Tuesday, June 29, 2010
હેમંતી દાસ
એક દિવસ સવારે જ મને અમારા એરીયા મૅનેજરે તેમની અૉફિસમાં બોલાવ્યો. મારા ટીમ લીડર લિઝ વેબ્સ્ટર પણ ત્યાં હાજર હતા. બન્નેનાં ચહેરા પર ચિંતાની રેખાઓ હતી.
“આજે પીટરની ક્લાયન્ટ મિસેસ દાસની કેસ કૉન્ફરન્સ છે. લિઝ અને મારૂં માનવું છે કે આ કેસમાં ‘એશિયન સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર’ તરીકે તમારી સલાહ ઘણી અગત્યની નીવડશે. કૉન્ફરન્સમાં જે નિર્ણય લેવાશે તેના પર એક મહિલાનું ભવિતવ્ય આધાર રાખે છે. તમારી સલાહ ઘણી ઉપયોગી નીવડશે.”
તેમણે મને ટૂંકમાં જે માહિતી આપી તે આ પ્રમાણે હતી.
ક્લાયન્ટનું નામ: હેમંતી દાસ. ઉમર: ૨૨ વર્ષ. પરિણીત. હેમંતીના લગ્ન લંડનમાં વસતા એક ભારતીય કોમના આગેવાન અને પ્રતિષ્ઠીત ગણાતા સદ્ગૃહસ્થ સાથે થયા છે. લગ્ન કરીને અહીં આવ્યા બાદ દોઢ વર્ષે તેને પુત્ર થયો હતો. એક દિવસ તે પોતાના છ-સાત મહિનાના પુત્રને લઇ દક્ષીણ લંડનના ટ્યુબ સ્ટેશન પર ગઇ. પુત્રને પ્લૅટફોર્મ પર એક બાંકડા પર બેઠેલી કેટલીક ભારતીય મહિલાઓ પાસે મૂક્યો અને દૂરથી આવી રહેલી ટ્રેનનો અવાજ સાંભળી તે પ્લૅટફોર્મના છેડા તરફ દોડવા લાગી. સદ્ભાગ્યે સ્ટેશનના એશિયન કર્મચારીને તેની હિલચાલ શંકાસ્પદ લાગી, અને અણીને વખતે તેને બચાવી લીધી. રડતાં રડતાં તેણે કહ્યું ‘મને મરવા દો. મારે હવે જીવવું નથી.’
લિઝ વેબ્સ્ટરે આગળ કહ્યું, “અત્યારે મિસેસ દાસને સેન્ટ ટોમસ હૉસ્પીટલના સિક્યૉર સાયકીઅૅટ્રીક વૉર્ડમાં નિરીક્ષણ માટે રાખવામાં આવી છે. કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટનું માનવું છે કે આ યુવતી acute but delayed post-natal depressionથી પીડાય છે. તેનું વલણ આત્મઘાતી છે. તે પોતાનો જીવ તો લેશે જ, તે ઉપરાંત તેના બાળકના જીવન માટે જોખમકારક હોઇ શકે છે. આ બધાં કારણો જોતાં તેને મેન્ટલ હેલ્થ અૅક્ટની ધારા મુજબ સાઇકીઅૅટ્રીક વૉર્ડમાં લાંબા ગાળના દર્દી તરીકે દાખલ કરવી જોઇશે. તેના બાળકને તેની દાદી તથા નણંદો પાસે રાખવું એવી વિનંતી તેના પતિએ કરી છે. આજની કેસ કૉન્ફરન્સમાં આ બધી વાતો વિશે નિર્ણય લેવામાં આવશે. મિસ્ટર જીના કેસમાં તમે કરેલા કામ બાદ આપણું ડીપાર્ટમેન્ટ તમારા અભિપ્રાયને મહત્વનું ગણશે.
આજની કેસ કૉન્ફરન્સમાં તમારૂં અહીં બેવડું કામ છે. એક તો એશિયન સ્ત્રીઓમાં આપઘાતની ઘટનાઓ પાછળ કોઇ કલ્ચરલ કારણો હોય છે કે કેમ તે વિશે માહિતી સાથે તમારે અભિપ્રાય આપવાનો છે. બીજું, તમારી નીમણૂંક Race Relations Act મુજબ થયેલી હોવાથી મિસેસ દાસ પ્રત્યે લેવાયેલા નિર્ણયમાં વર્ણભેદ દાખવવામાં આવ્યો નથી તે જોવાનું છે.”
કેસ કૉન્ફરન્સ બે કલાક બાદ હતી. મેં ઉતાવળે જ મિસેસ દાસની ફાઇલ જોઇ. હેમંતીના પતિનું નામ પુરુષોત્તમદાસ હતું તેથી તેની અટક અમારી અૅડમીન આસીસ્ટન્ટે ‘દાસ’ લખી હતી. હેમંતીની ઉમર ૨૦ વર્ષની હતી. પતિ ૩૨ વર્ષના. ‘રીફરલ’ મળ્યા બાદ પીટર તેને મળ્યો હતો. હેમંતીને અંગ્રેજી જરા પણ આવડતું નહોતું તેથી તેની નણંદે હેમંતીના દુભાષીયા તરીકે કામ કર્યું હતું. હેમંતીએ ગુજરાતીમાં આપેલા જવાબનું તેની નણંદે અંગ્રેજીમાં આપેલા જવાબના આધારે પીટરે નક્કી કરયું હતું કે તેની ફરી એક વાર મુલાકાત લેવી. નવાઇની વાત એ હતી કે હેમંતીના ‘માનસિક અસંતુલન’ વિશે આ જ નણંદે સોશિયલ સર્વિસીઝને ‘આપઘાત’ના પ્રસંગના બે અઠવાડીયા અગાઉ ફરિયાદ કરી હતી.
દુભાષીયાનો ઉપયોગ કરવા વિશે ચલાવાતા પ્રશિક્ષણમાં ચોક્ખું કહેવામાં આવે છે કે સામાન્ય રીતે આ કામ કરવા માટે કુટુમ્બીજનોનો ઉપયોગ ન કરવો. ઘણી વાર પરિવારને લગતી ખાનગી વાતોને છુપાવવા કુટુમ્બના માણસ સાચો જવાબ આપતા નથી. જે મહિલાએ હેમંતી વિશે પહેલાં ફરિયાદ કરી હતી તેનો જ ઉપયોગ દુભાષિયા તરીકે કરવામાં આવ્યો હોવાથી મને તેમના આશય પર શંકા આવી. જ્યાં સુધી આ કેસમાં હેમંતી સાથે ‘એશિયન સ્પેશીયાલીસ્ટ સોશિયલ વર્કર’ તરીકે આ બાબતમાં પૂરી તપાસ ન થાય ત્યાં સુધી આખરી નિર્ણય ન લેવો જોઇએ, એવી ભુમિકા સાથે હું કેસ કૉન્ફરન્સમાં ગયો.
કેસ કૉન્ફરન્સમાં નિષ્ણાતો તથા પોલીસ અધિકારી હાજર હતા. એક પછી એક નિષ્ણાતે પોતાનો અભિપ્રાય આપ્યો. પોલીસ કૉન્સ્ટેબલે કહ્યું કે હેમંતીએ બાળકના ગજવામાં ચિઠ્ઠી મૂકી હતી, તેમાં તેનાં સાસરિયાનું નામ અને સરનામું લખી બાળકને તેમના ઘેર પહોંચાડવાની ગુજરાતીમાં વિનંતી કરી હતી. હૉસ્પીટલના નિષ્ણાતે તેમણે અગાઉ આપેલ અભિપ્રાય પર ભાર મૂક્યો અને કહ્યું કે ગઇ કાલ સવારથી તેણે કશું ખાવાનો ઇન્કાર કર્યો છે. આ ભુખ હડતાલ તેની આત્મઘાતી વૃત્તિ દર્શાવે છે. આવી હાલતમાં તેને લાંબા ગાળાના ઇલાજ માટે ખાસ સાઇકીઅૅટ્રીક (આપણી ભાષામાંં મેન્ટલ) હૉસ્પીટલમાં દાખલ કરવી જોઇએ.
મારો વારો આવ્યો ત્યારે મેં મારી ભુમિકા રજુ કરી. અત્યાર સુધીમાં હેમંતીની માનસીક હાલતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમાં કોઇ પ્રોફેશનલ વ્યક્તિએ હેમંતી સાથે સીધી વાત કરી નહોતી. તેને જે કહેવું હતું તેનું ભાષાંતર તેની નણંદે કર્યું હતું. વૉન્ડઝ્વર્થ ટ્યુબ સ્ટેશન પરથી પોલીસ તેને હૉસ્પીટલમાં લઇ ગઇ ત્યારથી તેની સાથે તેની વાત સમજી શકે અને ડૉક્ટર કે પીટરને તેની વાત સમજાવી શકે તેવા તાલિમબદ્ધ ગુજરાતી ભાષી ઇન્ટરપ્રીટરની સેવા તેને મળી નહોતી. આ કારણસર કેસ કૉન્ફરન્સના નિર્ણયો ગેરકાયદેસર અને નૈતિક રીતે અયોગ્ય ગણાય, તેવી રજુઆત કરી. ત્યાર બાદ કૉન્ફરન્સમાં હાજર વ્યક્તિઓને ગુજરાતમાં પરિણીત સ્ત્રીઓના આપઘાત પાછળના સામાજીક કારણ જણાવ્યા. મારી વાત સાંભળી કેસ કૉન્ફરન્સના અધ્યક્ષે પોતાનો ફેંસલો જણાવ્યો.
દસ દિવસની અંદર પીટર અને જીપ્સી હેમંતીની મુલાકાત લઇ, તેની પૂરી હાલતનો અહેવાલ તૈયાર કરે. હાલની કેસ કૉન્ફરન્સ બે અઠવાડીયા માટે મોકૂફ રાખવામાં આવે. ફરી યોજાનારી મિટીંગમાં નવા અહેવાલના આધારે નિર્ણય લેવામાં આવે.
