Tuesday, June 2, 2015

ચિત્રકથા (૨)

ગયા અંકથી ચાલુ...

અન્નપૂર્ણા દેવીએ જાહેરમાં કાર્યક્રમ ન આપવાની શપથ લીધી તેમણે કાયમ માટે પાળી. લગ્નવિચ્છેદ બાદ પુત્ર શુભેન્દુ (જેનું ટૂંકું નામ શુભ અને બંગાળી ઉચ્ચાર મુજબ ‘શુભો’ થયું) સાથે તેઓ દક્ષીણ મુંબઈમાં આવેલા ‘આકાશગંગા’ બિલ્ડીંગના અૅપાર્ટમેન્ટમાં રહેવા ગયા. શુભોને જન્મથી આંતરડામાં અવરોધની કાયમી સ્વરૂપની બિમારી હતી. તેને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો અને રાત ભર સુઈ શકતો નહોતો. મા આખી રાત તેને ગોદમાં લઈ વહાલ કરતાં, સાંત્વન આપતાં અને દિવસે શરૂ થતી સંગીતની સાધના. પતિ તો કાર્યક્રમ આપવા દેશભરમાં ફરતા હતા. 

સંગીતની તાલિમ દરમિયાન એક દિવસે બાબા (ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબ)એ અન્નપૂર્ણા દેવીને તેમનો સુરબહાર બતાવીને કહ્યું, “મારા ગુરૂની વિદ્યા તને શીખવવા માગું છું. તારામાં લોભ લેશમાત્ર નથી. વળી આ વાદ્ય શીખવા માટે અપરિમીત ધૈર્ય અને શાંતિ જોઈએ, જે તારી પાસે છે. તું મારા ગુરૂની વિદ્યા સાચવી શકીશ એવી મને શ્રદ્ધા છે. શરત એક માત્ર છે : તારે સિતાર કાયમ માટે છોડવી પડશે. આ કામ મુશ્કેલ છે, કેમ કે સિતાર જાણકાર અને સામાન્ય શ્રોતા, બન્નેનું લોકપ્રિય છે વાદ્ય છે. જ્યારે સુરબહાર એવા શ્રોતાઓ માટે છે જેઓ સંગીતના ઊંડાણને માપી શક્યા છે અને તેના હાર્દને સમજી શક્યા છે. તેઓ સુરબહારના વાદનના કૌશલ્યને સમજી શકશે અને તેના ધ્વનિની શુદ્ધતાનો આનંદ માણી શકશે. સામાન્ય વ્યક્તિ આ વાદ્યની ખુબી સમજી નહિ શકે અને તેથી કદાચ તારી કલાનો અનાદર થયા જેવું તને લાગશે. પણ સમજદાર અને જાણકાર શ્રોતા તારી કદર કરશે તેને તારો પુરસ્કાર સમજવો જોઈશે. તું તૈયાર છે?”

અન્નપૂર્ણા દેવીનો જવાબ સરળ હતો. ‘જેવી આપની આજ્ઞા, બાબા.’ અને તેમણે સિતાર ત્યજી સુરબહાર અપનાવ્યો.

અન્નપૂર્ણા દેવીની પ્રતિભાની વાત વિશે શું કહીએ! તેમણે સુરબહાર જેવા મુશ્કેલ વાદ્ય પર પ્રભુત્વ મેળવ્યું. તેમના બાબા તો મેધાવિ - genius - હતા. તેમની કૃપાનો પ્રસાદ મેળવનારા તેમનાં શિષ્યો વિશે એવા જ મહાન સંગીતકારે કહ્યું, “ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબના geniusના ૮૦ ટકા અન્નપૂર્ણા દેવીમાં, સિત્તેર ટકા તેમના પુત્ર અલી અકબર ખાનમાં અને કેવળ ચાલીસ ટકા રવિશંકરમાં જોવા મળે છે!” આ ઉદ્ગાર છે એક એવા મહાન ગાયકનાં જેમને આપે પંડિત દિગંબર વિષ્ણુ પલુસકર સાથે ફિલ્મ બૈજુ બાવરામાં ‘આજ ગાવત મેરો મન ઝૂમ કે’  તથા ઝનક ઝનક પાયલ બાજેના ટાઈટલ સૉંગમાં સાંભળ્યા છે) તે, ખાંસાહેબ અમીર ખાન સાહેબ. અન્નપૂર્ણા દેવીના મોટા ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબે તો એટલે સુધી કહ્યું, “ત્રાજવાના એક પલડામાં મને, પન્નાલાલ (ઘોષ)ને તથા રવિશંકરને એક સાથે મૂકો અને બીજામાં એકલી અન્નપૂર્ણાને, તો અન્નપૂર્ણાનું પલડું ભારે જ નીકળશે!”


અન્નપૂર્ણા દેવીના સંગીતની વાત કરતાં પહેલાં તેમનું વાદન સાંભળીશું. (ફોટોગ્રાફમાં મૈહરના તેમના મકાનની ઓસરી પરના પાટ પર બાબા - અલાઉદ્દીન ખાન સાહેબ બેઠા છે અને તેમનાં ચરણો પાસે અન્નપૂર્ણા દેવી. તેમની રહેણી કરણીમાં જે સાદાઈ છે તે અહીં સ્પષ્ટ દેખાશે!)

music clips: Short Jod in Manjh Khamaj 



Aalaap and Jod in Kaunsi Kanada: 


આપ સાંભળી શકશો તેમણે સર્જેલા સૂરોની ધારદાર શુદ્ધતા, આલાપમાં નીકળતી નાજુક મીંડ, જોડ અને ઝાલા વગાડતી વખતે સુરબહારમાં વિદ્યુત્ ગતિથી ફરતી તેમની આંગળીઓએ અદ્ભૂત સંગીત સર્જ્યું. તેનો અણસાર ઉપરની લિંક્સમાં સાંભળવા મળશે. અહીં તેનું રીતસરનું રેકૉર્ડીંગ સાઉન્ડપ્રૂફ સ્ટુડીઓમાં નથી કરવામાં આવ્યું.  

પં. રવિશંકર સાથેની જુગલબંદીના કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમના હૉલની બહાર બેઠેલ એક વ્યક્તિએ તેના ટેપ રેકોર્ડરમાં કર્યું હતું અને સદ્ભાગ્યે થોડા સમય પહેલાં યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યું. રાગ યમન કલ્યાણમાં રજુ થયેલી સિતાર- સુરબહારની જુગલબંદીમાં હૃદયની ગુફામાંથી ઉમટતા હોય તેવા ઘેરા અને ધીર ગંભીર સૂર અન્નપૂર્ણા દેવીના સૂરબહારનાં છે. રેકોર્ડીંગમાં પંડિત રવિશંકરની સિતારનો અવાજ સહેજ આછો ઉતર્યો છે, પણ સંભળાય તેવો છે. શ્રોતાઓ તરફથી બન્ને વાદકોને મળેલી વાહ વાહ પણ સ્પષ્ટ સંભળાય છે.


રાગ યમન કલ્યાણ (આલાપ)



સંગીતજ્ઞ મદનલાલ વ્યાસ, જેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા અને ૩૪ વર્ષ સુધી મુંબઈના ‘નવભારત ટાઈમ્સ’ના સંગીત વિવેચક હતા, તેમણે લખ્યું, “(તેમનાં સંયુક્ત) કાર્યક્રમના અંતે શ્રોતાઓનું ટોળું અન્નપૂર્ણા દેવીને ઘેરી વળતું. પંડિતજીને તે સહન થતું નહોતું. તેઓ (રવિશંકર) અન્નપૂર્ણા દેવીની સરખામણીમાં ઊણાં પડતા હતા, જે તેઓ સાંખી શકતા નહોતા. અન્નપૂર્ણા દેવી તો મેધાવિની હતાં. તેમના પિતા, જેમણે વાદકની આવડત અને તેની કલાની ગુણવત્તાની બાબતમાં કદી પણ બાંધછોડ નહોતી કરી, તેમણે પણ કહ્યું કે તે (અન્નપૂર્ણા દેવી) સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. આનાથી વધુ કોઈ પ્રશંસા હોઈ શકે?  લગ્નવિચ્છેદ બાદ અન્નપૂર્ણા દેવીએ પૂરી શક્તિ પોતાની સંગીત સાધના, પુત્ર શુભોની માવજત અને તેના સંગીત શિક્ષણ પર કેન્દ્રીત કરી. શુભોની બાબતમાં તેમને અનહદ પરિશ્રમ કરવો પડ્યો. એક તરફ તેની પ્રકૃતિને સંભાળવામાં સ્નેહની પરાકાષ્ઠા કરતાં હતા. જ્યાં સંગીત શિક્ષણની વાત આવતી ત્યાં શિસ્તનું અનુશીલન કરવામાં કડક થવું પડતું. જેઓ સંગીતને જીવન માને છે, તેમના માટે તેના શિક્ષણ અને રિયાઝને સાધના - અને ઉર્દુમાં ચિલ્લા જેટલું પવિત્ર અને એકાગ્ર ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય સંગીતના મહાન કલાકારોએ તેમના શિક્ષણકાળમાં દિવસના છ થી આઠ કલાક - ઘણી વાર તો તેથી પણ વધુ સમયનો રિયાઝ કરેલો હોય છે. આ સાધનામાં ગુરૂ જરા પણ બાંધછોડ ન કરે. અન્નપૂર્ણા દેવી, તેમના ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબ, રવિશંકર - આ સૌને ખાંસાહેબ અલ્લાઉદ્દીન ખાન સાહેબે આ કડક શિસ્તમાં પલોટ્યાં હતા. સંગીતની બાબતમાં અન્નપૂર્ણા દેવી માટે શુભો પણ શિષ્ય જ હતો. તેમણે તેને સિતાર શીખવવાનું શરૂ કર્યું.

શુભોને શૈશવાવસ્થામાં આંતરડાનો રોગ થયો હતો, તેમાં તેને અસહ્ય દર્દ થતું. આખી રાત તે રડતો  રહેતો. માતાને તેને ગોદમાં લઈ બેસતાં, તેને વહાલ કરતાં અને સંભાળતાં. શુભોને તેની માંદગી બાદ પણ રાતે ઉંઘ ન આવતી. યુવાવસ્થામાં તેને ઊંઘની ગોળી લેવી પડતી.   

વર્ષો વિત્યાં. શુભોએ સંગીતમાં ઘણી પ્રગતિ કરી. મૈહર ઘરાણાની પરંપરા તેના વાદનમાં સ્પષ્ટ રીતે ઉભરી. રિયાઝની બાબતમાં માતાએ સીંચેલી કડક શિસ્તના કારણે તેણે તેના વાદનમાં દીર્ઘ આલાપ અને મીંડમાં એવું માધુર્ય પ્રાપ્ત કર્યું, સાંભળનારા ચકિત થઈ જતા. કહેવાય છે કે તેમના ઓળખીતા સાઉન્ડ રેકૉર્ડીસ્ટે શુભોના વાદનનું નાનકડું રેકૉર્ડીંગ કર્યું હતું. એક દિવસ તેણે સ્વાનંદ માટે વગાડ્યું. સંજોગવશાત્ પંડિતજી સ્ટુડીયોમાં હતા અને તેમણે તે સાંભળ્યું. તેઓ તરત બોલ્યા, “અરે! આ તો અમારા મૈહર ઘરાણાની સંગીત ધારાનું વહેણ છે. આ વાદન મારૂં તો નથી જ, અને નિખીલ (બૅનરજી)નું પણ નથી લાગતું. કોણ છે આ કલાકાર?”

“શું વાત કરો છો પંડિતજી! ખુદ પોતાના દીકરાનું સંગીત ઓળખી ન શક્યા?”

