Pages

Friday, September 24, 2021

કોણ હતા એ તારણહાર ?

    કહેવાય છે કે એક ચિત્ર સો શબ્દોની ગરજ સારે છે. અત્યાર સુધી આપે "રાવિ, ધુસ્સી બંધ અને સરકંડા" શબ્દો વાંચ્યા. હવે જુઓ તે સ્થળની તસ્વિરો.  આપેલા ચિત્રોમાંનું  ડાબી બાજુનું ચિત્ર છે ધુસ્સી બંધનો spur. તેના પર ખડા યુવાનને scale તરીકે લઇએ તો ખ્યાલ આવશે કે નદીનો પટ કેટલો પહોળો છે, અને પાણી કેટલાં ઊંડાં.  જમણી તરફના ચિત્રમાં નદીમાં આવેલું પૂર છે અને તેના ધસમસતા પ્રવાહે ધુસ્સી બંધનું કેટલું નુકસાન પહોંચાડ્યું છે. સામાન્ય રીતે જ્યાં લોકો કામ કરી રહ્યા છે, તે ભાગ દસ-બાર ફિટ પહોળો હોય છે, જેના પરથી જીપ અને one-ton ટ્રક સહેલાઇથી જઇ શકે છે. આ ભાગ પર મોરચા (bunker) બાંધી શકાય છે.  



રાવિમાં પૂર આવે તો ધુસ્સી બંધની આ દશા થાય.
રાવિના ડાબા કાંઠાની પેલે પાર અમારી ચોકીઓ.
રાવિ નદી પરના ધુસ્સીબંધનું દૃશ્ય. નીચે જમણી તરફ
ખાંચો દેખાય છે, ત્યાં નૌકા લાંગરી શકાય.







 

    અમારી ચોકી પર જવા ડાબી તરફના ચિત્રમાં બતાવેલ ધુસ્સીની નીચે યોગ્ય સ્થળે નૌકા લાંગરવામાં આવે છે. તેમાં બેસી નદી પાર કર્યા બાદ સામા કાંઠે આવી જ કોઇ જગ્યાએ ઉતરવાનું સ્થળ હોય છે,  જેને 'પત્તન' કહેવાય છે. ત્યાં ઉતરી, નીચેના ચિત્રમાં દર્શાવેલ સરકંડાના ઘાસના જંગલમાં બનાવેલી પગદંડી પર ચાલીને એકાદ કિલોમિટર જઇએ ત્યારે અમારી આઉટપોસ્ટ આવે. આઉટપોસ્ટની ચારે તરફ ધુસ્સી બંધ જેવો કોટ બાંધવામાં આવેલા છે. ત્યાંથી આંતરરાષ્ટ્રીય સીમાના BP (બાઉન્ડરી પિલર) દોઢસોથી બસો ગજના અંતરે હોય છે.  આ ચિત્રો જોઇને અંદાજ આવશે કે રાવિ નદીમાં પગપાળા ઉતરીને ગળાડૂબ પાણીમાંથી શિયાળાની ટાઢમાં, સો'એક ગજ પહોળા નદીના પટમાંથી ચાલીને જવાનું હોય, અને પારો શૂન્યની આસપાસ હોય તો જવાનોની હાલત કેવી થઇ હશે ! પણ આ હતા ભારતીય સૈનિકો. સૌ આનાકાની કર્યા વગર તેમના અફસર પર વિશ્વાસ રાખી, શિર હાથમાં લઇ આગળ વધતા હતા. 

    નદીને પેલે પાર લગભગ છ થી આઠ ફીટ ઉંચા સરકંડાના ઘાસનું જંગલ આવે જેમાંથી પગદંડી બનાવી પોસ્ટ સુધી જવાય. જંગલનું એક દૃશ્ય.

આવી ઝાડીમાં રાતના અંધારામાં સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના જવાન
LMG તાણીને બેઠા હતા. તેની નાળની સીધી લાઇનમાં હતા...અમે ! 


***

સવારના અગિયાર - બાર થવા આવ્યા હતા. દુશ્મન તેની મશિનગનથી અમારો સંહાર કરવા ઉત્સુક હતો. પાણીમાં પાંખ વગરના બતક જેવી અમારી હાલત હતી. અમે હવે ગરદન સમાણા પાણીમાં હતા, જેથી અમારી સામે દુશ્મન આવે તો પણ અમે તેના પર ફાયરિંગ ન કરી શકીએ.

