Friday, February 27, 2009

સમરાંગણે....

દક્ષીણ પંજાબમાં કૅમ્પ કરીને રહેલી ૩૫૦૦ અફસરો-સૈનિકો ધરાવતી બ્રિગેડને જમ્મુ કાશ્મિરમાં આવેલ સાંબા જીલ્લાની બાજપુર તહેસીલમાં આવેલી ભારત-પાકિસ્તાન સીમા પરના રામગઢ વિસ્તારમાં મારે ૪૮ કલાકમાં પહોંચાડવાની હતી. મારા કમાંડ નીચે બે પીઢ અને અનુભવી નાયબ સુબેદાર હતા. તેમને મેં કહ્યું, “લગભગ અશક્ય જેવું કામ આપણે બધાએ મળી શક્ય કરવાનું છે. આજથી આપણા માટે દિવસ દિવસ નથી અને રાતનું અસ્તિત્વ નથી. દિવસ રાત મહેનત કરી આપણે બ્રિગેડને રામગઢ પહોંચાડવાની છે. આ કરવા માટે આપણે એક સળંગ કૉન્વોય ન કરી શકીએ તો ચાલશે, પણ દરેક ઇન્ફન્ટ્રી બટાલિયનને તેમના અૅસેમ્બ્લી એરિયામાં સમય પહેલાં પહોંચાડવાની છે.”

લડાઇનો જુસ્સો એવો હોય છે કે તેમાં સૈનિકો પોતાના અંગત આરામ, સુખ કે ખાવા-પીવાનો વિચાર કરતા નથી. પહેલા તબક્કામાં મેં 5/9 ગોરખા રાઇફલ્સ અને 5મી જાટની પૂરી બટાલિયન તથા 8મી ગઢવાલ રાઇફલ્સની બે કંપનીઓ અને બટાલિયન હેડક્વાર્ટરને મારી ૭૫ ગાડીઓમાં ચડાવ્યા અને પઠાણકોટ, માધોપુર બ્રીજ, કઠુઆ, સાંબા અને બાજપુર થઇ રામગઢ પહોંચાડ્યા. રામગઢમાં એક કલાકનો આરામ કરી અમે બધાં ફરી પાછા પંજાબના કપુરથલા શહેરમાં આવેલા બ્રિગેડ હેડક્વાર્ટર જવા નીકળ્યા. કલાકોના સતત પ્રવાસ બાદ અમે બ્રિગેડ હેડક્વાર્ટરમાં પહોંચ્યા અને તરત 8 ગઢવાલ રાઇફલ્સની બાકીની કંપનીઓ તથા બ્રિગેડના અૉપરેશનલ કમાંડ હેડક્વાર્ટરને લઇ નીકળ્યા. અમારા જવાનો અને સરદારો-કોઇએ નિંદરની પરવા ન કરતાં સતત ૩૮ કલાક ગાડીઓ ચલાવી બ્રિગેડને પાકિસ્તાનમાં કૂચ કરવા માટે નક્કી કરેલા વિસ્તારમાં પહોંચાડી. ગુપ્તા અને હું વારા ફરતી જીપમાં બેઠા બેઠાં ઝોકાં ખાઇ લેતા હતા અને એકબીજાને આરામ આપી ગાડી ચલાવતા હતા. કૉન્વૉયનું નિયંત્રણ કરવા માટે, ખરાબ થયેલો ટ્રક ક્યાં અટકાયો છે, તેની તપાસ કરી આર્મર્ડ વર્કશૉપ ડીટેચમેન્ટને ખબર કરવા હું ૩.૫ લીટરની રૉયલ એન્ફીલ્ડ મોટર સાયકલ પર પુરપાટ ‘ઉડતો’ જ જતો હતો. ભગવાને મહેર કરી. તેમની કૃપાથી જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતું તે અમે ૩૮ કલાકમાં પૂરૂં કરી શક્યા. તે પણ અકસ્માત વગર!

અૉપરેશન નેપાલને હું કદી નહિ ભૂલી શકું.