બીજા દિવસે પીટર અને જીપ્સી સેન્ટ ટૉમસમાં ગયા. સાઇકાએટ્રીક નર્સ અમને હેમંતી પાસે લઇ ગઇ.
હેમંતીને જોઇ હું આશ્ચર્ય પામી ગયો. તેની માનસિક હાલતનું જે વર્ણન તેની નણંદે કર્યું હતું તેના પરથી અમે ધાર્યું હતું કે વિખરાયેલા વાળ સાથે ઘેલછાભરી હાલતમાં કોઇ સ્ત્રી અમારી પાસે આવશે. અમારી પાસે આવેલી હેમંતી નહાઇ-ધોઇ સ્વચ્છ અને સુઘડ રીતે તૈયાર થયેલી હતી. તેનું મ્હોં સુકાયેલું હતું. હૉસ્પીટલમાં મોટા ભાગના દર્દીઓ તથા કર્મચારીઓ અંગ્રેજ કે આફ્રીકન-કૅરીબીયન હતા. હેમંતી એકલી ભારતીય પેશન્ટ હતી તેથી તે અત્યંત ગભરાયેલી સ્થિતિમાં હતી. મને જોઇ તેના ચહેરા પર થોડી ખુશી જણાઇ. ત્યાર પછી પીટર અને હેમંતી વચ્ચે થયેલા વાર્તાલાપનું મેં ભાષાંતર કર્યું તે આ પ્રમાણે હતું:
“તમે ગઇ કાલથી ભુખ હડતાલ પર ઉતર્યા છો?”
“જી ના. ગઇ કાલે નિર્જળા એકાદશી હતી. પરમ દિવસે પોલિસ મને અહીં લઇ આવી ત્યારથી કંઇ ખાઇ શકી નહોતી, કારણ કે અહીં બધી સ્ત્રીઓને માંસ-મચ્છી જેવું ભોજન આપ્યું હતું. હું મરજાદી વૈષ્ણવ છું. મારાથી અભડાયેલું ભોજન ન લેવાય. ગઇ કાલે રહેવાયું નહિ તેથી ચ્હાની એક પ્યાલી લીધી હતી, પણ એકાદશીને કારણે કશું ખાધું નહિ. આજે નાસ્તામાં એક સફરજન લીધું છે. તમે ગુજરાતી છો ને? મને અહીંથી છોડાવી મારા બાબા પાસે લઇ જાઓ ને!”
“તમે શા માટે આપઘાત કરવા જતા હતા?”
આનો જવાબ હેમંતીએ આપ્યો તેનો અહીં સારાંશ જ આપીશ.
પુરુષોત્તમદાસ તેમના સંપ્રદાયના ધર્મગુરૂ છે. તેમનાં પહેલાં પત્નિને કોઇ બાળક નહોતું થતું તેથી તેમના બાદ તેમની ગાદી સંભાળવા માટે વારસ જોઇતો હતો. બે વર્ષ પર તેમનું અવસાન થયા બાદ પુરુષોત્તમદાસ ભારત ગયા અને તેમની જ્ઞાતિમાંથી કન્યા શોધવા લાગ્યા. કોઇ કારણસર તેમને કોઇ કન્યા આપવા તૈયાર નહોતું. હેમંતીના પિતા અત્યંત ગરીબ હતા. તેમને કહેવામાં આવ્યું કે લગ્ન બાદ તેમની ત્રણે દિકરીઓ તથા પુત્રની જવાબદારી જમાઇ લેશે. હેમંતીના લગ્નનો અને તેને લંડન લઇ જવાનો બધો ખર્ચ દાસ પરિવાર ઉપાડી લેશે. બન્નેના વયમાં તફાવત હોવા છતાં સમગ્ર પરિવારનો વિચાર કરી હેમંતી લગ્ન માટે તૈયાર થઇ.
લગ્ન બાદ લંડન આવતાં તેને મિસ્ટર દાસની પારિવારીક હાલતનો ખ્યાલ આવ્યો. તેમની બે બહેનો પાંત્રીસીની આસપાસ પહોંચી હોવા છતાં તેમના સ્વભાવને કારણે તેમની સાથે લગ્ન કરવા મુરતીયો મળતો નહોતો. એક પરિણીત બહેન દિવસનો મોટા ભાગનો સમય પીયર ગાળતા હતા. આવા મોટા પરિવારની રસોઇ, વાસણ, કપડાં, સાસુમાની સેવા તથા પતિ માટે પૂજા-અર્ચાની જવાબદારી હેમંતીને માથે આવી. એક વર્ષ બાદ તેને દિકરો થયો તેની ખુશીમાં તેમના સંપ્રદાયના ભક્તોએ મોટી મોટી ભેટ અને ઘરેણાં ‘માતાજી’ને આપ્યા. હેમંતીને તેઓ માતાજી કહેતા હતા, અને પુરુષોત્તમદાસજીને મહારાજ.
બાળક છ મહિનો થતાં દાદીમા અને બધી ફોઇઓએ તેનો કબજો લીધો. હેમંતી ગામડામાંથી આવેલી હોવાથી તેમને ભક્તગણ આગળ લઇ જવામાં નાનમ લાગવા લાગી. સાસરિયાનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો કે હેમંતીએ પતિ પાસે માગણી કરી કે તેને લઇ જુદા રહેવા જાય. કેટલા ‘ભક્તો’ની નજરમાં પણ આ વાત આવી હતી. તેમાંના એક ભક્ત પાસે મોટું મકાન હતું. તેમાં જુદો ફ્લૅટ બનાવી આપ્યો અને મહારાજ તથા માતાજીને ત્યાં પધારવા વિનંતિ કરી. અંતે મહારાજ તૈયાર થયા. જુદા રહેવા ગયા, પણ ઘરમાં હેમંતી વિરૂદ્ધ આક્રોશ થયો. મિસ્ટર દાસ દિવસે કામ પર, સાંજે માને ઘેર અને મોડી રાતે હેમંતી અને બાળક પાસે જતા. વહેલી સવારે કામ પર. હા, ‘એ’ લેવલ્સ સુધી ભણેલા હોવાથી બૅંકમાં નોકરી કરતા હતા અને બાકીનો સમય સંપ્રદાયના વડા તરીકે ગાળતા.
મહારાજ કામ પર જાય ત્યારે બન્ને નણંદો હેમંતીને ઘેર જઇ તેના પર ફિટકાર વરસાવતી. “અમારા પરિવારની શાંતિમાં ભંગ પડાવનારી, તને એવો પાઠ ભણાવીશું કે તારી પાસેથી તારો છોકરો લઇ તને તારા બાપના ઘેર મોકલી આપીશું,” એવી ધમકી અપાવા લાગી.
મોટી નણંદ બ્રિટનના સોશિયલ સર્વિસીઝ ખાતાની સેવાઓથી પૂરી રીતે પરિચિત હતી. તેણે અમારી અૉફિસમાં ફરિયાદ કરી કે તેમની ભાભી ઘેરા ડીપ્રેશનથી પીડાય છે અને તેના બાળકની જીંદગી તેના હાથમાં સલામત નથી. તેની માનસિક હાલતનું ‘એસેસમેન્ટ’ કરવું જોઇએ, અને જો એવું જણાય કે તેની માનસિક હાલત ખરાબ છે, બાળકની દાદીમા અને ફોઇઓ તથા પિતા તેને સારી રીતે સાચવશે. હેમંતીને લાંબા ગાળા માટે સાઇકાએટ્રીક સારવાર આપવામાં આવે, અને જરૂર જણાય તો પરિવાર તેને પોતાના ખર્ચે ભારત પાછી મોકલવા તૈયાર છે.
આ કેસ પીટરને અપાયો. પીટર જમેકાનો આફ્રિકન-કૅરીબીયન હતો. છ ફીટ ઉંચો, કદાવર શરીરનો પીટર જ્યારે હેમંતીને મળવા ગયો અને કહ્યું કે તે સોશિયલ સર્વિસીઝ તરફથી તેની હાલત જોવા ગયો છે, તેને જોઇને હેમંતી ગભરાઇ ગઇ. તેણે આવડતા હતા તે ચાર-પાંચ અંગ્રેજી શબ્દોમાં પીટરને કહ્યું: No English. Gujarati speaking please! પીટરે ટેલીફોન કરી હેમંતીની નણંદને દુભાષિયાનું કામ કરવા બોલાવી. અહીં સૌને ખ્યાલ આવી શકે છે પીટરને કેવા જવાબ મળ્યા હશે.
પીટરે તેને જણાવ્યું: વધુ તપાસ માટે તે બે દિવસ પછી પાછો આવશે. સાથે મેન્ટલ-હેલ્થ સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર તથા trained interpreter હશે જેથી તેની હાલત વિશે કોઇ વિચાર કરી શકાય. આનું ભાષાંતર નણંદબાએ કર્યું, “બે દિવસ પછી અમે પાછા આવીશું અને તારા બાબાને લઇ જઇશું. તારી રવાનગી મેન્ટલ હૉસ્પીટલમાં કરાવીશું.”
