Thursday, July 2, 2009

કભી અલવિદા ના કહેના...

કાશ્મિરના સંવેદનશીલ એવા પૂંચ-રજૌરી અને તંગધારના ‘high altitude’ વિસ્તારમાં લગભગ ત્રણ વર્ષ સેવા બજાવી અને બદલીનો સમય આવ્યો. સશસ્ત્ર સેનાઓમાં સામાન્ય શિરસ્તો છે કે અતિ પરીશ્રમભર્યા અને દુર્ગમ વિસ્તારમાં એક tenure પૂરો કરનાર અફસરોને પરિવાર સાથે રહી શકાય તેવા શાંત વિસ્તારમાં બદલી અપાતી હોય છે. ગુજરાતમાં મારું બે વાર પોસ્ટીંગ થયું હતું તેથી ત્રીજી વાર ત્યાં બદલી થાય તે અશક્ય હતું. મેં અમારા ડાયરેક્ટર જનરલને વિનંતી કરી કે મને જમ્મુ શહેરમાં પોસ્ટીંગ મળે. જનરલે મને જણાવ્યું કે જમ્મુનાં પોસ્ટીંગ થઇ ચૂક્યા હતા. હું ગુજરાતનો હતો તેની તેમને જાણ હતી તેથી તેમણે જ મને સૂચવ્યું કે જો મને ભુજ જવામાં કોઇ વાંધો ન હોય તો તેઓ તેની વ્યવસ્થા આસાનીથી કરી શકશે. મારા માટે આનાથી વધુ સારો મોકો કયો હોઇ શકે?
એક મહિના બાદ મારી ટ્રાન્સ્ફરનો અૉર્ડર આવ્યો.
ભુજમાં આવીને છ-સાત મહિના વિત્યા અને મને બ્રિટીશ હાઇકમીશનનો વિઝા માટેના ઇન્ટરવ્યૂનો પત્ર મળ્યો. મારી બે મહિનાની રજા બાકી હતી તેથી હું રજા પર ઊતરી ગયો. ત્યાર પછી તો ફાસ્ટ ફૉર્વર્ડ થતા વિડીયોની જેમ લંડન જવાનો દિવસ પણ અચાનક આવી પહોંચ્યો.
હિથરો અૅરપોર્ટ પર ઇમિગ્રેશન બૅરિયરની બહાર મને લેવા અનુરાધા, કાશ્મિરા અને રાજેન આવ્યા હતા. ચાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ તેઓ મને મૂકવા આવ્યા હતા. આજે ઇમિગ્રેશન ચેકપૉઇન્ટથી અનુરાધા સુધી ચાલેલા ચાર પગલાંમાં ચાર વર્ષ વિતી ગયા હોય તેવું લાગ્યું. આ ચાર વર્ષની ખડતલ જીંદગી દરમિયાન રણના ખારાપાટ તથા હિમાચ્છાદિત પહાડો ખુંદી વળતા જીપ્સી તથા તેના સાથી સાર્જન્ટમેજર ગુરબચન સિંહ, બલબીરચંદ, ડૉક્ટર મોહાન્તી, અજીતપાલ, રવીન્દ્રન નાયર, ગજેન્દ્રસિંહ જામવાલ, કરમચંદ, દર્શન સિંહ, અજીતસિંહ, તોતારામ... બધાંની યાદોના ઓળા મારી આસપાસ જીવી રહ્યા હતા. સરકંડાના જંગલમાં કાળા તેતરનો અવાજ “સુભાન તેરી કુદરત”, રાતના અંધારામાં મારી તરફ તણાયેલી લાઇટ મશીનગનનો કૉક થવાનો અવાજ... કડક સ્વરે ‘હૉલ્ટ હુકમદાર’નો પડકાર...તંગધારના હિમાચ્છાદિત શિખર અને મારી નજર સામે થયેલો હિમપ્રપાત - આ બધા પ્રસંગો મને આખરી વિદાય આપી રહ્યા હતા. સાથે એક સંદેશ પણ અાપતા ગયા: Farewell My Friend!
ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અહીં હું કેવળ નામધારી જીવ હતો. એક અનામી નાગરિક - A Man in a Grey Flannel Suit. લંડનની ટ્યુબ ટ્રેનમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરતા હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું - અશોક-સ્થંભનું રાજચિહ્ન નહોતું. મારી ડીગ્રીની અહીં કોઇ કિંમત નહોતી. ઉમરના ૪૯મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જીંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઇ મારી સામે નવા પડકાર લઇને ઊભી હતી. હું તૈયાર હતો. ભારતીય સેનાએ, મારી બીએસએફની કારકિર્દીએ મને જીવનના કોઇ પણ પડકારને ઝીલવા માટે તૈયાર કર્યો હતો. એક લક્ષ્ય આપ્યું હતું. અહીં મારા બાળકોએ તેમના પિતા પરના હક્કના ખોયેલા ચાર વર્ષને અમારે સાથે મળીને શોધવાના હતા. મારા જીવનમાંથી ગુમ થયેલા તેમના હાસ્યનો રણકાર, તેમના બાલ્યજીવનના તોફાન અને આનંદની પળોને પાછા મેળવવાનો મુશ્કેલ પ્રયત્ન કરવાનો હતો. હિમાલયના પહાડોમાં બાળકોના સાન્નિધ્ય માટે તલસતા જીપ્સીને પોતાના કૌટુમ્બીક જીવનના ખોવાયેલા અમૂલ્ય દિવસો શોધવાના હતા.
હીથરો અૅરપોર્ટની બહાર અનુરાધા, કાશ્મિરા, રાજેન અને હું નીકળ્યા અને જોયું તો વાદળાં હઠી ગયા હતા. સૂર્ય ઝળહળી રહ્યો હતો.
અહીં જીપ્સીનું ભારત જીવન પૂરૂં થાય છે. આગળની જીંદગી એટલી રસપ્રદ નથી કે આપનો સમય બગાડીને મારૂં અપ્રેક્ષણીય જીવન ઉલેચવા લાગું. હા, મારા જીવનમાં કેટલાક પુણ્યાત્મા આવ્યા અને કેટલાક એવા મહાનુભાવ આવી ગયા જેમણે મારા જીવન પર ઘેરી અસર કરી. જીવન એક વધુ તક આપશે તો તેમની વાત ફરી કદી કહીશ. અત્યારે તો જીપ્સીના ‘ઝાઝા કરીને જુહાર વાંચશો અને રામે રામ’ કહી કૃતજ્ઞતાના કેટલાક શબ્દો કહી આપની રજા લઇશ.
