Pages

Thursday, September 30, 2021

વિજય કે નામોશી?

    બીજા દિવસની વહેલી સવારે જિપ્સીને તેના કમાન્ડન્ટે બોલાવ્યો. તેમનો ચહેરો ઘેરી ચિંતામાં વ્યગ્ર થયેલો જણાયો. 

    "એક અતિ મહત્વની કામગિરી તમને સોંપું છું. આજે પરોઢિયે મને બ્રિગેડિયરનો ટેલીફોન આવ્યો. તેમણે જણાવ્યું કે ગઇ કાલે બુર્જ પર આપણા સૈનિકોએ હુમલો કરીને કબજો કર્યા બાદ મધરાતે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપનીને relieve કરવા તેમની રિઝર્વ કંપની ગઇ હતી. તેમના કંપની કમાંડરે રિપોર્ટ આપ્યો કે બપોરના હુમલામાં BSFની બે પ્લૅટૂનોએ ભાગ લીધો હતો, તેમનો કોઇ પત્તો નથી. બ્રિગેડ કમાંડર તો ત્યાં સુધી બોલી ગયા કે તમારા પોલીસવાળા યા તો રણભૂમિ છોડી નાસી ગયા છે, નહીં તો દુશ્મને કરેલા કાઉન્ટર-ઍટેકમાં હથિયાર નાખી તેમને શરણે ગયા છે.

    "બ્રિગેડિયરે કહેલા બન્ને scenario આપણી બટાલિયન માટે નામોશી લાવે તેમ છે. જ્યાં સુધી આ વાતની સત્યતા જાણવા ન મળે ત્યાં સુધી તેનો રિપોર્ટ આપણા BSFના ઉપરના હેડક્વાર્ટર્સમાં કર્યો નથી. તમને મહત્વનું કામ સોંપું છું. તમે જાતે જઇને તપાસ કરો કે અસલ હકીકત શું છે. આ ગુપ્ત કામગિરી છે તેથી તેની વાચ્યતા ક્યાંય ન થાય.  તમારે એકલા જવાનું છે. સાથે એસ્કોર્ટ પણ નથી લઇ જવાનો. મારો ડ્રાઇવર જર્નૈલ સિંહ મારી જીપ સાથે તૈયાર છે. જર્નૈલ મારો અત્યંત વિશ્વાસુ સિપાહી છે. તે આની વાત કોઇને નહીં કરે."

    CO સાહેબની વાત સાંભળી હું હેબતાઇ ગયો. અમારા પ્લૅટુન કમાંડર અને સૈનિકો, જેમને યુદ્ધનો કશો અનુભવ નહોતો તેમ છતાં આટલું શૌર્ય દાખવીને દુશ્મન પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેમના માટે ઉપર દર્શાવેલ આક્ષેપ ન કેવળ બેહૂદા હતા, મને તો તે અપમાનાસ્પદ લાગ્યા. હજી ગઇ કાલે જ હું એક એવા અભિયાનમાંથી પાછો આવ્યો હતો, જેમાં અમારા જવાનોએ કેવળ બહાદુરી નહીં, સમયસૂચકતા, ધૈર્ય અને અડગ દેશભક્તિ દાખવી દુશ્મના તોપખાના સામે દૃઢતાપૂર્વક ટકી રહેવાનું પરાક્રમ દાખવ્યું હતું. COને સૅલ્યૂટ કરી હું બહાર ગયો. જર્નૈલ સિંહ જીપ સાથે તૈયાર હતો.

    બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી નીકળીને પહેલાં મેં જર્નૈલસિંહને ડેલ્ટા કંપનીના ભિંડી ઔલખ નામના ગામની સીમમાં ધુસ્સી બંધની નજીક આવેલા હેડક્વાર્ટર્સમાં લઇ જવાનો હુકમ કર્યો. એક કલાકના પ્રવાસ બાદ અમે આ ઉજ્જડ થયેલા ગામમાં પહોંચ્યા. આનું એક કારણ હતું.

