Friday, February 7, 2014

બ્રિટન: ભારતીય મહિલાઓની સમસ્યાઓબ્રિટનના વાસ્તવ્ય દરમિયાન જિપ્સીને ભારતીય મહિલાઓમાં સ્ત્રી-શક્તિના દર્શન થયા, અને સોશિયોલોજીના અભ્યાસ દરમિયાન તેમની શક્તિના સ્રોતના ઉગમ તપાસવાની તક પણ મળી. આજે જોઇએ તેનું સંક્ષીપ્ત વિવરણ.

આમ જોવા જઇએ તો ભારતીય મહિલાઓમાં પરિવાર પ્રત્યેની પારંપરીક નિષ્ઠા તથા મૂલ્યોનું સિંચન હજારો વર્ષોથી થતું આવ્યું છે. તેમનામાં ધીરજનો અખૂટ ભંડાર છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં અને સુભાષીતોમાં બહેનો માટે "यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता" - જ્યાં સ્ત્રીઓનો આદર (પૂજા) થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, એવું અનેક વાર કહેવાયું છે. આની સાથે એક 'જ્ઞાની'એ એ પણ કહ્યું છે કે, “स्त्रीयश्चरित्रम् पुरूषस्य भाग्यम् देवो न जानाति कुतो मनुष्यम्”! સ્ત્રીઓનું ચારિત્ર્ય અને પુરૂષોનું ભાગ્ય કેવું હોય છે, એ તો દેવો પણ જાણી શક્યા નથી! આવું જ્યારે વાંચીએ ત્યારે એવું જરૂર લાગે કે જગતના પુરૂષપ્રધાન સમાજનું બળ સમાજના નિર્બળ અંગની પ્રતિકારશક્તિના અભાવમાંથી નિપજે છે! 

લેખકના અનુભવમાં એક વાત સ્પષ્ટ રીતે ઉભરી આવી છે કે કોઇ પણ મહિલાનો તેજોવધ કરવા માટે અન્ય કોઇ સાધન ન રહે ત્યારે પુરૂષ (અને કેટલીક વાર તો મહિલાઓ પણ) સ્ત્રીના ચારિત્ર્ય પર શંકા કે આરોપ કરીને પોતાનું વેર લઇ શકે છે. આપણા એક પાડોશી દેશમાં તો કાયદો છે કે કોઇ પરિણીત મહિલા બલાત્કારનો ભોગ બની હોય, અને તે પોલીસમાં ફરિયાદ કરે તો તેણે તેની ફરિયાદ સાચી છે તે માટે કોર્ટમાં ચાર પુરૂષો સાક્ષી તરીકે લાવવા પડે. જો આ મહિલા સાક્ષી ન લાવી શકે તો તેના પર જ વ્યભિચારનો આરોપ લગાવી જેલમાં પૂરવામાં આવે છે. આવી અનેક મહિલાઓ તે દેશની જેલોમાં સબડતી રહી છે અને આખા વિશ્વમાં તેની વિરૂદ્ધમાં પોકાર થતા રહ્યા હતા. અહીં જણાવેલી વાત તો એક extreme હાલત છે, પણ તે અહીં રજુ કરવાનું કારણ એક જ છે, કે ભારતીય ઉપખંડના કાયદાઓમાં કે કાયદાનો અમલ કરનાર રક્ષકોમાં હજી સુધી એવી કોઇ જોગવાઇ નથી કે મહિલાઓ સાચી સુરક્ષાનો અનુભવ કરી શકે. નારીઓની પૂજા અને આદર તો બાજુએ રહ્યા.