તેમના ગયા બાદ આખો દિવસ હેમંતીએ રડવામાં કાઢ્યો. સાંજે પતિનો ફોન આવ્યો કે રાતે તેઓ માને ઘેર રહેવાના છે. રાતે તે વિચાર કરવા લાગી કે દેશમાં ખબર પહોંચે કે હેમંતી ગાંડી થઇ છે અને તેને મેન્ટલ હૉસ્પીટલમાં મૂકવામાં આવી છે, તો તેની બહેનો સાથે કોઇ લગ્ન નહિ કરે. આખો પરિવાર બરબાદ થઇ જાય. અંતે તેને થયું કે જો તે આપઘાત કરે તો બધી સમસ્યાનો અંત આવે. સવારે નાહી, બાળકને નવરાવી, દૂધ પાઇ તે તૈયાર થઇ ગઇ. શરીર પરનાં ઘરેણાં ઉતાર્યા અને ઘરધણીની પત્નિને સાચવવા આપ્યા. એક કાગળમાં સાસરિયાનું ગુજરાતીમાં સરનામું લખી, બાબાના સ્વેટરના ખીસામાં મૂક્યું અને વૉન્ડ્ઝવર્થ ટ્યુબ સ્ટેશન પર ગઇ. ત્યાં પ્લૅટફૉર્મના એક બાંકડા પર બેસેલી કેટલીક ગુજરાતી સ્ત્રીઓ પાસે બાબાને મૂકીને કહ્યું, “હું લેડીઝ રૂમમાં’ જઇ આવું છું ત્યાં સુધી આનું ધ્યાન રાખજો,” અને તે પ્લૅટફૉર્મના છેડા તરફ ચાલવા લાગી. ત્યાં તેને સ્ટેશન અૅટન્ડન્ટે બચાવી, પોલીસને બોલાવી અને સેન્ટ ટૉમસ હૉસ્પીટલમાં મોકલવામાં આવી.
પીટર આ સંાભળી ચકિત થઇ ગયો. “My God! This could have resulted in such a disaster! I cannot believe that people could go to such low level!” તેણે તરત રજીસ્ટ્રાર સાથે પૂરી વાત કરી. તેને પણ નવાઇ લાગી. બે દિવસ તે હૉસ્પીટલમાં રહી તે દરમિયાન ડ્યુટી ડૉક્ટર, નર્સ તથા અન્ય અૅન્સીલરી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણના રિપોર્ટમાં તેની વર્તણૂંક નૉર્મલ હતી. કેવળ ખાવા-પીવાની બાબતમાં તેણે ફળ સિવાય બીજી કોઇ વસ્તુ લીધી નહોતી. સવાર-સાંજ પ્રાર્થના કરતી હતી, સ્વચ્છતાની બાબતમાં પૂરતી કાળજી રાખતી હતી. આ બધું જોતાં તેણે કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટની રજા લઇ હેમંતીને ડિસ્ચાર્જ કરવાની રજા આપી. આમ પણ કોઇ માનસિક હાલતના પેશન્ટને ૪૮ કલાક કરતાં વધુ રાખવાના હોય તો કોર્ટની રજા લેવી પડે. પીટરે અમારા એરીયા મૅનેજર સાથે વાત કરી અને હેમંતીની વ્યવસ્થા અમારા ખાતાએ માન્ય કરેલ પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું. તેમણે મંજુરી આપી.
અમારા સમયમાં એશિયન સોશિયલ વર્કર્સનું અમે મંડળ બનાવ્યું હતું. અમારી પાસે આવતા અસીલો માટે મંડળ તરફથી એક સંસ્થા સ્થાપી હતી: “બાપનું ઘર”. અહીં અમે પોલીસ ખાતા તરફથી clearance મેળવેલા અને પૂરી રીતે ચકાસવામાં આવેલા પરિવારો પાસે ડોમેસ્ટીક વાયોલન્સનો ભોગ બનેલી અમારી અસીલ બહેનોને થોડા સમય માટે રહેવા મોકલતા હતા. આવી વ્યવસ્થા પૂરી પાડનાર પરિવારોને અમારા ડિપાાર્ટમેન્ટ પાસેથી સારી રકમ આપવામાં આવતી. અમે હેમંતીને આવા પરિવાર પાસે રહેવા મોકલી. થોડા દિવસ સાઇકાઅૅટ્રીક નર્સ તેની મુલાકાત લેતી રહી અને જે પરિવાર સાથે રહેતી હતી તેમની પાસેથી તેની દૈનંદિની તથા વર્તણુંકનોે અહેવાલ મેળવતી રહી. પીટર અને હું તેને મળવા બે વાર ગયા હતા.
બીજી વાર થયેલી કેસ કૉન્ફરન્સમાં પીટર તથા મેં રિપોર્ટ આપ્યો. સેન્ટ ટૉમસ હૉસ્પીટલ દ્વારા મોકલવામાં આવેલા લેખિત રિપોર્ટ, હેમંતીની હાજરી તથા તેને પૂછવામાં આવેલા પ્રશ્નોના અપાયેલા જવાબને આધારે એવો નિર્ણય લેવાયો કે હેમંતી માનસિક રીતે પૂર્ણત: સ્વસ્થ છે. તેના તરફથી બાળકને કોઇ ભય નથી અને બાળકને તેની પાસે રહેવા દેવામાં આવે. તે દિવસની મિટીંગમાં દાસમહારાજ પણ હાજર હતા. તેમણે કોઇ વિરોધ દર્શાવ્યો નહિ. તેમણે એટલું જ કહ્યું કે અત્યારે તેમની પાસે જુદા રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી મકાન મળે ત્યાં સુધી કાયદા પ્રમાણે હેમંતીની વ્યવસ્થા કાઉન્સીલનું હાઉસીંગ ડિપાર્ટમેન્ટ અને સોશિયલ સર્વિસીઝ કરે! અમે તેની જવાબદારી લીધી.
કેસ કૉન્ફરન્સ પૂરી થઇ. અમને સંતોષ થયો કે એક નિર્દોષ યુવતિને માનસિક અત્યાચાર અને પારિવારીક ષડયંત્રનો ભોગ થતાં બચાવી.
અંતમાં શું થયું તે જાણવું છે?
કાઉન્સીલના હાઉસીંગ ડિપાર્ટમેન્ટ તરફથી એક નવા બ્લૉકમાં હેમંતીને બે બેડરૂમનો ફ્લૅટ મળ્યો. તેની પોતાની કોઇ આવક ન હોવાથી તેનું પૂરૂં ભાડું કાઉન્સિલ આપવા લાગી. દાસમહારાજને અમે પત્ર લખ્યો કે બાળકની સંભાળ માતા રાખે અને જો તેમને કસ્ટડી અંગે કોઇ શંકા હોય તો અમે કોર્ટ પાસે તેવી રજા લેવા તૈયાર છીએ. બીજી તરફ દાસમહારાજના સંપ્રદાયના મુખ્ય ભક્તને જાણ થઇ કે ‘માતાજી’ ફ્લૅટમાં રહેવા ગયા છે, તેમણે ઉંચી જાતનું ફર્નિચર, ફ્રીજ વિગેરેની વ્યવસ્થા કરી આપી. તેમણે દાસમહારાજને વિનંતી કરી કે તેમની ગાદીને વારસ આપનાર માતાજી પાસે રહેવા જવું જોઇએ. બાળકની સારી સંભાળ તેની મા જ લઇ શકે. અંતે પરિવારને છોડી, પુત્રને લઇ તેઓ હેમંતી સાથે રહેવા ગયા.
એક દિવસ કામ પર જવા હું બસ સ્ટૉપ પર ઉભો હતો. અચાનક મારી પાસે એક જૅગુઆર આવીને ઉભી રહી. બારીનો કાચ નીચે ઉતર્યો અને હેમંતીનો સ્મિતભર્યો ચહેરો નજર આવ્યો. દાસમહારાજ ગાડી ચલાવી રહ્યા હતા. તેમનો બાબો પાછલી સીટમાં સિક્યૉર કરેલ બેબીસીટમાં આરામથી ઉંઘી રહ્યો હતો. મને તેમણે રાઇડ આપવાની અૉફર કરી. મેં આભાર સાથે ના કહી. તેમના અને દાસમહારાજના ચહેરા પરના આનંદને જોઇ ખુશી ઉપજી. મારી આંખ થોડી નબળી હતી, તેથી મને એવો આભાસ થયો કે હેમંતીની આંખમાં ઝળઝળીયાં હતા.
આ તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત હતી.
(Disclaimer: બ્રિટનના સોશિયલ વર્કરના સત્ય અનુભવોનું અહીં સંકલન કરવામાં આવ્યું છે. કોઇ એક પરિવારનું અહીં દર્શન કરાવાયું નથી. નામ અને સ્થળ કાલ્પનિક છે.)
Saturday, May 22, 2010
શબ્દ અને ચિત્ર - ૨





નવેમ્બરમાં મેં એક મહિનાની રજા લીધી. તે જ દિવસે મારા કમાન્ડીંગ અૉફિસર સુરજીતસિંહ પણ દસ દિવસની રજા પર ઉતર્યા. તેમનાં પત્ની તેમની સાથે હતા અને શિયાળાની તકલીફમાંથી બચવા તેઓ તેમને પતિયાલા મૂકવા જઇ રહ્યા હતા. અમે બધા એક જીપમાં નીકળ્યા. પ્રથમ સાધના પાસને પાર કરી તળેટીએ આવેલ ચૉકીબલ પહોંચવાનું. ત્યાંથી શ્રીનગર. કર્ણાથી નીકળતી વખતે વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. સોનેરી તડકામાં જબરી હૂંફ હતી. અમે અફસરોએ સાદા ગરમ શર્ટ અને પૅન્ટ પહેર્યા હતા. સ્વેટર પહેરવા જેટલી ઠંડી નહોતી. સીઓના પત્નિએ સુતરાઉ શલવાર-કમીઝ અને પગમાં પટિયાલાની સુંદર, નક્ષીદાર પાતળી મોજડીઓ પહેરી હતી. બધા રજા માણવાના આનંદમાં કૅમ્પમાંથી બહાર નીકળ્યા.
