમ કે ક્ષોભ નહિ અનુભવવો પડે’, એવું તેમનું વાક્ય કદી ન ભુલાયું. જિપ્સીના નિબંધ તેમને ગમતાં અને ઘણી વાર તેની પાસેથી વર્ગમાં વંચાવતા.
અમારા વર્ગમાં એક ગરીબ ઘરનો પણ હોંશિયાર વિદ્યાર્થી હતો. હંમેશા પહેલી બેંચ પર બેસે. દિવેટિયા સાહેબનો માનીતો. સાહેબ તેમના પ્રિય શિષ્યોને ‘મહાપુરુષ’ કહીને સંબોધે. એક દિવસ આ છોકરાને પહેલી બેંચ પર ન જોતાં તેમણે પૂછ્યું, “અરે, આ મહાપુરુષ ક્યાં ગયો?” 
તે દિવસે આ વિદ્યાર્થી છેલ્લી બેંચ પર બેઠો હતો. તે માથું નીચું કરીને ઉભો થયો. સાહેબનું ધ્યાન તેના ફાટેલા ખમીસ તરફ ગયું અને તેઓ જાણી ગયા. “તમારા ફાટેલા કપડાંમાંથી સદ્ગુણો ડોકિયું કરતાં હોય તો તમારે જીવનમાં કદી શરમાવાની જરૂર નથી,” કહી તેને તેની મૂળ જગ્યાએ બેસવાનું કહ્યું.
ભૂલ્યા ન ભૂલાય તેવા અમારા સંસ્કૃતના શિક્ષક હતા શાસ્ત્રી સાહેબ. સૌરાષ્ટ્રના નાનકડા ગામનાં, પણ કાશીમાં સંસ્કૃતનો અભ્યાસ કરી આવેલા. તેમના પહેલા દિવસે અમારા વર્ગને સંબોધ્યો, “ભાયું ને બેનું, આજે આપણે સુભાષિતો ભણશું…” પણ તેમની શીખવવાની શૈલી એવી તો સરસ કે સંસ્કૃત અમારી ‘second language’ને બદલે ‘first language’ થવા લાગી. બીજા યાદગાર શિક્ષક હતા ભૌતિક વિજ્ઞાનના શિક્ષક કમળાશંકર દવે સાહેબ. ચરોતરી ભાષામાં અમને હંમેશા યાદ કરાવતા રહેતા, “ગરમીથી પદાર્થનું દળ વધઅઅઅ અને ઠંડીથી…” અને આખો વર્ગ બોલી ઉઠતો “ઘટઅઅઅ!” 

