Tuesday, June 23, 2009

૧૯૭૬-૧૯૮૦: ગુજરાતથી રજૌરી અને તંગધાર (કાશ્મિર)

ભુજ પાછો ફર્યો અને બે માસમાં અમદાવાદમાં આવેલ અમારા ડીઆઇજી હેડક્વાર્ટરમાં મારી નીમણૂંક જૉઇન્ટ આસિસ્ટંટ ડાયરેક્ટરના પદ પર થઇ. નવી ઘોડી નવો દાવ શરૂ થયો. (અહીં કહેવાનું રહી ગયું કે અમે ભુજ હતા ત્યારે કેટલાક પ્રસંગો ઝપાટાબંધ થઇ ગયા. અનુરાધા અને બાળકોને કાયમી વસવાટ માટે લંડન મોકલ્યા. મારૂં જવાનું ચાર વર્ષ માટે મોકુફ રહ્યું. આની વાત ફરી ક્યારે'ક કરીશ. અત્યારે તો 'યુદ્ધસ્ય રમ્યા: કથા:'!)
અમદાવાદમાં મને સાબરમતીના કાંઠે કૅમ્પ વિસ્તારમાં આવેલ વિશાળ સરકારી આવાસમાં રહેવા મળ્યું. આ એવું પોસ્ટીંગ હતું જેનું મેં કદી સ્વપ્ન સેવ્યું હતું. વતનમાં - મારા પોતાના શહેરમાં અનુરાધા અને અમારા બાળકો સાથે એકા’દ બે વર્ષ રહેવા મળે તેવી અમારી ઇચ્છા હતી. સ્વપ્ન સાકાર થયું, પણ તે અધુરું હતું. અમદાવાદનું મારૂં વાસ્તવ્ય એક વર્ષનું રહ્યું.
બીએસએફના જવાનોની જીંદાદિલીની મને મારી નોકરીની શરૂઆતથી જ ખાતરી થઇ હતી. પરંતુ તેમની સહિષ્ણુતા અસિમીત હતી તેનો અનુભવ મને અમદાવાદમાં આવ્યો. મારી બહેન મીનાના સૌથી નાના પુત્ર રજનીશની spleenમાં એવી બિમારી થઇ હતી કે તેને અૉપરેશન દ્વારા કાઢી નાખવાની જરૂર પડી. પૅથોલૉજીકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના રક્તનું ગ્રુપ અસામાન્ય - ‘બી નેગેટીવ’ હતું. વાડીલાલ સારાભાઇ હૉસ્પીટલની રક્ત બૅંકમાં આ વર્ગનું લોહી નહોતું. જ્યાં સુધી ત્રણ બાટલા બી નેગેટીવની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેનું અૉપરેશન થઇ શકે તેમ નહોતું.
હું અૉિફસમાં બેસીને ગંભીર વિચાર કરી રહ્યો હતો ત્યાં મારા પર્સનલ આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર રવીંદ્રન્ નાયર આવ્યા. તેમણે મને ચિંતાનું કારણ પૂછ્યું. તેમને મેં વાત કરી. એક કલાક બાદ તેઓ મારી પાસે આવ્યા. તેમણે ડ્યુટી પ્લૅટૂનના જવાનો સાથે વાત કરી હતી જેના પરિણામે ૫૪ જવાનો રક્તદાન કરવા તૈયાર થયા. અમે તેમને હૉસ્પીટલમાં લઇ ગયા અને તેમાંના ત્રણ જવાનોનું લોહી બી નેગેટીવ નીકળ્યું. આ ત્રણ જવાનોમાં રવીંદ્રન પણ હતા. રજનીશનું સફળ અૉપરેશન થયું.
બીએસએફ જેવી સેનામાં જોડાયાનું મને અભિમાન અને ગૌરવ છે અને તે મને હંમેશા યાદ રહેશે.
અમદાવાદમાં એક વર્ષ સેવા બજાવ્યા બાદ મારી બદલી કાશ્મિરમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મિરની સરહદ પર આવેલ પૂંચ-રજૌરી સેકટરમાં થઇ. મારા જીવનમાં થયેલા અનેક coincidencesમાં એકનો વધારો થયો.મારી બદલી રજૌરીમાં આવેલ બટાલિયનમાં થઇ. આ મારી ૧૯૭૧ના યુદ્ધ સમયની જુની ૨૩મી બીએસએફ બટાલિયન હતી! બટાલિયનમાં હું સાંજે પહોંચ્યો. બીજા દિવસે કમાન્ડન્ટ દ્વારા આયોજીત “સૈનિક સમ્મેલન” હતું, જેમાં બૉર્ડર પર ગયેલી કંપનીઓને બાદ કરતાં બાકીની બધી કંપનીઓ હાજર હતી. મારા આશ્ચર્ય વચ્ચે જ્યારે હું ત્યાં પહોંચ્યો, હાજર રહેલા ૮૦૦ સૈનિકોએ તાળીઓના ગડગડાટથી મારૂં સ્વાગત કર્યું! બાકીના અફસરોને જાણ નહોતી કે આ મારી જુની બટાલિયન હતી. મારા નવા સીઓએ સુબેદાર મેજરને પૂછ્યું, “યે તાલીયાં કિસ ખુશીમેં બજ રહીં હૈં?”
