Pages

Friday, November 11, 2011

GYPSY'S DIARY- VETERANS' DAY

ભારતમાં જેમ 'ધ્વજ દિન' ઉજવાય છે, તેમ અમેરિકામાં વેટેરન્સ ડે ઉજવાય છે. દેશ માટે જીવન ન્યોચ્છાવર કરનારા સૈનિકોની યાદમાં. આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા જિપ્સી તેની ડાયરીમાંથી બે પ્રસંગો ફરી ઉતારે છે. પહેલો છે -

"રેડ ઓવર રેડ! રિપીટ, રેડ ઓવર રેડ"
એક વાર સૈનિક યાદોના કુંજવનમાં પ્રવેશ કરે તો તેમાં તે ખોવાતો જ જાય છે. આ ડાયરીમાં અન્ય સ્થળે વર્ણવેલી બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલો જીપ્સી, યુદ્ધ દરમિયાન તેને મળેલા પ્રચંડ વીરતા અને ધૈર્ય ધરાવતા નમ્ર અને નિરભિમાની યોદ્ધાઓ - આ બધાની તેને હંમેશા યાદ આવે છે.
આજની વાત એવા અફસરો અને જવાનોની છે જે સમયના પુસ્તકના પાનાંઓમાં ખોવાઇ ગયા છે. દુશ્મન સામે બહાદુરીથી જંગ જીતનારા રણમેદાનમાં મૃત્યુ પામેલા કે જીવિત રહેનારા સૈનિકોને પ્રજાસત્તાાક દિવસની ઉજવણી સમયે અપાયેલા બહાદુરીના ચંદ્રકોના લિસ્ટમાં તેમનાં નામ છાપાંઓમાં છપાય છે. અખબારમાં "સ્થળના અભાવે" જીવનની અંતિમ પળ સુધી લડનારા અને પોતાની રક્ષાપંક્તિ ન છોડનારા યોદ્ધાઓએ પોતાની ફરજ કેવી રીતે નિભાવી હતી તેની પૂરી વાત ભાગ્યે જ છપાતી હોય છે. આવા રણબંકાઓને આપણે જાણતા નથી.
જીપ્સી એ નથી કહેવા માગતો કે જે શહીદ થયા છે એમની કુરબાનીને યાદ કરી દરરોજ આંસુ વહાવતા રહીએ. વર્ષમાં એક વાર શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોને યાદ કરી તેમને અંજલિ આપીએ, તેમ આપણાં સૈનિકોને એકા’દ વાર યાદ કરી તેમના પ્રત્યે ઋણ અથવા ગૌરવની ભાવના આપણા અને આપણા વારસોના મનમાં જન્માવી શકીએ તો આપણા સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે.
‘જીપ્સીની ડાયરી’માં આપે બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલા જીપ્સીની વાતનો અનુભવ કર્યો હતો. બુર્જ પરથી દુશ્મનની ૪૩મી બલૂચ રેજીમેન્ટને આપણી સેનાએ ૬ ડીસેમ્બર ૧૯૭૧ના ભારતભુમિ પરથી તગેડી મૂક્યા હતા. આ કારમી હાર તેઓ ભુલી શક્યા નહોતા. તેમનું લક્ષ્ય હતું અમૃતસર. તેઓ અમૃતસર જતી પાકી સડક પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તેની સંભાવના ઓછી થઇ નહોતી. આપણી બુર્જ ચોકીની સામે પાકિસ્તાનની ફતેહપુર નામની ચોકી ધુસ્સી બંધને લગભગ અડીને જ બંધાઇ હતી. દુશ્મનની આ ચોકી ભારતની મુખ્ય ભુમિ -mainland સાથે જોડાયેલી હતી. રાવિ નદીનો વળાંક પાકિસ્તાનમાં ઉંડે સુધી ગયો હતો તેથી તેમની સેના અને જરૂર પડે તો ટૅંક્સને પાર કરવા કોઇ અટકાવી શકે તેમ નહોતું. વળી રાવિના કિનારા પર સરકંડા (elephant grass)ના ૮થી ૧૦ ફીટ ઉંચા ઘાસના જંગલમાં તેમની હિલચાલ જોઇ શકાતી નહોતી. બુર્જમાં હાર પામ્યા બાદ દસ દિવસ સુધી તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો, તેનો અર્થ એવો નહોતો કે આપણી સેના આરામ કરવા લાગી હતી. યુદ્ધનું મુખ્ય અંગ હોય છે patrolling. આ અભિયાનમાં આપણી ટુકડીઓ કોઇ કોઇ વાર દુશ્મનના પ્રદેશમાં પણ જઇને તપાસ કરતી હોય છે કે તેમની સેના કોઇ હિલચાલ કરી રહી છે કે કેમ. આ અત્યંત ખતરનાક અભિયાન હોય છે, જેમાં આપણી આખી ટુકડી દુશ્મને લગાવેલ માઇનફીલ્ડમાં કે તેમના સાણસા વ્યૂહની ઘાતમાં સપડાઇને કતલ થઇ શકે છે. કારગિલમાં કૅપ્ટન સૌરભ કાલીઆની પૅટ્રોલ પાકિસ્તાનીઓના વ્યૂહમાં સપડાઇ ગઇ હતી અને તેમની તથા તેમના બધા સૈનિકોની દુશ્મને ક્રૂર અને ઘાતકી રીતે રીબાવીને હત્યા કરી હતી.

બુર્જની લડાઇ બાદ કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન આપણી ટુકડીએ જોયું કે પાકિસ્તાનની એક બટાલિયન તેમની ફતેહપુર ચોકી પર જમા થઇ રહી હતી. આનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો. તેઓ ફતેહપુરને Firm Base (લૉચીંગ પૅડ) બનાવી ત્યાંથી ભારત પર હુમલો કરવા માગતું હતું. ત્યાંથી અમૃતસર જતી પાકી સડક કેવળ ૧૦ કિલોમીટર દૂર હતી. આવી હાલતમાં દુશ્મન કોઇ કાર્યવાહી કરે તે પહેલાં અાપણે જ તેમના પર હુમલો કરી તેમને ફતેહપુર પરથી મારી હઠાવવા એવો બ્રિગેડ કમાંડરે નિર્ણય લીધો.
સમય સાવ ઓછો હતો. તે સમયે રિઝર્વમાં સિખ લાઇટ ઇન્ફન્ટ્રીની ૮મી બટાલિયન (8 Sikh LI) હતી. બ્રિગેડ કમાન્ડરે તેના કમાન્ડીંગ અૉફિસર (CO) કર્નલ પાઠકને ફતેહપુર ચોકીને સર કરવાની જવાબદારી સોંપી.
સામાન્ય રીતે લક્ષ્યના સ્થાનપર દુશ્મન જેટલી સંખ્યામાં હોય તેના કરતાં હુમલો કરનારની સંખ્યા ત્રણ ગણી હોવી જોઇએ. સંરક્ષણ પંક્તિમાં બેઠેલા સૈનિકો મજબૂત મોરચામાં લગભગ સુરક્ષીત સ્થિતિમાં હોય છે, જ્યારે હુમલો કરનાર સેના ખુલ્લા આકાશ નીચે, કોઇ પણ જાતના બખ્તરબંધ કવચ વગર ધસી જતા હોય છે. તેમની સામેનું સ્થાન તોપખાનાએ નોંધેલું હોય છે, તે ઉપરાંત સામે માઇન્સ પણ બીછાવેલી હોય છે. આપ કદાચ જાણતા હશો કે માઇન્સ બે પ્રકારની હોય છે: Anti-personnel તથા Anti-tank. પહેલી માઇન પર વીસ રતલ વજન - એટલે કોઇનો પગ પડે તો આખો પગ ઉડી જાય. અૅન્ટી ટૅંક માઇન પર ૨૦૦ રતલ વજન પડે તો તેનો સ્ફોટ થાય. આમ તેના પર કોઇ વાહનનું પૈડું કે ટૅંકનો પાટો પડે તો તે ઉધ્વસ્ત થાય. ટૅંક અટકી પડે અને અૅન્ટી ટૅંક રૉકેટનો ભોગ બને. આવી હાલતમાં હુમલો કરવા ધસી જનાર સૈનિકો સૌ પ્રથમ માઇનફીલ્ડમાંની માઇન્સથી, દુશ્મનની મશીનગન દ્વારા થતી ગોળીઓની વર્ષામાં તથા તોપમાંથી પડતા ગોળાઓનો ભોગ થઇ શહીદ થતા હોય છે કે મરણતોલ ઘાયલ થતા હોય છે. આવી કાતિલ હાલતમાં 8 Sikh LIએ હુમલો કરવાનો હતો.

ફતેહપુર ચોકીની રચના એવી હતી કે તેની ઉલટા U આકારમાં ત્રણ તરફ ૧૨ ફીટ ઉંચી પાળ જેવી દિવાલ હતી. તેની સામે એક ચોક સમાન ખુલ્લું મેદાન હતું. 'દિવાલ'ની ત્રણે પાળ પર તેમના સૈનિકોએ કિલ્લેબંધી જેવા સુરક્ષીત મોરચા બનાવ્યા હતા. એક તરફથી તેમના મનમાં ધરપત હતી કે ભારતીય સેના આવા ‘કિલ્લા’ પર હુમલો કરી નહિ શકે, કારણ કે અહીં તો સામી છાતીએ, frontal attack કરવો પડે. આવો હુમલો કરનાર સૈનિકોમાંથી ૩૫-૪૦% જેટલા casualty થાય.આટલા ભારે પ્રમાણમાં થનારી કૅઝ્યુઆલ્ટી કોઇ પણ કમાન્ડર સ્વીકાર કરવા તૈયાર ન થાય.
૧૭મી ડીસેમ્બરની રાતે કર્નલ પાઠક તથા તેમના કંપની કમાન્ડરોએ કરેલા નિરીક્ષણમાં એવું તારણ નીકળ્યું કે દુશ્મનને પરાસ્ત કરવા માટે ‘frontal attack’ વગર બીજો કોઇ પર્યાય નહોતો. હુમલાની ગુપ્તતા રાખવા તેમણે હુમલો મધરાત અને પરોઢિયાની વચ્ચેના સમયમાં કરવાનું નક્કી કર્યું. દુશ્મનની સંખ્યા જોતાં અહીં આખી બટાલિયને હુમલો કરવો આવશ્યક હતો.
૧૮મીની રાતે 8 Sikh LIની ત્રણ કંપનીઓને COએ ત્રિશૂળના પાંખીયાની જેમ દિશા આપી. કર્નલ પાઠક પોતે મુખ્ય, સામેના લક્ષ્ય પર જતી કંપની સાથે રહ્યા. 'ચાર્જ અૉફ ધ લાઇટ બ્રિગેડ' જેવો હુમલો કરવા સિખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન તેમના પંજાબની રક્ષા કરવા તત્પર હતા. સ્મશાનવત્ શાંત મેદાનમાં બટાલિયન પહોંચી ગઇ અને કર્નલ પાઠકના નિનાદ “બોલે સો નિહાલ”નો આખી બટાલિયને “સત્ શ્રી અકાલ”ની આવેશપૂર્ણ ત્રાડમાં જવાબ આપ્યો અને હુમલો શરૂ થયો.
ફતેહપુર પોસ્ટ પર દુશ્મન પણ તૈયાર બેઠો હતો. તેમણે ગોળીઓની રમઝટ બોલાવી. તેમની મૉર્ટર્સ સિખ સૈનિકો પર ગોળા વરસાવવા લાગી. સુરક્ષા માટે પાથરેલી માઇન્સ પર સિખો રાઇફલ પર બેયૉનેટ ચડાવી દુશ્મન પર હુમલો કરવા દોડી રહ્યા હતા. અૅન્ટીપર્સનેલ માઇન્સના ધડાકામાં ઘવાયેલા સૈનિકોના કપાયેલા પગ ઉંચે ઉડતા હતા. આખા મેદાનમાં દુશ્મનની બંદુક અને મશીનગન્સમાંથી નીકળતા લાલ રંગના ટ્રેસર રાઉન્ડથી મેદાનમાં મોતની રેખાઓ ખેંચાતી જતી હતી. અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
“ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, ‘સાઢી પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, આ લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબ’જી, ઓબ્જેક્ટીવ આ ગયા. મેરી પરવા મત કરના.’ આ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.

“હુમલો અહીં પૂરો નહોતો થયો. દુશ્મન પાસેથી જીતેલી જગ્યાથી થોડે આગળ અમે નવા મોરચા બાંધ્યા. અમને ખબર હતી કે દુશ્મન counter attack કરશે જ. મેં મારી રિઝર્વ કંપની કમાન્ડર મેજર તીરથસિંહને જવાબદારી સોંપી, તેમને યોગ્ય આદેશ આપ્યો અને તેમણે મોરચાબંધી કરી. અમને આપણા તોપખાનાનો સપોર્ટ હતો તેથી તીરથસિંહે નક્કી કરેલ સ્થાનોનો ગ્રીડ રેફરન્સ તેમણે નોંધ્યો અને બધી તોપોને તે પ્રમાણે align કરી. આમાંનું અંતિમ લક્ષ્ય-સ્થાન હતું - તેમની પોતાની ટુકડીના મોરચા. જ્યારે દુશ્મન મરણીયો થઇને હુમલો કરતાં કરતાં તીરથસિંહની ટ્રેન્ચ સુધી પહોંચે, તો તેને ત્યાં રોકવા માટે આખી રેજીમેન્ટની બધી તોપ તેમણે પોતાની ખાઇ સમેત નિર્ધારીત કરેલા બધા વિસ્તારમાં ગોળાઓ વરસાવે. આનો વાયરલેસનો આદેશ હોય છે, ‘રેડ ઓવર રેડ.’ આ આદેશ બે વાર આપવાનો હોય છે.

“ધાર્યા પ્રમાણે દુશ્મને જબરજસ્ત કાઉન્ટર-અૅટેક કર્યો. મેજર તીરથસિંહની કંપની આખરી જવાન, આખરી ગોળી સુધી લડતી હતી. હું કૂમક મોકલવાનો હુકમ આપતો હતો ત્યાં તોપખાનાના વાયરલેસ પર તીરથસિંહનો આદેશ સંભળાયો.

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

“આપણા તોપખાનાએ હુકમ પાળ્યો. બૉમ્બ વર્ષા પૂરી થઇ અને તીરથસિંહની કૂમક માટે કંપની ત્યાં પહોંચી. તેમની સાથે હું પણ ગયો હતો. મોરચા પરની અમારી ખાઇઓ પર અને સામે દુશ્મનના અનેક સૈનિકોના શબ પડ્યાં હતા. મારા પોતાના કેટલાય સૈનિકો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ અવસ્થામાં હતા. મેજર તીરથસિંહના પાર્થિવ દેહ પાસે જખમી અવસ્થામાં તેમના સેકન્ડ-ઇન કમાન્ડ તથા કંપની સાર્જન્ટ મેજર બેઠા હતા. કોઇએ પોતાનું સ્થાન છોડ્યું નહોતું.”

ફતેહપુર સર કર્યાના બીજા દિવસે - ૧૯મી ડીસેમ્બરની સવારે કર્નલ પાઠકને અભિનંદન તથા સહાનુભૂતિ આપવા મારા કમાન્ડન્ટ ગુરઇકબાલસિંહ સાથે ગયેલા જીપ્સીને કર્નલ પાઠકે અમને આ વાત કહી. તે સમયે મિલીટરીની અૅમ્બ્યુલન્સ અમારી નજર સામે તેમના ઘાયલ સૈનિકોને લઇ જતી હતી. રણભુમિ હજી પણ રક્તરંજિત હતી.

* * * * * * * * *

‘જીપ્સીની ડાયરી’ની શરૂઆતમાં અમદાવાદના મેજર દારા મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો તે આપને યાદ છે?
૧૯૪૮માં કાશ્મિરના પૂંચ વિસ્તારમાં હુમલો કરી રહેલા પાકિસ્તાની સેનાના અફસરોની આગેવાની નીચેના કબાઇલીઓ સામે લડતાં દારાશા મિસ્ત્રી શહીદ થયા હતા. તેમના વિશે સંશોધન કરતાં જાણવા મળ્યું કે તેઓ તોપખાનાના Forward Observation Officer હતા અને સૌથી મોખરાની ટુકડીઓ સાથે તેમની ખાઇમાં બેસી તોપખાનાને ગોળા દુશ્મન પર વરસાવવા માટે વાયરલેસથી દિશા સૂચન કરતા હતા. જ્યારે દુશ્મન તેમની ખાઇ સુધી પહોંચ્યા, તેમના કમાન્ડરે તેમને પોતાની જગ્યા છોડી પાછળ આવવાનો હુકમ કર્યો. દારા મિસ્ત્રીએ જોયું કે દુશ્મનની સંખ્યા ઓછી થઇ હતી અને તેમના પર રેજીમેન્ટની બધી તોપ ગોળા વરસાવે તો તેઓ તેમના સ્થાન પર કબજો કરી શકે તેમ નહોતા. તેમણે પોતાની ખાઇ છોડવાનો ઇન્કાર કર્યો અને હુકમ આપ્યો:

“રેડ ઓવર રેડ... રિપીટ. રેડ ઓવર રેડ.”

પરિણામ એ આવ્યું કે દુશ્મન પૂંચ પર કબજો કરી ન શક્યા. ત્યાં મેજર દારા મિસ્ત્રીની બહાદુરીએ અને તેમના આત્મસમર્પણે સંરક્ષણની અભેદ્ય દિવાલ ઉભી કરી હતી.

કર્નલ પાઠકને ફતેહપુરની લડાઇમાં મહાવીર ચક્ર, મેજર સાધુસિંહને મરણોપરાન્ત વીર ચક્ર તથા'આપરા' દારાશા મિસ્ત્રીને ૧૯૪૮માં મહાવીર ચક્ર એનાયત થયું હતું. અખબારમાં શું આવ્યું?

આવા યોદ્ધાઓનાં નામ તથા બહાદુર સિખોના આત્મસમર્પણની વાત કહેવાને બદલે કેટલીક 'માસ મેઇલ'માં આવે છે 'સરદારજી જોક્સ'! અમદાવાદના એક દાક્તરસાહેબને આવી જોક્સ ન કરવા વિશે જીપ્સીએ વિનંતી કરી તો તેઓ છંછેડાઇ ગયા. 'અમે ગુજ્જુુઓની પણ જોક્સ કહીએ છીએ, તો સિખોની જોક કરવાનો અમને અધિકાર છે,' કહી તેમણે મારું નામ તેમના મેઇલીંગ લિસ્ટમાંથી કાઢી નાખ્યું!

ડીસેમ્બર મહિનો આવી રહ્યો છે. આ વખતે ૧૯૭૧ના ડીસેમ્બરમાં મેળવેલી જીતને ૩૮ વર્ષ પૂરા થશે. આપ સૌને યાદ આવશે આપણા સૈનિકોના રણ નિનાદ:
“આયો ગોરખાલી!”
“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ!”
“છત્રપતિ શિવાજી મહારાજકી જય! હર હર મહાદેવ!”
“ભારત માતાકી જય!”
"જાટ બલવાન, જય ભગવાન!"
અને રાજપુતાના રાઇફલ્સની બીજી બટાલિયનનો યુદ્ધ ઘોષ -"નારા એ હૈદરી, યા અલી, યા અલી!"

અને સદીમાં એકા'દ-બે વાર વાયરલેસના સ્ટૅટીક વચ્ચેથી આછો પણ મક્કમ સંદેશ:

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

ત્યાર પછી ફેલાશે શાંતિ.

****

Tuesday, November 8, 2011

જિપ્સીનો વિસામો: સાગરમાં વિરમેલા સૂર

એ કયા ગાયક હતા જેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ઇન્ડીયન નૅશનલ આર્મીના સૈનિકો માટે ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા‘ જેવા કૂચ-ગીતને સંગીત આપ્યું? જેના તાલ પર આઝાદ હિંદ ફોજના સૈનિકો ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા?

ક્યા ગાયકે કાઝી નઝરૂલ ઇસ્લામના ગીત ‘સાવન રાતે જદી’ને અમર કર્યું, જેને તેમના બાદ હેમંતદા’ સમેત અનેક ગાયકોએ ગાયું?

