Saturday, June 13, 2009

૧૯૭૨: "ધ ગ્રેટ થર ડેઝર્ટ"

શહિદો માટેની પરેડ પૂરી થઇ ત્યાં મારા કમાંડંટ મારી પાસે આવ્યા અને મને જણાવ્યું કે મારે તાત્કાલિક જોધપુર જવાનું છે. બે દિવસ બાદ ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં ‘ડેઝર્ટ વૉરફેર કોર્સ’ શરૂ થવાનો હતો અને અમારા ફ્રંટિયરમાંથી મને પસંદ કરવામાં આવ્યો. હું ઉતાવળે મારી બટાલિયનમાં પહોંચ્યો અને ત્રણ મહિના માટે જોધપુર જવા નીકળ્યો.
થરના રણમાં શરૂ થનારા આ કોર્સમા ત્રણ અન્ય અફસર અને ૨૧ કમાંડો ભાગ લઇ રહ્યા હતા. આપણા રાજ્યના કચ્છના રણ કરતાં રાજસ્થાનનું રણ સાવ જુદું. અહીં ખારો પાટ નથી, પણ મસ મોટા ડુંગરા જેવા રેતીના ઢુવા હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. તેમાં ચાલવું એટલું જ દુષ્કર. કેટલીક જગ્યાએ પીંડી સુધી પગ રેતીમાં ઘુસી જાય. રાજસ્થાનના રણમાં હંમેશા જુના ચીલા પર જ જવું જોઇએ કેમ કે રેતીમાંના કળણ (quick sand) એવા છૂપાયેલા હોય છે કે તેમાં માણસ પૂરે પૂરો ગરક થઇ જાય. મોટર ગાડી તથા ટૅંક તેમાં એવી ફસાઇ જાય કે તેમને બહાર કાઢવું અશક્ય છે. ૧૯૭૧ની લડાઇમાં લોંગેવાલા સેક્ટરમાં આપણા વિમાનો દ્વારા થયેલા હુમલામાંથી બચવા પાકિસ્તાનની ટૅંક્સ ચીલો છોડી જવા લાગી અને રેતીમાં ફસાઇ ગઇ હતી. આપણા વિમાનોએ નષ્ટ કરેલી આ ટૅંક્સ અમે આ કોર્સ વખતે જોઇ શક્યા હતા.
રણમાં આવેલ ટ્રેનીંગ કૅમ્પ જોધપુરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર હતો જ્યાં અમારે ઊંટ પર બેસીને જવાનું હતું. પહેલા ચાર અઠવાડીયાની ટ્રેનીંગ ક્લાસરૂમમાં હતી, તેમાં જાણવા મળ્યું કે ઊંટ અત્યંત વિક્ષીપ્ત પ્રાણી છે. તેની બે વાતોથી હંમેશા સાવધ રહેવું જોઇએ. એક તો તેને મારકૂટ જેવી ક્રુર શિક્ષા ન કરવી જોઇએ, કારણ કે તે મારનારને યાદ રાખી, લાગ મળતાં બરાબર વેર લે છે. દાખલા તરીકે તમારૂં ધ્યાન ન હોય ત્યારે દાંત વડે તમારા વાળ ઉખેડી લે! બીજી વાત: શિયાળામાં તેનો સંવનન કાળ હોય છે ત્યારે તેનું વર્તન અનપેક્ષીત હોય છે. રોજ સાંજે અમને ઊંટ પર સવારી કરવાની પ્રૅક્ટીસ કરવાની હતી, પણ આ વાતો સાંભળ્યા બાદ કોણ જાય? અમારામાંથી કેટલાક લોકો એ સવારી કરવાનું ટાળ્યું, જે મહા ભયંકર ભુલ સાબિત થઇ. સવારીના મહાવરા વગર અમને પૂરો ૬૦ કિલોમીટરનો પ્રવાસ અમારે પોતે ઊંટના ચાલક તરીકે કરવો પડ્યો!
