Pages

Sunday, September 26, 2021

કાળ રાત્રી

 તમરાંઓના ચિત્કાર સમા સમૂહગાનને પણ ભેદીને આવતો આછા કડાકા-સમો અવાજ સાંભળ્યો - જે હતો લાઇટ મશિનગનનો ઘોડો ચઢાવવાનો અવાજ  - 'ખટાક - ખટાક'. હું જે સ્થળે ખડો હતો ત્યાંથી કોઈ પંદર - વીસ ફિટ નજીકથી. ઘનઘોર અંધારામાં, સરકંડાના જંગલમાં આવેલી કેડીની આજુબાજુમાં આઠ-દસ ફિટ ઉંચા ઘાસમાં આ LMG ક્યાં છુપાયેલી હતી, તેનો ઘોડો ચઢાવનાર કોણ હતો, દોસ્ત કે ધુશ્મન - કશી ભાળ નહોતી પડતી. હું એકદમ થંભી ગયો.  આ એવી સ્થિતિ હતી કે LMG ધારક જવાનની આંગળીનું ઘોડા પરનું દબાણ એક વાળના તાંતણા જેટલું વધે કે ત્રણ સેકંડમાં ૨૮ ગોળીઓ વછૂટે. અમે એટલા નજીક હતા કે તેના  પહેલા પ્રહારમાં જ આ પગદંડીમાં એક લાઇનમાં ચાલી રહેલા મારી પંક્તિમાંના જિપ્સી સમેત આઠ દસ જવાન તત્કાળ મૃત્યુ પામે. 

    અવાજ પરથી તરત ખ્યાલ આવ્યો હતો કે LMGની પાછળનો સૈનિક અમને જોઇ શકતો હતો. બે-ત્રણ સેકંડ બાદ પરમાત્માના આશિર્વાદ સમા શબ્દ સંભળાયા,"થમ, કૌન આતા હૈ?"

    આ અમારી સેનાનું ચૅલેન્જ વાક્ય હતું! 

    અમારી drill પ્રમાણે મેં તરત જવાબ આપ્યો, "દોસ્ત".

    "દોસ્ત, હાથ ઉપર. પહેચાન કે લિયે આગે બઢો. અકેલે."

    હું આગળ વધ્યો અને LMGની નળીથી ત્રણ ફિટ દૂર હતો, ત્યાં હળવેથી બોલાયેલો હુકમ સાંભળ્યો. "થમ. રૅંક નામ ઔર રેજિમેન્ટકી પહેચાન દો."

    આ સમય એવો હતો કે મારી પાસે કે મારી સામેની ટુકડી પાસે તે રાતનો પાસવર્ડ નહોતો જેના કારણે સામેના જવાને આ સવાલ પૂછ્યો મેં જવાબ આપતાં જ LMGનો ઘોડો ઉતારવાનો અવાજ સાંભળ્યો અને મારી સામે નારાયણની જેમ અવતરિત થયા સબ ઇન્સ્પેક્ટર કરમ ચંદ. આ ડોગરા રાજપુત old soldierને હું ઠાકુરસા'બ કહીને બોલાવતો.


સબ ઇન્સ્પેક્ટર કરમચંદ
President's Police & Fire Services Medal For Gallantry
વિજેતા.
 
 

    "સાબ, અમને આશા નહોતી કે આજ રાતના અંધારામાં આપ જાતે અહીં આવશો. સવારે અમને શોધવા કોઇ આવશે એવી ઉમેદ હતી." હું તેમને ભેટી પડ્યો. ઠાકુર સાહેબ પોતે LMG ધારકની પાસે જમીન પર લેટીને અમને ચૅલેન્જ કરી રહ્યા હતા. ટ્રેનિંગના પાકા, અનુભવી, ઓછાબોલા અને શાંત સ્વાભાવના. તેમના કારણે અમે જીવી ગયા. કારણ કહીશ.

   બે દિવસ પહેલાં જ ઉપર જણાવેલા કર્નલની બટાલિયનની એક પેટ્રોલ માર્ગ ભુલીને તેમની જ બટાલિયનની અન્ય કંપનીની રક્ષાપંક્તિના વિસ્તારમાં ગઇ હતી. ત્યાં LMG વાળો જવાન નવો રિક્રૂટ હતો. રાતના સમયે તેની સામે અચાનક આવેલી ટુકડીને જોતાં તેણે ચૅલેન્જ કર્યા વગર ઘોડો દબાવ્યો હતો અને તેની જ રેજીમેન્ટના ચાર જવાન તે જ ક્ષણે, એ જ જગ્યાએ ઢળી પડ્યા હતા. મિલિટરીમાં આને friendly fire કહે છે. આ ફેર છે સખત ટ્રેનિંગ અને તેના પાલનમાં. આગળ જે થયું તેનું વર્ણન જિપ્સી કરે, તેના કરતાં ભારત સરકારના ગૅઝેટ નોટિફિકેશન જોવા વિનંતી. બહેણીયાઁ ચોકીમાં દુશ્મન બેઠો હતો. જે કાર્યવાહી થઇ તેમાં ઠાકુર સાહેબ તથા મારા તે અભિયાનના સેકન્ડ-ઇન-કમાંડ, નાયક તુલસીરામને જિપ્સીની જેવા જ President's Police & Fire Services Medal એનાયત થયા હતા.



 








    આ અભિયાનમાં એક રમુજી વાત બની ગઇ. જતાં પહેલાં અમારૂં સામૈયું કરનાર તેમના બંકરમાં હુક્કો છોડી ગયા હતા!




   

1 comment:

  1. -
    "LMGની નળીથી ત્રણ ફિટ દૂર હતો, ત્યાં હળવેથી બોલાયેલો હુકમ સાંભળ્યો. "થમ. રૅંક નામ ઔર રેજિમેન્ટકી પહેચાન દો."
    સાંભળી છક્કા છૂટી જાય ----
    ત્યાર બાદ જે રીતે મૃત્યુના મુખથી પાછા આવ્યા તે પ્રભુકૃપા સાથે બંકરમાં હુક્કો છોડી'જેવી રમુજી ઘટના માણી શકાય તે મીલીટરી ટ્રેનીંગને ધન્ય છે
    -

    ReplyDelete