Tuesday, June 30, 2009

૧૩૦૦૦ ફીની ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!

આટલી ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!!!

રોજ રાતે સૂતાં પહેલાં જવાનો અને તેમના નૉન કમીશન્ડ અૉફિસર બુખારી ફરતા બેસી સુખદુ:ખની વાતો કરે. અફસરો માટે જુદું બંકર. મારા તાબાની એક પ્લૅટુન પોસ્ટના કમાંડર તેજ ક્રિશન ભટ્ટ નામના એક કાશ્મિરી પંડીત હતા. એક રાતે તેઓ આવી જ રીતે જવાનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક તેમની નજર બંકરના પ્રવેશદ્વાર પર સ્થિર થઇ. ધીરે ધીરે જાણે આંખો કાચની હોય તેમ તેમાંથી નૂર ગયું. યાંત્રિક પુતળાની જેમ તેઓ ઉભા થયા અને સીધી લાઇનમાં ચાલવા માટે ડગલું ભર્યું. સામે જ ધગધગતી બુખારી હતી. તેમણે બન્ને હાથ વડે બુખારીને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. હાથમાં ઉનના ગ્લવ પહેર્યા હતા, તે સળગી ઉઠ્યા. હથેળી પરની ચામડી બળી ગઇ, પણ ભટ્ટને તેની પરવા નહોતી, કે ન તો તેમને તેની કોઇ અસર થતી જણાઇ. જવાનો એક સેકંડ માટે તો વિમાસણમાં પડી ગયા, પણ બીજી જ ક્ષણે ત્રણ-ચાર જવાનોએ તેમને પકડીને પાછા ખેંચ્યા. પાટલી પર જબરજસ્તીથી સુવાડી તેમના પર સ્લીપીંગ બૅગ તથા કામળાઓ નાખી ઢાંકી દીધા. પ્લૅટુનમાં ફર્સ્ટ્ એડનો સામાન હતો તેમાંથી બર્નૉલ કાઢી તેમની હથેળી પર લેપ કર્યો. ભટ્ટની આંખો હજી બંકરના દરવાજા તરફ તાકી રહી હતી, પણ બળી ગયેલા હાથમાં થતી પીડાની તેમના પર કોઇ અસર વર્તાતી નહોતી. થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે જે વાત કહી તેથી સહુ આશ્ચર્યચકિત થઇ ગયા. આ વાતની મને જાણ કરવામાં આવી, પણ મધરાત વિતી ગઇ હોવાથી હું બીજે દિવસે સવારે ભટ્ટની ચોકી પર ગયો. તેમની બન્ને હથેળીઓ જોઇ મને પણ નવાઇ લગી. આટલી હદ સુધી બળેલી હથેળી મેં કદી પણ જોઇ નહોતી. તેજ ક્રિશન એક જવાબદાર અફસર હતા અને ફોજમાં કોઇ અફસર પોતાના સિનીયર અફસર આગળ કદી મિથ્યા ભાષા બોલે નહિ. વળી જાણી જોઇને કોઇ પોતાના હાથ શા માટે બાળે? ભટ્ટે મને જે વાત કહી તે આ પ્રમાણે હતી.
“આવી ઉંચાઇ પર બલા (યક્ષીણી) રહેતી હોય છે એવી અમારા કાશ્મિરમાં માન્યતા છે. એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જેમાં તેમનો ભોગ બનનાર માણસ જીવતો રહી શકતો નથી. આ એવી શરીરધારી ‘રુહ’ - આત્મા - હોય છે, જે ધારે ત્યારે માનવી રુપ ધારણ કરી શકે છે. જેને તે પસંદ કરે એ જ વ્યકતિ તેને જોઇ શકે એવી તેમની શક્તિ હોય છે.
“હું જવાનો સાથે વાત કરતો હતો ત્યાં બે સ્ત્રીઓ આવીને બંકરના દરવાજા પાસે ઉભી રહી. રુપનો અંબાર અને યૌવનથી થનગનતું શરીર જોઇ હું ચકિત થઇ ગયો. આગળ ઉભેલી સ્ત્રીએ મારી તરફ લોભાયમાન સ્મિત કર્યું અને મારી તરફ તેણે પોતાના બન્ને હાથ લંબાવ્યા, જાણે કહેતી હતી, ‘મારો સ્વીકાર કરો!’ મારી આંખ તેની આંખ સાથે મળતાં જ હું ભાન ગુમાવવા લાગ્યો. એક યાંત્રિક પુતળાની જેમ હું ઉભો થવા લાગ્યો અને બસ, હું બેભાન થઇ ગયો. શું કરી રહ્યો હતો તેની મને કશી જાણ ન રહી. જ્યારે પ્લૅટુનના જવાનોએ મારા મોઢા પર પાણી છાંટ્યું અને મને ભાન આવ્યું ત્યારે જ મને હાથમાં થતી અસહ્ય પીડાનો અનુભવ થવા લાગ્યો.”
આ વાત સાંભળી અમારા કાશ્મિરી સિવિલિયન ‘ગાઇડ-કમ્-પોર્ટરે’ કહ્યું, “સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષોથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટ સાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહિ તો બલાની નજર સાથે એક વાર નજર મળી જાય તો તે માણસ જાનથી જાય.”
ભટ્ટે - કે અમારામાંથી કોઇએ શાકા વૅલીની બલાઓની દંતકથા સાંભળી નહોતી. આજે મને તેજક્રિશન ભટ્ટની વાત યાદ આવે છે ત્યારે તેમની બળેલી હથળીઓ મારી નજર સામે તાદૃશ્ય થાય છે. તે વખતે મનમાં આવેલ વિચાર ફરી તાજો થાય છે: દંતકથાઓ અને માન્યતાઓની પાછળ કોઇ સત્ય છુપાયું હશે? સત્ય અને માન્યતા વચ્ચે સંધ્યા સમયનો કોઇ પડદો છે? તેજક્રિશન ભટ્ટની સાથે થયેલ ઘટનાનું રહસ્ય શું હતું? Rarified atmosphereનો આ પ્રતાપ હતો? દિવાસ્વપ્ન? અસહ્ય ઠંડીમાં એકલતાને કારણે થતો ચિત્તભ્રમ - સ્કિત્ઝોફ્રેનિયા જેવો કોઇ પ્રકાર? ભટ્ટને કોઇ માનસિક બિમારી નહોતી. પોતાની ધગશ, બુદ્ધિમતા અને બહાદુરીને કારણે આગળ જતાં ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટના પદે પહોંચી ગયા હતા. તેમણે કહેલી વાત કપોલકલ્પિત હતી કે કેમ તે હું કહી શકું તેમ નથી. પરંતુ મારા જવાનોએ જે જોયું અને તેનું વર્ણન કર્યું તેને હું ગપગોળો નહિ કહી શકું. બીજી વાત: ભટ્ટના દાઝી ગયેલા હાથ મેં જાતે જોયા હતા. સામાન્ય બુદ્ધીને માન્ય ન થાય તેવી વાતને શું કહેવું, તે પણ સમજાતું નથી.
મારી પોતાની વાત કરૂં તો વિમલા પોસ્ટમાં હું કદી સરખી રીતે સૂઇ શક્યો નહોતો. બુખારી હોવા છતાં કદી ન સમજાય તેવી ભયાનક ઠંડી, મારા બંકરમાં કોઇનો પગરવ થયાનો આભાસ, બંકરની ભીંતમાંના છિદ્રોમાંથી આવતા પવનના સૂસવાટમાં નિદ્રા ક્યાંથી આવે? આખી રાત પુસ્તક વાંચવામાં જતી. ક્યારે નિદ્રા આવતી તેનો ખ્યાલ આવે તે પહેલાં મારો સાથી તોતારામ ‘બેડ-ટી’ લાવી જગાડે. હું તૈયાર થઉં ત્યાં મારા સાર્જન્ટ મેજર આવી રાત દરમિયાન થયેલી કોઇ માહિતીનો રિપોર્ટ લાવે. કંપની ક્લાર્ક બલબીર ચંદ ‘સિટ-રેપ’ (situation report) લખાવવા આવે. સામાન્ય રીતે અમારા સિટરેપમાં NTR (Nothing To Report) જ હોય. તેથી બલબીરચંદે સિટરેપનું નામ NTR પાડ્યું હતું. “સર, NTR લખાવવા અાવ્યો છું!” જો કે સિટરેપમાં અમારે હવામાનના સમાચાર આપવાના રહેતા તેથી દિવસ-રાતમાં મહત્તમ અને લઘુતમ ટેમ્પરેચર કેટલું હતું, વાતાવરણ ‘સાફ’ હતું કે તોફાન વાળું, એ લખવું પડતું. શૂન્યની નીચે બે આંકડામાં જતું તાપમાન આ કારણે જ યાદ રહી ગયું હતું.
આવતા અંકમાં જીપ્સીની supporting lifelineની વાત કરીશ.

