Pages

Saturday, September 25, 2021

કોણ હતા એ તારણહાર? (૨)

  અમારા અભિયાનનો ઉદ્દેશ હવે કેવળ પહેલી પોસ્ટ પૂરતું ન રહેતાં બમણો થયો હતો. માઝી મેવાઁ જવા માટેનો અવેજીનો જે રસ્તો હતો તે લેવા માટે અમારે પહેલાં બહેણીયાઁ પોસ્ટ પર જવું પડે. ત્યાં પરિસ્થિતિ કેવી હતી તે વિશે અમારી પાસે કે કર્નલ પાસે કોઇ માહિતી નહોતી. આ વિશેની પૂરી માહિતી  કર્નલની તે વિસ્તારની કંપનીએ સૌને પહોંચાડવી જોઇએ. બ્રિગેડના Op Order (ઑરેશનલ ઑર્ડર - જેમાં બ્રિગેડની દરેક બટાલિયનની કામગિરી અને જવાબદારી વિશે વિશદ હુકમ લખીને આપવામાં આવે છે, તેમાં BSFની કંપની કે પ્લૅટુનને ક્યા સ્થાને ક્યા અભિયાન માટે ઉપયોગમાં લેવાની છે, તેના માટે સંબંધિત ઇન્ફન્ટ્રી કંપની કમાંડરે BSF અને તેમની કંપની વચ્ચેનાં સંચાર સાધનોનો સમન્વય (coordination and synchronisation of communication network), chain of command, reporting system - આમાનું કશું યોજાયું નહોતું. અમારા ક્ષેત્રની BSF બટાલિયનોના ઉપયોગ વિશે આ બાબતમાં ઝીણવટભર્યો ન તો અભ્યાસ થયો હતો, ન તે વિશે કોઇ યોજના થઇ હતી. પરિણામે અમારી સંચાર વ્યવસ્થામાં ગંભીર ઉણપ રહી ગઇ હતી.  આનું પ્રત્યક્ષ પ્રમાણ એટલે BSFના વાયરલેસ વજનમાં ભારે અને તેના માટેની બૅટરી તે જમાનાની મોટરકારમાં વપરાતી તે પ્રકારની હતી. તેનો ચાર્જ - જો સેટ સતત ચાલુ રહે તો દોઢ કે બે કલાક જેટલો રહે. ત્યાર બાદ બૅટરી ચાર્જ કરવા માટે પેટ્રોલથી ચાલનાર ભારે જનરેટર જોઇએ. અમારા વાયરલેસની ફ્રિક્વન્સી તથા અમારા મિલિટરીના ઑપરેશનલ કમાંડરની બટાલિયનની ફ્રિક્વન્સી જુદી હતી. બન્નેના વાયરલેસ સેટની બનાવટ પણ જુદી. પરિણામ ગંભીર નીવડ્યાં. મોટા ભાગની BSF પોસ્ટ, જ્યાં મિલિટરીની ટુકડી તેમના વાયરલેસ સાથે ન હોય, તો અમારા પોસ્ટ કમાંડર અને તેમના મિલિટરી કમાંડરો વચ્ચે વાતચીત શક્ય નહોતી, તેથી એકબીજાને પરિસ્થિતિ વાકેફ નહોતા કરી શકતા, કે ન કોઇ હુકમ પહોંચાડી શકતા. અમારી બહેણીયાઁ ચોકીનો વાયરલેસ સેટ છેલ્લા ૧૪ કલાકથી બંધ પડી ગયો હતો. અમને તેમની પરિસ્થિતિ વિશે જાણ નહોતી. તેમની સાથે મિલિટરીની કોઇ ટુકડી નહોતી તેથી તેમના બટાલિયન કમાંડર સાથે પણ તેમનો કોઇ સમ્પર્ક નહોતો. આ કારણે અમને કોઇને ખબર નહોતી કે તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે. તેઓ બે બાજુએથી આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયા હતા, અને પાછળની બાજુએ એક ઊંડો, તેજ ગતિથી વહેતો વહેળો હતો જે આગળ જતાં રાવિને મળતો હતો. આ વહેળો પાર કર્યા બાદ એક કિલોમિટર  પહોળો અને ત્રણ કિલોમિટર લાંબો બેટ. તે પાર કરીએ ત્યારે રાવિ નદીના કિનારે રાખેલી નૌકામાં બેસી પાર કરીને ધુસ્સી બંધ પર પહોંચાય.