    મિલિટરીના SOP (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) પ્રમાણે કોઇ પણ યુનિટ - બ્રિગેડ, બટાલિયન, કંપની અથવા પ્લૅટૂન દુશ્મનની રક્ષાપંક્તિ પર હુમલો કરી તેના પર કબજો કરી લે એટલે રાતના સમયે તેમના સ્થાને રિઝર્વમાં રાખેલ યુનિટને મોકલવામાં આવે છે. Attackમાં ભાગ લેનાર સૈનિકોને સારવાર, વિ. માટે હેડક્વાર્ટર્સમાં લઇ જવામાં આવે છે.  તેથી મેં પ્રથમ કંપનીના મુખ્ય મથક પર જવાનો નિર્ણય લીધો. ભિંડી ઔલખ પહોંચ્યો ત્યારે કંપનીના જૈફ કમાંડર ઇન્સ્પેક્ટર કરણસિંહ - જેઓ એક અઠવાડિયા નાદ નિવૃત્ત થવાના હતા, તેમને મળ્યો. બુર્જની ઐતિહાસિક લડાઇ અને અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ અજીતસિંહ અને પ્રકાશચંદની પ્લૅટૂન્સ વિશે તેમને કોઇ ખબર મળી નહોતી. કરણસિંહ તેમની કંપનીના ટ્રકમાં બેઉ પ્લૅટૂનોના જવાનો માટે ભોજન, ચા - શિરામણ વિ. તૈયાર રાખી બેઠા હતા. તેમના ઇન્ફન્ટ્રી કમાંડર પાસેથી અમારા સૈનિકોના સ્થાન વિશે તેમને કશી માહિતી નહોતી મળી. 

    ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં BSFને પ્રથમ વાર પ્રત્યક્ષ યુદ્ધમાં મિલિટરીના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે  જવું પડ્યું હતું. તેથી યુદ્ધ માટે અતિ આવશ્યક ગણાતી સંચાર પદ્ધતિનો ઊંડો વિચાર કે નિયોજન કરાયું નહોતું. BSFના સંચાર ડાયરેક્ટર પંજાબ પોલીસના અધિકારી હતા. તેમણે પોલીસ કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થા કરી હતી ! મિલિટરી તરફથી પણ સંયુક્ત સંચાર પદ્ધતિ (coordinated communication system) નું કોઈ સંયોજન કરવામાં આવ્યું નહોતું. તેથી મિલિટરીના કમાંડ નીચેના અમારા જવાનો - જેમના વાયરલેસ સેટ બૅટરી વગર નકામા હતા અને તેથી તેઓ ન તો અમારી કંપની કે બટાલિયન સાથે કોઇ સંપર્ક  રાખી શક્યા, ન તેમના ઑપરેશનલ કમાંડર સાથે ! 

    કરણસિંહ દુ:ખી હતા. તેમના જવાનો માટે ભોજન તૈયાર હતું પણ ક્યાં પહોંચાડવું તેની માહિતી તેમને ક્યાંયથી મળતી નહોતી.  મેં તેમને ત્યાં જ રોક્યા અને કહ્યું કે હું તપાસ કરીને તેમને માહિતી આપું ત્યાર બાદ યોગ્ય સ્થળે ભોજન મોકલે.

    જર્નૈલ અને હું ઉતાવળે જ ત્યાંથી નીકળીને રણમેદાનમાં પહોંચ્યા. 

    


ત્યાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપની મોરચાબંધી કરીને ડિફેન્સમા બેઠી હતી. કંપની કમાંડર મેજર તેજા નામના શીખ અફસર હતા. તેમના કહેવા પ્રમાણે રાતે જ્યારે તેમણે મેજર રણવીરસિંહની કંપની પાસેથી ચાર્જ લીધો ત્યારે તેમને BSFની બે પ્લૅટૂન વિશે ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે બન્ને પ્લૅટૂનોએ બુર્જના યુદ્ધમાં મહત્વનું કામ કર્યું હતું, પણ ત્યાર બાદ તેમને ક્યાં deploy કરવામાં આવ્યા તેની કોઇ માહિતી આપવામાં આવી નહોતી. 