અને સૌથી છેલ્લે વાત કરીશ ‘એન્ડી સાહેબ’ની. 
એન્ડી સાહેબ હંમેશા સફેદ પૅન્ટ, આછું ભૂરૂં ખમીસ, ઘેરા રંગનું જૅકેટ, ટાય અને માથા પર કાળી ટોપી પરિધાન કરીને આવે. ઉંચાઈમાં નેપોલિયન જેવા - પાંચ ફીટ બે કે ત્રણ ઈંચ, પણ વ્યક્તિત્વ ધારદાર બરછી જેવું. વિદ્યાર્થીઓ તેમની સામે જતાં થરથરે. તેમણે અમારો ગુજરાતીનો વર્ગ અમારા છેલ્લા, એટલે SSCના વર્ષમાં લેવાની શરૂઆત કરી. અમે બધાં વિવંચનામાં હતા કે કવિતા જેવું સાહિત્યનું મૃદુ અંગ આ કટારી જેવા માણસ કેવી રીતે પારખી શક્યા હશે, અને અમને તે કેવી રીતે શીખવશે. જ્યારે તેમણે પ્રત્યક્ષ વર્ગ લીધો, અને આંતરક્રિયાત્મક -interactive પદ્ધતિથી સુંદરમ્ અને સ્નેહરશ્મીનાં કાવ્યોનું હાર્દ સમજાવ્યું અને રસાસ્વાદ કરાવ્યો ત્યારે અમને જણાયું કે આ અણીદાર વ્યક્તિત્વમાં એક વિદ્વાન શિક્ષક પણ સમાઈ શકે છે!  તે વર્ષ અમારા માટે અનેક દૃષ્ટિએ યાદગાર રહ્યું.
સંસ્કૃતનાં યાદગાર વાક્યોમાં શીખેલું એક વાક્ય હતું यथा राजा तथा प्रजा. અમારી શાળાને આ બરાબર લાગુ પડતું હતું. જેવા ગુરૂજનો એવા તેમના શિષ્યો - એક જિપ્સી સિવાય બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓ! 
અમે શાળામાં દાખલ થયા તેનાં વર્ષો પહેલાં ‘ત્રણ દરવાજા ટ્યુટોરિયલ’માં ભણી ગયેલા મિયાંભાઈ નોમાન આગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ નોમાન બન્યા. એક પારસી વિદ્યાર્થીને તેમનાં પિતાજી દહેરાદૂન કે પંચગનીની મોંઘી શાળામાં મોકલી શકતા હતા, પણ તેમણે તેને અમારી નિશાળમાં મોકલ્યા. “મોંઘી નિશાળ કરતાં સારી નિશાળમાં પોઈરો જાય તે અમને ગમશે,” એવું તેમણે કહ્યું. આજે આ ઘરડો ‘પોઈરો’ ખાનપુરમાં રિવર ફ્રન્ટને અડીને આવેલી વિશ્વવિખ્યાત હૉટેલનો માલિક છે. 
અમારા વર્ગમાં દિનકર શાહ નામનો તેજસ્વી વિદ્યાર્થી હતો. વૈષ્ણવી તિલકથી શોભતું ભવ્ય કપાળ અને વર્ગમાં હંમેશા પહેલો કે બીજો આવે. આગળ જતાં એન્જીનિયર થયો. જિપ્સી મિલિટરીમાં ગયો તે સમયે દિનકર તેને ભદ્રકાળીના મંદિર પાસે અચાનક મળી ગયો. ખબર અંતર બાદ તેણે કહ્યું, “આ દેશમાં પ્રામાણીક પબ્લીક સર્વન્ટને સ્થાન નથી. મેં આપણા શિક્ષકોએ શીખવેલાં અને  તે પ્રમાણે કેળવેલા મૂલ્યો મુજબ  મેં મારા ખાતામાં કામ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ એક સ્થળે ટકીને રહી ન શક્યો. છેલ્લે જ્યારે મારી બદલી સરહદ પર આવેલા ખારા પાટની નજીક થઈ, મેં નોકરી છોડી. નેક્સ્ટ વીક હું શિકાગો જઊં છું, કાયમ માટે. કોઈ વાર અમેરિકા આવે તો મળજે. આપણા વર્ગનો ધીરૂ માલી પણ ત્યાં જ છે. એ પણ ત્યાં સ્ટ્રક્ચરલ એન્જીનિયર છે. ચાલ ત્યારે મળીશું, કો’ક દિ,” કહી તેણે રજા લીધી. મારી બેન્ચ પર બેસતો ઝુલ્ફીકાર અહેમદ બુખારી, મારો ખાસ દોસ્ત હતો. છેલ્લે મેં સાંભળ્યું ત્યારે તે લંડનમાં આવેલી હબીબ બૅંકના મુખ્યાલયમાં જનરલ મૅનેજર હતો. તેની એક કવિતા મહેન્દ્રભાઈ મેઘાણીની 'અર્ધી સદીની વાચન યાત્રામાં પ્રસિદ્ધ થઈ છે. ખાસ કહેવાનું કારણ : કવિતાના શબ્દ ઉર્દુ છે, પણ લિપી ગુજરાતી!
વર્ષો પહેલાંની વાત છે. એક દિવસ AMTSની બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે કંડક્ટરના ચહેરા તરફ જોયા વગર (આ આપણી સૌની ટેવ છે, એવું કહી શકાય!) સામે નોટ ધરી અને મણીનગરની ટિકીટ માગી. કંડક્ટરે ટિકીટ આપી પણ પૈસા ન લીધા. મેં આશ્ચર્યથી તેની સામે જોયું તો તે મારા વર્ગમાં ભણતો મોહમ્મદ મનસુરી નીકળ્યો! કૌટુમ્બિક કારણોસર તેણે આઠમા ધોરણમાં આવતાં મૂકવી પડી હતી. મારા તરફ હસીને બોલ્યો, “નાટકો, તુ મેરેકુ નઈ પિછાનેગા, બડા આદમી બનેલા હૈ ને? સૂન, ડ્યૂટી પે હું વર્ના ચાય પિલાને લે જાતા. અબકી બાર બસકા ભાડા મેરી તરફસે!” નિશાળમાં આ મારૂં હુલામણું નામ થયું હતું. આ શબ્દ મેં એવી રીતે ઉચ્ચાર્યો હતો કે આખો વર્ગ હસી પડ્યો હતો, ત્યારથી મારૂં નામ ‘નાટકો’ થઈ ગયું  હતું. કંડક્ટર હોવાથી તે મને વગર ટિકીટે લઈ જાત, પણ શાળાનાં મૂલ્યો તે ભુલ્યો નહોતો. સલામ, મોહમ્મદભાઈ.
આવી હતી અમારી શાળા, અને આવા હતા અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ. આજે ગુરૂવંદના દિવસે અમારા ગુરુજનોને નમસ્કાર. આપના આશિર્વાદની વર્ષા અમારા મસ્તકપર સતત પડતી રહે એવી પ્રાર્થના. અને મારા શાળાના સહવિદ્યાર્થીઓ, આપને  તથા 'ડાયરી'ના વાચકોને ગુરૂવંદના દિવસની શુભેચ્છાઓ
***