એ ક્યા ગાયક હતા જેમણે એક ગીત દ્વારા અનેક અનભિજ્ઞોને ‘મેઘદૂત’ વાંચવાની પ્રેરણા આપી?

ક્યા ગાયકે ૧૯૪૦-૫૦ના દાયકામાં (અને ત્યાર પછી પણ) લાખો યુવક-યુવતિઓને તેમના પ્રેમનો ઇજહાર કરતા પ્રિતી-ગીતોની ભેટ આપી? એવા ગીતો, જે તેમણે તેમની મનની છુપી સંદૂકમાં કાયમ માટે સંઘરી રાખ્યા અને જ્યારે પણ યુવાનીની મધુર યાદો આવે ત્યારે તેનો સ્મૃતી-સૌરભ માણવા આ ખજાનો ખોલતા હતા?
ક્યા ગાયકને તેમની સંગીત જીવનની કારકિર્દીમાં ફક્ત એક જ ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હતી? અને તેમાં લતાજીએ ગાયેલું ગીત તેમના સર્વોત્કૃષ્ટ ગીતોમાંનું એક ગણાય છે, પરંતુ હાલ ભુલાઇ ગયું છે?

ક્યા ગાયકને ખુદ ગાંધીજીએ નવું નામ આપ્યું જે તેમની સાથે કાયમ માટે જોડાયું અને જગપ્રસિદ્ધ થયું?

એવા ક્યા ગાયક છે, જેમના નામે અહીં જણાવેલી અને લોકમાનસમાં છવાયેલી અનેક સિદ્ધીઓ હોવા છતાં તેમના અવસાનની કોઇએ નોંધ સરખી ન લીધી?

નથી ખ્યાલ આવતો?

આપ સાંભળીને ચોંકી જશો. જિપ્સી સૂરસાગર જગમોહનની જ વાત કરે છે. તેમણે ગાયેલ ભજન અને દેશભાવનાનાં ગીત સાંભળી ખુબ ગાંધીજીએ તેમનું નામ જગતને મોહી લેનાર ગાયક - જગમોહન નામ આપ્યું હતું.

*
જગમોહનનું જન્મ નામ હતું જગન્મય મિત્ર. તેમનો જન્મ ૧૯૨૬માં એક શ્રીમંત જમીનદાર પરિવારમાં થયો હતો. તે સમયના જમીનદાર પરિવારોમાં સંગીત સાંભળવામાં આવતું, ગવાતું નહિ. જગન્મયના સંગીત શોખને પોષવા માટે કોઇ પ્રોત્સાહન અપાયું નહિ. સંગીત તથા દેશભક્તિના રંગમાં તેઓ એવા રંગાયા કે તેની પાછળ તેમણે પરિવારનો ત્યાગ કર્યો.

૧૯૩૦નો દાયકો બંગાળી ગીતોનો ‘રોમૅન્ટીક’ યુગ હતો. વાણીકુમાર, પ્રણવ રૉય તથા મોહિની (કુમાર) ચૌધુરી જેવા ગીતકારોનાં ગીતોને સંગીત આપનાર એવા જ પ્રખ્યાત પંકજ કુમાર મલ્લીક, કમલ દાસગુપ્ત અને તેમના ભાઇ સુબલ દાસગુપ્ત તથા રાયચંદ બોરાલ સંગીતકાર હતા. તે યુગમાં જગમોહને રવીંદ્ર સંગીત તથા નઝરૂલ ગીતી ગાવાનું શરૂ કર્યું. કાઝી નઝરૂલ ઇસ્લામનું ‘સાવન રાતે જદી...‘નું રેકોર્ડીંગ કર્યું અને રાતોરાત તેઓ પ્રખ્યાત થઇ ગયા.

૧૯૪૦ના દાયકામાં જગમોહને ફૈયાઝ હાશમી (તે સમયે ફૈયાઝ ટીનએજર હતા!) લિખીત ગીત ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ ગાયું અને હિંદી બિનફિલ્મી જગતમાં તેઓ પ્રકાશી ઉઠ્યા. આ યુગમાં સિને સંગીત અને બિન ફિલ્મી સંગીત લગભગ એકબીજાને સમાંતર ચાલી રહ્યા હતા. બન્ને જુદા genreનાં હતા તેથી તેમનો ચાહક વર્ગ જુદી કક્ષાનો, પણ એટલો જ વિશાળ હતો. જગમોહન, હેમંત કુમાર, તલત મહેમૂદ (તેમણે પણ ફૈયાઝ હાશમીના ‘તસવીર તેરા દિલ મેરા બહેલા ન સકેગી’થી શરૂઆત કરી હતી) એટલા જ લોકપ્રિય થઇ ગયા હતા જેટલા સાયગલ, નવા આવેલા મોહમ્મદ રફી, કૃષ્ણ ચંદ્ર ડે થયા હતા. જો કે જગમોહનની વાત જ જુદી હતી. યુવાનો તેમનાં ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ અને ‘મુઝે ન સપનોંસે બહેલાઓ’ જેવા ગીતો ગાતા રહેતા અને યુવતિઓ સાંભળતી રહેતી! અને એક તરફી પ્રેમ કરનારાઓ દૂરથી તેમની પ્રિયા (!)ને જોઇ ‘આંખોમેં બસા હૈ ...’ અથવા 'પ્યારી તુમ કિતની સુંદર હો' ગણગણતા, અને તેના પ્રેમથી અણજાણ એવી કન્યાનું લગ્ન થઇ જાય ત્યારે પ્રેમભગ્ન થઇ ‘દિલ દે કર, દર્દ લિયા..’ ગાતા રહેતા!

સંગીતના રસિકોને જગમોહનનાં બધા જ ગીતો ગમતા. ‘ઉસ રાગકો પાયલમેં જો સોયા હૈ...‘માં તેમને નૃત્યાંગના દેખાતી અને આ ગીત સાંભળીને જાણે ઝાંઝરમાંથી તેમનો પ્રિય રાગ ઝણકાર કરીને બહાર નીકળશે એવું લાગે! અને તેમણે ‘મેઘદૂત’માં ગાયેલું ‘ઓ વર્ષાકે પહલે બાદલ, મેરા સંદેશા લે જાના..’ સાંભળતાં શ્રોતા મંત્રમુગ્ધ થઇ આંખ બંધ કરે તો તેને પીત વસ્ત્ર પરિધાન કરેલ યક્ષ નજર આવે અને બન્ને હાથ ઉંચા કરી આષાઢના પહેલા દિવસે દૃશ્યમાન થતા મેઘને આર્જવતાપૂર્વક વિનંતિ કરતો દેખાય! તે સમયે એવું સાંભળવામાં આવ્યું હતું કે આ ગીતથી પ્રેરીત ઘણા યુવાનોએ મેઘદૂત વાંચવાની ઇચ્છા પ્રદર્શીત કરી હતી!

લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જગમોહને ફક્ત એક ફિલ્મ ‘સરદાર’માં સંગીત આપ્યું હતું. તેમાં લતાજીએ ‘પ્યારકી યે તલ્ખીયાઁ’ એટલી સુંદરતાથી ગાયું, તેમના સર્વશ્રેષ્ઠ ગીતોમાં તેની ગણના થઇ. સમયના વહેણમાં આ ગીત ખોવાઇ ગયું પણ તેમાં લતાજીએ જે નજાકતથી એક તાન લગાવી છે, સાંભળીને સાંભળનારાના રોમે રોમ ખડા થઇ જાય.

જગમોહન ઘણા ભાવુક સ્વભાવના સજ્જન હતા. તેમને જનતાએ અપૂર્વ સ્નેહ આપ્યો અને આ સ્નેહને પ્રતિસાદ આપવા તેમણે તેમના ચાહકોના આગ્રહથી તેઓ જ્યાં બોલાવે ત્યાં જઇ કાર્યક્રમ આપતા. સંગીતને તેમણે ધન ઉપાર્જન કે આજીવિકાનું સાધન માન્યું નહિ તેથી ફિલ્મ જગત પ્લેબૅક કે સંગીત નિર્દેશન તરફ ધ્યાન આપ્યું નહિ. તેમને સૌથી વધુ સ્નેહ આપ્યો હોય તો ગુજરાતની પ્રજાએ. ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમો થયા. તેમની પાસે તેમનું પોતાનું ઘર નહોતું. ગુજરાતના સાહિત્યકાર અને સંગીતના દર્દી શ્રી. રજનીકુમાર પંડ્યાએ તેમને પોતાને ઘેર બોલાવ્યા, જ્યાં તેમણે બે વર્ષ સુધી તેમની મહેમાનગતિ આનંદી. ત્યાર પછી તેમણે ગીતામંદિર નજીક ફ્લૅટ લીધો અને ત્યાં તેઓ એકલા રહ્યા. આપણા વરીષ્ઠ પત્રકાર તુષારભાઇ ભટ્ટે તેમની મુલાકાત લીધી હતી, જેનું તેમણે સુંદર વર્ણન પ્રસિદ્ધ કર્યું હતું. નવાઇની વાત તો એ છે કે તેમના ગીતામંદિરના વાસ્તવ્ય દરમિયાન તેમના પાડોશીઓ પણ જાણતા નહોતા કે સૂરસાગર તરીકે જાણીતા થયેલા ભારતના એ વખતના સૌથી વધુ લોકપ્રિય થયેલા ગાયક તેમની બાજુમાં રહેતા હતા!

જિપ્સી જાણતો નથી કે કેવા સંજોગોમાં સૂરસાગર જગમોહન અમદાવાદ છોડી મુંબઇ ગયા. મુંબઇમાં તેઓ કોને ત્યાં અને કેવી હાલતમાં રહ્યા તે બહુ ઓછા લોકો જાણે છે. તેમના અવસાનની માહિતી પણ ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ સુધી પહોંચી નહિ. લોકોએ એટલું જ જાણ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડીયામાં જગમોહન આ દુનિયા છોડી ગયા. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ કૈલાસ ધામમાં ચિરંતન સ્થાન પામે અને નટરાજના દરબારમાં તેમના સંગીતથી નટેશની અર્ચના કરતા રહે.

Monday, November 7, 2011

જિપ્સીનો વિસામો: ડૉ. ભુપેન હઝારીકા

ગુવાહાટીમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગાયક તન્મયતાથી ગાઇ રહ્યા હતા. વરસતા વરસાદમાં શ્રોતાઓ એટલી જ તન્મયતાથી સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થવાની જાહેરાત કરવા કાર્યક્રમના સંચાલક સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની પાસે 'ફક્ત એક ખાસ ગીતની ફરમાએશ આવી. સંચાલકે સહિ જોઇ, ચિઠ્ઠી મોકલનાર તરફ જોયું, માનથી ગરદન હલાવી અને તરત ગાયક પાસે ગયા. વિનંતિ રજુ થઇ અને ગાયકે આસામીયામાં ગીત ગાયું, 'મોઇ એતી જાજાબોર..'

ગાયક હતા ડૉ. ભુપેન હઝારીકા. ફરમાયેશ મોકનાર હતા ભારતના તે સમયના પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીજી. વાહ તે ગાયક અને વાહ તેમના ચાહક!

જિપ્સી ભુપેનદાને અંજલિ આપવા માટે લેખ લખવા બેઠા અને તેમના મિત્ર શ્રી. ગજાનન રાવલે તેમને બિરેન કોઠારીએ તેમના પોતાના બ્લૉગમાં લખેલ લેખ તરફ ધ્યાન દોર્યું. બિરેનભાઇનો લેખ અપ્રતિમ ચિત્રફલક જેવો છે અને તેમાં ભુપેન'દાને અપાયેલ અંજલિ એવી તો પરિપૂર્ણ છે, જિપ્સી તેમાં કશું ઉમેરી શકે તેમ નથી. તેથી તે બિરેનભાઇના બ્લૉગની મુલાકાત લેવા આપને ખાસ વિનંતિ કરે છે.

અને અંતમાં અટલજીની વિનંતિથી ભુપેનદા'એ ગાયેલ ગીત - હું એક યાયાવર - જિપ્સી છું, 'મોઇ એતી જાજાબોર' સાંભળીશું. બિરેનભાઇના બ્લૉગમાં "આમિ એક જાજાબોર' છે તે મૂળ અસમીયા ગીતનું બંગાળી ભાષાંતર છે

Saturday, November 5, 2011

જિપ્સીનો વિસામો: હેમંત કુમાર - 'તુમ્હારા ઇન્તઝાર હૈ!'

હેમંતકુમાર - જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા'એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા'નું જ ગણાય!
તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’ (ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત 'આંચલસે ક્યું બાંધ લિયા' હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)

હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર - જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન - ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.

હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી. તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે. પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી. હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે! આપને તેમનું 'યહ નયન ડરે ડરે હુવે' યાદ છે?' કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય! જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત 'મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!' તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.

હેમંતદા"એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી. (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.) તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ 'ખામોશી'નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત 'વો શામ, કુછ અજીબ થી'હજી પણ 'તે' સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા'નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.

હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.

Tuesday, November 1, 2011

જિપ્સીનો વિસામો: આંચલસે ક્યું બાંધ લિયા...

“શાને બાંધ્યો મને સ્નેહના તાંતણે?”
આપણી મુગ્ધાવસ્થામાં કોઇ સુંદર કન્યાએ આપણી સામે જોઇને કરેલું મોહક સ્મિત ચિત્તમાં જેમ કાયમ માટે ચિત્રીત થાય, તે રીતે કેટલાક ગીતો પણ મનના ટેપ રેકોર્ડરમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. બસ, કોઇ વાત, કોઇ શબ્દ અથવા હવાની એવી લહેર આવીને મન, ચિત્ત અને હૃદયના તાર પર હળવો સ્પર્શ કરી જાય, તે સ્મિત, ગીત અને પ્રસંગ ફરી એક વાર અંતરની આંખ - ‘inward eye’ સામે અભાવિત રીતે ઉપસ્થિત થાય છે, તેના સૂક્ષ્મ સૂર કાનનાં પડદાને ઝંકારી જાય છે. હોઠનાં ખૂણાં થોડા મરકી ઉઠે. આવું થાય ત્યારે કોઇ પૂછે, ‘અરે ભાઇ, ક્યાં ખોવાઇ ગયા છો?’ તેને કેમ કરીને કહેવાય કે ભાઇ, જાગૃતાવસ્થાનું સ્વપ્ન, જેને કવિઓ reverie કહે છે, તે આ જ હોય છે? કેવી રીતે તેને સમજાવીએ કે વિતેલા જીવનમાં અનુભવેલા પ્રેમ, વિયોગ, ભગ્ન હૃદયની વિષમ અવસ્થાને ફરીથી કોઇ યાદ કરાવે છે? વિચારો આવે છે:

કેટલું રમ્ય એ બાલપણ હતું?

સ્નેહના તાંતણે આ પરદેશીના પ્રેમને તમે શા માટે બાંધી લીધો? આવતી કાલનું પ્રભાત ઉગે તે પહેલાં તો હું ચાલ્યો જવાનો છું!

પાષાણ સમું જેમનું હૃદય હોય, તેને હૃદયમાં સ્થાન આપીને શું કરીશું?

આ રજની, આ ચાંદની ફરી ક્યારે મળશે? અરે, આજે તો તમે મારા હૃદયની કથની સાંભળતા જાવ!

વ્યક્ત-અવ્યક્ત પ્રેમ, ઝંખના, વિયોગને કવિએ શબ્દ આપ્યા, તેને જીવંત કર્યા હેમંત કુમાર મુખોપાધ્યાયે. હા આપણા હેમંતકુમારે!

રવીંદ્રસંગીતમાં બંગાળી અને પ્રવાસી બંગાળીઓ (Non Resident Bengali!)નાં ચહેતા આ ગાયકે પહેલી વાર હિંદી ગીત ગાયું ત્યારે બિનફિલ્મી ગીતોના જગતમાં વિદ્યુલ્લેખા ચમકી. વિજળીનો આ તરંગ એવો હતો કે તેની ચમક અનેક વર્ષો સુધી સંગીત-નભમાં દમકતી રહી. ગીત હતું, ‘આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!’
આ ગીત સાંભળતાં આંખની સામે ફિલ્મ ‘જવાબ’નું દૃશ્ય જરા જુદી રીતે ઉભું થતું. અહીં પરદેશી યુવાન સ્મૃતીભ્રંશથી પીડાતો નથી. નાનકડા wayside stationના સ્ટેશન માસ્તરની મુગ્ધમનની યુવતિ તેને નયનો દ્વારા સ્નેહને તાંતણે બાંધી લે છે, પણ કહી શકતી નથી કે તે યુવાનને ચાહે છે. યુવાન જાણે છે કે સૂર્યનાં પહેલાં કિરણો ક્ષિતીજમાંથી ડોકિયું કરે તે પહેલાં તેને જતાં રહેવાનું છે અને .... બસ આગળ તો આપે આ ગીત સાંભળવું જ રહ્યું! હેમંતકુમારે કેટલી ઉત્કટતા અને સમજથી ગીત ગાયું કે રેકૉર્ડ બહાર પડતાં જ સંગીત નભમાં એક તેજસ્વી તારાનો ઉદય થયો!

ત્યાર પછી ‘ભલા થા કિતના અપના બચપન’ આવ્યું. કોઇ કોઇ ઠેકાણે અપદ્યાગદ્ય જેવી લાગતી પંક્તિઓનું આ ગીત કેમ ન હોય, રસિકોએ તેને ક્ષુધાતુર ચાતકની જેમ માણ્યું. અને પછી સિલસીલો શરૂ થયો:
પત્થરકી તરહ હો દિલ જીસકા, ઉસે દિલમેં બસા કર ક્યા કરેં?’

હેમંતબાબુની repertoire તથા ગાન-ક્ષિતિજ એટલાં વિસ્તીર્ણ હતા, કે તે સમયે તેમણે ગાયેલ ભક્તિગીતમાં પણ તેમના હૃદયનો ભાવ સ્પષ્ટ થતો અનુભવાતો. કોઇ પણ સુગમ સંગીતના ગાયક બાગેશ્રીમાં કોઇ ગીત ગાય, જિપ્સીને તો હેમંતબાબુએ ગાયેલું ‘મધુબનમેં ન શ્યામ બુલાવો‘ યાદ આવી જતું. તેમાં પણ તેઓ આર્તસ્વરે ગાતાં, “બેબસ કો દુનિયા ઠુકરાયે, તુમ તો નહિં ઠુકરાવો‘ ગાઇ સમ પર આવે ત્યારે શ્રોતાને રોમાંચ થઇ આવે! અને બીજા અંતરામાં ‘જીસ દિલમેં તુમ્હારા પ્યાર બસા, ફિર સૂના મન ગુલઝાર બના/તુમ બસંત બન કર આઓ..‘ સાંભળીએ તો ખરેખર રાધિકાના હૃદયમાં વસંત કેવી રીતે ખિલી ઊઠ્યો હશે તેનો અંદાજ આવી જાય! બંગાળીમાં ‘અદ્ભૂત’ શબ્દ છે, પણ સાચે જ કોઇ અદ્ભૂત વાત જોવામાં કે સાંભળવામાં આવે, તેઓ બોલી ઉઠે છે, ‘ચોમોત્કાર!’ હેમંતબાબુનું ‘મધુબનમેં..’ ગીત પૂરૂં થાય ત્યારે આ જ શબ્દ મુખમાંથી નીકળે: ચોમોત્કાર!