    તેજા પાસેથી નીકળી અમે તેમની સૌથી આગળની ખાઇ પર પહોંચ્યા, ત્યાં નાયબ સુબેદાર જાધવ હતા, મને મરાઠી આવડે તેથી તેમની સાથે વિગતથી વાત કરી. તેમણે કહ્યું, 'સાહેબ. હું પૉઇન્ટ પ્લૅટૂન -  (દુશ્મનને રોકનાર ભાલાની અણી સમાન પ્લૅટૂન)નો કમાંડર છું. મને મળેલા હુકમ અને briefing પ્રમાણે મારી સામેનો વિસ્તાર No Man's Land છે. તેમાં દુશ્મને કઇ જગ્યાએ માઇન ગોઠવી છે, તેમના સિપાઇઓ ક્યાં મોરચા બાંધીને બેઠા છે તેની અમને કશી જાણ નથી. અમને defense માં જે કાર્યવાહી કરવાની હોય છે તે કરવાનો હુકમ છે.' આનો અર્થ, સામેથી કોઇ આવે તો તેને દુશ્મન સમજી તેના પર 'યોગ્ય' કાર્યવાહી કરવાની ! 

    હું પાછો મેજર તેજા પાસે ગયો. તેણે મેજર રણવીરસિંહની કંપનીને relieve કરી ત્યારે તેઓ તેમના સૈનિકો સાથે તેમના બટાલિયન હેડક્વાર્ટરમાં ગયા એવું જણાવ્યું. 

   અમારી સ્થિતિ  'બાઇ, બાઇ ચાળણી, પેલે ઘેર જા' જેવી  હતી. તેજાની વાત સાંભળી અમે સીધા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના CO પાસે ગયા. તેમને BSF પ્રત્યે ખાસ પ્રેમભાવ નહોતો. તેમણે એટલું જ કહ્યું, "તમારી પ્લૅટૂનને રિલીવ કરવાની જવાબદારી તમારા કમાન્ડન્ટની છે, મારી નહીં." મેં તેમને કહ્યું કે આ બન્ને પ્લૅટૂનો તેમના ઑપરેશનલ કમાંડ નીચે હતી તેથી આ વિશે અમને માહિતી મળી હોત તો..."

    "મારી સાથે argue ના કર. મારે બ્રિગેડ હેડક્વાર્ટરમાં મિટિંગમાં જવાનું છે,  કૅરી ઑન," કહી મને રવાના કર્યો!

    ત્યાંથી નીકળી એક વડલાના ઝાડ નીચે મેં જીપ રોકી. બે મિનિટ શાંતિથી વિચાર કર્યો અને એક ગંભિર નિર્ણય લીધો.

    "જર્નેલ, જીપ સીધી મરાઠાઓના defence તરફ લઇ લે."

    ત્યાં પહોંચીને મેં મેજર તેજાને કહ્યું, "તેજા, હું No man's landમાં તપાસ કરવા જઉં છું. જો ત્યાં દુશ્મન હોય અને અમે તેમના ગોળીબારમાં સપડાઇ જઇએ તો મને covering fire આપી બહાર નીકળવામાં મદદ કરી શકીશ?"

    "મારે મારા COને પૂછવું પડશે," કહી તેણે મારી સામે જ વાયરલેસ પર કર્નલ પોપટલાલ પાસે રજા માગી. જીવનમાં કદી ન ભુલી શકાય તેવા કર્નલના નિષ્ઠુર શબ્દો સાંભળવા મળ્યા. "You will not - repeat not - give any covering fire to that BSF man. Over and out."  છેલ્લા ત્રણ શબ્દોનો અર્થ : મારો હુકમ અહીં પૂરો થાય છે, અને આ બાબતમાં મારે આગળ કશું સાંભળવું નથી.

      મેજર તેજાના ચહેરામાં મને ખરે જ નિરાશાનો આભાસ થયો. તે મને મદદ કરવા માગતો હતો, પણ તેના COએ કઇ ગણત્રીથી આવો હુકમ આપ્યો તે ખુદ ન સમજી શક્યો, ન હું. અમે એક જ સેનાના સૈનિકો હતા, અને એક જ અભિયાનમાં ખભા સાથે ખભો મેળવીને હજી ગઇ કાલે જ વિજયી થયા હતા. તેણે મને એટલું જ કહ્યું, " હું ઘણો દિલગીર છું. મને સ્પષ્ટ હુકમ મળ્યો છે, નહીં તો..."

    મેં તેનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયો.  તેજાની અગ્રિમ પ્લૅટૂન પાસે   પહોંચી મેં જીપ રોકી. જર્નૈલસિંહને ત્યાં રોકાવાનું કહી હું પગપાળો આખરી ટ્રેન્ચ પર ગયો. આગળ નો મૅન્સ લૅન્ડ હતો. ત્યાંથી પચિસે'ક ગજ આગળ જઇ સામેની જગ્યાનું નિરિક્ષણ કર્યું. 