બ્રિટનમાં એક વાતનો અહેસાસ તો જરૂર થયો કે મહિલાઓની સુરક્ષા માટે સમાજસેવાના કાયદાઓ તથા અન્ય સામાજીક પરિબળોના સામર્થ્યને કારણે મહિલાઓમાં સુરક્ષાની ભાવના તથા કાયદા દ્વારા મળતા સંરક્ષણને કારણે મહિલાઓમાં સ્વાભિમાન તથા સ્વાવલંબનની ભાવના ઘણી પ્રબળ છે. શરૂઆતમાં બ્રિટનમાં આવેલા નવા વસાહતી ભારતીયોમાં આની માહિતીનો અભાવ હતો તેથી તે સમયે ભારતીય મહિલાઓ પર આપણા સમાજનું પરંપરાગત દબાણ ઘણું હતું. બીજી તરફ બ્રિટનનની મહિલાઓનાં વ્યક્તિસ્વાતંત્ર્ય, લગ્ન કરતાં પહેલાં પુરૂષ મિત્રને પૂરી રીતે જાણી, ઓળખી તે જીવનસાથી બનાવવા યોગ્ય છે કે નહી તેની ખાતરી કરવાની પ્રથાનો ઘણા ભારતીય યુવકોએ ગેરફાયદો લીધો. સોશિયલ સર્વીસીઝમાં કામ કરેલું હોવાને કારણે જિપ્સીને ઘણી અંગ્રેજ મહિલાઓએ વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિથી આકર્ષીત થઇને તેમણે આપણા ઘણા યુવાનો સાથે સંબંધ બાંધ્યો હતો. આપણા યુવાનોને પણ ગોરી ‘ગર્લફ્રેન્ડ’ રાખવી ગમતી, પણ જ્યારે લગ્નનો સવાલ આવતો ત્યારે તેમને હિંદી ફિલ્મોમાં વપરાતો શબ્દસમૂહ ‘સીધી-સાદી, ભોલી-ભાલી સંપૂર્ણ ભારતીય કન્યા’ જ જોઇએ! 

જિપ્સીના એક નજીકના મિત્રને તેમના પુત્ર માટે ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ જેવી સર્વ ગુણ સમ્પન્ન વહુ જ જોઇતી હતી! તેમનાં પત્નીનો સ્વભાવ એવો હતો કે તેમને કોઇ કન્યા પસંદ જ આવતી નહોતી! તેમનો પુત્ર ૩૫ વર્ષનો થયો પણ લગ્ન નહોતાં થતા! જિપ્સીએ આ યુવાનને એક રમુજી વાત કહી: તેના જેવી પરિસ્થિતિ સહન કરતા યુવાનને કોઇકે એવી સલાહ આપી, 'તારાં માતુશ્રી જેવા રૂપ-ગુણ વાળી કન્યા પસંદ કર તો તેઓ તારાં લગ્ન તેની સાથે તરત કરાવી દેશે.' છોકરાએ જવાબ આપ્યો, “કાકા, મેં એ પણ કરી જોયું. બરાબર બા જેવી કન્યાનો સંબંધ આવ્યો હતો. બા તો તરત તૈયાર થઇ ગઇ, પણ મારા બાપુજીએ તેનો જોરદાર વિરોધ કર્યો.' અંતે આ યુવાને તેના માતા-પિતાને કહ્યા વગર તેને જે કન્યા પસંદ આવી, તેની સાથે લગ્ન કરી લીધા. તેના માતા-પિતાએ આ લગ્ન તોડવા અનેક પ્રયત્નો કરી જોયા. અંતે યુવાને કંટાળીને જુદો રહેવા ગયો. 

બીજી તરફ એવું પણ જોવામાં આવ્યું હતું કે પરદેશનો મોહ ધરાવતી ‘દેશી’ યુવતીઓ લગ્ન કરીને બ્રિટન આવતી, અને પતિના તેવર જોઇને ઘણી દુ:ખી થતી. દેશની આર્થીક હાલતને કારણે પતિ-પત્ની બન્નેને નોકરી તો કરવી પડે, પણ સ્ત્રીને સવારના વહેલાં ઉઠી સાસુ-સસરા માટે શિરામણ-બપોરનું ભોજન બનાવવું પડે, પતિ માટે સૅન્ડવિચીઝ પૅક કરી આપવી પડે. સાંજે કામ પરથી આવ્યા બાદ રાત્રીભોજનની તૈયારી, પીરસવું અને ઠામ-વાસણ કરીને સૂવા જવાનું. રાત્રે પતિ સેવા! 

