Tuesday, February 22, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨


પંદર દિવસની રજા મંજુર કરાવી રામેશ્વર વિષ્ણુપુર પાછા આવ્યા રાધા અને તથા કિશોરને લઇ અકબરપુર જવા નીકળ્યા.
તે જમાનામાં બિહારનો વિકાસ મંદ હતો. બસ ગામમાં ન જતાં મુખ્ય સડક પર એવી જગ્યા પર રોકાતી જ્યાંથી આસપાસના બે-ત્રણ ગામને તેની સુવિધા મળે. અકબરપુરનું બસ સ્ટૉપ એટલે ગામના નામનું પાટીયું. ત્યાં એસટી તરફથી બીજું કોઇ બાંધકામ નહોતું. સડકથી પાંચ-દસ મીટર દૂર મોટું વડનું ઝાડ હતું. તેને અડીને મિશ્રાજી નામના સજ્જને એક મોટું શેડ બાંધ્યું હતું. આ હતી ગામની ‘હોટલ’. અહીં સવારથી સાંજ લોકો ચ્હા-નાસ્તા માટે આવતા. શેડમાં કેરોસીનના બે સ્ટવ હતા અને લાકડાના બે-ચાર ખખડધજ ટેબલ તથા તેની બન્ને બાજુએ બાંકડા. બારણા પાસે એક ઉંચા ટેબલ પર ગલ્લો હતો. ગલ્લા પર કાચની ત્રણ-ચાર બરણીઓ અને તેમાં બિસ્કીટના પૅકેટ અને ‘ચૂરા’ જેવો નાસ્તો. ખુલ્લા આંગણામાં પણ ચાર પાંચ બાંકડા હતા. બસના સમયે પૅસેન્જરો તથા અન્ય સમયે નવરા લોકો અહીં ગપાટા મારવા કે ચ્હા પીવા આવે. મેલાં ઘેલાં કપડાં પહેરેલો 'શેફ' ચ્હા - ભજીયા બનાવતો અને દસ-બાર વર્ષની વયના બે બાળકો ઘરાકોને ચ્હા-નાસ્તો પીરસતા હતા અને જરૂર પડે ત્યાં કપ-રકાબી અને વાસણ સાફ કરતા હતા.

રામેશ્વરબાબુને ગામના લોકો રૂબ્બતીના લગ્ન સમયથી જ સારી રીતે ઓળખતા. તેઓ બસમાંથી ઉતર્યા અને લોકોએ ખરખરો કર્યો. તેમનો આભાર માની સિન્હા પરિવાર સુબેદાર સાહેબના ઘર તરફ ગયો.

બસ સ્ટૉપથી ગામ તરફ જતા કાચા રસ્તાની ડાબી બાજુએ દૂર સો-એક જેટલા માટીના ઝુંપડા હતા. સમાજશાસ્ત્રીઓ જેમને દલીત કહે છે અને રાજકારણીઓ ‘બહુજન સમાજ’, તેઓ ત્યાં રહેતા હતા. સત્ય હકીકત એ હતી કે આ બધા પરિવારો જમીનદારોના વંશપરંપરાગત વેઠીયા હતા.

સડક પર આગળ વધતાં જમણી બાજુએ બે માળના ત્રણ-ચાર પાકા મકાનો હતા. તેમની ચારે બાજુએ ઉંચી દિવાલ અને દરવાજા પર બે-નાળી બંદૂક સાથેના મુછાળા ચોકીદારો. ત્યાંથી આગળ વધીએ તો ગામ. ગામની શરૂઆત થાય તે પહેલાં પાંચ ફીટ ઉંચા કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે નાનકડું મેદાન અને નિશાળ. નજીક માસ્ટરજીનું ક્વાર્ટર અને ત્યાર પછી ગામની શરૂઆત થાય. ગામ વચ્ચેથી જતા રસ્તાની બન્ને બાજુએ દુકાનો અને તેની પાછળ ગામવાસીઓના રહેઠાણ. ભારતના સર્વસામાન્ય ગામ જેવું આ ગામ હતું. ગામના છેવાડે એક કે બે ઓરડાના કેટલાક બેઠા ઘાટના મકાન હતા. તેમાં ગામના મંદિરના પુજારીજી, દુકાનદારો, ગામના મહાજન તથા સુબેદારસાહેબ રહેતા હતા. સુબેદાર સાહેબનું બે રૂમનું પાકું મકાન હતું. મકાનની પાછળ નાનકડો વાડો, અને વાડાને અડીને માધોની ઓરડી. માધો ત્યાં રહેતો તે પંડીતજીને ગમતું નહોતું, પણ રામ પ્રતાપને કારણે કશો વાંધો લઇ શક્યા નહોતા.

કાકાના મકાનમાં રામેશ્વર પહોંચ્યા અને માધોની પત્નિ મિસરીએ ખુણામાં ચેતવેલા દિવાની નજીક જઇને નમસ્કાર કર્યા. રાધા શોકથી વિહ્વળ થઇ ગઇ. તેણે પિતા સમાન કાકાજીની ખુબ સેવા કરી હતી. મહિનામાં એક વખત તે, પતિ રામેશ્વર અને કિશોર અહીં જરૂર આવતા. રાધા તેમના માટે ખારી પુરી અને સૂકા નાસ્તાનો ડબો લઇ આવતી. આજે તેને ખાલી હાથે આવવું પડ્યું હતું. બીજા દિવસે રૂપવતી, રામ અભિલાષ તથા તેમનાં બાળકો રાકેશ, સરિતા અને નીતા આવી પહોંચ્યા. રૂપનું હૈયાફાટ રૂદન કોઇથી જોયું જતું નહોતું. રાધા - રામેશ્વરે તેની માતા-પિતાનું સ્થાન લઇને તેને સંભાળી. તેમનું પોતાનું દુ:ખ વ્યક્ત કરવા તેમને ફક્ત આગલી રાત જ મળી હતી. રામ અભિલાષને કેવળ ચાર દિવસની રજા મળી હતી તેથી તેને પાછા જવું પડ્યું હતું. રામેશ્વરે બધી જવાબદારી ઉપાડી લીધી. રાધાએ નણંદ તથા બાળકોને સંભાળી લીધા. તે રૂપને પરાણે જમાડી તેને હૈયાધારણ આપતી રહી.

ત્યાર પછીની બધી વિધિઓ રામેશ્વરે પૂરી કરી. હવે છેલ્લી વિધિ બાકી હતી: અસ્થિ વિસર્જનની. આ કામ માટે ગયાતીર્થ જવાનું હતું. રાધા જાણતી હતી કે અત્યાર સુધી તેના પતિએ બધાં કાર્ય કરવામાં ખુદનો શોક અંતરમાં છુપાવ્યો હતો. તેમણે પોતાનાં દુ:ખ કદી જાહેરમાં આવવા દીધા નહોતા. હવે અંતિમ કાર્ય માટે તેમને એકલા મોકલવા રાધા તૈયાર નહોતી. પતિને ભાવનાત્મક આધારની જરૂર છે તે જાણીને તે રામેશ્વર સાથે ગયા જવા નીકળી. વહેલી સવારે બસ પકડવા રામેશ્વર અને રાધા નીકળ્યા ત્યારે રૂપવતીનાં અંતરનાં દુ:ખનો બંધ તૂટી ગયો. વર્ષોથી તે પિતાને પટના લઇ જવા મથતી હતી, પણ તેઓ ગયા ન હતા. અંતિમ પળે તેમની સેવા કરવાનો લહાવો ન મળ્યો તેનો વસવસો તે સવારે બહાર આવ્યો. તેને મહા મહેનતે શાંત કરી, પંડીતાઇનના આધારે તેને, તેનાં બાળકોને અને કિશોરને છોડી રાધા અને રામેશ્વર ગયા જવા નીકળ્યા.
* * * * * * * * *
ફલ્ગુ નદીમાં વિધિવિધાન તેમના પારિવારીક ગયાવળ બ્રાહ્મણે પૂરા કરાવ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઇ. તેથી ગયામાં રાત રોકાઇ બીજા દિવસે તેઓ અકબરપુર પાછા જવા નીકળ્યા.

ચારે’ક કલાકના બસ પ્રવાસ બાદ તેઓ અકબરપુર પહોંચ્યા અને બસમાંથી ઉતરતાં વેંત તેઓ ચોંકી ગયા. બપોરના બે વાગ્યા હતા, ધંધાનો સમય હતો અને લોકોની ભીડ હોવી જોઇએ, ત્તેમ છતાં મિશ્રાજીની ‘હોટલ’ સાવ ખાલી, સુમસામ પડી હતી. બધા ઉતાવળે જ ત્યાંથી નાસી ગયા હોવા જોઇએ, કેમ કે મિશ્રાજીનો ગલ્લો એમ જ ખુલ્લો પડ્યો હતો. અંદર ટેબલ પર સ્ટવ ચાલુ હતા, પણ 'શેફ' કે વેટર્સનું ત્યાં નામોનિશાન નહોતું. બહારના બાંકડાઓની આજુબાજુ ફરતા કૂતરાં પણ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા.

“રાધાજી, કોઇ ગંભીર વાત થઇ છે. આપણે જલદી ઘેર પહોંચવું જોઇશે,” કહી તેઓ કાચા રસ્તા પર થોડા કદમ ગયા હશે ત્યાં તેમણે દૂરથી બંદૂકના ધડાકા સાંભળ્યા. ઝડપથી ચાલીને બન્ને જણા શાળા માસ્તરના ઘર સુધી પહોંચ્યાં ત્યાં ફરીથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો. આ વખતે અવાજ નજીકથી આવ્યો.