હેમંતબાબુની ભાવથી નિતરતાં ગીત ગાવાની શૈલી પણ આગવી જ. ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમણે ગાયેલા ગીતો હજી હૃદય હલાવી દે. વર્ષો વિતી ગયા છતાં તેમણે ગાયેલા ગીતોને હજી પણ ‘ભૂલે બિસરે ગીત’માં સ્થાન આપવાની કોઇની હિંમત નથી ચાલી. તેમણે જે ફિલ્મોમાં ગીતો ગાયા, કોઇ ભુલી શક્યું નથી. અરે, સાવ અજાણી ગણાતી ફિલ્મ ‘બાદબાન’ (મહાનાયક અમિતાભ બચ્ચનનું નહિ, પણ ખુદ અમિતાભ જેમને મહાનાયક કહે છે તે દિલીપસાહેબની ફિલ્મ)માં તેમણે ગાયેલું, “કૈસે કોઇ જીયે?’ યાદ છે આપને? તેમાં જે રીતે તેમણે ‘ઊઠા તુફાન, આસકે સબ બુઝ ગયે દિયે..’ ઉપાડ્યું, દિલમાં તીવ્ર કસક ઉપડે. ખાસ તો છેલ્લા અંતરામાં‘પ્યાસે પપિહરે...’ ઉચ્ચારે છે ત્યારે દિલીપકુમારના ભાવ અને તેને સંપૂર્ણ રીતે ઓપી ઉઠે તેવા સૂરમાં હેમંતબાબુએ આ ગીત ગાયું. આ ગીતના સંગીતકાર તિમીરબરને આ સાંભળીને ‘ચોમોત્કાર’ જરૂર કહ્યું હશે.

હંમેશની જેમ જિપ્સી કલાકારના જીવનની તારીખોમાં ઉલઝાવાને બદલે તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવામાં માને છે. કવિનો કલામ બંધ મહેફીલમાં સંકોચાઇ ન રહે તે માટે સૂરસર્જક તેને melody - બંદીશમાં ઢાળે અને શ્રેષ્ઠ ગાયકની ખુબી કવિ તથા સૂરસર્જકના ભાવ, તેમનાં સંવેદનોને સમજી તેમાં પોતાના પ્રાણ ઉમેરવામાં હોય છે. પછી ભલે તેમને અંતરાની ચારે’ક પંક્તિઓ ગાવાનું કહેવામાં આવે કે આખું ગીત. પંડિત હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કરેલું માછીમારોનું કોંકણી ગીત ‘મી ડોલકર, દર્યાચા રાજા’ તેમણે હેમંતબાબુ તથા લતાદિદિ પાસે ગવડાવ્યું તે હજી ગવાય છે, સંભળાય છે, કદી ભુલાયું નથી અને ભુલાશે નહિ!

હેમંતબાબુના ‘હિટ‘ થયેલા ગીતો અસંખ્ય છે. કયા ગીતને અહીં રજુ કરીએ, ક્યા ગીતને ફરી ફરી સાંભળવાનું મન થાય, મન અચંબામાં પડી જાય. એક એક ગીતની પંકતી મનના દરવાજા પર સાંકળ ખખડાવે છે, અને કહે છે, અમને અંદર આવવા દો! ખાસ કરીને પૂર્ણ કળાએ ખિલેલી ચાંદનીમાં સમુદ્રની લહેરો સાથે આવતા મંદ પવનમાં ગિટારના ઝણકાર સાથે હેમંતબાબુએ ગાયેલું, સચિન દેવ બર્મને સુરબદ્ધ કરેલું ‘યે રાત યે ચાંદની ફિર કહાં....’ કદી ભૂલાશે?

હેમંતબાબુ વિશેની વાત જિપ્સી અહીં પૂરી કરશે તો તેમના પ્રત્યેના આદરમાં અપૂર્ણતા મહેસૂસ થશે. હજી તો કેટલીયે વાતો કરવી છે, ગીતો સાંભળવા છે, જેને તે આવતા અંકમાં રજુ કરશે.

આજે તો અહીં વાત પૂરી કરવી પડશે! જતાં જતાં તેમણે live concertમાં ગાયેલું ગીત “ઝીંદગી કિતની ખુબસુરત હૈ...” સાંભળીશું. આવા સંગીતકારોનાં ગીતો આપણાં જીવનમાં જ્યાં સુધી છે, જીવન હંમેશા સૌંદર્યપૂર્ણ રહેશે.

(વધુ આવતા અંકમાં)

Monday, October 31, 2011

જિપ્સીનો વિસામો: 'આજ જાનેકી ઝીદ ના કરો'!

તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”

કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.

આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો વતની છે. આપણે તો મુક્ત હૃદયે તેમના પર બધું ન્યોચ્છાવર કર્યુ: માન, ધન, મહેમાન-નવાઝી, કશામાં કમી ન રાખી. ફરીદા ખાનુમ પર ભારતે વિશેષ સ્નેહ દર્શાવ્યો. અને કેમ નહિ? તેમનો જન્મ ભારતમાં-કોલકાતામાં થયો હતો ને! અખબારી મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પિયરની મુલાકાતે આવ્યા હતા! અને તેમનો આનંદ વ્યક્ત થતો હતો તેમણે ભારતમાં પેશ કરેલા દરેક કાર્યક્રમમાં.

ફરીદા ખાનુમના અવાજનું માધુર્ય સૌથી પહેલાં ઓળખ્યું હોય તો તેમનાં મોટા બહેન મુખ્તાર બેગમે. મુખ્તાર બેગમ પોતે જ લોકપ્રિય ગાયિકા હતા અને ‘બુલબુલે-પંજાબ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમણે નાની બહેનને પાસે બેસાડી સંગીતની તાલિમ આપી. તેમનો potential જોઇ તેમના અમૃતસરના વાસ્તવ્ય દરમિયાન પટિયાલા ઘરાણાંના ઉસ્તાદ આશિક અલી ખાં, ખાંસાહેબ બડે ગુલામ અલીખાં સાહેબ તથા તેમના નાના ભાઇ બરકત અલીખાં પાસે સંગીતની તાલિમ મેળવી. દેશના ભાગલા થયા અને પરિવાર સાથે તેઓ પાકિસ્તાન ગયા, પણ તેઓ કદી કોલકાતા, બનારસ અને અમૃતસરને કદી ભૂલ્યા નહિ. ન ભૂલ્યા ભારતીય સાડીને! જાહેરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, તેમણે હંમેશા સાડી પરિધાન કરી અને સંગીતને વધારાનો ઓપ ચઢાવ્યો.

જિપ્સીની પંજાબમાં બદલી થઇ ત્યારે પાકિસ્તાન ટેલીવિઝનના પ્રસારીત થતા ખાસ કાર્યક્રમોમાં મેહદી હસન સાહેબના કાર્યક્રમ બાદ થયેલા એક કાર્યક્રમમાં ફરીદા ખાનુમનો કાર્યક્રમ આવ્યો ત્યારે પહેલી વાર તેમને સાંભળ્યા. જ્યારે તેમણે ‘આજ જાનેકી ઝીદ ના કરો‘ ગાયું, તેમના ચાહકોના લિસ્ટમાં એક વધારે નામ નોંધાઇ ગયું! ત્યાર પછી તેમણે ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ ગાયું અને બસ, અૉફિસર્સ મેસમાં બેઠેલા પલ્ટનના અફસરો મંત્રમુગ્ધ થઇ સાંભળતા જ ગયા.

ફરીદા ખાનુમનું ‘આજ જાનેકી ઝીદ ના કરો’ તેમના ગળાના હારની જેમ કાયમ માટે આરોપાઇ ગયું. દુનિયાના કોઇ પણ દેશમાં તેમનો કાર્યક્રમ થાય, આ ગઝલ વગર કાર્યક્રમ અધુરો જ ગણાતો. મજાની વાત એ હતી કે આ ખાનદાની મહિલાને જ્યારે પણ દાદ મળતી, એટલા આભારવિવશ થઇ, ગૌરવથી આદાબ કરવા હાથ ઉંચો કરતાં તે જોવું પણ એક લહાવો બની ગયું.

અહીં એક મજાની વાત કહીશ. ફરીદા ખાનુમનો મુંબઇમાં કાર્યક્રમ થયો ત્યારે તેમનો પરિચય આપવાનું કામ કોઇને નહિ અને શત્રુઘ્ન સિન્હાને સોંપાયું. આપને સૌને યાદ હશે કે યુવાનીના જોશમાં શત્રુઘ્ન પોતાને 'શૉટગન સિન્હા' તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એક ફિલ્મ વિવેચકને આ ઉપનામનું મહત્વ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "સરળ શબ્દોમાં કહીએ તો big bore and loud noise, તેથી!" શૉટગનની નળીનો પરીઘ એક ઇંચનો (બંદૂકમાં સૌથી મોટો બોર) હોય છે, અને તેમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે તેનો ધડાકો કાનના પડદા ફાડી નાખે તેવો. શૉટગન સિન્હાએ ફરીદા ખાનુમનો પરિચય આપવાને બદલે પોતાની મહત્તા બતાવવાનું શરૂ કર્યું. અધવચ્ચે ગૅલેરીમાંથી તાળીઓ શરૂ થઇ - 'બંધ કરો તમારો બકવાદ. અમે ફરીદા ખાનુમને સાંભળવા આવ્યા છીએ.' મહાશય મોઢું બંધ કરવાને બદલે ઉશ્કેરાઇ ગયા, ત્યારે આખો હૉલ તાળીઓથી છવાઇ ગયો અને લોકોએ બૂમાબૂમ શરૂ કરી. અંતે કાર્યક્રમના આયોજકોને સ્ટેજ પર જઇ તેમને વિંગમાં લઇ જવા પડ્યા!

જ્યારે ફરીદા ખાનુમે સ્ટેજ પર આવીને સૂર પકડ્યો, હૉલ ફરી એક વાર તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યો. આપ જાણી ગયા હશો કે કઇ ગઝલનો આ સૂર હશે!'આજ જાનેકી ઝીદ ના કરો!'

ત્યાર પછી તેમણે ગાયેલી ગઝલ 'વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા'ને લોકોએ એટલા જ ઉત્સાહથી વધાવી લીધી.

રાબેતા મુજબ આજે તેમના જીવનચરિત્રની તારીખો કહેવાને બદલે તેમને સાંભળવાનો લહાવો લઇશું. અહીં ઉતારેલી ગઝલ - મેરે હમનફસ, મેરે હમનવા - આપે ગયા અંકમાં બેગમ અખ્તરને આપેલી અંજલિમાં સાંભળી હશે. શકીલ બદાયુંની આ ગઝલ અહીં ઉતારવા પાછળનો આશય સરખામણી કરવાનો નથી; કેવળ ફરીદા ખાનુમે કરેલા તેના interpretationનો આનંદ માણવા માટે છે. વળી તેમણે પોતે જ કહ્યું હતું કે બેગમ સાહિબાએ ગાયેલી આ ગઝલ તેમની પ્રિય ચીજોમાંની એક છે.

ફરીદા ખાનુમ તેમની ઉમરના ૭મા દશકમાં અને લોકપ્રિયતાના સાતમા આસમાનમાં બિરાજી રહ્યા છે. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્રીય સન્માનના બીજા નંબરનો ઇલ્કાબ આપ્યો. ભારત તથા પાકિસ્તાનના સંગીતપ્રેમીઓએ તેમને પોતાનાં હૃદયોમાં પ્રથમ સ્થાન આપ્યું છે.

ભારતની વિદાય લેતાં પહેલાં ફરીદા ખાનુમે એક ઇચ્છા વ્યક્ત કરી હતી: લતા મંગેશકર સાથે ગીત ગાવાની. તે પૂરી થશે કે નહિ એ તો પરમાત્મા જાણે, પણ તેમની મુલાકાત જરૂર થઇ!

(છબી: સૌજન્ય ટાઇમ્સ અૉફ ઇન્ડીયા)

Thursday, October 27, 2011

જિપ્સીનો વિસામો: 'અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા'...

તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલિકા પર સત્યજીત રાય 'જલસાઘર' નામનું (મૂળ નવલિકાના નામનું જ ચિત્રપટ) બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આપ તો જાણો છો કે સત્યજીત રાય સંવેદનશીલ નિર્માતા-દિગ્દર્શક હતા. મૂળ લેખકે તેની કથામાં સર્જેલા પાત્રો રંગભુમિ પર જીવંત થઇ ઊઠે તે માટે તેઓ એવા કલાકારોને શોધી તેમના કસબનું એવું ચિત્રીકરણ કરતા, જાણે આ પાત્રો અાપણા સૌના જીવનમાં આવી ગયા હોય, અથવા આપણે તેમને નજીકથી ઓળખતા હોઇએ તેવું લાગે.

‘જલસાઘર’ના મુખ્ય પાત્ર જમીનદાર બિશમ્બર રાયે તેમના મહેલના સંગીતકક્ષ - જલસાઘરમાં જીવનનો છેલ્લો કાર્યક્રમ તેમાં હાજરી આપનારાઓના જીવનનો અવિસ્મરણીય બનાવ બની રહે તે માટે તેમણે તેમના જમાનાનાં ઉત્તમોત્તમ ગાયક-ગાયિકાઓને બોલાવ્યા. આજની વાત ‘જલસાઘર’ની નથી: મૂળ કથાના મૂખ્ય પાત્રને જીવંત કરવા તેમણે રાયમોશાયની ભુમિકામાં બંગાળની રંગભુમિના સર્વશ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા છબી બિશ્વાસને ઉતાર્યા. તેમના જીવનની છેલ્લી ઠુમરી 'ભર ભર આયી મોરી અંખીયા'ને યાદગાર બનાવવી હતી તે માટે તેમણે કોને પસંદ કર્યા હશે? એવી કલાકૃતિ જે શ્રોતાઓના જીવનમાં યાદગાર બની જાય?

અલબત્, મલિકા-એ-ગઝલ બેગમ અખ્તર સિવાય બીજું કોણ હોય? અને બેગસસાહિબાએ તેમાં પ્રાણ સિંચીને ગાયું. અહીં જોઇશું ‘જલસાઘર’ની ભવ્યતા, ખાનદાની રસીક-રઇસ રાય મહાશય, જાજ્વલ્યમાન અને કલાની અમીરીના ખુમારથી દમકતી ગાયીકા તથા તેમને સાથ આપનારા વાદક કલાકારો! વાહ! શું એ જમાનો હતો! કેવા તો ગાયકો હતા અને કેવી તો એ ગાયકી હતી! આજના ભજનસમ્રાટો અને સેકન્ડહૅન્ડ ગીત-ગઝલ ગાનારા ટિનપાટીયા 'કલાકારો'(!)ને સાંભળી, TV પર જોઇ ખરા દર્દીઓ 'ते हि नो दिवसा गता:' કહી માથું હલાવે તે બનવા જોગ છે.

આ પહેલાં જિપ્સીએ રત્ન તથા તેને ઊઠાવ આપવા માટેના જરૂરી ગણાતા કિમતી ધાતુઓનાં ઘરેણાંની વાત કરી હતી-કોહિનૂર જેવા હિરાને રાજમુકૂટ જોઇએ-જેવી. પણ આ તો બેગમ અખ્તર હતા! તેમને ચંદ્રની જેમ કોઇના ઉછીના તેજની જરૂર નહોતી. તેઓ પોતે જ સ્વયં પ્રકાશિત હતા. તેમનું જીવન, તેમનો હસમુખો ચહેરો તથા ગાવાનો અંદાજ એવો મીઠો અને અવાજ એવો પ્રવાહી હતો, જાણે ભગવાનને અર્પણ કરવા માટે તેમના પરમ ભક્તે સુવર્ણના ઘડામાં પંચામૃત ન બનાવ્યું હોય! અને તેમને સાંભળનારાઓ માટે તો પરમાત્માએ ખુદ તેનો સ્વીકાર કરી નાદબ્રહ્મમાં રત થયેલા ભક્તોને આ પંચતત્વની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો હોય તેવું લાગે!

બેગમ અખ્તરના જીવન પર ઇન્ટરનેટ પર તથા પુસ્તક જગતમાં ગણી ન શકાય એટલા પાનાંઓ અને પુસ્તકો મળી આવશે. તેથી તેમાં એક વધારાનું પાનું ઉમેરવાની ધૃષ્ટતા ન કરતાં આપના શ્રવણ આનંદ માટે અહીં તેમના કેટલાક ચૂંટેલા નગીનાઓનો આપણે મળીને રસાસ્વાદ કરીશું.

અમારા સૈનિક જગતમાં પ્રભાતનાં કિરણોની અને સુપ્રભાતને આગાહ કરવા બ્યુગ્લર reveille વગાડતો હોય છે. બ્યુગલના આહ્લાદક ધ્વનિમાં સૂરજ ઉગે તેમ કોલકાતાની સુવર્ણભુમિમાં બેગમ અખ્તરની પ્રતિભાનો સૂર્યોદય થયો. તેમની કારકિર્દીની શરૂઆતની ગાયકી જોઇએ તો તે ટાન્ઝાનાઇટ જેવા અણમોલ રત્નના સ્ફટિક જેવી લાગશે. જેમ જેમ તેમાં પાસા પડતા ગયા, અદ્ભૂત રોશનીનાં કિરણો પરિવર્તીત થવા લાગ્યા. ટાન્ઝાનાઇટ એટલા માટે કે તેના આછા નીલા પ્રકાશમાંથી જાણે આહ્લાદકતા ઉછળીને બહાર પડતી હોય તેવું લાગે. બીજા અલંકારમાં કહીએ તો જાણે પારિજાતની કળીઓ ખિલવા લાગે અને તેનું મંદ હાસ્ય - જેને ઉર્દૂ કવિઓ તબસ્સુમ કહે છે - તેમ નિખરતું જાય. બેગમ અખ્તરનો પારિજાત એટલો વિશાળ હતો, સવારના પહોરમાં તેનાં ફૂલ તથા તેની ખૂશબૂ આખા વિશ્વ પર વર્ષા કરવા લાગી!

સુંદર અને સુગંધી ફૂલનું સ્થાન ફૂલદાનીમાં નથી એ ફૂલ સિવાય બીજું કોઇ જાણતું હોય તો તેના ચાહકો. ખુલા ઉદ્યાનમાં તેની મહેક તથા તેની સુંદરતાનો લાભ લેવા લાખોની સંખ્યામાં જતા ચાહકો માટે બેગમ અખ્તરે પોતાની હવેલીની ફૂલદાની છોડી અને સૂરબહારનો સૌરભ પ્રસરાવવા બહાર નીકળ્યા. ત્યાર પછી જે થયું એ તો ઇતિહાસ છે!

આજે આપણે કેવળ બેગમ અખ્તરની કલાનો રસાસ્વાદ કરીશું.

તે સમયે બેગમ અખ્તરે કેવળ 'અખ્તરીબાઇ ફૈઝાબાદી'ના નામે સંગીત જગતમાં પ્રવેશ કર્યો. અને શરૂઅાતની પ્રસ્તુતી કંઇક આવી હતી:

આપે તેમની "અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા' તો સાંભળી જ હશે! જાણે શહેનાઇમાંથી શબ્દો બહાર પડતા હોય!

આપે શકીલ બદાયૂંનીએ રચેલી ગઝલ આપે સાંભળવી જ જોઇશે! ફરીદા ખાનુમ જેવી મહાન ગાયિકાએ સુદ્ધાં કહ્યું હતું કે બેગમ અખ્તરે આ ગઝલ એટલી ખુબસુરતીથી ગાઇ છે, વાહ! આફ્રિન! ગઝલ છે, 'મેરે હમ-સફર, મેરે હમ-નવા..' શબ્દો હૃદય સુધી પહોંચે, પણ બેગમ સાહિબાએ ગાઇને હૃદયના તાર એવા છેડ્યા, તેનો ઝંકાર હજી પણ અનુભવાય!

ગુજરાત માટે બેગમ સાહિબાની મુલાકાત આનંદ અને શોકના અગમ્ય સંગમ જેવી નીકળી. ગુજરાતની રંગભુમિનાં જાણીતા પુરસ્કર્તા નીલમબહેન ગામડીયાના આમંત્રણથી બેગમ અખ્તર અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત તેમનાં જીવનની ભૈરવી બની, અને...

એક દીપનું નિર્વાણ થયું અને યુગ વિતી ગયો. અલ્ વિદા બેગમ સાહિબા, આપની રૂહને ખુદા બક્ષે!