    આ એ જગ્યા હતી જ્યાં ગઇ કાલે જબરું યુદ્ધ ખેલાયું હતું. ત્યાં ભયંકર સ્મશાન શાંતિ ફેલાયેલી હતી. મૃત્યુના ઓળા ચારે તરફ વેરાયા હતા. ધુસ્સી પરના યુકેલિપ્ટસના વૃક્ષોમાંથી વિંઝાતા વાયુમાંથી જાણે મૃત સૈનિકોના આત્માના નિ:શ્વાસ સંભળાતા હતા. લોક શાયર ઝવેરચંદ મેઘાણીએ ભૂચર મોરીના રણાંગણનું વર્ણન 'ભૂત રુવે ભેંકાર'થી કર્યું હતું તેથી વધુ 'ભેંકાર' દૃશ્ય  જોવા મળ્યું. આપણી ઇન્ફન્ટ્રીની છેલ્લી ટ્રેન્ચની આગળ લગભગ સો - દોઢસો ગજ સુધીની ધુસ્સી બંધમાં તૈયાર કરાયેલી  ટ્રેન્ચમાં મૃત બલુચ સૈનિકોનાં શબ હજી ગઇ કાલના યુદ્ધની હાલતમાં પડ્યા હતા. કેટલાકના હાથમાં રાઇફલ હજી પણ અમારી તરફ તણાયેલી હતી. કેટલાય બંકર ઉદ્ધસ્ત હાલતમાં હતા અને તેમાંથી બળેલા દારૂ ગોળાની વિકૃત દુર્ગંધ ફેલાતી હતી. કેટલાક બંકરની છતની વળીઓમાંથી હજી ધૂમાડો નીકળતો હતો. ત્યાંથી થોડે દૂર જઇ આગળ નજર નાખી, પણ કશું નજરે પડતું નહોતું. આ No man's land હતો. 

    અક્ષરશ:

    જ્યાં માનવ ન હોય ત્યાં ભૂતાવળ  સિવાય બીજું શું હોય? આ એવી ભૂમિ હતી જ્યાં જીવ સટોસટની લડાઇમાં બન્ને પક્ષના સૈનિકો અકાળે મૃત્યુ પામ્યા હતા. મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના આઠ, અને બલૂચના (ટ્રેન્ચમાં મળી આવેલા ) ૨૮. અનેક સૈનિકો ઘાયલ થયા હતા. બલુચ સૈનિકોના આત્માઓ તેમના પાર્થિવ દેહની  આસપાસ જ ભટકતા હતા કે વીરગતિ મેળવ્યા બાદ પરમાત્માના શરણે પહોંચી ગયા હતા - કશું વર્તાતું નહોતું. અંગ્રેજીમાં કહેવાય છે તેમ આખો વિસ્તાર eerie  - ભયાનક, અપાર્થિવ અને અનૈસર્ગિક જેવા હિમ-શીત અને ભીષણ ઉગ્ર-ઉષ્ણ એવા વિચિત્ર વાતાવરણથી ભરેલો જણાતો હતો. શિયાળો છે તેનો અનુભવ વચ્ચે જ આવતા બરફ જેવા  અદૃશ્ય આત્માઓના નિ:શ્વાસ કહો કે ઠંડા વાયુનું ઝાપટું, તેનાથી થતો હતો. મારી પાછળના ભાગમાં વીર મરાઠાઓની આખરી ટુકડી હતી. સામેના ખાલી થયેલા no man's landમાં મૃત સૈનિકોથી ભરેલી ટ્રેન્ચ અને બંકર. તેમના ઉપરથી ગયેલી આપણી ટૅંકના પાટાઓનાં નિશાન તથા ખાલી કારતુસના ઢગલા, ટૅંકે છોડેલા શેલ (ગોળાઓ)નાં અને તેમની ઉપર દુશ્મનોની RCL ગનનાં પિત્તળનાં ખાલી શેલ ઠેર ઠેર પડ્યા હતા. 