સાંભળી રવિશંકર આશ્ચર્યચકિત થઈ ગયા અને બીજા દિવસે તેને મળવા તેમના મલબાર હિલ પરના ફ્લૅટ પર ગયા. તેમણે શુભોને સિતાર વગાડવા કહ્યું. સાંભળીને તેઓ દંગ થયા અને શુભોને તેમની સાથે અમેરિકા જઈ તેમની સાથે જાહેર કાર્યક્રમ આપવા સૂચવ્યું. શુભો તો તરત તૈયાર થઈ ગયો, પણ અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે જાહેરમાં કાર્યક્રમ આપવા જેટલી તેની તૈયારી નથી. હજી તેને દોઢ વર્ષ જેટલું શીખવું પડશે. તેમની વાત સાંભળતાં મોટો વિવાદ થઈ ગયો. પં. રવિશંકરના મતે તેમનો પુત્ર ‘તૈયાર’ હતો. બાકી રહેલી તાલિમ તેઓ ખુદ તેને અમેરિકા ગયા બાદ આપશે. 
“શુભોને ફક્ત છ મહિના મારી પાસે રહેવા દો. જે મેં શરૂ કર્યું છે, તે મને પૂરૂં કરવા દો. છ મહિનાના ઘનીષ્ઠ શિક્ષણમાં તેને તૈયાર કરી આપીશ. ત્યાર પછી શુભોને જ્યાં જવું હોય તે જઈ શકે છે.”

શુભોએ પિતા સાથે જવાની હઠ કરી. એક તમાશો ખડો કર્યો અને અમેરિકા ગયો. ત્યાં ગયા બાદ તેના જીવનમાં નવો જ વળાંક આવ્યો. તેનું આગળ શું થયું તે માટે ખાસ લેખ લખવો પડશે! મુખ્ય તો કહેવાનું કે અમેરિકા જતાં વેંત પંડિતજીએ તેને કૅલિફૉર્નિયામાં એક ફ્લૅટ અને નવી નક્કોર ફોર્ડ મસ્ટૅંગ કાર લઈ આપી. તેની તાલિમનું શું થયું કોઈ નથી જાણતું. પંડિતજી તો દેશદેશાવરમાં કાર્યક્રમ આપવા ફરતા હતા.  બે વર્ષ બાદ તેમણે શુભો સાથે ન્યુ યૉર્કમાં કાર્યક્રમ આપ્યો. નીચેના વિડિયોમાં કાર્યક્રમ જોઈ-સાંભળી શકશો. શુભોની પાછળ તાનપુરા પર સંગત આપી રહ્યા છે શ્રીમતી સુકન્યા - જેમની સાથે પંડિતજીએ આગળ જતાં લગ્ન કર્યાં. 


***

એક દિવસ અન્નપૂર્ણા દેવી પાસે અમેરિકાથી એક સજ્જન તેમના ફ્લૅટ પર પહોંચ્યા અને કૉલ બેલ દબાવી. આ વખતે ખુદ અન્નપૂર્ણા દેવીએ બારણું ખોલ્યું, અને પૂછ્યું, “કોનું કામ છે?”
“મારૂં નામ ઋષિ કુમાર પંડ્યા છે. હું અમેરિકાથી આપની પાસે સંગીત શીખવા આવ્યો છું.”
“હું કોઈને સંગીત શીખવતી નથી.”
“મને તો આપના મોટા ભાઈ - મારા ગુરૂ ખાંસાહેબ અલી અકબર ખાનસાહેબે ખાસ ભલામણ કરીને આપની પાસે મોકલ્યો છે. આપની પાસે ઘણી ઉમેદ રાખીને આવ્યો છું.”
અન્નપૂર્ણા દેવીએ તેમને અંદર બોલાવ્યા અને કહ્યું, “દાદા પાસે જે શીખ્યા છો તે મને સંભળાવો.”
ઋષિ કુમારે સિતાર પર કેટલીક ગત વગાડી. તે સાંભળ્યા બાદ અન્નપૂર્ણા દેવીએ તેમને એક કલાક સુધી રાગ દેસ શીખવ્યો. પાઠને અંતે કહ્યું, “શીખી લીધું? હવે પધારો,” કહી તેઓ બારણા પાસે ગયા.
મૂળ અમદાવાદના પંડ્યાજી પાસે વાતચીતની એવી કલા હતી, અન્નપૂર્ણા દેવી તેમને અાગળ શિક્ષણ આપવા તૈયાર થયાં. ૧૯૮૧માં અચાનક તેમણે અન્નપૂર્ણા દેવીને કહ્યું, “આપ મારી સાથે લગ્ન કરશો?”
સાંભળીને અન્નપૂર્ણા દેવી આશ્ચર્ય ચકિત થયા અને વિચારમાં પડ્યા. વિચારાંતે તેમણે ઋષિ કુમારનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેમનાં લગ્ન થયા.

ઋષિ કુમારે અમેરિકા તથા કૅનેડામાં માનસશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી અને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને કેળવણી આપતા હતા અને ભારતમાં આ કામ સંબંધે આવ્યા હતા. લગ્ન બાદ તેમણે અન્નપૂર્ણા દેવીને ખુબ સંભાળ્યા ; તેમની નાજુક સંવેદનાઓનો ખ્યાલ રાખ્યો અને તેમની સંગીત સાધનામાં જરા પણ વ્યત્યય ન આવે તેની ચોકસાઈ રાખી. અન્નપૂર્ણા દેવીના જીવનમાં લાંબા સમય સુધી  તરફથી થયેલી ઉપેક્ષાનું દુ:ખ હતું તે ઋષિ કુમારે દૂર કર્યું. એટલું જ નહિ, તેમણે પં. રવિશંકર સાથે પણ સુચારૂ સંબંધ જાળવ્યો. 

***
પંડિતજીએ તેમની આત્મકથા ‘રાગ માલા’માં તેમનાં ‘પ્રથમ પત્ની’ વિશે અણછાજતી વાતો લખી તે વાંચીને અન્નપૂર્ણા દેવીને અત્યંત દુ:ખ થયું. તેમના પુત્ર શુભોને લઈ પુસ્તકમાં પંડિતજીએ જે પ્રકારના આક્ષેપ અન્નપૂર્ણા દેવી પર કર્યા તે વાંચી તેમનાથી રહેવાયું નહિ અને જીવનમાં પહેલી વાર તેમણે Man’s World નામના સામયિકના પ્રતિનિધીને મુલાકાત આપી. આ મુલાકાત પણ કેવી! પત્રકાર આવ્યા અને અન્નપૂર્ણા દેવીએ તેમને ઘર બતાવ્યું. લેખિતમાં પ્રશ્નો માગ્યા અને લેખિતમાં જ જવાબ આપ્યા. બન્ને વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. પણ આ ‘ઈન્ટર્વ્યૂ’ પ્રસિદ્ધ થતાં જ સંગીત વિશ્વમાં ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી જગતભરના સંગીત ચાહકો ફક્ત એટલું જ જાણતા હતા કે ભારત રત્ન પંડિત રવિશંકરનાં પ્રથમ લગ્ન તેમના ગુરૂપુત્રી અન્નપૂર્ણા દેવી સાથે થયા હતા. આ એક પંક્તિમાં જાણે અન્નપૂર્ણા દેવીનું આખું જીવન સમાઈ ગયું હતું. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં વૈજ્ઞાનીક પત્નીનું નામ કોઈ જાણતું નથી, તેવી હાલત અન્નપૂર્ણા દેવીની થાત.  'મૅન્સ વર્લ્ડ'માં તેમની મુલાકાત આવી ત્યારે જ લોકોને આ મહાન કલાકારની સિદ્ધી અને સાધના વિશે જાણ થઈ ; જે પંડિતજીને લોકો સંગીતના ભગવાન માનતા હતા, તેમનાં ચરણ કમળનાં નહિ, કાદવનાં હતા તે જાણી સૌ ચોંકી ગયા. જેમની તેમણે આખા જીવન દરમિયાન ઉપેક્ષા કરી હતી, તે ખુદ પંડિતજી કરતાં ઉચ્ચ દરજ્જાના કલાકાર હતા તેની જાણ થઈ ત્યારે સૌ ચકિત થઈ ગયા. ત્યારે જ લોકોએ જાણ્યું કે પંડિત હરીપ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, આશિષ ખાન, બસંત કાબરા જેવા આંતરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અન્નપૂર્ણા દેવીનાં શિષ્યો હતા! 
***
પં. રવિશંકરે તેમની આત્મકથામાં લખ્યું કે અન્નપૂર્ણા દેવી સાથેનાં તેમનાં લગ્ન ‘અૅરેન્જડ્ મૅરેજ’ હતા. પ્રેમ-બ્રેમ જેવી કોઈ વાત નહોતી!” આગળ જતાં તેમણે લખ્યું કે તેમનાં પત્નિ હઠ કરીને તેમની સાથે બેસીને કાર્યક્રમ આપવા જતાં. એ તો તેમની શરમાળ પ્રકૃતિ કે ‘નર્વસનેસ’ને કારણે solo કાર્યક્રમ નહિ આપવાનો તેમણે નિર્ણય લીધો હતો! 
લગ્ન વિચ્છેદ તથા શુભોની બાબતમાં તેમણે આખો દોષ અન્નપૂર્ણા દેવીને આપ્યો છે. શુભો માંદો રહેતો હતો અને તેની પાછળ રાત રાત જાગવું પડતું હતું તેથી તેમનો સ્વભાવ વઢકણો થઈ ગયો હતો. તેઓ લાંબા સમય સુધી બહારગામ કાર્યક્રમ આપવા જતા અને ઘેર આવતાં જ પત્ની તેમની સાથે લડાઈ કરતાં કે તેમનાં અનેક રૂપવતી સ્ત્રીઓ સાથે લગ્નેતર સંબંધો છે. શુભોને સંગીત શીખવવામાં તેની સાથે અત્યંત કડક વર્તતાં તેથી તે કંટાળી ગયો હતો. તેમની સાથે અમેરિકા જવા બાબતમાં શુભો સાથે એટલો ઝઘડો કર્યો હતો કે તેણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લેવાનો પ્રયત્ન કર્યો હતો!
‘મૅન્સ વર્લ્ડ’માં આપેલી મુલાકાત અને પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીના સમકાલિન કલાકાર તથા સમીક્ષકોએ સ્પષ્ટ લખ્યું છે કે રવિશંકર સાચે જ પ્રતિભાશાળી કલાકાર હતા, પણ અન્નપૂર્ણા દેવીની મેધા, પ્રતિભા, સંગીત રજુ કરવામાં તેમની કલ્પકતા તથા વૈવિધ્ય અને મુખ્ય તો લોકપ્રિયતા પંડિતજી કરતાં ક્યાંય આગળ હતા.  કાર્યક્રમોમાં રવિશંકર પત્નીની આભા નીચે એવા ઢંકાઈ જતા, જે તેમને કદી રૂચ્યું નહિ.

આ બધું વાંચીને કોઈના પણ મનમાં સહજ પ્રશ્ન ઉઠશે : લગ્ન સમયે રવિશંકર ૨૧ વર્ષના બંગાળી બ્રાહ્મણ (તેમના પરિવારની મૂળ અટક ‘ચૌધુરી’ હતી)ના નબિરા હતા અને રોશન આરા કેવળ ૧૪ વર્ષનાં મુસ્લિમ પરિવારની કન્યા હતા. જો તેમની વચ્ચે પ્રેમ ન હોત તો ખાંસાહેબ અલાઊદ્દીન ખાન સાહેબ તથા તેમનો પરિવાર આ લગ્ન માટે તૈયાર કેવી રીતે થાત? શું લગ્નની સવારે પંડિતજીની માગણી પ્રમાણે રોશન આરા ધર્મ પરિવર્તન માટે તૈયાર થયાં અને તેમનાં બાબા-અમ્મીએ રજા આપી, તે શું 'અૅરેન્જ્ડ મૅરેજ' હતાં તેથી? જ્યારે બન્નેની કેળવણી પૂરી થઈ અને તેઓ જાહેરમાં આત્મવિશ્વાસપૂર્વક કાર્યક્રમ કરી શકશે એવી તેમની તૈયારી જોયા બાદ જ ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબે પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીને જાહેર કાર્યક્રમ આપવાની રજા આપી હતી. આમ કોઈનું પણ કહેવું નિરર્થક છે કે અન્નપૂર્ણા દેવી ‘નર્વસ’ કે ‘શરમાળ’ હતાં અને જાહેરમાં કાર્યક્રમ ન આપવાનો નિર્ણય કેવળ આ કારણસર લીધો હતો.