    કર્નલને રામ રામ કરીને અમે નીકળ્યા બાદ ખ્યાલ આવ્યો કે ગઈ કાલ રાતના વાળુ બાદ અમારામાંથી કોઇએ સવારની ચ્હા નહોતી પીધી કે નહોતું કર્યું શિરામણ. દોઢ વાગી ગયો હતો. ત્રણે'ક કિલોમિટર ચાલ્યા બાદ ધુસ્સીની નજીક ત્રણ - ચાર ઝૂંપડા દેખાયા, જેમાંનું એક બંધને અડીને હતું. તેના નાનકડા ફળીયામાં સરકંડામાંથી બનાવેલી નાનકડી ટોપલી લઇને એક વૃદ્ધ માઈ બેઠાં હતાં.  મેં તેમને 'સત શ્રી અકાલ' કહી નમસ્કાર કરીને પૂછ્યું, "માઇ,  તમે હજી સુધી અહીં કેમ રહ્યાં છો? લડાઇ શરૂ થઇ ગઇ છે. આપે સહીસલામત જગ્યાએ જવું જોઇએ." આજુબાજુનાં ગામ ખાલી થઇ ગયા હતા.

માઇનો આખો ચહેરો કરચલીઓવાળો હતો. બોખા મુખેથી સ્મિત કરીને તેઓ બોલ્યાં, "પુત્તર, આખી જીંદગી આ ઘરમાં ગુજારી છે. હવે આ ઉમરે તે છોડીને ક્યાં જઉં? જુઓ, તમે ફૌજી દેશની રખ્યા કરવા નીકળ્યા છો, અહીં બેઠી છું તમારા જેવા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તે વાહે ગુરુનું લંગર સમજી આરોગો," કહી બાજુમાં રાખેલી છાબડી પર ઢાંકેલું કપડું ખસેડ્યું. તેમાંથી નીકળેલી એક સુંદર સોડમથી વાતાવરણ ખિલી ઉઠ્યું. આ વૃદ્ધ અન્નપૂર્ણાએ અમારી સામે ટોપલી ધરી અને અમારૂં હૃદય ભરાઇ આવ્યું. અમે સૌ ભુખ્યા થયા હતા. દરેકના ભાગે અર્ધી - અર્ધી રોટલી આવી. પાણી સાથે અમે જમ્યા અને જીવનભર યાદ રહી ગયો તેનો સ્વાદ. તેમાં ભારતમાતાની મમતાનો મોણ હતો અને આસ્થાનું ખમીર. કૃતજ્ઞતા અને માતાની દેશ સેવાની ભાવનાથી અમારો ઉત્સાહ સો ગણો વધી ગયો, નમસ્કાર કરી અમે આગળ વધ્યા.

    શિયાળામાં ઉત્તર ભારતમાં સૂરજ વહેલો ઢળી જાય છે,  બહેણીયાઁ પત્તન પર પહોંચતાં સુધીમાં સુરજબાપા ક્ષિતિજની તળાઇમાં પોઢી ગયા. ધુસ્સી બંધની નીચે પત્તન તરફ ગયા અને હૈયામાં ફાળ પડી. આનું કારણ :