હું એક average કહેવાય તેવો સામાન્ય માણસ છું. તમારી પાડોશમાં રહેતા, તમારા સુખ દુ:ખમાં સહભાગી થઇ તમારી ભાવનાઓને સમજી શકે તેવો માનવ. જીવનમાં થતી કોઇ વાત મને કષ્ટ પહોંચાડી શકે છે, તે અન્ય વ્યક્તિઓને એટલું જ દુ:ખ પહોંચાડી શકે છે, આ વાત હું જાણું છું. આ કારણે મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કે મારા કોઇ વ્યવહારથી સામી વ્યક્તિને દુ:ખ ન પહોંચે. તેમ છતાં એક સનાતન સત્ય એ પણ છે કે માણસ ભુલ ન કરે તો તે દૈવી હસ્તી કહેવાય. હું સામાન્ય માણસ છું. અનેક વાર અજાણતાં કોઇને દુ:ખ પહોંચાડ્યું હશે. જ્યારે મારી ભુલનો મને અહેસાસ થયો ત્યારે મેં વ્યથિત વ્યક્તિની ક્ષમાયાચના કરી છે. મારા વડીલ સમાન ડૉક્ટર સાહેબે મને એક વાર કહ્યું હતું, “નરેન, ભુલ થઇ હોય તો માફી માગવામાં કદી પણ શરમ ન અનુભવવી. ક્ષમા માગવામાં આપણી માનવતા અને સંસ્કાર વ્યક્ત થાય છે. બીજી વાત: કોઇએ ક્ષમાયાચના કરી હોય તો તેનો સ્વીકાર કરવા માટે પણ એટલી જ ઉમદા grace અને humility હોવી જોઇએ. તેમાં જ માણસના અભિજાત સંસ્કાર અને અૌદાર્ય રહેલાં છે.”
સંવેદનશીલતા અને સહનશીલતાના સંસ્કાર મારામાં કોઇએ ઢાળ્યા હોય તો મારાં બાએ.
બાને અમે “બાઇ” કહીને બોલાવતા. જેવો મીઠો તેનો સ્વભાવ, એવો જ મધુર તેમનો અવાજ હતો. સુંદર અવાજે તેઓ પોતે જ લખેલા હાલરડાં ગાતા. અમારા સગા-સંબંધીઓને ત્યાં સંતાન જન્મે તો તેઓ બાને હાલરડું લખવા અને તેને સૂર આપવાનું કહેતા.
બાની મહત્તા વિશે લખવાની મારી પાસે શક્તિ નથી. એક દિવ્ય જ્યોતિને તથા તેના પ્રકાશને કેવી રીતે વર્ણવી શકાય?
બાએ પોતાની આત્મકથા લખી. પંજાબથી અમદાવાદ ગયા બાદ તેઓ સાવ એકલા પડી ગયા હતા. એકલતાના સમયમાં બાએ નોટબુકના પહેલા પાના પર શિર્ષક લખ્યું: “મારી જીવનકથા”
પોતાના હૃદયના અંતરંગની વાત કહેવા માટે તેમણે એક પાકા પૂંઠાની નોટબુકમાં “મારી જીવનકથા” લખી. તેમની શાંત મૂર્તિમાં કરૂણા અને ધૈર્યનો સાગર સમાયો હતો તે અમે કોઇ જોઇ ન શક્યા. ભલા, એક માછલું કેવી રીતે જાણે કે જે સાગરમાં તે રહ્યું, ઉછર્યું અને વિકાસ પામ્યું તે સાગર પર કેટકેટલાં તોફાનો અને સુનામીઓ આવી ગઇ? તેનું ઊંડાણ નાનકડાં માાછલાં કેવી રીતે માપી શકે? સાગરના ઉદરમાં અમે તો સુરક્ષીત રહ્યા. અમારો આશ્રયદાતા સાગર તો અનંતના મહાસાગરમાં વિલીન થઇ ગયો. માછલાં તરફડ્યા, પણ જીવી ગયા. તેમનો પણ અંત તો આવવાનો જ છે, પણ ઋણસ્વીકાર કર્યા વગર કેવી રીતે જવાય?
બાએ અમારા પર કરેલા અનંત ઉપકારોનું આભારદર્શન કરવા એક નાનકડું કામ અમારા હાથે થયું: બાની આત્મકથા - "બાઇ"ને પુસ્તકાકારે પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું. વાચકો તથા સમીક્ષકોએ "બાઇ"ને વધાવી લીધું. ગુજરાતના સાહિત્યપ્રેમે એક અજાણી, અનામી મહિલાને પોતાના હૃદયમાં અનન્ય સ્થાન આપ્યું, તેમાં જેટલી મહત્તા બાઇની છે એટલી જ ગુજરાતના સાહિત્યપ્રેમી વાચકોની છે.
અહીં સૌ પ્રથમ તેમને અંજલી આપી તેમના અનંત સ્નેહ-ઋણનો સ્વીકાર કરૂં છું. કોઇ આત્માને માતા મળે, અને તેમની કૂંખમાંથી જીવ તરીકે જન્મ પામે, તો જ તેને માનવજીવનની ધન્યતા પ્રાપ્ત કરવાની તક મળે. બાએ મને જીવન આપ્યું, જીવન જીવતાં શીખવ્યું અને જે મૂલ્યો આપ્યા, તેનો વારસો ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. જો કે મોટા ભાગે તેમાં હું નિષ્ફળ થયો, પણ તેમણે આપેલા મૂલ્યોના થોડા ઘણા અંશને ફળીભૂત કરી શક્યો હઇશ તો પણ તેમના પુત્ર તરીકે મારૂં જીવન ધન્ય થયું ગણીશ.
મિત્રો, આવજો ત્યારે. આજે એક સૈનિક Last Post નહિ વગાડે. હજી શ્વાસ બાકી છે અને 'મોડેસ્ટાઇન' (મારી ફાઉન્ટનપેન) હજી મારો ભાર ઉપાડી શકે તેવી સ્થિતિમાં છે. બનશે તો સાહિત્યના અન્ય કોઇ ઓવારા પર મળીશું.