બટાલિયનથી અમે લગભગ ૮૦૦૦ ફીટની ઉંચાઇએ પહોંચ્યા કે બરફ પડવાની શરૂઆત થઇ. સીઝનનો પ્રથમ બરફ! નાનકડા બાળકના અંગ પર પાઉડર છાંટીએ તેવો મૃદુ છંટકાવ જોઇ મિસેસ સિંહે હાથ બહાર કાઢી તેનો આનંદ લીધો. અમારી જીપ ધીરે ધીરે ચઢાણ પર જતી હતી અને ઝીણા પાવડર જેવો બરફ હવે મોતી જેટલો મોટો થયો. જાણે અમારી રજાને મોતીડે વધાવવા નિસર્ગ મોતીઓ ઉછાળી રહ્યું હતું. નવ હજાર ફીટની ઉંચાઇએ પહોંચ્યા ત્યાં તો હિમવર્ષાની તીવ્રતા વધી ગઇ. જીપના વિન્ડ-સ્ક્રીન પર હવે દુધની મલાઇ પડતી હોય તેવું લાગ્યું. અચાનક હવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બરફનું વાવાઝોડું શરૂ થઇ ગયું. અમે એવી જગ્યાએ હતા જ્યાંથી ન તો અમે નીચે હેડક્વાર્ટર જવા માટે ગાડી પાછી વાળી શકતા હતા, ન કે ઉપર આવેલા સાધના પાસ પર જઇ શકતા હતા. “દૂધની મલાઇ” હવે એવા વેગથી આવીને પડવા લાગી કે જાણે વિંડસ્ક્રીન પર મલાઇથી થપાટ મારી રહ્યું હતું. કાચ પર મલાઇ જામવા લાગી. વાઇપર કામ કરતા બંધ થઇ ગયા. અમને રસ્તો પણ દેખાતો બંધ થઇ ગયો. અમારે હજી ૫૦૦-૬૦૦ ફીટની ઉંચાઇ કાપવાની બાકી હતી અને જીપ બંધ પડી ગઇ.
અમારી પાસે ફક્ત એક જ પર્યાય બાકી રહ્યો હતો: આ છસો ફીટની ઉંચાઇ પગપાળા ચઢવી. બરફનું તોફાન હવે ઉગ્ર થયું. સૂર્યદેવ તો ઘનઘોર આકાશ પાછળ કેદ થયા હતા. બરફની આંધી અને તોફાનમાં અંધારાનો સમાવેશ થયો. તંગધારમાં આવ્યા બાદ અમને કહેવામાં આવ્યું હતું કે અહીંના હવામાન પર કદી પણ વિશ્વાસ ન કરવો. ક્યાંય જતાં પહેલાં બ્રિગેડ હેડક્વાર્ટર્સના સિગ્નલ્સ ડીટૅચમેન્ટના મેજર પાસેથી હવામાનનો વર્તારો લીધા વગર નીકળવું નહિ એવું કહેવામાં આવ્યું હતું. અમને લાગ્યું કે આવું તો ડીસેમ્બરથી માર્ચ કે એપ્રિલ દરમિયાન કરવું પડે. આ તો નવેમ્બર મહિનો હતો! અમે નીકળ્યા ત્યારે ખુલ્લા આકાશમાં પ્રકાશી રહેલા સૂર્યનાં કિરણો અમને એવું લોભાયમાન વચન આપી રહ્યા હતા કે આવું હવામાન ચાલુ રહેશે. એવું લાગી રહ્યું હતું કે બે-ત્રણ કલાકમાં સાધનાનો ઘાટ પાર કરીને ત્યાંથી શ્રીનગરના નિશાત બાગ પાસે આવેલ અમારા કૅમ્પમાં રાતવાસા માટે પહોંચી જઇશું. આવા સ્વપ્નોમાં રાચતા અમે નીકળ્યા હતા અને....
વાતાવરણની વણસેલી પરિસ્થિતિ જોઇ અમારા સીઓ સાહેબે હુકમ આપ્યો કે બધા ચાલીને સાધના પાસના શિખર પર પહોંચી જઇએ. ત્યાં અફસરો તેમજ જવાનો માટે લાકડાનાં આવાસ બનાવવામાં આવ્યા હતા. અચાનક બદલાતા હવામાનનો ભોગ આપણા સૈનિકો ન બને તે માટે સાધના પાસ પર આ કૅમ્પ બનાવવામાં આવ્યો હતો. અમે અફસરોએ નાયલૉનનાં મોજાં તથા સાદા બૂટ પહેર્યા હતા. મિસેસ સિંહે તો કેવળ મોજડી પહેરી હતી. જીપને રસ્તામાં મૂકી અમે પગપાળા પહાડ પર ચઢવાની શરૂઆત કરી. બરફની ‘મલાઇ’ અમારા ચહેરા પર જાણે ગોફણમાંથી વિંઝાઇને આવી પડતા ગારાની જેમ આવી પડતી હતી. લોકો જેને ઝર્લાની બલા કહેતા હતા તે આ જ હતી એવું લાગ્યું. મુલાયમ લાગતી સફેદ હથેળીથી ઝર્લાની બલા જાણે અમને થપ્પડ પર થપ્પડ ન મારતી હોય! સૂસવાટા કરતા પવનમાં અમે ઉડીને ખીણમાં તો નહિ જઇ પડીએ એવો ડર લાગી રહ્યો હતો. આ એવો અકથ્ય અનુભવ હતો જેને કહેવાનો પ્રયત્ન કરીએ તો કોઇ માનવા તૈયાર ન થાય. અમારા સીઓનાં પત્નિ મિસેસ સિંહના પગ એવા તો ઠરી ગયા હતા કે તેમનાથી એક પણ પગલું ભરી શકાતું નહોતું. દરેક પગલું માંડતાં તેઓ કણસતા હતા અને રોતાં હતાં: “હાયે રબ્બા, મૈં મર ગઇ! વાહે ગુરૂ, તું હી બચા, હાયે મૈં મરી જા રહીં હાં, રબ્બા તું હી બચા.....” અમારાથી તેમની વ્યથા સહન નહોતી થતી. એક એક ડગલું ભરવામાં અમને એટલી તકલીફ થતી હતી જેનું વર્ણન કરવું અશક્ય છે. અમે તો કેળવાયેલા સૈનિક હતા. મિસેસ સુરજીતસિંહ તો અબલા હતા. સૌને આ સહન કર્યા વગર છૂટકો નહોતો.
થોડું અંતર ચાલ્યા બાદ ઘનઘોર બરફવર્ષામાં પણ અમને પહાડ ઉપરથી નીચે આવતી બૅટરીઓનો ઝાંખો પ્રકાશ દેખાયો. અમે કર્ણાથી સાધના જવા નીકળ્યા હતા તેનો બ્રિગેડથી વાયરલેસ પર સાધનાના કૅમ્પ કમાન્ડરને સંદેશ ગયો હતો. તેથી જ ત્યાંથી બચાવ કરનારી ટુકડી અમારી તરફ આવી રહી હતી. અર્ધા કલાકમાં તેઓ અમારી પાસે આવી પહોંચ્યા. અમારા માટે તેઓ પર્કા કોટ, બરફમાં પહેરવાના મોટા ચશ્મા લઇ આવ્યા અને અમને થર્મૉસમાંથી ગરમ ચ્હા આપી. અમારો સામાન ઉપાડવા માટે તેઓપોર્ટર્સ લાવ્યા હતા. હવે બચાવ ટુકડી અમને મારગ બતાવીને આગળ ચાલવા લાગી. એક કલાક બરફના તોફાનમાં ચાલીને અંતે અમે સાધનાના કૅમ્પમાં પહોંચ્યા. સાધના પર અમને ત્રણ દિવસ રહેવું પડ્યું. ચોથા દિવસે અમને લેવા આવેલ વાહન સાધનાનો ઘાટ ચઢી શકે તેમ નહોતું, તેથી શ્રીમતિ સિંઘ સમેત અમને સહુને સ્નો બૂટ, સ્નો ગૉગલ્સ અને પર્કા કોટ પહેરીને જીપ સુધી ચાલવું પડ્યું. આનું વર્ણન છબીઓ જ કરશે.
અહીં છબીઓને ક્રમ વાર ઉતારી શક્યો નથી, પણ જોઇને ખ્યાલ આવશે કે જીપના ચિત્રોમાંની એક છબી પર બરફનાં ‘અમી છાંટણા’દેખાશે અને બીજા ચિત્રમાં તેનું વિકરાળ થતું જતું સ્વરૂપ છે. તોફાન મધ્યાહ્ને પહોંચ્યું તેની પરવા કર્યા વગર કુમાયૂં બટાલિયનની ૩જી બટાલિયનના સીઓ કર્નલ નાયર અમારી ખુશહાલી જોવા આવ્યા. બીજી છબીમાં અમને બચાવવા આવેલા કુમાયૂંની જવાનોની તોફાન શમ્યા બાદ લીધેલી છબી. છેલ્લી છબી છે તોફાન શમ્યા બાદ એક કિલોમીટર દૂર રહેલ વાહન સુધી અમારે ચાલતા જવું પડ્યું. સૌથી આગળ છે શ્રીમતી સુરજીતસિંહ. તેમને પણ મિલિટરીનો પોશાક પહેરવો પડ્યો હતો! (એક સિવાય) બધી છબીઓ લેનાર: જીપ્સી.
Thursday, May 20, 2010
શબ્દ અને ચિત્ર
તો ચાલો, આપનણે સ્મૃતીવનમાં જઇએ!
ચિત્રોનો ક્રમ નીચેથી ઉપર: (૧) વસંત ઋતુમાં પ્રસ્થાન. અહીં પોશાક જુદો છે! (૨) શિયાળામાં ૧૩૪૦૦ ફીટની ઉંચાઇએ આવેલ "વિમલા" ચોકી પર જતો 'જીપ્સી'. (૩) ચોકી પર પહોંચીને તેજ ક્રિશન ભટ્ટ સાથે. હવે પોશાક પણ બદલાયો છે. (૪) 'જીપ્સી'નું રહેઠાણ.
વધુ ચિત્રો આવતા અંકમાં!