“અપને પુરાને અફસરકો દેખ કર જવાન અપની ખુશીકા ઇઝહાર કર રહે હૈં.” બધા અફસર મારી તરફ જોવા લાગ્યા. બટાલિયનમાં આવું પહેલાં કદી થયું નહોતું!
સમ્મેલન બાદ કમાન્ડન્ટ સાથે મારો ઇંટરવ્યૂ થયો. તેમને જાણ થઇ કે મારો પરિવાર લંડનમાં હતો તેથી હું ‘અધિકૃત’ રીતે ‘સિંગલ અૉફિસર’ હતો. તે સમયે બટાલિયનના લગભગ બધા યુવાન અફસરો પોતાની નવપરિણીત પત્ની સાથે હેડક્વાર્ટરમાં રહેતા હોવાથી તેમને રાહત આપવા LC - એટલે લાઇન ઓફ કન્ટ્રોલ પર આવેલ ચોકીઓમાં લિખીતંગને જવાનું થયું. ડેપ્યુટી કમાંડંટ તરીકે મારી નીમણૂંક બે કંપનીઓના સેકટર કમાંડર તરીકે કરવામાં આવી. જે કંપનીમાં મારૂં કમાન્ડ હેડક્વાર્ટર હતું તે હતી મારી જુની ‘એફ’ - ફૉક્સ-ટ્રૉટ કંપની હતી!
રજૌરી ઐતિહાસીક સ્થળ છે. હિમાલયની પીર પંજાલ પર્વતમાળાની તળેટીએ આવેલ અમારા હેડક્વાર્ટરની નજીક એક પ્રખ્યાત મજાર છે: પંજ પીર. અહીંની મુસ્લિમ પ્રજા આ પાંચ પીરના સ્થાનક પર ધુપ બત્તી કરે. નામ ભલે ‘પંજ પીર’ હોય, પણ ત્યાં છ કબર છે. પાંચ પવિત્ર ભાઇઓ અને છઠી કબર તેમની બહેનની છે એવું ત્યાંના મુજાવરનું કહેવું છે. રજૌરીના હિંદુઓ આને પાંચ પાંડવ અને પાંચાલીનું સમાધિ સ્થાન માને છે. શિયાળામાં સંપૂર્ણ પણે હિમાચ્છાદિત થઇ જતા ‘પીર પંજાલ’ (photo) વિશે અહીંના હિંદુઓની આસ્થા છે કે જ્યારે પાંડવો ‘હેમાળે હાડ ગાળવા’ નીકળ્યા, ત્યારે તેમણે પીર પંજાલની પૂર્વ દિશામાં હિમાલય પર આરોહણ કર્યું. પીર પંજાલની કપરી ધાર પાર કરતી વખતે તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા હતા. તેમનાં શરીર રજૌરીની તળેટીએ લાવી તેમની સમાધિ બાંધવામાં આવી. પંજાલ એ ‘પાંચાલ’ શબ્દનો અપભ્રંશ છે એવું અહીંના હિંદુઓનું માનવું છે. આ માન્યતા કાશ્મીરની મોટા ભાગની પ્રજાએ ધર્માન્તરણ કર્યું તે પહેલાંથી ચાલતી આવી છે. પતિવ્રતા પાંચાલીના નામને અમર કરવા પહાડોનું નામ પીર પંજાલ રાખવામાં આવ્યું એવું કેટલાક લોકો માને છે. આની પાછળ જે સત્ય હોય તે શોધવાનું કામ પુરાતત્વવિદ્ જ કરી શકે!
રજૌરીની બીજી હકીકત: મોગલ બાદશાહ જહાંગીર જ્યારે કાશ્મિરથી દિલ્લી પાછો જઇ રહ્યો હતો ત્યારે રજૌરીની સીમમાં તેનું મૃત્યુ થયું. અફીણ અને શરાબમાં હંમેશા ડુબેલા બાદશાહના રાજ્યની સત્તાનો દોર નૂરજહાંના હાથમાં હતો. તેના મરણના સમાચાર સાંભળી દિલ્લીમાં સત્તા માટેની પડાપડીમાં નૂરજહાંના હાથમાંની સત્તા જતી ન રહે તે માટે જહાંગીરના મરણના સમાચાર તેણે ગુપ્ત રાખ્યા. રજૌરીમાં જ રાતો રાત બાદશાહના મૃત શરીરમાંથી vital organs કાઢી નાખવામાં આવ્યા. શરીરમાં મસાલા ભરી, તેના શબને હાથીની અંબાડીમાં આરામ કરે છે તેવી સ્થિતિમાં રખાયું અને પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો. જહાંગીરના શરીરમાંથી કઢાયેલા આંતરડા વિ. રજૌરીની નજીક તેના અંતિમ આરામગાહની નજીક દફનાવવામાં આવ્યા એવી આખ્યાયિકા છે..