નોંધ: આ લેખ લંબાણમાં ઘણાં વર્ષો પહેલાં ‘અખંડ આનંદ’માં પ્રસિદ્ધ થયો હતો. લેખ છપાયા બાદ જિપ્સીને અમારી શાળાના ભૂતપૂર્વ એવા ઘણા અજાણ્યા વિદ્યાર્થીઓનાં પત્રો અને ઈમેઈલથી શાળાને બિરદાવતા સંદેશા મળ્યા. સૌથી મહત્વની વાત તો મારા ગુરૂ અરૂણકાંત દિવેટિયાનો પત્ર મળ્યો તે હતી. તેમણે અંખડ આનંદમાંથી મારૂં સરનામું મેળવ્યું અને મને લંડન પત્ર લખ્યો હતો! તેમણે સિંચેલા આદર્શ કેવી રીતે ભુલી શકાય?

15 comments:

 1. બીરેન કોઠારીSeptember 5, 2014 at 11:17 PM

  અતિ ભાવુક, સુંદર વર્ણન! ધન્ય એ શાળા, ધન્ય એ ગુરુજનો, ધન્ય એ શિષ્યો!

  ReplyDelete
  Replies
  1. બીરેનભાઈ, આવો જ સ્નેહભાવ વરસાવતા રહેશો! આભાર!

   Delete
 2. મને તો તમારા દ્વારા તમારા શિક્ષકોનો પરિચય મળી ગયો હતો તેમ કહું તો ખોટું નહીં ! પાછલા દાયકાઓની આ વાતોમાં ઘણું સામ્ય જોવા મળે છે. શિક્ષણ અને ધર્મ આ બન્ને સંસ્થાઓએ પોતાનો પરિચય બગાડી નાખ્યો છે. હવે એ સમય ફરી શક્ય નથી. શિક્ષકોનો માર પણ પ્રેમથી યાદ આવે તેવો એ સંબંધ ગુરુશિષ્યનો હતો.