“હાય રામ! આ તો બંદૂકનો અવાજ છે. માડી રે! છોકરાંઓ શું કરતા હશે? અને રૂબ્બતી?” રાધાએ ગભરાઇને કહ્યું.

“ચાલો આપણે માસ્ટરજીને ઘેર જઇએ. થોડો વખત ત્યાં રોકાઇને બધું શાંત પડી જતાં ઘેર જઇશું.”

રામેશ્વરે શિક્ષકના ઘરનું બારણું ખખડાવ્યું, અને મોટેથી બુમ પાડીને બારણું ખોલવાની વિનંતી કરી. સતત પાંચ મિનીટ બારણાની સાંકળ ખખડાવી, પણ કોઇએ દરવાજો ખોલ્યો નહિ. “કદાચ માસ્ટરજી શાળામાં હશે. ચાલો આપણે ત્યાં જઇએ.”

તેઓ ઝપાટાબંધ શાળા તરફ ગયા. કમ્પાઉન્ડની દિવાલની નજીક પહોંચ્યા ત્યાં તેમણે રાડ સાંભળી, “બચાવો! ભગવાનને ખાતર મને બચાવો!”

અવાજ સાવ નજીક, દિવાલની પાછળથી આવ્યો, તેથી રામેશ્વર થંભી ગયા. તેઓ પરગજુ માણસ હતા. કોઇની મુસીબતના સમયે ત્યાંથી ખસી જવું તેમની ફિતરત નહોતી. એટલામાં કમ્પાઉન્ડ પાછળથી એક યુવાન દોડતો આવ્યો અને રામેશ્વરના પગમાં પડ્યો. તેના ખભા પરથી લોહી વહેતું હતું. “સાહેબ, મને બચાવો!”

“ભાઇ, કોણ છો તમે? તમને કોઇ શા માટે મારી નાખવા માગે છે?”

“અમે સમાજવાદી કાર્યકર છીએ. મારા સાથીને જમીનદારના ગુંડાઓએ મારી નાખ્યો છે અને હવે મારી પાછળ પડ્યા છે.”

યુવાનો વેઠ કામદારોની ગુપ્ત સભા લેવા આવ્યા હતા. તેમણે ધારી હતી એટલી આ વાત ગુપ્ત રહી નહોતી. કોઇકે દગો કર્યો હતો.

એટલામાં ત્રણ મસ્તાન હાથમાં બીજા વિશ્વયુદ્ધના સમયની બોલ્ટ અૅક્શન રાઇફલ લઇ પેલા યુવાનના પગલે પગલે આવ્યા.

રામેશ્વરે હાક પાડીને કડક સ્વરે કહ્યું, “જુઓ, હું બિહાર સરકારનો મુલાઝીમ છું. આમ કાયદો હાથમાં લેવાનો તમને કોઇ અધિકાર નથી. તમે ખુન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને હું તેનો સાક્ષી છું. મહેરબાની કરી પાછા જાવ, નહિ તો મારે પોલિસમાં ફરિયાદ કરવી પડશે.”

એટલામાં તેમણે પાછળ રાધાની ચીસ સાંભળી. તેમણે પાછા વળીને જોયું તો પાછળથી આવતા બે ખુનીઓ સામે રાધા હાથ લાંબા કરીને હલાવીને મનાઇ કરતી હતી. તેણે ચીસ પાડીને કહ્યું, “ના, ગોળી ન ચલાવશો. તેઓ સરકારી અફસર છે, ભગવાન...” વાક્ય પૂરૂં થાય તે પહેલાં બે ગોળીઓ છૂટી. બબ્બે ગોળીઓના આઘાતથી એક ગાભાની ઢીંગલીને હવામાં ફંગોળવામાં આવે તેમ રાધા ઉછળીને ઢળી પડી.

પગ પાસે જ અચાનક વિજળી પડે અને માણસ ચોંકી જાય તેમ રામેશ્વર સ્તબ્ધ થઇ ગયા. તે કાંઇ બોલે તે પહેલાં હવે તેમના પર ગોળીઓ છૂટી. રામેશ્વર ઢગલો થઇને ઢળી પડ્યા. બંદુકધારીઓ જાણે કશું થયું નથી તેમ નજીક આવ્યા અને પેલા દલિત ક્રાન્તિકારીના લમણા પર રાઇફલ મૂકીને ગોળી છોડી. જાણે કશું થયું નથી તેમ તેઓ શાળાની પાછળ ગયા. ત્યાં એક જીપ ઉભી હતી. તેનું એન્જીન ચાલુ હતું. ખુનીઓ તેમાં આરામથી બેઠા અને જીપ હંકારી ગયા. તેમણે ખુન કર્યા હતા અને પાછળ તેને નજરે જોનાર બે સાક્ષીઓને જીવતા છોડી જવા તેઓ તૈયાર નહોતા.

મુસીબત આવે છે તો કદાપિ એકલી નથી આવતી. કોઇ વાર પોતાની સાથે આફતનો ચક્રવાત લઇને આવે છે. તેની નજીક જે કોઇ હોય તે બધાને ખેંચી જાય છે અને પાછળ તેણે કરેલી તબાહીની એંધાણી છોડી જાય છે.

Monday, February 21, 2011

પરિક્રમા:બિહાર

૫.

બિહાર - ૧૯૯૮

રામેશ્વર પ્રસાદ સિન્હા નાલંદા બ્લૉક અૉફિસમાં કારકુન હતા. રોજ સવારે પોતાના ગામ વિષ્ણુપુરથી આઠ કિલોમીટર દૂર અૉફિસમાં સાયકલ પર જતા. આજે તૈયાર થતા હતા ત્યાં ખડકી બહારથી અવાજ આવ્યો, “રામબાબુ ઘરમાં છે? અમે માધો, અકબરપુરથી આવ્યા છીએ.”

અકબરપુર રામેશ્વરના વૃદ્ધ અને વિધુર કાકા રિટાયર્ડ સુબેદાર રામ પ્રતાપનું ગામ. માધો તેમનો જુનો ખેડૂત હતો. તેને અચાનક આવેલ જોઇ રામેશ્વરને ચિંતા થઇ.

“આવ, માધો અંદર આવ. પ્રતાપકાકાની તબિયત તો સારી છે ને?”

“ના રામબાબુ. સમાચાર સારા નથી. સુબેદાર સા’બ ગઇકાલે બપોરના....” કહેતાં કહેતાં માધો ભાંગી પડ્યો.

રામેશ્વર માધોને ફળીયામાં લઇ આવ્યા. તે જમીન પર બેસવા જતો હતો પણ રામેશ્વરે તેને રોકીને મુંઢા પર બેસાડ્યો.

“ગઇ કાલ સવારથી તેમની તબિયત નરમ હતી. હું અને મિસરી - મારી બૈરી, તેમની સેવા કરવા તેમની પાસે બેઠા હતા. મેં તેમને પૂછ્યું પણ ખરૂં કે હું તમને તેડી આવું કે કેમ, તો તેમણે ના પાડી.” વાત કરતાં કરતાં માધોની આંખ ભરાઇ આવી.

રામેશ્વરની પણ આંખો ભરાઇ આવી. “કાકાને બહુ તકલીફ તો નહોતી થઇને?”

“ના, છેલ્લી ઘડીએ થોડો શ્વાસ ભારે થયો....”

એટલામાં રામેશ્વરની પત્નિ રાધા પિત્તળના પ્યાલામાં માધો માટે ચા લઇ આવી. માધોએ અંગુછાને પ્યાલા ફરતો વિંટી ચાનો મોટો ઘૂંટડો લીધો.

“શું કરીએ, ભૈયાજી? અમે પાડોશીઓ તથા પંડિતજીને બોલાવ્યા તો તેમણે કહ્યું, સૂર્યાસ્ત પહેલાં સંસ્કાર થવા જોઇએ. અાપને બોલાવવાનો સમય નહોતો. માસ્ટરજી, સરપંચ, ગામના મહાજન - બધા આવ્યા હતા. અમે તો નીચા વરણના લોક એટલે એમણે અમને દૂર રાખ્યા. તેમણે પંડિતજીને પૂળો મૂકવાનું કહ્યું. અમે પરોઢિયે બસ સ્ટૉપ ગયા અને પહેલી બસ પકડીને અહીં આવ્યા.”

“બડી મહેરબાની, માધો. તેં સારૂં કર્યું સીધો અહીં આવ્યો.”

“રામબાબુ, અમે હવે આપની રજા લઇશું. અમારે પટના જઇને રૂબ્બતીને સમાચાર આપવાની છે.” રૂપવતી સુબેદાર સાહેબની એકમાત્ર દીકરી હતી.

“માધો, રૂપને હું તારથી ખબર કરી દઇશ. તું પટના પહોંચે તે પહેલાં તેને તાર મળી જશે, તેથી તું અકબરપુર પાછો જા અને ઘર ઠીક ઠાક કરી રાખ. હું, રાધાજી અને કિશોર સાંજ સુધીમાં પહોંચી જઇશું.” કિશોર રામેશ્વરનો આઠ વર્ષનો પુત્ર હતો.

