Tuesday, June 16, 2009

જીવન - મૃત્યુ વચ્ચેનું અંતર: એક સેન્ટીમીટર!

શાંતીના સમયમાં બધા સૈનિકોને વર્ષમાં એક વાર તેમના હોદ્દા મુજબ આપવામાં આવેલા હથિયાર અને ગ્રેનેડનો ઉપયોગ કરવાનો મહાવરો કરવો જરૂરી હોય છે. તેથી રાઇફલ, લાઇટ મશીનગન, સ્ટેનગન, પિસ્તોલ તેમજ ટુ-ઇંચ મોર્ટરના બૉમ્બ અને ગ્રેનેડના ફાયરીંગની પ્રૅક્ટીસ કરવા માટે ‘ફીલ્ડ ફાયરીંગ રેન્જ’માં જવું પડે. દરેક સૈનિકે નિયત કરેલ સંખ્યામાં ગોળીઓ, ગ્રેનેડનું ફાયરીંગ કરવું જરુરી હોય છે. ગુજરાતમાં ધ્રાંગધ્રાની નજીક આવેલા ટીકર પાસેની ‘રેન્જ’માં આવું ફાયરીંગ થાય છે. જીવતા કારતુસ અને બૉમ્બનો ઉપયોગ કરવાનું કામ અત્યંત જોખમભર્યું હોય છે, તેથી જવાનોની તથા રેન્જની આાસપાસ રહેનાર નાગિરક અને તેમના પશુૌની સલામતિની સંપૂર્ણ જવાબદારી એક અૉફિસરને સોંપવામાં આવે છે.
ફાયરીંગ પૂરું થયા બાદ રેન્જમાં ઘણી વાર કેટલાક ગ્રેનેડ કે બે-ઇન્ચ વ્યાસના મોર્ટર બૉમ્બ તેમાં રહેલા ‘ફ્યુઝ’ની ખરાબીને કારણે અથવા કાટ લાગવાથી જામી ગયેલ હૅમરને લીધે ફાટતા નથી. આવા ગ્રેનેડ અને બૉમ્બને ‘બ્લાઇન્ડ’ કહેવામાં આવે છે. રેન્જમાં પડેલા ‘બ્લાઇન્ડ’ને નષ્ટ કરવા જ પડે નહિ તો ફાયરીંગ બાદ ત્યાં જનાર નાગરિકો કે તેમનાં બાળકો તેને અકસ્માતથી ઉપાડે, અથવા કોઇ પણ તેને સ્પર્શ કરે તો તેઓ વિસ્ફોટનો ભોગ બને. ‘બ્લાઇન્ડ’ ને નષ્ટ કરવાની જવાબદારી રેન્જ અધિકારીની હોય છે.
અહીં થોડી ટેક્નીકલ વાત કરવી જરુરી છે - નિરસ લાગે તો ક્ષમા કરશો!
ગ્રેનેડ નાનો બૉમ્બ હોય છે. લગભગ ૩૫૦ ગ્રામ વજનનો ગ્રેનેડ જે જગ્યા પર પડે, તેના ૨.૫ મીટરની ત્રિજ્યામાં જે કોઇ હોય તે મરણતોલ જખમનો ભોગ બને. ગ્રેનેડ ફાટે ત્યારે તેની કાસ્ટ-આયર્નની ધારદાર એવી અનેક કરચો એટલી ગતિથી વછૂટતી હોય છે કે તે શરીરમાં મોટો ઘા કરીને આરપાર પણ નીકળી શકે છે. જે સ્થળે ગ્રેનેડ ફાટે તેની આઠ ગજની ત્રિજ્યામાં રહેલ કોઇ વ્યક્તિ બચી શકે નહિ.
ગ્રેનેડ ફેંકતાં પહેલાં તેને એક હાથમાં મજબૂત પકડી, બીજા હાથ વડે તેની ફાયરીંગ મેકૅનીઝમને રોકતી ‘સેફ્ટી પિન’ ખેંચી કાઢવાની હોય છે. જો તેમ કરતાં ગ્રેનેડનો એક હિસ્સો જેને ‘લીવર’ કહેવામાં આવે છે, તે જો હાથમાંથી છૂટી જાય અને ચાર સેકંડમાં તેને દૂર ફેંકવામાં ન આવે તો ગ્રેનેડ હાથમાં જ ફાટે અને ગ્રેનેડ ફેંકનાર જવાન અને તેની આજુબાજુમાં જે કોઇ હોય તે બચી શકે નહિ. તેથી ગ્રેનેડ ફેંકવાની પ્રૅક્ટીસના સમયે દરેક જવાન સાથે જવાબદાર અફસર, નૉન-કમીશન્ડ અૉફિસર કે સુબેદારની કક્ષાના અધિકારીએ હાજર રહેવું જરુરી હોય છે, જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન ઘટે તેની તેઓ તકેદારી રાખી શકે.