Tuesday, June 30, 2009

૧૩૦૦૦ ફીની ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!

આટલી ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!!!

રોજ રાતે સૂતાં પહેલાં જવાનો અને તેમના નૉન કમીશન્ડ અૉફિસર બુખારી ફરતા બેસી સુખદુ:ખની વાતો કરે. અફસરો માટે જુદું બંકર. મારા તાબાની એક પ્લૅટુન પોસ્ટના કમાંડર તેજ ક્રિશન ભટ્ટ નામના એક કાશ્મિરી પંડીત હતા. એક રાતે તેઓ આવી જ રીતે જવાનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક તેમની નજર બંકરના પ્રવેશદ્વાર પર સ્થિર થઇ. ધીરે ધીરે જાણે આંખો કાચની હોય તેમ તેમાંથી નૂર ગયું. યાંત્રિક પુતળાની જેમ તેઓ ઉભા થયા અને સીધી લાઇનમાં ચાલવા માટે ડગલું ભર્યું. સામે જ ધગધગતી બુખારી હતી. તેમણે બન્ને હાથ વડે બુખારીને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. હાથમાં ઉનના ગ્લવ પહેર્યા હતા, તે સળગી ઉઠ્યા. હથેળી પરની ચામડી બળી ગઇ, પણ ભટ્ટને તેની પરવા નહોતી, કે ન તો તેમને તેની કોઇ અસર થતી જણાઇ. જવાનો એક સેકંડ માટે તો વિમાસણમાં પડી ગયા, પણ બીજી જ ક્ષણે ત્રણ-ચાર જવાનોએ તેમને પકડીને પાછા ખેંચ્યા. પાટલી પર જબરજસ્તીથી સુવાડી તેમના પર સ્લીપીંગ બૅગ તથા કામળાઓ નાખી ઢાંકી દીધા. પ્લૅટુનમાં ફર્સ્ટ્ એડનો સામાન હતો તેમાંથી બર્નૉલ કાઢી તેમની હથેળી પર લેપ કર્યો. ભટ્ટની આંખો હજી બંકરના દરવાજા તરફ તાકી રહી હતી, પણ બળી ગયેલા હાથમાં થતી પીડાની તેમના પર કોઇ અસર વર્તાતી નહોતી. થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે જે વાત કહી તેથી સહુ આશ્ચર્યચકિત થઇ ગયા. આ વાતની મને જાણ કરવામાં આવી, પણ મધરાત વિતી ગઇ હોવાથી હું બીજે દિવસે સવારે ભટ્ટની ચોકી પર ગયો. તેમની બન્ને હથેળીઓ જોઇ મને પણ નવાઇ લગી. આટલી હદ સુધી બળેલી હથેળી મેં કદી પણ જોઇ નહોતી. તેજ ક્રિશન એક જવાબદાર અફસર હતા અને ફોજમાં કોઇ અફસર પોતાના સિનીયર અફસર આગળ કદી મિથ્યા ભાષા બોલે નહિ. વળી જાણી જોઇને કોઇ પોતાના હાથ શા માટે બાળે? ભટ્ટે મને જે વાત કહી તે આ પ્રમાણે હતી.
“આવી ઉંચાઇ પર બલા (યક્ષીણી) રહેતી હોય છે એવી અમારા કાશ્મિરમાં માન્યતા છે. એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જેમાં તેમનો ભોગ બનનાર માણસ જીવતો રહી શકતો નથી. આ એવી શરીરધારી ‘રુહ’ - આત્મા - હોય છે, જે ધારે ત્યારે માનવી રુપ ધારણ કરી શકે છે. જેને તે પસંદ કરે એ જ વ્યકતિ તેને જોઇ શકે એવી તેમની શક્તિ હોય છે.
“હું જવાનો સાથે વાત કરતો હતો ત્યાં બે સ્ત્રીઓ આવીને બંકરના દરવાજા પાસે ઉભી રહી. રુપનો અંબાર અને યૌવનથી થનગનતું શરીર જોઇ હું ચકિત થઇ ગયો. આગળ ઉભેલી સ્ત્રીએ મારી તરફ લોભાયમાન સ્મિત કર્યું અને મારી તરફ તેણે પોતાના બન્ને હાથ લંબાવ્યા, જાણે કહેતી હતી, ‘મારો સ્વીકાર કરો!’ મારી આંખ તેની આંખ સાથે મળતાં જ હું ભાન ગુમાવવા લાગ્યો. એક યાંત્રિક પુતળાની જેમ હું ઉભો થવા લાગ્યો અને બસ, હું બેભાન થઇ ગયો. શું કરી રહ્યો હતો તેની મને કશી જાણ ન રહી. જ્યારે પ્લૅટુનના જવાનોએ મારા મોઢા પર પાણી છાંટ્યું અને મને ભાન આવ્યું ત્યારે જ મને હાથમાં થતી અસહ્ય પીડાનો અનુભવ થવા લાગ્યો.”
આ વાત સાંભળી અમારા કાશ્મિરી સિવિલિયન ‘ગાઇડ-કમ્-પોર્ટરે’ કહ્યું, “સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષોથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટ સાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહિ તો બલાની નજર સાથે એક વાર નજર મળી જાય તો તે માણસ જાનથી જાય.”
ભટ્ટે - કે અમારામાંથી કોઇએ શાકા વૅલીની બલાઓની દંતકથા સાંભળી નહોતી. આજે મને તેજક્રિશન ભટ્ટની વાત યાદ આવે છે ત્યારે તેમની બળેલી હથળીઓ મારી નજર સામે તાદૃશ્ય થાય છે. તે વખતે મનમાં આવેલ વિચાર ફરી તાજો થાય છે: દંતકથાઓ અને માન્યતાઓની પાછળ કોઇ સત્ય છુપાયું હશે? સત્ય અને માન્યતા વચ્ચે સંધ્યા સમયનો કોઇ પડદો છે? તેજક્રિશન ભટ્ટની સાથે થયેલ ઘટનાનું રહસ્ય શું હતું? Rarified atmosphereનો આ પ્રતાપ હતો? દિવાસ્વપ્ન? અસહ્ય ઠંડીમાં એકલતાને કારણે થતો ચિત્તભ્રમ - સ્કિત્ઝોફ્રેનિયા જેવો કોઇ પ્રકાર? ભટ્ટને કોઇ માનસિક બિમારી નહોતી. પોતાની ધગશ, બુદ્ધિમતા અને બહાદુરીને કારણે આગળ જતાં ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટના પદે પહોંચી ગયા હતા. તેમણે કહેલી વાત કપોલકલ્પિત હતી કે કેમ તે હું કહી શકું તેમ નથી. પરંતુ મારા જવાનોએ જે જોયું અને તેનું વર્ણન કર્યું તેને હું ગપગોળો નહિ કહી શકું. બીજી વાત: ભટ્ટના દાઝી ગયેલા હાથ મેં જાતે જોયા હતા. સામાન્ય બુદ્ધીને માન્ય ન થાય તેવી વાતને શું કહેવું, તે પણ સમજાતું નથી.
મારી પોતાની વાત કરૂં તો વિમલા પોસ્ટમાં હું કદી સરખી રીતે સૂઇ શક્યો નહોતો. બુખારી હોવા છતાં કદી ન સમજાય તેવી ભયાનક ઠંડી, મારા બંકરમાં કોઇનો પગરવ થયાનો આભાસ, બંકરની ભીંતમાંના છિદ્રોમાંથી આવતા પવનના સૂસવાટમાં નિદ્રા ક્યાંથી આવે? આખી રાત પુસ્તક વાંચવામાં જતી. ક્યારે નિદ્રા આવતી તેનો ખ્યાલ આવે તે પહેલાં મારો સાથી તોતારામ ‘બેડ-ટી’ લાવી જગાડે. હું તૈયાર થઉં ત્યાં મારા સાર્જન્ટ મેજર આવી રાત દરમિયાન થયેલી કોઇ માહિતીનો રિપોર્ટ લાવે. કંપની ક્લાર્ક બલબીર ચંદ ‘સિટ-રેપ’ (situation report) લખાવવા આવે. સામાન્ય રીતે અમારા સિટરેપમાં NTR (Nothing To Report) જ હોય. તેથી બલબીરચંદે સિટરેપનું નામ NTR પાડ્યું હતું. “સર, NTR લખાવવા અાવ્યો છું!” જો કે સિટરેપમાં અમારે હવામાનના સમાચાર આપવાના રહેતા તેથી દિવસ-રાતમાં મહત્તમ અને લઘુતમ ટેમ્પરેચર કેટલું હતું, વાતાવરણ ‘સાફ’ હતું કે તોફાન વાળું, એ લખવું પડતું. શૂન્યની નીચે બે આંકડામાં જતું તાપમાન આ કારણે જ યાદ રહી ગયું હતું.
આવતા અંકમાં જીપ્સીની supporting lifelineની વાત કરીશ.

પર્વતરાયની શરણમાં (૨)