    આ સ્થિતિ એવી હતી કે મારે તત્કાળ નિર્ણય લેવાનો હતો. મારી ટુકડીને લઇ રાવિ પાર જતાં પહેલાં મેં કર્નલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું attack કરવા નહીં,  Recce (Reconnaissance) કરવા માટે મારી Patrol Party સાથે જઈશ. રેકી પેટ્રોલના કેટલાક નિયમ અને સિદ્ધાંત હોય છે, જેનું વિવરણ કરવું જરૂરી છે. 

    રેકી પેટ્રોલનું મૂળભૂત કામ એક જ હોય : Reconnaissance - જેનો અંગ્રેજી અર્થ છે "Military observation of a region to locate an enemy or ascertain strategic features." અર્થાત્ કોઇ એક વિસ્તારમાં દુશ્મનની ટુકડી છે કે નહીં તેની તપાસ કરવી; અથવા કોઇ એક સ્થાન લશ્કરી અભિયાન માટે ઉપયોગી છે કે કેમ તેનો કયાસ કરવા જતી ટુકડી તે રેકી પેટ્રોલ. 

આ બેઉ પ્રકારની પેટ્રોલના ઉદાહરણ આપીએ.

(૧) સન ૧૯૯૯માં જનરલ મુશર્રફે ભારત સાથેની સમજુતિનો ભંગ કરી ચોરી છુપીથી તેમની સેનાને ભારતના કારગિલ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે મોકલી હતી. તેમના કેટલાક સૈનિકોને ભારતના એક ગાડરિયાએ જોયા અને તેની માહિતી આપણી સેનાના ઉચ્ચ અધિકારીઓને આપી. આ માહિતી સાચી છે કે કેમ તેની તપાસ કરવા આપણી સેનાએ કૅપ્ટન સૌરભ કાલીઆની આગેવાની હેઠળ આઠ સૈનિકોની ટુકડીને રેકી પેટ્રોલ મોકલી હતી.   

(૨) ૧૯૭૧માં જિપ્સીની શેરપુર ચોકીની નૌકા લાંગરવાનું સ્થાન લશ્કરી અભિયાન માટે કેટલું અગત્યનું છે અને તેના પર કબજો કરવાથી શો લાભ થશે તે જોવા પાકિસ્તાનની સેનાએ એક ટુકડી મોકલી હતી, જેનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે રેકી પેટ્રોલ લડવા માટે નહીં, તપાસ કરવા મોકલવામાં આવે છે. આવી પેટ્રોલ પાર્ટી પર ગોળીબાર થાય તો પેટ્રોલ કમાંડરની જવાબદારી છે કે તેના બને એટલા સૈનિકોને તેની અસર નીચેથી બચાવીને પાછા base પર લઈ આવે.

    જિપ્સી તેની ટુકડી લઈને ચાર્લી કંપનીની ખાલી કરેલી ચોકીની શી સ્થિતિ છે, અને તેના પર કબજો મેળવવા અમારે કઇ જાતની કાર્યવાહી કરવી જોઈશે તેની તપાસ માટે નીકળ્યો હતો.  રાવિના મધ્ય-પ્રવાહમાં પહોંચતાં જ અમારા પર મશિનગનનો મારો શરૂ થયો હતો તે જ પુરવાર કરતું હતું કે આ પોસ્ટ દુશ્મનના કાબુ હેઠળ છે. અમે તેમની ફાયરિંગની રેન્જમાં હતા, તેથી જે માર્ગે અમે ત્યાં જવા નીકળ્યા હતા, તે માર્ગ સુરક્ષિત નહોતો. આ માહિતી આમ લગભગ વિના સાયાસ મળી હતી. હા, અમે તેમની રેન્જમાં હોત તો કદાચ અમારાં મડદાંઓએ આ વાત કર્નલ સાહેબને જણાવી હોત તે વાત જુદી ! હવે માઝી મેવાઁ ચોકીમાં તેમના કેટલા સૈનિકો છે, અને તેમની તપાસ કરવા જવાનું હોય તો મારે બીજા રસ્તેથી ત્યાં જવું જોઈશે, એવું નક્કી કર્યું. હવે મારી જવાબદારી મારી ટુકડીને સહીસલામત પાછા બેઝ પર લઈ જવાની હતી. સૌ પ્રથમ મેં જવાનોને દુશ્મનની મશિનગનની રેન્જથી દૂર કાઢ્યા અને પાછા વળવાનો હુકમ કર્યો. 