૧૯૬૫ની લડાઇ વિશે અનેક પુસ્તકો લખાયા છે. ભાર્ગવ, માણકેકરનાં આધારભૂત પુસ્તકો તમે વાંચ્યા હશે, તેથી તેમણે સંશોધન કરીને કહેલી વાતોનું અહીં પુનરાવર્તન ન કરતાં જાતે અનુભવેલા પ્રસંગો કહીશ.

અમારી ડિવિઝનને રણ મોરચા પર જવાનો હુકમ મળ્યો ત્યારે અમારી ટૅંક્સને ટ્રેનમાં રાતના અંધકારમાં ટ્રેનના ખાસ રેક પર ચઢાવી, તેના પર તાડપત્રી ઢાંકવામાં આવી. ફક્ત ટૅંક્સની તોપનું નાળચું બહાર દેખાતું હતું. ટ્રેનોને ગુરદાસપુરના રસ્તે સીધી પઠાણકોટ લઇ જવાને બદલે વાયા અમૃતસરના લાંબા રસ્તે મોકલવામાં આવી.

પાકિસ્તાનના જાસુસો અમારી સમગ્ર હિલચાલ પર ધ્યાન રાખી રહ્યા હતા. જ્યારે ટ્રેન અમૃતસર પહોંચી ત્યારે સમગ્ર પ્રજાને લાગ્યું કે રાજાસાંસી એરપોર્ટનું રક્ષણ કરવા અૅન્ટી-એરક્રાફ્ટ તોપ આવી પહોંચી છે. જાસુસોએ તે મતલબના સંદેશ પાકિસ્તાન પહોંચાડી દીધા. પાકિસ્તાનને લાગ્યું આપણી આર્મર્ડ ડિવીઝનનો ઇરાદો અમૃતસરથી લાહોર પર હુમલો કરવાનો હતો. અમને ખબર પડવાનું સાધન હતું બોર્ડર પર થતા વાયરલેસ સંચાર પર નિગરાણી રાખવા અને પાકિસ્તાનમાં પસાર થતા સંદેશાઓનું ‘મૉનીટરીંગ’ કરવા ભારતીય સેનાના કોર અૉફ સિગ્નલ્સના ચતુર નિષ્ણાતો. અમૃતસરથી મોટા ભાગની સેન્ચુરીયન ટૅંક્સને ૩૨ પૈડાં વાળી વાહક ગાડી “Mighty Antar”માં ચઢાવવાને બદલે પોતાના ટ્રૅક (પાટા) પર ચાલીને ઠેઠ બાજપુર અને રામગઢ સુધી પહોંચી ગઇ. દુશ્મનને જરા પણ ખબર ન પડી કે આર્મર્ડ ડિવીઝન સાંબા જીલ્લામાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની છે.

અમારા ‘કૉન્સેન્ટ્રેશન એરિયા’માંથી અમે અમારી ગાડીઓમાં લૉરીડ બ્રિગેડને લઇ જતા હતા ત્યારે રસ્તામાં પડતા પંજાબના એકે એક ગામડાનાં અને શહેરના નાકા પર તોરણો અને ફુલ માળાઓથી સજાવેલી કમાનો અમે જોઇ. મોટાં હોર્ડીંગ્ઝ પર “ભારતી સેના ઝીંદાબાદ” ના સંદેશ લખાયા હતા. સડકની બન્ને બાજુએ અસંખ્ય લોકોની ભીડ અમને - સૈનિકોને પુરી, પરાઠાં અને તૈયાર શાક અને રાંધેલી સુકી દાળનાં પૅકેટ્સ આપતા હતા. સૌના મુખમાંથી અવાજ નીકળતો હતો, ‘જય હિંદ’, ‘ભારતી સેના ઝીંદાબાદ’, ‘જય જવાન, જય કિસાન’. સ્ત્રીઓ મોટેથી ઉચ્ચારતી હતી, ‘વીરજી, જંગ જીતકે અૌણાં..” (મારા વીર, મારા ભાઇ, લડાઇ જીતીને આવજો). હજારો દેશવાસીઓને અામ અમને પોરસ ચઢાવવા આવેલા જોઇ અમારો જુસ્સો અનેક ગણો વધી ગયો. અમારી પાછળ આખો દેશ સોએ સો ટકા ખડો છે તે જાહેર કરવા લોકોને આમ રસ્તા પર આવેલા જોઇ અમારી છાતી ગજ ગજ ફુલી હતી. સૈનિકોને તો હવે એક જ લગની લાગી હતી. દેશવાસીઓ અમારી સાથે હોય તો તેમની રક્ષા માટે સો વાર પણ બલિદાન આપવું પડે તો પણ અમે તૈયાર હતા. આ દૃશ્ય મારા મનમાં કાયમ માટે કોતરાઇ ગયું છે.