શાકા વૅલીની આજુબાજુ સેંકડો ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સરુ, દેવદાર અને પાઇન વૃક્ષોનાં ગીચ જંગલ છે. ત્યાંથી થોડી વધુ ઉંચાઇ પર ખાસ પ્રકારના પૉપ્લર ઉગે છે. તેના થડની છાલ નોટબૂક જેવા પાતળા કાગળની થોકડી જેવી. આના પર તમે પત્ર પણ લખી શકો! મોંઘી કિંમત પર મળતા ખાસ પ્રકારના મશરૂમ અહીંના જંગલમાં ચારે તરફ ઉગતા હોય છે, પણ રીંછ અને ચિત્તાના ભયને કારણે ગ્રામવાસીઓ અહીં આવતા નથી. દસ - અગિયાર હજાર ફીટની ઉંચાઇએ ‘tree line’ સમાપ્ત થાય.(ટ્રીલાઇન કેવી હોય છે જોવા અહીં ક્લીક કરશો. ટ્રીલાઇન બાદ ચઢાણ કેવા હોય છે તેનો અંદાજ અહીં આવશે!). ટ્રીલાઇન બાદ અહીંના પહાડ પર ઝાડ કે પાન ઉગતા નથી. અૉક્સીજનનું પ્રમાણ ઘટી જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય. વળી અહીંથી છેલ્લી ત્રણ હજાર ફીટની ઉંચાઇ અતિ કષ્ટદાયક અને સીધાં ચઢાણની. દર ત્રણ-ચાર પગલાંએ શ્વાસ લેવા-છોડવા પડે. નાજુક ફેફસાંવાળા અહીં ટકી ન શકે. અમે માર્ચીંગ કરી રહ્યા હતા ત્યાં નીચેના જંગલમાંથી વિકરાળ ત્રાડ સાંભળી.અમે થંભી ગયા. અમારા ગાઇડ ગુલામ હૈદર માટે જાણે આ સામાન્ય ઘટના હોય તેમ તેણે કહ્યું, “શાબ જી, યે બનબૂઢેકી આવાજ હૈ. ઇસ મૌસમમેં સાથી કો ઢુંઢને કે લિયે ઐસી હી પુકાર દેતા હૈ. ઇસ મૌસમમેં લકડી કાટને હમારી અૌરતેં જંગલમેં નહિ જાતીં.” આ બાબતમાં મેં તેને અનેક સવાલ પૂછ્યા. શાકામાં પણ આ બનબૂઢા પાછલા કેટલાક વર્ષોમાં આવ્યા હતા, અને તેને તે પ્રસંગો બરાબર યાદ હતા. હા, વળી આ જંગલમાં ‘કસ્તુરા’ (કસ્તુરી મૃગ), રીંછ અને ચિત્તાઓનો પણ નિવાસ છે, તેવું તેણે જણાવ્યું. કસ્તુરાનો શિકાર કરવાની મારી ઇચ્છા હોય તો તે મને લઇ જવા તૈયાર હતો! મેં તેને નમ્રતાપૂર્વક ના કહી, સૈનિકો પણ conservationists હોઇ શકે છે!
ચઢાઇના છેલ્લા પાંચસો ફીટ બાદ િશખર પર plateau હતો અને ત્યાં અમારી ચોકી. આ ઢાળ અત્યંત સિધો - એવો કે તેની ટોચ પર આવેલા કોઇ બંકર દેખાય નહિ. અમારે ત્યાં એવો શિરસ્તો હતો કે દૂરથી નિરીક્ષણ કરી રહેલ સંત્રીને શિખર તરફ આવતી આપણી ટુકડી દેખાય કે પોસ્ટ કમાન્ડર ચ્હાના થર્મૉસ, સૂકો મેવો વિ. લઇને તેમનું સ્વાગત કરવા નીચે આવે.
અસહ્ય ઠંડી વાળા આટલી ઉંચાઇ પર આવેલા શીત પ્રદેશમાં રહેવા સૈનિકો માટે કોઇ બૅરેક નથી હોતી. પહાડમાંથી ભેગા કરેલા પત્થરની ભિંત બનાવીને તૈયાર કરેલા બંકરમાં રહેવું પડે. બંકરની છત પર વળીઓ, તેના પર ટિનનાં પતરાંના છાપરાં. આ છાપરા પર માટીનો થર ચઢાવેલો હોય. બંકરની અંદર ગરમાવા માટે ‘બુખારી’ નામનું ટિનનું બંબા જેવું એક સાધન મૂકવામાં આવે. તેમાં બર્નર હોય છે. બર્નરમાં નળી દ્વારા કેરોસીનનાં ટીપાં પડે જેથી બુખારી આખી રાત બળતી રહી શકે. જો કે અમે તેવું કરી શકતા નહોતા. કેરોસીન બળે ત્યારે અતિશય ઠંડીને કારણે તેની ધુમ્રસેરનું ટાલ્કમ પાવડર જેવી ઝીણી મેશમાં રુપાંતર થતું. અમારા શ્વાસમાં આ મેશની રજકણ જવાથી ગળામાં અને નાકમાં તે ચોંટી જતી. માણસ થુંકે અથવા તેની ખાંસીમાંથી બલગમ નીકળે તો તે કાળા રંગનાં હોય. આથી રાતના સમયે થોડી હૂંફ આવે કે બુખારી ઓલવી, અમે લાકડાની પાટલીઓ પર મૂકેલી સ્લીપીંગ બૅગમાં પેસી જઇએ. સૂતી વખતે પણ બધા સ્નો બૂટ પહેરીને સ્લીપીંગ બૅગમાં જઇએ, કારણ બંકરની આાસપાસની જમીન પર બુખારીની ગરમીને કારણે બરફ પીગળીને અને જમીનના તળીયામાંથી પાણી બંકરમાં આવે. બુખારી ઓલવ્યા બાદ પણ જમીન પર પાણી તો રહે જ અને સવાર સુધીમાં તે જામીને બરફ થઇ જાય. ભુલથી પણ ઉઘાડો પગ આ પાણીમાં પડે તો વિંછીના ડંખ જેવું દર્દ થાય! એટલું જ નહિ, તેનાથી frost bite થવાની સંભાવના હોય છે. ફ્રૉસ્ટ-બાઇટનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો તેનું gangreneમાં રુપાંતર થતાં વાર ન લાગે.
અસહ્ય ઠંડી તથા હવામાં અૉક્સીજનની કમીને કારણે રાતે ઉંઘ પણ ન આવે.. આટલી ઊંચાઇ પર હવાનું દબાણ ઓછું હોવાથી રસોઇ ચઢવામાં લાંબો સમય લાગતો હોય છે, તેથી દાળ -ભાત લાંબો સમય રાંધવા છતાં થોડા કાચા રહી જાય. આટલી ઉંચાઇએ આવેલ ચોકીમાં શિયાળાના દિવસોમાં એક સ્વચ્છ જગ્યાની આસપાસ લાલ દોરડાથી ‘માર્કિંગ’ કરવામાં આવે. આ અમારો જલ-સ્રોત! આ જગ્યામાં જામેલો બરફ ચૂલા પર રાખેલ ખાસ પ્રકારની ડોલમાં મૂકી ગરમ કરીને પાણી થાય ત્યારે તેનો ચ્હા-પાણી અને રસોઇ માટે ઉપયોગ કરવાનો!
સાંભળ્યું હતું કે આપણા ઋષીઓ તથા સંતો આવી જગ્યાએ રહીને તપ-સાધના કરતા. તેમનો વિચાર કરૂં છું ત્યારે મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે.

Monday, June 29, 2009

પર્વતરાયની શરણમાં...

આજે નગાધિરાજના શરણમાં રહેતા જવાનોની વાત કરીશું.

સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે - જેમકે 'પૉઇન્ટ ૬૩૫', 'પડા ચિનાર', 'લોન ટ્રી', અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલીટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું “વિમલા” - મારી માતાનું નામ! કર્મધર્મ સંયોગે છ મહિના બાદ મારી નીમણૂંક વિમલા પોસ્ટના સેક્ટર કમાંડર તરીકે થઇ.