જે રીતે ગ્રેનેડને ફેંકીને અથવા ગ્રેનેડ લૉંચર રાઇફલ દ્વારા ‘ફાયર’ કરવામાં આવે છે, તેમ ૨” મોર્ટર બૉમ્બને એક ભૂંગળા જેવા ‘launcher’માં મૂકી, લૉન્ચરની કળ દબાવવાથી તે અમૂક અંતર સુધી ફેંકાય છે અને જમીન પર પડતાંની સાથે જ ફાટતા હોય છે, તેથી તેને ‘ફાયર’ કરનાર જવાન અને અધિકારી સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. ‘બ્લાઇન્ડ’ થયેલા ગ્રેનેડ કે બૉમ્બને નષ્ટ કરવાની રીત સરળ છે. જ્યાં ગ્રેનેડ કે બૉમ્બ પડ્યો હોય, તેની નજીક ડેટોનેટર અને ફ્યુઝ (વાટ) લગાડેલા પ્લાસ્ટીક એક્સ્પ્લોઝીવ (લાપી કે પ્લાસ્ટીસીન જેવો સ્ફોટક પદાર્થ) મૂકી, તેના પર માટીનું tamping કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાંથી બહાર કાઢેલી વાટને સળગાવી પચાસે’ક ગજ દૂર આવેલી ખાઇમાં પોઝીશન લેવી પડે. અા કામ અત્યંત સાવધાનીપૂર્વક કરવું પડે, કારણ કે ઘણી વાર ગ્રેનેડ પર માટી ઢાંકતી વખતે ગ્રેનેડને સહેજ ધક્કો લાગી જાય તો તેનો ‘ફ્યુઝ’ અથવા હૅમર activate થઇ શકે છે, અને આવું થાય તો તે ચાર સેકન્ડમાં ફાટી જાય. આવી હાલતમાં ગ્રેનેડને ઉડાવવા માટે જવાબદાર અધિકારીની બચવાની શક્યતા નહિવત્ હોય છે. અખબારોમાં ઘણી વાર “ગ્રેનેડના આકસ્મિક વિસ્ફોટને કારણે સૈન્યના એક મેજરનું અવસાન થયું,” અથવા “ટીકરના મિલીટરીની હદમાં કચરો ઊપાડતી વખતે બૉમ્બ જેવી વસ્તુ ફૂટતાં બે બાળકો મૃત્યુ પામ્યા,” જેવા સમાચાર આવતા જ હોય છે. એક દિવસના ફાયરીંગમાં વીસથી પચીસ ગ્રેનેડ અને બૉમ્બ ‘બ્લાઇન્ડ’ થતા હોય છે, અને તે મુજબ દરેક ‘બ્લાઇન્ડ’ દીઠ એક પ્લાસ્ટીક એક્સ્પ્લોઝીવનું પૅકૅટ, એક મિનીટમાં એક ફૂટ સળગે તેવી વાટ (ફ્યુઝ)ની જરુર પડતી હોય છે.
અમે દારુગોળા લેવા ગયા ત્યારે અમારા સ્ટોરમાં પ્લાસ્ટીક વિસ્ફોટકના ફક્ત દસ પૅકેટ હતા. નિયમ પ્રમાણે મને ઓછામાં ઓછા ત્રીસ જેટલા પૅકેટ મળવા જોઇએ. ફાયરીંગ તો રોકી શકાય નહિ, કારણ કે રેન્જનું બુકીંગ મહિનાઓ પહેલાં કરવું પડતું હોય છે તેથી જેટલી સામગ્રી મળી એટલી લઇને હું ગુરદાસપુર નજીક આવેલ રેન્જ પર ગયો. સાંજે ફાયરીંગ પુરું થયું ત્યારે ૨૦ ગ્રેનેડ અને ચાર ૨” મૉર્ટર બૉમ્બ ફૂટ્યા નહોતા. રેન્જની ચારે બાજુએ આ હાથગોળા અને બૉમ્બ પડ્યા હતા. આવી હાલતમાં રેન્જ અૉફિસર તરીકે મારી પાસે એક જ પર્યાય હતો:
બ્લાઇન્ડ થયેલા ગ્રેનેડને એક એક કરીને ઉપાડી એક ખાડામાં એકઠા કરવા. ત્યાર બાદ પ્લાસ્ટીક વિસ્ફોટક તૈયાર કરી એકી સાથે તેમને ઉડાવવા. આ કામ અત્યંત જોખમભર્યું હતું. ગ્રેનેડ ઉપાડતી વખતે તેને થોડો આંચકો લાગે, અથવા હાથમાંથી ગોળો છટકીને નીચે પડે તો તેની અંદરનો ફ્યુઝ activate થઇને તે ફાટી શકે છે. દરેક ગ્રેનેડને ઉપાડી તેને ૫૦થી ૧૦૦ ગજ દૂર ખોદેલા ખાડા સુધી લઇ જવાનું અત્યંત જોખમભર્યું હોય છે. ચાલતી વખતે કોઇ ગ્રેનેડ કે બૉમ્બ 'અૅક્ટીવેટ' થઇ જાય તો તેની નજીક જે કોઇ હોય તે રામશરણ થઇ જાય! આ જ રેન્જ પર એક વર્ષ પહેલાં એક અફસરે આવી રીતે ઉપાડેલો ગ્રેનેડ તેમના હાથમાં જ ફાટી ગયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા.
ઇષ્ટદેવનું નામ લઇ મેદાનમાં ચારે તરફ પડેલા ૨૪ ખતરનાક ગ્રેનેડ અને બૉમ્બ જીપ્સીએ એક એક કરીને ઉપાડ્યા અને તેમને એક ખાડામાં મૂક્યા. મળેલા દસ પૅકેટ પ્લાસ્ટિક એક્ઝપ્લોઝિવ (વિસ્ફોટક)નો મોટો ગોળો બનાવી, તેમાં ફ્યુઝ લગાડેલો ડેટોનેટર મૂક્યો. તેના પર માટીનો ઢગલો કરી તેમાંથી બહાર કાઢેલા ફ્યુઝને પેટવવાની તૈયારી કરી. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. આમાંનો એક પણ ગ્રેનેડ અકસ્માત ફાટે તો તેના percussion (ધડાકા)થી તેની બાજુમાં રહેલા બધા જ બૉમ્બ એકી સાથે ફાટે અને આ શરીરના ફુરચે ફુરચા ઉડી જાય. દિવાસળીથી મેં ફ્યુઝ ચેતવ્યો અને ત્યાંથી પચાસ મીટર પર આવેલી સુરક્ષીત ટ્રેન્ચ તરફ દોડવા લાગ્યો. બે-એક મીટરના અંતર બાદ દોડતાં દોડતાં જ પાછા વળીને જોયું કે ફ્યુઝ સળગે છે કે નહિ. આવું કરવા જતાં ઠેસ લાગી અને મોતના ઢગલાથી સાત-આઠ ફીટના અંતર પર જ પડી ગયો. ફ્યુઝ બરાબર સળગી રહ્યો હતો. ત્યાં દૂર ટ્રેન્ચમાં બેઠેલા મારા જવાનો અને નાયબ સુબેદારના ચહેરા ભયથી ફિક્કા પડી ગયા. તેઓ મારી મદદે આવી શકતા નહોતા. મને બચાવવા પચાસ મીટરનું અંતર કાપીને આવતાં આ બધા બૉમ્બ ફૂટે તો તેઓ પણ મૃત્યુ મુખે પડે. હું ઉઠીને નીકળી શકું તેવી સ્થિતીમાં નહોતો, કારણ આ ઢગલામાં મોટા ભાગના ગ્રેનેડઝ્ ચાર સેકન્ડમાં ફાટે તેવા હતા.