કહેવાય છે કે હૃષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ ‘અભિમાન’માં પતિના મનમાં ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, પુરુષ અહંકાર (male ego) અને તેમની સ્ત્રી શક્તિને ગૌણ લેખવાની વૃત્તિને બતાવી છે, તે પંડિત રવિશંકર અને અન્નપૂર્ણા દેવીના જીવન પરથી લીધી. આ વાત ઘણાં લેખકો અને વિવેચકો માને છે. 

અન્નપૂર્ણા દેવીનું સંગીત કેટલું દિવ્ય છે હતું તે વિશે તેમના શિષ્યોની વાત સાંભળીશું. "મા તેમની સાધના એક ખાસ રૂમમાં બંધ બારણે કરતા. કહેવાય છે કે ખુદ મા સરસ્વતી તેમનું સંગીત સાંભળવા આવતાં. કોઈ કોઈ વાર જ્યારે તેઓ સુરબહારના crescendo  - ઝાલા (દ્રૂત લય)પર પહોંચતાં, તેમના સાધના ખંડમાંથી ચંદનની ખુશબૂ પ્રસરતી. સૌ જાણે છે કે તેમણે કદી સાધના ખંડમાં ધુપ-બત્તી નહોતી કરી." 

અા અનુભવ ખુદ ઋષિ કુમારને પણ થયો હતો.

જ્યારથી અન્નપર્ણા દેવીએ જાહેરમાં વાદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી પચાસ વર્ષ સુધી કોઈ વ્યક્તિની સામે તેમણે સુરબહાર વગાડ્યો નહિ. ખુદ તેમનાં શિષ્યો સામે પણ તેમણે સુરબહાર કે સિતાર ન વગાડ્યાં. તેમને શિક્ષણ આપતા તે સુરાવલી, ગત, આલાપ - બધું ગાઈને સમજાવતાં અને તેનો રિયાઝ કરવાનું કહેતા. 

ફક્ત એક વ્યક્તિની સામે તેમણે સુરબહારનાં સૂર પ્રસ્તુત કર્યાં. બીટલ્સના જ્યૉર્જ હૅરીસન. જ્યારે જ્યારે તેઓ ભારત આવ્યા, અન્નપૂર્ણા દેવીનું સંગીત સાંભળવા મથ્યા,પણ તેમને સફળતા ન મળી. આખરે તેઓ તે સમયનાં ભારતના પ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમની પાસેથી ભલામણ કરાવી. અન્નપૂર્ણા દેવી શ્રીમતિ ગાંધીની વિનંતીને ઉપેક્ષી ન શક્યા. તેમણે એકલા જ્યૉર્જ હૅરીસન માટે તેમના ફ્લૅટમાં અન્ય કોઈની હાજરી સિવાય સુરબહાર વગાડ્યો. 

અન્નપૂર્ણા દેવીના જીવનમાં સૌથી વધુ આઘાતકારક પ્રસંગો હોય તો તે તેમના પુત્ર શુભોને લગતાં હતા. પ્રથમ તો જ્યારે તે માતા પાસેથી મળતું શિક્ષણ અધુરૂં મૂકી પિતા સાથે અમેરિકા જતો રહ્યો તેમને અત્યંત દુ:ખ થયું હતું. એટલા માટે નહિ કે તે તેના પિતા સાથે જઈ રહ્યો હતો. તેમણે પુત્રની સાધના પૂરી થાય તેનો આગ્રહ કર્યો હતો. લગભગ બે દાયકાની મહેનતની પરિણતી માટે સાવ થોડો સમય બાકી રહ્યો હતો તે પૂરો કરે. શુભોમાં પ્રતિભાનો અભાવ નહોતો. જેમ હિરાની કિંમત કસબીના હાથે પાસા પાડવામાં આવે ત્યારે જ થતી હોય છે, તેમ સંગીતકારની પ્રતિભા તેના ગુરૂ પાસેથી મળતું શિક્ષણ અને રિયાઝના અંતે જ પ્રકાશતી હોય છે. રવિશંકરે કહ્યું કે તેઓ તેનો અભ્યાસ પૂરો કરશે, અને શુભોને અમેરિકા લઈ ગયા. બે વર્ષ બાદ તેણે પિતાની સાથે થોડા કાર્યક્રમ (ન્યુ યૉર્ક, પૂણેના સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવમાં) આપ્યા, પણ તે ક્યાંય ઝળકી શક્યો નહિ અને અંતે તે લુપ્ત થઈ ગયો. જે પ્રતિભાશાળી માતા-પિતા અને ખાંસાહેબ અલાઉદ્દીન ખાનસાહેબ જેવા માતામહની પરંપરા ચાલુ રાખી શક્યો હોત, તેણે આજીવીકા કમાવવા ગ્રોસરી સ્ટોરમાં સુદ્ધાં કામ કર્યું. અંતે થાકીને આઠ વર્ષે તે મા પાસે આવ્યો અને આંખમાં આંસુ સાથે એક જ વાક્ય બોલ્યો : “મા, આમિ શીખૂ.” (મા, હું તારી પાસે શીખીશ.) જાણે તે કદી ઘર છોડીને ગયો જ નહોતો તે પ્રમાણે અન્નપૂર્ણા દેવીએ તેને સિતાર આપી અને “લે, બેસ,” કહી તેનું શિક્ષણ શરૂ કર્યું. પણ આઠ વર્ષના ગાળામાં જે છૂટી ગયું હતું તે શુભો આંબી શક્યો નહિ. થોડા જ સમયમાં તે પાછો કૅલિફૉર્નિયાના ગાર્ડન ગ્રવ શહેરમાં જતો રહ્યો. ત્યાં તે સ્થાનિક કલાકાર તરીકે જીવ્યો અને ત્યાં જ અવસાન પામ્યો. લૉસ અૅન્જલીસ ટાઈમ્સના મનોરંજન વિભાગમાં કેવળ ૭૫ શબ્દોમાં તેની અવસાન નોંધ લેવાઈ : “ગાર્ડન ગ્રવના સંગીતકાર અને કૉમ્પોઝર શુભો શંકર, જે પ્રખ્યાત સિતારવાદક રવિશંકરના પુત્ર હતા, પચાસ વર્ષની વયે લૉસ અાલામિટોસ હૉસ્પિટલમાં ન્યુમોનિયાની બિમારીથી મૃત્યુ પામ્યા…” વિ.

અંતમાં ફરી એક વાર સંગીત વિવેચક મદનલાલ વ્યાસના લેખનો અંશ ઉતારીશ :

   “... She is a genius. Even Baba, the unforgiving and uncompromising Guru called her the embodiment of Saraswati. What higher praise than this?”

આજનો અંક વિવિધ સ્રોત પર આધારીત છે. તેમાંની મુખ્ય લિંક છે:





Tuesday, May 26, 2015

ચિત્રકથા



આ વાર્તા વાંચતાં કદાચ લાગશે કે તે એક જાણીતી ફિલ્મની નકલ છે! આગળ જતાં જણાશે કે આ વાત અને 'પેલી' જાણીતી ફિલ્મની કથા વચ્ચે ઢાકાની મલમલ જેવો બારીક અને નાજુક અંતરપટ છે. આ અંતરપટની મુલાયમ ભાતમાં કોઈના હૃદયનાં ધબકાર વણાયેલાં લાગે તે બનવાજોગ છે.

મધ્ય પ્રદેશના એક નાનકડા રજવાડામાં સાત સૂરોનાં સાધક કલામહર્ષિ વસે છે. મા દુર્ગાની તેમના પર અસીમ કૃપા છે તેથી જ તેમની સાધના પૂર્ણ થઈ છે એવી તેમને શ્રદ્ધા છે. તેમની પાસે સંગીત શીખવા દૂર દૂરથી પ્રતિભાશાળી કલાકારો આવે છે. તેમનાં સૌથી ઉત્તમ શિષ્યો છે તેમની મોટી પુત્રી અને પુત્ર.

મોટી પુત્રી સિદ્ધ સંગીતકાર થઈ. પિતાએ હોંશથી તેને પરણાવી. તેઓ માનતા હતા કે પતિગૃહે તેની સંગીત સાધના ચાલુ રહેશે; દીકરી નવાગંતુકોને સંગીત શીખવશે અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખશે. 

કમભાગ્યે સાસરિયું અત્યંત રૂઢિચુસ્ત નીકળ્યું. કોણ જાણે ક્યારે અને કોણે એવી માન્યતા ફેલાવી હતી કે તેમના ધર્મના શુદ્ધ આચરણમાં સંગીત હરામ છે, તેથી લાંબા સમયથી - છેક ભારતના એક ઐતિહાસીક બાદશાહથી માંડી અત્યાર સુધીના અનેક પરિવારો તેનું પાલન કરતા હતા. મોટી દીકરીનાં સાસરિયાં તેમાંનો એક હતો. પરિણામ અત્યંત કરૂણ નીકળ્યું. સંગીત જેનો શ્વાસ હતો, તે રૂંધાઈ ગયો. દુ:ખીત હૃદયે ખાંસાહેબે નક્કી કર્યું, નાની દીકરીને સંગીત ન શીખવવું. તેમને નાનકી પર ઘણું વહાલ હતું. તેના નાજુક અને સંવેદનશીલ હૃદય પર સંગીતને કારણે દુ:ખની સહેજ પણ છાયા ન પડે તેથી તેને સંગીતકક્ષથી દૂર જ રાખી. શિષ્યોને તાલિમ આપી, તેમને રિયાઝ કરવા કહી તેઓ પરસાળમાં રાખેલા પાટ પર બેસી દીકરીને પાંચીકા, પગથિયાં જેવી રમત આનંદથી રમતાં જોઈ ખુશી અનુભવતા. 

એક દિવસ ચમત્કાર થયો. હકીકતમાં એ ચમત્કાર નહિ, સાક્ષાત્કાર હતો.

તે સમયે નાનકી છ-એક વર્ષની હતી. અાંગણામાં પગથિયાંની રમત રમતી હતી. પિતાજી અને મોટા ભાઈ અંદરના તાલિમના કમરામાં હતા. પિતાજીએ પુત્રને સરોદ પર એક કઠિન ગત શીખવી અને કહ્યું, “બેટા, આનો રિયાઝ કરો,” કહી બહાર આવ્યા. 

ભાઈએ પહેલી વાર આ ગત વગાડી તે નાનકીએ સાંભળી. સાતમા પગથિયા પર પત્થર નાખી લંગડી કરતાં પહેલાં તેણે ભાઈને મોટેથી કહ્યું, “ભૈયા, બાબાને ઐસા નહિ, ઐસા સીખાયા,” કહી આ લાંબી ગત અણિશુદ્ધ રીતે ગાઈ સંભળાવી. ગતના compositionમાં જ્યાં નાજુક ફરક હતો તે ‘જગ્યા’ ફરીથી સંભળાવી. ફક્ત એક વાર સાંભળેલી ગત આત્મસાત કરી તેને ગાઈ સંભળાવી ત્યારે ભાઈ આશ્ચર્ય ચકિત થઈને એકદમ થંભી ગયા! ઓસરીમાં ગોઠવેલા પાટ પર બેઠેલા પિતાજી દીકરીએ ગાઈ સંભળાવેલા સૂરમાં સો ટચના સોના જેવી શુદ્ધતા અનુભવીને સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે જ્યારે તેઓ શિષ્યોને તાલિમ આપતા કે પોતે રિયાઝ કરતા, નાનકી ન કદી તેમની સામે બેઠી, કે ન તેણે છાનાંમાનાં સંગીત શીખવાનો પ્રયાસ કર્યો. આજે અચાનક ઘનનીલ વાદળાં પાછળથી ઉદય પામતા શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ તેની મેધાને પ્રકાશી ઉઠતી જોઈ પિતાજીએ તેને બોલાવી. હેતથી તેના મસ્તક પર હાથ રાખી તેમણે કહ્યું, “દીકરી, ખુદાએ તારામાં અમને હિરો આપ્યો છે. તેમની રહેમતનો અનાદર મારાથી કેવી રીતે થાય? કાલથી તને વિધીસર શિષ્યા બનાવી સંગીત શીખવીશ.” 

