Monday, April 11, 2011

પરિક્રમા: પરિશિષ્ટ



"પરિક્રમા" પૂરી થયા બાદ કેટલાક મિત્રોને જિજ્ઞાસા થઇ કે જીપ્સીને આ કથાની પ્રેરણા ક્યાંથી મળી. તેમને એ પણ જાણવું હતું કે આ વાતમાં સત્ય કેટલું અને કલ્પના કેટલી. આ વાતની પાર્શ્વભુમિ 'પરિક્રમા'ના સર્વ પ્રથમ અંકમાં આપી હતી. પરિક્રમા એક પરિવારનો દોઢસો વર્ષનો ઇતિહાસ છે. કથામાં જે પરિવારની વાત લખાઇ છે તે બિહાર અને અવધમાંથી વેસ્ટ ઇન્ડીઝ ગયેલા દરેક ગિરમીટીયાના જીવનની સત્ય હકીકત છે. વ્યક્તિગત ચરિત્રોની વાત કરીએ તો ચાર પરિવારોના પાત્રોના જીવનમાં બની ગયેલી હકીકતો તથા અનુભવ કથાના પાત્રોમાં વણી લેવાયા છે. જેમના પરિવારમાં આ બનાવ બન્યા હતા તેમાંના કેટલાક લંડનના સમાજસેવા વિભાગના મારા સાથીઓ હતા.

ગયાનામાં આપણા લોકોને ભયાનક ત્રાસ વેઠવો પડ્યો હતો. ભૂતપૂર્વ આફ્રિકન ગુલામોની હથિયારબંધ ટોળીઓ ગિરમીટીયાઓના કૅમ્પ પર હુમલાઓ કરી આગ, લૂંટ અને કતલ કરતી હતી. આવું વારંવાર થવા લાગ્યું ત્યારે કેટલાક પ્લાન્ટેશનના મજુરોએ સંગઠીત થઇને તેમનો હથિયારબંધ સામનો કર્યો હતો. ગયાનાના ભારતીય સમાજમાં એવી વાયકા પ્રચલિત હતી કે  તેમના નેતાઓ વિપ્લવ દરમિયાન કંપની સરકારની દેશી સિપાઇ રેજીમેન્ટમાંથી નાસી જઇને બનાવટી નામે ભરતી થયેલા સિપાઇઓ તથા નૉન-કમીશન્ડ અફસર હતા. જગતસિંહ જેવા  યુદ્ધના અનુભવી સૈનિકો વેસ્ટ ઇંડીઝ ગયા હતા તે વાતને પૂર્તિ મળે છે.

આજના પરિશિષ્ટમાં કેટલીક છબીઓ તથા નકશાની એક લિંક આપી છે. નકશા પરથી વાચકોને કથાના સ્થાનોનો ખ્યાલ આવશે.

કથામાં ટેન્ટ પેગીંગની વાત કહી હતી - જેમાં જગત ચૅમ્પીયન હતો. અહીં એક વિડીયો મૂક્યો છે, જેના પરથી ખ્યાલ આવશે  આ કેવી રીતે ખેલાય છે.

હવે પછી જીપ્સીની ડાયરીમાં તેના બ્રિટનના વાસ્તવ્યના અનુભવો, કથાઓ અને વ્યક્તિચિત્રો મૂકવાની યોજના છે. આપે આ બ્લૉગને જે મૈત્રીભાવે આવકાર્યો અને પ્રોત્સાહન આપ્યું છે, તેવું આપતા રહેશો એવી વિનંતિ અને આશા છે.






1856: કલકત્તાના પરેડગ્રાઉન્ડ પર કંપની સરકારની અંગ્રેજ ટુકડીઓ


'બળવાખોરોને હરાવ્યા બાદ લખનૌના કેસરબાગમાં લૂંટ કરતા અંગ્રેજ સૈનિકો.
અહીં તેઓ મૃત્યુ પામેલા રાજપરિવારના સદસ્યોનાં શબ લૂંટે છે.







બિહારમાંથી ટ્રિનીડૅડ ગયેલ ગિરમીટીયાની પત્ની.
સાન્ડ્રા ડૅબી આવી દેખાતી હશે?
છબી સૌજન્ય;
http://www.landofsixpeoples.com/news702/nc0705065.html





2 comments:

  1. ફોટા/વીડિયો નવી જ અનુભૂતિ કરાવી ગ ઇ!

    ReplyDelete
  2. Read the Post....Enjoyed with the Photographic imges.
    DR. CHANDRAVADAN MISTRY
    www. Chandrapukar.wordpress.com
    Reading Late !

    ReplyDelete