Saturday, October 22, 2011

જિપ્સીનો વિસામો: ગુલોંમેં રંગ ભરે (શેષ)

મેહદી હસન સાહેબનો પરિવાર રાજસ્થાની પરંપરાનો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના લૂણા ગામનો રહેવાસી હતો અને ઘણી પેઢીઓથી તેમને રાજ્યાશ્રય મળ્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધક એવા આ પરિવારે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દેશના ભાગલા થયા અને કઇ આશા આકાંક્ષા સાથે મેહદી હસનના વાલિદસાહેબ તથા તેમના અન્ય બુઝુર્ગોએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો, એ તો તેમને જ ખબર. પણ આ નિર્ણયને કારણે તેમને તથા તેમના પરિવારને શરૂઆતમાં ઘણી મુસીબતો ઉઠાવવી પડી. ખુદ મેહદી હસનને દહાડીયા તરીકે મજુરીથી માંડી સાઇકલ રિપૅરીંગનું કામ કરવા જેવી મહેનત કરવી પડી. રોજ વાલીદ સાહેબ પાસે રિયાઝ અને બાકીનો સમય પરિવાર માટે આજીવિકા કમાવવા બહાર જવું. આ મહેનતે તેમના સ્વભાવમાં કડવાશને બદલે નમ્રતા તથા લોકોની મુસીબત સમજવાની શક્તિ આવી. નિરભિમાન તેમના ચારિત્ર્યનું અંગ બની ગયું. જિપ્સીનું માનવું છે કે આ કારણે તેઓ અમીરથી વધુ અમીર અને ગરીબથી ગરીબ ચાહક પ્રત્યે સમાનત્વ બક્ષતા રહ્યા. આનું ઉદાહરણ અહીં જોઇએ.

ભારતીય સિને જગતના બીજી કક્ષાના એક પ્લેબૅક ગાયિકાએ કોણ જાણે કેવી રીતે મેહદી હસન સાહેબને કરારબદ્ધ કરી ભારત બોલાવ્યા અને મોટા શહેરોમાં કાર્યક્રમો યોજયા. ટિકીટના દર એવા રાખ્યા, જે સામાન્ય રસિકને ન પોષાય. અમદાવાદમાં તેમનો કાર્યક્રમ શાહીબાગના પોલિસ સ્ટેડીયમમાં રખાયો હતો. મેહદી હસન સાહેબની નજીક, તેમની સમક્ષ બેસી આનંદ માણનારા શ્રોતાઓ માટે તે સમયની માતબર ગણાતી રકમ ૧૦૦૦ રૂપિયાની ટિકીટ રાખી. તે વખતે સરકારી ક્લાર્કનો પગાર કેવળ ૧૦૦ રુપિયાનો હતો! નિમ્ન કક્ષાની, પોડીયમથી બસો ગજ દૂર સ્ટેડીયમના પગથિયા પર બેસી સાંભળનારાઓ માટે ટિકીટનો દર ૧૦૦ રૂપિયા - આમ આદમીની એક મહિનાની કમાઇ જેટલો રાખ્યો. તેમ છતાં ત્રણસો-એક ચાહકો ‘પગથિયાં’ની ટિકીટ લઇ કાર્યકમ સાંભળવા ગયા. હજાર રુપિયાની ટિકીટ વાળા કેવળ ૨૫-૩૦ લોકો હતા. કાર્યક્રમ શરૂ થયો. મેહદી હસન સાહેબે જોયું કે મોટા ભાગના શ્રોતાઓ દૂર હતા, તેમણે બધા ‘પ્રોટોકોલ’ છોડી જાહેર કર્યું, “દૂર બેસેલા મારા અઝીઝ હાઝરીન, આપ મારી નજીક આવીને બેસો. સંગીતના દરબારમાં કોઇ મોટું નથી, નાનું નથી.” અને બધા શ્રોતાઓને તેમના સાન્નિધ્યમાં બેસી તેમનું સંગીત માણવાનો મોકો મળ્યો. આવા હતા મેહદી હસન સાહેબ. જિપ્સી આ વાતનો સાક્ષી છે.

મેહદી હસન જ્યારે મિકેનીકનું કામ કરતા હતા, ત્યારે તેમના કાકા કરાંચી છોડી લાહોરના ગયા અને સંગીત નિર્દેશક તરીકે નામ કમાવ્યું. તેમણે મેહદી હસનને ફિલ્મોમાં ગાવાનો મોકો આપ્યો. શરૂઆતની અસફળતા બાદ ‘ગુલોમેં રંગ ભરે’એ તેમને એકાએક મોટા ફલક પર લાવ્યા. બસ, ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહિ. એક પછી એક ગઝલ, નઝમ, ગીત, લોક ગીત લોકોનાં હૃદયમાં વસી ગયા.

તેમણે ગાયેલી ગઝલોની શી વાત કરીએ! તેમણે ‘રંજીશ હી સહી’ ગાઇને ફરી એક વાર ઝંઝાવાત ઉભો કર્યો. તેની મિઠાશ, પ્રિયતમાને ફરી એક વાર પાછા આવવા માટે વિવિધ પ્રકારે કરેલી ઇલ્તજા ખરેખર માણવા જેવી છે. લગ્નોમાં, જન્મોત્સવમાં કે પછી કોઇ પણ પારિવારીક કે સાર્વજનીક કાર્યક્રમમાં જતા ગાયકોને લોકો આ ગઝલની ફરમાયેશ અને વારંવાર ઇર્શાદ આપવા લાગ્યા. એટલી હદ સુધી કે રૂણા લૈલા, અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ જેવા ગાયકો પોતાના કાર્યક્રમમાં ‘સ્ટાર આઇટમ’ તરીકે આ ગઝલ પેશ કરવા લાગ્યા!

આપે તેમની ‘રંજીશ હી સહી’ સાંભળી જ હશે. લંડનમાં થયેલ એક કાર્યક્રમમાં તેમણે આ ગઝલની નજાકત સમજાવીને ગઝલ પેશ કરી હતી તે ખરેખર આશ્ચર્યકારક હતી. અહીં આ ગઝલના શબ્દો, તેનો અર્થ અને ગઝલ રજુ કરીએ છીએ. અલબત્, આજે પણ આ કામમાં અસગરભાઇનો ફાળો જરૂર જોવા મળશે.

“રંજીશ હી સહી, દિલ કો દુખાને કે લિયે આ!
આ ફ઼િર સે મુઝે છોડ કે જાને કે લિયે આ!”

મારા પ્રત્યે તમને રંજ છે તેથી તમે મને છોડીને ચાલ્યા ગયા છો તે હું જાણું છું. તમારી રંજીશને હું તમારી ઇનાયત સમજીને તમને બોલાવું છું. જેથી તમે ફરી એક વાર છોડી જવા માટે મારી પાસે આવો!

પહેલે-સે મરાસીમ ના સહી ફિરભી કભી તો
રસ્મ-ઓ-રહે દુનિયા હિ નિભાને કે લિયે આ!

મરાસીમ એટલે સંબંધ. પહેલે-સે એટલે પહેલાં જેવા. આપણી વચ્ચે પહેલાં જેવા (પ્રેમાળ) સંબંધ ભલે ન હોય, પણ દુનિયાને તો આપણાં જુના સંબંધ યાદ છે. દુનિયાની રસમ એવી છે કે મિત્રો ફરી મળે. આ રસમ નિભાવવા માટે તો આવ!
 
કિસ કિસ કો બતાયેંગે જુદાઇકા સબબ હમ?
તુ મુઝ સે ખ઼ફા હૈ તો ઝમાને કે લિયે આ!

આ ઉપરના શે’રને સહેજ જુદી રીતે, પણ સહેજ સરળ ઉર્દુમાં પેશ કર્યો છે.

કુછ તો મેરી પિંદારે મોહબ્બત કા ભરમ રખ
તુ ભી તો કભી મુઝ કો મનાને લે લિયે આ!

પિંદાર એટલે માન/ ઇજ્જત. મતલબ છે, મારો તમારા પ્રત્યેનો પ્રણય ઉત્કટ છે એવો મને ભલે ભ્રમ હોય, તેમ છતાં મારા પ્રેમની કદર કરવા માટે તો તમે આવો!

એક ઉમ્ર સે હું લઝ્ઝત-એ-ગિર્યા સે ભી મેહરૂમ
અય રાહતે જાં, મુઝ કો રુલાને કે લિયે આ!

જીંદગીભર તમારી ઝંખના કરવા છતાં હું તમારા સંગની ખુશીથી હું વંચિત રહ્યો છું. હું જાણું છું કે તમે મારા પર ખુશ નથી, પણ મારા જીવને રાહત આપનાર આપના સંગનો લાભ આપીને જતા રહો તો મને રડવું તો જરૂર આવશે. આ રૂદન મને માન્ય છે તેથી મને ફરી રડાવવા માટે કેમ ન હોય, પણ આવશો જરૂર.

અબ તક દિલે ખ઼ૂશફ઼હેમ કો તુઝ઼ સે હે ઉમ્મીદેં
યે આખરી શમ્મેં ભી બુઝાને કે લિયે આ!

હજી સુધી તો મારૂં હૃદય તમારી વ્યર્થ આશા રાખીને દુ:ખીત રહ્યું છે
પણ મારી આશાના દિપકની જ્યોતને બુઝાવવા માટે તો આવો!)

હવે 'રંજીશ હી સહી’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ:
*
મેહદી હસન સાહેબનું કલેવર ભલે પાકિસ્તાનમાં હોય, પણ તેમની રૂહ રાજસ્થાની હતી. કોઇ પણ કાર્યક્રમ પહેલાં પરિચયમાં તેઓ હંમેશા તેમના પરિવારના રાજસ્થાનમાંના સાડાત્રણસો વર્ષનો ઇતિહાસ જરૂર કહેતા. દેશના ભાગલા બાદ તેઓ મરૂભૂમિથી દૂર રહ્યા, પણ ‘કેસરીયા બાલમા, પધારો મ્હારે દેશ’ તો તેમના હૃદયની સિતારમાં હંમેશા બજતો રહ્યો. અને તેમણે ‘કેસરીયા’ ગાયો સુદ્ધાં. સાંભળો તેમનો અણીશુદ્ધ રાજસ્થાની માંડ!
+

શરૂઆતમાં પોતાની આવડત, પ્રતિભાની ઝલકથી લોકોમાં આશા જન્માવતા કલાકારો પૈસાની આંધળી દોટમાં તેમની પ્રતિભાને geniusમાં પરિવર્તીત નથી થવા દેતા. આનું કારણ હોય છે તેઓ અંગ્રેજીમાં કહેવાય છે તે પ્રમાણે તેઓ ‘Playing for the Gallery’ કરવા લાગે છે. આ જુનો શબ્દપ્રયોગ છે. જુના જમાનામાં “pit class’ના લોકો - જેમને કલાની જરા જેટલી પરખ ન હોય પણ તેમને titillate કરે તેવા ગીતો ગાઇ, તેમને ખુશ કરી ગૅલેરીમાંથી નાણાંનો વરસાદ થવા માટે ગાવા પાછળ આખી જીંદગી ગાળી પ્રતિભાનું બલિદાન આપતા હોય છે. આવા લોકો ઘોડદોડના મેદાનમાં કદી અવ્વલ સ્થાન ન પામનારા ‘Also ran‘ અશ્વની જેમ રહીને ભુલાઇ જાય છે. Playing for the Gallery કરનારા ગાયકોના અનેક ઉદાહરણ જોવા મળશે. એક વાર ઉત્તમ ગઝલ ગાયક કે અદ્વિતિય સંગીતકાર થવાની ક્ષમતા ધરાવનાર ગાયક તરીકે આશા જન્માવનાર કેવળ “ભજન સમ્રાટ‘ બનીને રહી જાય એવું પણ જોવામાં આવ્યું છે.

લોકભોગ્ય સંગીતની બાબતમાં પોતાની કલાનો ઉત્તમ દરજ્જો જાળવવામાં મેહદી હસન સાહેબનું ઉદાહરણ અનોખું છે. આપે ‘રાફતા રાફતા વોહ મેરી...’ સાંભળ્યું છે?

જિપ્સીને આશ્ચર્ય ત્યારે થયું કે પંજાબની સરહદે તેનાં જવાન આ ગઝલની પંક્તિઓ “પહલે જાઁ, ફિર જાન-એ-જાઁ...‘ આરામથી ગાતાં! આવી હતી તેમની આમ જનતામાં appeal! ગીતની શરૂઆત કરતાં જ લોકોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઇ જતો.

*
મેહદી સાહેબ ગંભીર માંદગીમાં કરાંચીમાં દિવસો ગાળે છે. ભારત સરકારે તેમને ખાસ આમંત્રણ આપ્યું: ‘પધારો મ્હારે દેશ..” અમે તમારી સારવારનો પૂરો ખર્ચ ઉપાડીશું.

આમાં મહત્તા ફક્ત બે વાતોની છે: મેહદી સાહેબની કલાની અને બીજી તેમની કલાની કદર કરનારાઓની. કલા કદી સીમાની મોહતાજ નથી. નથી મોહતાજ તે હકૂમતની. હકૂમત તો આવા કલાકારોની કાયમ માટે ચાલતી રહી છે - જનતાના હૃદય પર!

આજનો પ્રયાસ કેવળ એક મહાન કલાકારને અંજલિ અાપવાનો છે. મેહદી હસનસાહેબનો પરિચય કરવાની કોશિશ એટલે સૂર્યના પ્રકાશનું વર્ણન કરવા જેવું છે!

Thursday, October 20, 2011

જિપ્સીનો વિસામો: ગુલોંમેં રંગ ભરે...


ગુલોંમેં રંગ ભરે...

“નવ વસંતની શીતળ લહેર રંગહિન પુષ્પોમાં રંગ ભરીને નીકળી પડે છે, તેમ તમે પણ અમારા વેરાન ઉદ્યાનમાં આવીને તેને પ્રફુલ્લીત કરો’, જેવા શબ્દોમાં ફૈઝ સાહેબે પોતાની ગઝલની શરૂઆત કરી, પૂરી કરી અને તેમાં કોઇએ ખરેખર રંગ પૂર્યા હોય તો તેને તરન્નૂમમાં રજુ કરી મેહદી હસન સાહેબે! વાહ એ ગઝલના રચયિતા અને વાહ તેના ગાયક!

૧૯૭૧માં પંજાબમાં બદલી થઇને જિપ્સી ગયો ત્યારે તેણે પહેલી વાર પાકિસ્તાનના લાહોર ટેલીવિઝન પર આ ગઝલની ‘ક્લિપ’ સાંભળી. સામાન્ય રીતે કોઇ અસાધારણ ચીજ સાંભળવા મળે તો મુખમાંથી શબ્દો નીકળે, “વાહ, ક્યા બાત હૈ!” તે દિવસે આ ગઝલ સાંભળીને કોઇ શબ્દ ન નીકળ્યા. આભો થઇને તે કેવળ જોતો જ રહ્યો, સાંભળતો જ રહ્યો. ગઝલ પૂરી થયા બાદ બીજું કોઇ ગીત કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં તેણે મેસમાંનો ટેલીવીઝન off કર્યો. જેમ દાર્જીલીંગ ચ્હાનો પહેલો ઘૂંટડો લીધા બાદ કે દસ વર્ષ જુની શાર્ડોનેના ‘બૂકે’ની ખુશ્બૂ માણી તેનો પહેલો ‘સિપ્’ મમળાવ્યો હોય ત્યાર પછી બીજું કશું ચાખવાની ઇચ્છા ન થયા તેવી ભાવના થઇ આવી. થોડી વારે અમારા સી.ઓ. આવ્યા તેમને જિપ્સીએ આ ગઝલ અને તેના ગાયક વિશે પૂછ્યું.

‘અરે, આ તો મેહદી હસને ગાયેલી ગઝલ છે. ફૈઝ અહેમદ ફૈઝની આ ગઝલ તેમણે પાકિસ્તાનની ફિલ્મમાં ગાઇ હતી.”
જિપ્સી માટે શરમની વાત તો એ હતી કે તે પહેલાં તેણે મેહદી હસનનું નામ પણ નહોતું સાંભળ્યું! સૈનિકોને અબૂધ અને ‘અજ્જડ’ અમસ્તાં નથી કહ્યા!

ગઝલ હતી: ગુલોંમેં રંગ ભરે બાદ-એ નૌબહાર ચલે
ચલે ભી આઓ કી ગુલશન કા કારોબાર ચલે
*

આજની વાત શરૂ કરી મેહદી હસન સાહેબ માટે અને આવી ગયો ફૈઝ અહેમદ ‘ફૈઝ’ સાહેબ પર! બન્નેની એ જ તો ખુબી છે! રત્નને શોભાયમાન કરવા માટે કોઇ આભુષણ જોઇએ. જો રત્ન કોહિનૂર કે કુલીનાન જેવું હોય તો તેના માટે તો રાજમુકૂટ જ જોઇએ. ફૈઝની કલમ રત્નની ખાણ સમાન હતી. તેમાંથી નીકળેલ અણમોલ રતન ‘તુમસે પહેલીસી મુહબ્બત’ મૅડમ નૂરજહાંએ ગાઇ ત્યારે ફૈઝ સાહેબે આ ગઝલ નૂરજહાંને નજર કરી! ગઝલકાર અને ગાયીકા, બન્ને જનતા માટે નજરાણાં સમાન બની ગયા. એવી જ રીતે ફૈઝ સાહેબની ખાણમાંથી ઝળહળતા લાલ (Ruby) સમાન ‘ગુલોંમે રંગ ભરે..’ જેવું નીકળ્યું, અને મેહદી હસનના કંઠમાંથી જડાઇને બહાર પડ્યું, ગઝલ અને ગાયકીના સંસારમાં ખળભળાટ મચી ગયો! મેહદી હસન પ્રખ્યાત થઇ ગયા! ‘ગુલોંમેં રંગ ભરે’ સંગીતપ્રેમી જનતા અને જનમાનસમાં છવાઇ ગયું.

ફૈઝ સાહેબે આ ગઝલ મેહદી હસનને નઝર કરી કે નહિ તે જિપ્સી જાણતો નથી. એ તો એટલું જ જાણે છે કે જ્યારે પણ આ ગઝલ રેડીયો કે ટીવી પર જોવાય કે સંભળાય, તેને મેહદી હસન સાહેબના નામે જ કરી દેવાય છે, એટલી સુંદર રીતે તેમણે ગાઇ. અને મેહદી હસનસાહેબ ગમે ત્યાં કાર્યક્રમ થાય, આ ગઝલ તેઓ જરૂર પેશ કરતા રહ્યા અને ફૈઝસાહેબને અદબપૂર્વક અર્પણ કરતા ગયા.

આમ જોવા જઇએ તો સંગીતની મહેફીલમાં મેહદી હસન, ફૈઝ સાહેબ અને મિર્ઝા ગાલિબની ત્રિમૂર્તી અભિન્ન સ્વરૂપે પ્રકટતી. શાયરની રૂહનો આશિર્વાદ ગાયક પર હોય તો તેમનો કલામ જીવંત થઇ ઉઠે. મેહદી હસન પર આ બે મહાન શાયરોની અસીમ કૃપા હતી, તેવી જ કૃપા મેહદી હસનની અન્ય શાયરો પર રહી. તેમનો અવાજ, તેમની ગાયકી, તેમની ગઝલના આત્માની પહેચાન એટલી ઊંડી હતી કે તેમના સ્વરમાં શાયર પોતે આવી જતા, અને મેહદી હસનના મુલાયમ અવાજમાંથી નીકળતી તાનની હલક અને તલફ્ફૂઝની નજાકત શ્રોતાઓનાં તન અને મન પર છવાઇ જતી.