આમ શરૂ થઈ આ પ્રતિભાશાળી કન્યાની તાલિમ. પહેલાં ધૃપદ અને ધમારની ગાયકી અને ત્યાર પછી સિતાર. ટૂંક સમયમાં તેનું કૌશલ્ય જોઈ તેમણે દીકરીને ભારે મુશ્કેલ ગણાતું વાદ્ય સૂરબહાર શીખવવાનું નક્કી કર્યું. 

દીકરીની આંગળીઓમાં જાદુ હતો. તે વગાડતી ત્યારે તેના વાદ્યમાંથી નીકળતા સૂર જીવંત થઈને નૃત્ય કરતાં હોય તેવું લાગે!  પિતાજી અને ભાઈ ગૌરવથી તેની કલાનો ઉત્કર્ષ થતો જોઈ આનંદ પામતા રહ્યા. પિતાજીને ખાતરી થઈ કે એક દિવસ તેમની નાનકી દુનિયાભરમાં ઘરાણાનું નામ રોશન કરશે! 

ખાંસાહેબ રાજ્યાશ્રીત સંગીતકાર હતા. એક દિવસ રાજાસાહેબે તેમને વિનંતી કરી. ભારતના વિશ્વવિખ્યાત નર્તકના અઢાર વર્ષના નાના ભાઈ તેમની પાસે સિતાર શીખવા માગે છે. તેમને આપના શિષ્ય બનાવશો? રાજાસાહેબની વિનંતીને હુકમ માની તેમણે યુવાનને શાગિર્દ બનાવ્યો. નાનકી, તેના મોટા ભાઈ અને આ સ્વરૂપવાન યુવાન એક સાથે બેસીને તાલિમ પ્રાપ્ત કરતા હતા. ગુરૂપુત્રીની અદ્ભૂત વાદનકળા અને તેનું સાદું અને સૌંદર્યપૂર્ણ વ્યક્તિત્વ યુવાનના મનમાં વસી ગયું. તેમણે પિતા-ગુરૂને લગ્ન કરવાની રજા માગી. વિશાળ હૃદયના ખાંસાહેબે મંજુરી આપી. લગ્ન સમયે નાનકી કેવળ ચૌદ વર્ષની હતી! ખાંસાહેબે દીકરીની ખુશી ખાતર યુવાનના પરિવારની વિનંતી માન્ય કરી તેને સનાતન ધર્મ સ્વીકારવાની રજા આપી. કેવળ અઢાર વર્ષની વયે આ યુવતિને પુત્ર રત્ન લાધ્યું..

***

વર્ષો વિત્યાં. કલા સંપાદન કર્યા પિતા-ગુરૂએ રજા આપ્યા બાદ તેમનાં જાહેરમાં કાર્યક્રમો થવા લાગ્યા. પતિ-પત્નીનાં સંયુક્ત કાર્યક્રમોમાં જુગલબંધી થવા લાગી. શ્રોતાઓ અને વિવેચકોનાં ટોળાં તેમની સંગીત સભામાં હાજરી આપવા લાગ્યા. કાર્યક્રમના અંતે સૌથી વધુ વાહ વાહ થઈ હોય તો પત્નીની. એવું નહોતું કે તેના પતિમાં પ્રતિભાની કમી હતી. બન્નેની કલા પૂનમના ચંદ્ર જેવી પ્રકાશતી હતી. ફેર હોય તો એટલો કે પત્નીની કલા શરદ પૂર્ણિમાના ચંદ્રની પૂર્ણ કળામાં ઓપતી હતી. તેના અપૂર્વ પ્રકાશમાં શ્રોતાસાગર અભિભૂત થઈ આનંદની પ્રચંડ ભરતી દ્વારા હ્રદયમાં હર્ષ પ્રદર્શિત કરતો હતો. પત્નીનું સંગીત સાંભળ્યા બાદ સભાગૃહમાંથી બહાર નીકળનારાઓનાં હૃદયમાંથી જાણે ચરમ તૃપ્તિના શબ્દો નીકળતા હતા, ‘પિતા! આજે કાળના સર્વ સંતાપ શમી ગયા!”


પત્નીને મળતી અભૂતપૂર્વ પ્રસિદ્ધીને કારણે પતિના મનમાં ઈર્ષ્યા થઈ. આમ તો બન્નેના સંયુક્ત કાર્યક્રમ સુવર્ણ અને સુગંધના સમન્વય જેવા હતા, પણ પતિને તે રૂચ્યા નહિ. પુરુષપ્રધાન સમાજમાં કયો પતિ સહન કરે કે તેની પત્ની તેના કરતાં તસુ ભર સુદ્ધાં ઉંચી ગણાય? આમ જોવા જઈએ તો સાચા કલાસાધકમાં અભિમાનનો જરાય અંશ નથી હોતો. કોઈ ભાવના હોય તો તે કેવળ પરસ્પર આદર અને નમ્રતાની. અહીં પતિનો પ્રત્યક્ષ અણગમો, તીક્ષ્ણ બાણ જેવાં તેમનાં વચન અને નાની નાની બાબતોમાં પત્ની પર ઉતરી પડવું - આ બધું જોઈ પત્નીએ નક્કી કર્યું કે લગ્નજીવન સુખી કરવું હોય તો તેણે જાહેરમાં કાર્યક્રમ ન આપવો. તેણે પતિને એવું જણાવીને મા શારદા સામે હાથ જોડીને શપથ લીધી : “આજથી ખાનગી કે જાહેર કાર્યક્રમમાં કદી ભાગ નહિ લઉં.” 

પતિ હવે ખુશ હતા! દેશ ભરમાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમ આપવા જવા લાગ્યા. તેમનું સંગીત વખણાયું અને તેમની ખ્યાતિ દેશના સિમાડા પાર કરી ગઈ. વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત થયા.

હવે તેમનું જીવન સુખમય થશે! બન્ને એકત્ર થશે અને તેમના સંગીતનો વારસો તેમના પુત્રને આપી આનંદથી જીવન વ્યતિત કરશે, એવું આપને લાગ્યું હોય તો તેમાં નવાઈ નથી. આગળ જતાં મુંબઈની ચિત્રસૃષ્ટી તેમના જીવન પર ચિત્રપટ બનાવશે, તેને નામ આપશે “અભિમાન” અને તેના નાયક - નાયિકા હશે અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અને સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહેશે! વાત બરાબર છે. “અભિમાન” ફિલ્મ તેમના જીવન પર જ બનાવવામાં આવી હતી. ફેર થયો હોય તો કથાના અંતમાં. આગળ જતાં શું થયું તે કહેતાં પહેલાં અત્યાર સુધી કહેલી સત્યકથાનાં પાત્રોનાં સૌનાં નામ જાણીએ:

પિતા : ખાંસાહેબ અલાઉદ્દીનખાન સાહેબ. પ્રખ્યાત મૈહર ઘરાણાંના અધિષ્ઠાતા.
પુત્ર : ખાંસાહેબ અલી અકબરખાન સાહેબ. વિશ્વવિખ્યાત સરોદ વાદક.
દીકરી: મૂળ નામ રોશનઆરા ;  લગ્ન બાદ અન્નપૂર્ણા દેવી.
પતિ: પંડિત રવિશંકર. હા, એ જ પંડિતજી જેમની પાસે સંગીત શીખવા બીટલ્સ આવ્યા હતા; જેમની સાથે યેહૂદી મૅન્યુહીન જેવા વિશ્વવિખ્યાત વાયોલિનીસ્ટે જુગલબંધી કરીને ધન્યતા અનુભવી હતી ; જેમને દેશના સર્વોચ્ચ ભારતરત્નના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા!

***
કોઈ કાર્યક્રમમાં ભાગ ન લેવાની પ્રતિજ્ઞા લીધા બાદ અન્નપૂર્ણા દેવીએ પોતાની સાધના ચાલુ રાખી. પિતાનો વારસો ચાલુ રાખવા તેમણે કમર કસી. બીજી તરફ પંડિત રવીશંકરનાં દેશભરમાં અનેક કાર્યક્રમો  યોજાયા. પંડિતજી પોતે સોહામણું વ્યક્તિત્વ ધરાવતા હતા અને સિતારવાદનમાં તેમણે ઉતારેલી સુંદરતાને કારણે ઘણી લાવણ્યવતી લલનાઓનાં સમ્પર્કમાં આવ્યા. કમલા શાસ્ત્રી નામનાં એક નૃત્યાંગના ઉપરાંત અન્ય સ્ત્રીઓ સાથે તેમનાં લગ્નેતર સંબંધ થયાં. આ વાતની જાણ થતાં ૧૯૪૦માં અન્નપૂર્ણા દેવીએ પતિગૃહ છોડ્યું અને પુત્ર શુભેન્દ્ર - શુભ -ને લઈ તેઓ પિતાને ઘેર મૈહર આવી ગયા. જ્યારે તેમને જાણ થઈ કે પતિ કમલાની સાથે રહેવા લાગ્યાં હતાં, તથા અન્ય સ્ત્રીઓને તેમના સંસર્ગથી બાળકો અવતર્યાં હતાં, અન્નપૂર્ણાદેવીએ ૧૯૬૦માં છૂટા છેડા લીધા. 

સ્ત્રીઓ સાથેનાં સંબંધો અંગે પંડિતજીએ ખુદ તેમની આત્મકથા ‘રાગ માલા’માં લખ્યું, “I felt I could be in love with different women in different places. It was like having a girl in every port - and sometimes there was more than one!"

અમેરિકામાં તેઓ કાર્યક્રમ આપવા ગયા ત્યારે ન્યુ યૉર્કની કાર્યક્રમ આયોજક સૂ જોન્સ નામની અમેરિકન સ્ત્રી સાથે રહેવા લાગ્યા અને તેમનાથી એક પુત્રી થઈ - નોરા જોન્સ ; જ્યારે તેમના લગ્નેતર સંબંધ બેઉ - કમલા શાસ્ત્રી તથા સૂ જોન્સ સાથે હતાં ત્યારે તેમના કાર્યક્રમમાં તાનપૂરો વગાડવા બેસતાં સુકન્યા નામની પરિણીતા સાથે સંબંધ બંધાયા અને તેમાં પુત્રી જન્મી અનૂષ્કા. સૂ જોન્સે તેમની સાથેના સંબંધનો અંત આણ્યો. પાકટ ઉમરે પહોંચેલા પંડિતજીએ આખરે ૧૯૮૯માં સુકન્યા સાથે લગ્ન કર્યાં.

***

અન્નપૂર્ણાદેવીએ શપથ અનુસાર કદી પણ જાહેર કે ખાનગી કાર્યક્રમ ન આપ્યો. પિતાજીએ બક્ષેલી કળાને જીવંત રાખવા તેમણે શિષ્યો સ્વીકાર્યા અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખી. શિષ્યોને સંગીત શીખવતાં, તે ગાઈને. તેમનું વાદ્ય - સૂરબહારનો રિયાઝ તેઓ તેમના બંધ ઓરડામાં એકલાં જ કરતાં. જીવન ખાનગી રાખવા તેઓ ઘરકામ પણ જાતે કરતાં. આમ લાંબા સમય સુધી તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા. તેમના શિષ્યો સિવાય તેમના વિશે કોઈ કશું જાણતું નહોતું. જ્યારે પંડિત રવીશંકરે પોતાની આત્મકથામાં તેમના "પ્રથમ પત્ની" વિશે ટીકાત્મક વચનો લખ્યાં ત્યારે પત્રકારો અન્નપૂર્ણાદેવીની શોધમાં નીકળ્યા અને તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અેક પત્રકાર લખે છે, “અમે તેમના ફ્લૅટની બહાર પહોંચ્યા અને જોયું તો તેમનાં બારણાં પર પાટિયું હતું. ‘કૃપયા ત્રણ વાર બેલ દબાવશો. જો બારણું ખોલવામાં નહિ આવે તો આપનું કાર્ડ બારણાં પાસે મૂકીને પાછા જશો. આપનો સંપર્ક સાધવામાં આવશે.”