    આ નો -મૅન્સ લૅન્ડમાં ઉભો હતો એકલો જિપ્સી. તેની પાસે હતી કેવળ નાનકડી પિસ્તોલ, જેની મૅગેઝીનમાં કેવળ 9 ગોળીઓ હતી. તેની સાથે જવા માટે કોઇ પેટ્રોલ પાર્ટી નહોતી. નહોતો કોઇ કવરિંગ ફાયરનો આધાર. તેણે સામેના વિસ્તાર તરફ નજર નાખી. પાછળ ધુસ્સી બંધમાં બંકર બાંધીને રક્ષાપંક્તિમાં તૈયાર હાલતમાં બેઠેલા આપણી સેનાના જવાન જોયા. તેમના સુબેદાર સાહેબ અપલક નજરે તેની તરફ જોઇ રહ્યા હતા. સામે હતું વેરાન રણમેદાન.

    એક પ્રશ્ન પૂછી શકું?

    જિપ્સીની જગ્યાએ આપ ખડા છો એવો વિચાર કરો અને કહો કે આ પરિસ્થિતિમાં આપ શું કરશો?

    જિપ્સી પાછો ફર્યો અને...

    

    

3 comments:

  1. 'जिथे मनुष्य नाही तिथे भुताशिवाय काहीच नाही. जिव साटच्या युद्धात न्ही बाजूंचे सैनिक अकाली मरण पावलेली ही भूमी होती. मराठा लाइट इन्फंट्रीचे आठ आणि बलूचचे तीन (खंदकात सापडलेले). अनेक सैनिक जखमी झाले. बलुच सैनिकांचे आत्मा त्यांच्या पार्थिव देहाभोवती भटकले किंवा वीरगती प्राप्त केल्यानंतर देवाच्या निवासस्थानी पोहोचले.काहीच घडलं नाही. संपूर्ण परिसर, ज्याला इंग्रजीमध्ये म्हणतात, भितीदायक, सूक्ष्म आणि अनैसर्गिक, अतिशीत थंडी आणि कडक गरम अशा विचित्र वातावरणाने भरलेले दिसते.
    'या परिस्थितीत तुम्ही काय कराल?

    हनुमान चालीसाचा अभ्यास करणे, आता युद्ध फक्त एक कल्याण आहे

    ReplyDelete
  2. આભાર આદરણીય પ્રજ્ઞાજુ. આપનો પ્રતિભાવ હંમેશા ઊંડાણતાથી સભર હોય છે. આપે મરાઠીમાં લખ્યું તેનો ગુજરાતી અનુવાદ આપની રજાથી અહીં મૂકું છૂં જેથી આપણા વાચકને તે જાણવામાં સરળતા મળે. આમ તો તે જિપ્સીએ પૂછેલા પ્રશ્નનો જવાબ છે.
    "જ્યાં માનવ ન હોય ત્યાં ભૂતાવળ સિવાય બીજું શું હોય? આ એવી ભૂમિ હતી જ્યાં જીવ સટોસટની લડાઇમાં બન્ને પક્ષના સૈનિકો અકાળે મૃત્યુ પામ્યા હતા. મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના આઠ, અને બલૂચના (ટ્રેન્ચમાં મળી આવેલા ) ૨૮. અનેક સૈનિકો ઘાયલ થયા હતા. બલુચ સૈનિકોના આત્માઓ તેમના પાર્થિવ દેહની આસપાસ જ ભટકતા હતા કે વીરગતિ મેળવ્યા બાદ પરમાત્માના શરણે પહોંચી ગયા હતા - કશું વર્તાતું નહોતું. અંગ્રેજીમાં કહેવાય છે તેમ આખો વિસ્તાર eerie - ભયાનક, અપાર્થિવ અને અનૈસર્ગિક જેવા હિમ-શીત અને ભીષણ ઉગ્ર-ઉષ્ણ એવા વિચિત્ર વાતાવરણથી ભરેલો જણાતો હતો.
    "આવી હાલતમાં આપ શું કરશો?
    જવાબ છે - હનુમાનચાલીસાનો અભ્યાસ કરવો.

    ReplyDelete
  3. + आता युद्ध हे फक्त शत्रूवर पडणे एक कल्याण आहे
    અને હવે તો યુધ્ધ એજ કલ્યાણ કહી દુશ્મન પર ટુટી પડવુ

    ReplyDelete