“શું વાત કરૂં, ભૈયાજી? બપોરે મિસરીએ રાંધેલી કાંજી જમીને સુબેદાર સાહેબે આરામ કર્યો. ચાના સમયે હું તેમને પૂછવા ગયો ત્યારે તેમણે મને તેમની નજીક બેસવાનું કહ્યું. મને કહે, ‘માધો, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. અમારો સમય આવી ગયો છે. રામબાબુ આવે તો તેને કહેજે કે અત્યાર સુધી તે અને રાધા રૂબ્બતીના મોટાભાઇ અને ભાભી હતા. અમારા ગયા બાદ તેમણે મારી રૂબ્બતીના વડીલ થઇને તેને સંભાળવાની છે.’ આટલું કહેતાં તો તેમનો શ્વાસ ચઢવા લાગ્યો. થોડી વારે મને કહ્યું, ‘રામને ખાસ કહેજે કે તેણે મારા માટે અને રૂબ્બતી માટે જે કર્યું તેનો ઉપકાર આવતા સાત જનમમાંય ઉતારી નહિ શકું.’ અમે ઉતરતી જાતના છીએ, તેમ છતાં તેમણે મારા હાથે પાણી પીધું અને આંખો મિંચી.”

પરસાળમાં બેઠેલી રાધા આંસુ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.

“ભૈયાજી, અમારો તો આધાર ગયો. અત્યાર સુધી સુબેદાર સાહેબની કૃપાથી અમે જીવતા હતા. દુકાળમાં અને રૂબ્બતીના લગનમાં સાહેબે જમીન વેચી ત્યાં સુધી અમે તેમની ખેતી કરી ગુજરાન કરતા હતા. ત્યાર પછી પણ સુબેદાર સાહેબે તેમના પેન્શનમાંથી અમને નિભાવ્યા. હવે તો...” તેણે ફરી એક વાર આંસુ લૂછ્યાં.

રાધા માધો માટે શિરામણ લઇ આવી.

“માધો, તું કશી ચિંતા કરીશ મા. પરમાત્મા બધાયનું ધ્યાન રાખે છે. તું ક્યાં અમારા માટે પારકો જણ છે? ભગવાન આપણને જે આપે છે તે આપણે સહુ વહેંચી લઇશું.”

“સુબેદાર સાહેબ અમસ્થું નહોતા કહેતા કે અમારા રામબાબુ આદર્શ પુત્ર છે.”

શિરામણ પતાવીને માધોએ રજા માગી, રામેશ્વરે તેને અકબરપુર જવાના બસ ભાડાના તથા વાટખર્ચીના પૈસા આપ્યા અને તેને બસ સ્ટૉપ મૂકવા ગયા.

રામેશ્વર બસ સ્ટૉપથી પાછા ફર્યા ત્યાં રાધાએ તેમના માટે નહાવાનું ગરમ પાણી તૈયાર રાખ્યું હતું. નાહીને તે કામ પર જવા નીકળ્યા.

ગામના કાચા રસ્તા પરથી સ્ટેટ હાઇવે પર પહોંચ્યા અને સાયકલનાં પૈડાંની સાથે તેમનું મન વિચારચક્રમાં પડી ગયું.

પ્રતાપકાકાને રામેશ્વર પ્રત્યે અત્યંત સ્નેહ હતો. જ્યારે જ્યારે બે મહિનાની રજા પર ઘેર આવતા ત્યારે તેમની મસ મોટી કાળી કિટ બૅગમાંથી તેના માટે પુસ્તકોનું પાર્સલ કાઢીને ભેટ આપતા. તે વખતે તે ઘણા નાના હતા, અને ત્યારથી જ તેમને વાચનનો શોખ લાગ્યો હતો. આગળ જતાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોના પુસ્તક, લોકનાયકની વિચારસરણીથી પ્રભાવિત થઇને એક આદર્શવાદી યુવાનમાં તેમનું ઘડતર થયું હતું. સત્તર વર્ષના હતા અને હાઇસ્કુલમાં ઉત્તમ કક્ષા મેળવી હતી તેથી તેમને પટનાની કૉલેજમાં દાખલો મળ્યો હતો અને નાનકડી સ્કૉલરશીપ. તેમના પિતાજી દર મહિને મની અૉર્ડર મોકલતા. કમનસીબે કૉલેરાના રોગચાળામાં માતાપિતાનું અવસાન થયું. પ્રતાપકાકાની રેજીમેન્ટ તે વખતે રાંચીમાં હતી. તે રજા લઇને તરત જ ત્યાં પહોંચી ગયા, અને રામેશ્વરને ઘણો આધાર આપ્યો. રામેશ્વરને કૉલેજ છોડવાના વિચારમાંથી પરાવૃત કરી તેની જવાબદારી સ્વીકારી લીધી.

રામેશ્વરે ઇન્ટર આર્ટસ્ બાદ અભ્યાસ મૂક્યો અને પબ્લિક સર્વિસ કમીશનની ક્લેરીકલ પરીક્ષા પાસ કરી. પ્રતાપકાકાનાં તેમના પર અનેક ઋણ હતા, તેમ છતાં કાકા માધોને કહી ગયા હતા કે તેમના પર રામેશ્વરે કરેલા ઉપકારનું કરજ તેઓ સાત જનમ સુધી નહિ ઉતારી શકે. તેમણે તો કેવળ એક પુત્રની અને ભાઇની વણલખી, વણકહી ફરજ નિભાવી હતી.

રૂપવતીના લગ્ન પટણા શહેરથી થોડે દૂર, ગંગા કિનારે આવેલ બાટા શૂ ફૅક્ટરીના પ્લાંટમાં વેરહાઉસમૅનનું કામ કરનાર યુવક રામ અભિલાષ સાથે નક્કી થયા હતા. લગ્નના એક અઠવાડીયા પહેલાં તેના બાપુએ મોટી રકમની માગણી કરી. રામ અભિલાષને ફૅક્ટરીની નજીક મકાન બંધાવવું હતું. પટનાની નજીક કૉલોની હોવાથી કિંમત વધુ હતી. પ્રતાપકાકાએ પોતાની જમીન વેચી, તો પણ પુરતા પૈસા ભેગા ન થઇ શક્યા. છોકરાના બાપે લગ્ન તોડવાની ધમકી આપી. ‘હા, તમારી દિકરી રૂપાળી છે, ગૃહિણીના બધા ગુણ છે, પણ આ મકાન તો અંતે તેના માટે જ તો થવાનું છે ને?’

પ્રતાપકાકાએ આખરે તેમનું નાનકડું મકાન અને તેની પાછળના અર્ધા એકરનો વાડો વેચવાનું નક્કી કર્યું. રામેશ્વરને ખબર પડતાં તે નારાજ થયો અને મકાન વેચવાની મનાઇ કરી. તે ગામના મહાજન પાસે ગયો અને જોઇતી રકમ ઉપાડી. સરકારી નોકર હોવા ઉપરાંત રામેશ્વરની આબરૂ એટલી ઉંચી હતી, સાહુકારે તેમની પાસેથી કોઇ જામીનખત લીધા વગર પૈસા આપ્યા. જો કે વ્યાજનો દર દોઢ ગણો લીધો તે વાત જુદી. રામેશ્વરે આ વાત ખાનગી રાખી, પણ ગામમાં કોઇ વાત છાની રહે ખરી? વળી છેલ્લા પાંચ વર્ષથી તે કરજના હફ્તા ભરતા હતા તે પ્રતાપકાકા ક્યાં નહોતા જાણતા?

રામેશ્વર તથા રાધાએ તેમને અનેક વાર વિનંતી અને આજીજી કરી હતી કે તેઓ તેમની સાથે રહેવા વિષ્ણુપુર આવે. પણ કોઇ પર બોજ બનવા ન માગનાર, સ્વાવલંબી ફૌજી અફસરે હંમેશા ના પાડી. ‘હું આવીશ, જરૂર આવીશ. પણ અત્યારે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો એકલતાનો આનંદ લેવા દે ને, દિકરા!’ કહી વાત ટાળતા હતા.

અંતિમ સમયે તેમની પાસે હાજર રહી ન શક્યા તેનો રંજ રામેશ્વર તથા રાધાને ગળાડૂબ શોકમાં ઉતારતો ગયો. વિચારમાં ને વિચારમાં જ તે કચેરીમાં પહોંચી ગયા.

Friday, February 18, 2011

પરિક્રમા: ન્યુ યૉર્કથી કૅલીફોર્નિયા.

૪.

ક્રિસ ન્યુ યૉર્ક આવતાંની સાથે જ કામમાં પડી ગયા. કોઇ પણ મહત્વનું કામ કરવાનું હોય તો તેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટના સિદ્ધાંતનો અવલંબ કરતા. ક્વીન્સમાં કાર્ય ઉપાડતાં પહેલાં તેમણે critical path analysis કર્યું. કયા કયા કામ મહત્વના છે, જે પૂરા કર્યા વગર કામ આગળ વધી ન શકે, અને તેમાં વિલંબ થતાં આગળના બધા જ કામ ખોરંભાઇ જાય. વળી કેટલાક કાર્ય એવા હતા કે જેમાં મલ્ટી-ટાસ્કીંગ થઇ શકે તેનો અભ્યાસ કરી આખા કાર્યનું માળખું તૈયાર કર્યું. પ્રોજેક્ટ ટીમની નિયુક્તિ કરી. જે જુથ - કૅરીબીયન વસાહતીઓ - તેમનું લક્ષ્ય હતું તેમની સિદ્ધીઓ, તેમના વિકાસમાં અવરોધ બનતા મુદ્દાઓ કે નબળા પાસાઓ તથા તેમના માટે કઇ તકો ઉપલબ્ધ થઇ શકે છે તેનું વિશ્લેષણ કરી, તેમને સ્થાનિક પ્રજાના કન્ટ્રોલ ગ્રુપ સાથે સરખાવ્યા. વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને અંતે તેમના વાલીઓની. ક્રિસને કૅરીબીયન દેશોના કેટલાક ભાગમાં પ્રચલિત પત્વા (patois) બોલીનો મહાવરો હતો તેનો પણ ઉપયોગ કરી લોકો સાથે ઘનીષ્ઠ સંપર્ક કરી પોતાનું કામ પૂરૂં કર્યું. તેમણે કરેલા સૂચનો તથા તેને અમલમાં લાવવા માટે કરવો પડે તે ખર્ચના અનુમાન પણ કાઢી આપ્યા. શિક્ષણ ખાતાએ તે મંજુર કર્યા.

