Pages

Thursday, September 30, 2021

વિજય કે નામોશી?

    બીજા દિવસની વહેલી સવારે જિપ્સીને તેના કમાન્ડન્ટે બોલાવ્યો. તેમનો ચહેરો ઘેરી ચિંતામાં વ્યગ્ર થયેલો જણાયો. 

    "એક અતિ મહત્વની કામગિરી તમને સોંપું છું. આજે પરોઢિયે મને બ્રિગેડિયરનો ટેલીફોન આવ્યો. તેમણે જણાવ્યું કે ગઇ કાલે બુર્જ પર આપણા સૈનિકોએ હુમલો કરીને કબજો કર્યા બાદ મધરાતે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપનીને relieve કરવા તેમની રિઝર્વ કંપની ગઇ હતી. તેમના કંપની કમાંડરે રિપોર્ટ આપ્યો કે બપોરના હુમલામાં BSFની બે પ્લૅટૂનોએ ભાગ લીધો હતો, તેમનો કોઇ પત્તો નથી. બ્રિગેડ કમાંડર તો ત્યાં સુધી બોલી ગયા કે તમારા પોલીસવાળા યા તો રણભૂમિ છોડી નાસી ગયા છે, નહીં તો દુશ્મને કરેલા કાઉન્ટર-ઍટેકમાં હથિયાર નાખી તેમને શરણે ગયા છે.

    "બ્રિગેડિયરે કહેલા બન્ને scenario આપણી બટાલિયન માટે નામોશી લાવે તેમ છે. જ્યાં સુધી આ વાતની સત્યતા જાણવા ન મળે ત્યાં સુધી તેનો રિપોર્ટ આપણા BSFના ઉપરના હેડક્વાર્ટર્સમાં કર્યો નથી. તમને મહત્વનું કામ સોંપું છું. તમે જાતે જઇને તપાસ કરો કે અસલ હકીકત શું છે. આ ગુપ્ત કામગિરી છે તેથી તેની વાચ્યતા ક્યાંય ન થાય.  તમારે એકલા જવાનું છે. સાથે એસ્કોર્ટ પણ નથી લઇ જવાનો. મારો ડ્રાઇવર જર્નૈલ સિંહ મારી જીપ સાથે તૈયાર છે. જર્નૈલ મારો અત્યંત વિશ્વાસુ સિપાહી છે. તે આની વાત કોઇને નહીં કરે."

    CO સાહેબની વાત સાંભળી હું હેબતાઇ ગયો. અમારા પ્લૅટુન કમાંડર અને સૈનિકો, જેમને યુદ્ધનો કશો અનુભવ નહોતો તેમ છતાં આટલું શૌર્ય દાખવીને દુશ્મન પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેમના માટે ઉપર દર્શાવેલ આક્ષેપ ન કેવળ બેહૂદા હતા, મને તો તે અપમાનાસ્પદ લાગ્યા. હજી ગઇ કાલે જ હું એક એવા અભિયાનમાંથી પાછો આવ્યો હતો, જેમાં અમારા જવાનોએ કેવળ બહાદુરી નહીં, સમયસૂચકતા, ધૈર્ય અને અડગ દેશભક્તિ દાખવી દુશ્મના તોપખાના સામે દૃઢતાપૂર્વક ટકી રહેવાનું પરાક્રમ દાખવ્યું હતું. COને સૅલ્યૂટ કરી હું બહાર ગયો. જર્નૈલ સિંહ જીપ સાથે તૈયાર હતો.

    બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી નીકળીને પહેલાં મેં જર્નૈલસિંહને ડેલ્ટા કંપનીના ભિંડી ઔલખ નામના ગામની સીમમાં ધુસ્સી બંધની નજીક આવેલા હેડક્વાર્ટર્સમાં લઇ જવાનો હુકમ કર્યો. એક કલાકના પ્રવાસ બાદ અમે આ ઉજ્જડ થયેલા ગામમાં પહોંચ્યા. આનું એક કારણ હતું.

    મિલિટરીના SOP (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) પ્રમાણે કોઇ પણ યુનિટ - બ્રિગેડ, બટાલિયન, કંપની અથવા પ્લૅટૂન દુશ્મનની રક્ષાપંક્તિ પર હુમલો કરી તેના પર કબજો કરી લે એટલે રાતના સમયે તેમના સ્થાને રિઝર્વમાં રાખેલ યુનિટને મોકલવામાં આવે છે. Attackમાં ભાગ લેનાર સૈનિકોને સારવાર, વિ. માટે હેડક્વાર્ટર્સમાં લઇ જવામાં આવે છે.  તેથી મેં પ્રથમ કંપનીના મુખ્ય મથક પર જવાનો નિર્ણય લીધો. ભિંડી ઔલખ પહોંચ્યો ત્યારે કંપનીના જૈફ કમાંડર ઇન્સ્પેક્ટર કરણસિંહ - જેઓ એક અઠવાડિયા નાદ નિવૃત્ત થવાના હતા, તેમને મળ્યો. બુર્જની ઐતિહાસિક લડાઇ અને અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ અજીતસિંહ અને પ્રકાશચંદની પ્લૅટૂન્સ વિશે તેમને કોઇ ખબર મળી નહોતી. કરણસિંહ તેમની કંપનીના ટ્રકમાં બેઉ પ્લૅટૂનોના જવાનો માટે ભોજન, ચા - શિરામણ વિ. તૈયાર રાખી બેઠા હતા. તેમના ઇન્ફન્ટ્રી કમાંડર પાસેથી અમારા સૈનિકોના સ્થાન વિશે તેમને કશી માહિતી નહોતી મળી. 

    ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં BSFને પ્રથમ વાર પ્રત્યક્ષ યુદ્ધમાં મિલિટરીના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે  જવું પડ્યું હતું. તેથી યુદ્ધ માટે અતિ આવશ્યક ગણાતી સંચાર પદ્ધતિનો ઊંડો વિચાર કે નિયોજન કરાયું નહોતું. BSFના સંચાર ડાયરેક્ટર પંજાબ પોલીસના અધિકારી હતા. તેમણે પોલીસ કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થા કરી હતી ! મિલિટરી તરફથી પણ સંયુક્ત સંચાર પદ્ધતિ (coordinated communication system) નું કોઈ સંયોજન કરવામાં આવ્યું નહોતું. તેથી મિલિટરીના કમાંડ નીચેના અમારા જવાનો - જેમના વાયરલેસ સેટ બૅટરી વગર નકામા હતા અને તેથી તેઓ ન તો અમારી કંપની કે બટાલિયન સાથે કોઇ સંપર્ક  રાખી શક્યા, ન તેમના ઑપરેશનલ કમાંડર સાથે ! 

    કરણસિંહ દુ:ખી હતા. તેમના જવાનો માટે ભોજન તૈયાર હતું પણ ક્યાં પહોંચાડવું તેની માહિતી તેમને ક્યાંયથી મળતી નહોતી.  મેં તેમને ત્યાં જ રોક્યા અને કહ્યું કે હું તપાસ કરીને તેમને માહિતી આપું ત્યાર બાદ યોગ્ય સ્થળે ભોજન મોકલે.

    જર્નૈલ અને હું ઉતાવળે જ ત્યાંથી નીકળીને રણમેદાનમાં પહોંચ્યા. 

    


ત્યાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપની મોરચાબંધી કરીને ડિફેન્સમા બેઠી હતી. કંપની કમાંડર મેજર તેજા નામના શીખ અફસર હતા. તેમના કહેવા પ્રમાણે રાતે જ્યારે તેમણે મેજર રણવીરસિંહની કંપની પાસેથી ચાર્જ લીધો ત્યારે તેમને BSFની બે પ્લૅટૂન વિશે ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે બન્ને પ્લૅટૂનોએ બુર્જના યુદ્ધમાં મહત્વનું કામ કર્યું હતું, પણ ત્યાર બાદ તેમને ક્યાં deploy કરવામાં આવ્યા તેની કોઇ માહિતી આપવામાં આવી નહોતી. 

    તેજા પાસેથી નીકળી અમે તેમની સૌથી આગળની ખાઇ પર પહોંચ્યા, ત્યાં નાયબ સુબેદાર જાધવ હતા, મને મરાઠી આવડે તેથી તેમની સાથે વિગતથી વાત કરી. તેમણે કહ્યું, 'સાહેબ. હું પૉઇન્ટ પ્લૅટૂન -  (દુશ્મનને રોકનાર ભાલાની અણી સમાન પ્લૅટૂન)નો કમાંડર છું. મને મળેલા હુકમ અને briefing પ્રમાણે મારી સામેનો વિસ્તાર No Man's Land છે. તેમાં દુશ્મને કઇ જગ્યાએ માઇન ગોઠવી છે, તેમના સિપાઇઓ ક્યાં મોરચા બાંધીને બેઠા છે તેની અમને કશી જાણ નથી. અમને defense માં જે કાર્યવાહી કરવાની હોય છે તે કરવાનો હુકમ છે.' આનો અર્થ, સામેથી કોઇ આવે તો તેને દુશ્મન સમજી તેના પર 'યોગ્ય' કાર્યવાહી કરવાની ! 

    હું પાછો મેજર તેજા પાસે ગયો. તેણે મેજર રણવીરસિંહની કંપનીને relieve કરી ત્યારે તેઓ તેમના સૈનિકો સાથે તેમના બટાલિયન હેડક્વાર્ટરમાં ગયા એવું જણાવ્યું. 

   અમારી સ્થિતિ  'બાઇ, બાઇ ચાળણી, પેલે ઘેર જા' જેવી  હતી. તેજાની વાત સાંભળી અમે સીધા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના CO પાસે ગયા. તેમને BSF પ્રત્યે ખાસ પ્રેમભાવ નહોતો. તેમણે એટલું જ કહ્યું, "તમારી પ્લૅટૂનને રિલીવ કરવાની જવાબદારી તમારા કમાન્ડન્ટની છે, મારી નહીં." મેં તેમને કહ્યું કે આ બન્ને પ્લૅટૂનો તેમના ઑપરેશનલ કમાંડ નીચે હતી તેથી આ વિશે અમને માહિતી મળી હોત તો..."

    "મારી સાથે argue ના કર. મારે બ્રિગેડ હેડક્વાર્ટરમાં મિટિંગમાં જવાનું છે,  કૅરી ઑન," કહી મને રવાના કર્યો!