  તમારી ચિત્રાત્મક ડાયરી વાંચતાં તમે ઠોઠ હશો તે વાત કોણ માનશે ?

  ReplyDelete
  Replies
  1. આભાર, જુભાઈ! મારા નામનો વિનોદ કરવા અમારા એક શિક્ષક હંમેશા પૂછતા, 'અલ્યા ફણસે, તું ભણસે?"

   Delete
 3. વાહ
  તમારા વર્ણન અમારી અને દિકરા દિકરીની શાળાઓને મળતા આવે છે અમારા ગુરુ ઇતિહાસ ભણાવતી વખતે કાવ્યમય પધ્ધતિમા આ પંક્તીઓ કોતરાઇ ગઇ !
  BORN OF A BUTCHER BREAD BY A BISHOP
  HOW HIGH HIS HIGHNESS HEAVES HIS HAUGHTY HEAD
  अतिपरिचयात् अवज्ञा संततगमनात् अनादरः भवति .
  मलये भिल्लपुरंध्री चंदनतरुकाष्ठम् इंधनं कुरुते ..
  संस्कृत ગુરુની મહાનતા હવે સમજાય છે નથી ભુલાતું...
  संस्कृत મા राम શબ્દના ૨૫ રુપ!
  यथा:- रम् મૂળ ધાતુ
  राम: रामौ रामा:
  रामं रामौ रामान्
  रामेण रामाभ्यां रामै:
  रामाय रामाभ्यां रामेभ्य:
  रामत् रामाभ्यां रामेभ्य:
  रामस्य रामयो: रामाणां
  रामे रामयो: रामेषु
  हे राम! हेरामौ! हे रामा:!
  આ ૨૫ રુપ સાંખ્ય દર્શનના ૨૫ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૫ રુપ ના પ્રયોગથી આત્મ સાક્ષાતકાર થાય.અને આત્મા. ૧,અંતઃકરણ ૪,ज्ञाનેન્દ્રિત ૫,કર્મેન્દ્રિય ૫,તન્માત્રા ૫, મહાભૂત ૫....હવે અનુભવાય ! તમારી વાતો માણતા અમારી વાત યાદ આવતા લખી
  પ્રજ્ઞાજુ વ્યાસ

  ReplyDelete
  Replies
  1. આભાર પ્રજ્ઞાજુ! આપે લખી મોકલાવેલ શ્રીરામનો શ્લોક અભૂતપૂર્વ છે. અમારા શાસ્ત્રી સાહેબે સંસ્કૃતના વ્યાકરણની સાતે વિભક્તિઓનો સમાવેશ કરતો શ્લોક શીખવ્યો હતો, જે આગળ જતાં રામરક્ષા સ્તોત્રમાં વાંચવા મળ્યો. આપણા સહયાત્રીઓ માટે તેને નીચે ઉતાર્યો છે:
   रामो राजमणी सदा विजयते
   रामम् रमेशंभजे
   रामेणाभिहता निशाचर चमू
   रामाय तस्मै नम:
   रामान्नास्ति परायणं परतर:
   रामस्य दासोस्म्यहं
   रामे वित्तलया: भवततु मे
   भो राम मामुद़्धर।