Saturday, November 14, 2009
"રેડ ઓવર રેડ! રિપીટ, રેડ ઓવર રેડ"
આજની વાત એવા અફસરો અને જવાનોની છે જે સમયના પુસ્તકના પાનાંઓમાં ખોવાઇ ગયા છે. દુશ્મન સામે બહાદુરીથી જંગ જીતનારા રણમેદાનમાં મૃત્યુ પામેલા કે જીવિત રહેનારા સૈનિકોને પ્રજાસત્તાાક દિવસની ઉજવણી સમયે અપાયેલા બહાદુરીના ચંદ્રકોના લિસ્ટમાં તેમનાં નામ છાપાંઓમાં છપાય છે. અખબારમાં "સ્થળના અભાવે" જીવનની અંતિમ પળ સુધી લડનારા અને પોતાની રક્ષાપંક્તિ ન છોડનારા યોદ્ધાઓએ પોતાની ફરજ કેવી રીતે નિભાવી હતી તેની પૂરી વાત ભાગ્યે જ છપાતી હોય છે. આવા રણબંકાઓને આપણે જાણતા નથી.
જીપ્સી એ નથી કહેવા માગતો કે જે શહીદ થયા છે એમની કુરબાનીને યાદ કરી દરરોજ આંસુ વહાવતા રહીએ. વર્ષમાં એક વાર શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોને યાદ કરી તેમને અંજલિ આપીએ, તેમ આપણાં સૈનિકોને એકા’દ વાર યાદ કરી તેમના પ્રત્યે ઋણ અથવા ગૌરવની ભાવના આપણા અને આપણા વારસોના મનમાં જન્માવી શકીએ તો આપણા સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે.
‘જીપ્સીની ડાયરી’માં આપે બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલા જીપ્સીની વાતનો અનુભવ કર્યો હતો. બુર્જ પરથી દુશ્મનની ૪૩મી બલૂચ રેજીમેન્ટને આપણી સેનાએ ૬ ડીસેમ્બર ૧૯૭૧ના ભારતભુમિ પરથી તગેડી મૂક્યા હતા. આ કારમી હાર તેઓ ભુલી શક્યા નહોતા. તેમનું લક્ષ્ય હતું અમૃતસર. તેઓ અમૃતસર જતી પાકી સડક પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તેની સંભાવના ઓછી થઇ નહોતી. આપણી બુર્જ ચોકીની સામે પાકિસ્તાનની ફતેહપુર નામની ચોકી ધુસ્સી બંધને લગભગ અડીને જ બંધાઇ હતી. દુશ્મનની આ ચોકી ભારતની મુખ્ય ભુમિ -mainland સાથે જોડાયેલી હતી. રાવિ નદીનો વળાંક પાકિસ્તાનમાં ઉંડે સુધી ગયો હતો તેથી તેમની સેના અને જરૂર પડે તો ટૅંક્સને પાર કરવા કોઇ અટકાવી શકે તેમ નહોતું. વળી રાવિના કિનારા પર સરકંડા (elephant grass)ના ૮થી ૧૦ ફીટ ઉંચા ઘાસના જંગલમાં તેમની હિલચાલ જોઇ શકાતી નહોતી. બુર્જમાં હાર પામ્યા બાદ દસ દિવસ સુધી તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો, તેનો અર્થ એવો નહોતો કે આપણી સેના આરામ કરવા લાગી હતી. યુદ્ધનું મુખ્ય અંગ હોય છે patrolling. આ અભિયાનમાં આપણી ટુકડીઓ કોઇ કોઇ વાર દુશ્મનના પ્રદેશમાં પણ જઇને તપાસ કરતી હોય છે કે તેમની સેના કોઇ હિલચાલ કરી રહી છે કે કેમ. આ અત્યંત ખતરનાક અભિયાન હોય છે, જેમાં આપણી આખી ટુકડી દુશ્મને લગાવેલ માઇનફીલ્ડમાં કે તેમના સાણસા વ્યૂહની ઘાતમાં સપડાઇને કતલ થઇ શકે છે. કારગિલમાં કૅપ્ટન સૌરભ કાલીઆની પૅટ્રોલ પાકિસ્તાનીઓના વ્યૂહમાં સપડાઇ ગઇ હતી અને તેમની તથા તેમના બધા સૈનિકોની દુશ્મને ક્રૂર અને ઘાતકી રીતે રીબાવીને હત્યા કરી હતી.
બુર્જની લડાઇ બાદ કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન આપણી ટુકડીએ જોયું કે પાકિસ્તાનની એક બટાલિયન તેમની ફતેહપુર ચોકી પર જમા થઇ રહી હતી. આનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો. તેઓ ફતેહપુરને Firm Base (લૉચીંગ પૅડ) બનાવી ત્યાંથી ભારત પર હુમલો કરવા માગતું હતું. ત્યાંથી અમૃતસર જતી પાકી સડક કેવળ ૧૦ કિલોમીટર દૂર હતી. આવી હાલતમાં દુશ્મન કોઇ કાર્યવાહી કરે તે પહેલાં અાપણે જ તેમના પર હુમલો કરી તેમને ફતેહપુર પરથી મારી હઠાવવા એવો બ્રિગેડ કમાંડરે નિર્ણય લીધો.
સમય સાવ ઓછો હતો. તે સમયે રિઝર્વમાં સિખ લાઇટ ઇન્ફન્ટ્રીની ૮મી બટાલિયન (8 Sikh LI) હતી. બ્રિગેડ કમાન્ડરે તેના કમાન્ડીંગ અૉફિસર (CO) કર્નલ પાઠકને ફતેહપુર ચોકીને સર કરવાની જવાબદારી સોંપી.
સામાન્ય રીતે લક્ષ્યના સ્થાનપર દુશ્મન જેટલી સંખ્યામાં હોય તેના કરતાં હુમલો કરનારની સંખ્યા ત્રણ ગણી હોવી જોઇએ. સંરક્ષણ પંક્તિમાં બેઠેલા સૈનિકો મજબૂત મોરચામાં લગભગ સુરક્ષીત સ્થિતિમાં હોય છે, જ્યારે હુમલો કરનાર સેના ખુલ્લા આકાશ નીચે, કોઇ પણ જાતના બખ્તરબંધ કવચ વગર ધસી જતા હોય છે. તેમની સામેનું સ્થાન તોપખાનાએ નોંધેલું હોય છે, તે ઉપરાંત સામે માઇન્સ પણ બીછાવેલી હોય છે. આપ કદાચ જાણતા હશો કે માઇન્સ બે પ્રકારની હોય છે: Anti-personnel તથા Anti-tank. પહેલી માઇન પર વીસ રતલ વજન - એટલે કોઇનો પગ પડે તો આખો પગ ઉડી જાય. અૅન્ટી ટૅંક માઇન પર ૨૦૦ રતલ વજન પડે તો તેનો સ્ફોટ થાય. આમ તેના પર કોઇ વાહનનું પૈડું કે ટૅંકનો પાટો પડે તો તે ઉધ્વસ્ત થાય. ટૅંક અટકી પડે અને અૅન્ટી ટૅંક રૉકેટનો ભોગ બને. આવી હાલતમાં હુમલો કરવા ધસી જનાર સૈનિકો સૌ પ્રથમ માઇનફીલ્ડમાંની માઇન્સથી, દુશ્મનની મશીનગન દ્વારા થતી ગોળીઓની વર્ષામાં તથા તોપમાંથી પડતા ગોળાઓનો ભોગ થઇ શહીદ થતા હોય છે કે મરણતોલ ઘાયલ થતા હોય છે. આવી કાતિલ હાલતમાં 8 Sikh LIએ હુમલો કરવાનો હતો.
ફતેહપુર ચોકીની રચના એવી હતી કે તેની ઉલટા U આકારમાં ત્રણ તરફ ૧૨ ફીટ ઉંચી પાળ જેવી દિવાલ હતી. તેની સામે એક ચોક સમાન ખુલ્લું મેદાન હતું. 'દિવાલ'ની ત્રણે પાળ પર તેમના સૈનિકોએ કિલ્લેબંધી જેવા સુરક્ષીત મોરચા બનાવ્યા હતા. એક તરફથી તેમના મનમાં ધરપત હતી કે ભારતીય સેના આવા ‘કિલ્લા’ પર હુમલો કરી નહિ શકે, કારણ કે અહીં તો સામી છાતીએ, frontal attack કરવો પડે. આવો હુમલો કરનાર સૈનિકોમાંથી ૩૫-૪૦% જેટલા casualty થાય.આટલા ભારે પ્રમાણમાં થનારી કૅઝ્યુઆલ્ટી કોઇ પણ કમાન્ડર સ્વીકાર કરવા તૈયાર ન થાય.
૧૭મી ડીસેમ્બરની રાતે કર્નલ પાઠક તથા તેમના કંપની કમાન્ડરોએ કરેલા નિરીક્ષણમાં એવું તારણ નીકળ્યું કે દુશ્મનને પરાસ્ત કરવા માટે ‘frontal attack’ વગર બીજો કોઇ પર્યાય નહોતો. હુમલાની ગુપ્તતા રાખવા તેમણે હુમલો મધરાત અને પરઢિયાની વચ્ચેના સમયમાં કરવાનું નક્કી કર્યું. દુશ્મનની સંખ્યા જોતાં અહીં આખી બટાલિયને હુમલો કરવો આવશ્યક હતો.
૧૮મીની રાતે 8 Sikh LIની ત્રણ કંપનીઓને COએ ત્રિશૂળના પાંખીયાની જેમ દિશા આપી. કર્નલ પાઠક પોતે મુખ્ય, સામેના લક્ષ્ય પર જતી કંપની સાથે રહ્યા. 'ચાર્જ અૉફ ધ લાઇટ બ્રિગેડ' જેવો હુમલો કરવા સિખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન તેમના પંજાબની રક્ષા કરવા તત્પર હતા. સ્મશાનવત્ શાંત મેદાનમાં બટાલિયન પહોંચી ગઇ અને કર્નલ પાઠકના નિનાદ “બોલે સો નિહાલ”નો આખી બટાલિયને “સત્ શ્રી અકાલ”ની આવેશપૂર્ણ ત્રાડમાં જવાબ આપ્યો અને હુમલો શરૂ થયો.