મેહદી હસન જ્યારે ફૈઝ સાહેબનો કલામ ગાતાં, તેઓ શાયરનાં શબ્દોના માધુર્યને એવી રીતે પેશ કરતા કે તે જનતાના હૃદય પર છવાઇ જતું. આપ તો જાણો છો કે ફૈઝ સાહેબ ક્રાન્તિકારી હતા. તેમનો આત્મા સૈનિક શાસકોના બૂટની નાળ નીચે રગદોળાતી જનતાને જોઇ શાંત ન રહ્યો. પાકિસ્તાનનો અવામ એક વિશાળ પાંજરામાં બંદી હતો. જમીનદારો - વડેરાઓ - તથા ઉંચા હોદ્દા ધરાવતા મિલિટરીના અફસરોની ધાક નીચે ખેડૂતો ગુલામોની જેમ જીવી રહ્યા હતા. ન તેમને કોઇ રાહત મળતી હતી, ન ચાહત. ફૈઝ સાહેબના કલામ સત્તાધારીઓને રાસ ન આવ્યા અને તેમને લાંબા ગાળાના કારાવાસમાં મોકલ્યા. તેમણે દ્વિઅર્થી કલામ લખ્યા: જેમને સમજવું હતું તે સમજી ગયા. અવામ તેને સમજવા જેટલી ક્ષમતા કેળવે ત્યાં સુધી તેમનો કલામ તેમને હોઠે ચઢી જાય તેવી તેમને ખ્વાહેશ હતી. તેમની આ ખ્વાહેશને જનતા સુધી પહોંચાડવાનું કામ મેહદી હસને કર્યું. તેમનું ‘ગુલોમેં રંગ ભરે’ લોક હૈયે બેસી ગયું.

આજે આપની સમક્ષ અમે મેહદી હસને ગાયેલી ફૈઝ સાહેબની ગઝલ પેશ કરીએ છીએ. મેહદી હસન જ્યારે પણ ગાવા બેસે, તેમનો આગ્રહ રહેતો કે તેમના ચાહકો તેમની નજીક બેસે, અને તેઓ જે ગઝલ કે નજમ પેશ કરે, તેના મર્મને જાણી શાયરની રચનાને બિરદાવે. ઘણી વાર તેઓ પોતે ગીતની ખાસ પંક્તિ શરૂ કરતાં પહેલાં જે શે’ર ગાવાના હોય તેનો અર્થ, તેના ખાસ શબ્દનું ઊંડાણ સમજાવ્યા બાદ શે’ર અને ગઝલ પૂરી કરતા. તેથી હવે રજુ કરેલી ફૈઝસાહેબની ગઝલના શબ્દો તથા તેના અર્થની ગહેરાઇને અહીં ઉતાર્યા બાદ તેને અમે મેહદી હસન સાહેબનાં કંઠમાં સંભળાવીશુ.

અહીં જિપ્સીએ ‘અમે’ શબ્દબહુવચન એટલા માટે વાપર્યો છે કે તેનું ઉર્દુનું જ્ઞાન નહિવત્ છે. તેણે નેટ જગતના ઉર્દુ અને ફારસીના વિદ્વાન અસગરભાઇ વાસણવાળાની મદદ માગી. અસગરભાઇએ અહીં ગુજરાતીમાં ઉતારવામાં આવનાર ગઝલના એક એક શબ્દની શુદ્ધતા ચકાસી, તેનો અર્થ લખી મોકલ્યો છે, જે અહીં રજુ કરવામાં આવ્યો છે, જેથી આપ ગઝલની મધુરતા તથા તેના શબ્દમાધુર્યનો રસાસ્વાદ એક સાથે કરી શકશો. અસગરભાઇએ આપણા માટે જે જહેમત કરી છે તે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે, અને નીચે ગઝલ તથા તેનો અસગરભાઇએ લખી આપેલ સાર આપ્યો છે.

*

ગુલોં મે રંગ ભરે, બાદ-એ-નૌબહાર ચલે

ચલે ભી આઓ કિ ગુલશન કા કારોબાર ચલે

“નવ વસંતના પવનની મંદ લહેર આવીને પુષ્પોમાં રંગ પૂરે, અને રંગ બેરંગી ફૂલોથી સજાયેલ બાગ લોકોને આનંદ આપવાનું કામ કરે, તે માટે તો આપ પધારો! (જાણે નિસર્ગે આપની ગેરહાજરીને કારણે પોતાનું કર્તવ્ય કરવાનું છોડી દીધું છે!) “ શેરનો સામાન્ય અર્થ થાય છે: પ્રિયતમા, તમારી હાજરીથી ફૂલોમાં રંગ પૂરાય છે. તમે નથી તો કુદરતે તેનું કામ કરવાનું મૂકી દીધું છે!)

ક઼ફ઼સ ઉદાસ હૈ યારો સબા સે કુછ તો કહો

કહીં તો બહેરે ખુદા આજ ઝિક્રે યાર ચલે

"દોસ્તો, પિંજરામાં ગમગિની છવાઇ છે! મિત્રો, ખુદાને ખાતર પવનની લહેરને કંઇક તો કહો જેથી ક્યાંક તો પ્રિયતમા વિશે વાત થાય અને તે સાંભળે!” કફસ એટલે પાંજરૂં. કવિ કહે છે જે પિંજરામાં તે ફસાયા છે, તેનો આખો માહોલ ઉદાસ છે. એવી જગ્યાએથી શીતળ પવન આવે જે તેમના સમાચાર લાવે! (ફૈઝ સાહેબને ફૌજી હકૂમતે વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. અહીં જાણે તેઓ તેમના સાથી કેદીઓને કહી રહ્યા હોય તેવું લાગે!)

કભી તો સુબ્હ તેરે કુન્જે લબ સે હો આગ઼ાઝ઼

કભી તો શબ, સરે કાકુલ સે મુશ્કબાર ચલે

"કોઇક વાર તો તમારા હોઠના નાજુક ખૂણામાંથી (નીકળતા સ્મિતમાંથી) ઉષાનાં કિરણો નીકળે અને તમારા કાળા, વાંકડીયા કેશની લટમાંથી રાત્રી ખુશ્બૂદાર બની જાય!

બડ઼ા હૈ દર્દ કા રિશ્તા, યે દિલ ગ઼રીબ સહી

તુમ્હારે નામ પે આએંગે ગ઼મગુસાર ચલે

"દર્દની (હૃદય સાથેની) સગાઇ ઘણી ઊંડી છે. આ હૃદય ભલે દીન છે, તમારૂં નામ સાંભળીને મારી લાગણી કરનારાઓ ટોળેબંધ દોડી આવશે.

જો હમ પે ગુઝ઼રી સો ગુઝ઼રી, મગર શબે હિજરાં

હમારે અશ્ક, તેરી આક઼ેબત સંવાર ચલે

શાયર વિયોગની રાત પર કટાક્ષ કરે છે. અહીં ભાર અપાયો છે ‘શબે હિજરાં’ - “વિયોગની રાત્રી” પર. (વિયોગની રાત મા)મારા પર જે વિતી તે વિતી પણ રાતમાં રડેલા મારા આંસુઓ તથા એ વિયોગની રાત, તારો ભવ(આકેબત) સુધારી ગયા.

હુઝ઼ૂરે યાર હુઈ દફ઼તરે જૂનૂં કી તલબ

ગિરહ મે લેકે ગરેબાં કે તાર-તાર ચલે

"પ્રિયા-નામદાર”ના દરબારમાં મારી તેમના પ્રત્યેની ઘેલછાની ખાતા-વહી તલબ કરવામા આવી. જ્વાબ રુપે હું મારા (તેની પાછળ કરેલા ગાંડપણમાં પિંખી નાખેલા) ગિરેબાન (પહેરણ અથવા ઇજ્જતના) તાર-તાર થયેલા તાંતણાઓને બાંધી લઇ હાજર થયો.

મક઼ામ કોઈ ફૈઝ઼ રાહ મે જચા હી નહી

જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે

શે’રનો સાદો અર્થ છે, ‘જ્યારે મારે મારી પ્રિયતમાના ઘરની રાહ છોડવી પડી, હું સીધો ફાંસીના માંચડા તરફ ગયો. મારા માટે બીજો કોઇ વિકલ્પ નથી. વાસ્તવમાં ફૈઝસાહેબના આ શબ્દો પાકિસ્તાન માટે છે: આઝાદી યા મૌત!

હવે ગઝલ ‘ગુલોંમેં રંગ ભરે’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ.

કહો તો, તાજ ખુબસુરત છે કે તેમાં જડાયેલું રત્ન? જિપ્સી માટે આ કઠણ પ્રશ્ન છે. અાપ કદાચ સંમત થશો કે બન્ને મૌલ્યવાન છે અને એકબીજામાં ભળી તે અણમોલ બની ગયા!

(વધુ આવતા અંકમાં

Friday, October 14, 2011

જિપ્સીનો વિસામો: 'દિયા જલાકર...' (શેષ)


આપે હાલ પાકિસ્તાનમાં આવેલ કસૂર શહેરનું નામ જરૂર સાંભળ્યું હશે. હા, આ એ જ શહેર છે જેને ભારત/પાકિસ્તાનની (અને યુરોપ અમેરિકામાં વસતી આપણી) ગૃહિણીઓ ત્યાંની પ્રખ્યાત કસૂરી મેથીને કારણે જાણે છે. પંજાબની વૃદ્ધ માતાઓ ત્યાંની પ્રસિદ્ધ મોજડી (‘જૂતી કસૂરી’ ગીત સાંભળ્યું છે?)ને હજી યાદ કરે છે. સંગીતના જાણકારો કસૂરને ખાનસાહેબ બડે ગુલામ અલીખાંસાહેબના વતન તરીકે જાણે છે. અા કસૂર શહેરમાં જ નૂરજહાંનો જન્મ થયો હતો. મજાની વાત છે, તેમનું જન્મનામ જુદું હતું: અલ્લાહ વસઇ! નૂરજહાં તેમનું ફિલ્મી નામ હતું. તેમનાં માતાપિતા બન્ને ખાનદાની ગાયક હતા અને તેમની વિનંતિથી બડે ગુલામ અલીખાંસાહેબે નૂરજહાંને પતિયાલા ઘરાણાનું સંગીત શીખવ્યું. મૂળભૂત પાયો એટલો મજબૂત થયો કે કોઇ પણ ગીતની ગમે તેવી મુશ્કેલ તાન હોય, નૂરજહાં જાણે સ્મિત કરતા હોય તેવી સહજતાથી ગાઇને ગીતને ચાર ચાંદ લગાવી દેતાં.

આજની વાત તેમના જીવન ચરિત્ર વિશે નથી. નથી તેમની સિનેસૃષ્ટીમાં થયેલા પ્રવાસની કથા. કેવળ તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવાનો આશય છે.

નુરજહાંનું જીવન બે ભાગમાં વહેંચાયું. પહેલું ભારતમાં, જ્યાં તેમની કલા સાચા અર્થમાં ઓળખાઇ. અહીં તેમના ગાનકૌશલ્યની કલા શાસ્ત્રીય અંગના ગીતો તથા પંજાબી લોકગીત ટપ્પાના ‘ઠેકા’ પર આધારીત સંગીતમાંની તેમની માહેરીયત પ્રકાશમાં આવી. એક તરફ દત્તા કોરગાંવકર જેવા સંગીતકારના દિગ્દર્શન નીચે ગાયેલા ગીતો અને ત્યાર બાદ ગુલામ હૈદર જેવા પંજાબી સંગીતકારોના સર્જનમાં રચાયેલા ગીતોના પ્રસ્તુકરણમાં. બન્નેમાંનો ફરક આપ જોઇ શકશો:

દત્તા કોરગાંવકરનું ગીત: ‘એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી’ જે સાંભળી આપણા ગુજરાતના જ પણ વિશ્વમાં પ્રસિદ્ધ થઇ ગયેલા (‘મધર ઇન્ડીયા’) મહેબુબખાન દત્તાને ખાસ મળવા ગયા અને કહયું, “ભાઇ દત્તા, યહ ગાના તો આપને ખુદાકે દરબારમેં બૈઠે હુએ બનાયા લગ રહા હૈ!” (આ વાત સ્વ. કોરગાંવકરે એક પત્રકારને કહી હતી.)

હવે સાંભળીએ ગુલામ હૈદરનું ‘ગાંવકી ગોરી’નું ગીત: ‘બૈઠી હું તેરી યાદમેં ...” તથા અન્ય ગીત, "ઉમંગે દિલકી મચલી.."

બન્ને ગીતો ભારતમાં ફિલ્માયા-ગવાયા હતા. તેમની ખુબસુરતી અને મધુરતા વિશે કોઇ બે મત નથી. હવે સાંભળીએ પાકિસ્તાન ગયા બાદ થતા ગયા પરિવર્તનમાં. પહેલાં સાંભળીએ શરૂઆતની ફિલ્મ 'ગાલીબ'નું 'યહ ન થી હમારી કિસ્મત', અને ઢળતી ઋતુમાં જનતાને ગમતું રૉક-સ્ટાઇલ નું પંજાબી લોકગીત "સાનું ન્હેરવાળે પૂલ-તે બુલાકે" (અમને નહેર ઉપરના પુલ પર બોલાવીને વ્હાલમ તમે ક્યાં રહી ગયા!) સાંભળીએ. આપને તેમાં બદલાયેલા નૂરજહાં નજર આવશે. ગમે તે હોય, તેમની છટા (style)માં જે ફેર છે તે જરૂર જણાશે. પરંતુ જે લગનથી, પ્રસંગની નજાકતને સમજી નૂરજહાંએ આ ગીતો ગાયા, શ્રોતાઓની સ્મૃતીમાં હંમેશ માટે અંકાઇ ગયા. જો કે આજે નુરજહાંનું નામ નીકળે તો તેમના ચાહકો તરત બોલી ઉઠશે, “ઓહ નૂરજહાં? વાહ, તેમનું ‘આવાઝ દે કહાં હૈ’ હજી પણ હૃદયમાં કંપન ઉત્પન્ન કરે છે.”

અને કેમ નહિ? તેમના પ્રખ્યાતી આજે પણ આ ગીત સાથે સંકળાઇ છે. કદાચ તેઓ તેમના ચાહકોને આ ગીતથી સાદ પાડી રહયા હતા: ક્યાં છો તમે મારા ચાહકો? એક આવાઝ તો દો! ત્યાર પછી તો ભારતના ભાગલા પડી ગયા અને કોણ જાણે કોના કમભાગ્યે નૂરજહાંએ પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો. તેઓ તો ગયા, પણ ગીતનો પ્રતિધ્વની પાછળ છોડતા ગયા.

તેમના પાકિસ્તાન જવાના નિર્ણયનાં પરિણામ અનેક રીતે અનુભવાયા. નૂરજહાં શું ગયા, સંગીતકાર કે. દત્તાનાં સૂર ખોવાઇ ગયા. જાણે પરમાત્માએ નૂરજહાં માટે જ સંગીત સર્જવા તેમને પૃથ્વી પર મોકલ્યા હતા. થોડા જ વર્ષોમાં તેમનું અવસાન થયું. ‘નાદાન’ અને ‘બડીમા’ જેવું સંગીત તેઓ ફરી આપી ન શક્યા.

પાકિસ્તાન ગયા બાદ નૂરજહાંને શરૂઆતમાં જે મળી તે ફિલ્મમાં કામ કરવું પડ્યું. તે સમયે (અને હજી સુદ્ધાં) પાકિસ્તાનના સ્ટુડીઓઝમાં આધુનિક યંત્રો નહોતાં, અને જે ફિલ્મોનું નિર્માણ થયું તેમાં ટેક્નીકલ ક્ષતિઓ હતી. તેમ છતાં તેમની પહેલી િફલ્મ ‘ચન્ન વે’ થોડી ચાલી, પણ ત્યાર બાદની ‘દુપટ્ટા’ સુપર હિટ થઇ ગઇ. બાકીની ફિલ્મો (અનારકલી, પાટેખાં વ.) ચાલી, પણ તેનું કારણ એક જ હતું. પાકિસ્તાનમાં કોઇ અન્ય નાયિકાઓ કે ગાયીકાઓ નહોતી. જો કે આ ફિલ્મોની કક્ષા નિમ્ન પ્રકારની હતી. શરૂઆતી ફિલ્મોમાં જે પ્રકારના નૃત્યો નૂરજહાંને કરવા પડ્યા તેવા તેમને ભારતની કોઇ ફિલ્મમાં કરવા પડ્યા નહોતા. એક વાત જે ત્યાંની જનતાના માનસ પર છવાઇ ગઇ તે હતી તેમની સંગીત પ્રતિભાની. તેમણે ઘણાં ગીતો, લોકગીતો, ગઝલ, નાટ ગાયા અને યાદગાર બની ગયા. તેમણે એક લોરી પણ ગાઇ છે! સાંભળી છે આપે? 'ચંદાકી નગરીસે આજા રે નિંદીયા'....

નૂરજહાંનું સાચું નૂર તેમના અવાજમાં હતું. ઉચ્ચ ‘સોસાયટી’માં, પાકિસ્તાનના સત્તાકેન્દ્ર એવા સૈનિક શાસકો - ખાસ કરીને જનરલ યાહ્યા ખાન - દ્વારા યોજાતા ખાસ કાર્યક્રમોમાં તેમને આમંત્રવામાં તેમનું ગૌરવ થતું. તેમણે ગાયેલી ગઝલ, પંજાબી અને ઉર્દુમાં ગાયેલા ગીતોને દેશ પરદેશમાં વસતા પાકિસ્તાની અવામે વધાવી લીધા. લંડનમાં BBC એ ખાસ કાર્યક્રમો રાખ્યા. તેમની કલાએ તેમને એટલી શોહરત અપાવી તેઓ નૂરજહાં મટીને મલિકા-એ-તરન્નૂમ બની ગયા. લોકો તેમને મૅડમ નૂરજહાં કહીને બોલાવવા લાગ્યા. તેમના એક એક સ્વરને, સૂરને તેઓ ખોબે ખોબે વધાવવા લાગ્યા. આટલી ખ્યાતિ મળ્યા બાદ પણ તેમની નમ્રતામાં એક અણુમાત્રનો ફેર ન પડ્યો. કોઇએ તેમને લતા મંગેશકરની ગાયનકલા વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો જવાબ હતો, “ભાઇ લતા તો લતા હૈ! વહ બેમિસાલ હૈ.” એવીજ રીતે લતાદીદીએ નૂરજહાં વિશે કહ્યું, “ઉનકે ગલેમેં તો ભગવાન રહતે હૈં!”

ભારતીય ફિલ્મ ઉદ્યોગની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ભારત સરકાર તથા િફલ્મ ઉદ્યોગે તેમને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું. મૅડમ નૂરજહાં ભારત આવ્યા અને આખા દેશે, દેશના તમામ અખબારોએ જાણે તેમના પગની સામે લાલ મખમલનો ગાલીચો બિછાવી દીધો હોય તેવું સ્વાગત કર્યું. નૂરજહાંના જીવનનો તે યાદગાર પ્રસંગ બની ગયો.

ગઝલની વાત નીકળી તો અહીં ફૈઝ અહમદ ફૈઝની કૃતિ અહીં રજુ કરીશું. ‘ફૈઝ’ની અપ્રતિમ કૃતિના શબ્દોને આપણા જાણીતા બ્લૉગર પ્રજ્ઞાબહેન વ્યાસે તેમના બ્લૉગમાં આપ્યા છે. આપણે સાંભળીએ મલિકા-એ-તરન્નૂમના અવાજમાં ગઝલ ‘મુઝસે પહલીસી મુહબ્બત મેરે મહેબૂબ ન માંગ..’ ફૈઝસાહેબની ગઝલ તેમણે ભારતમાં 'live' પેશ કરી હતી.

નૂરજહાં ૨૩ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ જન્નતનશીન થયા. તેઓ ગયા, પણ આસમંતમાં હજી તેમના શબ્દો સંભળાય છે, ‘આવાઝ દે કહાં હૈ...’

Tuesday, October 11, 2011

વિસામો: દિયા જલા કર આપ બુઝાયા (૧)

સંગીતકારે એવી તર્જ બનાવી, જે તેના જહેનમાં ઘણા દિવસોથી ઘુમી રહી હતી. આ એવું રત્ન હતું જે તેને પરખનાર અને ‘પહેરનાર’ના કંઠે શોભી રહે. ફક્ત જેના માટે સંગીત યોજ્યું હતું તેને ગમવું જોઇએ.
કેટલાય દિવસથી આ ગીતમાં ઢાળવામાં આવનાર રાગ અને લય તેના મનમાં વાગી રહ્યા હતા. ધૈવત અને પંચમમાં કેવો આવિષ્કાર કરવો જે ગીતનો આત્મા બની રહે, તેનો વિચાર કરી રહ્યો હતો. અચાનક એ તર્જ વિજળીની જેમ ઝબકી ગઇ અને તેણે એવી કૃતિનું સર્જન કર્યું હતું જેને ઘડીને તે કૃતાર્થ થઇ ગયો. હવે પરીક્ષાની ઘડી આવી હતી. ગીતની ગાયિકાને તે ગમ્યું કે નહિ તેની પરીક્ષા તેને તે ગાવામાં કેટલા ‘ટેક’ લેવા પડે છે. શું તે ગીતના સંગીતની રૂહને પહેચાની શકશે? જો તે ઓળખે તો બસ....