આમાં પતિનો role કેવો હતો તેની કલ્પના કરવી નકામી છે, કારણ કે હકીકત કંઇક આવી હતી: 

પતિ ઘણી વાર કામેથી સીધા મિત્રો સાથે pubમાં જાય. ઘેર આવીને જમ્યા બાદ વાસણ વગેરે સાફ કરવામાં પત્નીને મદદ કરવાનું તેનું કામ નહી - ‘આ મરદ માણસનું કામ નથી!’ કહેનાર સાસુ-સસરા હાજર જ હોય. દર શનિવારે લૉન્ડ્રેટમાં કપડાં ધોવા બહેનો જાય જ્યારે પતિ તેના મિત્રો સાથે રીજન્સી ક્લબ જેવા ભારતીય પબમાં ફૂટબૉલની કે ક્રિકેટની મૅચ જોવા જાય. અઠવાડીક ગ્રૉસરી શૉપીંગ પણ બહુધા સ્ત્રીઓ જ કરે. બાળકો થોડા મોટા હોય તો તે મમીની સાથે જાય. અા કદાચ આપને stereotype જેવું લાગે, પણ તે મહદંશે સાચું હતું. આના બે ઉદાહરણ તો સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી અગાઉના અંકમાં (હેમંતી દાસ, શાહીન બેગમ) ઉતારવામાં આવ્યા હતા. કોઇ સ્ત્રી વિરોધ કરે તો ઝઘડો તો થાય જ, પણ પતિ મારકૂટ પર પણ ઉતરી આવે. જિપ્સી લંડનની એક કાઉન્સીલના સોશિયલ સર્વિસીઝમાં કામ કરતો હતો તે વિસ્તારમાં ભારતીય મહિલાઓ માટે બે આશ્રય સ્થાન હતા. દરેકમાં લગભગ દસ-દસ બહેનો રહેતી હતી.  પતિ તથા તેના પરિવાર દ્વારા કરવામાં આવતા દમન, માનસિક ત્રાસ અને મારકૂટથી નાસીને બહેનો ત્યાં આવીને રહે અને આગળની વ્યવસ્થા કરે. તેમને છૂટા છેડા લેવા હોય તો તે અંગે કાયદાની વિનામૂલ્ય સેવા આપતી સંસ્થાઓ આ કામમંા, કાઉન્સીલનું મકાન તથા સોશિયલ સિક્યોરિટીના પૈસા મેળવી આપવામાં મદદ કરે.  લંડનમાં આવા અનેક આશ્રયગૃહ છે. 

અમેરીકા આવ્યા બાદ જિપ્સીના આશ્ચર્યનો પારાવાર ન રહ્યો કે અહીંના યુવાનોમાં પણ ‘પતિવૃત્તિ’ લગભગ બ્રિટનના યુવાનો જેવી જ હતી. ફેર માત્ર એટલો હતો કે તેઓ સાંજે કે વીકએન્ડમાં પબમાં ન જાય, પણ પત્નીને ઘરકામમાં મદદ કરવાનું કામ તેમનું નહી. ડિશ વૉશરમાં પણ ઠામ-વાસણ કે તેમની પોતાની એંઠી પ્લેટ ડિશ વૉશરમાં ન મૂકે. વૉશીંગ મશીનમાં પોતાનાં કપડાં અને ગંદા અંડરવૅર પણ મૂકવાનું કામ પણ પુરૂષે કરવાનું ન હોય! કોઇ સમજદાર પતિ પત્નીને કામમાં મદદ કરવા જાય તો તેની સાથે રહેનારા તેના માતા પિતા વહુને ધમકાવે: ‘વર પાસેથી આવું કામ કરાવવા તારો જીવ કેમ ચાલે છે, હેં?” આ વાત કલ્પીત નથી. ખુદ જોયેલી વાત છે. વર્ષો પહેલાં સિલીકૉન વૅલીમાં ચાલતા ઇન્ટરનેટના એક forum માં અનેક શિક્ષીત બહેનો લગભગ આવા જ અનુભવો વર્ણવતી હતી.

બ્રિટનની વાત કરીએ તો જેમ જેમ સમય વિતતો ગયો. ભારતીય સમાજમાં રહેતી બહેનોને સમજાવા લાગ્યું કે ઘરમાં અસહ્ય એવી સ્થિતિ ઉભી થાય તો સ્ત્રીઓને ઘર છોડીને આશ્રયસ્થાનમાં રહેવા જવાની જરૂર નથી. મોટા ભાગની બહેનો નોકરી કરતી હોવાથી આર્થીક રીતે સ્વતંત્ર હતી, પણ પારિવારીક સૌખ્ય  અતિ મહત્વનું છૈ, અને તે માટે જ્યાં સુધી પતિને તેનું મહત્વ મહેસૂસ ન થાય ત્યાં સુધી તે શક્ય નથી તે જાણતી હતી. સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે, પણ સ્ત્રી જેવી સહનશક્તિ, સામંજસ્ય અને સામુહીક જવાબદારી સ્વીકારવાનું કામ પુરૂષ ક્યારે કરશે? જ્યારે ધીરજનો અંત આવે, અને ઝઘડાનો પહેલો તણખો નિપજે ત્યારે પુરુષે જ પહેલ કરવાની જરૂર હોય છે. આ વાતનો અહેસાદ પુરુષોને કદી ન થયો. અંગ્રેજીમાં કહીએ તો 'Women were always taken for granted.'

