Sunday, June 7, 2009

1971 - "ખોવાયેલા" સૈનિકોની શોધમાં...(૧)

મૅનેજમેન્ટમાં Standard Operating Procedures હોય છે, તેમ યુદ્ધમાં પણ ‘બૅટલ પ્રોસીજર’ હોય છે. તે મુજબ દુશ્મન પર કરેલા હુમલામાં ભાગ લેનારા સૈનિકોની જગ્યાએ રીઝર્વમાં રાખવામાં આવેલ સૈનિકોને મોકલવામાં આવે છે. દુશ્મન પર હુમલો કરી લડાઇમાં ભાગ લેનારા સૈનિકોને યુદ્ધક્ષેત્રની પાછળના ભાગમાં લાવી, ઘાયલ થયેલા સૈનિકોને સારવાર આપવામાં આવે છે, તથા દુશ્મનને હાથોહાથની લડાઇમાં પરાસ્ત કરી થાકેલા સૈનિકોને થોડો આરામ મળે તેવી તજવીજ કરવામાં આવે છે. અમારા BSFના જવાનોની બદલી કરવામાં આવી, કે તેમને કોઇ અન્ય કામગિરી પર મોકલવામાં આવ્યા તેની મારા સીઓને જાણ નહોતી. ૧૯૬૫ની લડાઇમાં પાકિસ્તાનના સિયાલકોટ સેકટરમાં ગોરખા રાઇફલ્સની સાથે આગેકુચમાં ભાગ લીધો હતો અને આક્રમણ (attack) બાદ વિજયી સૈનિકોની સ્થળ બદલવાની પ્રક્રિયાનો મને જાત અનુભવ હતો. તેથી સમયનો વ્યય કર્યા વગર સૌ પ્રથમ ધુસ્સી બંધની નજીક આવેલા નાનકડા ગામમાં અમારી ડેલ્ટા કંપનીના હેડક્વાર્ટર પર ગયો. મને આશા હતી કે હુમલામાં ભાગ લેનારા અમારા સૈનિકોને તેમની મૂળ જગ્યાએ પાટાપીંડી કરવા અને થોડા સમય માટે આરામ કરવા મોકલવામાં આવ્યા હશે. આ સ્થાનથી હું પરિચીત હતો તેથી ત્યાં ગયો અને રિટાયરમેન્ટના આરે આવેલા ડેલ્ટા કંપનીના માંદા, જૈફ કમાંડર ઇન્સ્પેક્ટર કરણસિંહને (અમે તેમને ‘તાઉ’ -કાકા કહેતા) મળ્યો. તાઉ ચિંતાગ્રસ્ત હતા. રાતના સમયે અમારા જવાનોને ભોજન પહોંચાડવા તેઓ ફૉરવર્ડ પોઝીશન પર ગયા ત્યારે ઇન્ફન્ટ્રીના કંપની કમાંડરે તેમને એટલું જ કહ્યું કે લડાઇમાં ભાગ લેનારા બધા સૈનિકો ઇન્ફન્ટ્રીના હેડક્વાર્ટર ગયા હતા અને તેમની જગ્યાએ નવી ટુકડીઓ આવી છે. બીએસએફના ૫૦થી વધુ જવાનો અને તેમના બે પ્લૅટુન કમાંડર ક્યાં ગયા તે વિશે તેમને કશી જ જાણકારી નહોતી.
અમારા સૈનિકોનું નેતૃત્વ કરનાર મેજર શેરસિંહ અમારા જવાનોને પણ તેમની સાથે લઇ ગયા છે તેવું ધારી હું તેમના બટાલિયન હેડક્વાર્ટર પર ગયો અને શેરસિંહને મળ્યો. “હા, બીએસએફના સૈનિકોએ મારી સાથે બહાદુરીપૂર્વક દુશ્મન પર હુમલો કર્યો હતો, પણ વિજય પ્રાપ્ત કર્યા બાદ તેઓ ક્યાં ગયા તે વિશે હું કશું કહી શકું નહિ. તેમની બદલી કરવાનું કામ તારા સીઓનું છે. તેમને પૂછી જો, કદાચ તેમને ખબર હોય!”
જીવસટોસટની લડાઇમાં જેમની સાથે અજીતસિંહ અને ચંદરમોહન ખભેખભા મેળવીને લડ્યા હતા, તેમને ભગવાન ભરોસે મૂકી જનારા અને આવા બિનજવાબદાર વક્તવ્ય કરનાર માણસ સાથે જીભાજોડી કરવા માટે હું તૈયાર નહોતો. હું તેમના મુખ્ય મથકમાંથી બહાર નીકળ્યો અને એક વડલાની નીચે જીપ ઊભી રખાવી વિચાર કરવા લાગ્યો.
પાંચ મિનીટના મનોમંથન બાદ મેં નક્કી કર્યું કે જે રણભુમિ પર જંગ થયો હતો, ત્યાં જ જઇ તપાસ કરવી.
અમે ધુસ્સી બંધની નીચે આવેલા કાચા રસ્તે આગળ વધ્યા અને FDL (ફોર્વર્ડ ડીફેન્ડેડ લોકૅલિટી)માં પહોંચ્યા. અહીં લાઇટ ઇન્ફન્ટ્રીના બંકર્સ હતા અને આપણી સેનાના જવાનો ત્યાં પોઝીશન લઇને ‘રેડી’ હાલતમાં બેઠા હતા. તેમના કંપની કમાંડરનું બંકર આગળ હતું તેથી મેં પ્રથમ તેમના કમાંડર મેજર તેજાનો સંપર્ક સાધ્યો. તેજા મધરાતે બદલીમાં આવેલી નવી કંપનીનો કમાંડર હતો. આગલે દિવસે હુમલામાં ભાગ લેનાર બીએસએફની બે પ્લેટુનો વિશે તેને કશી માહિતી આપવામાં આવી નહોતી. જ્યારે તેને મોરચો સોંપવામાં આવ્યો ત્યારે તેને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે તેની કંપનીની સૌથી આગલી ટ્રેન્ચ બાદ ‘નો મૅન્સ લૅન્ડ’ છે.(No man’s land એટલે આપણા સૈનિકો તથા દુશ્મનની સેના વચ્ચેનો ખાલી વિસ્તાર, જ્યાં આપણો કે દુશ્મનનો - કોઇનો કબજો નથી હોતો), અને તેમના અંદાજ મુજબ તેમની સૌથી આગળની ખાઇથી પાકિસ્તાની સૈનિકોની સંરક્ષણાત્મક ખાઇઓ આશરે ૮૦૦થી ૧૦૦૦ મીટર દૂર હતી. બન્ને વચ્ચે કોઇ નથી.
મેં તેજાને મારી મુલાકાતનો ઉદ્દેશ જણાવ્યો. મારી ઇચ્છા નો મૅન્સ લૅન્ડમાં જાતે જઇ તપાસ કરવાની હતી. તેણે કેવળ માથું હલાવ્યું અને આગળ ન જવા વિશે મને સલાહ આપી.
“નરિન્દર, અહીંથી પચાસ મીટર પર મારી ‘પૉઇન્ટ પ્લૅટૂન’ છે. તેની પ્રથમ સેક્શનમાં મારી છેલ્લી પોઝીશન છે. ત્યાંથી આગળ નો મૅન્સ લૅન્ડમાં દુશ્મન પેટ્રોલીંગ કરે છે, કે તેનો ‘સ્નાઇપર’ છુપાઇને બેઠો છે તેની અમને જાણ નથી. અહીંથી આગળ જવામાં બહાદુરી નહિ, બેવકૂફી છે. આગળ જઇશ તો નાહક દુશ્મનના હાથમાં પ્રિઝનર અૉફ વૉર થઇશ. મારું કહેવું માન અને અહીંથી પાછો વળ. પછી તારી મરજી. પણ એક વાત યાદ રાખજે. તું મારા સૈનિકોની હરોળ વટાવીને આગળ જઇશ તો તારી અંગત જવાબદારી પર. હું તને કોઇ પ્રકારે મદદ નહિ કરી શકું.”
“તેજા, હું તો મારી તપાસ પૂરી કરવા આગળ જઉં છું. પણ જો અમારા પર દુશ્મન ગોળીબાર કરે કે અમને પકડવાનો પ્રયત્ન કરે તો અમને તેમના સકંજામાંથી નીકળવા ‘કવરીંગ ફાયર’ તો આપીશ ને?” (દુશ્મનના ગોળીબાર નીચે અટવાઇ ગયેલા આપણા સૈનિકોને બહાર કાઢવા દુશ્મન પર બૉમ્બ છોડી તેમનો ગોળીબાર અટકાવવો જેથી આપણા સૈનિકો ત્યાંથી નીકળી પાછા આવી શકે.)
“સૉરી, દોસ્ત. મારા સી.ઓ.ના હુકમ વગર હું કંઇ ન કરી શકું. તું દુશ્મનના એરિયામાં જાય છે, તેથી તને કવરીંગ ફાયર આપવા માટે મારે તેમની રજા લેવી પડે.”
તેજા સાથે વાત કરતો હતો ત્યારે તેના એક પ્લૅટુન કમાંડરે કહ્યું, “રાતના સમયે અમે જે કંપનીને relieve કરવા આવ્યા, ત્યારે અમને એટલું જાણવા મળ્યું હતું કે આગલા દિવસની લડાઇમાં બીએસએફની બે પ્લૅટૂનો સૌથી આગળ હતી અને તેમણે દુશ્મન પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેઓ ક્યાં ગયા કે તેમનું શું થયું તેની અમને કોઇ માહિતી આપવામાં નથી. રાત્રે અમે અહીં આવ્યા ત્યારથી અમે તેમને જોયા નથી. અમારા ખ્યાલ મુજબ કદાચ દુશ્મન તેમને યુદ્ધબંદી બનાવીને પાકિસ્તાન લઇ ગયા છે.”
મેં મેજર તેજાને કહ્યું, “ભલે. કવરીંગ ફાયર માટે તારા સીઓને પૂછી જો. મારા મિશનની બાબતમાં તેમને કશું પૂછવું હોય તો હું અહીં જ ઉભો છું.”
તેજાએ વાયરલેસ પર મારી સામે જ તેના કમાંડીંગ અૉફિસરનો સંપર્ક કર્યો. કર્નલે મને કોઇ પણ જાતનો સપોર્ટ આપવાની મનાઇ કરી. જીવનમાં કદી ન ભુલાય તેવા શબ્દો કર્નલે તેજાને કહ્યા: “You will not give any covering fire to that BSF man. This is my order. Is that clear? Over and out”. વાયરલેસ પર વાક્યને અંતે બોલાયેલ ‘ઓવર અૅન્ડ આઉટ’નો અર્થ થાય છે, “અહીં મારો આદેશ અને વાર્તાલાપ પૂરો થાય છે." ટૂંકમાં કહીએ તો, "આ મારો હુકમ છે અને આ બાબતમાં મારે આગળ કશું સાંભળવું નથી.” આ પંજાબી કર્નલને - તેમનું નામ નહિ આપું - તેમના પોતાના અફસરો જ તેમના અસલ નામની મજાક ઉડાવવા તેમને ‘કર્નલ જૂઠદેવા’ કહીને બોલાવતા. દેખાવમાં દેવ આનંદના જુના ચિત્રપટમાં રાજેન્દ્રનાથના પાત્ર જેવા હૂબેહુબ દેખાતા હોવાથી મોટા ભાગના અફસરો તેમને ‘પોપટલાલ’ કહેતા.
Tatto Media
Tatto Media

4 comments:

  1. "Baap re" what a situation-Politics was alive during the war in Indian Army-

    ReplyDelete
  2. Interesting episode...learning of the Human conflicts of view in Army. Want to know what happened next !
    chandravadan ( Chandrapukar )

    ReplyDelete
  3. Politics in army too!!! That's not good at all.

    ReplyDelete
  4. જુના ચિત્રપટમાં રાજેન્દ્રનાથના પાત્ર જેવા હૂબેહુબ દેખાતા હોવાથી મોટા ભાગના અફસરો તેમને ‘પોપટલાલ’ કહેતા.
    ---------
    Military too has such such characters!!
    -Suresh Jani

    ReplyDelete