આ સમગ્ર કાર્યમાં તેમને એક વર્ષ લાગી ગયું, પણ તેના પરિણામ સુંદર આવ્યા. ત્યાર પછીના પાંચ વર્ષમાં ક્વીન્સની શાળાઓના હાઇસ્કૂલ ગ્રૅજ્યુએટ્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ કોલમ્બીયા, પ્રિન્સ્ટન તથા હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠીત કૉલેજોમાં દાખલા મેળવી શક્યા. તેમણે પોતે માયા તથા શૉન પર કોઇ જાતનું દબાણ લાવ્યા વગર તેમને તેમના પ્રિય વિષયોમાં વિકાસ સાધવાની પૂરી તક આપી.

માયાએ જ્યારે સારા ગુણ સાથે હાઇસ્કૂલનો ડિપ્લોમા મેળવી કોલમ્બિયા યુનિવર્સીટીમાં દાખલો મેળવ્યો ત્યારે તેઓ ખુશ થયા. શૉનને મેડીકલમાં જવાની ઇચ્છા હતી. ક્રિસને આશા હતી કે તે ઘરમાં રહી સ્થાનિક કૉલેજમાં દાખલ થશે. જ્યારે તેણે પિતાને જણાવ્યું કે તેણે ઉત્તર કૅલીફૉર્નિયામાં પૅલો અૅલ્ટોની મેડીકલ સ્કૂલમાં અૅડમિશન મેળવ્યું છે, તેમને ઘણી ખુશી ઉપજી. શૉનને સ્ટૅનફર્ડ યુનિવર્સીટીએ સ્વીકાર્યો તેમાં શૉનની પ્રતિભાનું બહુમાન થયું હતું. તેમના માટે આ ફખ્રની વાત હતી.

શૉન સાન હોસે જવા નીકળ્યો ત્યારે તેમના મનમાં એક પ્રકારનું ખાલીપણું ઉદ્ભવ્યું. કદાચ મનના ઊંડાણમાં એક ભાવના છુપાઇ હતી કે પુત્ર દૂર વેસ્ટ કોસ્ટ જઇને કાયમ માટે તેમનાથી દૂર થઇ જશે.

વર્ષો વિતી ગયા. શૉને સફળતાપૂર્વક અભ્યાસ પૂરો કર્યો અને અૉર્થોપીડીક્સમાં સ્પેશીયાલીઝમ મેળવી. કૉલેજકાળમાં તેનો પરિચય સ્વીડીશ-અમેરીકન યુવતિ સુઝન ગુનારસન સાથે થયો, સ્નેહ થયો અને પોસ્ટગ્રૅજ્યુએશન બાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.

સુઝને બૌદ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો. શૉન athiest અને માનવતાવાદી હતો. તે નિશ્ચયપૂર્વક માનતો હતો કે મનુષ્ય જન્મત: શુદ્ધ મનનો હોય છે, અને તેની પાસે બુદ્ધીમતા છે. માનવમાં મૂળભૂત રીતે સારાસારવિવેકબુદ્ધી હોય છે. સંજોગો તેને કઇ દિશામાં લઇ જાય, અને તેની અસર નીચે કેવી રીતે વર્તવું તે તેણે જ નક્કી કરવાનું હોય છે. તે જાણતો હોય છે કે તેનાં શા પરિણામ આવી શકે છે, અને તે તેણે ક્યારેક તો ભોગવવા જ પડે. આવી વ્યક્તિના સારા કે નરસા વર્તન સામે આપણે કેવો પ્રતિભાવ આપવો તેનો આધાર આપણા મૂલ્યો પર હોવો જોઇએ, નહિ કે કોઇ દૈવી શક્તિના ભયના કારણે કે પાપ પુણ્યના હિસાબે. માનવ તરીકે વ્યવહારમાં પ્રામાણીકતા જાળવી, માનજાતીના ભલા માટે કંઇ પણ કરવું પડે તે કરવામાં જરા પણ અચકાવું ન જોઇએ એવી તેની માન્યતા હતી. સૌજન્ય તો તેના માનસમાં ભારોભાર ભર્યું હતું. તે માનતો હતો કે જેમ તેને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનો અધિકાર છે, તેવો હક્ક કોઇ ધર્મ કે પંથ પર રાખવાનો અન્ય વ્યક્તિને છે. સુઝનની ભાવના પ્રત્યે શૉનને ઘણું માન હતું તેથી સુઝનનું મન તેના મન સાથે મળી ગયું હતું.

લગ્નની તૈયારી કર્યા બાદ મકાન લેવાની વાત નીકળી ત્યારે સુઝને જ શૉનને આગ્રહપૂર્વક કહ્યું કે લગ્ન બાદ ક્રિસ તથા ગ્રેસ તેમની સાથે રહેવા આવે. પરિણામે માતા-પિતા અને પુત્ર-પુત્રવધુનો બનેલો પરસાદ પરિવાર લગુના બીચ રહેવા આવ્યો હતો. સદ્ભાગ્યે તેમની આવક એટલી હતી કે તેઓ ગ્રૅની-ફ્લૅટ સાથેનું સમુદ્ર કિનારે ઘર લઇ શક્યા હતા અને ક્રિસ તથા ગ્રેસ પોતાનું સ્વાતંત્ર્ય જાળવીને પુત્ર-પુત્રવધુ સાથે રહેવા આવ્યા હતા.


* * * * * * * * *

Thursday, February 17, 2011

પરિક્રમા

૩.

ભોજન બાદ ક્રિસ ડૉ. પેરેઝને પોતાની લાયબ્રરીમાં લઇ ગયા અને પોતાનો પુસ્તક સંગ્રહ દેખાડ્યો. વાત નીકળી ક્રિસના અભિગમોની. પેરેઝને ખાસ રસ હતો શિક્ષણ ક્ષેત્રમાં જનતાના સક્રિય સહકારમાં. ક્વીન્સમાં ભારતીય તથા વેસ્ટ ઇન્ડીઝની ‘ઇસ્ટ ઇન્ડીયન’ પ્રજાનું પ્રમાણ સારૂં એવું હતું. તેમાંના ખાસ કરીને વેસ્ટ ઇન્ડીઝની પશ્ચાદ્ભૂના ઘણાં બાળકો શાળાના શરૂઆતના વર્ષોમાં સતત રીતે સારા પરિણામ મેળવતા હતા. ત્યાર બાદ તેમની સિદ્ધીઓમાં પીછેહઠ થતી ગઇ અને એવો સમય આવી લાગ્યો કે શાળામાં તેમની ગેરહાજરીનું પ્રમાણ વધતું ગયું અને સિનિયર વર્ષમાં પહોંચતા સુધીમાં તેમાંના ઘણા શાળા છોડવા લાગ્યા હતા. સ્કૂલ ડ્રૉપ-આઉટ્સની બાબતમાં શિક્ષણ ખાતું ચિંતીત હતું.

“સીરેક્યુઝના છેવટના વર્ષોમાં મને આનો અનુભવ આવ્યો હતો. ખાસ કરીને ભારતીય તથા વેસ્ટ ઇંડીઝના વસાહતીઓ તેમના બાળકો પર એલીમેન્ટરી સ્કૂલથીજ અત્યંત દબાણ લાવતા જોવામાં આવ્યા હતા. “અમે દેશ છોડીને અમેરિકા એટલા માટે આવ્યા છીએ કે તમારૂં ભવિષ્ય સુધરે!” એમ કહી પોતાની હાર્વર્ડ, યેલ કે પ્રિન્સ્ટન જેવા વિશ્વવિદ્યાલયોમાં જવાની તેમની અધુરી રહેલી મહત્વાકાંક્ષા બાળકો પાસેથી પૂરી કરાવવા તેઓ બાળકો પર વધારે પડતું દબાણ લાવતા હતા. આ દબાણ બાળક છ-સાત વર્ષનું થાય ત્યારથી લાવવામાં આવતું. બાળકને પરોઢિયે પાંચ વાગે જગાડી ગણિતના પાડા, કવિતા અને અન્ય વિષયો તેમના પિતા ભણાવવા લાગી જતા. આામ કરતી વખતે તેમને એક વાતનો ખ્યાલ નહોતો આવતો કે બાળકને શાળાના અભ્યાસક્રમ પ્રમાણે પણ કામ કરવું પડતું હતું. આમ બમણા દબાણમાં આવેલા બાળકમાં burn-out ઘણું વહેલું આવે. અભ્યાસનો આનંદ માણવાને બદલે તેમને તે જબરજસ્તી જેવું લાગતાં બાળકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, જેમકે peer pressure, શિક્ષક તરફથી ઠપકો. આનું પરિણામ શું આવે એ તો આપ જાણો જ છો!”

“આનો ઉપાય?” પેરેઝે પૂછ્યું.