વિમલા ક્ષેત્રની જમીનનાં દર્શન વર્ષના ફક્ત ચાર થી પાંચ મહિના થાય. તે વખતે અહીંનું દૃશ્ય નયનરમ્ય હોય છે. અહીં અદ્ભૂત અૌષધીગુણ ધરાવતા બનફશાહ નામના ઝીણાં નીલા રંગના ફૂલ ઉગે. તળેટીમાં રહેતા લોકો બનફશાહનાં ફૂલ - કિલોના બે-ત્રણ હજાર રૂપિયા મળે એવા મૂલ્યવાન ફૂલ ચૂંટવા અહીં આવે. લાલ, લીલી ઝાંયવાળા હેધર (heather)નાં shrub અને નાનાં નાનાં છોડ. બાકીના સાત મહિના બરફથી ઢંકાય. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે ચોકીના અમુક સ્થળોએ ૫૦ ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન માઇનસ ૩૦થી ૪૦ ડીગ્રી હોય અને હવામાન કોઇ પણ પ્રકારની ‘ચેતવણી’ આપ્યા વગર બદલાય - એટલે બગડે. આવું થાય ત્યારે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સૂસવાટા કરતો બરફથી સભર પવન - blizzard - ફૂંકાય. કોઇ ઉભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલીંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. તેમની - અને અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ ન કરે. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં - એટલે કર્ણામાં ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે “વિમલા” અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ, સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઇ શકીએ. એવું લાગે જાણે પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઇ રહ્યા છીએ!
મે મહિનાથી જુલાઇ-અૉગસ્ટ સુધી વિમલા સેક્ટરમાં દસે’ક મહિનાની રસદ - કેરોસીન, ટીનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચ્હા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણઝાર પર લાદીને ‘ઉપર’ પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે ‘વિમલા’ સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણઝાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલ સામાન મોકલવાનું બંધ! હવામાન સારું હોય તો હવાઇદળનું હેલિકૉપ્ટર અઠવાડિયામાં એક વાર જવાનોની ટપાલ લઇને આવે અને તેમણે લખેલા પત્રો લઇ જાય. ચોકી પર કોઇ સખત બિમાર પડે તો તેને હૉસ્પિટલ લઇ જવા માટે પણ હેલિકૉપ્ટર આવે. ભારતીય ટેલીવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ તે સમયે અમારા બ્રિગેડ કમાંડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા, અને વિમલા ચોકી પર રહેતા સૈનિકો પર તેમનું ખાસ ધ્યાન રહેતું.
મારી કંપની અૅન શિયાળામાં “વિમલા” સેક્ટરમાં ગઇ. ત્યાં જવા બે દિવસ લાગે. સવારના દસે’ક વાગે ત્યાં જવા નીકળીએ અને ૭૫૦૦ ફીટની ઉંચાઇ વાળી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ - શાકા વૅલી-માં સાંજના સાતે’ક વાગે પહોંચીએ. શાકા વૅલી સમુદ્રતટથી ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વ લોક કદાચ આ જ હશે! અહીંના જેવી સૌંદર્યશાળી બહેનો અને એટલો જ રૂપાળો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા સુંદર પતંગિયા સુદ્ધાં મને બીજે ક્યાંય જોવા મળ્યા નથી.
હું જ્યારે ‘વિમલા’ જવા નીકળ્યો ત્યારે મારી ટુકડીમાં કંપની સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ, સિપાહી તોતારામ, કંપની ક્લર્ક બલબીર ચંદ અને ચાર પોર્ટર્સ હતા. તેમાંનો એક ગુલામ હૈદર સૌથી જુનો - અને વૃદ્ધ. સવારે દસ વાગે જમીને અમે નીકળ્યા. સાડા સાત હજાર ફીટની ઉંચાઇની ધાર પાર કરીને શાકા પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. શાકામાં રાત વાસો કરી અમે વહેલી સવારે ચાર વાગે ફરી પર્વત પર ચઢવાનું શરુ કર્યું. આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરાના કિનારા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો-એક મીટર પહોળી છે. પગદંડીની કિનારની નીચેની ખીણ ૧૫૦૦ ફીટ ઉંડી છે. એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે કારણ કે આ સ્થળે હિમપ્રપાત - avalanche- હંમેશા આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે તેથી અમારે શાકામાંથી ચાર વાગે પ્રયાણ શરુ કરવું પડ્યું હતું. આ પહેલાં વખતસર આ જગ્યા પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઇને કેટલાક જવાનો આ ઉંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છ’એક મહિના બાદ બરફ પીગળે ત્યારે તેમનાં શબને શોધવા આ ઉંડી ખીણમાં ખાસ ‘સર્ચ પાર્ટી’ મોકલવી પડતી. આવી જ રીતે મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઇને અદૃશ્ય થઇ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઉંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી બીજા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતા આ માનચિહ્ન સૈનિકો માટે જીવા દોરી સમાન હોય છે. આ દોરડાની નીચે ચાલીને જ બીજી ચોકીએ જવા બરફમાં ‘પદયાત્રા’ કરવી જરુરી હોય છે. મેં જ્યારે આ સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને એવી બે જગ્યાઓ બતાવવામાં આવી, જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે િશખર વચ્ચે પૂલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહેવાય છે(કૉર્નિસ કેવી હોય છે તે જોવા અહીં ક્લીક કરશો તેમાંનુ છેલ્લું ચિત્ર અમારે ત્યાંની કૉર્નિસને હૂબહૂ મળતું આવે છે). પ્રથમ દૃષ્ટિએ સખત રસ્તા વાળા પૂલ જેવી લાગતી આ કોર્નિસ પરથી સહેલાઇથી જઇ, બે-અઢી કલાકની કૂચમાંથી બચી જવાય એવું લાગે. બે વર્ષ પહેલાં દક્ષીણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યો.
છ મહિના બાદ તેમનાં શબ હાથ લાગ્યા હતા.