આજની વાત અન્નપૂર્ણા દેવીની છે, એક પારસમણીની. તેમની પાસે તાલિમ લેવા હરિ પ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, બસંત કાબ્રા જેવા જે જે સંગીતકારો આવ્યાં, સંગીતના ક્ષેત્રમાં રત્ન બનીને પ્રકાશ્યા. 
(વધુ આવતા અંકમાં)


Monday, May 4, 2015

તુટીને વેરાયેલાં નૂપુર


"મને જગતની મર્યાદાઓની લજ્જા ના રહી અને મારા પ્રિયતમના પ્રેમમાં ઘેલી થઈને હું એટલું નાચી કે બસ, મારા પગમાં બાંધેલાં નૂપુર તૂટી ગયાં અને તેમાં જડેલી ઘૂઘરીઓ ચારે તરફ વેરાઈ ગઈ..."

આ કોના પ્રેમનું વર્ણન છે? મીરા અને કૃષ્ણ વચ્ચેનું? કે પછી પ્રેમ ભક્તિમાં રંગાયેલા ભક્તો રસ્તા પર ઢોલક અને ઝાંઝ વગાડીને રસ્તા પર ‘હરે રામ, હરે કૃષ્ણ’ ગાઈને નાચતાં નાચતાં જાય છે, તેમનું? પ્રેમ રંગમાં રંગાયેલા ભક્તો જ્યારે તેમનું નામ લઈને નાચે છે, તેમની આંખ સામે ફક્ત કૃષ્ણ છે. તે સમયે તેમને કોઈની પડી નથી હોતી કે નથી કોઈની શરમ નડતી. બસ તેઓ તો નૃત્ય કરતા જાય છે, અને ગાતા જાય છે. 

શાયર કતીલ શિફાઈને આવા પ્રભુ પ્રેમમાં ડૂબેલી વ્યક્તિઓનો કદાચ વિચાર આવ્યો અને જાણે તેમને અદ્ભૂત પ્રેમની અનુભૂતિ થઈ હોય તેમ તેમને શબ્દો સૂઝ્યાં, “ધર્મોપદેશક મને ટોકે તો પણ મારૂં નાચવાનું હું કેમ બંધ કરી શકું? મને તો એમનો (મારા પ્રિયતમ પરમાત્માનો) હુકમ છે કે તેમના પ્રેમમાં હવે હું નાચતી જ રહું!” 

આ શબ્દો આધ્યાત્મિક પ્રેમમાં પડેલાં ભક્ત સિવાય બીજા કોના હોઈ શકે? 

ઉપર ઉપરથી શૃંગાર-પ્રધાન લાગતી આ ગઝલના મત્લામાં શાયર કતીલ શિફાઈએ આ શેર મૂક્યો તેમાં આ ઈશ્વરીય પ્રેમનું દર્શન થાય છે.  

वाइज़ के टोकने पे मैं क्यूँ रक्स रोक लूँ
उनका ये हुक़्म है के अभी नाचती रहूँ

અને આગળના શેર નદીમાં આવેલા પૂરની માફક ધસમસતા જાય છે…(Purists - શુદ્ધતાવાદી વાચક જિપ્સીને માફ કરશો : ઉર્દુના અશાર દેવનાગરીમાં મૂકવા પડ્યા છે!)

मोहे आई न जग से लाज
मैं इतनी ज़ोर से नाची आज
के घुँघरू टूट गये

कुछ मुझपे नया जोबन भी था
कुछ प्यार का पागलपन भी था
एक पलक पलक बनी तीर मेरी
एक ज़ुल्फ़ बनी ज़ंजीर मेरी
लिया दिल साजन का जीत
वो छेड़े पायलिया ने गीत
के घुँघरू टूट गये

मैं बसी थी जिसके सपनों में
वो गिनेगा अब मुझे अपनों में
कहती है मेरी हर अंगड़ाई
मैं पिया की नींद चुरा लाई
मैं बन के गई थी चोर
के मेरी पायल थी कमज़ोर
के घुँघरू टूट गये

धरती पे न मेरे पैर लगे
बिन पिया मुझे सब ग़ैर लगे
मुझे अंग मिले परवानों के
मुझे पँख मिले अरमानों के
जब मिला पिया का गाँव
तो ऐसा लचका मेरा पाँव
के घुँघरू टूट गये

ગઝલના પ્રત્યેક શબ્દમાંથી નિર્મળ પ્રેમ - એખલાસ ટપકે છે. માણસ જ્યારે તેના હૃદયની કોઈ વાત કહેવા માગે ત્યારે તેના આત્માની સાદાઈ તેના શબ્દોમાં જણાઈ આવે છે. તેના એકરારમાં નથી કોઈ આડમ્બર, નથી કશું અભિમાન કે નથી કોઈ જુદાઈ! આ ગઝલમાં ઘુંઘરૂ રૂપક છે. જ્યારે તે તૂટીને વિખરાઈ જાય, જગતનાં અને સંબંધોનાં સઘળાં બંધન તૂટી જાય ત્યારે પ્રિયપાત્ર પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધી શકાય. આવું થાય ત્યારે ધરતી પર આપણાં પગ નથી રહેતાં. આત્માને પતંગિયાની પાંખો મળે છે અને ‘તેમના’ વગર મને સઘળું પરાયું લાગે છે.   

શાયરના શબ્દો એટલાં સુંદર, સરળ છે, તેની સમજૂતી આપવાની જરૂર નહિ લાગે! બસ, તેને વાંચતા રહીએ સાંભળતા રહીએ! 

જિપ્સીએ આ ગઝલ પ્રથમ વાર લંડનમાં સાંભળી. ૧૯૮૧માં બીબીસીના હિંદી કાર્યક્રમમાં તે રવિવારે સિતારવાદક રઈસ ખાનનો કાર્યક્રમ હતો. ઉસ્તાદ રઈસખાન એટલે ખાંસાહેબ વિલાયતખાન સાહેબના ભાણા અને તેમના ઘરાણામાં પૂરી રીતે ઘડાયેલા સંગીતકાર. વિલાયતખાન સાહેબની જેમ રઈસ ખાનનો કંઠ પણ એવો જ મધુર છે. તે દિવસના કાર્યક્રમમાં તેમણે સિતાર પર એક ધૂન વગાડ્યા બાદ તેમણે સ્વ-આનંદ માટે આ ગઝલ ગાઈ અને દર્શકોને આ ગઝલનું ઘેલું લગાડ્યું! 

આજે અહીં આ ગઝલનાં બે અંગ રજૂ કર્યાં છે : સુફી ગાયક બેલડી સાબરી બંધુઓએ કવ્વાલીના સ્વરૂપે સ્ટેજ પર કરેલું ગાયન અને ત્યાર બાદ હિંદી ફિલ્મમાં થયેલ મુજરાની શૃંગારપૂર્ણ રજૂઆત. આ ગઝલ આશા ભોસલે, પંકજ ઉધાસ, રૂના લૈલા, આબીદા પરવીન, અનૂપ જલોટા તથા અનેક જાણ્યા-અજાણ્યા ગાયકોએ ગાઈ છે.  આબીદા પરવીનના ગાયનમાં મીરાનું નામ વારે વારે આવે છે - "ઘુંઘરૂ બાંધ મીરા નાચી થી..."

જિપ્સી એક વાત કહ્યા વગર રહી નથી શકતો! જ્યારે શાયરે આ ગઝલ રચી, તેનું મહત્વ તેના મત્લામાં હતું : “વાઈઝકે ટોકનેપે મૈં ક્યું રક્સ રોક લૂં/ઉનકા યહ હૂક્મ હૈ કિ મૈં નાચતી રહૂં…” Pop culture માં આ ભુલાઈ ગયું. ત્યાર પછી ઘણાં ગાયકોએ આ ગઝલ ગાઈ, અને તેમણે ગઝલના મુખ્ય મત્લાને - આત્માને બાજુએ મૂકી અને તેને કેવળ સ્થૂલ રૂપ આપ્યું. અહીં બે extremes રજુ કર્યા છે. તેમાં ફક્ત સાબરી ભાઈઓએ મૂળ ગઝલનો મલાજો રાખ્યો અને તેની સમ્પૂર્ણ રજૂઆત કરી.

પહેલાં સાંભળીએ સાબરી બંધુઓની પ્રસ્તુતી:



અને ત્યાર બાદ અનુરાધા પૌડવાલે ગાયેલ અને મુજરા નૃત્યમાં રજુ થયેલ તેનું કેવળ - અને કેવળ શૃંગાર સ્વરૂપ.




આ ગઝલની જુદા અંદાજમાં કરવામાં આવેલી રજૂઆત સાંભળવી હોય તો તેની links આપી છે.



સંગીત શ્રેણીને થોડો અવકાશ આપી આવતા અંકથી નવા વિષયોની રજૂઆત કરવાનો આશય છે. કદાચ આપને તે રસપ્રદ લાગશે એવી આશા સાથે આજનો અંક પ્રસ્તુત છે.


Monday, April 27, 2015

રેતીના કણમાં વસતું વિશ્વ



ગયા અંકમાં આપણે ફિલ્મોમાં રજુ થયેલા ભજન સાંભળ્યાં. જતાં જતાં ઉલ્લેખ થયો હતો સુફી ગીતો અને અભંગ - ઓવીનો. આજે તેનો સગડ લઈ ભક્તિગીતોની શ્રેણી પૂરી કરીશું. 

સુફી સંતોની પરંપરામાં ભક્તિના વિવિધ રૂપ જોવા મળે છે. તેમાં પણ પ્રેમલક્ષણા ભક્તિની છટા સ્પષ્ટ દેખાય છે. ક્યાંક ભક્ત અને પરમાત્મા વચ્ચે પ્રિયતમ/પ્રિયતમાનો સંબંધ છે તો ક્યાંક તેમને અહમ્ બ્રહ્માસ્મિનો સાક્ષાત્કાર અનલ હક્કમાં સાંપડ્યો. વાત એક જ છે - પરમાત્મા પ્રાપ્તિ. ભક્તિનાં બન્ને અંગોનું નિરૂપણ સુફી સંતોએ લોકભાષામાં કરી આ તત્વજ્ઞાન ઘર ઘરમાં પહોંચાડ્યું છે. સુફી પરંપરાનાં મૂળ પંજાબમાં ઊંડાં ઉતર્યાં હતાં અને પંજાબીમાં લખાયેલા ગીતો ઉત્તર ભારતમાં ઘણાં પ્રચલિત થયા. 

શીખ ધર્મનું તત્વજ્ઞાન અને સુફી પંથની વિચારધારા બે નદીઓનાં સંગમ સરખી છે. સંત બુલ્લેશાહની કાફીઓ  ભારત અને પાકિસ્તાનના ગાયકો કશા પણ ભેદ વગર ગાય છે. તેમના ગીતોમાં મંદિર, મસ્જીદ, વેદ, કુરાન મજીદ વચ્ચે કશો તફાવત નથી. આ વાત તેમણે એવી ભાવવાહી રીતે કહી કે મુસલમાન, હિંદુ કે શીખ ગાયકો અને તેમના શ્રોતાઓ ધર્મોનાં ભેદભાવ ભુલી તેમની રચનાઓનો આનંદ માણે છે. 

આજે સૌ પ્રથમ આપણે શીખ પંથના રોજ સ્મરાતા જપજી સાહેબની કડીઓ સાંભળીશું. જપજીની શરૂઆત થાય છે, “એક ઓમકાર, સતનામ, કર્તા પુરૂષ (અહીં પુરૂષ-પ્રકૃતિના સંદર્ભમાં વર્ણવાયેલ તત્વનો ઉલ્લેખ થયો છે), જે નિર્ભય, નિર્વૈર, નિરંકાર, અમર, અજન્મા, સ્વયંભૂ છે, એવા પરમાત્માનું નામ લઈ તેનું ધ્યાન ધરીએ છીએ. આ શાશ્વત સત્ય યુગોથી આજે, અહીં અને અત્યારે હાજર છે. ઓ નાનક, આ જ પરમ સત્ય છે.”