ઊંટ પર સવારી કરવી સહેલી નથી! સૌ પ્રથમ તેને જમીન પર બેસાડવો પડે. તેમ કરવા માટે તેની રાશ પકડી, જમીન તરફ હળવેથી ખેંચી “જે!....જે!” બોલવું પડે. તે બેસે એટલે પલાણની પાછળની સીટ પર બેસનાર પ્રવાસીએ પહેલાં બેસવું. પરંતુ આગળના પલાણ પર સ્વાર બેસે કે તરત ઊંટજી બે ઝટકે ઉભા થાય. સાવધાની ન રાખીએ તો સૌથી પહેલાં આપણે પાછળની બાજુએ ‘ઉડીએ’ અને બાદમાં આગળ. બન્ને વખતે પલાણ (જેને ‘કાઠી’ કહેવામાં આવે છે) મક્કમ રીતે પકડી રાખવી જોઇએ. અહીં જરા જેટલી શરતચૂક થાય તો આગળ બેસનાર માણસ ગલોટિયું ખાઇ ઊંટના આગલા પગની આગળ પડી જાય! જોધપુરના તબેલાનો એક ઊંટ ‘નમૂનો’ હતો. તેને બીડીનું બંધાણ હતું! તેનો સ્વાર સવારના પહોરમાં બે-ત્રણ બીડીઓ સામટી સળગાવીને તેનો ધુમાડો આ ઊંટ મહાશયના નાકમાં ન છોડે ત્યાં સુધી તેઓ ઉઠવાનું નામ ન લેતા!
પ્રશિક્ષણક્ષેત્રમાં જતી વખતે બે-ત્રણ કલાકની સવારી બાદ હું એક વાત શીખ્યો કે ઊંટના પલાણમાં આગળ બેસવાથી કમરને આંચકા ઓછા લાગે છે! શરૂઆતની સવારીમાં જ્યારે ઊંટ તેની ગરદન પાછળ ફેરવતો ત્યારે મારા પગ સુધી તેનું મ્હોં પહોંચતું. ક્લાસરૂમમાં શીખેલી વાતો સાંભળ્યા બાદ થોડો ડર લાગે તે સ્વાભાવિક હતું. જેમ જેમ અંતર કપાતું ગયું સવારીમાં આનંદ આવવા લાગ્યો. રણમાં દોડતા ઊંટને અમસ્થું જ ‘રણનું વહાણ’ નથી કહેવાતું! રણની રેતીમાં પૂર ઝડપે દોડતા ઊંટની સવારી કરવાની મજા અૉર હોય છે.
અમારા કોર્સ ઇન્સ્ટ્રક્ટર ઘણા કડક હતા. રણના ઢુવા - જેને રાજસ્થાનમાં ‘ટીલા’ કહે છે, તેમાં અમને યુદ્ધની આક્રમણ, સંરક્ષણ, અૅમ્બુશ વિ. જેવી ક્રિયાઓ કરવા ઉપરાંત પૂરી ઇક્વીપમેન્ટ સાથે રેતીના ડુંગરાઓ પર પચીસ કિલોમીટરનો forced march કરાવ્યો. તે સુદ્ધાં પાણીની એક-એક બાટલી સાથે. તે દિવસે અમને કહેવામાં આવ્યું હતું કે બપોરના ભોજન સુધીમાં કૅમ્પમાં પાછા આવી જઇશું, તેથી અમને ‘પૅક લંચ’ લેવાનો હુકમ નહોતો. બપોરના બે વાગ્યા ત્યારે અમે કૅમ્પથી આઠે’ક કિલોમીટર દૂર હતા. સહુ થાકી ગયા હતા. રસ્તામાં અમે એક ઢાણી પાસે પહોંચ્યા. પંદર-સત્તર ઝુંપડાની આ વસ્તી ‘જાટોંકી ઢાણી’ હતી.પરંપરા મુજબ તેમના મુખી અમારૂં સ્વાગત કરવા આવ્યા.
“પધારો, હુકમ!”
“જૈ માતાજી રી,” કહી અમે જવાબ આપ્યો.