“શિક્ષણ ખાતાએ યોજેલા શાલેય કાર્યક્રમ, વિચારપૂર્વક બનાવેલા અભ્યાસક્રમનું મહત્વ તથા શાળાની શિક્ષણ પદ્ધતિને સમજી, તેમાં સહકાર આપવા વાલીઓને સઘન રીતે સાંકળી લેવાય તો આ કામ સરળ બને. તે ઉપરાંત બાળકો પર કોઇ પણ જાતનું દબાણ લાવવું નિરર્થક અને વિપરીત પરિણામ લાવનારું બને છે, તેની સમજ વાલીઓને આપવા માટે community outreach કાર્યક્રમની આવશ્યકતાની જરૂર છે. આઉટરીચનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં સારૂં જીવનધોરણ જાળવવા પતિ અને પત્ની બન્નેને કામ કરવું પડતું હોય છે તેથી શાળામાં PTAના કાર્યક્રમમાં તેઓ ભાગ લઇ શકતા નથી. અહીં ટ્રિનીડૅડમાં પરિસ્થિતિ જુદી હોવા છતાં અમે આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો અને સફળતાપૂર્વક અમલમાં મૂક્યો હતો.”

“ડૉ. પરસાદ, સાચું કહું તો હું અહીં ખાસ ઉદ્દેશથી આવ્યો છું. ક્વીન્સમાં અમારા માટે આ સમસ્યા ગંભીર થઇ છે, અને તે માટે કૅરીબિયન બૅકગ્રાઉન્ડના યોગ્ય શિક્ષણશાસ્ત્રી અમારા કાર્યક્રમ માટે મળી શકે કે કેમ તેની તપાસ કરવા અમારી સિટી કાઉન્સીલ તરફથી હું કૅરીબિયનની મુલાકાતે આવ્યો છું. આપને અમારા અભિગમમાં રસ હોય તો અમે તે દિશામાં આગળ વધીએ. આપ આ કામ લેવા તૈયાર હો, તો ન્યુ યૉર્કની સિટી કાઉન્સીલના કૉર્પોરેટ લેવલમાં આપની નીમણૂંક કરવા અમે તૈયાર છીએ. ન્યુ યૉર્કના હિસાબે સુદ્ધાં અમે ઘણું ઉંચું પગાર ધોરણ તથા રિલોકેશન પૅકેજ આપીશું. આપ અમારી અૉફરનો વિચાર કરશો?” તેમણે પગાર તથા રિલોકેશનના જે આંકડા કહ્યા તે સાંભળીને કોઇના પણ ભવાં ઉંચા થાય!

“આપનો આભાર, ડૉ. પેરેઝ. પણ માફ કરશો, મારૂં કાર્યક્ષેત્ર છોડીને બીજા કોઇ સ્થળે જવાની મારી ઇચ્છા નથી. ફૉર્ડ ફાઉન્ડેશને જ્યારે મને ગ્રાન્ટ આપી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારા વતન માટે જે કાંઇ કરવું પડે તે કરીશ. હજી મારે અહીં ઘણું કામ કરવાનું બાકી છે.”

“આપની રજા લેતાં પહેલાં હું આપને આ બાબતમાં ઉંડો વિચાર કરવાની વિનંતી કરૂં છું. આપે ટ્રિનીડૅડ માટે ઘણું કર્યું. હવે આપે આખા કૅરીબિયન ટાપુઓ અને ગયાના અને સુરીનામ જેવા દેશોમાંથી ન્યુ યૉર્કમાં સ્થાયી થયેલા નાગરિકો માટે વ્યાપક કાર્ય આપ સફળતાપૂર્વક કરી શકશો એવી મને ખાતરી છે. છેલ્લા દસ વર્ષમાં આપે જેમને કેળવેણી આપી છે તે શિક્ષકો અને સાથીઓ આપનું કામ ઉપાડી લેશે, પણ ન્યુ યૉર્કમાં આપના દેશવાસીઓને માર્ગદર્શકની તાતી જરૂર છે.

“મારી આપને વિનંતી છે કે આપ આપના પરિવાર તથા શિક્ષણ ખાતાના અધિકારીઓ સાથે જરૂર વિચાર વિમર્શ કરશો. મને આશા છે કે અાપ યોગ્ય નિર્ણય લેશો.”

ડૉ. મૅકડોનલ્ડે ક્રિસને આ અૉફર સ્વીકારવાની સલાહ આપી. તેમની દૃષ્ટીએ માયા અને શૉનના અભ્યાસ તથા કારકિર્દી માટે તેમનું ન્યુ યૉર્ક જવું ફાયદેમંદ રહેશે. ક્રિસે તેમની સલાહ માની અને બીજા દિવસે પરિવાર તથા શિક્ષણ ખાતાના વડા સાથે વાત કરી. શિક્ષણ ખાતાના ડિરેક્ટરે તો આગ્રહ કર્યો કે ન્યુ યૉર્ક જવાથી તેઓ દેશની કીર્તિ વધારશે. પરિવારે પણ તેમને સલાહ આપી કે સૌએ ન્યુ યૉર્ક જવું. ત્યાર બાદ તો કેવળ ફૉર્મેલિટી હતી. પપા રામનારાયણે કહ્યું કે તેઓ ઉનાળામાં તેમની મુલાકાત લેતા રહેશે, અને બાળકો ઉનાળાની રજાઓ કૅરીબિયનમાં ગાળવા આવે તો તેમને ગમશે.

ક્વીન્સ ડીસ્ટ્રીક્ટના શિક્ષણ ખાતા સાથેની ઔપચારીક મુલાકાત માટે ક્રિસ ન્યુ યૉર્ક ગયા અને જુન મહિનામાં કામ શરૂ કર્યું. મકાનની વ્યવસ્થા કરી અને પરિવારને બોલાવ્યો.

શૉન ન્યુ યૉર્ક જવાની વાતથી ખુબ રાજી થયો, પણ બે વાતો મૂકીને જવું પડશે તેનું તેને ભારે દુ:ખ હતું. એક તો ક્રિકેટ! તેની મહેચ્છા હતી ટ્રિનીડૅડ વતી ટેસ્ટ મૅચ રમવાની. બીજો અફસોસ હતો દાદી-ફોઇ, ગ્રૅની કમલાને છોડી જવાનો. તેમને શૉન પ્રત્યે ઘણું વહાલ હતું અને શૉન તેમનો ખાસ ચહેતો હતો.

જુલાઇ માસની એક ઢળતી બપોરે રામનારાયણ, ગ્રેસ, માયા અને શૉન જેએફકે પર ઉતર્યા. ક્રિસના પરિવારના જીવનનું નવું પ્રકરણ શરૂ થયું.