બ્રિટનમાં આપણા સમાજમાં ઉત્પન્ન થયેલા આ પરિમાણની સોશિયલ સર્વીસીઝને જેવી જાણ થઇ, તેમણે વિનામૂલ્યે સેવા આપતા પ્રશિક્ષીત મૅરેજ કાઉન્સેલરની સેવાઓ ઉપલબ્ધ કરી આપી. શિક્ષીત ભારતીય ભાઇબહેનોને વિનામૂલ્યે કાઉન્સેલીંગનું પર્શિક્ષણ આપવાની શરૂઆત કરી. શરત એક હતી કે આવી રીતે કેળવાયેલા યુવાન-યુવતિઓ બે વર્ષ સુધી આંશીક રીતે વિનામૂલ્યે સેવા આપે. આ સેવાનો લાભ મેળવીને આપણા યુગલો આંતરીક કલહનું સુખદ સમાધાન કરવા લાગ્યા અને વિદેશમાં પણ ભારતીય લગ્નસંસ્થાના મૂલ્યો સ્થિર થતા ગયા.  

એક વાત પર જરૂર ભાર આપવો જોઇશે કે બ્રિટીશ સમાજમાં એકલ માતાને અનેક પ્રકારના સંરક્ષણ અને રાજ્ય દ્વારા અપાતા લાભમાં અગ્રેસરતા અપાય છે, એટલું જ નહી, તેમના તરફ માનની નજરે જોવાય છે. એકલ પંડે બાળકોને ઉછેરતી બહેનો ગૌરવભેર જીવન જીવી શકે છે. 

ભારતમાં એકલું જીવન જીવનાર કે એકલ પંડે બાળકો ઉછેરતી બહેનો આપણા પુરૂષ પ્રધાન સમાજ પાસેથી આવા વર્તનની આશા રાખી શકે? 

કહેવાય છે કે અઢારમી સદીમાં Rule of Thumbનું અર્થઘટન કરવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ કોઇ ગંભીર ભુલ કરે તો તેમને શિક્ષા કરવામાં આવે, અને તે માટે તેમને જે લાકડીથી ફટકા મારવામાં આવે, તે એક અંગુઠાથી વધુ જાડી ન હોવી જોઇએ! બસો વર્ષ પહેલાંની Rule of Thumbની બ્રિટીશ માન્યતા અને આપણી બે હજાર વર્ષથી પણ જુની यत्र नार्यस्तु पूज्यन्तेની પરંપરા અને આજના આધુનિક આચરણમાં કેટલો ફેર આવ્યો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. 

આજે Rule of Thumb વાળા બ્રિટનમાં કે પશ્ચીમના કોઇ દેશમાં ચાલતી બસમાં કે કારમાં બહેનો પર સામુહિક બલાત્કાર કે તેમનાં ખૂન, તેમના ચહેરા પર અૅસીડ ફેંકવાના કે તેમને જીવતી બાળી નાખવા જેવા હિચકારા બનાવ થતા નથી. અહીં તેમને કોઇએ સદીઓ જુનું વાક્ય - यत्र नार्यस्तु पूज्यन्ते શીખવ્યું નથી.  