મારી પાસે એક જ માર્ગ હતો: જ્યાં પડ્યો હતો તે જ સ્થળે બૉમ્બ ફાટે ત્યાં સુધી ચત્તા પડી રહેવું. સામાન્ય રીતે બૉમ્બની કરચ ૧૦ થી ૧૫ અંશના કોણમાં વછૂટતી હોય છે, તેથી કદાચ હું ઘાયલ તો થઇશ, પણ બચવાની શક્યતા ખરી એવું માની મેં આંખ મીંચી નામ સ્મરણ શરુ કર્યું. મેં જે ફ્યુઝ લગાડ્યો હતો તે બે મિનીટમાં ડેટોનેટર સુધી પહોંચીને વિસ્ફોટ કરે તેવો હતો. હું શાંતિથી ચત્તો પડી રહ્યો. બે ને બદલે પાંચ મિનીટ થઇ ગઇ પણ વિસ્ફોટ થયો નહિ તેથી હું ઉભો થઇ ગયો અને મોતના ઢગલા તરફ ગયો. મારા સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ અને વીરચક્ર વિજેતા સબ-ઇન્સ્પેક્ટર અજીતસિંહ પણ ત્યાં આવી ગયા. બૉમ્બના ઢગલા પરના માટીનાં ઢેભાં બાજુએ કરીને જોયું તો સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો.
મેં સળગાવેલો ફ્યુઝ ડેટોનેટરથી કેવળ એક સેન્ટીમીટર પર આવીને ઓલવાઇ ગયો હતો. ગ્રેનેડ્ઝની જેમ ફ્યુઝ પણ 'બ્લાઇન્ડ' નીકળ્યો!
હવે મેં પ્લાસ્ટીક એક્સપ્લોઝીવમાં નવો ડેટોનેટર અને ત્રણ ફૂટ લાંબો ફ્યુઝ લગાડ્યો, અને તે સળગાવીને પચાસ મીટર દૂર આવેલી પાંચ ફીટ ઉંડી ખાઇમાં જઇને બેઠો. ત્રણ મિનીટ બાદ જે ધડાકો થયો તેનાથી ધરતી ધ્રુજી ગઇ. જ્યાં આ ચોવીસ અતિ વિઘાતક એવા બૉમ્બ રાખ્યા હતા, ત્યાં છ ફીટ ઉંડો અને દસ-પંદર ફીટની ત્રિજ્યાનો ખાડો થયો એટલું જ નહિ, વિસ્ફોટકોની પ્રચંડ ઉષ્ણતાને કારણે આજુબાજુની જમીન કાળી પડી ગઇ હતી. ખાડાની કિનાર પર ગ્રેનેડની કેટલીક કરચ ખૂંપી હતી. જે સ્થાને હું ચત્તો પડ્યો હતો, તે આ ખાડાની અંદર આવી ગયું હતું. આ જોઇ હું કાંપી ઉઠ્યો. અજીત સિંહ માથું હલાવીને બોલ્યા, “સાબ જી, વાહે ગુરુને આપકો બચા લીયા. ઉસકે બગૈર આપકે આધે ઇંચ નજદીક આયે હુવે મૌત કો કોઇ નહિ રોક સકતા.”
મૃત્યુને એક સેન્ટીમીટર દૂર રોકીને મને બચાવનાર કોણ હતું?

6 comments:

 1. This has come out as a gripping acount. Congratulations.
  Tushar Bhatt

  ReplyDelete
 2. Nice account-left me breathless--keep it up-I liked the details about granade etc.

  ReplyDelete
 3. અજીત સિંહ માથું હલાવીને બોલ્યા, “સાબ જી, વાહે ગુરુને આપકો બચા લીયા. ઉસકે બગૈર આપકે આધે ઇંચ નજદીક આયે હુવે મૌત કો કોઇ નહિ રોક સકતા.”
  મૃત્યુને એક સેન્ટીમીટર દૂર રોકીને મને બચાવનાર કોણ હતું.....
  Oh ! What a story & a miracle of God !
  Chandravadan ( Chandrapukar )

  ReplyDelete
 4. Great! જેને રામ રાખે તેને કોણ ચાખે?

  ReplyDelete
 5. ખુબ જ સરસ... ખરેખર ભગવાન સારા માણસો સાથે સારું જ કરે છે !!!
  અદ્ભુત શૈલી...

  ReplyDelete
 6. હૃદય ધડકાવી દે તેવું વર્ણન .
  બચવા માટે અભીનંદન .
  - સુરેશ જાની

  ReplyDelete