Wednesday, February 16, 2011

ક્વીન્સ રૉયલ કૉલેજ, પોર્ટ અૉફ સ્પેન

૨.
ક્રિસ પોર્ટ અૉફ સ્પેન પાછો ફર્યો ત્યારે સરકારે તેની ક્વીન્સ રૉયલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રૉફેસરના પદ પર નીમણૂંક કરી. અત્યાર સુધી પરદેશથી આવેલા પ્રાધ્યાપકો હવે પોતપોતાના દેશમાં પાછા જઇ રહ્યા હતા. બે વર્ષમાં તો ક્રિસની પ્રગતિ અંગ્રેજી વિભાગના વડા અને પ્રાધ્યાપકના પદ પર થઇ. તેનું વેતન તથા અન્ય સવલતોને કારણે તે પિતાની મહેચ્છા પૂરી શક્યા, એટલું જ નહિ, નાના ભાઇ મહેશ પરસાદને લંડનના મિડલ ટેમ્પલમાં બૅરીસ્ટરનો અભ્યાસ કરવા મોકલી શક્યા.
‘તે હિ નો દિવસા ગતા:’ જેટલું સંસ્કૃત તો શું, ક્રિસને પોતાના પરિવારના સ્થાપક રામ પરસાદની મૂળ ભોજપુરી પણ આવડતી નહોતી, તેથી અંગ્રેજીના શબ્દો, “Those were the days!” અચાનક બહાર આવ્યા
“શું કહ્યું?” ગ્રેસે પૂછ્યું.
“પોર્ટ અૉફ સ્પેનના દિવસો સાંભર્યા!”
“હું પણ તેનો વિચાર કરતી હતી. મને ડૉ. મેકડૉનલ્ડની યાદ આવી. તેમને લીધે તો આજે શૉન અને હું જીવતા છીએ. ડૉ. મૅકએ મને જીવન જીવવાનું પ્રયોજન આપ્યું.”
વાત પણ સાચી હતી. ડૉ. મૅકડૉનલ્ડ એડીનબરોથી FRCS થઇને ગ્લાસ્ગો ઇનફર્મરીમાં જોડાયા હતા. આગળ જતાં તે ગાયનેકોલૉજી-અૉબ્સ્ટેસ્ટ્રીક્સના વડા થયા. તેમનો પરિવાર મિશનરી પરંપરાનો હતો અને તેમની ઇચ્છા એવા દેશમાં જઇ પોતાની સેવા આપવાની હતી જ્યાં તેઓ આધુનિક વૈદ્યકીય સેવાઓ વિકસાવી શકે. તેવામાં ટ્રિનીડૅડ-ટૉબેગોની સેન્ટ અૅન્સ હૉસ્પિટલ માટે UNICEF તથા WHOની પરિયોજના અંતર્ગત તેમને ત્યાંની સેવાઓ વિકસાવવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું, તેમણે સહર્ષ સ્વીકાર્યું હતું. તેમણે કાર્ય એટલી સફળતાપૂર્વક કર્યું કે વેસ્ટ ઇન્ડીઝના લોકો કઠીન સર્જરી માટે કરજ કાઢીને પણ પોતાના સ્વજનોને ફ્લૉરીડા મોકલતા હતા, તેને બદલે હવે સેન્ટ અૅન્સમાં મોકલવા લાગ્યા.
ગ્રેસ બીજી વાર સગર્ભા હતી ત્યારે તેને અકસ્માત નડ્યો. ડૉ. મૅકડૉનલ્ડે સતત ત્રણ કલાકની મહેનત બાદ ગ્રેસ તથા તેના પુત્રને બચાવ્યા હતા. ક્રિસે તેમનો ઉપકાર માનવા પુત્રનું નામ શૉન રાખ્યું - ડૉ. શૉન મૅકડોનલ્ડની યાદ કાયમ રાખવા. ડૉક્ટરે પ્રતિભાવ તરીકે શૉનના ‘ગૉડફાધર’ થવાનું સ્વીકાર્યું. ત્યારથી ડૉ. મૅકડૉનલ્ડ પરસાદ પરિવારના માનદ સભ્ય થયા. પંદર વીસ દિવસે તેઓ પોતાના માનસપુત્ર તથા ક્રિસને મળવા તેમને ઘેર જતા. શૉનને તેમની સૌથી વધુ કોઇ વાતો યાદ રહી હોય તો તેમની સાથે તેના પિતાના કોઇ વાર થતા વાર્તાલાપની.
એક દિવસ તેમની વસાહતવાદ વિરૂદ્ધ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ વિશે ચર્ચા થઇ. સ્કૉટલેન્ડના હાઇલૅન્ડર્સની તવારિખમાં જેકોબાઇટ બળવો, બૉની પ્રિન્સ ચાર્લીના હાઇલૅન્ડર સૈનિકોનો કુલોડનની લડાઇમાં ઇંગ્લંડના ‘રેડ કોટ્સ’ - લાલ જૅકેટનો યુનિફૉર્મ પહેરેલા અંગ્રેજ સૈનિકોએ કરેલ સંહાર તથા ૧૮૫૭માં કંપની સરકારના અભિયાનમાં બૅંગાલ નેટિવ આર્મીની અસંખ્ય ટુકડીઓની ફાયરીંગ સ્કવૉડ દ્વારા કરવામાં આવેલી હત્યાની વાત થઇ. બન્ને વચ્ચે કેટલું સામ્ય હતું તેની વાતમાં ક્રિસે પ્રશ્ન પૂછ્યો: કુલોડનમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારના લોકો દેશ છોડી ગયા હતા કે કેમ?
“હા, ઘણા લોકો તો બૉની પ્રિન્સ ચાર્લી સાથે ફ્રાન્સ ગયા અને કેટલાક યુરોપના અન્ય દેશોમાં ગયા હતા. મને ભારતના વિપ્લવી સૈનિકો માટે અફસોસ છે. તેમને ક્યાંય જવાનો માર્ગ જ નહોતો. મોટા ભાગના સૈનિકો તથા તેમને સાથ આપનાર હજારો લોકો માર્યા ગયા.”
વાત ત્યાં જ પૂરી થઇ, પણ શૉનને યાદ રહી ગઇ.
* * * * * * * * *

યોગ અને સંયોગ નિસર્ગની એવી યુતિ છે, જેને કોઇ ઓળખી કે જાણી શક્યુંનથી. જાણકારો એને ‘યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે’ હાજર હોવું, કર્મનો સિદ્ધાંત કે નિયતી કહે છે. આવો જ એક પ્રસંગ ક્રિસના જીવનમાં આવ્યો. તે સમયે તેના કોઇ દુરગામી પરિણામો આવી શકશે, તેનો એક પરમાણુ જેટલો પણ અંદેશો તેમને આવ્યો નહિ.
ક્વીન્સ રૉયલમાં નીમણૂંક થયા બાદ અંગ્રેજી વિભાગના વડા તરીકે ક્રિસે વિવિધ આયોજનો શરૂ કર્યા. તેમાંનો મુખ્ય અભિગમ હતો શહેરની શિક્ષણ સેવામાં જાહેર જનતાનો સંપૂર્ણ સહકાર તથા અંગ્રેજીમાં કહેવાય છે તેમ ‘Total Ownership.” હા, આમ તો સ્થાનિક સરકારની ચૂંટણીઓમાં ચૂંટાઇને આવતા સભ્યોમાંથી શિક્ષણ સમિતી નીમાતી હોય છે. ક્રિસે તેમને સલાહ આપવા અનૌપચારીક સમિતી સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો. સમાજસેવા, અર્થશાસ્ત્ર, ન્યાય વિ. ના નિષ્ણાતો તથા આગેવાનોને કૉલેજના અભ્યાસક્રમ, સંસ્થાકીય નીતિનિયમોમાં ભાગ લેવા સાંકળી લેવામાં આવે. શિક્ષણ સમિતીએ તેનો સ્વીકાર કર્યો. પરિણામે શિક્ષણનું સ્તર તો ઊંચું આવ્યું, એટલું જ નહિ, નાણાં ક્ષેત્રનો આગેવાનોએ આર્થિક રીતે પછાત પણ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યવૃત્તિઓ માટે અનુદાન આપ્યા. ભણતરમાં પાછળ પડતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે mentoring વર્ગ શરૂ થયા. આનું અનુકરણ બીજા કૅરીબીયન દેશોમાં પણ શરૂ થયા. ક્રિસની ખ્યાતિ વધી.
જેમ જેમ અભ્યાસનું સ્તર ઉંચું થતું ગયું, ક્રિસે નવા અભિગમ શરૂ કર્યા, જેમાંનો એક હતો ‘શેક્સપીયરીયન સોસાયટી’ની સ્થાપના. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે શેક્સપીયરના નાટ્ય પ્રયોગો તથા ખાસ વ્યાખ્યાનો ગોઠવ્યા: અંગ્રેજ કવિઓ - વર્ડ્ઝવર્થ, એલિયટ, યેટ્સ ઉપરાંત અમેરીકન સાહિત્યકાર એડગર અૅલન પો, એમર્સન, હેમીંગ્વેના જન્મદિન નિમીત્તે ખાસ વક્તાઓને નિમંત્રણ આપી કાર્યક્રમ ઉજવવાનું શરૂ કર્યું. શહેરના જ નહિ, દેશના વિભીન્ન વિસ્તારોમાંથી અંગ્રેજી સાહિત્યના રસિકો આ કાર્યક્રમોમાં ભાગ લેવા આવી પહોંચતા
વૉલ્ટ વ્હીટમનના જન્મદિને તેમણે પોતે પ્રવચન આપ્યું. તે સાંજે એક ખાસ મહેમાને તેમાં હાજરી આપી: ડૉ.હેસુસ પેરેઝ. તેઓ ન્યુ યૉર્કથી રજા ગાળવા વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓની મુલાકાતે આવ્યા હતા, અને તે દિવસે તેઓ સંજોગવશાત્ પોર્ટ અૉફ સ્પેનમાં હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ વક્તા-શ્રોતાઓ ચ્હા માટે ભેગા થાય, પેરેઝ ક્રિસને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો. તેઓ ન્યુ યૉર્કના ક્વીન્સ ડીસ્ટ્રીકટના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા.
“આપનું વ્યાખ્યાન મને ઘણું જ ગમ્યું. “O Captain, My Captain” અૅબ્રહમ લિંકનને સંબોધીને લખ્યું, અને આ કાવ્યમાં તેમણે દેશની વ્યથા વર્ણવી, તેનું આપે કરેલ વિશદ વિષ્લેષણ ઘણું વેધક હતું. હું આપને ખાનગીમાં મળવા માગું છું. અાપ કાલે મારી હોટેલમાં બપોરના ભોજન માટે આવી શકશો તો મને ઘણો આનંદ થશે.”
“હૉટેલનું ભોજન કરીને આપ કંટાળી ગયા હશો તેથી આપ અમારે ઘેર આવશો તો આપને અમારૂં ખાસ ભોજન - દાલપુરી તથા રોટી આસ્વાદવાનો મોકો મળશે. આપ કાલે સાંજે અમારે ઘેર આવો તો કેવું?”
“જરૂર.”
તે સાંજ ક્રિસ માટે ફરી એક વાર અવિસ્મરણીય બની ગઇ.