સંગીતકાર સ્ટુડીઓમાં સૌથી પહેલાં પહોંચી ગયા. ગાયિકાના પ્રિય અત્તરની ખુશ્બૂ લાવીને સ્ટુડીઓમાં તેનો છંટકાવ કર્યો. સુગંધ પમરાવી. આખરે ગાયીકા પણ સંગીતની મહારાણી હતી ને!

ગીત સાંભળી ગાયીકા પ્રસન્ન થઇ ગઇ. “વાહ! ક્યા બાત હૈ દાદા! ઇસ કા અતિકોમલ ગાનેકી રૂહ બન જાયેગા!”

એક પ્રૅક્ટીસ અને એક ‘ટેક’માં ગીત રેકૉર્ડ થઇ ગયું અને ચાહકોના મનમાં અંકાઇ ગયું. ગાયીકા હતા નૂર જહાઁ. સંગીતકાર કે. દત્તા ઉર્ફે દત્તા કોરગાંવકર.

રેકર્ડ બહાર પડી અને આ ગીતના તીવ્ર, કોમલ, અતિ કોમલ ગાંધાર અને ધૈવતમાં ઢાળવામાં આવેલ અને નૂરજહાઁના સ્વરમાં માં ગવાયેલ ગીત સાંભળીને શ્યામ સુંદર દત્તા સાહેબને ઘેર મારતી ગાડીએ પહોંચી ગયા અને આ ‘અદ્ભૂત’ કૉમ્પોઝીશન માટે અભિનંદન આપ્યા!

ગીત હતું, 'દિયા જલા કર આપ બુઝાયા, છોડ કે જાને વાલે, દિલ તોડ કે જાને વાલે!” અહીં સાંભળજો. તેમાંના શબ્દો ‘આપ બુઝાયા’ માં તેની subtlety ઓળખી જશો.

તે સમયે નૂરજહાઁ ‘મલીકા-એ-તરન્નૂમ’ નહોતાં થયા. એ સમય જ એવો હતો કે ગાયકો અને ગાયીકાઓ એકબીજાનો કલાકાર તરીકે આદર કરતા હતા. નહોતી તેમની વચ્ચે કોઇ સ્પર્ધા કે ઇર્ષ્યા. તેઓ કેવળ તેમની કળાના આધારે જનતાના માનીતા હતા. તે સમયે નૂરજહાઁ અને કે. દત્તાની જુગલબંધી એવી હતી કે દત્તાની સંગીત રચનાના હાર્દને કેવળ નૂરજહાઁએ પહેચાની તેમનાં સૂરોને એવી વાચા આપી કે તેમણે ગાયેલા કે. દત્તાનાં દરેક ગીત સુપર હીટ થઇ ગયા. આપે ‘કિસી તરહસે મુહબ્બતતમેં ચૈન પા ન સકે’ સાંભળ્યું છે? તેમાંનાં શબ્દો ‘પા ન સકે’ સાંભળશો તો આપ કેવળ ‘વાહ!’ કહેશો! કેવી નજાકતથી તેમણે તે ગાયા તે વિચારીને હેરત પામશો. આવા જ બીજા ગીતો:

આ ઇંતઝાર હૈ તેરા, દિલ બેકરાર હૈ મેરા...’


એક એક ગીત અવિસ્મરણીય બની ગયું. કે. દત્તાના સંગીતમાં નૂરજહાઁએ ફક્ત દસેક ગીતો ગાયા અને જાણકારો તેને સાંભળીને કે યાદ કરીને ‘વાહ! ક્યા બાત હૈ ઔર કયા ઝમાના થા!’ કહે છે.

ત્યાર પછી તો નૂરજહાઁના ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ. એક પછી એક ગીત ‘હિટ’ થતું ગયું! ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોના દિગ્દર્શન નીચે તેમણે જે ગીતો ગાયા તે યાદગાર બની ગયા. આજે બસ આટલું જ. આવતા અંકમાં તેમનાં ગીતોની વાત, તેમની પોતાની વાત લઇને ફરી હાજર થઇશ.
(વધુ આવતા અંકમાં)

Tuesday, October 4, 2011

જિપ્સીનો વિસામો: યુઁ ન રહ રહ કર હમેં તરસાઇયે!

કલ્પના કરીએ: આકાશમાં વિજળી ઝબૂકે અને તેની ચમકમાંથી ગર્જનાને બદલે દિવ્ય ગીત સંભળાય તો તેનો પ્રતિભાવ કેવો હોય? અચરજથી આકાશ તરફ નજર ન જાય? અને આ ગીતની બીજી પંક્તિ પૃથ્વી પરથી આવતી જણાય અને નજર કરીએ અને સામે સાતે’ક વર્ષના બાળકના ગળામાંથી સૂરબદ્ધ, શાસ્ત્રશુદ્ધ તાન નીકળતી સંભળાય તો બસ, આંખ બંધ કરીને તેને સાંભળતા જ રહીએ એવું લાગે. અને જે ગીત આપણે સાંભળીએ તેના શબ્દો હોય: "હૈરતસે તક રહા હૈ જહાને વફા મુઝે!"

કેટલા યથાર્થ છે આ ગઝલનાં અલ્ફાઝ! જી હા! ત્યારે અને અત્યારે (જેમને સાંભરે છે તેમને) તેમના ચાહકોના મુખમાંથી ‘ઇરશાદ’ની સાથે ભાવના વ્યક્ત થાય છે, હા, અમે હજી આશ્ચર્યથી તમને તાકીને જોઇ રહ્યા છીએ,સાંભળી રહ્યા છીએ િકશોરાવસ્થાથી સંાભળેલી આ ગઝલ! મિલિટરી ટ્રેનીંગ દરમિયાન મળેલી એક રજાના દિવસે િમત્ર રવિંદર કોહલીને માસ્ટર મદનની એક ચીજ ગણગણતાં સાંભળી જિપ્સીએ પૂછ્યું, “અરે, તને ગાવાનો શોખ છે એ તો આજે જાણ્યું!”

“ગાવાનો નહિ, સાંભળવાનો શોખ છે. આજે માસ્ટર મદનની પૂણ્યતિથી છે તેથી તેમનું ગીત સાંભરી આવ્યું અને જહેનમાંથી નીકળીને બહાર આવ્યું.”

રવિંદર ગાતો હતો “યૂં ન રહ રહ કર હમેં તરસાઇયે!”

માસ્ટર મદન, તરસાવ્યા તો તમે છે, કેવળ અમને નહિ, સમગ્ર ભારતના તમારા કરોડો ચાહકોને! કેવળ સાડા ત્રણ વર્ષની વયે જાહેરમાં સંગીતનો કાર્યક્રમ આપનાર ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ની શ્રેણીમાં આજે માસ્ટર મદનનાં ગીતોની શોધમાં નીકળેલા જીપ્સીને એક અણમોલ રત્ન-સમો બ્લૉગ મળ્યો - સરદારશ્રી સિમરન સિંહ સોહલનો. શ્રી સોહલે ટૂંકમાં પણ એટલા સુંદર શબ્દોમાં માસ્ટર મદનના જીવનનું રેખાચિત્ર તેમના બ્લૉગ http://skinnysim.info/master_madan.html માં આપ્યું છે, જિપ્સીએ તેમની રજાથી તેમના લેખનો ગુજરાતી ભાવાનુવાદ અહીં રજુ કર્યો છે. તેમણે તો તેમના બ્લૉગમાં embed કરેલા ગીત સુદ્ધાં અહીં રજુ કરવાની રજા આપી છે જે માટે જિપ્સી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. આશા છે, આપને તે ગમશે.

બાલ-િવભૂતિ
(Boy Genius)
by
Simran Singh Sohal

માસ્ટર મદનનું નામ સાંભળતાં જ તેમના ચાહકોને ફરીથી યાદ આવશે કે તેમના સ્વર અને સૂરને જાણે માતા સરસ્વતિએ દિવ્યતાનો અંશ બક્ષ્યો છે! તેમનું ગીત સંગીત અદ્ભૂત હોવા છતાં તેમના જન્મસ્થાન જાલંધરમાં કે સિમલામાં, જ્યાં તેમણે તેમના અલ્પ જીવનના વર્ષો ગાળ્યા હતા ત્યાં તેમની સ્મૃતીમાં કોઇ સ્મારક બનાવવામાં આવ્યું નથી! હવે તો ભારતીય સંગીતના ઇતિહાસકારો પણ તેમને ભૂલવા લાગ્યા છે જે એક પ્રકારની એક વિડંબના જ ગણાય. આજ કાલ બાલ સંગીતકારોના કાર્યક્રમના ઝગમગાટભરી TV હરિફાઇમાં મોટા સિને કલાકારો અને ગાયકો ‘કુદરતકી દેન’, ‘દૈવી અંશ’ કહીને વારંવાર બેસૂર થતા નાની વયના બાળકોને ઉપાડીને બકીઓ ભરતા જોયા, પણ કોઇને માસ્ટર મદન યાદ ન આવ્યા કે ન તેમને કોઇએ અંજલી આપી! જિપ્સી અહીં કોઇની સરખામણી નથી કરવા માગતો! તે કેવળ અફસોસ જાહેર કરે છે કે આપણા સંગીતની પરંપરામાં વિશીષ્ટ યોગદાન આપનાર મહાન ગાયકોને કોઇ યાદ નથી કરતું.

માસ્ટર મદનનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૨૭ના દિને જાલંધર નજીકના ખાન-એ-ખાના નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતા સરદાર અમરસિંહ જાણીતા હાર્મોનિયમ અને તબલા વાદક હતા. તેમની માતા પૂર્ણદેવી સાત્ત્વિક પ્રકૃતિનાં હતા અને તેમનો પ્રભાવ માસ્ટર મદન પર હંમેશા છવાઇ રહ્યો.

માસ્ટર મદને તેમના જીવનનો પહેલો જાહેર કાર્યક્રમ જુન ૧૯૩૦માં કેવળ સાડા ત્રણ વર્ષની વયે ધરમપુર સેનેટોરીયમમાં અાપ્યો - અને તેમનું ભજન ‘હે શારદા! નમન કરૂં’ સાંભળી જનતા આશ્ચર્યથી અવાક્ થઇ ગઇ. ભજન બાદ તેમણે ધ્રુપદની એવી તો રજુઆત કરી, તેમના સંગીતની વાત દેશભરમાં વ્યાપી ગઇ. અંગ્રેજીમાં કહીએ તો તેઓ એક cult figure બની ગયા અને દેશના લગભગ દરેક સંગીત મહોત્સવમાં તેમને આમંત્રીત કરવામાં આવ્યા. બહારગામના કાર્યક્રમ માટે તે જમાનામાં ‘માતબર’ ગણાતી ૨૫૦ રૂપીયાની રકમ આપવામાં આવતી અને સ્થાનિક માટે રૂ.૮૦! તેમનું વય એટલું નાનું હતું કે પૈસાની તેમને કશી કિમત નહોતી. કેવળ સંગીત પરના પ્રેમ તથા સુજ્ઞ શ્રોતાઓ તરફથી મળતા પ્રતિભાવને કારણે તેઓ કાર્યક્રમોમાં ભાગ લેવા જતા.

આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ દિલ્હી ગયા અને માંદા પડી ગયા. તેમ છતાં તેમણે અૉલ ઇંડીયા રેડીયો પર કાર્યક્રમો આપ્યા. બિમારી વધતી ગઇ અને દેશી પરદેશી એવા કોઇ ઉપચાર કામ ન આવ્યા. તેમના કપાળ અને શરીરના સાંધામાં એક વિચીત્ર પ્રકારનો ચળકાટ દેખાવા લાગ્યો. જાણકાર વૈદ્યોએ અભિપ્રાય આપ્યો કે તેમના કોઇ હરીફે દૂધમાં પારો ભેળવીને પીવા આપ્યું હતું, જેનું વિષ તેમના શરીરમાં ફેલાઇ ગયું હતું. અંતે ૬ જુન ૧૯૪૨ના રોજ આ અપ્રતિમ પ્રતિભાશાળી સંગીતકારનું કેવળ ચૌદ વર્ષની વયે અવસાન થયું."
- સિમરનસિંહ સોહલ.

માસ્ટર મદનના સંગીત જીવન દરમિયાન કેવળ ૮ ગીતોની ધ્વનિમુદ્રીકા બનાવવામાં આવી. તેમના અવસાનને ૬૮ વર્ષનાં વહાણાં વાયા પણ તેમના સુમધુર, રોમહર્ષક અવાજની કુમાશ, સ્થૈર્ય અને આનંદની ઝલક હજી એવી જ તાજી છે, જેવી તેમણે જીવનકાળ દરમિયાન તેમના રસિકોને પીરસી.
ગંગાસતીએ તેમના ભજનમાં જે તત્ત્વજ્ઞાન કહ્યું તેમ આપણું જીવન વિજળીના ઝબકારાના સમય જેટલું ક્ષણીક છે. આ ઝબકારમાં જેટલાં ‘મોતી’ પરોવી શકાય એટલા પરોવવાનો પ્રયત્ન કરવો. માસ્ટર મદને આઠ મોતી આપણા માટે મૂક્યા છે: જ્યારે નીરખવા - માણવા હોય માણી લઇએ. આપણા જીવનની વિજળીનો ઝબકાર છે ત્યાં સુધી આનો આનંદ લઇએ!

આજે આપની સમક્ષ કેટલાક ગીતો રજુ કર્યા છે. આશા છે આપને તે ગમશે. માસ્ટર મદનનાં બાકીના ગીતો સાંભળવા માટે આપને ઉપર દર્શાવેલ શ્રી સોહલસાહેબની વેબસાઇટની મુલાકાત લેવા વિનંતિ છે.


"મોરી બિનતી સુનો કાન્હા રે!"


"ચેતના હૈ તો ચેત લે!"

આજે આટલું જ! બનશે તો ફરી કોઇની મુલાકાત કે તેમની કલાકૃતિના અભ્યાસ સાથે મળીશું.

Monday, October 3, 2011

વિસામો: મધુવન (૨)

जुथिका रॉय - "एक दफ़े हैदराबाद में मेरी सरोजिनी नायडू के साथ मुलाक़ात हुई। वो आई थीं मेरा गाना सुनने के लिए, मुझे देखने के लिए। और उनको मैं कभी यह नहीं सोचा कि वो मेरे पास आएंगी, हमारे पास आकर बोलीं कि 'दीदी, आप ने महात्मा गांधी को देखा?' मैंने कहा कि नहीं, अभी तक हमारा यह सौभाग्य नहीं हुआ, हम तो बस पेपर में पढ़ते हैं कि वो क्या क्या काम करते हैं हमारे देश के लिए। बोलीं, 'आप जानती हैं आपका गाना कितना पसन्द करते हैं?' मैंने बोला कि नहीं, मुझे मालूम नहीं है, मुझे कैसे मालूम पड़ेगा? बोलीं कि 'उनको आपका गाना बहुत पसन्द है, हर रोज़ वो आपके रेकॉर्ड्स बजाते हैं, और जब प्रार्थना में बैठते हैं तो पहले मीराबाई का यह भजन बजाते हैं, फिर प्रार्थना शुरु करते हैं। तो मेरी एक बहुत इच्छा है कि आप महात्मा जी के साथ ज़रूर दर्शन करना, वो गाना सुनना चाहें तो एकदम सामने से उनको गाना सुनाना, यह मैं आपको बोल रही हूँ।'

मैंने यह खबर तो उनसे सुना, मैं पहले तो नहीं जानती थी, लेकिन मैं बहुत कोशिश करने लगी कि बापू के साथ मुलाकात करूँ, उनके दर्शन करूँ, उनको प्रणाम करूँ, लेकिन वह समय बहुत खराब समय था, स्वाधीनता के लिए बहुत काम थे, इधर उधर घूमते थे, और हमारे कलकत्ते में भी दंगे लग गए, सब जलने लगा चारों तरफ़। उस वक्त १९४६ में दंगे शुरु हो गए। हमने सुना कि बापू कलकता में आए हैं, और बेलेघाटा में, बहुत दूर है हमारे घर से, तो वहाँ पे ३ दिन ठहरेंगे, लेकिन बहुत बिज़ी हैं, किसी के साथ मुलाकात नहीं कर सकते। मैंने, माताजी और पिताजी ने सोचा कि जैसे भी हो हमें उनका दर्शन करना ही पड़ेगा। और उनके सामने नहीं जा सकेंगे, उनको गाना नहीं सुना सकेंगे, उसमें कोई बात नहीं है, लेकिन दूर से उनके हम दर्शन करेंगे सामने से। और एक साथ हम लोग सब भाई बहन, माताजी, पिताजी, काका, बहुत बड़ा एक ग्रूप बनाके, हम लोगों ने देखा कि जैसे वो मॉरनिंग्‍ वाक करते थे, तो हम रस्ते के उपर उनको प्रणाम करेंगे। ऐसे सब बातचीत करके हम निकले। वहाँ पहुंचे तो देखा कि जहाँ पर बापू रहते हैं वह बहुत बड़ा मकान है, उसके सामने एक बहुत बडआ गेट है और गेट के सामने ताला लगा हुआ है। वहाँ एक दरवान बैठा था तो हमने पूछा कि 'क्या हुआ, ताला क्यों लगा है, बापू मॉरनिंग् वाक में गए क्या?' तो बोला कि 'नहीं, उनका मॉरनिंग् वाक हो गया, अभी आराम कर रहे हैं, इसलिए ताला लगा हुआ है'। हमको बहुत बुरा लगा कि टाइम तो निकल गया।

मेरे काकाजी ने गेट-कीपर को कहा कि 'देखो, हम लोग बहुत दूर से आ रहे हैं, गेट को खोल दो, हम थोड़ा हॉल में बैठेंगे'। बोला, 'नहीं नहीं, मुझे हुकुम नहीं है, आप तो नहीं जा सकते, आप इधर ही खड़े रहना'। बहुत कड़ी धूप थी उधर, हम सब धूप में खड़े थे, हमारे पीछे-पीछे और भी बहुत से लोग आ गए। हम सब साथ में खड़े रहे। अचानक ऐसा हुआ कि वह शरत काल था, इसमें ऐसा होता है कि अभी कड़ी धूप है और अभी अचानक बरसात हो जाती है। तो एकदम से काले बादल आके बरसात शुरु हो गई, और हम भीगने लगे। हमारे काकाजी को तो बहुत गुस्सा आ गया। मुझे बहुत प्यार करते हैं, 'रेणु भीग रही है', उन्होंने एकदम से दरवान को जाकर कहा कि 'देखो, बापू को जाकर कहो कि जुथिका रॉय आई है उनके दर्शन के लिए, अन्दर जाओ और उनको यह बता दो'। दरवान तो चला गया, बाद में क्या देखते हैं कि अन्दर से मानव गांधी और दूसरे सब वोलन्टियर्स आ रहे हैं निकल के। छाता लेकर सब दौड़-दौड़ के आ रहे हैं। हम अन्दर गए, हॉल में सब बैठे। टावल लेकर आए क्योंकि हम सब भीग गए थे। थोड़ी देर बाद आभा गांधी, आभा गांधी बंगाली थे, कानू गांधी के साथ उन्होंने शादी की थी, वो आश्रम में रहती थीं। तो आभा आकर मुझको बोली कि 'दीदी, आप और माताजी अन्दर आइए, बापू जी आपको बुलाए हैं, और किसी को नहीं'। बापूजी एक दफ़े उठ कर हॉल में एक चक्कर देके, सबको दर्शन देके अन्दर चले गए और हमको और माताजी को अन्दर ले गए।

बापूजी एक छोटे से आसन पर बैठे हैं, कुछ नहीं पहनते थे एक छोटी धोती के अलावा। और आँखों में बहुत मोटे काँच का चश्मा है। उसमें से उसी तरह हमको देखने लगे और हँसने लगे। आभा जी ने कहा कि 'आज बापू जी का मौन व्रत है और वो आज नहीं बोलेंगे'। तो भी ठीक है, सामने तो आ गए बापू जी के, यही क्या कम थी हमारे लिए! बापू जी को हमने प्रणाम किया, उन्होंने दोनों हाथ मेरे सर पे रख कर बहुत आशीर्वाद दिया। फिर वो लिखने लगे, लिख लिख कर वो आभा को देते थे और वो पढ़ कर हमको बताती थीं। उन्होंने लिखा कि 'हम तो अभी बहुत बिज़ी हैं, हमारे पास तो टाइम नहीं है, हमें टाइम से सब काम करना पड़ता है, हम अभी दूसरे कमरे में जाकर थोड़ा काम करेंगे, आप यहीं से खाली गले से भजन गाइए'। मैं तो चौंक गई, पेटी-वेटी कुछ नहीं लायी, हम तो खाली दर्शन के लिए आ गए थे। तो एक के बाद एक उनके जो फ़ेवरीट भजन थे, वो उन्होंने बोल दिया था, मैं गाती चली गई, जैसे "मैं तो राम नाम की चूड़ियाँ पहनूँ", "घुंघट के पट खोल रे तुझे पिया मिलेंगे", "मैं वारी जाऊँ राम" आदि।

तो उस दिन वहाँ पर आधे घण्टे तक मैं गाई एक एक करके। उसके बाद बापू जी फिर हमारे कमरे में आ गए, फिर गाना बन्द करके उनको प्रणाम किया, तो फिर से हमारे सर पे हाथ रख के बहुत आशीर्वाद दिया, और फिर आभा को लिख कर बताया कि 'आज मेरा मैदान में अनुष्ठान है'। कलकत्ते का मैदान कितना बड़ा है आपको शायद मालूम होगा। तो वो बोले कि 'आज मेरा मैदान में अनुष्ठान है, शान्तिवाणी जो हम प्रचार करेंगे, उधर सब लोग आएंगे, उधर जुथिका भी हमारे साथ जाएंगी। जुथिका गाएगी भजन और मैं शान्तिवाणी दूंगा, और राम धुन होगा और यह होगा, वह होगा'। मेरा जीवन धन्य हो गया। बस वही एक बार १९४६ में वो मुझे मिले, फिर कभी नहीं मिले। उस वक्त मैं यही कुछ २५-२६ वर्ष की थी

Saturday, October 1, 2011

જિપ્સીનો વિસામો: મધુવનમાં કોયલ બોલી!