રજૌરીમાં મારો સમય અનેક રોમહર્ષક ઘટનાઓમાં વીત્યો. મારૂં પોતાનું સેક્ટર હેડક્વાર્ટર ૭૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ શિખર હતું. અમારી દરેક પોસ્ટની સામે પાકિસ્તાની સેનાના ડીફેન્સનાં થાણાં હતા. અહીંની ભૌગોલિક રચના રસપ્રદ હતી. પાકિસ્તાનની લગભગ બધી ચોકીઓ અમારી બધી ચોકીઓ કરતાં થોડી ઊંચેની પહાડી પર હતી, તેથી તેઓ અમારી પોઝીશન પર ફાયર કરે તો ઘણો અસરકારક નીવડે. અમારા માટે અહીં વધારાની ‘અગવડ’ હતી સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકોની નીતિ (અમે તેને અ-નીતિ કહેતા!). બહુધા પાકિસ્તાન તરફથી તેમની ખાતરબરદાસ્ત સારી થતી હોય કે પછી અમેરીકાની સાથે પાકિસ્તાનની ‘પાક્કી’ દોસ્તી જગ જાહેર હોવાને કારણે જ્યારે પણ પાકિસ્તાની સૈનિકો તરફથી ‘સીઝ ફાયર અૅગ્રીમેન્ટ’નો ભંગ થાય તો પણ તેઓ આપણી વાત માનવાને બદલે ‘સામાવાળા’ની વાત પર વધુ વિશ્વાસ રાખતા. પાકિસ્તાની સૈનિકો વિના કારણ આપણી ચોકીઓ પર ગોળીબાર કરતા અને ભારત પર ખોટો આક્ષેપ લાગતો કે આપણે પહેલ કરી હતી જેથી તેઓ “સ્વબચાવ” માટે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. પરિણામે અમારા GOC (ડિવીઝન કમાંડર)નો હુકમ હતો કે આપણા તરફથી પાકિસ્તાનની ચોકીઓ પર ‘small arms’થી ફાયરીંગ કરવું હોય તો બટાલિયન કમાંડરની, અૉટોમેટીક હથિયાર માટે બ્રિગેડ કમાંડરની અને ભારે હથિયાર (મિડિયમ મશીનગન વિ.) થી જવાબી કાર્યવાહી કરવી હોય તો ડિવિઝનમાંથી રજા લેવી જરૂરી હતી. આમાં એક જ અપવાદ હતો કે પાકિસ્તાન તરફથી અસહ્ય અતિક્રમણ કે આક્રમણ થાય તો ઊપરી અધિકારીઓની રજા લીધા વગર સ્થાનિક કમાન્ડરને યોગ્ય પગલાં લેવાનો અધિકાર હતો.
પાકિસ્તાનના સૈનિકો વિના કોઇ ઉશ્કેરણીથી આપણા સૈનિકો પર ગોળીબાર કરતા હતા તેવું હું કહું તો મારી વાત પ્રચારાત્મક લાગે તે સ્વાભાવિક છે. પાકિસ્તાની ‘ધોંસ’નો મને પોતાને અનુભવ ન આવ્યો હોત તો હું પણ એવું કહેત કે તાળી હંમેશા બે હાથે વાગે છે.

2 comments:

 1. અમદાવાદ એક્ વરસ કઈ સાલમાં હતા? અમારા ચીફ એક્ઝીક્યુટીવનો બંગલો પણ કેમ્પમાં નદી કીનારે જ હતો અને ત્યાં થતી પાર્ટીઓમાં હું કો'ક વખત ત્યાં આવતો હતો.
  -સુરેશ જાની

  ReplyDelete
 2. જ્યારે પણ પાકિસ્તાની સૈનિકો તરફથી ‘સીઝ ફાયર અૅગ્રીમેન્ટ’નો ભંગ થાય તો પણ તેઓ આપણી વાત માનવાને બદલે ‘સામાવાળા’ની વાત પર વધુ વિશ્વાસ રાખતા. પાકિસ્તાની સૈનિકો વિના કારણ આપણી ચોકીઓ પર ગોળીબાર કરતા અને ભારત પર ખોટો આક્ષેપ લાગતો કે આપણે પહેલ કરી હતી .....
  Of so many other facts, I copy/pasted the above ...our Indian Army had to face even this !
  Chandravadan ( Chandrapukar )

  ReplyDelete