Sunday, February 13, 2011

૧.
કૅલીફૉર્નિયા : ૧૯૯૬
ક્રિશન - ક્રિસ પરસાદ અને તેમની પત્નિ ગ્રેસ ત્રિનિડૅડના પોર્ટ અૉફ સ્પેનમાં શરૂ થયેલા તેમના જીવનના લાંબા પ્રવાસના છેલ્લા તબક્કામાં કૅલિફોર્નિયા આવીને વસ્યા હતા.
રોજ વહેલી સવારે પ્રશાંત મહાસાગરના કિનારા પર અર્ધો-પોણો કલાક ફરી ઘેર જવાનું, પુત્ર-પુત્રવધુ સાથે સવારનો નાસ્તો કરી બાકીનો દિવસ આરામ, વાચન તથા લેખનમાં જતો. તેમનો પુત્ર શૉન દક્ષીણ કૅલીફૉર્નિયાના લગુના બીચમાં કન્સલ્ટન્ટ અૉર્થોપીડીક સર્જન અને તેની બાળરોગનિષ્ણાત અમેરીકન પત્નિ સુઝન તેમને આગ્રહપૂર્વક ન્યુયૉર્કના ક્વીન્સથી લગુના બીચ તેમની સાથે રહેવા લઇ આવ્યા હતા.
આજે ફરી આવ્યા બાદ બન્ને જણા સાગર કિનારે ત્યાંની સિટી કાઉન્સીલે મૂકેલી બેન્ચ પર બેઠા. સમુદ્રની લહેરોને જોતાં જોતાં પોતપોતાની વિચાર સૃષ્ટિમાં ખોવાઇ ગયા.
ક્રિસને યાદ આવ્યો તે દિવસ, જ્યારે ૧૭ વર્ષની વયે તે સિનિયર કૅમ્બ્રીજની પરીક્ષામાં સમગ્ર વેસ્ટ ઇન્ડીઝમાં ત્રીજા સ્થાને આવ્યો હતો. શરૂઆતથી જ તેને અંગ્રેજી સાહિત્ય પ્રત્યે રુચિ હતી અને છેલ્લા વર્ષો દરમિયાન તેમાં ઉચ્ચ અંક પ્રાપ્ત થતા જોઇ તેણે મહત્વાકાંક્ષા કેળવી: અૉક્સફર્ડ જઇ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવો. ‘એ’ લેવલના સમકક્ષ પરિણામ આવ્યા અને છાપાંમાં પોતાનું નામ જોઇ તેને સ્વપ્ન સાકાર થતું લાગ્યું. પપા શિવનારાયણ રજા આપે, અને બ્રિટન જવા જેટલી જોગવાઇ કરી આપે તો બાકીનો ખર્ચ ત્યાં જઇને ઉભો કરી શકશે તેવો આત્મવિશ્વાસ હતો, વિદ્યાધર નાયપૉલની જેમ. કેવળ પપાની રજા મળવી જોઇએ.
સાંજે પપા આવ્યા અને ભોજન બાદ હંમેશા મુજબ ફૅમિલી રૂમમાં બધા બેઠા ત્યારે તેણે વાત કરી.
શિવનારાયણ વિચારમાં પડી ગયા. થોડી ક્ષણો શાંત રહયા બાદ તેમણે કહ્યું, “જો દિકરા, આમ તો આપણી સ્થિતિ ઠીક છે, સર્વ-સામાન્ય મધ્યમ વર્ગના લોકોની જેમ. આપણા માથે કોઇ કરજ નથી, પણ તને બ્રિટન મોકલવાની આપણી ત્રેવડ નથી. આપણું પોતાનું તો ઘરનું ઘરે’ય નથી, સાબીના લગ્ન માટે પણ તૈયારી કરવાની છે.” સાબી - સબીતા ક્રિસથી ચાર વર્ષ મોટી હતી.
“તારા પપા સાચું કહે છે,” ક્રિસનાં મમી બોલ્યા.
“મારો વિચાર છે કે તારે િસવિલ સર્વિસમાં જોડાવું જોઇએ. ત્યાં ડાયરેક્ટ એન્ટ્રી અૉફિસરની ભરતી થાય છે. આગળ જતાં તારા જેવા હોંશિયાર યુવાન માટે પ્રગતિની સારી તકો થશે. એક તો તું મોટો અફસર બનીશ અને ઘરમાં તારી મદદ થશે. આપણે આપણું પોતાનું મકાન પણ વહેલાં લઇ શકીશું.”
ક્રિસ થોડો નિરાશ થયો. તેને પોતાની મહેચ્છાનો દરવાજો બંધ થઇ ગયા જેવું લાગ્યું પણ તે નિરાશ થઇને બેસી રહે તેવો યુવાન નહોતો. વધુ અભ્યાસની ધગશ હતી તે િસવિલ સર્વિસમાં ગયા પછી પણ પૂરી કરી શકાય તેવું હતું.
ડાયરેક્ટ એન્ટ્રી અફસરની જરૂરી લાયકાતમાં ઉમરનો બાધ હતો. હજી તેને ૧૮ પૂરા થવામાં આઠે’ક મહિના બાકી હતા, અને પરીક્ષાની તારિખ હજી જાહેર થઇ નહોતી. ક્રિકેટની સીઝન ચાલુ હતી તેથી મોટા ભાગનો સમય મેદાનમાં અને બાકીનો પોર્ટ અૉફ સ્પેનની હાર્ટ સ્ટ્રીટમાં આવેલી નૅશનલ લાયબ્રેરીમાં ગાળવા લાગ્યો.
એક દિવસ રાષ્ટ્રીય અખબારમાં આવેલી જાહેરાત તરફ તેનું ધ્યાન ગયું. વેસ્ટ ઇંડીઝની કૉલેજોને સ્થાનિક પ્રજામાંથી જ ઉચ્ચ સ્તરના શિક્ષકો મળે તે માટે યુનેસ્કો તથા ફોર્ડ ફાઉન્ડેશને મળીને એક યોજના બનાવી હતી. પ્રત્યેક કૅરીબીયન રાષ્ટ્રમાંથી એક એક યુવાનને અમેરિકાની યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએટ તથા પોસ્ટ ગ્રૅજ્યુએટ ડીગ્રી કોર્સ માટે સ્કૉલરશીપ આપવાની તેમાં જાહેરાત હતી. પ્રાથમિક લાયકાત સિનિયર કૅમ્બ્રીજ પ્રથમ વર્ગમાં પાસ કરી હોવી જોઇએ. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને વતન પાછા આવ્યા બાદ તેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ દેશમાં શિક્ષક તરીકે સેવા આપવાનો કરાર કરવાનો રહેશે. અરજીની બંધ તારીખ બાદ બે મહિનામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. ક્રિસે અરજીનું ફૉર્મ મંગાવીને મોકલી આપ્યું. પરીક્ષાઓ થઇ, પરિણામ જાહેર થયા અને સમગ્ર ટ્રીનિડૅડમાંથી તે પ્રથમ આવ્યો. હજી એક અવરોધ બાકી હતો: ઇન્ટરવ્યૂ. તે પણ પતી ગયો.
એક અઠવાડીયા બાદ તેને પત્ર મળ્યો કે સ્ટેટ યુનિવર્સિટી અૉફ ન્યુયૉર્ક - SUNY, સીરેક્યુઝમાં તેને ડીપાર્ટમેન્ટ અૉફ ઇંગ્લીશના અન્ડરગ્રૅજ્યુએટ કોર્સ માટે પસંદ કરવામાં આવ્યો છે. કોર્સ ફી માફ, યુનિવર્સિટી ડૉર્મમાં મફત આવાસ અને વધારામાં આવવા-જવાનું ભાડું. જો કે તેની સાથે શરતો પણ હતી: દર વર્ષે તેણે સેમેસ્ટર્સમાં સંતોષકારક હાજરી આપવાની રહેશે એટલું જ નહિ, સારૂં પરિણામ પણ મેળવવાનું રહેશે.
ક્રિસે તેની મમી તથા બહેન સાબીને પત્ર બતાવ્યો. સાબી તો ખુશ થઇ ગઇ. મમા પણ રાજી થયા, પણ પપા મંજુરી આપશે કે કેમ તે વિશે મમા સાશંક હતા.
સાંજે પપા શિવનારાયણ ઘેર આવ્યા ત્યારે સાબીએ જ તેમને, “ગુડ ન્યૂઝ” કહી આવકાર્યા. શિવનારાયણે ફરી એક વાર શંકા જાહેર કરવાનો પ્રયાસ કર્યો અને સાબીએ તરત તેમને રોક્યા.
“તમે પણ ખરા છો, પપા. શરૂઆતથી જ તમે નન્નો લગાડ્યો છે. પહેલાં અૉક્સફર્ડ અને હવે SUNY. આખા દેશના યુવાનોમાંથી મારો kid brother સીલેક્ટ થયો છે તે પરસાદ પરિવાર માટે ગૌરવની વાત છે.”
ક્રિસે પણ મક્કમતાપૂર્વક કહ્યું કે ત્યાંનો વધારાનો ખર્ચ તે પોતે કામ કરીને ઉપાડી લેશે. ઘેરથી તેને પૈસાની જરૂર નહિ પડે. અંતે શિવનારાયણ માની ગયા.
ત્યાર પછી તો ક્રિસે પાછા વળીને જોયું નહિ. તેણે ખુબ મહેનત કરી અને પ્રથમ કક્ષા જાળવી રાખી. સેમેસ્ટરમાં જોઇતી જરૂરી હાજરી પણ પૂરી કરી. ઉનાળાની રજાઓમાં તેણે પુસ્તકોની દુકાનોમાં, લાયબ્રેરીમાં, નાયાગરાની ક્રૂઝ બોટમાં તથા ન્યુ ઇંગ્લંડની માર્થા’ઝ વિન્યાર્ડની ફેરી બોટમાં - જ્યાં મળે ત્યાં નોકરી કરી પૈસા ભેગા કર્યા. પ્રથમ વર્ગમાં બૅકેલૉરીયેટની પદવી મેળવી તે સમયે સાબીનાં લગ્ન નીકળ્યા. ક્રિસ ઘેર ગયો અને પિતાને એક હજાર ડૉલર લગ્નના ખર્ચ માટે આપ્યા ત્યારે શિવનારાયણને તેના પ્રત્યે અભિમાનની લાગણી થઇ ત્યાર પછી સીરેક્યુઝમાં બીજા ચાર વર્ષ ગાળીને તે પાછો આવ્યો ત્યારે તેની પાસે અંગ્રેજી સાહિત્યની પોસ્ટ-ગ્રૅજ્યુએશન તથા D. Ed હતી.

Tuesday, February 8, 2011

પ્રિય સુહૃદ,

ઘણા દિવસે “જીપ્સીની ડાયરી”ના આંગણે પધારવા આપને આમંત્રણ આપું છું.