Friday, June 26, 2009

નગાધિરાજના દરબારમાં

રજૌરીમાં શાંતીપૂર્વક (!) સમય ગાળ્યા બાદ અમારી બટાલિયનને ૧૩૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલા તંગધાર વિસ્તારમાં જવાનો હુકમ મળ્યો. મને બટાલિયનની અૅડવાન્સ પાર્ટીના કમાન્ડર તરિકે ત્યાંની ચોકીઓનો ચાર્જ લેવા માટે મોકલવામાં આવ્યો. સંધ્યાના યોગ-ક્ષેત્રની વાતો રજૌરીથી અમારી બટાલિયન આ ‘high altitude’ માં આવેલ વિકટ વિસ્તારમાં જવા નીકળી ત્યારથી શરુ થઇ.
બટાલિયનના સો’એક જેટલા જવાનો તથા જરુરી શસ્ત્ર-સામગ્રી લઇ દસ ટ્રક સાથે અમે સુંદરબની, ખુની નાલા અખનૂર અને જમ્મુ થઇ ઉધમપુર પહોંચ્યા. અહીં રાત રોકાઇ, કાશ્મિરના ખતરનાક રસ્તા પર સોપોર, બારામુલ્લા, કુપવાડા થઇ, અગિયાર હજાર ફીટની ઉંચાઇએ આવેલ ભયાનક એવા નસ્તાચુન પાસ પર પહોંચ્યા. નસ્તાચુન પાસ એટલે માણસના ધૈર્ય, હિંમત અને આત્મબળની કસોટી. ઉનાળામાં સૌંદર્યની ખાણ સમાન નસ્તાચુન શિયાળામાં વિકરાળ પહાડનું સ્વરુપ ધારણ કરી લે છે. તે વખતે ત્યાંથી કોઇ ગાડી - 4x4 જીપ પણ પાર જઇ શકતી નથી. આવા ભયાનક ઘાટને પાર કરી અમે ઝર્લા નામની ખીણમાં ઉતર્યા અને ત્યાંથી આગળ અમે કર્ણા નામના નાનકડા કસ્બામાં અમારું નવું બટાલિયન હેડક્વાર્ટર હતું ત્યાં પહોંચ્યા.
નસ્તાચુન પાસને એક રંગીન મિજાજના બ્રિગેડ કમાન્ડરે તે સમયની લોકપ્રિય અભિનેત્રીનું નામ ‘સાધના’ (જુઓ ચિત્ર)આપ્યું હતું. અહીં બતાવેલ ચિત્ર સાધનાથી લગભગ ૨૦૦૦ ફીટ નીચે છે. ઉપર કેવા હાલ હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શિયાળામાં નસ્તાચુન પાસને પસાર કરવામાં અગાઉ ઘણા જવાનો અને અફસરોએ જાન ગુમાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાંથી નસ્તાચુનનો ડર નીકળી જાય એટલા માટે તેનું આકર્ષક નામાભિધાન કરવામાં આવ્યું. નસ્તાચુનની ટોચ પર અફસરો, જ્યુનિયર કમીશન્ડ અફસર તેમજ જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં સાધના પાસ પર વાહન વ્યવહાર બંધ પડી જાય છે. બરફનાં તોફાન તથા હિમવર્ષાનું પ્રમાણ બેહદ હોય છે, તેથી રજા પર જતા કે રજા પરથી પાછા આવતા જવાનોને પગપાળા સાધના પસાર કરવો પડે છે. બરફ પડ્યા બાદ તેની ટોચથી કર્ણા સુધી વળીઓ રોપી, તેના પર લાલ રંગનાં દોરડાં બાંધવામાં આવે છે. આ દોરડાના સહારે સુરક્ષીત માર્ગ શોધવો સહેલું થાય છે.
નસ્તાચુન પાર કરતી વખતે અમારા સિવિલિયન પોર્ટરે મને કહ્યું, “સર, ‘સાધના’થી નીચે ઉતરો ત્યારે ઝર્લાની ખીણમાં સાવચેત રહેવું. આ ખીણમાં એક બલા વસે છે. અત્યંત રુપવતિ યુવતિ બની તમારી સામે આવશે અને તમને મંત્રમુગ્ધ કરી સહવાસ માટે પ્રેરશે. તમે તેની સાથે વાત કરો તો પણ તે તમારી રુહને ગુલામ બનાવી દેશે. કર્ણામાં તમને એવા કેટલાક માણસ દેખાડીશ જેમના રુહને ઝર્લાની બલા ભરખી ગઇ છે. આ માણસો પ્રેતની માફક રઝળતા દેખાશે”. એકાદ મહિના બાદ તેણે આવા બે-ત્રણ માણસો બતાવ્યા, પણ અમારી પાસે તેની ચોકસાઇ કરવાનો સમય કે જરૂરીયાત નહોતી. ગાઇડની વાતમાં એક જ સાચી વાત દેખાઇ: ઝર્લાની ખીણ કોઇ સ્વરૂપવાન સુંદરી કરતાં ઓછી સુંદર નહોતી. જો કે સૌંદર્યથી સભર ખીણમાં એક પ્રકારની ભયાનકતા હતી. અહીં ઘણા જવાનોએ હિમપ્રપાતમાં પ્રાણ ખોયા હતા.
કર્ણા કૅમ્પમાં અમારી બટાલિયન તેમજ બ્રિગેડનું હેડક્વાર્ટર હતું. સમુદ્રની સપાટીથી કર્ણા ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર. સાધના પાસથી અહીં ઉતર્યા બાદ અમારી બટાલિયનની જવાબદારી હેઠળ આવતી બધી ચોકીઓનો ચાર્જ મારે લેવાનો હતો. સૌ પ્રથમ હું કર્ણાના તંગધારની આસપાસનો વિસ્તાર જોવા ગયો. મારી સાથે ગામના તહેસીલદાર (આપણા મામલતદારના સમકક્ષ) હતા. તેઓ મને પહાડમાંથી ખળખળ કરી ઉતરતા એક ઝરણાની પાસે લઇ ગયા. ઝરણાની પાછળ ઘેરું જંગલ હતું. “આ જંગલમાં બન બુઢો રહે છે. તેના આખા શરીર પર લાંબા લાંબા વાળ હોય છે. સફેદ વાળને કારણે અહીંના લોકો તેને જંગલમાં રહેનારો બુઢ્ઢો - બન બુઢો કહે છે. સાત-આઠ ફીટ લાંબો આ બન બુઢો અહીંની સ્ત્રીઓને ઉપાડી જવા કોઇ વાર આવતો હોય છે.” ઝરણાની નજીક એક મકાન હતું. આ મકાન બતાવીને તહેસીલદારે કહ્યું, “આ મકાનમાં રહેતા પરિવારની યુવાન સ્ત્રીને એક બન બુઢો ચારે’ક વર્ષ પહેલાં ઉપાડી ગયો હતો. ગામના લોકો બંદુક લઇને તેની પાછળ દોડી ગયા અને મહા મુશ્કેલીએ તેને છોડાવી આવ્યા. બન બુઢાને બે નાળી બંદુકના છરા વાગ્યા તેથી તે પેલી સ્ત્રીને મૂકીને નાસી ગયો. પેલી સ્ત્રી એટલી ગભરાઇ ગઇ હતી કે ડરના માર્યા તેણે ખાવા પીવાનું છોડી દીધું હતી અને થોડા દિવસ બાદ તે મરી ગઇ.” હું વિચારમાં પડી ગયો. જે રીતે તહેસીલદારે બન બુઢાનું વર્ણન કર્યું તેના પરથી તો એવું લાગ્યું કે તે યેતિ - હિમ માનવની વાત કરી રહ્યો હતો. આપણને પરિકથા લાગે તેવી બન બૂઢાની વાત કર્ણામાં અત્યંત સામાન્ય અને પ્રચલિત વાયકા છે.
બીજા દિવસે હું મારા સહકારીઓ સાથે ચોકીઓનો ચાર્જ લેવા નીકળ્યો. હું જ્યારે પહેલી ચોકીની તળેટીએ પહોંચ્યો ત્યારે ત્યાંના પહાડ જોઇ મારું હૈયું બેસી ગયું. હિમાલય વિશાળ છે એ તો બધા જાણે છે, પણ તેની વિશાળતાનું પરિમાણ આટલી નિકટતાથી જોયું નહોતું. તળેટીથી પહાડની ઉંચાઇ આવડી હશે તેની મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. પહાડના શિખર પર અમારી ચોકી હતી અને મસ્તક ઉંચું કરી ત્યાં નજર કરી તો મારી હૅટ પીઠની પાછળ પડી ગઇ! લગભગ ૫૦-૬૦ અંશના ઢાળના સીધા અને ૧૧૦૦૦ ફીટ ઉંચા પહાડ પર મારે ચઢવાનું હતું. આવા પંદર સ્થળોનો ચાર્જ લેવા મારે જવાનું હતું. બધા જ સ્થળો લગભગ આવી જ ઉંચાઇએ આવેલા. તળેટીએ હોય તેવી એક જ ચોકી હતી, અને ત્યાંથી પ્રખ્યાત એવી કૃષ્ણગંગા (ફોટો) નદી સાવ નજીક હતી. ત્યાં જઇને નહાયો તો નહિ, પણ હાથ, પગ અને મ્હોં ધોયા, તેનાં નીર માથા પર ચઢાવી શક્યો!
અમારા બટાલિયન સેક્ટરની બધી ચોકીઓ પર જવામાં કેવી તકલીફ નડી તેની વિગત નહિ આપું. કેવળ સૌથી વધુ મુશ્કેલ સ્થળ - જે ૧૩૨૦૦ ફીટની ઉંચાઇ પર હતું - નસ્તાચુનથી ૨૦૦૦ ફીટ વધુ ઉંચું સ્થાન - તેની વાત કરીશ.