આ બાબતમાં માત્ર એટલું જરૂર કહીશ કે આપણી સંસ્કૃતીને અનુરૂપ यत्र नार्यस्तु पूज्यन्ते-નું આચરણ ભારતમાં લાવવા આપણી શિક્ષણ પદ્ધતિ, ન્યાય અને પોલીસ તંત્ર સંગઠીત થઇને સામુહીક પ્રયત્ન કરે તે અત્યંત જરૂરી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણા સભ્ય સમાજમાં રહેનાર દરેક નાગરિક આ દિશામાં પગલાં ભરે. શિક્ષકો બાલમંદિરથી માંડી હાઇસ્કૂલ અને કૉલેજ સુધી આ વાતની જુદા જુદા સ્તર પર ચર્ચા કરે અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય અને શિસ્તબદ્ધતા પર ભાર મૂકે. માનસશાસ્ત્રીઓ માને છે કે સંસ્કારો સદીઓથી મનુષ્યના માનસમાં વંશ પરંપરાગત રીતે ઉતરતા હોય છે. કેટલીક વાર સંજોગોનો તેના પર પડદો પડી શકે છે, પણ જો શિક્ષણ અને સક્રિય સામાજીક જાગરૂકતાનો સમાગમ થાય તો આ પ્રકારનું આવરણ દૂર થઇ શકે છે. નિર્ભયા જેવા બનાવો ફરી કદી ન થઇ શકે.

બ્રિટનના અનુભવોની શ્રેણી આજે અહીં પૂરી થાય છે. આવતા અંકથી જિપ્સીએ વાંચેલી, આનંદેલી અને અનુભવેલી લલિત કથાઓ અને ફિલ્મો આપની સાથે share કરશે. આપને પણ કોઇ વાત કહેવી હોય તો તે આપણા સાથીઓ સાથે વહેંચી લઇશું. 

12 comments:

 1. sir tamari vat sachi se Bharatiy sansKritu nu mulya unchu se pan Aapri pedhi Bhuli Gaise

  ReplyDelete
 2. sir Tamara Guru col.Baxi viche Blog Lakhajo

  ReplyDelete
  Replies
  1. જરૂર! કર્નલ સાહેબ અમારા વરીષ્ઠ અૉફિસર તો હતા જ, સાથે સાથે વંદનીય ગુરુ હતા. તેમના વિશે આવતી શ્રેણીમાં લખવાનો જરૂર પ્રયત્ન કરીશ.

   Delete
 3. બીરેન કોઠારીFebruary 8, 2014 at 2:13 AM

  આ શ્રેણી બહુ અદભુત છે. તમારાં નિરીક્ષણો, તારણો તેમજ અભ્યાસ થકી એક જુદા જ વિશ્વનાં દર્શન થાય છે. અને તમારી શાબ્દિક અભિવ્યક્તિના તો પ્રેમમાં પડી જવાય એમ છે.

  ReplyDelete
  Replies
  1. આભાર, બીરેનભાઇ. આ તો આપ તથા ગુરૂજનોના ચિંધેલા રસ્તા પર મોડેથી કેમ ન હોય, હળવા પગલે ચાલવાનો નમ્ર પ્રયાસ છે. પ્રોત્સાહન માટે ફરી એક વાર આભાર.

   Delete
 4. આપ ના સુક્ષ્મ અવલોકન અને તેની પ્રસ્તુતિ ને સલામ છે ... પહેલી વાર 'રુલ ઓફ થમ્બ' વિષે જાણ્યું.. સંસ્કારિતા જ નારી પ્રત્યે આદર ની ભાવના જાગૃત કરી શકે .. વૈદિકસંસ્કૃતિ ચિંતન તેનો આધાર પુરો પાડે છે...નિસ્વાર્થ માતૃવાત્સલ્ય યુક્ત સંયુક્ત કુટુંબ ભાવના નારી પ્રત્યે આદર ને રક્ષણ નો આધાર પુરો પાડી શકે... ભારત માં શિક્ષણ, ન્યાય અને સુરક્ષા ના હાલ ના માળખા ને બદલવાની તાતી જરૂર છે... હવે પછી ના લેખો વાંચવાની ઉત્કંઠા રહેશે .. અસ્તુ SP

  ReplyDelete
 5. આ લેખમાળાનો આ છેલ્લો મણકો આખી સફરને ભાવભરી વીદાય આપે છે ત્યારે આપના દાયકાઓના અનુભવોની આ લહાણીની કીમત સમજાય છે......એક શ્રેણીનું તો વળી દળદાર ને સમૃદ્ધ પુસ્તક પણ મળ્યું !

  આ છેલ્લો લેખ વેગુના નારી વીભાગમાં લેવાનો નીર્ણય લેવાયો જણાય છે.......સુંદર લેખમાળા માટે આભાર અને ધન્યવાદ સાથે આવનારી નવી શ્રેણીનું આગોતરું સ્વાગતમ્ !!