આજે આ પ્રસંગને યાદ કરૂં છું ત્યારે આંખ ભીની થાય છે. આવો હતો મારો દેશ!

મને પૂછશો મા કે હું અહીં ભૂતકાળ કેમ વાપરૂં છું. જવાબ આપતાં ઘણું દુ:ખ ઊપજશે. હું સહન નહિ કરી શકું.

7 comments:

 1. Thank you--This is very intersting chapter-wish I had the complete book-Very refreshing topic-I m sick and tired of "Sasu-Vahu-and Prem" stories-
  Keep it up Captain Saheb.

  ReplyDelete
 2. અૉપરેશન નેપાલને હું કદી નહિ ભૂલી શકું.

  Yes, We the, readers, will not forget that !....keep writing ! & you are invited to my Website.
  Dr. Chandravadan Mistry.
  www.chandrapukar.wordpress.com

  ReplyDelete
 3. "જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતું તે અમે ૩૮ કલાકમાં પૂરૂં કરી શક્યા. તે પણ અકસ્માત વગર!"
  બહુ ગમ્યું .. એન્જી. પ્રોજેક્ટ કરેલા આ જણને આ ચુસ્તી ગમી .

  Suresh

  ReplyDelete
 4. ભગવાને મહેર કરી. તેમની કૃપાથી, જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતુ તે અમે ૩૮ કલાકમાં પૂરૂં કરી શક્યા. તે પણ અકસ્માત વગર!

  નરેન ભાઈ,તમો એ સાચેજ મારા ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ નો ઉપદેશ જીવન મા ઉતારેલ છે. તેઓ હંમેશા કહે છે - " દરેક કાર્ય પરમ ક્રુપાળુ ઈશ્વર ને સાથે રાખી કરવું. ભગવાન આપણી સાથે
  ભળૅ ત્યારે અશક્ય કાર્ય પણ શક્ય બને છે " મનુસ્ય યત્ન મા જયારે જયારે ઈશ્વર ક્રુપા ભળે છે ત્યારે ચમત્કાર સરજાય છે.

  ReplyDelete
 5. મારા રુંવાડાં ખડી થઈ ગયાં. સાચે જ એ જુસ્સો પાછો લાવવાની જરુર છે.

  ReplyDelete
 6. Capt. Narendra,
  First time I read a line 'mane puchso ma....' on your blog, I know it must have some reason to write and also some deep damage inside too.
  Can I request to mail me on this?
  I hope this do not make u uneasy else, forget it.
  God be always with brave soldiers.
  I once tried to join Air Force but....its a diff story.

  ReplyDelete
 7. છેલ્લી પંક્તિઓ લખતી વખતે તમને ઘણી વેદના થઈ હશે, એને વાંચતી વખતે હું અંદરથી સળગી ગયો. તન્હાઈ કી એક આગ ઉધર ભી હૈ, એક આગ ઇધર ભી.
  હું તમારી એ વેદનાને મારે ખાતે ઉધરવા માંગુ છું. મને તમારા અવલોકનો વિસ્તારથી લખી મોકલો. તમે વન પ્રવેશ કરી લીધો છે અને હું હજી યુવાનીના ચોતરે બેઠો છું. શુદ્ધિકરણ માટે અંતરાત્માને તપાવવા મારે વેદનાની અગ્નિ હજુ જોઈએ છે.
  મારૂ એડ્રેસઃ himmatkataria@gmail.com

  ReplyDelete