ફતેહપુર પોસ્ટ પર દુશ્મન પણ તૈયાર બેઠો હતો. તેમણે ગોળીઓની રમઝટ બોલાવી. તેમની મૉર્ટર્સ સિખ સૈનિકો પર ગોળા વરસાવવા લાગી. સુરક્ષા માટે પાથરેલી માઇન્સ પર સિખો રાઇફલ પર બેયૉનેટ ચડાવી દુશ્મન પર હુમલો કરવા દોડી રહ્યા હતા. અૅન્ટીપર્સનેલ માઇન્સના ધડાકામાં ઘવાયેલા સૈનિકોના કપાયેલા પગ ઉંચે ઉડતા હતા. આખા મેદાનમાં દુશ્મનની બંદુક અને મશીનગન્સમાંથી નીકળતા લાલ રંગના ટ્રેસર રાઉન્ડથી મેદાનમાં મોતની રેખાઓ ખેંચાતી જતી હતી. અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
“ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, ‘સાઢી પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, આ લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબ’જી, ઓબ્જેક્ટીવ આ ગયા. મેરી પરવા મત કરના.’ આ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.
“હુમલો અહીં પૂરો નહોતો થયો. દુશ્મન પાસેથી જીતેલી જગ્યાથી થોડે આગળ અમે નવા મોરચા બાંધ્યા. અમને ખબર હતી કે દુશ્મન counter attack કરશે જ. મેં મારી રિઝર્વ કંપની કમાન્ડર મેજર સાધુસિંહને જવાબદારી સોંપી, તેમને યોગ્ય આદેશ આપ્યો અને તેમણે મોરચાબંધી કરી. અમને આપણા તોપખાનાનો સપોર્ટ હતો તેથી સાધુસિંહે નક્કી કરેલ સ્થાનોનો ગ્રીડ રેફરન્સ તેમણે નોંધ્યો અને બધી તોપોને તે પ્રમાણે align કરી. આમાંનું અંતિમ લક્ષ્ય-સ્થાન હતું - તેમની પોતાની ટુકડીના મોરચા. જ્યારે દુશ્મન મરણીયો થઇને હુમલો કરતાં કરતાં મેજર સાધુસિંહની ટ્રેન્ચ સુધી પહોંચે, તો તેને ત્યાં રોકવા માટે આખી રેજીમેન્ટની બધી તોપ તેમણે પોતાની ખાઇ સમેત નિર્ધારીત કરેલા બધા વિસ્તારમાં ગોળાઓ વરસાવે. આનો વાયરલેસનો આદેશ હોય છે, ‘રેડ ઓવર રેડ.’ આ આદેશ બે વાર આપવાનો હોય છે.
“ધાર્યા પ્રમાણે દુશ્મને જબરજસ્ત કાઉન્ટર-અૅટેક કર્યો. મેજર સાધુસિંહની કંપની આખરી જવાન, આખરી ગોળી સુધી લડતી હતી. હું કૂમક મોકલવાનો હુકમ આપતો હતો ત્યાં તોપખાનાના વાયરલેસ પર મેજર સાધુસિંહનો આદેશ સંભળાયો.
“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”
“આપણા તોપખાનાએ હુકમ પાળ્યો. બૉમ્બ વર્ષા પૂરી થઇ અને સાધુસિંહની કૂમક માટે કંપની ત્યાં પહોંચી. તેમની સાથે હું પણ ગયો હતો. મોરચા પરની અમારી ખાઇઓ પર અને સામે દુશ્મનના અનેક સૈનિકોના શબ પડ્યા હતા. મારા પોતાના કેટલાય સૈનિકો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ અવસ્થામાં હતા. મેજર સાધુસિંહના શબ પાસે જખમી અવસ્થામાં તેમના સેકન્ડ-ઇન કમાન્ડ અને કંપની સાર્જન્ટ મેજર બેઠા હતા. કોઇએ પોતાનું સ્થાન છોડ્યું નહોતું.”
ફતેહપુર સર કર્યાના બીજા દિવસે - ૧૯મી ડીસેમ્બરની સવારે કર્નલ પાઠકને અભિનંદન તથા સહાનુભૂતિ આપવા મારા કમાન્ડન્ટ ગુરઇકબાલસિંહ સાથે ગયેલા જીપ્સીને કર્નલ પાઠકે અમને આ વાત કહી. તે સમયે મિલીટરીની અૅમ્બ્યુલન્સ અમારી નજર સામે તેમના ઘાયલ સૈનિકોને લઇ જતી હતી. રણભુમિ હજી પણ રક્તરંજિત હતી.
* * * * * * * * *
‘જીપ્સીની ડાયરી’ની શરૂઆતમાં અમદાવાદના મેજર દારા મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો તે આપને યાદ છે?
૧૯૪૮માં કાશ્મિરના પૂંચ વિસ્તારમાં હુમલો કરી રહેલા પાકિસ્તાની સેનાના અફસરોની આગેવાની નીચેના કબાઇલીઓ સામે લડતાં દારાશા મિસ્ત્રી શહીદ થયા હતા. તેમના વિશે સંશોધન કરતાં જાણવા મળ્યું કે તેઓ તોપખાનાના Forward Observation Officer હતા અને સૌથી મોખરાની ટુકડીઓ સાથે તેમની ખાઇમાં બેસી તોપખાનાને ગોળા દુશ્મન પર વરસાવવા માટે વાયરલેસથી દિશા સૂચન કરતા હતા. જ્યારે દુશ્મન તેમની ખાઇ સુધી પહોંચ્યા, તેમના કમાન્ડરે તેમને પોતાની જગ્યા છોડી પાછળ આવવાનો હુકમ કર્યો. દારા મિસ્ત્રીએ જોયું કે દુશ્મનની સંખ્યા ઓછી થઇ હતી અને તેમના પર રેજીમેન્ટની બધી તોપ ગોળા વરસાવે તો તેઓ તેમના સ્થાન પર કબજો કરી શકે તેમ નહોતા. તેમણે પોતાની ખાઇ છોડવાનો ઇન્કાર કર્યો અને હુકમ આપ્યો:
“રેડ ઓવર રેડ... રિપીટ. રેડ ઓવર રેડ.”
પરિણામ એ આવ્યું કે દુશ્મન પૂંચ પર કબજો કરી ન શક્યા. ત્યાં મેજર દારા મિસ્ત્રીની બહાદુરીએ અને તેમના આત્મસમર્પણે સંરક્ષણની અભેદ્ય દિવાલ ઉભી કરી હતી.
કર્નલ પાઠકને ફતેહપુરની લડાઇમાં મહાવીર ચક્ર, મેજર સાધુસિંહને મરણોપરાન્ત વીર ચક્ર તથા'આપરા' દારાશા મિસ્ત્રીને ૧૯૪૮માં મહાવીર ચક્ર એનાયત થયું હતું. અખબારમાં શું આવ્યું?
આવા યોદ્ધાઓનાં નામ તથા બહાદુર સિખોના આત્મસમર્પણની વાત કહેવાને બદલે કેટલીક 'માસ મેઇલ'માં આવે છે 'સરદારજી જોક્સ'! ગુજરાતના એક દાક્તરસાહેબને આવી જોક્સ ન કરવા વિશે જીપ્સીએ વિનંતી કરી તો તેઓ છંછેડાઇ ગયા. 'અમે ગુજ્જુુઓની પણ જોક્સ કહીએ છીએ, તો સિખોની જોક કરવાનો અમને અધિકાર છે,' કહી તેમણે મારું નામ તેમના મેઇલીંગ લિસ્ટમાંથી કાઢી નાખ્યું!
ડીસેમ્બર મહિનો આવી રહ્યો છે. આ વખતે ૧૯૭૧ના ડીસેમ્બરમાં મેળવેલી જીતને ૩૮ વર્ષ પૂરા થશે. આપ સૌને યાદ આવશે આપણા સૈનિકોના રણ નિનાદ:
“આયો ગોરખાલી!”
“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ!”
“છત્રપતિ શિવાજી મહારાજકી જય! હર હર મહાદેવ!”
“ભારત માતાકી જય!”
"જાટ બલવાન, જય ભગવાન!"
"નારા એ હૈદરી, યા અલી, યા અલી!"
અને સદીમાં એકા'દ-બે વાર વાયરલેસના સ્ટૅટીક વચ્ચેથી આછો પણ મક્કમ સંદેશ:
“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”
ત્યાર પછી ફેલાશે શાંતિ.
Thursday, October 22, 2009
મીસ્ટર જી (શેષ)
પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં જી સાહેબ બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર કાશ્મીરી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. મેં તેમને અસ્સલામુ-આલેઇકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઇકૂમ અસ્સલામ કહી મને સવાલ પૂછ્યા ત્યારે હું ચકરાઇ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. વચ્ચે એકાદ'બે શબ્દ ઉર્દુ-પંજાબીના વાપરતા હતા. કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજ્જરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાત સમજી શકતા હતા અને મુશ્કેલીથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મીસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ માનવ. તેઓ મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. પોલિસ સાર્જન્ટને દયા આવી. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી જી સાહેબે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”
બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઇએ. પટેલ નહિ તો શાહ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મીસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી અક્રમખાન મલીક આવી પહોંચ્યા. અક્રમખાનની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે વિશેષ પ્રેમભાવ નહોતો. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”
મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “એક્સક્યુઝ મી, પણ મારે મીસ્ટર જીને રહેવા માટે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવાનું છે. ફ્યુનરલની વ્યવસ્થા કાલે પોસ્ટ મોર્ટમ બાદ કરીશું. કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તેથી મારે હમણાં જ નીકળવું જોઇશે."
અક્રમ મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો. તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, 'તમારા કામમાં કોઇ ખામી રહી જાય તો ‘ઠેઠ ઉપર સુધી’ વાત જશે.' Colonial મનોવૃત્તિનો આ સારો નમૂનો હતો!
સોશિયલ સર્વીસીઝમાં જોડાતાં પહેલાં હું કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર હતો. મારા કામ માટે સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો મેં ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસીંગ, ક્રૉનિકલી સિક અૅન્ડ ડીસેબલ્ડ પર્સન્સ અૅકટ જેવા કાયદાઓ દ્વારા સમાજ માટે જે જોગવાઇ કરવામાં આવી છે તેના આધારે મારૂં કામ ઝડપથી પૂરૂં થયું. અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેં તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.