અમારા મુખડાં જોઇને તેમને કદાચ ખ્યાલ આવી ગયો કે અમે ભૂખ્યા છીએ! તેમણે અમને બેસવા કહ્યું. કચ્છના રણ પ્રદેશમાં ભુંગા હોય છે તેવા અહીંના અંદર બહારથી સ્વચ્છ ઝુંપડા, સુંદર ડીઝાઇનોથી લીંપેલી ભિંતો, પ્રવેશદ્વારની આગળ લીંપેલું આંગણું અને બહાર રમતાં બાળકો જોઇ મન પ્રસન્ન થયું. અહીં નહોતાં પાણીનાં નળ, નહોતી વિજળી કે નિશાળ. પાણી લેવા બહેનો ૧૫ કિલોમીટરનું અંતર રોજ ચાલે. બકરીઓ પાળીને ગુજરાન કરતા આ અશિક્ષીત પણ ભોળાં લોકોનાં મન કેટલા વિશાળ હતા તે દસ મિનીટમાં જ જણાઇ આવ્યું. દરેક ઝુંપડામાંથી પિત્તળના કટોરામાં બાજરીના રોટલાના જાડા ભુક્કામાં છાશ ભેળવી, તેના પર ભભરાવેલ મીઠાંનું શીતળ રાબડીનું ભોજન આવ્યું. મને બાળપણમાં વાંચેલી ભાવનગરના મહારાજ ભાવસિંહજી અને સોંડા માળીની વાત યાદ આવી ગઇ. વનમાં શિકાર કરવા નીકળેલ ‘જણ’ કોણ હતો તે જાણ્યા વગર સોંડા માળીએ મહારાજને તથા તેમના સાથીઓને ઝાડ પર ટાંગેલા બોઘરણાંમાં રાખેલ પોતાનો રોંઢો - ‘બોળો’ (જુવાર કે બાજરાના રોટલાના ઝીણાં કકડા છાશમાં ભીંજવી તેને બોઘરણાંમાં મૂકવામાં આવે છે. ખેડૂત આ રોંઢાનું બોઘરણું ઝાડની ડાળી પર લટકાવી રાખે છે અને બપોરે જમે છે) પીરસી દીધો હતો. સેંકડો માઇલ દૂર, વેરાન ધરતીમાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતીની જળવાઇ રહેલી પરંપરા જોઇ મન અનેક ભાવનાઓથી તરબોળ થઇ ગયું.
“જીમો, હુકમ,” મુખીએ કહ્યું.
ભોજન સામે આવ્યું હતું. અમે તેમને કેવી રીતે ના કહી શકીએ?
અમને - ૨૬ અતિથીઓને - ભોજન આપનાર અન્નપૂર્ણાઓ દૂર ઉભી અમને જોઇ રહી હતી.
ભોજન પતાવીને અમે ગામના મુખીને પરાણે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. રૂપિયાની નોટો જોઇ તેમના ચહેરા પર નારાજી સાફ દેખાઇ. અંતે અમે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનીને નીકળી પડ્યા.
‘ડેઝર્ટ વૉરફેર’ના કોર્સમાં અમારા ઇન્સ્ટ્રક્ટરે અમારો સંપૂર્ણ દમ કાઢ્યો. અમારી પાસેથી ૨૫ કિલોમીટરનો ‘ફોર્સ્ડ માર્ચ’ કરાવી તેમણે કોર્સની અને અમારી પૂર્ણાહુતિ કરી નાખી! ત્રણ મહિનાનો કોર્સ પૂરો કર્યા બાદ સૌથી મધુર નીંદર આવી હોય તો ટ્રેનમાં કૂપેની નીચેની બર્થમાં!
ટ્રેનીંગ દરમિયાન મને એક અકસ્માત નડ્યો હતો. રણના માર્ગ તરફ દોડી રહેલા મારા ઊંટના પલાણનો પટ્ટો અચાનક તૂટી ગયો અને હું ઉંચેથી લપસીને ભોંય પર પડ્યો. એક શરીરના અંદરના ભાગમાં એવો જખમ થયો જે આગળ જતાં સેપ્ટીક થયો. અૉપરેશન કરવાની જરૂર પડી.
અમારા નાનકડા ગામમાં અૉપરેશનની સુવિધા નહોતી તેથી મને અમૃતસરના સિવીલ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરે સલાહ આપી કે આ અૉપરેશન જનરલ એનેસ્થેસીયા નીચે કરવું સારૂં. શસ્ત્રક્રિયા પંજાબના પ્રખ્યાત સર્જન શ્રી. સ્વતંત્ર રાયે કરી અને મને આરામ થયો. પરંતુ અૉપરેશનના એક મહિના બાદ અમારા ડૉકટરે મને જે વાત કહી તે સાંભળી હું થરથરી ગયો.