વર્ષા ઋતુમાં બંગાળની વાત નીકળતી ત્યારે મારા બંગાળી મિત્રો અભિમાનથી શરૂ કરતા, 'આમાર બાંગ્લાદેશે..' અને ખ્યાલ આવતો કે અમે બંગાળી નથી, તેઓ બંગાળી-હિંદીમાં શરૂ કરતા, "હામારા બાંગાલમેં આપ છૉય (૬) રિતૂ અૉનુભોબ કોર સાકતા હૈ". અમે જવાબ આપતા, અમારે ત્યાં ગુજરાતમાં ભલે છએ છ ઋતુઓનો અનુભવ ન થાય, પણ જે છે તેમાં અમને બેવડો આનંદ મળતો હોય છે. વર્ષામાં આષાઢી સાંજમાં અંબર તો ગાજે જ પણ સાથે સાથે મોરનો ટહૂકતો સાદ રણકે અને વરસાદનાં ફોરાં તન અને મન બન્નેને ભીંજવે. વળી વસંત ઋતુનું આગમન પણ બેવડી રાગિણીથી થાય છે. પહેલાં તો અમારી જ્યુથીકા રેનું ગીત સંભળાય, 'બોલ રે, મધુબનમેં કોયલીયા', અને ગીત પૂરૂં થતાં આંબાના વનમાંથી નીકળતો પંચમ સૂરમાં કોયલનો સાદ..."
"કિંતુ જ્યુથિકા રૉય તો હામારે બાંગાલકી હૈ!" બોઝબાબુ બોલી ઉઠતા.
ના, બોઝબાબુ. જ્યુથીકા રે આખા દેશની છે. જો કે હું તો તમને એ કહેતો હતો કે અમારે ત્યાં વસંત ઋતુ આવે ત્યારે કોઇ ગીત મનમાં આવે તો તે છે "બોલ રે મધુબનમેં મુરલીયા...."

*
સોઇલેન્દ્રોનાથ (શૈલેન્દ્રનાથ) બોઝને કેવી રીતે કહું કે અમારે ત્યાં રેડીયો પર ભજન આવે તો જ્યુથીકા રેનાં "ઘુંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે' અથવા "આજ મેરે ઘર પ્રીતમ આયે"થી શરૂઆત થાય. બપોરે સુગમ સંગીતની રેકર્ડઝ વાગે તો તેમાં 'મેરી વીણા રો રહી હૈ, સારી દુનિયા સો રહી હૈ...' અચૂક હોય! સાંજે કોઇ વાર'બૈરન હો ગઇ રાત પિયા બિન..." પણ સંભળાય!

ગુજરાતને બંગાળ સાથે ઘણી જુની લેણાદેણી. શ્રી. અરવિંદ પૉંડીચેરી ગયા તે પહેલાં તેમણે વડોદરામાં સમય ગાળ્યો હતો. વિ.સ. ખાંડેકર પછી સૌથી વધુ કોઇના પુસ્તકો વંચાયા હોય તો શરદબાબુનાં. રવિશંકર, નિખીલ બૅનર્જી, પન્નાલાલ ઘોષ, નિખીલ ઘોષ જેવા સંગીતકારોની કારકિર્દીની શરૂઆતમાં તેમને સૌથી વધુ નવાજ્યા હોય તો ગુજરાતે! અરે, એક જમાનામાં અમદાવાદની ૧૦૬માંની કાર્યરત એવી ૮૦ મિલોમાં બંગાળી વિવીંગમાસ્ટર અને શાળ પર કામ કરવામાં અસંખ્ય કામદારો બંગાળના હતા. ન્યુ થિયેટર્સના ચલચિત્રોની ધુમ મચી હતી, આવામાં જ્યુથિકા રે આપણને પોતીકા લાગે તેમાં નવાઇ શી? હાલની જ વાત છે. જ્યુથીકા રે ૯૧ વર્ષનાં થયા. તેમના સત્કારનો મહોત્સવ તાજેતરમાં આપણા મલકમાં થયો. ગુજરાત ગુણીજનોને હજી પૂજે છે.

સમય વીતતો ગયો. મનગમતાં પુષ્પોને યાદગિરીનાં પૃષ્ઠોમાં આપણે સંઘરતા ગયા. કોઇ વાર મનની અભરાઇ પરથી એકાદું પુસ્તક લઇએ અને તેમાંનું એક પાનું ખોલીએ તો તેમાં સુકાયેલું ગુલાબનું ફૂલ જીવીત થઇને હસી પડે છે અને તેની સુગંધની ફોરમ શબ્દ બનીને બહાર પડે છે..

"મેરી વીણા રો રહી હૈ!"

આજે આપને જિપ્સીની વાતમાં રોકાવાને બદલે જ્યુથીકા રેનાં આપને ગમતાં ગીતો તરફ લઇ જઇશું:

બૈરન હો ગઇ રાત પિયા બિન

આજ મેરે ઘર પ્રીતમ આયે

મૈં તો રામરતન ધન પાયો


આજે ફક્ત આટલું જ! આશા છે આજે આપને જ્યુથીકાજીની મુલાકાતથી આનંદ થયો હશે.

Friday, September 30, 2011

જિપ્સીનો વિસામો: 'કુછ યાદ રહે તો, સુન કર જા!'


પૂર્ણીમાની રાતે એક કવિ ભરતીની ઉત્તાન તાન જોઇને આનંદવિભોર થઇ ગયા. તેમણે જળ ઉપર ઉદિત થયેલ ચંદ્રને જોયો અને હૃદયમાં અસિમીત હર્ષ જાગ્યો. પરિણામે ગુજરાતી સાહિત્યમાં એક અમર કાવ્ય જન્મ્યું.

ભાવનગર નજીક આવેલા આ સમુદ્રના કિનારે શરદ પૂનમની રાતે જિપ્સી અને તેના મિત્રો કવિ કાન્તને યાદ કરતા હતા. રાત કદી ખતમ ન થાય અને પૂર્ણ કળાએ ખિલેલ ચંદ્ર કદી પણ અસ્ત ન થાય એવો વિચાર કરતા હતા. તે વખતે સાગરની ભવ્ય ભરતીના પ્રચંડ નાદમાં તેને‘કામિની કોકિલા’ની કેલી કૂજન તો ન સંભળાઇ, પણ વિશાળ સાગર પર તથા સમગ્ર આસમંત પર હર્ષોલ્લાસ ફેલાવતા ચંદ્રને જોઇ મનમાં સંતાયેલું ગીત બહાર આવ્યું: “અય ચાંદ છૂપ ના જાના!

કવિએ ગીત લખ્યું, અને ગાયું કાનનદેવીએ. ગાતી વખતે તેમના મનમાં શું ચાલતું હશે તે અકલનીય છે, પણ ગીતના આત્મામાં તેમણે જાણે ડૂબકી મારી હોય અને તેના રસમાં તરબોળ થઇને આ ગીત ગાયું હોય તેવો ભાવ અમે અનુભવ્યો. આ ખુબી હતી કાનનદેવીની. તેમણે જે ગીત ગાયાં, તેના અર્થ અને ભાવનામાં પૂરી રીતે ભીંજાઇને પ્રસ્તુત કર્યા. આથી જ તેમનાં ગીતોમાં આજે પણ એ જ તાજગી અને ખુશ્બૂ વર્તાય છે.

જુના જમાનાના લોકો કહેશે, કાનનદેવીનાં ગીતોની સ્મૃતી અાપણા જીવનની નાજુક પળો સાથે જેટલા જોડાઇ છે, એટલી જ આનંદની ક્ષણો સાથે. યાદોના કુંજવનમાં લટાર મારતી વખતે આપણા યૌવનકાળના મધુર પ્રસંગો પર પહોંચીએ ત્યારે કદાચ યાદ આવે પેલી મુશ્કેલ ક્ષણ, જ્યારે કોઇએ આપણને નાજુક, ઉત્તર ન આપી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો. સંજોગોએ સર્જેલી તે વસમી વિદાયના સમયે તેઓ જે ન કહી શક્યા, કાનનદેવીના ગીતે તેમની ભાવના વ્યક્ત કરી: “ભૂલ સકે તો ભૂલ હી જાના/ક્યા ભૂલી હું ભૂલ બતાના...” અને તે ઘડીએ મનમાં ઉપસેલી પેલી કસકને, એ જખમને ફરી તાજી કરતી ક્ષણને વાચા આપતાં કાનનદેવીએ ગાયું, “જો દર્દ દિયા હૈ, લેકર જા તુ, હાં કર જા, યા ના કર જા!” ફિલ્મના સર્જકે કોણ જાણે અભાવિત રીતે કે જાણી જોઇને આ ચિત્રપટને નામ આપ્યું -‘જવાબ’! આ સૌને એવા nostalgiaમાં લઇ જાય છે તેનું વર્ણન કરવું એક ‘લેફ્ટ રાઇટ, ક્વીક માર્ચ’ કરનાર સૈનિક માટે શક્ય નથી! તે એટલું જ કહી શકશે, જે વ્યથા આપે અનુભવી, તેણે તે જીવી.

લોકોએ દુનિયાને ચિત્ર-વિચીત્ર સંજ્ઞાઓ તથા વાણી વિલાસ વડે નવાજી છે, વિવિધ વસ્તુઓ સાથે તેની સરખામણી કરી છે! કોઇ તેને રેલગાડી કહે તો કદાચ તેમાં રસહિનતા લાગે. પરંતુ તેને યોગ્ય શબ્દ મળે, તેમાં સૂર ભળે, અને ગાનાર કાનનદેવી હોય તો તે અજોડ ઉપમા બની જાય! યાદ છે આપને ‘યે દુનિયા, તુફાન મેલ’? એકાકિ જીવન જીવતી નાનકડા રેલ્વે સ્ટેશનના સ્ટેશનમાસ્તરની કન્યાના જીવનમાં ‘અપ’ અને ‘ડાઉન’ ટ્રેન સિવાય બીજું કશું નથી હોતું. ત્યાં અચાનક એક સ્મૃતીવિભ્રમથી પિડાતો પરદેશી યુવાન આવી જાય છે. નવ-યુવતિના જીવનમાં અકલનીય વાવાઝોડું આવે છે. તેમ છતાં હંમેશા કિલ્લોલ કરતી, ગાતી તરૂણીના પરિવેશમાં કાનનદેવીએ જે અભિનય આપ્યો, જે ગીતો ગાયા તે હંમેશા એક કોકિલાના ટહૂકા સમાન રહ્યા. દેશ પરદેશમાં, બરફનાં તોફાન કે રણની રેતીના ઠંડા નિ:શ્વાસ સમા શિયાળા બાદ બાદ વસંતનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કુદરતમાં જે ફેરફાર થવાનો હોય એ થવાનો જ, પણ માનવીનું મન!? પરદેશમાં રખડતા કવિ બ્રાઉનીંગને એપ્રિલના મહિનામાં રૉબિન પક્ષી દેખાયું તો તે ગાઇ ઉઠ્યો, “Oh to be in England/Now that the Summer is Here!” આવે વખતે એક ભારતીયને ભણકારા સંભળાય છે કોકિલના પંચમ સ્વરના! અને આ ભારતીય જુના જમાનાનો હોય તો તેને સંભળાશે ગાન-કોકિલા કાનનદેવીના સૂર...‘મેરે અંગનામેં આયે આલી, મૈં ચાલ ચલું મતવાલી...” જાણે વસંત ઋતુ પોતે આછો લીલો વેશ પરિધાન કરીને નૃત્ય કરી રહી હોય!

*

એક પુરાતન ઋષિએ પૃથ્વીને બહુરત્ના વસુંધરા કહી છે. આપ કદાચ સંમત થશો કે આ વસુંધરા ભારતભુમિમાં સમાઇ છે. કોહિનૂર, હોપ ડાયમન્ડ જેવા ભૌતિક રત્નો આપણી ખાણોમાંથી નીકળ્યા અને ગયા કોઇના રાજમુકુટને શોભાવવા કે કોઇની અભેદ્ય તિજોરીના અંધકારમાં. એક આપણો મુલક એવો છે જ્યાં લોકમાન્ય રત્નો આપણી વચ્ચે રહી આપણાં જીવન અને જહેનમાં છવાઇ ગયા. તેમની લોકભોગ્ય કલા તથા જ્ઞાનની પ્રસાદી તેમણે ઉદારતાપૂર્વક આપી અને આપણે તેનો સ્વીકાર એટલી જ કૃતજ્ઞતાપૂર્વક કર્યો. આ તેમણે આપણા માટે મૂકેલો વારસો છે અને આપણે તેને આપણા હૃદયમાં સાચવી રાખ્યો છે. તેથી જ તો આ રત્નો કોઇના રાજમુકૂટ કે ખજાનામાં બંદી બનીને ન રહ્યા. કાનનદેવીના ભંડારની વાત કરીએ તો તેમાંથી એક પછી એક રત્નો બહાર આવતા ગયા:

‘તુમ મન મોહન, તુમ સબ સખીયન સંગ, હઁસ હઁસ ખેલો ના!’
જરા નૈનોંસે નૈનાં મિલાયે જાઓ રે. મેરે બાંકે રસીલે સાંવરીયા.’

‘સાંવરિયા, મન ભાયા..’
‘કૌન મન લુભાયા, કૈસે મનમેં આયા.’

અને તે યુગની લગ્નોત્સુક યુવતિને જોવા આવનાર મૂરતિયાએ તેને ગીત ગાવાનું કહેવામાં આવે ત્યારે યુવતિઓ દ્વારા ગવાતું, ‘પ્રભુજી, તુમ રાખો લાજ હમારી!’ આખા ભારતમાં ગવાતું થઇ ગયું. જિપ્સીને હજી યાદ છે તેમના પરિવારની મોટી બહેનોનું આ પ્રિય ગીત હતું. બીજું ગીત હતું કૃષ્ણભક્તિના ગીતોમાં આજકાલ ન સંભળાતું હોય તેવું ગીત: ‘તુમ મનમોહન, તુમ સખીયન સંગ, હઁસ હઁસ ખેલો ના!’ બસ, આંખો બંધ કરી આ ગીત સાંભળીએ અને મન પહોંચી જાય છે વ્રજમાં, અને નજર સામે આવે છે ગોપીઓ સાથે હસીને રાસ નૃત્ય કરતા શ્યામ!

*

જેમ રત્નોનું ઉગમ સ્થાન ઊંડી અંધકારમય ખાણ છે, કાનનદેવી એવી જ એક ખાણની નિપજ હતા. તેમનું જન્મ નામ હતું કાનન દાસી! તે સમયે કહેવાતા કલકત્તાના ‘સભ્ય’ સમાજ હાવડાના જે ઘોલડાંગા વિસ્તારને નિષીદ્ધ ગણતો હતો વિસ્તારમાં તેમનો જન્મ થયો. એ યુગ એવો હતો કે ફિલ્મોમાં કામ કરવા માટે ભદ્રસમાજની કોઇ મહિલા તૈયાર નહોતી થતી. અત્યંત ગરીબીથી પિડાતા પરિવારને મદદ કરવા માતાએ તેને દસ વર્ષની વયે મૂક ફિલ્મમાં અભિનય કરવા મોકલ્યા. ન તેમાં તેમને નામની ‘ક્રેડીટ’ મળી કે ન કોઇનું તેમની તરફ ધ્યાન ગયું. સમય જતાં ‘ટૉકી’ આવી, કામ મળતું ગયું. સૌ પ્રથમ તેમને પ્રસિદ્ધી મળી હોય તો તે ‘જોડ બાજાર’ ફિલ્મમાં. સિને સૃષ્ટીમાં ચંદ્રનો ઉદય થયો. તેમની ગાયકીને ઓળખી હોય તો આજના બાંગ્લાદેશના રાષ્ટ્રકવિ કાઝી નઝરૂલ ઇસ્લામ, ભિષ્મ દેવ ચટ્ટોપાયાય, જ્ઞાન દત્ત તથા બિનોદ બિહારી ચટ્ટોપાધ્યાયે અને તેમણે મળીને રીતસરનું સંગીત શિક્ષણ શરુ કરાવ્યું. આગળ જતાં પંકજ કુમાર મલ્લીક, રાય ચંદ બડાલ (અંગ્રેજીમાં તેમનું નામ R C Boral લખાતું),કમલ દાસગુપ્તા અને કે.સી. ડે એ તેમને તેમની સાથ આપ્યો. તેમની કળાનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હોય તો ન્યુ થિયેટર્સની ફિલ્મોમાં. એક પછી એક ચિત્રપટ સ્મૃતી ચિહ્ન બની ગયું. પ્રમથેશ બરૂઆને તેમના દેવદાસ માટે પારોના પાત્રમાં કાનનદેવી જોઇતા હતા. ઇર્ષ્યાથી અંધ બનેલા તેમના કરારબદ્ધ નિર્માતાએ તેમને છોડવાનો ઇન્કાર કર્યો. અંતે જમુના દેવી ફિલ્મમાં લેવાયા.

આખા દેશમાં કાનન બાલાને હવે લોકો સ્નેહથી કાનનદેવી કહેવા લાગ્યા. સિને સૃષ્ટીના માંધાતાઓ તેમને ‘મૅડમ’ કહીને બોલાવવા લાગ્યા, પણ બંગાળના દંભી ભદ્ર સમાજે તેમને પોતાના ઘરમા કદી આમંત્ર્યા નહિ. ઘણી વાર અસભ્ય વ્યવહાર પણ પ્રદર્શીત કર્યો: કાનનદેવી સામે આવે ત્યારે બેઠાં બેઠાં જ નમસ્તે કરી લેતા. એક સમારંભમાં જ્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર પ્રમુખપદે હતા. કાનનદેવીએ હૉલમાં પ્રવેશ કર્યો, ગવર્નરશ્રી પોતે ખુરશી પરથી ઉભા થઇ ગયા અને તેમનું સ્વાગત કરવા આગળ વધ્યા, ત્યારે બંગાળી સમાજ લજ્જાથી ઝુકી ગયો. ત્યાર પછી જનતાએ તેમને ખુલ્લા હૃદયથી સ્વીકાર્યા.