ગુરૂ નાનકદેવે રોજીંદા જપ માટે આ પરમ સત્ય સાદી સરળ ભાષામાં કહ્યું છે. શીખો માટે તે રોજીંદો જપ બની ગયું છે. શીખો તેનો ઉલ્લેખ હંમેશા માનવાચક ‘જપજી સાહેબ’ કરે છે. જપજીસાહેબની પૂરી સાખીઓ અહીં આપી નથી. તેનું સંક્ષીપ્ત રૂપ હર્ષદીપ કૌરે ગાયું છે. નાનક દેવે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો અને મક્કા મદિનાની યાત્રા કરી આવ્યા હતા. આપને નવાઈ લાગશે કે મક્કા જવા માટે નાનકદેવની સમુદ્રયાત્રા કચ્છના લખપત બંદરેથી થઈ હતી. જપજી સાહેબની વંદનાનું સંક્ષીપ્ત સ્વરૂપ નીચે રજુ કર્યું છે. 



આપને તેનું વિસ્તૃત સ્વરૂપ અનુભવવું હોય તો નીચેનો વિડિયો જોવા વિનંતી. (આ આવૃત્તિ ૩૬ મિનીટની છે.)


***


સુફી પંથનાં મૂળ પંજાબ અને સિંધમાં ઊંડાં ઉતર્યાં હતાં.  મોટા ભાગનાં સુફી ગીતો પંજાબીમાં સાંભળવા મળે છે, અને તે ઘણાં પ્રચલિત થયા. તેમાં પણ બુલ્લેશાહ (અસલ નામ સૈયદ અબ્દુલ્લા શાહ કાદરી) અગ્રગણ્ય છે. તેમની સૌથી લોકપ્રિય કાફી છે "બુલ્લે કી જાણાં મૈં કોણ?" 

હું કોણ છું? હું શરીર છું, જેના પર ધર્મ, રાષ્ટ્રીયતા, પાપી કે પવિત્ર મહાપુરૂષનાં લેબલ લાગ્યાં છે? શું હું પાપીઓ વચ્ચે રહેલ પવિત્ર માણસ છું કે પવિત્ર વ્યક્તિઓ વચ્ચે રહેલો પાપી, ધર્મગુરૂ કે તેને અનુસરતા શિષ્ય, મોઝીઝ (મુસા) કે તેને તથા તેના અનુયાયીઓને મારી નાખવા માગતો ફૅરાઓહ છું? શું હું વેદ કે કુરાન જેવાં પવિત્ર પુસ્તકના લેબલથી સજાયેલ શરીર છું? ના, હું આમાંનો એકે'ય નથી. આવું હોય તો બુલ્લેશાહ, કહે, હું કોણ છું?

પ્રશ્નો પાછળ બુલ્લેશાહ એક તથ્ય કહે છે : મનુષ્યુનું અસલ સ્વરૂપ તો તેનો આત્મા છે, જેને કોઈ ધર્મ, ધાર્મિકતા, રાષ્ટ્રીયતા નથી. બસ આ આતમ તત્વને પિછાણ. આ પ્રશ્નો બુલ્લેશાહે તેમની કાફીમાં પૂછ્યાં છે. ગીત સરળ પંજાબીમાં છે, અને સમજાય તેવું છે. આ વિડિયોમાં અંગ્રેજી સબ-ટાઈટલ્સ છે, તેથી તેનો સંપૂર્ણ ભાવાર્થ અહીં આપ્યો નથી. ગાયક છે એક શીખ પૉપ ગાયક - રબ્બી શેરગીલ. રૉક સંગીતના વાદ્યો સાથે ગવાયેલા આ ગીતનાં શબ્દોની માર્મિકતા ગાયકે સરસ રીતે રજુ કરી છે. શરૂઆતના શબ્દો છે, “બુલ્લા તેં શું જાણ્યું કે તું કોણ છે?”  પછી જવાબમાં ગાય છે, “ના હું મસ્જીદ વચ્ચે ખડો મોમિન છું, નથી હું બિનઈસ્લામી વ્યક્તિની (કર્મકાંડની) રીત વચ્ચે છું કે નથી પવિત્ર માણસો વચ્ચે ઉભો પાપી; નથી હું વેદના ગ્રંથોમાં, કે નથી રહેતો હું ભાંગ અને દારૂબાજોની વચ્ચે રહેનાર માણસ…”

બુલ્લેશાહના ગીતમાં ગીતાનો સંદેશ સુંદર રીતે સમજાય છે. શરીરને આત્મા ન ગણો. આત્માને ઓળખશો તો ધર્મો વચ્ચેનાં ભેદભાવ આપોઆપ દૂર થઈ જશે. 

અહીં મૂકેલ સુફી સંગીતના બીજા ગીતના ગાયકો છે અમૃતસર જીલ્લાના વડાલી ભાઈઓ - પૂરણચંદ અને પ્યારેલાલ વડાલી. ગીતનાં શબ્દો સુંદર, સરળ અને અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે. પહેલી બે કડીઓ સમજવામાં સરળતા થાય તે માટે તેનું ભાષાંતર કર્યું છે.  ગીતની આગળની કડીઓ સમજાય તેવી છે તેથી લેખને લાંબો કર્યા વગર તે છે તેવી રીતે રજુ કરવામાં આવી છે.




રબ-બંદે દી જાત ઈક્કો
જ્યોઁ કપડેદી જાત હૈ રૂઁ
કપડે વિચ જ્યઁો રૂઁ હૈ લુકયા
યૂઁ બંદે વિચ તૂ
આપે બોલે આપ બુલાવે
આપ કરે હૂં હૂં

(ભગવાન -  ભક્તની જાત જ એક
જેમ કાપડની જાત છે રૂ
કપડામાં છે રૂ છુપાયું
ખુદ બોલે અને (અમારી પાસેથી) ખુદ બોલાવે છે
કર્તા - કરાવનાર પણ તું જ.
તું માને કે ન માને, પ્રિયતમ
અમે તો તને જ અમારા પરમાત્મા માન્યા!

***
મહારાષ્ટ્રમાં મધ્ય યુગની સંત પરંપરામાં રચાયેલા ભક્તિ ગીતોમાં અભંગ અને ઓવીઓ હજી પણ એટલી જ લોકપ્રિય છે. પંજાબી કાફી અને સાખીની જેમ આનું કારણ પણ તેની લોકભોગ્યતા છે. સંત જ્ઞાનદેવ (જેમને મહારાષ્ટ્રમાં જ્ઞાનબા માઉલી - જ્ઞાનની માતા કહેવામાં આવે છે)ની કથા સૌ જાણે છે. વેદ-ઉપનિષદનું જ્ઞાન પોથીમાંનાં રિંગણાં ન બની રહે તે માટે તેમણે ગીતાની રચના સરળ લોકભાષામાં ઓવી સ્વરૂપમાં કરી. ગયા ૮૦૦ વર્ષથી ચાલી આવતી પંઢરપુરની ‘વારી’ (પગપાળા યાત્રા) કરવા જનાર મહારાષ્ટ્રની ગ્રામ જનતા આજે પણ ‘જ્ઞાનબા માઉલી’ અને તુકારામ મહારાજના અભંગ ગાતાં ગાતાં ચાલતાં જાય છે. અહીં જ્ઞાનેશ્વર મહારાજની એક રચના રજુ કરી છે. ગાયિકા છે લતાદીદી.  વિડિયોમાં આની રજુઆત એવી સુંદર રીતે કરવામાં આવી છે, અભંગની સાથે તેની મૂળ મરાઠી પંક્તિઓ અને તેનું અંગ્રેજી ભાષાંતર આપવામાં આવ્યાં છે. આમ વાચક/શ્રોતા આ અભંગનું ગેય રૂપ, તેનાં શબ્દો અને ભાવાર્થ, ત્રણેનો એક સાથે આનંદ અનુભવી શકે.




સંત પરંપરામાં બીજા મહાત્મા હતા દેહૂના સંત તુકારામ, નામદેવ, જનાબાઈ વિ. થઈ ગયા. નામદેવનાં ભજનો તો શીખોના ગ્રંથ સાહેબમાં સ્થાન પામ્યાં છે.  અહીં સંત તુકારામે રચેલું એક અભંગ ભારતરત્ન ભીમસેન જોશીના સ્વરમાં રજુ કર્યું છે.  


આ નાનકડા અભંગનો અર્થ ઘણો ગહન છે, અને ગ્રામ્ય લોકો તેને સમજી શકે તેવી લોકભાષામાં સંત તુકારામે રચ્યો.
આ સૃષ્ટિમાં માનવીનું શરીર એક અણૂ સમાન નાનકડો (थोकडा) છે, પણ તેમાં વસતો આત્મા આખા આકાશમાં વ્યાપે એવડો છે.
પંચ મહાભૂતથી બનેલા આ શરીરને કાળ ગળી ગયા પછી બાકી શું રહે છે? આ ભવના ભ્રમનો એક જ આકાર હોય છે!  
એક ત્રિપૂટી - કર્તા,  કાર્ય અને કારણ  અથવા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય તે પણ વિરમી જાય છે અને રહી જાય છે આ ઘટ - શરીર. તેમાં જ્ઞાનનો દીપક પ્રગટે ત્યારે આત્માની વિશાળતાની 'આકાશ જેટલી' (आकाशा येवढा) અનુભુતિ થાય. તુકારામ કહે છે, આ અવસ્થામાં જીવ અને શિવના ઐક્યની સ્થિતિની અનુભુતિમાં તન્મય થવાય ત્યારે જીવનમાં એક જ ઉદ્દેશ બાકી રહી જાય છે : પરમાર્થ (પરોપકાર). 

અંતમાં જિપ્સીનું પ્રિય ભજન મૂકવાની રજા લઈશ. નરસિંહરાવ દિવેટિયાએ મૂળ અંગ્રેજી ભક્તિગીત "Lead kindly light / Among the encircling gloom"નું સુંદર અને ભાવવાહી રૂપાંતર કર્યું છે. ગાયક છે આશિત દેસાઈ. 










Friday, April 24, 2015

સુશ્રાવ્ય ભજન

આપણા સમાજમાં ભજનનું મહાત્મ્ય પૂરાતન કાળથી ચાલ્યું આવ્યું છે. ઋગ્વેદની ઋચાઓમાં નિસર્ગને પરમાત્માનું સ્વરૂપ માની તેનું શ્રેય તાલબદ્ધ સ્વરમાં ઉચ્ચારાતું આવ્યું. સમય જતાં સંગીત શાસ્ત્રનો વિકાસ થયો અને તેને પણ વેદોમાં સ્થાન અપાયું. સામવેદમાં સંગીતનો સમાવેશ થયો ત્યારથી જ કદાચ પરમાત્માની સ્તુતિ હંમેશા ગવાતી આવી છે. શીખોનાં દસમા ગુરૂ ગોવિંદસિંહ પરમ જ્ઞાની હતા. તેમણે અંતરજ્ઞાનથી જાણ્યું હતું કે કળિયુગમાં ગુરૂ પરંપરા જાળવવી હોય તો કોઈ વ્યક્તિને સમ્પ્રદાયનું ગુરૂપદ ન આપવું. તેવું કરવાથી તે વ્યક્તિપૂજામાં બદલાઈ જશે, અને પંથની ‘ગાદી’ તેમના લાયક કે અતિલાયક વંશજોની પરંપરાગત અંગત જાગિર બની જશે. તેમણે વ્યક્તિને બદલે ગ્રંથ સાહેબને ગુરૂપદ આપ્યું અને તેમાંનાં પદોને ‘ગુરબાની’ - ગુરૂઓની વાણી - કહી. તેમના નાંદેડ (મહારાષ્ટ્રમાં)ના વાસ્તવ્ય દરમિયાન તેમણે ગુરબાનીને સંગીતબદ્ધ કરી અને ગ્રંથસાહેબમાંનાં પદોને ‘શબદ’ કહી તેમને લોકોની વાણીમાં કાયમ કર્યા. આપ અમૃતસરના સુવર્ણ મંદિર (જેને શીખ ધર્મમાં ‘દરબાર સાહિબ’ કહેવામાં આવે છે)માં કે કોઈ ગુરૂદ્વારામાં જશો તો ત્યાં હાર્મોનિયમ, કરતાલ, ચિપિયા, તબલાંના સૂર-તાલમાં શબદ સાંભળવા મળશે!