એક દિવસ અૉફિસમાં મીસ્ટર જી આવ્યા. મને કહે, “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીતરીતે મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેના લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.”
અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
મારૂં કામ એવું હતું કે મને મળવા આવનાર ક્લાયન્ટને પહેલેથી અૅપોઇન્ટમેન્ટ લેવી પડે. ફક્ત બુધવારે ‘ઓપન હાઉસ’ જેવી વ્યવસ્થા રાખી હતી. તે દિવસે મને મળવા આવનાર વ્યક્તિ રિસેપ્શનમાં બેસી નંબર વાર આવીને મને મળે. આવા એક બુધવારે આઝાદ કાશ્મીર એસોસીએશનના અક્રમ મલીક મને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રીપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ client confidentialityના નિયમને કારણે મેં તેનો જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મીસ્ટર મલીક, આય અૅમ સૉરી, પણ આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે...”
“ઓ.કે. જો કે અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી લાઇફ-સ્ટાઇલ જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો તમને ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. પાંચ વારની નમાઝ, સાદગી - તેમાં પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી કાઉન્સીલર સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.
આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા હું બહાર નીકળતો હતો ત્યાં મેં સજ્જાદને રીસેપ્શનમા જોયો.
“નરેન્દ્ર, આય અૅમ સૉરી કે એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. આ તમારા માટે લાવ્યો છું, “ કહી તેણે મને ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારા લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.” સજ્જાદ અસ્ખલિત અંગ્રેજી બોલતો હતો.
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમારી અૉફિસમાં મદદ માટે આવતી બહેનોનાં બાળકોને આવી ‘ગીફ્ટ’ વહેંચાતી. હું સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ સુધી ભણી છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. ડેડીને પરવીનના વર્તનમાં મારાં મમી દેખાય છે અને તેઓ અત્યંત દુ:ખી છે. પરવીન પણ ખુશ નથી.”
“તારા ડૅડી બે-ત્રણ મહિના તારા મોટા ભાઇ વાજીદને ઘેર અને ત્રણે’ક મહિના તારે ત્યાં વારાફરતી રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો નાનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી”
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને મીરપુરી પરિવારોમાં આવી બાબતો સામાન્ય હતી.
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ.
બીજા કે ત્રીજા બુધવારે મારા ઓપન હાઉસમાં અહેમદજી આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરીની ચાલઢાલ જોઇને હું બહુ પરેશાન છું. એના બનેવીનો લંડનમાં બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. મારાથી આ જોવાતું નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા! તાતાપાની!
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનના એક પડમાં છુપાયેલી યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા.
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે કહી હતી ના તો અહેમદ મલીક - ઉર્ફ મિસ્ટર જીએ. વર્ષો પહેલાં વાત કહેનાર હતો મારી બડા ચિનાર ચોકી પાસેના ગામનો મુખી ગુલામ હૈદર. કલ્પના કરતાં સત્ય કેટલું અદ્ભૂત હોય છે!
(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા ૧૯૯૦માં અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે. અહીં વ્યક્તિઓનાં અને કેટલાક સ્થળોનાં નામ બદલવામાં આવ્યા છે જેથી વ્યક્તિગત ગૌપ્યતા જળવાઇ રહે.)
Wednesday, October 21, 2009
મીસ્ટર જી... (૧)
આવી જ એક પાંખડીમાંથી પમરાતી ખુશ્બુ મને લઇ ગઇ રજૌરીના મારા સેક્ટર હેડક્વાર્ટરની એક ચોકી - ‘બડા ચિનાર’ પર. (ચોકીનું ખરૂં નામ જુદું છે, પણ તેની ગૌપ્યતા જાળવવા અહીં તેને નવા નામનું આવરણ ચડાવ્યું છે.) બડા ચિનાર અને સામા વાળાની ચોકી વચ્ચેનું અંતર કેવળ ૨૦૦ ગજનું. બન્ને ચોકીઓની વચ્ચે એક નાનકડો ચશ્મો (વહેળો) હતો. અને ત્યાં જ હતી ‘ચૂના પટ્ટી’ - LOC - લાઇન અૉફ અૅક્ચ્યુઅલ કન્ટ્રોલ. ૧૯૭૧ની લડાઇ બાદ બન્ને દેશો વચ્ચે જે LOC નક્કી કરવામાં આવી હતી ત્યાં પ્રથમ ચૂનાની લાઇન - ‘ચૂના પટ્ટી’ બનાવી નકશામાં તેને નોંધવામાં આવી. બન્ને દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં આ થયું અને તેના પર સહિ-સીક્કા થયા. જમીન પર જઇને જોઇએ તો કોઇને ખબર ન પડે કે LOC ક્યાં છે. તેના માટે તો નકશા તથા હોકાયંત્ર જ જોઇએ.
અમારી ચોકીની અૉબ્ઝર્વેશન પોસ્ટથી પાકિસ્તાનના કબજાના કાશ્મીરના મીરપુર જીલ્લાના ગામ નજર આવે.
એક વાર સામા કાંઠાના એક ગામમાં અનેક પેટ્રોમૅક્સ બત્તીઓનો ઝગમગાટ જોવામાં આવ્યો અને સાથે સાથે લાઉડસ્પીકરમાંથી મીરપુરી -પોથવારી બોલીના ગીતો સંભળાવા લાગ્યા. આખી રાત મહેફીલ ચાલી. બીજા દિવસે અમારી ચોકીની નજીકના સરપંચને અમે બોલાવ્યો અને સીમા પારના ગામમાં શું થતું હતું તે પૂછ્યું.
“અરે સાહેબ, પેલા ગામના રહેવાસી મલીક સાહેબ જે કેટલાક વર્ષથી વિલાયતમાં રહે છે તે રજા પર આવ્યા છે. તેમણે આજુબાજુના બધા ગામવાસીઓને દાવત માટે બોલાવ્યા હતા.”
“એમ કે? શાની દાવત હતી?”
“મલીક સાહેબે સામેની તહેસીલના કોટલી શહેરની બાજુના તાતાપાની ગામમાં બીજી શાદી કરી. પોતે તો જુના વિચારના છે, દાઢી-બાઢી રાખે છે, પણ પત્ની તો ખુબસુરત જોઇએ! અને જુઓ તો, એવી બૈરી એને મળી પણ ગઇ! એનાથી વીસ વર્ષ નાની. પરદેશ જવા માટે લોકો કંઇ પણ કરશે . શું જમાનો આવ્યો છે!” કહી તેણે આકાશ ભણી બન્ને હાથ ઉંચા કર્યા અને જતો રહ્યો.
મને નવાઇ લાગી હોય તો એ વાતની કે નદી પારના પરાયા મુલકમાં જે કાંઇ થતું હોય છે, તેની રજેરજની માહિતી તરત જ અહીં પહોંચી જતી હોય છે. બીજી વાત: દુનિયાના છેડા જેવા આ દુર્ગમ વસ્તીના લોકો ઠેઠ વિલાયત કેવી રીતે પહોંચી ગયા? આપણા દેશના બુદ્ધીશાળી, સુશિક્ષીત લોકો અનેક પ્રયત્નો કરવા છતાં બ્રિટનનો વિઝા મેળવી શકતા નથી, ત્યાં આ લોકોનો નંબર કેવી રીતે લાગ્યો? મને ઘણા સમય બાદ જાણવા મળ્યું કે ૧૯૫૦-૬૦ના દાયકામાં યૉર્કશાયર-લૅંકેશાયરની મિલોમાં તથા ફાઉન્ડ્રીઓમાં કામ કરવા પાકિસ્તાનના ઘણા લોકો ત્યાં પહોંચી ગયા હતા.
રજૌરીમાં કેટલાક મહિના ગાળ્યા બાદ મારી કમ્પની ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ ફૉર્વર્ડ ડીફન્ડેડ લોકૅલીટીમાં ગઇ. નવી જગ્યા નવો દાવ, નવા અનુભવ અને હાડ ગાળી નાખે એવી ભુમિમાં અનંત કાળ જેવા બે વર્ષ રહ્યો. ત્યાર પછી સમય તેજ ગતિથી વહેવા લાગ્યો અને ‘જીપ્સી’ તેમાં તણાઇ ગયો. ફોજ છોડી લંડન ગયો જ્યાં મારા પ્રિયજનો છેલ્લા ચાર વર્ષથી મારી રાહ જોઇ રહ્યા હતા.
* * * * * * * * *
પરદેશ કામધંધો શોધવા જનાર ભારતીયોને અનેક પ્રકારની સારી-નરસી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. ‘જીપ્સી’ તેમાં અપવાદ નહોતો. પ્રથમ બેકારી, ત્યાર બાદ એક ગુજરાતી સમાચાર પત્રિકાના ‘Subby’ (સબ-એડીટર), સિવિલ સર્વિસમાં અૅડમિન અૉફિસર, નૉટ ફૉર પ્રૉફીટ સંસ્થામાં કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર જેવા કામ કર્યા બાદ મને સ્થાનિક કાઉન્સિલના સમાજસેવા વિભાગમાં સ્પેશીયાલિસ્ટ સોશિયલવર્કરનું કામ મળ્યું.