  ReplyDelete
  Replies
  1. આભાર જુભાઇ! જિપ્સીના નમ્ર પ્રયાસને વેગુના નારી વિભાગમાં સ્થાન મળી શકે તે તેના માટે ગૌરવની વાત છે. આપના પ્રતિભાવ માટે ઘણો આભાર.

   Delete


 6. આપણી સંસ્કૃતિ -જે પરિવારમાં સ્ત્રિઓનો સદાય આદર-સત્કાર થાય છે ત્યાં, દિવ્ય ગુણ, દિવ્ય ભોગ અને ઉત્તમ સન્તાન જન્મે છે. જ્યાં સ્ત્રિઓ પ્રસન્ન, પ્રમુદિત અને સંતુષ્ટ રહે છે એ કૂળ સદાય ફૂલે-ફળે અને સર્વવિધે ઉન્નતિ કરે છે.જે કૂળમાં પતિ પત્નીથી અને પત્ની પતિથી સદાય પ્રસન્ન રહે છે, એ કૂળનું નિશ્ચય જ સદાય કલ્યાણ થાય છે.જેનું આચરણ શુધ્ધ હોય અને જેનાં આચરણને જીવનમાં ઉતારવા માટે મન તત્પર થાય છે તેને આચાર્યચરણ કહે છે.
  આપનો અનુભવ ' બ્રિટનમાં એક વાતનો અહેસાસ તો જરૂર થયો કે મહિલાઓની સુરક્ષા માટે સમાજસેવાના કાયદાઓ તથા અન્ય સામાજીક પરિબળોના સામર્થ્યને કારણે મહિલાઓમાં સુરક્ષાની ભાવના તથા કાયદા દ્વારા મળતા સંરક્ષણને કારણે મહિલાઓમાં સ્વાભિમાન તથા સ્વાવલંબનની ભાવના ઘણી પ્રબળ...'
  આપણી સંસ્કૃતીને અનુરૂપ નું આચરણ ભારતમાં લાવવા આપણી શિક્ષણ પદ્ધતિ, ન્યાય અને પોલીસ તંત્ર સંગઠીત થઇને સામુહીક પ્રયત્ન કરે તે અત્યંત જરૂરી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણા સભ્ય સમાજમાં રહેનાર દરેક નાગરિક આ દિશામાં પગલાં ભરે. એ આખા લેખનો સાર પ્રમાણે તાકીદે અમલ થાય તેવી આશા
  પ્રજ્ઞાજુ  ReplyDelete
  Replies
  1. પ્રજ્ઞાજુ, આપના પ્રતિભાવ માટ હાર્દીક આભાર. આપના ચિંતનાત્મક મંતવ્યને ભારતીય સમાજે વધાવી લેવાની અત્યંત આવશ્યકતા છે. સદાચાર સ્વગૃહે જ શરૂ થાય તો તે વિશ્વમાં ફેલાય, એ વાત કેટલી મહત્વની છે તે આપે લખેલા સારમાં સપ્ષ્ટ થાય છે. ફરી એક વાર આપનો આભાર!

   Delete
 7. Bhartiy samaj purushpradhan samaj rahyo chhe ane aagala ketala samay sudhi raheshej. ek baju yatr narystu poojyante lakhay ane ekbaju tulsidas jeva mahan sant- "-dhor, gavar aur nari ye sab tadanke adhikari"- emana ramayan jeva mahan granthma lakhata hoy_ emnae kay uddeshthi lakhyu hashe eni charcha nathi karvi pan motabhagana purusho ane abhan matapitato eno kaik avalij arth-sankuchit arthj
  levana. Aa paristhitino tod to aape kahyu tem Britanana jeva deshana ane samajana kayada badalay ane e kayadaonu sakht palan farjiyat banavavama ave toj aavi shake. Apano aalekh bahu vicharniy ane mananiy chhe.

  ReplyDelete
  Replies
  1. આપના પ્રતિભાવ માટે આભાર, અનિલાબહેન. આપની વાત સાવ સાચી છે: જ્યાં સુધી ભારતનો દૃષ્ટિકોણ પુરૂષપ્રધાન રહેશે, સ્ત્રીઓને સમાન નહી ગણે, પરિસ્થિતિમાં બદલાવ આવવો શક્ય નથી. આપને લેખ ગમ્યો તે માટે ફરી એ વાર આભાર.

   Delete