ગુજરાત - મહારાષ્ટ્રની વાત કરીએ તો બન્ને પાડોશીઓની સંત પરંપરામાં પ્રભાતિયાં, અભંગ, ભુપાળી અને કિર્તન સામેલ થયાં. સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ટહેલિયા મહારાજ શેરીઓમાં ફરી - ‘જાગો જાગો જન જુઓ ગઈ રાત વહી’, ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા’ જેવાં પ્રભાતિયાં ગાતા. આપણી બહુરત્ના ભારતની ધરાએ બહારથી આવેલા ધર્મોને પણ પોતાના પાલવમાં સંભાળી તેમને હાલરડાંઓમાં સંગીતની ગળથૂથી પાઈ. અમીર ખુશરોએ આ પરંપરા સૂફી ગીતોમાં ઉતારી અને કવ્વાલીઓમાં સંગીતની નઝાકતની સાથે શબ્દોનાં ઉચ્ચારમાં એટલી જ શુદ્ધતા જાળવી. ભક્તિગીતોની પરંપરામાં ફિલ્મો પણ રંગાઈ અને તેમાં કોઈ ને કોઈ સ્થળે ભજન, કવ્વાલી અને સૂફી ગીતો આવવા લાગ્યા. કેટલીક ઓછા બજેટની ફિલ્મોમાં ગીતકારને આપવા માટે વધારાની રકમ ન હોવાથી કબીરસાહેબ, મીરાં, જ્ઞાનદેવ અને તુકારામનાં ભજન, અભંગનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો.

આજે આપણે કેટલાક ખાસ પસંદ કરેલાં ભજન સાંભળીશું. સૌ પ્રથમ છે ગણેશ વંદના ‘એકદન્તાય વક્રતુણ્ડાય ગૌરીતનયાય ધિમહી’ છે. સંસ્કૃતમાં રચાયેલી કૃતિ વહેલી સવારે સાંભળશો તો મનને એવો આહ્લાદદાયક શાંતીનો લેપ આપશે, જે આખો દિવસ પ્રસન્નતા ફેલાવશે!



ગણપતિને પહેલાં સમરીને હવે સાંભળીશું કૌમુદીબહેન મુન્શીએ ગાયેલું પ્રભાતિયું :




કબીર સાહેબનાં ભજનો રૂપકના સ્વરૂપમાં હોવા છતાં સામાન્ય લોકો સમજી શકે તેવી રીતે રચાયા છે. તેમાંનું એક છે ‘કૌન ઠગવા નગરિયા લૂટલ હો”. અહીં કબીર સાહેબે માનવ શરીરને નગરની ઉપમા આપી છે અને મૃત્યુ રૂપી ઠગ તેને લૂંટવા આવ્યો છે. શરીર અને આત્માને તેમણે નવોઢા પત્ની અને તેના પતિ સાથે સરખાવ્યા છે. બન્ને એકમેકના પ્રેમમાં એટલા ઓતપ્રોત છે. ચંદનના પલંગ પર શરીર - દુલહિન - પડી રહેલ છે જ્યારે તેનો પ્રાણનાથ તેને એકલી મૂકીને ચાલ્યો ગયો છે. આ ભજનના ત્રણ વર્ઝન છે: આશા ભોસલેજીએ ફિલ્મ ‘અનકહી’માં સંગીતકાર જયદેવની સૂરસજ્જામાં રચાયેલ, જે અહીં રજુ કર્યું છે. બીજાં શાસ્ત્રીય સંગીત પર આધારીત છે, જે અનુક્રમે પંડિત કુમાર ગંધર્વ અને શ્રીમતી ગિરીજા દેવીએ ગાયાં છે, જેની link આપી છે.

Asha Bhosle



Kumar Gandharva

Girija Devi

***

મીરાબાઈના જીવન પર ઘણી ફિલ્મો બની. તેમાં સાવ જુદી ભાત પાડે તેવી એક જ ફિલ્મ છે. દિગ્દર્શક ગુલઝારે તેને પૌરાણીક કથાનું સ્વરૂપ ન આપતાં એક આધારભૂત જીવનકથા તરીકે ઐતિહાસીક અંદાજમાં રજુ કરી ફિલ્મ 'મીરા'. કથા, પાત્રાલેખન, અભિનય, સંગીત અને  દર્શનીયતા એવી બધી દૃષ્ટિએ આ સમગ્ર ચિત્રપટ સર્વાંગ સુંદર છે. પંડિત રવિશંકરે મીરાનાં ભજનોને એવી જ અદ્વિતિય શૈલીમાં ઢાળ્યાં અને એવી જ ખુબીથી ગાયાં વાણી જયરામે! અંગ્રેજીમાં જેને soulful rendition કહેવાય તેવી રીતે વાણીજીએ બધાં જ ભજનો ગાયાં. હેમામાલિનીએ મીરાના પાત્રમાં પ્રાણ રેડ્યો. સમય મળે તો આ ફિલ્મ જોવાની આપને ખાસ ભલામણ છે. આજે અહીં આ ફિલ્મનાં બે ભજનો પ્રસ્તુત કર્યાં છે: 



જો તુમ તોડો પિયા


આ ભજનનું એક version ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંધ્યાના અભિનયમાં લતાદીદીએ ગાયું છે. બન્ને ફિલ્મોમાં પ્રસંગ અને રજુઆત ભલે જુદી રીતે થઈ હોય, પણ મીરાનાં હૃદયનો અવાજ તેમાં જરૂર અનુભવાશે!

મીરાનું આવું જ એક ભજન લતાદીદીએ ફિલ્મ ‘તુફાન ઔર દિયા’માં ગાયું. આમાં નંદાનો અભિનય અને ગીતની રજુઆત, હૈયાનાં તાર હલાવી દે તેવાં છે.

પિયા તે કહાઁ - ‘તુફાન ઔર દિયા’


ઉપર એક આર્ટ ફિલ્મ ‘અનકહી’ની વાત કરી હતી. આ ફિલ્મમાં ભારતરત્ન પંડિત ભીમસેન જોશીએ એક ભજન ‘રઘુવર તુમકો મેરી લાજ’ સરળ, લોકભોગ્ય થાય તેવી રીતે ગાયું, જે અહીં રજુ કર્યું છે.



આજનો વિષય એટલો વિશાળ છે, એક અંકમાં તેને સમાપ્ત કરવું અશક્ય લાગ્યું. આવતા અંકમાં સુફી સંતોની કૃતિઓ, ગુરબાની અને મરાઠી અભંગ રજુ કરીશું. 

Thursday, April 2, 2015

સંગીત લહરી

સિને સંગીતમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોનું માધુર્ય હંમેશા તાજું રહ્યું છે. આપણા સંગીતને ‘શાસ્ત્ર’ કહેવા પાછળ ઘણાં કારણો છે. તેમાં દરેક સૂરની વ્યુત્પત્તી (etymology)નું સંશોધન થયું છે ; કયો રાગ  કયા પ્રહર માટે ઉચિત, અસરકારક અને મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, તેનો અભ્યાસ અને પ્રયોગ કર્યા બાદ તેની રજુઆત થવા માંડી. એવી જ રીતે આપણા વિવિધ પ્રદેશો તથા ઋતુને અનુરૂપ થાય તેવા રાગોની રચના થઈ અને તે લોકભોગ્ય થયા.

ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીત પર આધારીત અનેક ગીતો રચાયા. એવું નથી કે આવા બધા જ ગીતો લોકપ્રિય થયા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત - પ્યારેલાલના જીવન પર નસરીન મુન્ની કબીરના ‘મુવી મહલ’ના એક પ્રકરણમાં સ્વ. લક્ષ્મીકાંત કહે છે, "ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતને મૂકવા માટે કેવળ સમયને અનુરૂપ હોય તેવા રાગનું composition કામ નથી આવતું. અહીં ફિલ્માતા પ્રસંગની ગંભીરતા કે હળવાશ, અને નાયક કે નાયિકાના મનોભાવને (moodને) વ્યક્ત કરવાનો પ્રયત્ન એટલો જ મહત્વનો હોય છે." ત્રીજી વાત તેમણે કહી તે હતી તેની ‘discability’! એટલે ગીત એટલું કર્ણ મધુર હોવું જોઈએ કે ગમે ત્યારે પણ તેની રેકૉર્ડ (કે સીડી) વાગે, તે સાંભળીને શ્રોતાને શ્રવણનો આનંદ આપી શકે. આ વાતમાં કેટલું તથ્ય છે તે જોવા અહીં તેમના બે ગીતો રજુ કર્યા છે. ૧૯૬૪માં નિર્માણ થયેલી ફિલ્મ ‘સતી સાવિત્રી’નું ગીત હજી પણ એટલું જ મધુર લાગે છે જેટલું તે સમયે હતું:

જીવન ડોર તુમ્હી સંગ બાંધી - લતાજી/લક્ષ્મીકાંત પ્યારેલાલ




લક્ષ્મીકાંત પ્યારેલાલના બીજા ગીતના શબ્દો - જે મારા માનવા પ્રમાણે ભરત વ્યાસજીએ રચ્યા - તેમાં પત્નીની પતિ પ્રત્યેની સમર્પણની ભાવના અને પતિની પત્ની પરત્વે માન, કૃતજ્ઞતા અને ગૌરવની ભાવના ઠેઠ સુધી છલકે છે. લતાદીદી અને મન્ના’દાએ આ ગીત એવી જ ભાવુકતાથી તેને ગાયું, આખું ગીત શ્રોતાને પતિ-પત્નીના સંબંધોની ઉદાત્તતા તરફ લઈ જાય છે. હાથ કંગનકો આરસી ક્યા? આપણે આ ગીત અનુભવીએ!






***
મુંબઈના ચિત્રપટ ઉદ્યોગમાં ઘણી સંગીતપ્રધાન ફિલ્મો બની. આપ તેમનાં નામ જાણો છો, તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. તેમાંની કેટલીક ચિરસ્મરણીય થઈ તો કેટલીક સમયના વંટોળિયામાં ખોવાઈ ગઈ. આવી ગુમ થવા આવેલી ફિલ્મોમાંના અદ્વિતીય ગણાય તેવા ગીત રજુ કરીશું.  એક નવજાત કુરૂપ બાળકને તેનાં માતાપિતા ત્યજી દે છે જેને એક સંગીતકાર ઉછેરે છે. પાલક પિતાના અવસાન બાદ સાવ એકાકિ જીવન જીવી રહેલ આ વ્યક્તિના હૃદયની વ્યથા મન્ના’દાએ એવી રીતે વ્યક્ત કરી છે, બસ, સાંભળતા રહીએ! 




આ  ફિલ્મના પાત્રે રફી સાહેબના અવાજમાં ગાયેલ ગીત એટલું જ સુંદર છે: 



સિને સૃષ્ટિમાં જેમના આગમનથી આગવો પ્રભાવ પડ્યો હોય તેવા એ સંગીતકાર હતા રોશન લાલ. તેમનું ૧૯૫૨ની સાલમાં સુરબદ્ધ કરેલું અને લતાદીદીએ ગયાેલું ગીત હજી પણ પ્રભાતના ઝાકળબિંદુ જેવું તાજું લાગે!