5 comments:

 1. કેપ્ટન સાહેબ-ધોરણ ત્રીજાથી ભૂત ડાકણ-બલાની વાતો સાંભળતો આવ્યો છું પરંતુ આખી જીંદગી કદી પરચો થયો નથી. આ વાતો તમારી છે. તેથી કદાચ કંઇ તથ્ય હશે. જે હોય તે તમારી કથા રસિક બને છે.

  ReplyDelete
 2. Amazing... I simply cannot believe. But, it's from you!!!

  ReplyDelete
 3. આ વાત સાંભળી અમારા કાશ્મિરી સિવિલિયન ‘ગાઇડ-કમ્-પોર્ટરે’ કહ્યું, “સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષોથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટ સાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહિ તો બલાની નજર સાથે એક વાર નજર મળી જાય તો તે માણસ જાનથી જાય.”
  What a story...Many times one can not offer the explanation to the Event..& this is one such story !
  Chandravadan ( Chandrapukar )

  ReplyDelete
 4. Hello Admin,

  After read this article,just want to say that,

  "Your blog name is really suite your blog"

  Also read first post which is also just awesome.

  Thanks for sharing.

  Health Tips | Fitness Tips | Junagadh

  ReplyDelete
 5. ઓહ, બલા જેટલી રૂપાળી એટલી જ ખતરનાક. બલાનો સંપુર્ણ અર્થ આજે સમજાયો.

  ReplyDelete