મારી સોશિયલ સર્વિસીઝ ટીમ ‘ઇનર-સિટી’ (અમેરીકામાં જેને ‘ડાઉન-ટાઉન’ કહેવાય છે, તેમાં) કાર્યરત હતી. આ ગીચ વસ્તીના વિસ્તારમાં અત્યંત ગરીબ, વંચિત તથા ઉપેક્ષીત ગણાતા વર્ગના લોકો રહે. બેકારીમાં સપડાયેલા કામદાર વર્ગના આયરીશ, અંગ્રેજ તથા વેસ્ટ ઇન્ડીઝથી આવેલા લોકોનો આ વિસ્તાર. પતિ-પુરુષ મિત્રથી તરછોડાયેલી કે તેમને છોડી આવેલી બહેનો પોતાના બાળકો સાથે ત્યાં રહેતી હતી. બેઘર વ્યક્તિઓને રહેઠાણ આપવાની જવાબદારી કાઇન્સીલની હોય છે. સમાજના આ વર્ગને રહેવા માટે કાઉન્સીલે બહુમાળી મકાન બાંધ્યા. જેઓ સોશિયલ સિક્યોરિટીની આવક પર હોય તેમનું ઘરભાડું પણ કાઉન્સિલ ભરે. પૂર્વ આફ્રિકા અને ભારત-પાકિસ્તાન આવેલા આપણા લોકો - એશિયનો - પણ અહીં સારી એવી સંખ્યામાં રહે. આ બહુમાળી આવાસ “હાઇ-રાઇઝ કાઉન્સીલ એસ્ટેટ”-ને બ્રિટનના લોકો તુચ્છતાભરી નજરથી જુએ. અહીં ગુનાનું પ્રમાણ પણ સૌથી વધુ.
સમાજસેવા વિભાગમાં કામ પર હાજર થયો ત્યારે મને આપવામાં આવેલ case-loadમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. કેસ ફાઇલ્સ જોઇ રહ્યો હતો ત્યાં મારાં ટીમલીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની અૉફિસમાં ગયો.
“તમે મિસ્ટર જીની ફાઇલ જોઇ? મિસ્ટર જીના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે અને મિસેસ જીની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. અા crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઇને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટીનને મોકલીશ.” ક્રિસ્ટીન અનુભવી સોશિયલ વર્કર હતી.
સવારના જ મેં મિસ્ટર જીની ફાઇલ ઉતાવળમાં જોઇ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો. ટૂંકમાં કહીએ તો તેમની ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર એમ.(મોહમ્મદ) અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!
મિસ્ટર જી કાઉન્સીલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઇને જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા.
(વધુ આવતા અંકમાં.)
Sunday, September 20, 2009
"આયો ગુજરાતી ગોરખાલી!" - શેષ
5/9 ગોરખા રાઇફલ્સના કમાન્ડીંગ અફસરનો ભાર તેમને સોંપવામાં આવ્યો તે પહેલાં અનેક કારણોસર આ બટાલિયનની હાલત અને જવાનોનું મનોબળ નષ્ટપ્રાય: થઇ ગયા હતા. બટાલિયનનો ચાર્જ લેતાં પહેલાં તેઓ બ્રિગેડ કમાન્ડરને મળ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાલત એટલી ગંભીર હતી કે બટાલિયનને વિખેરી નાખવાનો - disband કરવાનો- નિર્ણય લેવામાં આવ્યો હતો. બટાલિયન - તથા કર્નલ ભટ્ટ માટે આ છેલ્લી તક હતી કે બટાલિયનનું આમુલાગ્ર પરિવર્તન કરી તેને યુદ્ધ માટે સક્ષમ (battle-worthy) બનાવવામાં આવે.
આપણી સેનામાં કહેવત છે: There are good officers and bad officers, but never a bad soldier. કર્નલ ભટ્ટે ચાર્જ લીધાને એક મહિનો પણ નહોતો થયો કે તેમના ડીવીઝનલ કમાન્ડર બટાલિયનનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા. પહેલા જ દિવસે જનરલ સાહેબે હુકમ સંભળાવ્યો: ૬૦ દિવસમાં બટાલિયન યુદ્ધ માટે સક્ષમ પુરવાર ન થાય તો તેમાંના એકેએક જવાનને ઘર ભેગા કરી દેવામાં આવશે અને 5/9 GRનું નામોનિશાન નહિ રહે.
સંરક્ષણની દૃષ્ટીએ ભારત માટે સમગ્ર કાશ્મીરનો પ્રદેશ સંવેદનશીલ છે. તેમાંના પૂંચ-રજૌરી, ઉરી, તંગધાર, કારગિલ અને બાંદીપોરા જેવા વિસ્તાર અત્યંત ભયાનક ગણાય છે. (આમાંના બે વિસ્તાર - રજૌરી અને તંગધારમાં ‘જીપ્સી’ સેક્ટર કમાંડર હતો અને લગભગ દરરોજ પાડોશીઓની ગોળીઓનો અનુભવ કર્યો હોવાથી આ વિસ્તારોની ભયાનકતા વિશેની બાહેંધરી આપી શકું છું!)
કર્નલ ભટ્ટની બટાલિયન ઉરીમાં ફરજ બજાવી રહી હતી. ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાનનું સૈન્ય તેમની સંરક્ષણપંક્તિઓ પર વારંવાર ગોળીબાર કરે. ગોળીઓના વરસાદની આડમાં ગીચ જંગલમાં બનાવેલી કેડીઓ દ્વારા છૂપા રસ્તે ત્રાસવાદીઓને તેમની સેના આપણા પ્રદેશમાં ઘૂસાડવાનો તે વખતે - અને હજી પણ પ્રયત્ન કરે છે. તેમને ઝબ્બે કરવા ગોરખાઓની પેટ્રોલીંગ પાર્ટીઓને ૨૪ કલાક પેટ્રોલીંગ કરવું પડે. આવી કપરી હાલતમાં કામ કરી રહેલી બટાલિયનનું મનોબળ, કાર્યકુશળતા અને યુદ્ધકૌશલ્યમાં શ્રેષ્ઠ પુરવાર કરવા ઉપરાંત તેમના શસ્ત્ર-સરંજામને ચળકતી અને નવા જેવી હાલતમાં કરવાનું કામ કર્નલ ભટ્ટ માટે અસ્ત્રાની ધાર પર ચાલવા જેવું હતું - તે પણ ફક્ત ૬૦ દિવસમાં. ૧૯૬૫ના યુદ્ધમાં તેમણે આ જ બટાલિયનના જવાનોની સાથે રહી જે કામગિરી કરી હતી તેની યાદ જવાનોમાં હજી તાજી હતી. હવે તેમની આગેવાનીએ જવાનોમાં વિજળીક ગતિએ ઉત્સાહ વધાર્યો અને તેમના નેતૃત્વે 5/9 ગોરખા રાઇફલ્સને અગ્નિપરીક્ષામાં સફળતા અપાવી. તેમણે બટાલિયનને disband થવાની નામોશીમાંથી બચાવી એટલું જ નહિ, ઉરીમાં તેમના જવાનોની ઉત્કૃષ્ટ કામગિરી જોઇ ભારત સરકારે કર્નલ ભટ્ટની બટાલિયનને યુનાઇટેડ નેશન્સની શાંતિ સ્થાપક સેના તરીકે લેબનૉનમાં મોકલી.
મહેનત અને કાર્યમાં સંપૂર્ણ સમર્પણ હોય તો માણસ ઘણી ઉંચાઇઓ સર કરી શકે. હવે કર્નલ ભટ્ટને માઉન્ટન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડરનું પ્રમોશન આપી તેમને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇ પર મોકલવામાં આવ્યા. આ એવો વિકટ પ્રદેશ છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એક તો ત્યાં એટલી અસહ્ય ઠંડી પડે છે કે શરીરની સંભાળ લેવામાં જરા પણ શરતચૂક થાય તો હાથ કે પગમાં frost bight થઇને ત્યાં ગૅંગ્રીન (માંસમાં સડો) થઇ જાય, અને જે હાથ કે પગમાં તેની અસર થઇ હોય તે કાપી નાખવો પડે. રસ્તા પણ એવા દુર્ગમ કે 4 x 4 પાવરના ત્રણ ટન વજન ઉંચકી શકે તેવા ટ્રક એક જ ટન વજન લઇ ૨૫ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં પૂરૂં કરી શકતા. એટલું જ નહિ, આવી એક જ ખેપ કર્યા બાદ વાહનને સમારકામ કે મેન્ટેનન્સ માટે ફીલ્ડ વર્કશૉપમાં મોકલવું પડે. અધુરામાં પૂરૂં તેમના બ્રિગેડ કમાન્ડર માંદા પડી ગયા અને તેમને બ્રિગેડ કમાન્ડરનો ચાર્જ લેવો પડ્યો. તેમને સોંપવામાં આવેલ કપરી કામગિરી નિયત સમય કરતાં વહેલી પૂરી કરી. આ કાર્ય માટે ભારત સરકારે તેમને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કર્યો.
ત્યાર બાદ તેમની પદવૃદ્ધિ થતી ગઇ અને મેજર જનરલના પદ પર તેમને આસામમાં આવેલી માઉન્ટન ડિવિઝનના કમાન્ડર તરીકે ૨૦૦૦૦ સૈનિકોની વિશાળ સેનાનો કમાન્ડ આપવામાં આવ્યો. અહીં તેમને ULFA તથા બોડો ત્રાસવાદીઓ સામે અભિયાન ચલાવવાનું હતું. આસામમાં આવેલી પેટ્રોલિયમ રિફાઇનરીની પાઇપલાઇન ઉડાવી મૂકનારા ULFA ત્રાસવાદીઓ તથા બોડોલૅન્ડની માગણી માટે આસામના ચ્હાના બગીચામાં કામ કરનાર મજુરોની નિર્ઘૃણ હત્યા કરનાર ત્રાસવાદીઓ સામે તેમણે આક્રમક પેટ્રોલીંગ, સંરક્ષણ અને ઉગ્રવાદીઓના કૅમ્પ નષ્ટ કરી દેશદ્રોહીઓની પ્રવૃત્તિ પર નિયંત્રણ કર્યું.
મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retd) હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
મારી નજર સામે હજી પણ પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં પ્રથમ વાર મળેલા હેલ્મેટ,ખુખરી અને રાઇફલધારી કૅપ્ટન મારી સાથે હસ્તધુનન કરી પરિચય આપે છે, “I am Capt. Bhatt..”