સી. રામચંદ્ર જેટલા મહાન સંગીતકાર હતા, એટલી જ તેમની ઉપેક્ષા થઈ. તેમના ગીતો અવિસ્મરણીય છે. જો કે કેટલાક ગીતો સમયના પડદાની પાછળ સંતાયા છે, પણ જ્યારે તે ડોકિયું કરી આપણી તરફ જુએ, હૃદયના તાર હલી ઉઠે! આ પહેલાં આપે તેમનું 'શિનશિનાકી બુબલાબૂ'નું ગીત 'હમ કિતના રોયે' સાંભળ્યું હતું. આવું જ એક હૃદયદ્વાવક ગીત છે ફિલ્મ ‘પરછાંઈ’નું, લતાદીદીના સ્વરમાં:



ફિલ્મ 'પરછાંઈ'ની વાત થાય ત્યાં સી. રામચંદ્રે  સંગીતબદ્ધ કરેલ તલત મહેમૂદની ગઝલ કેમ કરીને ભુલી શકાય? આજના અંકનું સમાપન તેમના ગીતથી કરીશું:




Saturday, March 21, 2015

હોઠોં પે ઐસી બાત…


બચપણમાં અમને બા-બાપુજી સાયગલની ‘દેવદાસ’, કાનનબાલાની ‘જવાબ’, પ્રમથેશ બરૂઆની ‘મુક્તિ’ કે પંકજ કુમાર મલ્લિકની ‘ડૉક્ટર’, વિષ્ણુપંત પાગનીસની 'સંત તુકારામ' જેવી સામાજીક અને ધાર્મિક ફિલ્મો જોવા લઈ જતા. મોટે ભાગે તો અડધી ફિલ્મ ઊંઘમાં નીકળી જતી. જાગૃત સ્થિતિમાં જે જોતાં, તેમાં એટલું જાણવા મળ્યું હતું કે તેમાં નૃત્યો નહોતા. એ તો બસ, સુંદર કથા અને મધુરાં ગીતોનો જમાનો હતો જે સૌએ ભરપૂર માણ્યો. ખેર, બાપુજીના અવસાન પછી સૌરાષ્ટ્ર છોડી અમે અમદાવાદ રહેવા ગયા ત્યારે હું નવ વર્ષનો હતો. તે વખતની પ્રચલિત માન્યતાઓમાં સિનેમા અને ‘હોટલ’માં (એટલે રેસ્ટોરાંમાં!) જવું ખરાબ ટેવમાં આવી જતું. જો કે અમારી વયના કેટલાક કિશોર કોણ જાણે કેમ, સિનેમા જોવા જતાં અને તેની વાતો અમને કહેતા.
“અલ્યા, તેં xyz ફિલ્મ જોઈ? એમાં કક્કુનો ફસ્ ક્લાસ ‘ડેન્સ’ છે! આ પહેલાંની ફિલ્મમાં તો તેના ત્રણ ડેન્સ હતા, પણ ‘અંદાઝ’માં નરગીસ ગાય છે અને કક્કુ નાચ કરે છે, બાપ, મજા આવી ગઈ…” આ કક્કુ કે કુક્કુ કોણ હતી એ અમે જાણતા નહોતા, પણ તેમના 'નાચ'ની વિગતો સાંભળી અમને નવાઈ લાગતી. અમારા લત્તામાં સામાજીક હૉલમાં કાર્યક્રમ થતા, તેમાં નાની બાળાઓને ઉદય શંકરની ટ્રૂપેના એક સભ્ય શ્રી. કામિની શંકરે શીખવેલા નૃત્યો પ્રસ્તુત થતાં. પણ કુક્કુ જેવડી ‘મોટી’ મહિલા નૃત્ય કરે, અને લોકોને તેમાં ‘મજા પડે’ તે વાત અમે સમજી શકતા નહોતા - કારણ કે અમે તે વખતે ‘બહુ નાનાં’ હતા.

તે વર્ષના ઉનાળામાં મારા મસિયાઈ ભાઈ મુંબઈથી ફરવા આવ્યા. તેમને જાણીને નવાઈ લાગી કે અમે ‘અંદાઝ’ ફિલ્મ નહોતી જોઈ. ઘેર કોઈને કહેવાનું નહિ તે શરતે તેઓ અમને આ ફિલ્મ જોવા લઈ ગયા અને અમે પહેલી વાર કક્કુનું નૃત્ય જોયું : ‘ઝુમ ઝુમ કે નાચો, ગાઓ આજ, ગાઓ ખુશી કે ગીત.”




કોણ જાણે કેમ, અમને આ નૃત્યમાં મોહિની ન દેખાઈ કે ન જણાઈ કોઈ પ્રેક્ષણીયતા. આગળ જતાં જાણવા મળ્યું કે કુક્કુ અૅંગ્લોઈંડિયન કૅથલીક - એટલે રૂઢિચુસ્ત સમાજનાં બહેન હતા. તેમણે નૃત્યની કોઈ તાલિમ નહોતી લીધી અને નૃત્ય દિગ્દર્શક બતાવે તે પ્રમાણે તેઓ નૃત્ય કરતા. તે સમયે કમર્શિયલ ફિલ્મો માટે ફૉર્મ્યુલા હતી. ગીતોમાં એક કવ્વાલી, કુક્કુનું નૃત્ય અને જાણીતા સંગીતકારોનું સંગીત હોવું જોઈએ. ખાસ તો જે ફિલ્મમાં કુક્કુનાં નૃત્ય ન હોય તે ફિલ્મ ચાલે નહિ!

કુક્કુબહેન અત્યંત દયાળુ અને પરગજુ મહિલા હતાં. કહેવાય છે કે એક રવિવારે ચર્ચમાં તેમને રંગુનથી આવેલ એક અૅંગ્લોબર્મીઝ ગરીબ પરિવાર મળ્યો. તેમણે તેમની પાસે મદદ માગી. ‘અમારી દીકરીને ફિલ્મમાં કામ અપાવો. અમારો ગુજારો થાય! એક ફિલ્મના નૃત્યમાં કુક્કુએ નિર્માતા-દિગ્દર્શકને કહી આ તેર વર્ષની કિશોરીને કામ અપાવ્યું અને તેની સાથે જે નૃત્ય કર્યું તે જોઈએ : 



કિશોરીનો સિતારો ચમકી ગયો. નવયુવતી - હેલનની આખા ફિલ્મ જગતમાં ધુમ મચી ગઈ. હેલનની ખુબીઓ સૌ જાણે છે: અભિનય તેમને વરેલો હતો અને તેની સાથે આધુનિક કૅબરેને અનુરૂપ હોય તેવા પોશાકમાં એવા જ bold નૃત્ય પ્રયોગ કરવાની હિંમતને કારણે તેમને જે પ્રસિદ્ધી મળી તે કાયમ માટે તેમનો શિરતાજ બની ગઈ. કમનસીબીની વાત એ નીકળી કે નિર્માતાઓએ કુક્કુને બાજુએ મૂકી હેલનને જ કામ આપવાનું શરૂ કર્યું. કુક્કુ બહેન ભુલાઈ ગયા. મુંબઈમાં એક રૂમના નાનકડા ફ્લૅટમાં કેવળ ૫૪ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તેમની સ્મશાનયાત્રામાં હેલન સમેત કોઈ ફિલ્મી હસ્તી હાજર નહોતી.
***
બૉલીવૂડની ફિલ્મોમાં ઘણી વાર કથ્થક અને ભરતનાટ્યમ્ જેવા ઉત્કૃષ્ટ દરજ્જાના નૃત્યો રજુ થયા છે. પહેલાં કથ્થક સામ્રાજ્ઞી સિતારા દેવી અને ત્યાર બાદ તેમની મોટી બહેનના પુત્ર ગોપી કૃ્ષ્ણનાં કથ્થક નૃત્યો હજી પણ તાજી હવાની ઝલકની જેમ ખુશીની લહેર ફેલાવે છે. વ્હી. શાંતારામના ચિત્રપટમાં ગોપીકૃષ્ણ અને સંધ્યાએ રજુ કરેલું એક નૃત્ય જોઈએ:




એવી જ રીતે સાઈ અને શુભલક્ષ્મીએ કરેલ ફિલ્મ આઝાદનું ભરતનાટ્યમ્ નૃત્ય એવું તો સુંદર છે, જેમાં બન્ને બહેનોની coordinated movements પ્રેક્ષકને સ્તબ્ધ કરે તેવી છે! 


***
ભારતીય ફિલ્મોમાં વૈજયન્તીમાલા જેવા બેમિસાલ નૃત્યો વહિદા રહેમાન અને માધુરી દિક્ષીત સિવાય કોઈ પણ અભિનેત્રીએ કર્યા નથી. તેમનાં દરેક નૃત્યો અવિસ્મરણીય છે. પ્રથમ વહિદાજીના નૃત્યની વાત કરીએ. આ પહેલાં ‘તિસરી કસમ’ના નૃત્ય ‘પાન ખાયે સૈંયા હમારો’ની રજુઆત કરી હતી એ તો સૌને યાદ હશે. આજે તેમની ફિલ્મ કારકિર્દીના શરૂઆતના વર્ષોનું એક અજાણ્યું - પણ તેમની કળાની અભિવ્યક્તિ કરતું નૃત્ય રજુ કરીશું. ફિલ્મની ક્વૉલિટી સાધારણ છે, પણ નૃત્યની કક્ષા જુઓ!




આવીજ રીતે એક સુંદર નૃત્ય રજુ કર્યું માધુરી દિક્ષીતે: ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’માં કેવળ ડ્રમ્સના તાલ પર રજુ કરેલ કથ્થક પર આધારીત આ પ્રસ્તુતી સુંદર લાગશે!



***

થોડા સમય પહેલાં ‘નટરંગ’ નામનું રાષ્ટ્રીય સન્માન પામેલું મરાઠી ચિત્રપટ જોયું. મહારાષ્ટ્રની લોકકલા તમાશાના પાત્રો પર આધારીત આ ચિત્રપટના બે લાવણી નૃત્યોએ દેશમાં ધમાલ મચાવી હતી. તેમાંનું એક નૃત્ય જેની કોરીઓગ્રાફી પ્રસિદ્ધ લોક કલાકાર ફૂલવાબાઈ ખામકરે કરી અને અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ તેને જીવંત કરી. ગીત છે, “અપ્સરા આવી! ઈન્દ્રપુરીથી નીચે ભુમિ પર આવી!” અતિ સુંદર નૃત્ય છે. પ્રેક્ષકોએ તેને એટલી હદ સુધી વધાવી લીધું કે કેવળ આ નૃત્યના સેંકડો કાર્યક્રમો મહારાષ્ટ્રના શહેરોમાં યોજવામાં આવ્યા હતા. 


 ***
ભારતીય ફિલ્મોમાં ઘણી નૃત્યાંગનાઓ આવી - અને ગઈ. એક કાળમાં કુમકુમ, (ફિલ્મ ‘કોહિનૂર’માં દિલીપ કુમાર સાહેબે પ્રસ્તુત કરેલ ‘મધુબનમેં રાધિકા’માં નૃત્ય તેમનું હતું), લક્ષ્મી છાયા વિ. તેમની ઝલક બતાવી ગયા, પણ સફળ ન થઈ. ત્યાર પછી સરોજ ખાને શૃંગાર રસના નામે એવા અશ્લીલ નૃત્યો આણ્યા (pelvic thrust નામનો પ્રકાર લાવનારા તેઓ જ હતા!) જે જોઈને નવાઈ લાગે કે આવાં નૃત્યો (દાખલા તરીકે કરીશ્મા કપુર અને ગોવિંદાનું ‘સરકાઈ લો ખટિયા જાડા લગે’) સેન્સર બોર્ડે પસાર કેવી રીતે કર્યા.  આજના અંકમાં સરોજ ખાને શરૂ કરેલા genreનાં નૃત્યોને એટલા માટે સ્થાન આપ્યું નથી. કેમ કે તેમની એક પણ કૃતિને કલા કે શિષ્ટ કહી શકાય તેવું નથી. 

લેખના અંતમાં ફિલ્મ જગતનું all time great નૃત્ય જોઈએ. વૈજયન્તીમાલાનાં નૃત્યો હંમેશા ઉચ્ચકક્ષાનાં અને કલામય રહ્યા છે. આજના અંકનું સમાપન તેમના એ નૃત્યથી કરીશું, જેના પરથી આ લેખનું શિર્ષક લખવાની પ્રેરણા થઈ. ફિલ્મ છે ‘જ્યુવેલ થીફ’. આ ગીત-નૃત્યમાં વૈજયન્તીમાલાએ તેમની કલા, energy અને અભિનયની પરાકાષ્ઠા કરી. દરેક હરકત, હાવભાવ, મુદ્રા અને અભિનયમાં તેમની કલા નિતરતી દેખાશે! આશા છે, આપને તે ગમશે.