અૉપરેશન શરૂ થયાની પાંચ મિનીટમાં મારા હૃદયના ધબકારા મંદ પડી ગયા હતા. તે જમાનામાં અમૃતસરમાં ઇલેક્ટ્રૉનીક મૉનીટર નહોતાં. અમારા યુનિટના ભલા મેડીકલ અૉફીસર પોતે ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ મારા હૃદયનાં સ્પંદન મૉનીટર કરી રહ્યા હતા. તેમણે સર્જનને તરત સાબદા કર્યા. સ્વતંત્ર રાય બાહોશ ડૉક્ટર હતા. તેમણે આદેશ આપ્યો, “અૉક્સીજન તપાસો.”
એનેસ્થેટીસ્ટે સીલીંડરનું પ્રેશર તપાસ્યું તો સીલીંડર તદ્દન ખાલી હતી!
સદ્ભાગ્યે નજીકમાં જ સ્પૅર સીલીંડર હતી અને તાત્કાલિક કારવાઇ કરવામાં આવી. થોડી સેકંડનો વિલંબ થયો હોત તો હું કાયમ માટે ‘brain damaged - cabbage’ બની ગયો હોત! મિલીટરીમાં ગયો ત્યારે લોકો મને ‘બ્રેન ડૅમેજ્ડ' માનવા લાગ્યાા હતા. અૉપરેશનમાં જો ખરાબ પરિણામ આવ્યું હોત તો નાનકડું પરિવર્તન થયું હોત: માનવમાંથી શાકભાજી બનવાનું!
હૉસ્પીટલમાં હું સારવાર નીચે હતો ત્યારે મને મળવા અનુરાધા બસમાં હેડક્વાર્ટરના નાનકડા ગામમાંથી એક કલાકનો પ્રવાસ કરી અમૃતસર રોજ આવતી. એક દિવસ તેની સાથે આવેલા અમારા વૃદ્ધ અૉર્ડર્લી હુકમચંદ તેને મારી પાસે મૂકી નજીક આવેલી અમૃતસરની બીએસએફ બટાલિયનમાં કોઇકને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ ખબર લઇ આવ્યા કે ચાર નંબરની ચોકીને જીતવાની જવાનોએ સાથે કરેલ કાર્યવાહી માટે જીપ્સીને President’s Police & Fire Services Medal for Gallantry એનાયત થયાનો સિગ્નલ આવ્યો હતો. મારા સાથી સબ-ઇનસ્પેક્ટર કરમચંદને રાષ્ટ્રપતિનો ચંદ્રક પહેલાં જ જાહેર થયો હતો. આમ ૧૯૭૧ના યુદ્ધમાં મારી 'ચાર્લી' કંપનીના સૈનિકોને એક સેના મેડલ, રાષ્ટ્રપતિના બહાદુરી માટેના બે ચંદ્રક અને બે પોલીસ મેડલ ફૉર ગૅલન્ટ્રી મેડલ મળ્યા. આવા બહાદુર સૈનિકોનું નેતૃત્વ કરવાનો પરમાત્માએ મને અવસર આપ્યો તે મારા જીવનના આનંદની પરમોચ્ચ ઘડી હતી. મને મળેલા અભિનંદનના પત્રોમાં ઠાકુર કરમચંદે ઉર્દુમાં લખેલ અંતર્દેશીય પત્રને હું સર્વશ્રેષ્ટ ગણું છું.

4 comments:

  1. Yet, another very interesting Post...I now knoe more of the UNT & UNT SAVAARI....I thank God for saving your life after the injury from a fall ( during on of your ride on UNT in the Rajasthan Desert )I wiil wait for the next Post !
    Oh, I forgot Congratulate for the Award you got ....You deserve that !
    Chandaravadan ( Chandrapukar )
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  2. Conratulations for all your awards during ur magnificent army career-
    Now awating for the letter of Thakur Karamchand-

    ReplyDelete
  3. ઉંટ સવારીની વાત ગમી ગઈ. બીડીની ટેવ વાળા ઉંટની વાત પણ.
    તમારી વાતોમાં ખાસ્સું વૈવીધ્ય છે.
    - સુરેશ જાની

    ReplyDelete