    ત્યાંથી નીકળી એક વડલાના ઝાડ નીચે મેં જીપ રોકી. બે મિનિટ શાંતિથી વિચાર કર્યો અને એક ગંભિર નિર્ણય લીધો.

    "જર્નેલ, જીપ સીધી મરાઠાઓના defence તરફ લઇ લે."

    ત્યાં પહોંચીને મેં મેજર તેજાને કહ્યું, "તેજા, હું No man's landમાં તપાસ કરવા જઉં છું. જો ત્યાં દુશ્મન હોય અને અમે તેમના ગોળીબારમાં સપડાઇ જઇએ તો મને covering fire આપી બહાર નીકળવામાં મદદ કરી શકીશ?"

    "મારે મારા COને પૂછવું પડશે," કહી તેણે મારી સામે જ વાયરલેસ પર કર્નલ પોપટલાલ પાસે રજા માગી. જીવનમાં કદી ન ભુલી શકાય તેવા કર્નલના નિષ્ઠુર શબ્દો સાંભળવા મળ્યા. "You will not - repeat not - give any covering fire to that BSF man. Over and out."  છેલ્લા ત્રણ શબ્દોનો અર્થ : મારો હુકમ અહીં પૂરો થાય છે, અને આ બાબતમાં મારે આગળ કશું સાંભળવું નથી.

      મેજર તેજાના ચહેરામાં મને ખરે જ નિરાશાનો આભાસ થયો. તે મને મદદ કરવા માગતો હતો, પણ તેના COએ કઇ ગણત્રીથી આવો હુકમ આપ્યો તે ખુદ ન સમજી શક્યો, ન હું. અમે એક જ સેનાના સૈનિકો હતા, અને એક જ અભિયાનમાં ખભા સાથે ખભો મેળવીને હજી ગઇ કાલે જ વિજયી થયા હતા. તેણે મને એટલું જ કહ્યું, " હું ઘણો દિલગીર છું. મને સ્પષ્ટ હુકમ મળ્યો છે, નહીં તો..."

    મેં તેનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયો.  તેજાની અગ્રિમ પ્લૅટૂન પાસે   પહોંચી મેં જીપ રોકી. જર્નૈલસિંહને ત્યાં રોકાવાનું કહી હું પગપાળો આખરી ટ્રેન્ચ પર ગયો. આગળ નો મૅન્સ લૅન્ડ હતો. ત્યાંથી પચિસે'ક ગજ આગળ જઇ સામેની જગ્યાનું નિરિક્ષણ કર્યું. 

    આ એ જગ્યા હતી જ્યાં ગઇ કાલે જબરું યુદ્ધ ખેલાયું હતું. ત્યાં ભયંકર સ્મશાન શાંતિ ફેલાયેલી હતી. મૃત્યુના ઓળા ચારે તરફ વેરાયા હતા. ધુસ્સી પરના યુકેલિપ્ટસના વૃક્ષોમાંથી વિંઝાતા વાયુમાંથી જાણે મૃત સૈનિકોના આત્માના નિ:શ્વાસ સંભળાતા હતા. લોક શાયર ઝવેરચંદ મેઘાણીએ ભૂચર મોરીના રણાંગણનું વર્ણન 'ભૂત રુવે ભેંકાર'થી કર્યું હતું તેથી વધુ 'ભેંકાર' દૃશ્ય  જોવા મળ્યું. આપણી ઇન્ફન્ટ્રીની છેલ્લી ટ્રેન્ચની આગળ લગભગ સો - દોઢસો ગજ સુધીની ધુસ્સી બંધમાં તૈયાર કરાયેલી  ટ્રેન્ચમાં મૃત બલુચ સૈનિકોનાં શબ હજી ગઇ કાલના યુદ્ધની હાલતમાં પડ્યા હતા. કેટલાકના હાથમાં રાઇફલ હજી પણ અમારી તરફ તણાયેલી હતી. કેટલાય બંકર ઉદ્ધસ્ત હાલતમાં હતા અને તેમાંથી બળેલા દારૂ ગોળાની વિકૃત દુર્ગંધ ફેલાતી હતી. કેટલાક બંકરની છતની વળીઓમાંથી હજી ધૂમાડો નીકળતો હતો. ત્યાંથી થોડે દૂર જઇ આગળ નજર નાખી, પણ કશું નજરે પડતું નહોતું. આ No man's land હતો. 

    અક્ષરશ:

    જ્યાં માનવ ન હોય ત્યાં ભૂતાવળ  સિવાય બીજું શું હોય? આ એવી ભૂમિ હતી જ્યાં જીવ સટોસટની લડાઇમાં બન્ને પક્ષના સૈનિકો અકાળે મૃત્યુ પામ્યા હતા. મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના આઠ, અને બલૂચના (ટ્રેન્ચમાં મળી આવેલા ) ૨૮. અનેક સૈનિકો ઘાયલ થયા હતા. બલુચ સૈનિકોના આત્માઓ તેમના પાર્થિવ દેહની  આસપાસ જ ભટકતા હતા કે વીરગતિ મેળવ્યા બાદ પરમાત્માના શરણે પહોંચી ગયા હતા - કશું વર્તાતું નહોતું. અંગ્રેજીમાં કહેવાય છે તેમ આખો વિસ્તાર eerie  - ભયાનક, અપાર્થિવ અને અનૈસર્ગિક જેવા હિમ-શીત અને ભીષણ ઉગ્ર-ઉષ્ણ એવા વિચિત્ર વાતાવરણથી ભરેલો જણાતો હતો. શિયાળો છે તેનો અનુભવ વચ્ચે જ આવતા બરફ જેવા  અદૃશ્ય આત્માઓના નિ:શ્વાસ કહો કે ઠંડા વાયુનું ઝાપટું, તેનાથી થતો હતો. મારી પાછળના ભાગમાં વીર મરાઠાઓની આખરી ટુકડી હતી. સામેના ખાલી થયેલા no man's landમાં મૃત સૈનિકોથી ભરેલી ટ્રેન્ચ અને બંકર. તેમના ઉપરથી ગયેલી આપણી ટૅંકના પાટાઓનાં નિશાન તથા ખાલી કારતુસના ઢગલા, ટૅંકે છોડેલા શેલ (ગોળાઓ)નાં અને તેમની ઉપર દુશ્મનોની RCL ગનનાં પિત્તળનાં ખાલી શેલ ઠેર ઠેર પડ્યા હતા. 

    આ નો -મૅન્સ લૅન્ડમાં ઉભો હતો એકલો જિપ્સી. તેની પાસે હતી કેવળ નાનકડી પિસ્તોલ, જેની મૅગેઝીનમાં કેવળ 9 ગોળીઓ હતી. તેની સાથે જવા માટે કોઇ પેટ્રોલ પાર્ટી નહોતી. નહોતો કોઇ કવરિંગ ફાયરનો આધાર. તેણે સામેના વિસ્તાર તરફ નજર નાખી. પાછળ ધુસ્સી બંધમાં બંકર બાંધીને રક્ષાપંક્તિમાં તૈયાર હાલતમાં બેઠેલા આપણી સેનાના જવાન જોયા. તેમના સુબેદાર સાહેબ અપલક નજરે તેની તરફ જોઇ રહ્યા હતા. સામે હતું વેરાન રણમેદાન.

    એક પ્રશ્ન પૂછી શકું?

    જિપ્સીની જગ્યાએ આપ ખડા છો એવો વિચાર કરો અને કહો કે આ પરિસ્થિતિમાં આપ શું કરશો?

    જિપ્સી પાછો ફર્યો અને...

    

    

Tuesday, September 28, 2021

કાળ રાત્રીના સંસ્મરણો

    ગયા અંકમાં આપે જિપ્સીની કામગિરી અંગેના citation માં સંક્ષિપ્ત વિગતો વાંચી. પહેલી આવૃત્તિમાં તેનું પૂર્ણ વિવરણ આપવામાં આવેલ. આજના યુગમાં fast foodની જેમ સઘળું  ટૂંકમાં પસંદ કરાય છે, તેથી 4-5 ડિસેમ્બરની રાતનો અવિસ્મરણીય પ્રસંગ બની ગયો તેની વાત કહીશ.

    રાતે ચોકી પર કબજો  મેળવી લીધા બાદ અમે અમારા સૈનિકોને તેમની ટ્રેન્ચ અને બંકરમાં તહેનાત કર્યા. પહેલા ચક્કરમાં ઠાકુરસાહેબ અને મેં દરેક જવાનને તેની જવાબદારીનો વિસ્તાર અને તેમાં કોઇ પ્રવેશે તો કઈ કાર્યવાહી કરવી તે સમજાવ્યું. ત્યાર પછી અમે કમાંડ પોસ્ટ સ્થાપી ત્યાં સામેવાળા તરફથી અમારી પોસ્ટ પર બૉમ્બાર્ડમેન્ટ શરૂ થયું. અમે બન્ને જણા આ તોપમારામાં પણ દરેક જવાનના બંકરમાં જઇને સૌને હિંમત આપવાા જતા હતા. આવી જ રીતે એક બંકરમાંથી નીકળી અમે બીજા બંકર તરફ જઇ રહ્યા હતા, ત્યાં...

    અચાનક કોઇ અદૃષ્ટ શક્તિ મારા કાનમાં જોર શોરથી કહી રહી હતી, "ભય! ચત્તો પડ!" 

    મેં આજ્ઞા માની અને ઠાકુર સાહેબનો હાથ પકડીને હુકમ કર્યો, "Down!" અમે બન્ને જમીન પર drill પ્રમાણે ચત્તાપાટ પડીને ફાયરિંગ પોઝિશન લઈએ તે પહેલાં અમે પડ્યા હતા તે જગ્યાથી પચાસે'ક ફિટની ઉંચાઇ પરથી પાકિસ્તાન ઍરફોર્સનું વિમાન ઉડતું ગયું અને ૧૦૦૦ રતલનો બૉમ્બ છોડતું ગયું. અમે જ્યાં ભોંય ભેગા પડ્યા, ત્યાંથી કેવળ વીસે'ક ફિટ દૂર, બંધની માટીની દિવાલ પર આ બૉમ્બ પડ્યો. જાણે ૪૦૦-૫૦૦ વૉૉટ્સનો દિવો ઝબકીને બુઝાઇ જાય તેવો ચમકારો થયો અને સાથે ભિષણ ધડાકો અને અમારા શરીરથી કોઇ ત્રણ - ચાર ફિટની ઉંચાઇ પરથી સનનન કરતી બૉમ્બની કરચો વિંઝાતી ગઇ. અમારી ચોકીની વચ્ચે બે - ત્રણ ઉંચા  પૉપ્લરનાં વૃક્ષ હતા, તેમાના બે વૃક્ષોની ડાળીઓ કપાઇ ગઇ. જે સ્થળે બૉમ્બ પડ્યો હતો ત્યાં ઊંડો ખાડો થઇ ગયો અને તેમાંથી ઉડેલી ધૂળમાં અમે બન્ને ઢંકાઇ ગયા.