Thursday, June 25, 2009

રજૌરી ... (૨)

SSGની ટુકડીને કામયાબી અપાવવા દુશ્મનની મશીનગનનું મારા જવાનો પર અવિરત ફાયરીંગ ચાલુ હતું તેને ચૂપ કરવાનો મેં નિર્ણય લીધો.
રાતના સમયે કોઇ હથિયારમાંથી અૉટોમેટીક ફાયરીંગ કરવાનું હોય તો તેમાં ‘ટ્રેસર’ ગોળીઓ મૂકવામાં આવે છે. રાતાચોળ તણખા જેવી આ ગોળીઓ ક્યાંથી નીકળી ક્યાં જઇને આઘાત કરે છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. અમે જોઇ શક્યા કે દુશ્મનની કઇ ખાઇમાંથી તેમની મશીનગન ફાયરીંગ કરી રહી હતી. મેં નિર્ણય લીધો અને પાંચ સેકંડ માટે અમારા ભારે હથિયારમાંથી દુશ્મનની ટ્રેંચ પર એક જબરજસ્ત ‘બર્સ્ટ’ માર્યો. એક સેકંડમાં દસ ગોળીઓ છૂટે એવા અમારા હથિયારના ધડાકા અને તેના પડઘા આખી ખીણમાં ધરતીકંપની જેમ ગાજી ઉઠ્યા. આ પાંચ સેકંડની કાર્યવાહી બાદ પહાડોમાં ભયંકર શાંતિ ફેલાઇ ગઇ. દુશ્મનના હથિયારો થીજી ગયા. રાતના ત્રણ વાગ્યા હતા. અમારી જે પોસ્ટ પર ગોળીબાર ચાલી રહ્યો હતો તેના જવાનોને નૈતીક આધાર અને હિંમત આપવા તેમની પાસે જવા નીકળતો હતો ત્યાં અમારા ફીલ્ડ ટેલીફોન અને વાયરલેસમાં જાણે ભૂત ભરાયું હોય તેમ ધણધણવા લાગ્યા. બ્રિગેડથી માંડી અમાર બધા ઉપરી અધિકારીઓ પૂછવા લાગ્યા કે ભારે હથિયારનો ઊપયોગ કોણે અને શા માટે કર્યો. મેં તેમને સત્ય પરિસ્થિતિ જણાવી. મને આદેશ મળ્યો કે મારા તરફથી થયેલા ‘અનધિકૃત ફાયરીંગ’ની તપાસ કરવા અમારા ‘થિયેટર કમાંડર’ બ્રિગેડીયર સમશેરસિંહ જાતે આવી રહ્યા છે, અને મારે તેમનું મારા સેક્ટર હેડક્વાર્ટરમાં સ્વાગત કરવાનું છે. (થિયેટર એટલે સિનેમા નહિ - થિયેટર અૉફ વૉર હોય છે.)
મારા માટે આ ગંભીર બાબત હતી. નિર્ણય લેવામાં મારી ભૂલ જણાઇ આવે તો મારી કારકિર્દી પર આંચ આવે તેમ હતું. આ માટે જ ઊંચા હોદ્દાના અફસર જાતે તપાસ કરવા આવી રહ્યા હતા.
બૉર્ડર પર યુદ્ધની સ્થિતિ હોય તો તે માટે પણ અમારો ‘ડ્રેસ કોડ’ હોય છે, જેમાં કોઇએ મેડલની રિબન કે અમારા હોદ્દા દર્શક ચિહ્ન પહેરવાના ન હોય. તે દિવસે મેં dress codeનો ભંગ કરી બીજો અપરાધ કર્યો. બે યુદ્ધ તથા અન્ય ફીલ્ડ પોસ્ટીંગમાં કરેલી સેવાના મને કૂલ આઠ મેડલ મળ્યા હતા. દરેક મેડલને અગ્રક્રમ હોય છે. ઘેરા નીલા અને સફેદ રંગની વચ્ચે લાલ દોરાની મારી પહેલી મેડલ-રિબન હતી ૧૯૭૧માં મળેલ રાષ્ટ્રપતિના વીરતા માટેના પોલીસ ચંદ્રકની. બ્રિગેડિયર સમશેરસિંહ ડોગરા રાજપુત હતા. મેં તેમને સૅલ્યૂટ કરી સ્વાગત કર્યું ત્યારે તેમણે મને પ્રથમ સવાલ કર્યો, “મેજર, આ પહેલો મેડલ શાનો છે? મેં આ અગાઉ આ રિબન જોઇ નથી.”
મેં તેમને જવાબ આપ્યો અને તેઓ થોડા ‘ઇમ્પ્રેસ’ થયા. ત્યાર બાદ જ્યાંથી મેં મારૂં હથિયાર વાપર્યું હતું ત્યાં અને જે પોસ્ટ પર SSGએ હુમલો કર્યો હતો તે સ્થાને તેમને લઇ જવાનો હુકમ આપ્યો. બ્રિગેડિયરની સાથે અમારો ‘અૉપરેશનલ કમાંડર’ ઇન્ફન્ટ્રીનો કમાંડીંગ અફસર હતો. બ્રિગેડિયર સાહેબે તેમની ‘પાટલૂન ઉતારી હતી’ એ તેમના મોઢા પરથી જણાઇ આવતું હતું. બ્રિગેડિયર ન જુએ તે રીતે તેઓ હોઠ ફફડાવીને મને ગાળો આપી રહ્યા હતા, કારણ કે મેં જે કાર્યવાહી કરી હતી તે વિશે ન તો મેં તેમની રજા લીધી હતી, ન તો તેનો રીપોર્ટ આપ્યો હતો. મારા અૉપરેશનલ કમાંડર તરીકે તેમણે કદી મારા સેક્ટરની મુલાકાત નહોતી લીધી, કદી પણ મને તેમની ‘અૉપરેશનલ મીટીંગ’માં બોલાવ્યો હતો અને કદી કોઇ સંપર્ક નહોતો રાખ્યો. આ બધું કરવાની તેમની જવાબદારી હતી, જેની તેમણે કદી દરકાર નહોતી કરી. આથી મારી બધી ગતિવિધીઓનો રિપોર્ટ હું મારા કમાન્ડન્ટને જ અાપતો. બ્રિગેડિયરે નિયમ પ્રમાણે આ પ્રસંગ માટે મારા ‘અૉપરેશનલ કમાંડર’ને જવાબદાર ઠરાવ્યા હતા. આ બાબતમાં તેમની પાસે કોઇ જવાબ નહોતો તેથી સમશેરસિંહ તેમના પર બરાબર ‘વરસ્યા’ હતા, તેથી ઇન્ફ્ન્ટ્રી કમાંડર મારા પર પ્રસન્ન નહોતા!
બ્રિગેડિયર સમશેરસિંહે મને સૂચના આપી કે તપાસ દરમિયાન મારે એક અક્ષર પણ ન બોલવો. તેઓ પોતે અંગત રીતે સમગ્ર બનાવની માહિતી મેળવશે. બે કલાકની પદયાત્રા બાદ અમે બનાવના સ્થળે પહોંચ્યા અને તેમણે તપાસ આદરી. દરેક જવાનને બારીકાઇથી પ્રશ્નો પૂછ્યા. દુશ્મનોએ જ્યાં LMG ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો તે ટ્રેન્ચની આગળ જઇ દુશ્મન સૈનિકના બૂટનાં નિશાન જોયા. મને મારા કામ પર અને લીધેલા નિર્ણય પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં આ તપાસના પરિણામની ચિંતા છોડી હતી. બીજા બે કલાકની પદયાત્રા અને તપાસ બાદ અમે પાછા મારા હેડક્વાર્ટરમાં પહોંચ્યા. મિલીટરીના મસ મોટા સફેદ અૅનેમલના ટમલરમાં પીરસેલી ચ્હા પીને બ્રિગેડિયર ત્યાંથી રવાના થયા. જતાં પહેલાં તેમણે મને કશું કહ્યું નહિ.
પંદર દિવસ બાદ બ્રિગેડના અફસરોની મિટીંગ થઇ. મીટીંગના અંતે બ્રિગેડિયર સમશેરસિંહે મારા સેક્ટરમાં થયેલ બનાવ વિશે વિસ્તારથી વાત કરી. તેમણે એક ઇન્ફન્ટ્રીના મેજરને પૂછ્યું, આ બાબતમાં તેણે શું કરવું જોઇએ.
“સર, ચાલુ હુકમ પ્રમાણે વળતી કાર્યવાહી માટે હું બ્રિગેડની રજા માગીશ. જો મને ફાયરીંગ કરવાનો હુકમ મળે તો હું અસરકારક જવાબી ફાયરીંગ કરીશ.”
“સ્ટૅંડીંગ અૉર્ડર પ્રમાણે officer on the spotને પ્રસંગની ગંભીરતાને જોઇ યોગ્ય કારવાઇ કરવાનો અધિકાર છે, તે જાણો છો? આ હુકમમાં સ્પષ્ટ આદેશ છે કે સામાવાળા તરફથી serious provocation થાય તો તમને કોઇની રજા વગર તાત્કાલિક અને યોગ્ય લાગે તેવા પગલાં લેવાનો અધિકાર છે. કાર્યવાહી કર્યા બાદ તમારે મને જાણ કરવાની હોય છે. આવું કરો તો હું તમને ૧૦૦ ટકા સપોર્ટ કરીશ. મોકા પર હાજર તમે છો, હું નહિ. સ્થાનિક સેનાનાયક તરીકે પ્રસંગનું assessment કરી શકો તેવી તમને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમ છતાં તમે રજા માગતા રહેશો?"
મારી તરફ અંગુલીનિર્દેશ કરી તેમણે કહ્યું, “બીએસએફના આ અફસરે યોગ્ય કારવાઇ કરી હતી તેના માટે હું તેને અભિનંદન આપું છું.” આમ કહી તેમણે એક પ્રસંગનો દાખલો આપ્યો.
"આ જ જગ્યા - 'બડા ચિનાર’ પર બીએસએફની ટુકડીઓ મોકલવામાં આવી, તે પહેલાં ત્યાં મિલીટરીની બટાલિયન અહીં તહેનાત હતી. આપણા લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને આપણી પ્રતિકાર કરવાની કહેવાતી અશક્તિની મજાક ઉડાવવા પાકિસ્તાની ચોકીના જવાનોએ તેમના ધાર્મિક દિનની ઉજવણી માટે આપણી ચોકીની સામે - ૧૦૦ ગજ પર આવેલી LC પર એક વાછરડું ખેંચી લાવ્યા અને તેને આપણા કંપની કમાન્ડર અને જવાનોની નજર સામે હલાલ કર્યું. આ જાણે ઓછું હોય, તેમણે તેના માંસના ટુકડા ભારતની સરહદમાં વસતા કાશ્મિરીઓને વહેંચવાની શરૂઆત કરી. આપણા આ “ભારતીય” કાશ્મિરીઓ ખુશીથી ત્યાં જઇને તેમની ‘મહેરબાની’ લઇ આવતા હતા. આપણી ચોકીના કૅપ્ટને આ રોકવા માટે ફાયરીંગ કરવા માટે બ્રિગેડની રજા માગી. કમાંડરે તેને ‘સ્થળ પરના કમાંડર તરીકે યોગ્ય અૅક્શન’ લેવા જણાવ્યું. કૅપ્ટનને જવાબદારી લેવી નહોતી તેથી તેણે કાંઇ કર્યું નહિ. મારી દૃષ્ટીએ આ ગંભીર પ્રોવોકેશન હતું. ઇન્ફન્ત્ટ્રીના કૅપ્ટને આક્રમક કાર્યવાહી કરી હોત તો બ્રિગેડે તેને ટેકો આપ્યો જ હોત."
મને બીજી વાર ચંદ્રક મળ્યા જેટલો આનંદ થયો.

Wednesday, June 24, 2009

રજૌરી: શાંતિથી રહેવા દો ને બાપલા!