    સામાન્ય રીતે અમારી નૌકા ધુસ્સીના કિનારે લાંગરેલી રહેતી અને બે જવાન ત્યાં હંમેશા રહેતા. બીજું : મને ઉમેદ હતી કે S.I. કરમચંદને તેમના ઑપ કમાંડરે પોસ્ટ છોડવાનો આદેશ આપ્યો હશે (જે તેમણે આપવો જોઇતો હતો),  તો તેઓ શેરપુર પોસ્ટના જવાનોની જેમ ત્યાં આવી પહોંચ્યા હશે. તે રાતે ન તો ત્યાં અમારી નાવ હતી કે નહોતાં કરમચંદ અને તેમના જવાન. તો શું તેમને દુશ્મને કેદ કરી લીધા હતા? બહેણીયાઁ પોસ્ટથી સીમા કેવળ ૧૫૦ ગજ પર હતી અને ત્યાંથી પાકિસ્તાનનો mainland શરૂ થાય. તેમની ચોકી બહુ બહુ તો ૫૦૦ ગજ દૂર હતી. જો તેમણે અમારી પોસ્ટ પર હુમલો કર્યો હોય તોઅમારા સૈનિકોને પોસ્ટ ખાલી કરી આપણી સુરક્ષિત જગ્યાએ જવા તન્ના નાળા પાર કરવો પડે. ત્યાંની નૌકા નાનકડી હતી અને વધુમાં વધુ ચાર સૈનિકો તેમાં બેસી શકે. તે પાર કરવા પોસ્ટના સઘળા જવાનોને ત્રણ ખેપ તો કરવી જ પડે. આ કારણસર પ્લૅટૂનની સલામતિ પર મોટું પ્રશ્નચિહ્ન હતું. અંગ્રેજીમાં જેને worst case scenario કહીએ, તે પ્રમાણે પાકિસ્તાનના હુમલામાં કેટલાક જવાનોને હાનિ પહોંચી હશે અને બાકીના યુદ્ધકેદી થયા હશે.

    આ સમગ્ર સ્થિતિનો ઊંડો - પણ તેજ ગતિથી વિચાર કરી મેં નક્કી કર્યું કે  જે કામ કરવા નીકળ્યા છીએ તે પૂરૂં કરવું. આગળની સઘળી કાર્યવાહી એક અનુભવી કમાંડરની જેમ સમ્પન્ન કરીશ.

    મારી ટુકડીમાં આ સ્થનનો જાણકાર સૈનિક હતો. રાવિના ક્યા ભાગમાં છિછરાં પાણી છે તે જાણતો હતો. અમારે હવે નદીમાં ઉતરી નદીના મધ્ય ભાગમાં આવેલા એક બેટ પર જવાનું હતું. લગભગ અર્ધો કિલોમિટર પહોળો અને બે - ત્રણ કિલોમિટર લાંબા ટાપુ પર  સરકંડાનું જંગલ હતું. તેમાં બનાવેલી પગદંડી પર આગળ વધીએ તો અગાઉ કહેલો તન્ના નાલા નામનો ઊંડો અને તેજ ગતિથી વહેતો વહેળો આવે. તે પાર કરી એક કિલોમિટર ચાલીએ ત્યારે બહેણીયાઁ પોસ્ટ આવે. 

    અંધારૂં, ટાઢ અને ધુમ્મસ જ્યારે ભેગા થાય ત્યારે તેમાં એક પ્રકારની ઘનતા આવી જાય એવું લાગે. રાવિ નદી પર તેની ઘનતા બેયોનેટ વતી કાપી શકાય એટલી ભારે હતી !  અમે ફરી એક વાર 'બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ' ના હળવા નાદથી રાવિમાં પગ મૂક્યો. ફરી એક વાર સો - સો વિંછીઓના ડંખનો અનુભવ. હાડકાં થરથરી ગયા. બૂટ - મોજાં ભીના થયા અને ત્વચાની ઉષ્ણતાને કારણે બરફની જેમ જામ્યા નહી. પહેલાં પગનાં તળીયાં અને ત્યાર બાદ ઘૂંટી, ઘૂંટણ, સાથળ અને કમર પર બરફની પોટલી મૂકાતી ગઇ. અંતે છાતી સમાણાં. અમે હથિયાર ઉપર ધરીને ચાલતા હતા. આ વખતે અમારો ભોમિયો આગળ, અને તેની પાછળ હું અને અમારા જવાન, પંજાબ રેજિમેન્ટના સુબેદાર સાહેબ અને તેમના દસ જવાન.

    Celloના તાર પર ફરતા bowની હળવી તરજથી ખરજનો સૂર નીકળે તેમ એક solo તમરાનું ગીત શરૂ થયું.   અમે રાવિ પાર કરી અને કિનારા પર પહોંચ્યા. સૌ ઠરીને હિમ જેવા થઇ ગયા હતા. અમારા પૂરા કપડાં ઠંડા પાણીમાં પૂરી રીતે ભીંજાઇ યગયા હતા. સરકંડામાં બનાવેલી પગદંડી પર મેં જવાનોને બેસવાનો હુકમ ઇશારાથી તુલસીરામને આપ્યો. તેણે તે ધીમે ધીમે છેલ્લા સૈનિક સુધી પહોંચાડ્યો અને ચોકસાઇ કરી કે સૌ કિનારા પર પહોંચી ગયા છે, અને સૌના હથિયાર - ગોળીઓ ઠીકઠાક છે. હવે મેં આગેવાની લીધી અને ઇશારાથી સૌને મારી પાછળ આવવાની સૂચના આપી. ઊંચા સરકંડાના જંગલ પરની પગદંડી પર અમે  આગળ વધી રહ્યા હતા

    ધીમે ધીમે તમારાંઓના સમૂહ ગાયનનો ઑરકેસ્ટ્રા શરૂ થયો. તેઓ હવે પૂર જોશમાં 'ગાવા' લાગ્યા હતા. પવન અત્યાર સુધી ધીરેથી વહેતો હતો તેણે પોતાની ગતિ વધારી અને સૂસવાટા થવા લાગ્યા.  ચોકી સુધી પહોંચતામાં crescendo થશે અને આ સમૂહવાદનની પૂર્ણાહૂતિમાં cymbalsનો ધડાકો ક્યારે થશે એવો વિચાર કરતો હતો, ત્યાં અચાનક...

  


.

1 comment:

  1. અમારી સ્થિતી
    जीवन बीन मधुर न बाजे झूठे पढ़ गये तार
    बिगड़े काठ से काम बने क्या मेघ बजे न मल्हार (२)
    पंचम छेड़ो मध्यम बोले खरज बने गन्धार (२)
    बीन के झूठे पढ़ गये तार
    जीवन बीन मधुर न बाजे झूठे पढ़ गये तार
    बीन के झूठे पढ़ गये तार
    इन तारो को खोलो इन तरभो को फेंको फेंको
    उत्तम तार नयी तरभे हो, तब हो नया श्रिंगार
    इस तरभे से जो सुर बोले गूंज उठे संसार
    बीन के झूठे पढ़ गये तार
    जीवन बीन मधुर न बाजे झूठे पढ़ गये तार
    बीन के झूठे पढ़ गये तार
    बजने को है गूंज नगाड़ा होना है सबसे छुटकारा
    अपना जो है उसे समझ लो वह भी नहीं हमारा ની છે ત્યારે 'આ વૃદ્ધ અન્નપૂર્ણાએ અમારી સામે ટોપલી ધરી અને અમારૂં હૃદય ભરાઇ આવ્યું ,ધન્ય ધન્ય મા અને પ્રસાદ પામનારાઓ !
    ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે
    અહીં ગાતા વૃક્ષ વીપીંગ વીલો.પવન આવે ત્યારે તેમના પાંદડા હાલવા લાગે અને તેમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. ખૂબ પવન આવે ત્યારે જાણે સમગ્ર વાતાવરણ સંગીતમય હોય એવું લાગે. જેમાંથી અદ્દભુત પ્રકારનો ધ્વનિ સંચાર થાય છે. રાતના સમયે વૃક્ષોમાંથી રડવાનો અવાજ પણ સંભળાય છે.
    'cymbalsનો ધડાકો ક્યારે થશે એવો વિચાર કરતો હતો,
    ત્યાં અચાનકની રાહ---

    ReplyDelete