   જેમ જેમ અમે પાછા ફરવા લાગ્યા, દુશ્મનનું ફાયરિંગ ઘનીષ્ઠ થતું ગયું. ગોળીઓ નજીક વરસવા લાગી. સદ્ભાગ્યે હજી પણ અમે તેમની ઘાતક રેન્જની બહાર હતા તેથી  સુરક્ષિત પાછા આવી ગયા. કર્નલ મારી પાસે ઝઘડવાના ઇરાદાથી આવ્યા હતા. પણ આ વખતે તેમની રૅંકની પરવા કર્યા વગર તેઓ કંઇ કહે તે પહેલાં જ મેં તેમને પૂછ્યું, "મારી પેટ્રોલ પર દુશ્મન મશિનગન ચલાવી રહ્યો હતો ત્યારે તમે મને શા માટે covering fire ન આપ્યું? તમે જોયું નહીં કે પાણીમાં અમે sitting ducks જેવી સ્થિતિમાં હતા?" આ ઉપરાંત ઘણી વાતો થઇ, જેનું વર્ણન યોગ્ય નહીં ગણાય. 

    કર્નલ પાસે કહેવા જેવું કંઇ નહોતું.  હું તેમના ઑપરેશનલ કમાંડ નીચે નહોતો. મારા કમાંન્ડન્ટને કે બ્રિગેડ કમાંડરને જણાવ્યા વગર મને આ અભિયાન પર મોકલી તેમણે નિયમનો ભંગ કર્યો હતો. આ બાબતમાં તપાસ થાત તો એ પણ જણાઇ આવ્યું હોત કે મારી પેટ્રોલને extricate કરવા માટે તેમની પાસે ઉચિત સંખ્યામાં હથિયારબંધ સૈનિકો હતા તેમ છતાં કોઇ કાર્યવાહી કરી નહોતી. આ તેમની dereliction of dutyમાં આવી જાય.

    મારો પોતાનો અંગત નિયમ હતો કે કોઇ કામ અધવચ્ચે ન છોડવું. મેં કર્નલ ગુરબચનને કહ્યું, "દિવસના ઉજાસમાં માઝી મેવાઁની રેકી શક્ય નથી. દુશ્મન અમને  જોઇ શકે છે અને તેમની મશિનગન અને આર્ટિલરીનો મારો કરાવી શકે છે. હું મારી રીતે આ કામ પૂરૂં કરીશ. આ માટે હું ઉપરવાસ જઇ, યોગ્ય સ્થળેથી નદી પાર કરીશ," કહી સૅલ્યૂટ કરી મારા જવાન પાસે જવા લાગ્યો ત્યારે કર્નલે મને બોલાવ્યો.

    "સાંભળ, DSP,"  કર્નલ અમને હજી પોલીસવાળા માનતા હતા, તેથી મારી રૅંક - જે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની હતી, તે ન વાપરતાં પંજાબમાં DySPને DSP કહે છે તેમ ઉદ્દેશીને કહ્યું "તારી પાસે જવાનોની સંખ્યા પૂરતી નથી. મારા સુબેદાર અને તેમની સાથેના દસ સિપાહીઓને તારી સાથે મોકલું છું. મારો વાયરલેસ સેટ તેમને આપું છુું તેથી મારી સાથે સમ્પર્ક રહેશે. કૅરી ઑન!"

    હવે અમારી સંખ્યા વધીને લગભગ વીસ - બાવીસની થઇ હતી. અમે ધુસ્સી પરથી જ ઉપરવાસ માર્ચિંગ શરૂ કર્યું.


   

1 comment:

  1. લડાઇની ગંભીરતા અને તે અંગે સતત તકેદારી રાખી આગળ વધી જીતવાની વાતો કરવી અને તે કામ સફળતાપૂર્વક પાર પાડવુ તે વાતો
    'રાવિમાં પૂર આવે તો ધુસ્સી બંધની આ દશા થાય.
    રાવિના ડાબા કાંઠાની પેલે પાર અમારી ચોકીઓ.'
    'રાવિ નદી પરના ધુસ્સીબંધનું દૃશ્ય. નીચે જમણી તરફ
    ખાંચો દેખાય છે, ત્યાં નૌકા લાંગરી શકાય.'
    'આવી ઝાડીમાં રાતના અંધારામાં સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના જવાન
    LMG તાણીને બેઠા હતા. તેની નાળની સીધી લાઇનમાં હતા...અમે ! 'આ ત્રણ ફૉટાઓથી વધુ સારી રીતે સમજાઇ તેની વીડીયો હોય તો યુ ટ્યુબથી વધુ સારી રીતે સમજાય
    આ રીતે બને તેટલા ફોટા જરુર મુકશો ધન્યવાદ

    ReplyDelete