૧૯૮૫ની વાત છે. લંડનના કિલબર્ન વિસ્તારમાં આવેલી સોશિયલ સર્વિસીઝમાં કાર્યરત હતો ત્યારે જીપ્સીને મળવા મૂળ ભરૂચના અને વર્ષોથી દક્ષીણ આફ્રિકા રહી બ્રિટનમાં સ્થાયી થયેલા ૭૧ વર્ષની વયના શ્રી.વલી મોહમ્મદ આવ્યા. તેમની જરૂરિયાતોની વ્યવસ્થા કર્યા બાદ તેમને ‘બાય-બાય’ કરવા દરવાજા સુધી ગયો, ત્યારે તેમણે કહ્યું, ”મારૂં એક કામ કરી શકશો? આને સોશિયલ સર્વિસીઝ સાથે કોઇ લેવા દેવા નથી. છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી એક પુસ્તક ખોળું છું, ક્યાંય મળતું નથી. તમારી દેશમાં ઓળખાણ હોય તો મારા માટે તે મંગાવી આપશો? તેની જેટલી કિંમત થાય તે હું આપીશ.”

પુસ્તકનું નામ હતું “ભારતમાં અંગ્રેજી રાજ્ય.” હિંદીમાં મૂળ લેખક પંડિત સુંદરલાલજી અને ભાષાંતરકાર હતા શ્રી. ભાસ્કરરાવ વિદ્વાંસ. ગોંદીઆના ઊદ્યોગપતિ શ્રી. ચતુર્ભુજ જસાણીએ પોતાના ખર્ચે પુસ્તક છપાવી સન ૧૯૩૯માં ભાવનગરની ઘરશાળાના શ્રી. હરભાઇ ત્રિવેદી દ્વારા પ્રકાશન કરાવ્યું હતું.

નસીબ જોગે ત્રણ મહિના બાદ મારે ભારત જવાનું થયું. પાછા ફરવાના બે દિવસ પહેલાં વલીકાકાની ફરમાયેશ પૂરી કરવા અમદાવાદના મહાજન બૂક ડીપો, ગુર્જર ગ્રંથરત્ન, નવભારત પુસ્તક ભંડાર વિગેરે જેવા પ્રખ્યાત પુસ્તકવિક્રેતાઓ પાસે ગયો પણ તે ન મળ્યું. છેલ્લે ત્રણ દરવાજા પાસે આવેલ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાનમાં ગયો અને જૈમિનીભાઇ જાગુષ્ટેને મળ્યો. તેમણે કહ્યું, “અરે, આ તો ઉચ્ચ કક્ષાનું અને લગભગ અપ્રાપ્ય પુસ્તક છે. તમે ઇતિહાસના સાચા પ્રેમી લાગો છો.” સાચા પ્રેમી હતા વલી કાકા! આ મૌલ્યવાન પુસ્તકની અનેકગણી કિંમત ન માગતાં જૈમિનીભાઇએ તે મને પડતર કિંમતમાં આપ્યું.

લંડન પાછો ફર્યો અને ૧૨૩૯ પાનાંમાં વહેંચાયેલા આ પુસ્તકના બેઉ ભાગ લઇ વલીકાકાને ઘેર ગયો તો જાણવા મળ્યું કે તેઓ લંડન છોડી લેસ્ટર ગયા હતા અને ફૉર્વર્ડીંગ અૅડ્રેસ નહોતા મૂકી ગયા.
બે-ચાર મહિના પુસ્તક એમ જ પડી રહ્યું. આમ તો અમારા ઇતિહાસના શિક્ષક સ્વ. ગૌરીશંકર ભવાનીશંકર ઓઝાના સૌજન્યથી હું જાણતો હતો કે પંડિત સુંદરલાલનું મૂળ હિંદી પુસ્તક ૧૯૨૯માં પ્રસિદ્ધ થતાં વેંત અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યું હતું. એક દિવસ મને તેની સ્મૃતી થઇ અને કુતૂહલવશ પૅકીંગમાંથી પુસ્તક કાઢ્યું અને વાંચવા લીધું, અને વાંચતો જ ગયો.

૧૮૫૭ના વિપ્લવ વિશેનાં પ્રકરણો વાંચતાં તેમાંના એક વીરપુરુષની મારા મન પર ઘેરી અસર થઇ: બિહારની નાનકડી રિયાસત જગદીશપુરના રાજા બાબુ કુંવરસિંહ. ૮૦ વર્ષની વયે તેમણે ખેલલાં યુદ્ધો, જેમાં તેમણે બ્રિટીશ સેનાના સેનાપતિઓ કૅપ્ટન ડન્બાર, લ ગ્રાન્ડ, લુગાર્ડ તથા ક્રાઇમિયન યુદ્ધના લડવૈયા સેનાપતિ લૉર્ડ માર્ક કર જેવા ખુંખાર સેનાપતિઓને હરાવ્યા. ખુદ અંગ્રેજ ઇતિહાસકારોએ કુંવરસિંહની બહાદુરી તથા તેમણે દાખવેલી અંગત આગેવાનીના વખાણ કર્યા. “૧૮૫૭ના બળવામાં કુંવરસિંહ જેવા દસે’ક સેનાપતિ હોત તો ભારતમાંથી અંગ્રેજોનું નામોનિશાન મટી ગયું હોત,” એવું એક અંગ્રેજ ઇતિહાસકારે લખ્યું.

આ લખવાનો ઉદ્દેશ એટલો જ કે બાબુ કુંવરસિંહનું જીવનચરિત્ર વાંચી એક નવલકથા લખવાની સ્ફૂરણા થઇ. ૧૯૯૦માં લખવાની શરૂઆત કરી અને ત્યાર બાદ કામ ખોરંભાઇ ગયું. નવલકથાના પ્રસંગો તથા મહત્વના પાત્રોની સત્યતા તથા તેમની આધારભૂત માહિતી લખવા માટે સંશોધનની જરૂર હતી. સાત આઠ વર્ષના સંશોધનમાં મને બ્રિટીશ લાયબ્રરીમાંથી ઘણું સાહિત્ય મળ્યું. અૉક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી કેટલાક પુસ્તકો મંગાવ્યા. જમ્મુ-કાશ્મિરના ભૂતપૂર્વ રાજ્યપાલ તથા ભારતના નિવૃત્ત સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હા PVSM, AVSM, VSM (Retired) એ પોતાના હસ્તાક્ષર સાથે તેમણે લખેલ બાબુ કુંવરસિંહના જીવન ચરિત્રની નકલ મોકલી. અંતે વલીકાકાએ શરૂ કરાવેલ પ્રવાસનો પહેલો પડાવ આવી ગયો. ગયા અઠવાડીયે અંગ્રેજીમાં લખેલ નવલકથા “Full Circle” પૂરી થઇ. શ્રી. હરનીશભાઇ તથા શ્રી ચિરાગભાઇ પટેલ જેવા મિત્રોના આગ્રહથી તેનું ગુજરાતી ભાષાંતર “જીપ્સીની ડાયરી”માં પ્રસિદ્ધ કરવા લીધું છે. આશા છે આપને તે ગમશે. આપનો પ્રતિભાવ જરૂર આપતા રહેશો.

નવલકથાની શરૂઆત ૧૯૯૭ના વર્ષમાં થાય છે. આજે પુસ્તકની પૂર્વકથા - Prologue - સાથે આજનો અંક સમાપ્ત કરૂં છું. હવે શરૂ થશે નવલકથા "પરિક્રમા".

પૂર્વકથા

વર્ષ: ૧૯૯૭. સ્થળ: બ્રિટીશ લાયબ્રરી, યુસ્ટન. લંડન.

“નૌનદીનો સંગ્રામ

કંપનીની સેનાએ અમરસિંહનો પીછો લીધો. (૧૮૫૮ની) ૧૯મી અૉક્ટોબરે નૌનદી નામના ગામમાં આ સેનાએ અમરસિંહને ઘેરી લીધો. અમરસિંહની સાથેકેવળ ચારસો માણસો હતા. આ ચારસોમાંથી ત્રણસો નૌનદીના સંગ્રામમાં જ કપાઇ મૂઆ. બાકીના સો જણાએ એક વાર કંપનીની સેનાને પાછી હઠાવી, એટલામાં અંગ્રેજોની મદદે વધારાની નવી સેના આવી પહોંચી. અમરસિંહના સો માણસોએ માથું હાથમાં લઇને યુદ્ધ કર્યું. આખરે અમરસિંહ તથા તેના બે સાથીઓ મેદાનમાંથી નાસી ગયા. બાકીના સત્તાણું જણા ત્યાં જ કપાઇ મૂઆ.....”
(“ભારતમાં અંગ્રેજી રાજ્ય” ભાગ ૨, પાનાં નં. ૧૧૦૬- પં. સુંદરલાલ)

અમરસિંહની સાથે ગયેલા તેમના બે સાથીઓ કોણ હતા?

દાદી-ફોઇએ જે બે અસવારોનું વર્ણન કર્યું હતું, તેમના વિશે તો પંડિત સુંદરલાલે નહોતું લખ્યું?

દાદીમા તો કદી ટ્રીનીડૅડની બહાર ગયા જ નહોતા, તો તેમને હજારો માઇલ દૂર આવેલ અને સવાસોથી વધુ વર્ષ અગાઉ થયેલા નૌનદીના યુદ્ધની જાણ કેવી રીતે થઇ?

તે વિચારમાં પડી ગયો: આનો જવાબ ક્યાં મળશે?