Wednesday, June 18, 2014

હેમંત કુમાર (ભાગ ૨- શેષ) : 'તુમ્હારા ઇન્તઝાર હૈ!'

હેમંતકુમાર તેમના અભ્યાસ કાળમાં એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને ભૌતિક પુલ બનાવવાનું છોડી માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લીધું, પરંતુ થોડા મહિના બાદ સંગીત શિક્ષણ અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાનેતેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા'એ જે રીતે કવિગુરૂના આ ગીત-સંગીતની ભાવનાને વ્યક્ત કરી, આ ગીત પર હેમંતદા'ની અમીટ છાપ પડી. 


હેમંતદા'એ સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું કિતના દુ:ખ ભુલાયા તુમને...! અને તેમાં સ્નેહની મધુર, મંજુલ લહેરોનો અનુભવ થાય, એટલી નરમાશથી તેની પંક્તિઓ ગાઇ.

હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગમોહન અને ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. આ ગીતોની રજુઆતની શૈલીમાં જગમોહન અને હેમંતદા’ બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા. બન્નેએ પોતપોતાના ક્ષેત્રમાં તેમની આગવી ભાત પાડી પણ પ્રતિભાની વાત કરીએ તો હેમંતદા' અંગ્રેજીમાં કહીએ તો head and shoulder - મુઠ્ઠીભર ઊંચા નીકળ્યા. 

હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી. તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે. પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી ગઝલ હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે ફિલ્મ "પ્યાસા"ની સફળતાનું રહસ્ય હેમંતદા’એ ગાયેલી આ ગઝલ, સચીન દેવ બર્મનનું સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથા હતું! જો કે "પ્યાસા"ની સફળતા પાછળની હકીકત તો એ જ ગણાય કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની કલાત્મકતા, ભાવનાત્મક ઐક્યતાનું તેમાં સહ-સિંચન કર્યું હતું, તેથી તે હિંદી ફિલ્મ સૃષ્ટિમાં સિમાચિહ્ન બની ગઈ. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિના કાનમાં આ પંક્તિ ગણગણનાર યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે! આ જ ભાવમાં તેમણે ગાયેલું 'યહ નયન ડરે ડરે હુવે' યાદ છે?' કેવી હળવાશથી તેઓ જાણે ચોરી છુપીથી મળવા આવેલી તેની પ્રેયસીને આ વાત ન કહેતા હોય! જિપ્સીને તેની કિશોરાવસ્થાની મૂઢ ગણાય તેવી મુગ્ધતામાં સાંભળેલ તેમનું ગીત 'મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!' તેની સ્મૃતિમાંથી હઠતું નથી!  

હેમંતદા"એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી કે એવું કહેવાય છે કે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! આ જ ચિત્રપટમાં હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી. (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.) તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ 'ખામોશી'નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત 'વો શામ, કુછ અજીબ થીહજી પણ 'એ' અજબ સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા'નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. 

હેમંતદા'ના ગીતો આપણે સાંભળતા આવ્યા છીએ. આજે તેમની વાતચીત પણ સાંભળીશું. આપણા લોકપ્રિય સાહિત્યકાર શ્રી. રજનીકુમાર પંડ્યાએ હેમંતદા'ની મુલાકાત લીધી હતી તે અહીં રજુ કરી છે. મુલાકાતની અૉડિયો ટેપ વાપરવાની રજા આપવા માટે જિપ્સી શ્રી. રજનીકુમારનો આભાર માને છે.


હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! આવા પ્રતિભાવાન ગાયક અને સંગીતકારના સંગીતને આપણે માણી શક્યા, અને વર્ષો સુધી માણી શકીશું તેને આપણું સદ્ભાગ્ય જ ગણીશું. જતાં જતાં આજે તેમનું થોડું જાણીતું - વધુ અજાણ્યું 'સોળે સજ્યા શણગાર'માંનું ગુજરાતી ગીત  સંાભળીશું. 

10 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. કૈફી આઝમી નું લખેલ અને હેમંતદાનું રાગ ખમાજ માં સ્વરબધ્ધ કરે ગીત યાદ આવે

    તો બધી બેચેની ધૂવાડો બની વિખેરાવા સહાય કરે એવું આ ગીત “ ધીરે ધીરે મચલ એ દિલે બેકરાર, કોઇ આતા હૈ, યૂં તડપ કે ન તડપા મુઝે બાર બાર કોઇ આતા હૈ “

    http://youtu.be/RhEXkl9YnFg

    “ યૂં તડપ કે ન તડપા ” આવા શબ્દો તો માત્ર ને માત્ર કૈફી આઝમી જ લખી શકે. અને છેલ્લે લખ્યું કે

    “ રૂઠકે પહેલે જી ભર સતાઉંગી મૈ,
    જબ માનાયેંગે વો, માન જાઉગીં મૈ,
    દિલ પે રહેતા હૈ ઐસે મે કબ ઈખ્તિયાર
    કોઇ આતા હૈ……………………… ”
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. વાહ! ક્યા બાત હૈ, આ. પ્રજ્ઞાજુ! "કોઈ" આવે ત્યારે કોના મન પર કાબુ રહી શકે? આપે અહીં ઉતારેલા ગીતમાં ત્રિવેણી સંગમ છે: કૈફી આઝમી, હેમંત દા અને લતાજી. કેમ ન ગીત હંમેશા તાજું રહે! યાદ તાજી કરાવવા માટે આભાર.

      Delete
  3. હિંદી ફિલ્મ સંગીતમાં હેમંત કુમારનું ગાયક તરીકે એક વિશિષ્ઠ સ્થાન રહ્યું છે.
    તેમની યાદને એક બહુ જ સરળ, અનૌપચારીક શૈલિમાં રજૂ કરવા બદલ આભાર અને અભિનંદન

    ReplyDelete
    Replies
    1. અશોકભાઇ, આપના પ્રતિભાવ માટે આભાર.

      Delete
  4. Replies
    1. સ્નેહી શ્રી માર્કંડભાઇ, મુલાકાત માટે તો આભાર માનીશ જ, પણ સમય કાઢીને પ્રતિભાવ લખ્યો તે માટે ખાસ!

      Delete
  5. Sir tamara darek Visay bahu rasdar hoyse

    ReplyDelete
    Replies
    1. આભાર, સતીશભાઇ. આપ સમય કાઠી અમારા વિચાર વાંચીને પ્રતિભાવ લખો છો તે અમારા માટે મોટું ઈનામ છે. બસ, આવી જ રીતે પત્ર લખતા રહેશો.
      બીજી વાત કહેવાની કે જિપ્સીની નવલકથા 'પરિક્રમા' વેબગુર્જરી www.webgurjari.wordpress.com પર હફ્તાવાર પ્રસિદ્ધ થાય છે. તેનાં છ પ્રકરણ અત્યા સુધી બહાર પડી ગયા છે. સમય મળે વાંચશો. આપનો સાહિત્યમાં રસ જોઈને એવું લાગે છે કે આ નવલકથા આપને ગમશે.

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete