Wednesday, March 18, 2009

સેલ્ફ પ્રૉપેલ્ડ ગન....

ફરી એક વાર ‘જીપ્સી’એ મિલીટરીના “jargon”નો ઉપયોગ કર્યો! આપ સૌના મનમાં ઉઠતા પ્રશ્નોને વાચા આપી છે આપણા મિત્ર શ્રી. હરનીશભાઇ જાનીએ. તેઓ પૂછે છે:

‘સેલ્ફ પ્રૉપેલ્ડ ગન’ એટલે કેવી તોપ?'
'૧૦-૧૫ માઇલ દૂરથી ગોળા ફેંકી શકે તેવી કઇ તોપ હોય છે? અને હોય તો તે નિર્ધારીત નિશાન પર આટલે દૂરથી ગોળા કેવી રીતે ઝીંકી શકે?'

સામાન્ય રીતે તોપ અત્યંત ભારે હથિયાર છે. મિડીયમ તોપ લગભગ ૨૦થી ૨૫ ટન અને ‘હેવી આર્ટીલરી ગન” તેથી પણ વધુ વજનની હોય છે. આ તોપને યુદ્ધભુમીમાં લઇ જવા ટ્ૅક્ટર કે ભારે ટ્રક સાથે સાંકળી tow કરીને લઇ જવામાં આવે છે. સેલ્ફ પ્રૉપેલ્ડ તોપ ટૅંક જેવી હોઇ, પોતાના પાટા પર ચાલતી હોય છે. ટૅંકની ગન ગોળ ફરી શકે તેવા ગુંબજ (cupola)માં હોય છે, જ્યારે સેલ્ફ પ્રૉપેલ્ડ ગન તેની chassis પર સ્થિર રહે તેવી રીતે ફીટ કરવામાં આવે છે. નીચે આપેલા ચિત્ર પર 'ક્લીક' કરવાથી મોટી છબી દેખાશે.

Self propelled AA gun Gepard 1A2


આર્મર્ડ ડિવિઝન તેજ ગતિથી દોડતા અશ્વ જેવી હોય છે. જુના જમાનામાં અશ્વદળના સૈનિકોને સાથ આપવા માટે જતી તોપને ચારથી આઠ ઘોડા ખેંચી જતા, જેથી તેઓ ઘોડેસ્વાર સેનાની સાથે ઝડપથી કૂચ કરી શકતા. આવા તોપખાનાને “Horse Artillery” કહેવામાં આવતી. ઘોડાની જગ્યાએ ટૅંક આવતાં તોપખાનાને પણ ટૅંક જેવા પાટાવાળા વાહન પર ચડાવવામાં આવી. આ થઇ ‘Self-propelled Artillery”.

ભારે તોપખાના (બોફોર્સ જેવી Heavy Artillery)ની તોપ જેના નાળચાનું વ્યાસ ૧૫૫ મિલીમીટરનું હોય છે, તે એટલી શક્તિશાળી હોય છે કે તે ૩૦ કિલોમીટર દૂર સુધી ગોળા ફેંકી શકે છે. તમે કદાચ ‘Guns of Navarone” નામના ચિત્રપટમાં આવી તોપનું પ્રાત્યક્ષીક જોયું હશે.

હવે વાત આવે છે નિર્ધારીત સ્થાન પર અચૂક મારો કરવાની ક્ષમતાની. તોપ ‘Area Weapon’ છે. Area Weaponનો સિદ્ધાંત બે-નાળી બંદૂક જેવો હોય છે. તેના કારતૂસમાંથી નીકળતા છરા (બૉૅલ-બેરીંગ જેવી નાનકડી ગોળીઓ) ૬ થી ૧૨ ઇંચના વિસ્તારમાં આવનાર પક્ષી કે સસલા જેવા પ્રાણી માટે ઘાતક નીવડે છે. અૉલીમ્પીક્સમાં રાજ્યવર્ધનસિંહ રાઠોડ clay pigeon સ્પર્ધામાં તેજ ગતિથી ઉડાવવામાં આવતી રકાબી પર બે-નાળી બંદૂકની ગોળીના કારતુસમાંથી છૂટતા છરા દ્વારા તોડી પાડતા હોય છે. આવા તીવ્ર ગતિથી ચાલતા ‘ટાર્ગેટ’ને point 22 કે ૭.૬૨ મિલીમીટરના પરીઘની એક ગોળીથી િંવધવું લગભગ અશક્ય હોય છે.

તોપના ગોળાને ‘શેલ’ કહેવામાં આવે છે. શેલ એટલે ભરતરના લોખંડનું ખોખું, જેમાં સ્ફોટક ઠાંસીને ભરવામાં આવે છે. તેના “નાક” પર ડેટોનેટર ફ્યુઝ હોય છે. જમીન પર પડતાંની સાથે આ ફ્યુઝ શેલની અંદર રહેલ સ્ફોટકને સળગાવે છે અને તે ફાટતાં શેલના ધારદાર અને ભારે કકડા તેજ ગતિથી ચારે તરફ ઉડતા હોય છે. જ્યાં તે પડે છે, તેના ૧૫થી ૨૦ મીટરના ઘેરાવામાં આવી જનાર માણસ, પ્રાણી કે વાહનને વિંધી (કોઇક વાર કાપીને પણ) આરપાર થઇ જતા હોય છે. આનો અર્થ છે, જે સ્થાન પર તેનો ગોળો પડે છે તેના ૧૫-૨૦ ગજના વ્યાસમાં આવી જતી બધી ચીજો, વ્યક્તિઓ નષ્ટ થઇ જાય છે. આવી ત્રણથી છ તોપમાંથી ગોળા બે-ત્રણ મિનીટના અંતરે છોડવામાં આવે છે. બૅટરીમાંની ત્રણ તોપમાંથી છોડવામાં આવતા કૂલ૩૦ ગોળા ૧૦૦x૧૦૦ મીટરના વિસ્તારમાં પડે તો કેવી તબાહી મચી જાય તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. અમે જ્યારે પગપાળા કૂચ કરતા હોઇએ કે દુશ્મન પર હુમલો કરવા દોડીને જઇએ ત્યારે દુશ્મનની તોપ અમારા પર આવા ગોળા છોડતી હોય છે.

૧૦-૧૫ માઇલ દૂરથી દુશ્મનને જોયા વગર તેમના પર તોપના ગોળા તેમના પર કેવી રીતે છોડી શકાય?

નકશાની મદદથી!!

મિલીટરીના નકશાને ‘અૉર્ડનાન્સ સર્વે મૅપ” કહેવામાં આવે છે. ૧” બરાબર ૧ માઇલના સ્કેલના આ નકશામાં ચોરસ grid lines હોય છે. યુરોપ અને અમેરીકામાં મળતા રોડમૅપમાં જે પ્રમાણે અંગ્રેજી અક્ષર અને આંકડાના ચોરસ હોય છે, તેમ અૉર્ડનાન્સના નકશામાં પણ ગ્રીડ લાઇન્સ હોય છે. તેમાંના ચોરસ ખાનાને અાંકડામાં દર્શાવવામાં આવે છે. વળી દરેક નકશાને નંબર અપાય છે. Accurate એવા આ નકશામાં જમીન પરનું નાનકડું મંદીર,વૃક્ષ, ટેકરીની ઉંચાઇ, તેના ઢાળનો કોણ વિગેરેની નાનામાં નાની વિગત દર્શાવવામાં આવે છે. નકશાના આ ચોરસની ઉભી અને આડી લીટીને છ આંકડામાં વહેંચવામાં આવે છે, અને તેમાંના નાનામાં નાના વિભાગને અંક દ્વારા દર્શાવી શકાય છે. આવા છ આંકડાના ચોક્કસ સ્થાનને 'ગ્રીડ રેફરન્સ' કહેવાય.

તોપખાનાના OP (અૉબ્ઝર્વેશન પોસ્ટ) અફસર અને દસ માઇલ દૂર આવેલ તોપખાનાના કમાંન્ડર પાસે આ નકશા હોય છે. જ્યારે OPને શત્રુની ટુકડીઓ, ટૅંક્સ વિ. દેખાય, ત્યારે તે નોંધે છે કે ક્યા નંબરના નકશામાં અને ક્યા ગ્રીડ રેફરન્સ પર આ ટુકડીઓ છે, અને તેની જાણ તરત જ તોપખાનાના અફસર (બૅટરી કમાંન્ડર)ને કરે છે. દુશ્મન તોપખાનાની ‘રેન્જ’ (મારના ઇલાકા)માં આવે કે OP તરત બૅટરી કમાંન્ડરને નકશાનો ગ્રીડ રેફરન્સ નંબર આપી એક ગોળો છોડવાની સૂચના આપે છે. જો આ ગોળો દુશ્મનથી દૂર પડે તો તે “જમણે, બસો ગજ” અથવા “૧૦૦ ગજ વધુ” એવી સૂચના આપી એક વધુ ગોળો છોડવાનું કહે. જ્યારે ગોળો બરાબર દુશ્મનની ટુકડી પર પડે, કે તે તરત “બૅટરી, ચાર ગોળા ફાયર”ની સૂચના આપે છે. બૅટરી એટલે છ તોપનો સમૂહ. બધી તોપ એક સાથે OPએ આપેલા ગ્રીડ રેફરન્સ પર એક પછી એક ચાર-ચાર ગોળા ફાયર કરે. આમ ૧૦૦થી ૨૦૦ ચોરસ ગજના વિસ્તારમાં આવેલ દુશ્મનની ટુકડી, ગાડી, ટૅંક વિ.પર ૨૪ જેટલા ઘાતક બૉમ્બ પડવાથી તેની શી દશા થતી હશે એની કલ્પનાથી જ શરીર કંપી જાય!

આવી ભારે તોપનો ગોળો ફાટે તો તેની એક -બે કિલો વજનની ધારદાર કરચ બંદુકની ગોળીની ગતિથી વિંઝાતી જાય છે અને તેના માર્ગમાં આવેલ શરીરનું અંગ પણ કપાઇ જાય એટલો ઘાતક એનો માર હોય છે. લડાઇ બાદ દોઢે’ક કિલો વજનની એક કરચ હું ઘેર લઇ ગયો હતો. તેને જોઇ બાની આંખમાં ઝળઝળીયાં આવી ગયા. તેમણે પુછ્યું, “તારા પર અને તારા સૈનિકો પર આવા આવા બૉમ્બ પડ્યા હતા?”

મિલીટરીમાં ચુનંદા અફસરોને ૧૫-૨૦ કિલોમીટર પાછળ રહેલી આર્ટીલરીની તોપના કમાન્ડરને આવી રીતે કારગર ફાયર કરવા માટેની સૂચના આપવાની (Directing Artillery Firing)ની ટ્રેનીંગ અપાય છે. ‘જીપ્સી’ને આ ટ્રેનીંગ મળી હતી.


Free Web Counter

Free Counter

4 comments:

 1. really interesting and inspiring

  i read ur article on sureshdada's blog

  hats off to u....

  ReplyDelete
 2. I am at my son's place, and can't type in Gujarati.
  Reading the description, I really wonder how you guys have ben trained with waht muscles and what grey matter in the head- and that too when death is lurking any moment.
  No words to describe.

  ReplyDelete
 3. મિલીટરીમાં ચુનંદા અફસરોને ૧૫-૨૦ કિલોમીટર પાછળ રહેલી આર્ટીલરીની તોપના કમાન્ડરને આવી રીતે કારગર ફાયર કરવા માટેની સૂચના આપવાની (Directing Artillery Firing)ની ટ્રેનીંગ અપાય છે. ‘જીપ્સી’ને આ ટ્રેનીંગ મળી હતી.
  Narenbhai, above is the ending of a very interesting post....non-military person can have now the clear idea what a "Self propelled Gun " is & how it is tactically utilsed in the Battle-field. .....
  I enjoyed this Post WHICH MAY BE A PAGE OF YOUR FUTURE BOOK !
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com

  ReplyDelete
 4. Captain Saheb-Thanks for the expaination-
  Where is my next chapter?

  ReplyDelete