અમારી એક ચોકીનું નામ હતું “બડા ચિનાર” (ચોકીનું નામ બદલવામાં આવ્યું છે). તેના કમાંડર ઇન્ફન્ટ્રીની રેજીમેન્ટમાંથી મારા સેક્ટરમાં ડેપ્યુટેશન પર આવેલા કૅપ્ટન ક્રિશન વાસુદેવ હતા. સેક્ટરનો ચાર્જ લઇને મને એક દિવસ પણ નહોતો થયો અને વહેલી સવારે લાઇટ મશીનગન (LMG)ના ફાયરીંગ નો અવાજ આખી ખીણમાં ધમધમી ઉઠ્યો. મેં ફીલ્ડ ટેલીફોન પર વાસુદેવને પૂછ્યું તો જાણવા મળ્યું કે બડા ચિનાર પર ફાયરીંગ થઇ રહ્યું હતું. બે કલાકની પદયાત્રા બાદ ત્યાં પહોંચ્યો ત્યારે પણ થોડી મિનીટોના અંતરે ફાયરીંગ ચાલુ જ હતું. વાસુદેવ તથા જવાનો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમની સામેની પાકિસ્તાની પોસ્ટ કેવળ ૧૫૦-૨૦૦ મીટર પર હતી ત્યાંથી ગોળીબાર થતો હતો. બિગ ટ્રી અને તેમની વચ્ચે LC હતી. જમીન પર આ લાઇન ખેંચાઇ નહોતી તેથી પાકિસ્તાનને તે મંજુર નહોતી!
અમારી કંપનીઓ જે વિસ્તારમાં મોરચા ખોદીને બેઠી હતી ત્યાં ઝાઝી વસ્તી નહોતી, તેથી જમ્મુ-કાશ્મિરની સરકારે પાણીની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમારા રોજિંદા ઉપયોગ માટે નજીકના પહાડી ઝરણાં - જેને કાશ્મિરમાં ચશ્મા કહે છે ત્યાંથી પાણી લાવીએ. એક દિવસ અમારા લંગર (રસોડા)માં કામ કરનાર સૈનિકો ચશ્મા પર પાણી લેવા ગયા, પાકિસ્તાની સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. અમે ફ્લૅગ મીટીંગ કરી તો તેમણે કહ્યું, “આ ચશ્મો અમારા વિસ્તારમાં છે. એક પણ ડગલું મૂકશો તો જાન ગુમાવી બેસશો.” યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકે કહ્યું, “આ disputed territory છે તેથી અમે કંઇ પણ કરવા અશક્તિમાન છીએ!”
સામાવાળાઓની ધોંસ એટલી વધી ગઇ હતી કે તેમના કોઇ સૈનિકને કંટાળો આવે તો અમને બે-ચાર ગાળો અાપી, રાયફલ કાઢી અમારી ચોકી તરફ દસ-બાર ગોળીઓ છોડી દે. આ સત્ય હકીજત છે, અને હું તેનો સાક્ષી છું.
આમ અમારા દિવસ વીતતા હતા. એક દિવસ અમને બધા ‘ફીલ્ડ કમાંડરો’ને હેડક્વાર્ટરમાં ખાસ મીટીંગ માટે બોલાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનામાં ખાસ કમાંડો રેજીમેન્ટ - સ્પેશીયલ સર્વિસ ગ્રૂપ -SSG- છે, જેને પાકિસ્તાનની ‘શાન’ ગણવામાં આવે છે. તેમની ફોજમાં જ પૂરવાર થયેલા શ્રેષ્ઠ નિશાનબાજ તથા શારીરિક અને માનસિક દૃઢતાની પરમોચ્ચ કસોટીમાં સફળ થનાર કમાન્ડો અફસર અને જવાનોને તેમાં લેવાય છે. આપને ખ્યાલ હશે કે જનરલ મુશર્રફ SSGના અફસર હતા. બીજી રસપ્રદ વાત: પાકિસ્તાનનું સર્જન થયા બાદ ભારતીય સેનાના અફસરોને જે દેશનીસેનામાં જવું હોય ત્યાં જવાની છૂટ આપવામાં આવી હતી. મુંબઇના ગુજરાતી મેમણ પરિવારના અગ્રણી સર ઇસ્માઇલ મીઠા મેમણના પુત્ર પાકિસ્તાનની સેનામાં ગયા અને જનરલ મીઠાના નામે પ્રસિદ્ધ થયા. જનરલ મીઠા SSGના સ્થાપક હતા!
SSGના કૅડેટ્સની ટ્રેનિંગ પૂરી થતાં તેમને કાશ્મિરમાં આપણી સેનાની ચોકી પર ‘raid’ કરવાનું ખાસ ‘મિશન’ આપવામાં આવે છે. મીટીંગમાં અમને જણાવવામાં આવ્યું કે આપણા ગુપ્તચરો ખબર લાવ્યા હતા કે SSGની ટ્રેનીંગ લેનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઇ જવાનો ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો.
બ્રીફીંગ બાદ હું તરત મારા સેક્ટરમાં પહોંચી ગયો. ત્રણ કલાકના માર્ચ બાદ રાતે હું મારી ટીમ સાથે મારા સેક્ટરની ફૉર્વર્ડ લોકેલીટીમાં ગયો. ચોકીઓમાં બે દિવસ અને બે રાત રહી, ત્યાંના દરેક સૈનિકની ટ્રેન્ચમાં ‘પોઝીશન’ લઇ બેઠેલા જવાનો સાથે સમય ગાળ્યો. તેમની જવાબદારીના વિસ્તારમાં દુશ્મનની હિલચાલ દેખાય તો તેમણે શી કાર્યવાહી કરવાની છે તે સમજાવ્યું. દરેક જવાનને તેનો 'ટાસ્ક' યાદ છે કે નહિ તેની ચોકસાઇ કરી. અમારા જવાનો ભારતના બધા રાજ્યોમાંથી આવ્યા હતા. પોતાની જવાબદારી ઉપરાંત તેમની દેશપ્રેમની ભાવના મજબૂત હતી. મને હૈયાધારણ થઇ કે SSGની કોઇ યુક્તિ અમારા સૈનિકોની સામે ચાલી નહિ શકે. ખાસ તો મેં તેમને એ હુકમ આપ્યો કે જો દુશ્મન તેમની સંરક્ષક ખાઇ સુધી આવેલો દેખાય તો મારા હુકમની રાહ જોયા વગર તેમણે ગોળી ચલાવવી. આનું જે કાંઇ પરિણામ આવે તો તેની હું અંગત જવાબદારી લઇશ એવું જણાવ્યું.
પાંચમા દિવસની રાતે હું માર સેક્ટર હેડક્વાર્ટરની સૌથી આગળની ખાઇમાં હતો ત્યારે રાતના બે-અઢી વાગે લાઇટ મશીનગનમાંથી નીકળતી ગોળીઓની ધણધણાટી સાંભળી. પાંચ સેકંડનો સમય નહિ વિત્યો હોય ત્યાં પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી FDLs પર ભારે ગોળીબાર શરૂ કર્યો. એક ‘મિનિ-યુદ્ધ’ શરૂ થઇ ગયું હતું. ફીલ્ડ ટેલીફોન પર ચોકીઓના કમાંડરો સાથે વાત કરતાં જણાયું કે અમારી એક FDLમાં લાઇટ મશીનગન પોસ્ટ પર પાકિસ્તાનના SSG કમાંડોની ટુકડી પહોંચી હતી. દુશ્મનને લાગ્યું કે તે સમયે અાપણા સંતરી ગાફેલ હશે, તેથી ‘ફિક્સ્ડ લાઇન’ પર ગોઠવેલી LMGને ખેંચીને લઇ જવાના ઇરાદાથી તેઓ આપણી ખાઇ સુધી પહોંચી ગયા. ભારતનો બહાદુર સંતરી સિખ લાન્સ-નાયક તૈયાર બેઠો હતો. તેણે દુશ્મનને જોતાં વેંત ૨૮ ગોળીઓની મૅગેઝીન ચલાવી. દુશ્મન અમારા ગોળીબારમાં સપડાઇ ગયો હતો. ત્યાંથી તેમને કાઢવા માટે પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારા પર ગોળીબાર શરૂ કર્યો. આમાંનો સૌથી મોટો માર મારી કમાંડ પોસ્ટની સામે આવેલી ચોકીમાંની મશીનગનમાંથી આવી રહ્યો હતો. તેમનો ગોળીબાર રોકવા મારી બટાલિયન કે આર્મીના અૉપરેશનલ કમાંડરની “પ્રૉપર ચૅનલ”થી રજા લેવા જઉં તો તે આવતાં સુધીમાં કેટલો સમય નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું. તે દરમિયાન આપણા જવાનોની સલામતિ જોખમમાં મૂકાતી હતી. મેં પોસ્ટના લાન્સનાયક સાથે વાત કરી અને તેના પ્લૅટૂન કમાંડર પાસેથી રિપોર્ટ મેળવ્યો. જીપ્સીએ શો નિર્ણય લેવો જોઇએ?
તેની જગ્યાએ આપે શું કર્યું હોત?