   Delete
 4. વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ નો ઉલ્લેખ કરીને આપે મારા પણ એજ સ્કુલના બે વર્ષ યાદ કરાવી આપ્યા. (૧૯૬૩ થી ૧૯૬૫). ત્યાર બાદ અફસોસ કે મને વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ છોડવી પડી હતી. કારણ એ અરસામાં મારા પિતાશ્રી ની મીલીટરી ઇન્જીયરીંગ સર્વિસ ખાતે નોકરી કરતાં હતાં. ૧૯૬૫ પહેલાં યુદ્ધ નું વાતાવરણ સર્જાયેલ હતું તેથી એ અરસામાં વર્ષ ૧૯૬૪ પહેલા ભુજ (કચ્છ) ખાતે બદલી થવાથી મને મારા કાકાશ્રી ને ત્યાં વલ્લભ વિદ્યાનગર ખાતે રહેવું નક્કી થવાથી ત્યાંની વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ જેવી તે સમય ની પ્રખ્યાત અને પૂજનીય શ્રી ભાઈકાકા ના હસ્તે આશિર્વચન પામેલ એવી જે. શારદા મંદિર સ્કુલમાં જોડાયો. ખેર, વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ ના લગભગ બધાજ પાસાં સીમિત વાક્યમાં સમાવી લીધા છે. મને પણ મારા એ દિવસો ની યાદ તાજી કરાવવા બદલ આભારી તેમજ આનંદીત છું.

  ReplyDelete
  Replies
  1. આભાર, આપણી શાળાના alumni!

   Delete
 5. May I simply just say what a comfort to uncover someone who really
  knows what they are talking about online. You actually
  know how to bring an issue to light and make it important.
  More and more people ought to look at this and
  understand this side of the story. I was surprised that you
  aren't more popular since you certainly have the gift.

  ReplyDelete
  Replies
  1. I am truly touched by your kind words. To be appreciated by connoisseurs is a reward that is more important to me. Your letter proves that and I thank you for the time you have taken to write to me.

   Delete
 6. Replies
  1. ક્ષમા ચાહું છું! હવેથી દર પંદર દિવસે નિયમ સમજી પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. આપને અમને અમારો નમ્ર પ્રયાસ ગમે ચે તે જાણી ખુશી ઉપજે છે.

   Delete
 7. તમે તમારી શાળા તેમજ તમારા શિક્ષકો-ગુરુજનોની ભણાવવાની પદ્ધતિ વિષેનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. આ વાંચીને મને પણ અમારી અપ્રસિદ્ધ-અલ્પપ્રસિદ્ધ એવી વડોદરામાં આવેલ “ભારતી વિદ્યાલય” ની યાદ આવી ગઈ. વ્યાસ સર જેમણે ગુજરાતી અને હિંદી કવિતામાં અમને રસ લેતા કર્યાં અને ફિલ્મી ગીતોના અર્થઘટન આપીને કવિતાની નિકટ લાવ્યા. સફેદ લેંઘા અને ઝભ્ભામાં જોશ અને જુસ્સાથી કવિતા વાંચતા, ફિલ્મી ગીતોના ઉદાહરણો ટાંકતા, એ તરવરિયા નવજુવાનને કેવી રીતે ભૂલી શકાય? બીજા અમારા અધ્યાપક સાહેબ જે નાટક ભજવતા ઇતિહાસ શિખવાડતા. સ્મૃતિપટ પર મીઠા ઉઝરડાની જેમ હજી ય એ દૃશ્યો અંકિત છે. ખૂબ આભાર.

  ReplyDelete
  Replies
  1. કિશોરભાઈ, આપની પોસ્ટ માટે આભાર. શાળા માટે લૅટીન શબ્દ છે Alma Mater અને એનો શબ્દશ: અર્થ થાય છે 'Nourishing Mother'! આ જ કારણથી તો આપણે સૌ શાળાને કદી ભુલી શક્યા નથી! માતાનું સ્થાન તો કોઈ ન લઈ શકે, પણ તેમના પછી કોઈએ આપણું સાંસ્કૃતીક અને આધિભૌતીક પોષણ કર્યું હોય તે શાળાએ, તે આપના પત્રથી કેટલું સાબિત થાય છે! ફરી એક વાર આભાર.

   Delete
 8. બહુ સુંદર વર્ણન કર્યું છે.

  મનસુખલાલ ગાંધી
  Los Angeles, CA
  U.S.A

  ReplyDelete