    આખી ચોકીમાં સનસનાટી ફેલાઇ ગઇ. જવાનો તેમના બંકરમાંથી બહાર નીકળ્યા - જોવા માટે કે તેમના કંપની અને પ્લૅટૂન કમાંડર્સ  સુરક્ષિત હતા કે કેમ. અમારા કાનમાં બહેરાશ આવી ગઇ હતી. જવાન શું બોલી રહ્યા હતા તે અમે સાંભળી શકતા નહોતા. અમે કપડાં ખંખેરતાં ઉભા થયા અને અમને સહીસલામત જોઈ તેમણે રાહતનો શ્વાસ લીધો અને બંકરોમાં પાછા ગયા. 

    પરોઢિયું થવા આવ્યું હતું. અમને સામેવાળાની ચોકી તરફ જતી ટૅંકનો અવાજ સંભળાયો. સુબેદાર સાહેબ પાસે વાયરલેસ સેટ હતો, તેના વડે તેમણે તેમના બટાલિયન કમાંડરને જાણ કરી. અમને તરત જવાબ મળ્યો કે તેઓ Anti-tank હથિયાર સાથે કૂમક મોકલી રહ્યા છે, 

   સૂર્યના પ્રથમ કિરણો થતાં ઇન્ફન્ટ્રીની એક કંપની આવી પહોંચી.  અમને relieve કરી અમારા સ્થાનની સુરક્ષા પંક્તિમાં તે ગોઠવાઇ ગયા. ઠાકુરસાહેબને તેમની પ્લૅટૂન સાથે કંપની હેડક્વાર્ટર્સમાં મોકલી હું બટાલિયનમાં પહોંચ્યો. ત્યાં અમારા CO અને સેકન્ડ-ઇન કમાંડ યાદવ સાહેબ ચિંતામગ્ન હાલતમાં બેઠા હતા. આગલા દિવસની સવારથી હું ગયો હતો ત્યારથી તેમને મારા વિશે કોઇ સમાચાર નહોતા. અંતે રાતના સમયે ઇન્ફન્ટ્રીના કર્નલ તરફથી મોકલાયેલા sitrep પરથી તેમને જાણવા મળ્યું હતું કે હું માઝી મેવાઁના જવાનો સાથે બહેણીયાઁ પોસ્ટ પર જવા નીકળ્યો હતો. આગળની કોઇ હકીકત તેમની પાસે નહોતી. CO મને ભેટી પડ્યા. ફક્ત એટલું જ કહ્યું, "Thank God, you came back alive from that suicide mission. તને કશું થયું હોત તો મિસેસ નરેન્દ્રને કહેવા માટે અમારી પાસે શબ્દો ન હોત. તેમની ક્ષમા માગવાની પણ  શક્તિ ન હોત..." વિ.વિ.

    અમારા માટે સંતોષની એક જ લાગણી હતી. જે કામ અમે હાથમાં લીધું હતું તે અમારા જવાનો પૂરૂં કરી શક્યા. અફસર એક નિમિત્ત માત્ર હોય છે.

    મને કોઇએ પૂછ્યું હતું : આ સમગ્ર અભિયાનમાં તારા મનમાં કોઇ ભય, પ્રીતિ, ચિંતા - એવી કોઇ લાગણી થઇ હતી ? તે સમયે મારી પાસે કોઇ જવાબ નહોતો. વર્ષો બાદ સાંઇ મકરંદનાં પુસ્તક - 'ચિદાનંદા' અને 'ચિરંતના' વાંચ્યા બાદ સમજાયું કે ગુરૂ ગોરક્ષનાથે સમજાવેલ અમનસ્ક યોગ શું હોય છે. પરમાત્માના ધ્યાનમાં કે ફરજની ભાવનામાં મન એટલું એકાગ્ર થાય છે, કે મન કામ કરવાનું બંધ કરે છે. કોઇ વિચાર ઉદ્ભવતા નથી. અમારા સૌના - સઘળા સૈનિકોને કદાચ આ અમનસ્કભાવ થયો હોય તે શક્ય છે. કોઇના મનમાં ડરની ભાવના સ્પર્શ પણ નહોતી કરી શકી - જે પ્રાણીમાત્રમાં ભુખ, નિદ્રા, મૈથુનની જેમ primitive હોય છે. માનવમાં વિચાર શક્તિ, શ્રદ્ધા, ભક્તિ  જેવા વિશેષ ભાવ હોય છે. કદાચ પરમાત્મા પરની અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિએ દેશ કાર્યમાં મન લગાવીને કામ કરનારા અમારા જેવા લાખો સૈનિકોના મનમાં આ ભાવના કેળવી હશે એવું લાગે છે. રૅશનાલિસ્ટો કદાચ આ વાત સાથે સંમત ન થાય તે શક્ય છે!

*** 

    6 ડિસેમ્બર ૧૯૭૧.  એક અભૂતપૂર્વ બનાવ બની ગયો. ભારતીય સેના - અને ખાસ તો BSFના ઇતિહાસમાં આવું ભાગ્યેજ બન્યું હતું.

    અગાઉની પોસ્ટમાં બુર્જ પોસ્ટની વાત કહી હતી, જ્યાં અમારા સબ ઇન્સપેક્ટર મહેરસિંહ શહીદ થયા હતા. આ પોસ્ટ પર પાકિસ્તાનનો કબજો થયો હતો. તે સમયે ભારતીય સેનાને તેમની આગળની યોજનાનો અંદાજ નહોતો.  બુર્જ પોસ્ટ પર કબજો કર્યા બાદ તેમણે રિઝર્વમાં રાખેલી તાજા દમની 43 Baluch Regimentને રિઝર્વમાંથી બોલાવી બુર્જ પોસ્ટને અડીને આવેલી ધુસ્સી બંધ પરના 200 મિટરના વિસ્તારમાં બંકર બાંધીને Firm Base બનાવ્યું હતું. ફર્મ બેઝ એટલે એવું સુરક્ષિત સ્થાન જ્યાં સૈન્યના જુદા જુદા અંગ (ઇન્ફન્ટ્રી, આર્ટિલરી વિ.) એકઠા થાય છે, જ્યાંથી તેઓ આગલા અભિયાનની તૈયારી કરે. 

    પાકિસ્તાનની સેનાએ આપણી ભૂમિ પર 'ફર્મ બેઝ' બનાવ્યું હતું તે કઇ રણનીતિ અનુસાર, તેનો અમને જરા જેટલો અંદેશો નહોતો. રણનીતિ અને તેના આયોજનમાં કેટલીક વાર એવી ગંભીર ક્ષતિઓ રહી જાય છે, જેના પરિણામ રાષ્ટ્ર માટે અત્યંત ઘાતક નીવડી શકે છે. કોઇ કોઇ વાર એક વ્યક્તિનું નેતૃત્વ તેને આધિન હોય તે સેનામાં એવું શુરાતન પ્રેરે છે, કે તેમના શૌર્યને કારણે કાં તો દેશનો ઇતિહાસ બદલાઇ જાય છે, અથવા દેશ પરનું સંકટ ટળી જાય છે.

    6 December 1971ના દિવસે આવો પ્રસંગ બની ગયો.

    અગાઉ જણાવ્યા પ્રમાણે 4 Decemberની રાતે સામેની સેનાએ આપણી બુર્જ પોસ્ટ પર હુમલો કરીને તે કબજે કરી હતી. આ હુમલામાં તેમના ઘણા સૈનિકો કામ આવ્યા હતા અને ઘાયલ થયા હતા. બીજા દિવસની વહેલી સવારે તેમને relieve કરવા તાજા દમના સૈનિકોની બટાલિયન આવી હતી. તેમણે કેવળ બુર્જ ચોકી પર રક્ષાપંક્તિ બનાવવાને બદલે ધુસ્સી બંધ પર ફર્મ બેઝ બનાવ્યો હતો. ત્યાંથી લગભગ 300-400 મિટર પર આપણી મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રીની 15મી બટાલિયનના મેજર રણવીર સિંહના કમાંડ નીચે એક કંપની, BSFના S.I. અજીતસિંહ તથા SI પ્રકાશ ચંદના કમાંડ હેઠળ અમારી Delta કંપનીની બે પ્લૅટૂન્સ ડીફેન્સમાં તૈયાર હતી. સાથે હતી 66 Armoured Regimentની ત્રણ ટૅંક્સ, જેના કમાંડર હતા લેફ્ટેનન્ટ એ. એસ. ચીમા અને આર્ટિલરીના FOO (ફૉર્વર્ડ ઑબ્ઝર્વેશન ઑફિસર) કેપ્ટન ચેરિયન. કૂલ 150 થી 200 જેટલા જવાન.

    અંગ્રેજીમાં એક શબ્દ છે : Cocky. અર્થ છે, પોતાની સાચી કે ખોટી બહાદુરીના ઘમંડમાં ચકચૂર વ્યક્તિનો દંભ. ધુસ્સી બંધ પર કબજો કરી બેઠેલા 43 Baluch બટાલિયનના સૈનિકોના મનમાં આવી જ કોઇ મદાંધ ભાવના આવી હતી. કેવળ ૨૦ સૈનિકોથી રક્ષિત નાનકડી ચોકી પર તેમના ૨૦૦ સૈનિકોએ હુમલો કરી તે કબજે કરી હતી તેમાં કોઇ ધાડ મારી હતી કે કેમ, તેના અભિમાનમાં તેઓ બપોરના ભોજન બાદ ધુસ્સી બંધ પર ભાંગડા નૃત્ય કરવા લાગ્યા હતા. આપણા સૈનિકો તેમને જોઇ શકતા હતા. તેવી જ રીતે પાકિસ્તાની સૈનિકો આપણા સૈનિકોને.  આપણા સૈનિકોની ખિલ્લી  ઉડાવવા તેઓ ભાંગડા સાથે બોલી (રમુજી ગીત) ગાતા હતા.

    અમારા SI. અજીત સિંહ શીખ સૈનિક હતા. તેમના પંજાબમાં પરદેશી સેના આવી આપણી સેનાની ટિખળ કરે તે સહન ન થયું. તેમણે SI પ્રકાશચંદ સાથે મસલત કરી અને બન્ને મેજર પાસે પહોંચ્યા, "સર, આ તો હદ થઇ ગઇ. આ લોકોને ઠેકાણે લાવવા જોઇએ. આપણી પાસે તમારી વિશ્વવિખ્યાત ગણાતી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપની છે. સરદાર ચીમા સરની ટૅંક્સ છે. અમારી BSF તૈયાર છે. આપ કહો તો ચાર્જ કરીએ, દુશ્મન ગાફેલ છે. હથિયાર બંકરમાં રાખી ધુસ્સી પર ભાંગડામાં મશગુલ છે. બસ હુકમ કરો. મારા જવાન તૈયાર છે."

    મેજર રણવીરસિંહ પણ દુશ્મનના આ પ્રદર્શનથી ગુસ્સે થયા હતા. તેમણે લેફ્ટેનન્ટ ચીમાને બોલાવ્યા અને કહ્યું, "મેં surprise attack કરવાનો નિર્ણય લીધો છે. તારી ટ્રૂપ (ત્રણ ટૅંક્સનું જુથ) સાથે અમને સપોર્ટ આપે તો ઠીક નહીં તો અમે તો જઇએ છીએ."

    ચીમાએ તેના સ્ક્વૉડ્રન કમાંડર સાથે વાત કરીને  રજા મેળવી. મેજર રણવીરે તેમની કંપનીને સાબદી કરી, સૌને ચાર્જ (દુશ્મન પર ધસી જવા) માટે લાઇનબંધ થવાનો હુકમ કર્યો. BSFના જવાન તૈયાર હતા.        

    43 Baluchના જવાન હજી તેમના નાચમાં મશગુલ હતા, ત્યાં તેમના પર ચીમાની ટૅંકના ગોળા પડવા લાગ્યા. ટૅંક પરની coaxially mounted મશિનગનોએ તેમનો મારો શરૂ કર્યો. સામાન્ય રીતે હુમલો રાતના સમયે કે પરોઢિયે થતો હોય છે, અને ચાર્જ દુશ્મનની રક્ષાપંક્તિથી સો'એક મિટર પરથી થાય. તેને બદલે ભારતીય સેનાના આ impromptu attack એ યુદ્ધની રણનીતિના સઘળા નિયમો બાજુએ મૂકી બપોરના સમયે, સામી છાતીએ ૪૦૦ ગજના અંતરેથી આ હુમલો કર્યો હતો! 

    અહીં એક આશ્ચર્યજનક વાત થઇ. મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીનો યુદ્ધનાદ છે, "છત્રપતિ શિવાજી મહારાજકી જય, હર હર મહાદેવ". BSFની ટુકડીઓમાં અજીતસિંહની ટુકડીએ ગર્જના કરી, "બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ" અને પ્રકાશચંદના સૈનિકોમાં હરિયાણા અને કેરળના જવાન હતા, તેમણે ત્રાડ પાડી, "ભારત માતાકી જય". આમ ત્રણ જુદા જુદા યુદ્ધ નિનાદ અને ટૅંક્સના ધસારાથી દુશ્મન હેબતાઇ ગયો. તેમને લાગ્યું તેમના પર એક બ્રિગેડ હુમલો કરી રહી છે.

    ધુસ્સી બંધ પર દુશ્મનની ત્રણ કંપનીઓ હતી. તેમાંની બે કંપનીઓ તેમના બંકરમાં જ હતી, કેટલાક સૈનિકો આરામ કરતા હતા પણ બાકીના સર્વે તૈયાર હાલતમાં હતા. તેમણે તરત આપણી ધસી જતી સેના પર મશિનગન અને રાઇફલની ગોળીઓનો વરસાદ વરસાવ્યો. સૌથી આગળ હતી BSFની અજીતસિંહની પ્લૅટૂન. મોખરે અજીતસિંહ. તેમણે જોયું કે દુશ્મનની એક મશિનગન આપણા સૈનિકો પર ઘાતક ફાયર કરી રહી હતી. તેઓ સીધા તેના બંકર પર ચઢી ગયા, અને ડાબા હાથેથી ગનનું લાલચોળ નાળચું પકડીને બહાર ખેંચ્યું, બીજા હાથમાં ગ્રેનેડ હતી, તેની પિન દાંતમાં પકડીને ખેંચી કાઢી અને બંકરમાં ફેંકી. બંકરમાંના ચાર સૈનિકો માર્યા ગયા. અજીતસિંહનો હાથ બળી ગયો હતો તે બીજા દિવસે મેં જાતે જોયું. (તેની વાત આગળ જતાં!)

અજિતસિંહ
બીજી તરફ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના લાન્સનાયક પાંડુરંગ સાળુંકેએ જોયું કે એક RCL (રિકૉઇલલેસ ગન) લેફ્ટેનન્ટ ચીમાની ટૅંક પર નિશાન સાધી રહી હતી. તેઓ તેના પર ધસી ગયા અને RCLના નાળચાને પકડી ઉપરની તરફ ધકેલ્યું જેથી તેનો ગોળો અદ્ધર વૃક્ષ તરફ ગયો.  RCLની સાથે દુશ્મનની LMG હતી, તેનો મારો પાંડુરંગની છાતી પર થયો અને ઢળી પડયા, પણ લેફ્ટેનન્ટ ચીમા અને તેમની ટૅંક બચી  ગઇ અને દુશ્મન પર ફરી વળી. પ્રકાશચંદ દુશ્મનના flank પર અને મેજર રણવીર સિંહ દુશ્મનના કમાંડ પોસ્ટ પર ધસી ગયા અને તે કબજે કરી લીધા. આ કાર્યવાહીમાં રણવીરસિંહ બુરી રીતે જખમી થયા, પણ પોતાનું સ્થાન છોડ્યું નહી. પ્રકાશચંદના ડાબા હાથમાં ગોળી વાગી, પણ  દુશ્મનના મોરચા પર કબજો કરવામાં સફળ થયા.

    અચાનક થયેલા હુમલામાં દુશ્મન બને એટલું લડ્યા, પણ વીર ભારતીય સેના સામે ટકી ન શક્યા. તેઓ મોરચા છોડીને પીછેહઠ કરી ગયા તે છેક રાવિ પાર. 43 Baluchના મેજર શેખનો ટોપ તથા તેમનો નકશો અમારે હાથ લાગ્યો.

    આ હુમલાની કોઇ પૂર્વ નિર્ધારિત યોજના નહોતી. બટાલિયનના CO કર્નલ સચદેવ પણ આવું કંઇ થશે તેની કલ્પના કરી શક્યા નહીં. આ પૂરી રીતે unplanned attack હતો અને તે સફળ થયો. 

લાન્સનાયક પાંડુરંગ સાળુંકે અને મેજર રણવીરસિંહ
તેમાં સ્વ. લાન્સ નાયક પાંડુરંગ સાળુંકેને મહાવીર ચક્ર, મેજર રણવીરસિંહ, SI અજીતસિંહ અને લેફ્ટેનન્ટ ચીમાને વીર ચક્ર, તથા અમારા SI પ્રકાશ ચંદ અને હવાલદાર ચંદ્રપ્રકાશને President's Police & Fire Services Medal for Gallantry એનાયત થયા.

જિપ્સીને તથા તેના સાથીઓને મળેલા ચંદ્રકના અર્પણનો વિધિ.
છબિની જમણી બાજુએ કતારમાં છે હવાલદાર ચંદ્રપ્રકાશ અને 
SI પ્રકાશચંદ. ચંદ્રક પહેરાવે છે BSFના પ્રથમ
ડાયરેક્ટર જનરલ પદ્મવિભુષણ KF Rustamji


Sunday, September 26, 2021

કાળ રાત્રી

 તમરાંઓના ચિત્કાર સમા સમૂહગાનને પણ ભેદીને આવતો આછા કડાકા-સમો અવાજ સાંભળ્યો - જે હતો લાઇટ મશિનગનનો ઘોડો ચઢાવવાનો અવાજ  - 'ખટાક - ખટાક'. હું જે સ્થળે ખડો હતો ત્યાંથી કોઈ પંદર - વીસ ફિટ નજીકથી. ઘનઘોર અંધારામાં, સરકંડાના જંગલમાં આવેલી કેડીની આજુબાજુમાં આઠ-દસ ફિટ ઉંચા ઘાસમાં આ LMG ક્યાં છુપાયેલી હતી, તેનો ઘોડો ચઢાવનાર કોણ હતો, દોસ્ત કે ધુશ્મન - કશી ભાળ નહોતી પડતી. હું એકદમ થંભી ગયો.  આ એવી સ્થિતિ હતી કે LMG ધારક જવાનની આંગળીનું ઘોડા પરનું દબાણ એક વાળના તાંતણા જેટલું વધે કે ત્રણ સેકંડમાં ૨૮ ગોળીઓ વછૂટે. અમે એટલા નજીક હતા કે તેના  પહેલા પ્રહારમાં જ આ પગદંડીમાં એક લાઇનમાં ચાલી રહેલા મારી પંક્તિમાંના જિપ્સી સમેત આઠ દસ જવાન તત્કાળ મૃત્યુ પામે. 

    અવાજ પરથી તરત ખ્યાલ આવ્યો હતો કે LMGની પાછળનો સૈનિક અમને જોઇ શકતો હતો. બે-ત્રણ સેકંડ બાદ પરમાત્માના આશિર્વાદ સમા શબ્દ સંભળાયા,"થમ, કૌન આતા હૈ?"

    આ અમારી સેનાનું ચૅલેન્જ વાક્ય હતું! 

    અમારી drill પ્રમાણે મેં તરત જવાબ આપ્યો, "દોસ્ત".

    "દોસ્ત, હાથ ઉપર. પહેચાન કે લિયે આગે બઢો. અકેલે."

    હું આગળ વધ્યો અને LMGની નળીથી ત્રણ ફિટ દૂર હતો, ત્યાં હળવેથી બોલાયેલો હુકમ સાંભળ્યો. "થમ. રૅંક નામ ઔર રેજિમેન્ટકી પહેચાન દો."

    આ સમય એવો હતો કે મારી પાસે કે મારી સામેની ટુકડી પાસે તે રાતનો પાસવર્ડ નહોતો જેના કારણે સામેના જવાને આ સવાલ પૂછ્યો મેં જવાબ આપતાં જ LMGનો ઘોડો ઉતારવાનો અવાજ સાંભળ્યો અને મારી સામે નારાયણની જેમ અવતરિત થયા સબ ઇન્સ્પેક્ટર કરમ ચંદ. આ ડોગરા રાજપુત old soldierને હું ઠાકુરસા'બ કહીને બોલાવતો.


સબ ઇન્સ્પેક્ટર કરમચંદ
President's Police & Fire Services Medal For Gallantry
વિજેતા.
 
 

    "સાબ, અમને આશા નહોતી કે આજ રાતના અંધારામાં આપ જાતે અહીં આવશો. સવારે અમને શોધવા કોઇ આવશે એવી ઉમેદ હતી." હું તેમને ભેટી પડ્યો. ઠાકુર સાહેબ પોતે LMG ધારકની પાસે જમીન પર લેટીને અમને ચૅલેન્જ કરી રહ્યા હતા. ટ્રેનિંગના પાકા, અનુભવી, ઓછાબોલા અને શાંત સ્વાભાવના. તેમના કારણે અમે જીવી ગયા. કારણ કહીશ.

   બે દિવસ પહેલાં જ ઉપર જણાવેલા કર્નલની બટાલિયનની એક પેટ્રોલ માર્ગ ભુલીને તેમની જ બટાલિયનની અન્ય કંપનીની રક્ષાપંક્તિના વિસ્તારમાં ગઇ હતી. ત્યાં LMG વાળો જવાન નવો રિક્રૂટ હતો. રાતના સમયે તેની સામે અચાનક આવેલી ટુકડીને જોતાં તેણે ચૅલેન્જ કર્યા વગર ઘોડો દબાવ્યો હતો અને તેની જ રેજીમેન્ટના ચાર જવાન તે જ ક્ષણે, એ જ જગ્યાએ ઢળી પડ્યા હતા. મિલિટરીમાં આને friendly fire કહે છે. આ ફેર છે સખત ટ્રેનિંગ અને તેના પાલનમાં. આગળ જે થયું તેનું વર્ણન જિપ્સી કરે, તેના કરતાં ભારત સરકારના ગૅઝેટ નોટિફિકેશન જોવા વિનંતી. બહેણીયાઁ ચોકીમાં દુશ્મન બેઠો હતો. જે કાર્યવાહી થઇ તેમાં ઠાકુર સાહેબ તથા મારા તે અભિયાનના સેકન્ડ-ઇન-કમાંડ, નાયક તુલસીરામને જિપ્સીની જેવા જ President's Police & Fire Services Medal એનાયત થયા હતા.



 








    આ અભિયાનમાં એક રમુજી વાત બની ગઇ. જતાં પહેલાં અમારૂં સામૈયું કરનાર તેમના બંકરમાં હુક્કો છોડી ગયા હતા!




   

Saturday, September 25, 2021

કોણ હતા એ તારણહાર? (૨)

  અમારા અભિયાનનો ઉદ્દેશ હવે કેવળ પહેલી પોસ્ટ પૂરતું ન રહેતાં બમણો થયો હતો. માઝી મેવાઁ જવા માટેનો અવેજીનો જે રસ્તો હતો તે લેવા માટે અમારે પહેલાં બહેણીયાઁ પોસ્ટ પર જવું પડે. ત્યાં પરિસ્થિતિ કેવી હતી તે વિશે અમારી પાસે કે કર્નલ પાસે કોઇ માહિતી નહોતી. આ વિશેની પૂરી માહિતી  કર્નલની તે વિસ્તારની કંપનીએ સૌને પહોંચાડવી જોઇએ. બ્રિગેડના Op Order (ઑરેશનલ ઑર્ડર - જેમાં બ્રિગેડની દરેક બટાલિયનની કામગિરી અને જવાબદારી વિશે વિશદ હુકમ લખીને આપવામાં આવે છે, તેમાં BSFની કંપની કે પ્લૅટુનને ક્યા સ્થાને ક્યા અભિયાન માટે ઉપયોગમાં લેવાની છે, તેના માટે સંબંધિત ઇન્ફન્ટ્રી કંપની કમાંડરે BSF અને તેમની કંપની વચ્ચેનાં સંચાર સાધનોનો સમન્વય (coordination and synchronisation of communication network), chain of command, reporting system - આમાનું કશું યોજાયું નહોતું. અમારા ક્ષેત્રની BSF બટાલિયનોના ઉપયોગ વિશે આ બાબતમાં ઝીણવટભર્યો ન તો અભ્યાસ થયો હતો, ન તે વિશે કોઇ યોજના થઇ હતી. પરિણામે અમારી સંચાર વ્યવસ્થામાં ગંભીર ઉણપ રહી ગઇ હતી.  આનું પ્રત્યક્ષ પ્રમાણ એટલે BSFના વાયરલેસ વજનમાં ભારે અને તેના માટેની બૅટરી તે જમાનાની મોટરકારમાં વપરાતી તે પ્રકારની હતી. તેનો ચાર્જ - જો સેટ સતત ચાલુ રહે તો દોઢ કે બે કલાક જેટલો રહે. ત્યાર બાદ બૅટરી ચાર્જ કરવા માટે પેટ્રોલથી ચાલનાર ભારે જનરેટર જોઇએ. અમારા વાયરલેસની ફ્રિક્વન્સી તથા અમારા મિલિટરીના ઑપરેશનલ કમાંડરની બટાલિયનની ફ્રિક્વન્સી જુદી હતી. બન્નેના વાયરલેસ સેટની બનાવટ પણ જુદી. પરિણામ ગંભીર નીવડ્યાં. મોટા ભાગની BSF પોસ્ટ, જ્યાં મિલિટરીની ટુકડી તેમના વાયરલેસ સાથે ન હોય, તો અમારા પોસ્ટ કમાંડર અને તેમના મિલિટરી કમાંડરો વચ્ચે વાતચીત શક્ય નહોતી, તેથી એકબીજાને પરિસ્થિતિ વાકેફ નહોતા કરી શકતા, કે ન કોઇ હુકમ પહોંચાડી શકતા. અમારી બહેણીયાઁ ચોકીનો વાયરલેસ સેટ છેલ્લા ૧૪ કલાકથી બંધ પડી ગયો હતો. અમને તેમની પરિસ્થિતિ વિશે જાણ નહોતી. તેમની સાથે મિલિટરીની કોઇ ટુકડી નહોતી તેથી તેમના બટાલિયન કમાંડર સાથે પણ તેમનો કોઇ સમ્પર્ક નહોતો. આ કારણે અમને કોઇને ખબર નહોતી કે તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે. તેઓ બે બાજુએથી આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયા હતા, અને પાછળની બાજુએ એક ઊંડો, તેજ ગતિથી વહેતો વહેળો હતો જે આગળ જતાં રાવિને મળતો હતો. આ વહેળો પાર કર્યા બાદ એક કિલોમિટર  પહોળો અને ત્રણ કિલોમિટર લાંબો બેટ. તે પાર કરીએ ત્યારે રાવિ નદીના કિનારે રાખેલી નૌકામાં બેસી પાર કરીને ધુસ્સી બંધ પર પહોંચાય.

    કર્નલને રામ રામ કરીને અમે નીકળ્યા બાદ ખ્યાલ આવ્યો કે ગઈ કાલ રાતના વાળુ બાદ અમારામાંથી કોઇએ સવારની ચ્હા નહોતી પીધી કે નહોતું કર્યું શિરામણ. દોઢ વાગી ગયો હતો. ત્રણે'ક કિલોમિટર ચાલ્યા બાદ ધુસ્સીની નજીક ત્રણ - ચાર ઝૂંપડા દેખાયા, જેમાંનું એક બંધને અડીને હતું. તેના નાનકડા ફળીયામાં સરકંડામાંથી બનાવેલી નાનકડી ટોપલી લઇને એક વૃદ્ધ માઈ બેઠાં હતાં.  મેં તેમને 'સત શ્રી અકાલ' કહી નમસ્કાર કરીને પૂછ્યું, "માઇ,  તમે હજી સુધી અહીં કેમ રહ્યાં છો? લડાઇ શરૂ થઇ ગઇ છે. આપે સહીસલામત જગ્યાએ જવું જોઇએ." આજુબાજુનાં ગામ ખાલી થઇ ગયા હતા.

માઇનો આખો ચહેરો કરચલીઓવાળો હતો. બોખા મુખેથી સ્મિત કરીને તેઓ બોલ્યાં, "પુત્તર, આખી જીંદગી આ ઘરમાં ગુજારી છે. હવે આ ઉમરે તે છોડીને ક્યાં જઉં? જુઓ, તમે ફૌજી દેશની રખ્યા કરવા નીકળ્યા છો, અહીં બેઠી છું તમારા જેવા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તે વાહે ગુરુનું લંગર સમજી આરોગો," કહી બાજુમાં રાખેલી છાબડી પર ઢાંકેલું કપડું ખસેડ્યું. તેમાંથી નીકળેલી એક સુંદર સોડમથી વાતાવરણ ખિલી ઉઠ્યું. આ વૃદ્ધ અન્નપૂર્ણાએ અમારી સામે ટોપલી ધરી અને અમારૂં હૃદય ભરાઇ આવ્યું. અમે સૌ ભુખ્યા થયા હતા. દરેકના ભાગે અર્ધી - અર્ધી રોટલી આવી. પાણી સાથે અમે જમ્યા અને જીવનભર યાદ રહી ગયો તેનો સ્વાદ. તેમાં ભારતમાતાની મમતાનો મોણ હતો અને આસ્થાનું ખમીર. કૃતજ્ઞતા અને માતાની દેશ સેવાની ભાવનાથી અમારો ઉત્સાહ સો ગણો વધી ગયો, નમસ્કાર કરી અમે આગળ વધ્યા.

    શિયાળામાં ઉત્તર ભારતમાં સૂરજ વહેલો ઢળી જાય છે,  બહેણીયાઁ પત્તન પર પહોંચતાં સુધીમાં સુરજબાપા ક્ષિતિજની તળાઇમાં પોઢી ગયા. ધુસ્સી બંધની નીચે પત્તન તરફ ગયા અને હૈયામાં ફાળ પડી. આનું કારણ :

    સામાન્ય રીતે અમારી નૌકા ધુસ્સીના કિનારે લાંગરેલી રહેતી અને બે જવાન ત્યાં હંમેશા રહેતા. બીજું : મને ઉમેદ હતી કે S.I. કરમચંદને તેમના ઑપ કમાંડરે પોસ્ટ છોડવાનો આદેશ આપ્યો હશે (જે તેમણે આપવો જોઇતો હતો),  તો તેઓ શેરપુર પોસ્ટના જવાનોની જેમ ત્યાં આવી પહોંચ્યા હશે. તે રાતે ન તો ત્યાં અમારી નાવ હતી કે નહોતાં કરમચંદ અને તેમના જવાન. તો શું તેમને દુશ્મને કેદ કરી લીધા હતા? બહેણીયાઁ પોસ્ટથી સીમા કેવળ ૧૫૦ ગજ પર હતી અને ત્યાંથી પાકિસ્તાનનો mainland શરૂ થાય. તેમની ચોકી બહુ બહુ તો ૫૦૦ ગજ દૂર હતી. જો તેમણે અમારી પોસ્ટ પર હુમલો કર્યો હોય તોઅમારા સૈનિકોને પોસ્ટ ખાલી કરી આપણી સુરક્ષિત જગ્યાએ જવા તન્ના નાળા પાર કરવો પડે. ત્યાંની નૌકા નાનકડી હતી અને વધુમાં વધુ ચાર સૈનિકો તેમાં બેસી શકે. તે પાર કરવા પોસ્ટના સઘળા જવાનોને ત્રણ ખેપ તો કરવી જ પડે. આ કારણસર પ્લૅટૂનની સલામતિ પર મોટું પ્રશ્નચિહ્ન હતું. અંગ્રેજીમાં જેને worst case scenario કહીએ, તે પ્રમાણે પાકિસ્તાનના હુમલામાં કેટલાક જવાનોને હાનિ પહોંચી હશે અને બાકીના યુદ્ધકેદી થયા હશે.

    આ સમગ્ર સ્થિતિનો ઊંડો - પણ તેજ ગતિથી વિચાર કરી મેં નક્કી કર્યું કે  જે કામ કરવા નીકળ્યા છીએ તે પૂરૂં કરવું. આગળની સઘળી કાર્યવાહી એક અનુભવી કમાંડરની જેમ સમ્પન્ન કરીશ.

    મારી ટુકડીમાં આ સ્થનનો જાણકાર સૈનિક હતો. રાવિના ક્યા ભાગમાં છિછરાં પાણી છે તે જાણતો હતો. અમારે હવે નદીમાં ઉતરી નદીના મધ્ય ભાગમાં આવેલા એક બેટ પર જવાનું હતું. લગભગ અર્ધો કિલોમિટર પહોળો અને બે - ત્રણ કિલોમિટર લાંબા ટાપુ પર  સરકંડાનું જંગલ હતું. તેમાં બનાવેલી પગદંડી પર આગળ વધીએ તો અગાઉ કહેલો તન્ના નાલા નામનો ઊંડો અને તેજ ગતિથી વહેતો વહેળો આવે. તે પાર કરી એક કિલોમિટર ચાલીએ ત્યારે બહેણીયાઁ પોસ્ટ આવે. 

    અંધારૂં, ટાઢ અને ધુમ્મસ જ્યારે ભેગા થાય ત્યારે તેમાં એક પ્રકારની ઘનતા આવી જાય એવું લાગે. રાવિ નદી પર તેની ઘનતા બેયોનેટ વતી કાપી શકાય એટલી ભારે હતી !  અમે ફરી એક વાર 'બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ' ના હળવા નાદથી રાવિમાં પગ મૂક્યો. ફરી એક વાર સો - સો વિંછીઓના ડંખનો અનુભવ. હાડકાં થરથરી ગયા. બૂટ - મોજાં ભીના થયા અને ત્વચાની ઉષ્ણતાને કારણે બરફની જેમ જામ્યા નહી. પહેલાં પગનાં તળીયાં અને ત્યાર બાદ ઘૂંટી, ઘૂંટણ, સાથળ અને કમર પર બરફની પોટલી મૂકાતી ગઇ. અંતે છાતી સમાણાં. અમે હથિયાર ઉપર ધરીને ચાલતા હતા. આ વખતે અમારો ભોમિયો આગળ, અને તેની પાછળ હું અને અમારા જવાન, પંજાબ રેજિમેન્ટના સુબેદાર સાહેબ અને તેમના દસ જવાન.

    Celloના તાર પર ફરતા bowની હળવી તરજથી ખરજનો સૂર નીકળે તેમ એક solo તમરાનું ગીત શરૂ થયું.   અમે રાવિ પાર કરી અને કિનારા પર પહોંચ્યા. સૌ ઠરીને હિમ જેવા થઇ ગયા હતા. અમારા પૂરા કપડાં ઠંડા પાણીમાં પૂરી રીતે ભીંજાઇ યગયા હતા. સરકંડામાં બનાવેલી પગદંડી પર મેં જવાનોને બેસવાનો હુકમ ઇશારાથી તુલસીરામને આપ્યો. તેણે તે ધીમે ધીમે છેલ્લા સૈનિક સુધી પહોંચાડ્યો અને ચોકસાઇ કરી કે સૌ કિનારા પર પહોંચી ગયા છે, અને સૌના હથિયાર - ગોળીઓ ઠીકઠાક છે. હવે મેં આગેવાની લીધી અને ઇશારાથી સૌને મારી પાછળ આવવાની સૂચના આપી. ઊંચા સરકંડાના જંગલ પરની પગદંડી પર અમે  આગળ વધી રહ્યા હતા

    ધીમે ધીમે તમારાંઓના સમૂહ ગાયનનો ઑરકેસ્ટ્રા શરૂ થયો. તેઓ હવે પૂર જોશમાં 'ગાવા' લાગ્યા હતા. પવન અત્યાર સુધી ધીરેથી વહેતો હતો તેણે પોતાની ગતિ વધારી અને સૂસવાટા થવા લાગ્યા.  ચોકી સુધી પહોંચતામાં crescendo થશે અને આ સમૂહવાદનની પૂર્ણાહૂતિમાં cymbalsનો ધડાકો ક્યારે થશે એવો વિચાર કરતો હતો, ત્યાં અચાનક...

  


.

Friday, September 24, 2021

કોણ હતા એ તારણહાર ?

    કહેવાય છે કે એક ચિત્ર સો શબ્દોની ગરજ સારે છે. અત્યાર સુધી આપે "રાવિ, ધુસ્સી બંધ અને સરકંડા" શબ્દો વાંચ્યા. હવે જુઓ તે સ્થળની તસ્વિરો.  આપેલા ચિત્રોમાંનું  ડાબી બાજુનું ચિત્ર છે ધુસ્સી બંધનો spur. તેના પર ખડા યુવાનને scale તરીકે લઇએ તો ખ્યાલ આવશે કે નદીનો પટ કેટલો પહોળો છે, અને પાણી કેટલાં ઊંડાં.  જમણી તરફના ચિત્રમાં નદીમાં આવેલું પૂર છે અને તેના ધસમસતા પ્રવાહે ધુસ્સી બંધનું કેટલું નુકસાન પહોંચાડ્યું છે. સામાન્ય રીતે જ્યાં લોકો કામ કરી રહ્યા છે, તે ભાગ દસ-બાર ફિટ પહોળો હોય છે, જેના પરથી જીપ અને one-ton ટ્રક સહેલાઇથી જઇ શકે છે. આ ભાગ પર મોરચા (bunker) બાંધી શકાય છે.  



રાવિમાં પૂર આવે તો ધુસ્સી બંધની આ દશા થાય.
રાવિના ડાબા કાંઠાની પેલે પાર અમારી ચોકીઓ.
રાવિ નદી પરના ધુસ્સીબંધનું દૃશ્ય. નીચે જમણી તરફ
ખાંચો દેખાય છે, ત્યાં નૌકા લાંગરી શકાય.







 

    અમારી ચોકી પર જવા ડાબી તરફના ચિત્રમાં બતાવેલ ધુસ્સીની નીચે યોગ્ય સ્થળે નૌકા લાંગરવામાં આવે છે. તેમાં બેસી નદી પાર કર્યા બાદ સામા કાંઠે આવી જ કોઇ જગ્યાએ ઉતરવાનું સ્થળ હોય છે,  જેને 'પત્તન' કહેવાય છે. ત્યાં ઉતરી, નીચેના ચિત્રમાં દર્શાવેલ સરકંડાના ઘાસના જંગલમાં બનાવેલી પગદંડી પર ચાલીને એકાદ કિલોમિટર જઇએ ત્યારે અમારી આઉટપોસ્ટ આવે. આઉટપોસ્ટની ચારે તરફ ધુસ્સી બંધ જેવો કોટ બાંધવામાં આવેલા છે. ત્યાંથી આંતરરાષ્ટ્રીય સીમાના BP (બાઉન્ડરી પિલર) દોઢસોથી બસો ગજના અંતરે હોય છે.  આ ચિત્રો જોઇને અંદાજ આવશે કે રાવિ નદીમાં પગપાળા ઉતરીને ગળાડૂબ પાણીમાંથી શિયાળાની ટાઢમાં, સો'એક ગજ પહોળા નદીના પટમાંથી ચાલીને જવાનું હોય, અને પારો શૂન્યની આસપાસ હોય તો જવાનોની હાલત કેવી થઇ હશે ! પણ આ હતા ભારતીય સૈનિકો. સૌ આનાકાની કર્યા વગર તેમના અફસર પર વિશ્વાસ રાખી, શિર હાથમાં લઇ આગળ વધતા હતા. 

    નદીને પેલે પાર લગભગ છ થી આઠ ફીટ ઉંચા સરકંડાના ઘાસનું જંગલ આવે જેમાંથી પગદંડી બનાવી પોસ્ટ સુધી જવાય. જંગલનું એક દૃશ્ય.

આવી ઝાડીમાં રાતના અંધારામાં સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના જવાન
LMG તાણીને બેઠા હતા. તેની નાળની સીધી લાઇનમાં હતા...અમે ! 


***

સવારના અગિયાર - બાર થવા આવ્યા હતા. દુશ્મન તેની મશિનગનથી અમારો સંહાર કરવા ઉત્સુક હતો. પાણીમાં પાંખ વગરના બતક જેવી અમારી હાલત હતી. અમે હવે ગરદન સમાણા પાણીમાં હતા, જેથી અમારી સામે દુશ્મન આવે તો પણ અમે તેના પર ફાયરિંગ ન કરી શકીએ.

    આ સ્થિતિ એવી હતી કે મારે તત્કાળ નિર્ણય લેવાનો હતો. મારી ટુકડીને લઇ રાવિ પાર જતાં પહેલાં મેં કર્નલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું attack કરવા નહીં,  Recce (Reconnaissance) કરવા માટે મારી Patrol Party સાથે જઈશ. રેકી પેટ્રોલના કેટલાક નિયમ અને સિદ્ધાંત હોય છે, જેનું વિવરણ કરવું જરૂરી છે. 

    રેકી પેટ્રોલનું મૂળભૂત કામ એક જ હોય : Reconnaissance - જેનો અંગ્રેજી અર્થ છે "Military observation of a region to locate an enemy or ascertain strategic features." અર્થાત્ કોઇ એક વિસ્તારમાં દુશ્મનની ટુકડી છે કે નહીં તેની તપાસ કરવી; અથવા કોઇ એક સ્થાન લશ્કરી અભિયાન માટે ઉપયોગી છે કે કેમ તેનો કયાસ કરવા જતી ટુકડી તે રેકી પેટ્રોલ. 

આ બેઉ પ્રકારની પેટ્રોલના ઉદાહરણ આપીએ.

(૧) સન ૧૯૯૯માં જનરલ મુશર્રફે ભારત સાથેની સમજુતિનો ભંગ કરી ચોરી છુપીથી તેમની સેનાને ભારતના કારગિલ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે મોકલી હતી. તેમના કેટલાક સૈનિકોને ભારતના એક ગાડરિયાએ જોયા અને તેની માહિતી આપણી સેનાના ઉચ્ચ અધિકારીઓને આપી. આ માહિતી સાચી છે કે કેમ તેની તપાસ કરવા આપણી સેનાએ કૅપ્ટન સૌરભ કાલીઆની આગેવાની હેઠળ આઠ સૈનિકોની ટુકડીને રેકી પેટ્રોલ મોકલી હતી.   

(૨) ૧૯૭૧માં જિપ્સીની શેરપુર ચોકીની નૌકા લાંગરવાનું સ્થાન લશ્કરી અભિયાન માટે કેટલું અગત્યનું છે અને તેના પર કબજો કરવાથી શો લાભ થશે તે જોવા પાકિસ્તાનની સેનાએ એક ટુકડી મોકલી હતી, જેનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે રેકી પેટ્રોલ લડવા માટે નહીં, તપાસ કરવા મોકલવામાં આવે છે. આવી પેટ્રોલ પાર્ટી પર ગોળીબાર થાય તો પેટ્રોલ કમાંડરની જવાબદારી છે કે તેના બને એટલા સૈનિકોને તેની અસર નીચેથી બચાવીને પાછા base પર લઈ આવે.

    જિપ્સી તેની ટુકડી લઈને ચાર્લી કંપનીની ખાલી કરેલી ચોકીની શી સ્થિતિ છે, અને તેના પર કબજો મેળવવા અમારે કઇ જાતની કાર્યવાહી કરવી જોઈશે તેની તપાસ માટે નીકળ્યો હતો.  રાવિના મધ્ય-પ્રવાહમાં પહોંચતાં જ અમારા પર મશિનગનનો મારો શરૂ થયો હતો તે જ પુરવાર કરતું હતું કે આ પોસ્ટ દુશ્મનના કાબુ હેઠળ છે. અમે તેમની ફાયરિંગની રેન્જમાં હતા, તેથી જે માર્ગે અમે ત્યાં જવા નીકળ્યા હતા, તે માર્ગ સુરક્ષિત નહોતો. આ માહિતી આમ લગભગ વિના સાયાસ મળી હતી. હા, અમે તેમની રેન્જમાં હોત તો કદાચ અમારાં મડદાંઓએ આ વાત કર્નલ સાહેબને જણાવી હોત તે વાત જુદી ! હવે માઝી મેવાઁ ચોકીમાં તેમના કેટલા સૈનિકો છે, અને તેમની તપાસ કરવા જવાનું હોય તો મારે બીજા રસ્તેથી ત્યાં જવું જોઈશે, એવું નક્કી કર્યું. હવે મારી જવાબદારી મારી ટુકડીને સહીસલામત પાછા બેઝ પર લઈ જવાની હતી. સૌ પ્રથમ મેં જવાનોને દુશ્મનની મશિનગનની રેન્જથી દૂર કાઢ્યા અને પાછા વળવાનો હુકમ કર્યો. 

   જેમ જેમ અમે પાછા ફરવા લાગ્યા, દુશ્મનનું ફાયરિંગ ઘનીષ્ઠ થતું ગયું. ગોળીઓ નજીક વરસવા લાગી. સદ્ભાગ્યે હજી પણ અમે તેમની ઘાતક રેન્જની બહાર હતા તેથી  સુરક્ષિત પાછા આવી ગયા. કર્નલ મારી પાસે ઝઘડવાના ઇરાદાથી આવ્યા હતા. પણ આ વખતે તેમની રૅંકની પરવા કર્યા વગર તેઓ કંઇ કહે તે પહેલાં જ મેં તેમને પૂછ્યું, "મારી પેટ્રોલ પર દુશ્મન મશિનગન ચલાવી રહ્યો હતો ત્યારે તમે મને શા માટે covering fire ન આપ્યું? તમે જોયું નહીં કે પાણીમાં અમે sitting ducks જેવી સ્થિતિમાં હતા?" આ ઉપરાંત ઘણી વાતો થઇ, જેનું વર્ણન યોગ્ય નહીં ગણાય. 

    કર્નલ પાસે કહેવા જેવું કંઇ નહોતું.  હું તેમના ઑપરેશનલ કમાંડ નીચે નહોતો. મારા કમાંન્ડન્ટને કે બ્રિગેડ કમાંડરને જણાવ્યા વગર મને આ અભિયાન પર મોકલી તેમણે નિયમનો ભંગ કર્યો હતો. આ બાબતમાં તપાસ થાત તો એ પણ જણાઇ આવ્યું હોત કે મારી પેટ્રોલને extricate કરવા માટે તેમની પાસે ઉચિત સંખ્યામાં હથિયારબંધ સૈનિકો હતા તેમ છતાં કોઇ કાર્યવાહી કરી નહોતી. આ તેમની dereliction of dutyમાં આવી જાય.

    મારો પોતાનો અંગત નિયમ હતો કે કોઇ કામ અધવચ્ચે ન છોડવું. મેં કર્નલ ગુરબચનને કહ્યું, "દિવસના ઉજાસમાં માઝી મેવાઁની રેકી શક્ય નથી. દુશ્મન અમને  જોઇ શકે છે અને તેમની મશિનગન અને આર્ટિલરીનો મારો કરાવી શકે છે. હું મારી રીતે આ કામ પૂરૂં કરીશ. આ માટે હું ઉપરવાસ જઇ, યોગ્ય સ્થળેથી નદી પાર કરીશ," કહી સૅલ્યૂટ કરી મારા જવાન પાસે જવા લાગ્યો ત્યારે કર્નલે મને બોલાવ્યો.

    "સાંભળ, DSP,"  કર્નલ અમને હજી પોલીસવાળા માનતા હતા, તેથી મારી રૅંક - જે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની હતી, તે ન વાપરતાં પંજાબમાં DySPને DSP કહે છે તેમ ઉદ્દેશીને કહ્યું "તારી પાસે જવાનોની સંખ્યા પૂરતી નથી. મારા સુબેદાર અને તેમની સાથેના દસ સિપાહીઓને તારી સાથે મોકલું છું. મારો વાયરલેસ સેટ તેમને આપું છુું તેથી મારી સાથે સમ્પર્ક રહેશે. કૅરી ઑન!"

    હવે અમારી સંખ્યા વધીને લગભગ વીસ - બાવીસની થઇ હતી. અમે ધુસ્સી પરથી જ ઉપરવાસ માર્ચિંગ શરૂ કર્યું.


   

Wednesday, September 22, 2021

5 ડિસેમ્બર 1971

    C કંપની તરફ જતાં પહેલાં અમે સિચ્યુએશન રિપોર્ટ જોયા. ગઇ રાતના અમારી પોસ્ટ સાથે થયેલી વાયરલેસ વાતચીત અને હકીકતનું સંબંધિત બ્રિગેડ હેડક્વાર્ટર્સમાંથી પૂરું સમર્થન આવ્યું હતું.. કૅપ્ટન સામ્બ્યાલે જોયેલા લગભગ 400 સૈનિકો - એટલે બલોચ રેજીમેન્ટની બટાલિયનની ચાર કંપનીઓ. તેમાંની બે કંપનીઓએ બુર્જ ચોકી પર અને બે કંપનીઓએ ફતેહપુર પોસ્ટ પર હુમલો કર્યો હતો. બન્ને પોસ્ટ  નજીક - નજીક હતી. 

મહેરસિંહની પ્લૅટૂનના સમાચાર અત્યંત ગંભીર હતા. મહેરસિંહ મૃતપ્રાય થયા હતા. તેમને તેમના મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કમાંડરે પોસ્ટ ખાલી કરવાનો હુકમ કર્યો, પણ ક્યાં જઇને મળવું તેનું RV (rendezvous - મિલનસ્થાન) જણાવ્યું નહોતું. મહેરસિંહે ઘાયલ અવસ્થામાં પણ પોસ્ટમાંના વાયરલેસના કોડ અને સંકેત અંગેના દસ્તાવેજ બાળીને નષ્ટ કર્યા. પોસ્ટમાંના સૈનિકોને હાથ ઊંચો કરી આશિર્વાદ આપ્યા અને પ્રાણ ત્યાગ્યા. ત્યાં સુધીમાં બલોચ સિપાહીઓ પોસ્ટની પાળ સુધી પહોંચ્યા હતા. જવાનોએ તેમને મળેલા હુકમ પ્રમાણે ગુપ્ત માર્ગેથી પોસ્ટ છોડી અને નજીક આવેલા શેરડીના ખેતરમાં છુપાયા. ત્યાં shallow trench ખોદી મોરચાબંધી કરી.

રાવિ પારની આલ્ફા કંપનીની તોતી નામની ચોકી પર થયેલા હુમલામાં આપણા જવાનોના હિંમત પ્રદર્શનની અજબ વાત સાંભળી. ચોકી પર હુમલો કરવા સામે વાળા લાઇનબંધ થતા હતા (જેને ઇન્ફન્ટ્રી ટૅક્ટિક્સમાં FUP - Forming up Place કહેવાય છે), તેમની સામેની ટ્રેન્ચમાં કેરળનો જવાન પ્રભાકરન્ નાયર અને તેના બે સાથીઓ હતા. તેમણે તેમની રાઇફલ પર બેયૉનેટ ચઢાવી "ભારત માતાકી જય"ની ગર્જનાથી આવી રહેલા દુશ્મન પર 'ચાર્જ' કર્યો! દુશ્મન હેબતાઇ ગયા અને તેમને લાગ્યું કે તેમની ચાલ છતી થઇ છે. તેમની પહેલી હરોળના સૈનિકોમાં ભંગાણ પડ્યું અને એવું લાગ્યું કે હુમલો ટળી ગયો છે. પ્રભાકરન્ આગળ વધે તે પહેલાં દુશ્મનોની બીજી હરોળના સૈનિકોએ જોયું કે તો કેવળ ત્રણ યુવાનોએ 'કાઉન્ટર ઍટેક કર્યો હતો. તેમણે છોડેલી ગોળીઓમાં પ્રભાકરન્ નાયર વીર થયો અને તેના સાથી ઘાયલ રિપોર્ટ જોયા બાદ હું ચાર્લી કંપની તરફ જવા નીકળી ગયો.

    COના હુકમ પ્રમાણે મારૂં કામ સામાન્ય હતું. અમારા ચાર્લી કંપનીના સબ ઇન્સપેક્ટર દર્શનસિંહ અને શેરપુર પોસ્ટના જવાનોને મળી તેમને CO વતી શાબાશી આપી તેમને તેમના રિઝર્વ કંપનીના સ્થાન પર મોકલી, તેમની જરુરિયાતો જાણી તે પૂરી કરવાની વ્યવસ્થા કરવાની હતી. હું કેવળ મારી 9 mm પિસ્ટલ, એક સ્પૅર મૅગેઝીન લઇને નીકળ્યો. યુનિફૉર્મમાં ઉનનું શર્ટ, અને પાતળી જર્સી હતી. ઇક્વિપમેન્ટ નહોતી પહેરી, કેમ કે કામ પૂરું થતાં મારે પાછા હેડક્વાર્ટર્સમાં જવાનું હતું.

    ધુસ્સી બંધ પર પહોંચ્યો તો ત્યાં દર્શનસિંહ, અમારા વીસ જવાન આગલા હુકમની  રાહ જોઇ રહ્યા હતા. તેમને મળી દરેક જવાનની પીઠ થાબડી તેમને શાબાધી આપી. અમારા લાન્સ નાયક અજાયબસિંહ અને સંતોખસિંહ વીર ગતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતાકૂલ સાત જવાન જખમી થયા હતા. સૌને મારા વન ટન ટ્રકમાં તેમના કંપની હેડક્વાર્ટરમાં મોકલ્યા અને ટ્રકને પાછા આવવાનું કહ્યું, મારે હજી મારી બીજી પોસ્ટ - માઝી મેવાઁના જવાનોને મળવાનું હતું. થોડી વારમાં તેઓ નદી પાર કરીને તેમના પત્તનથી ચાલીને અમારા મિલનસ્થાન પર આવી પહોંચ્યા અને તેમની સાથે વાત કરતો હતો ત્યાં ચાર્લી કંપનીના જવાબદારીના વિસ્તારના ઑપરેશનલ કમાંડર ઇન્ફન્ટ્રી રેજીમેન્ટના CO કર્નલ ગુરચરન સિંઘ તેમની રક્ષક ટુકડી સાથે આવી પહોંચ્યા. કોઇ ઔપચારિકતા કર્યા વગર તેમણે મને કહ્યું, “તું મારા ઑોરેશનલ આધિપત્ય નીચે છે. મારો તને હુકમ છે કે તારા જવાનોને લઇ માઝી મેવાં પોસ્ટ પર હુમલો કરી તેના પર કબજો કર. તમે બૉર્ડર સ્મગલિંગ ફોર્સ વાળાઓને હવે અસલ કામ કરવાનો વારો આવ્યો છે તો હવે પૂરો કરો."

    મિલિટરીના કેટલાક અફસરોને BSF પ્રત્યે જે અવિશ્વાસ કહો કે અણગમો, તેના અનુભવોમાં વધારા થતા જતા હતા ! અને તે પણ યુદ્ધ જ્યારે ચરમ સીમા પર પહોંચ્યું હતું તેવા સમયે! હું આ વાત સહન કરી શક્યો નહીં. મારે તેમને જે કહેવાનું હતું તે કહ્યું - જેનું અહીં પુનરૂચ્ચારણ નહીં કરીએ. એટલું જ કહેવું યોગ્ય થશે કે મેં તેમને કહ્યું કે માઝી મેવાઁથી આવેલા જવાનોને લઇ તે પોસ્ટનું reconnaissance કરી આગળ જે કાર્યવાહી કરવાની હશે તે કરીશ.

     વયોવૃદ્ધ એવા પોસ્ટ કમાંડર S.I. મુલ્ક રાજે મારી તરફ અસાહય નજરે જોઇ જવાનોને લાઇનબંધ થવાનો હુકમ કર્યો. મેં આગળ વધીને અને કર્નલ સિંઘને કહ્યું, “મુલ્ક રાજને હું તેની ફરજમાંથી ફારેગ કરૂં છું. હું જઇ રહ્યો છું તેથી તેમને ત્યાં જવાની જરૂર નથી. ફરીથી કહું છું કે પોસ્ટ પર ઍટેક નહીં, પણ રેકી  કરવાના ઇરાદાથી જઇશ. માઝી મેવાઁ પ્લૅટૂન પોસ્ટ છે. તેના પર હુમલો કરવા મારે ઓછામાં ઓછી એક કંપની - ૧૦૦ જવાન જોઇએ, અને તે પણ પૂરી રેકી કર્યા બાદ"  કહી, સૅલ્યૂટ કરી જવાનોની સામે ગયો અને પૂછ્યું, “મારી સાથે આવવા તૈયાર છો?”

સાબજી, આપ અમારી સાથે હશો તો જ્યાં કહેશો ત્યાં જવા અમે તૈયાર છીએ,પ્લૅટૂનના સિનિયર નાયક તુલસી રામે જવાબ આપ્યો. મેં તેને મારો સેકન્ડ-ઇન-કમાંડ નીમ્યો અને તેને હુકમ કર્યો કે જવાનોને લાઇનબંધ કરે. ડ્રિલ પ્રમાણે અમે જવાનોનાં હથિયાર અને ઍમ્યુનિશન તપાસ્યા. બધું બરાબર હતું. મેં તેમને હુકમ કર્યોપ્લૅટૂન,  સાવધાન! મેરે પીછે માર્ચ!” અને અમે ધુસ્સી બંધ પરથી રાવિ નદીના પટ ઉતરવાનું શરૂ કર્યું. અમારી નાવ સામા કાંઠે હતી. તેથી નદીમાં ઉતરી પગપાળા જ અમારે પાર જવાનું હતું.  તુલસીરામનો એક જવાન આ જગ્યાથી પરિચિત હતો. તે  છિછરાં - એટલે ખભા-સમાણાં ઊંડાણવાળા ભાગ તરફઅમને લઇ ગયો. આગળ હું, સાથે નાયક તુલસી રામ અને પાછળ ૨૨ જવાન.    

    ડિસેમ્બરની  કાતિલ ટાઢ હતી. માઝી મેવાંથી આવેલા જવાનોનાં કપડાં હજી સૂકાયાં નહોતાં. "બોલે સો નિહાલ, સત શ્રી અકાલ'ના નારા સાથે મેં રાવિના જળમાં પગ મૂક્યો અને જાણે સો - સો વિંછીઓએ ડંખ માર્યો હોય તેમ બરફ જેવા પાણીએ મારી ત્વચાને સ્પર્શ કરી મારૂં સ્વાગત કર્યું. ધીમે ધીમે અમે આગળ વધ્યા. પાણી છાતી સમાણૂં થયું હતું. નીકળતાં પહેલાં મેં મારી પિસ્તોલ મુલ્ક રાજને  આપી તેની સ્ટેનગન લીધી હતી. અમે સૌએ અમારા હથિયાર અને રાઇફલની ગોળીઓના બંડોલિયર ઊંચા કર્યા જેથી તે પાણીમાં ભિંજાય નહીં. અમારાં હાડ ઠરીને બરફ જેવા થયા હતા. 

   ધીરાં પણ મક્કમ પગલે અમે રાવિના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા હતાં ત્યાં  મારી ડાબી બાજુએ  "છમ્.. છમ્..છમ્" જેવો અવાજ સંભળાયો - જાણે ગરમ તવા પર પાણીનાં છાંટા પડ્યા હોય તેમ. બે - ત્રણ સેકંડ બાદ સંભળાયા Rat-tat-tat જેવા ધડાકા. મેં ડાબી તરફ જોયું તો શેરપુર ચોકી પર કબજો કરી, રાવિના કિનારા પર પોઝીશન લઇને બેઠેલા પાકિસ્તાની સૈનિકોની બ્રાઉનિંગ મશિનગન અમારા પર  

ટ્રિગર દબાવી રહેલ સૈનિકના ટોપ પાસે સીધી દાંડી છે, તે
રેન્જ સેટર છે. ગોળીઓ છોડ્યા બાદ તેમની અમારા પર અસર થઇ
છે કે નહીં તે જોઇ આ રેન્જસેટરમાં ફેરફાર કરવામાં આવે છે અને ગનની
નળીનું alignment તે પ્રમાણે કરવામાં આવે છે..
ફાયરિંગ કરી રહી હતી. તેમના સૈનિકો દેખાયા નહીં, પણ જે ઝાડી પાછળથી  તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા ત્યાંથી નીકળતો ધુમાડો જોયો. એકા'દ મિનિટ બાદ ફરી એક વાર તેમની મશિનગનનો બર્સ્ટ આવ્યો. અમે તેમની રેન્જથી દૂર હતા અને તેઓ ranging કરી રહ્યા હતા તે સ્પષ્ટ હતું. તેમની ગોળીઓના નાના બર્સ્ટથી જે ઘડીએ અમારામાંથી કોઇને ગોળી વાગે તે accurate range થાય. ત્યાર બાદ  મિનિટની ૩૫૦ ગોળીઓ છોડનારી આ કાતિલ નળીમાંથી નીકળનારા મૃત્યુના સંદેશાઓમાંથી રાવિના પ્રવાહના મધ્યમાં ફસાયેલા અમારામાંથી કોણ બચી શકે? આ વિચાર આવે તે પહેલાં ફરી એક બર્સ્ટ આવ્યો, જે હવે અમારાથી કેવળ પચાસે'ક ગજ છેટે હતો.

***