આજે આપની સમક્ષ તેમનું અજાણ્યું પણ સૌને ગમી જાય તેવું ડ્યુએટ રજુ કરી કાનનદેવીને નમસ્તે કહીશ!

Wednesday, September 28, 2011

જિપ્સીનો વિસામો: 'આવાઝકી દુનિયાકે દોસ્તો..' (શેષ)

કૉલેજમાં હતો ત્યારે ભાવનગરમાં બિમલબાબુ દિગ્દર્શીત અને દિલીપ કુમાર અભિનીત ‘દેવદાસ’ આવ્યું ત્યારે અમે બધા તે જોવા ગયા. મારાં બાએ કહ્યું, ‘જુના દેવદાસની સામે આ કશું નથી!’ અને નસીબ જોગે બંદર રોડ પર આવેલા નૉવેલ્ટી સિનેમાના માલિક પ્રાણભાઇએ દિલીપ કુમારના ‘દેવદાસ’ની સામે સાયગલ સાહેબનું દેવદાસ મૂક્યું. બા અમને તે જોવા લઇ ગયા. ચિત્ર પૂરૂં થયા પછી કહે, “બન્ને વચ્ચે કેટલું અંતર છે તે જોયું?” અને તેમનું appreciation શરૂ થઇ ગયું. જે રીતે અમારાં ચાર ચોપડી ભણેલા બાએ ચલચિત્રના nuances સમજાવ્યા, તે સાંભળી અમે અવાક્ થઇ ગયા!

‘દેવદાસ’ ફિલ્મની એક વાત મને મારા મોટાભાઇએ જે વાત કરી તે કદી ભુલી ન શક્યો.
‘નરેન, બાપુજીના સંગ્રહમાં ખાં સાહેબ અબ્દુલ કરીમ ખાનસાહેબે ગાયેલ ઠુમરી “પિયા બિન નાહી આવત ચૈન!” તને યાદ છે?”
“હા, કેમ નહિ! એ તો અદ્ભૂત ચીજ છે!”
“ખાનસાહેબે આ ઠુમરી ગાયા બાદ કોઇ ગાયકની તે ગાવાની હિંમત ન થઇ, કારણ કે તે એક સિમાચિહ્ન-સમી બની ગઇ હતી. કોઇ પણ આ ઠુમરી ગાય તો તેની સરખામણી તરત કિરાણા ઘરાણાના સરતાજ અબ્દુલ કરીમખાન સાહેબની ઠુમરી સાથે થાય. પણ પ્રમથેશ બરૂઆએ સાયગલ પાસે આ ઠુમરી ગવડાવી. દારૂના નશામાં ધૂત્ થઇને રસ્તામાં પડેલ દેવદાસ ‘પિયા બિન..’ ગાય છે અને તેમને શોધવા ફીટનમાં બેસી આખા કલકત્તાનું ચક્કર ખાતી ચંદ્રમુખી દૂરથી તે સાંભળે છે અને તેના દેવદાસ પાસે પહોંચી જાય છે. નરેન, સાયગલે ગાયેલ આ ઠુમરી સંગીતના ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આપણા બાપુજીએ તે સમયની રેકૉર્ડ કંપનીઓ સાથે પત્રવ્યવહાર કરી સાયગલે ગાયેલ ‘પિયા બિન..’ ને પ્રસિદ્ધ કરવાની વિનંતિ કરી હતી. બધી બાજુથી જવાબ આવ્યો કે કૉપીરાઇટના કારણે તેને પ્રસિદ્ધ કરી શકાય નહિ. અહીં આપના શ્રવણ આનંદ માટે ખાંસાહેબ અબ્દુલ કરીમખાન સાહેબની ઠુમરી પણ રજુ કરી છે.

સમય ગયો, ‘યુ ટ્યુબ’ની દુનિયામાં લોકોએ એવી કરામત કરી કે સાયગલ સાહેબનાં પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગીતોને આસાનીથી હાથવગા કરી સાંભળી શકાયા. મને જ્યારે આ ઠુમરી ઇન્ટરનેટ પર મળી, મેં તેની CD બનાવી મારા મોટા ભાઇ મધુભાઇને મોકલી. મારા કમનસીબે તેમને તે સમય પર મળી નહિ. દેવદાસની કરૂણાંતિકાની છાયા મારા જીવનમાં પણ કોઇ ને કોઇ રીતે પડતી જ રહી.

સાયગલ સાહેબના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું: તેઓ કલકત્તા છોડી મુંબઇ ગયા. એક પછી એક એટલી ફિલ્મો મળી, કામનું દબાણ કહો કે અન્ય કોઇ કારણ, તેઓ શરાબને શરણે ગયા. આ એટલી હદ સુધી થયું કે જ્યાં સુધી સ્કૉચનો એક ‘શૉટ’ ન લે, ગાઇ જ શકતા નહોતા. તેમ છતાં તેમણે ગાયેલા ‘તાનસેન, ‘સુરદાસ’, ‘મેરી બહન’, ‘શાહજહાન’ ના ગીતો ચિરસ્મરણીય થઇ ગયા. મારા ઉર્દુભાષી મિત્રોએ સાયગલ સાહેબે ગાયેલી ગઝલનો રસાસ્વાદ કરાવ્યો, જે એક લહાવો બની ગયો. તેમની ગાયકીની ખુબી એ હતી કે તેમણે ઉચ્ચારેલા દરેક શબ્દ, જ્યાં જ્યાં ભાર આપવો જરૂરી હતો ત્યાં અપાયેલ emphasis માં શુદ્ધતા હતી, પણ તેના ઉચ્ચારણમાં ક્યાંય લય, સૂર કે તાલમાં ખલેલ નહોતી પડતી. શ્રોતાઓ તેથી જ તેમની ગઝલનો આસ્વાદ ભરપૂર માણી શક્યા. એવો જ આનંદ તેમનાં ગીતોમાં.’દો નૈના, મતવાલે, તિહારે, હમ પર ઝુલ્મ કરે...’, ‘પ્રેમકા હૈ ઇસ જગમેં, પંથ નિરાલા...’ ક્યા કયા ગીતોનું વર્ણન કરૂં! તેની યાદી કદી ખતમ નહિ થાય!

*

જુના જમાનામાં આકાશવાણીના ઉર્દુ પ્રોગ્રામમાં મહાન કલાકારોની ગીતો ભરી મુલાકાત લેવાતી તેમાં નૌશાદ સાહેબની મુલાકાત મને કાયમ માટે યાદ રહી ગઇ. તેમણે કહ્યું, “ ૧૯૪૬માં જ્યારે ‘શાહજહાન’ને મેં સંગીત આપ્યું, ત્યારે સાયગલના એક ગીતના મારે અનેક ‘ટેક’ લેવા પડતા હતા. જ્યારે ગાવાનું થાય, તેઓ તેમના ડ્રાયવરને બોલાવતા અને કહેતા, “જોસેફ, ‘કાલી-પાંચ’ લે આ.”. કાળી પાંચ તેમના સૂરની પટ્ટી. શરાબ હવે તેનો પર્યાય બની ગયો. તે દિવસે મેં તેમને એ ગીત બૉટલમાંની ‘કાળી પાંચ’ વગર ગાવા વિનંતિ કરી. પાંચે’ક વાર ગાયા બાદ તેમણે કહ્યું, ‘નૌશાદમિયાં, માફ કરના, કાલી પાંચકે બગૈર હમ ગા નહિં સકતે.’ અને બે-ચાર ઘૂંટડા બાદ ગાવાનું શરૂ કર્યું. બીજા દિવસે તેઓ આવ્યા ત્યારે મેં તેમને રેકર્ડ સંભળાવી. સાયગલ ખુશ થઇને બોલ્યા, ‘જોયું? કાળી પાંચ વગર સૂર જામતો જ નથી. મેં તેમને કહ્યું, ‘સાહેબ, આ આપની ‘ખાસ’ કાળી પાંચ વગરનું ગાયેલું છે. આપની અસલ કાળી પાંચ સો ટચના સોના જેવી છે. શરાબની કાળી પાંચ તેની તોલે કદી પણ નહિ અાવે. તેમણે મારી તરફ કરૂણ નજરે જોયું અને બોલ્યા, ‘નૌશાદભાઇ, તમારા જેવા કોઇ મિત્રે મને થોડા સમય પહેલાં આ વાત કહી હોત તો બે-ચાર વર્ષ વધુ જીવી શક્યો હોત...”

થોડા સમય બાદ સાયગલ સાહેબ તેમની પ્રિય ‘આવાઝકી દુનિયા’ને છોડી ચાલ્યા ગયા. તે પહેલાં મુંબઇમાં તેમણે ગાયેલા ફિલ્મી ગીતો અને સૂરદાસના ભજન અમર બની ગયા. તેમણે ગાયેલું બાલ ગીત, ‘એક રાજેકા બેટા લેકર, ઉડને વાલા ઘોડા...”, પંકજ કુમાર મલ્લીકના સંગીત નિર્દેશનમાં ગાયેલ “સો જા રાજકુમારી”, “અય કાતિબે તકદીર..” “જબ દિલ હી ટૂટ ગયા..” એક પછી એક તેમનાં ગીતોની યાદ આવે છે, અંત:કરણના બધા હિસ્સા તેમના સંગીતમાં રમમાણ થઇ જાય છે. મધરાતે તમરાંનો અવાજ પણ સંભળાતો નથી. મનની હાર્ડ ડિસ્કમાંથી સાયગલ સાહેબનાં ગીતોની પંક્તિઓ આપમેળે સંભળાવા લાગે છે.

*

લંડનમાં અમે દૃષ્ટિહિન ભારતીય વડીલો માટે બોલતું અખબાર શરૂ કર્યું, ત્યારે કૅસેટ ટેપમાં જગ્યા બાકી રહી હોય તો તેમાં અમે ભજન કે ગીત ઉમેરતા. અમારા એક શ્રોતા (હાલ દિવંગત) છોટુભાઇ ભટ્ટે વિનંતિ કરી. અમને “નૈન હિન કો રાહ દિખા પ્રભુ...” સંભળાવો. અમે તે રજુ કર્યું અને અનેક સંદેશા આવ્યા. સાયગલનું અમારૂં ભજન ઘણા દિવસે સાંભળ્યું અને અમને ઘણી ખુશી ઉપજી! ભક્ત સૂરદાસમાં તેમણે ગાયેલા બીજા ગીતો પણ મૂકશો! “

*

સન ૧૯૯૦માં જિપ્સી લંડનમાં મેન્ટલ હેલ્થના ડે સેન્ટરમાં કામ કરતો હતો ત્યારે તેણે ચલાવેલા ‘રેમીનીસન્સ ગ્રૂપ’માં એક દિવસ ‘મને ગમતાં ગીત’નો વિષય રાખ્યો. બધાંએ ગીતો ગયા. અંતમાં મૂળ કેન્યાનાં અમારા એક ઇસ્માઇલી બહેન સુલ્તાના વીરજીને ગીત ગાવું હતું. સૌએ હા કહી. અને તેમણે ગાયું, “મધુકર શ્યામ હમારે ચોર!”,

*

મારા પ્રિય ગીતો? એક હોય તો કહું! મારા અતિ પ્રિય ગીતોની વાત કરૂં તો બે ગીતો યાદ આવે. “ઇક બંગલા બને ન્યારા!’ બીજા ગીત વિશે જરા વિસ્તારથી કહીશ.

કોઇ પણ સંગીતના કાર્યક્રમના અંતે ગવાતી ભૈરવી હોય, અને ૧૮૫૭ના બળવા પહેલાં અંગ્રેજોએ જબરજસ્તીથી તેમના રાજ્યમાંથી નિકાલ બહાર કરેલા લખનૌના નવાબ વાજીદ અલી શાહે લખેલ ગીતને જે રીતે સાયગલ સાહેબે ‘સ્ટ્રીટ સિંગર’ ફિલ્મમાં ગાયું છે, તે છે. આટલી ભાવવાહી ભૈરવી ભાગ્યે જ કોઇએ ગાઇ હશે.

“બાબુલ મોરા, નૈહર છૂટો જાય!”

હા, જી. આ જિપ્સીનું આ સૌથી પ્રિય ગીત છે! જીવનનો સાર તેમાં આવી જાય છે, ખરૂં ને?

Tuesday, September 27, 2011

જિપ્સીનો વિસામો: 'આવાઝકી દુનિયાકે દોસ્તો..'

દૃશ્ય છે જુની બ્લૅક-અૅન્ડ-વાઇટ ફિલ્મનું. રેડીયો સ્ટેશનના રેકૉર્ડીંગ રૂમમાં એક ગાયક આવે છે અને ગીત શરૂ કરતાં પહેલાં શ્રોતાઓને સંબોધે છે, “આવાઝકી દુનિયાકે દોસ્તો..” ગીત શરૂ થાય છે “પ્રીત મેં જીવન.... ભોર સુહાની, ચંચલ બાલક...” અને ગીત પૂરૂં થાય છે અસહાય પ્રશ્નથી: ‘ઐસા ક્યોં?” ફિલ્મ હતી ‘દુશ્મન’, સંગીતકાર શ્રી. પંકજ કુમાર મલ્લીક અને ગાયક-નાયક?

જી હા! સ્વરની દુનિયાના મિત્ર કહો કે સમ્રાટ, તે કુંદન લાલ સાયગલ હતા.

*

પિતાજીને શાસ્ત્રીય સંગીતનો ભારે શોખ. વઢવાણ કૅમ્પના ઉજ્જડ વિસ્તારમાં આવેલા ‘સરકાર વાડા’માં અમારૂં જ ઘર એવું હતું જ્યાં રોજ સાંજે તેમના સંગ્રહમાંની શાસ્ત્રીય સંગીતની રૅકોર્ડ્ઝમાંથી ખાંસાહેબ અબ્દુલ કરીમખાં સાહેબ, હિરાબાઇ બરોડેકર, ફૈયાઝખાં સાહેબનો ધ્વનિમુદ્ર્ીત અવાજ હંમેશા સંભળાતો. કોઇ વાર મન થાય ત્યારે તેમનો દિલરૂબા કાઢી એકાદ રાગ વગાડતા. એક દિવસ રમીને બહારથી આવ્યો ત્યારે અમદાવાદથી તાજી આવેલી રેકર્ડ સાંભળી રહ્યા હતા. ઉમરામાં ઉભો રહીને હું પણ એ દિવ્ય અવાજને સાંભળી મંત્રમુગ્ધ થઇ ગયો. પિતાજીનું મારી તરફ ધ્યાન ગયું ત્યારે તેમણે મને બોલાવ્યો અને કહ્યું, “બેસ. આપણે તે ફરી સાંભળીશું.” અને ફરીથી વાજાંને ચાવી આપી રેકૉર્ડ શરૂ કરી.
બાલમ આયે બસો મોરે મનમેં...”
મુખડાના શબ્દો પૂરા થયા ત્યારે તેમણે કહ્યું,”હવે અંતરા પર ધ્યાન આપ. એક એવું પરિવર્તન નજર આવશે...” અને અંતરો શરૂ થયો:
“સૂરતિયા જાકી મતવારી/પતરી કમરીયા ઉમરીયા બાલી...”
ગીત પૂરૂં થયા બાદ તેમણે દિલરૂબાને ખોળમાંથી કાઢી, મને કહ્યું, “હવે આ ગીતની તને ખુબી સમજાવું!”
તેમણે દિલરૂબા પર આ જ ગીતના સૂર કાઢ્યા અને રોકાઇ રોકાઇને મને સમજાવતા ગયા. અંતરો શું તે સમજાવ્યું, અને કહ્યું, “શરૂઆતના વિલંબિતમાં ગાયેલા મુખડા પછી સાયગલે ગાયેલ દ્રુત ગતના અંતરામાં તેઓ સાયગલ ગાયક મટી ખુદ દેવદાસ બની ગયા જેમાં તેઓ હૃદયનો આંતરીક આનંદ વ્યક્ત કરતા હોય તેવું લાગશે.” મને આ બધું સમજાયું નહિ, પણ મારી બાલબુદ્ધીની સમજ પ્રમાણે પહેલી કડી અને બીજી કડીમાં જે ફેરફાર હતો તે સમજમાં આવ્યો અને ખરે જ, ‘બીજી કડી’માં સાયગલના અવાજમાં થયેલું ભાવપ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું! મારો આનંદ જોઇ તેમણે પાર્સલમાં આવેલી બીજી રૅકર્ડ “મૈં ક્યા જાનું ક્યા જાદુ હૈ...” સંભળાવી. આ વખતે સાયગલ સાહેબે “મૈં ક્યા જાનું ક્યા” પછી જે તાન લગાવી તેની અદ્ભૂત ભાવના મનની વીણાને ઝંકાર કરી ગઇ. એક અજબ ઝણઝણાટી અનુભવી હું ગીત સાંભળતો ગયો. શબ્દો હૃદયમાં અંકાતા ગયા: “મન પૂછ રહા હૈ, અબ મુઝસે, નૈનોંને કહા હૈ કયા તુઝ સે?” આજે આ ગીતનો વિચાર કરૂં છું ત્યારે લાગે છે, ગીત અને સંગીતનું અનોખું મિલન સાયગલ સાહેબના અવાજની સરસ્વતિમાં મળીને એક ભવ્ય ત્રિવેણી સંગમ બની ગયો!
બચપણનો સમય એવો હતો જ્યારે મને સંગીત - સિનેમા વિશે થોડી ઘણી સમજ આવી હતી. વઢવાણ કૅમ્પમાં નવા ચલચિત્રો બહુ મોડા આવતા, પણ આવે ત્યારે પિતાજી અમને સૌને સાયગલ સાહેબનાં ‘દેવદાસ’, ‘દુશ્મન’ જેવા ચલચિત્રો જોવા લઇ જતા હતા. તે જોઇને સાયગલ સાહેબના અવાજ અને અભિનય પ્રત્યે અપાર સ્નેહ થઇ ગયો! બહાર રમતો હોઉં અને પિતાજીએ શરૂ કરેલ “ઝૂલના ઝૂલાયે, અંબૂવાકી ડારી પે, કોયલ બોલે..”ના સ્વર દૂરથી પણ સંભળાય તો હું રમત છોડી ગીત સાંભળવા ઘરમાં દોડી જતો.

*

જિપ્સી નવ વર્ષનો થયો અને પિતાજીનું અવસાન થયું. ત્યાર પછીનો સમય કેવી રીતે ગયો તેનું અહીં કોઇ મહત્વ નથી. કેવળ જુની યાદો તાજી થતી જતી હતી, જ્યારે “નૈન હિનકો રાહ દીખા પ્રભુ, પગ પગ ઠોકર ખાઉં મૈં...” સાંભળતો. કોઇ કોઇ વાર “કરૂં ક્યા આસ નિરાસ ભયી” સાંભળું, આંખમાંથી આંસુ ટપકતા. કોણ જાણે કેમ, આ ગીત સાથે પિતાજી સાથે હૉસપિટલમાં થયેલી મારી છેલ્લી મુલાકાત જોડાઇ હતી. સ્ટ્રોકને કારણે તેમની વાચા ગઇ હતી. મને જોઇને તેમના ચહેરા પર મને જોયાનો આનંદ, ઔદાસ્ય, અસહાયતા અને આંખમાંથી નિતરતા અશ્રુમાં જાણે સાયગલસાહેબનું આ ગીત વ્યક્ત થતું લાગ્યું. બીજા દિવસે તેમનું અવસાન થયું. ન તે દિવસ ભુલી શક્યો, ન સાયગલ સાહેબનું ગીત. બન્ને એકબીજા સાથે જોડાઇ ગયા. કાયમ માટે.

૧૯૫૭ - ૫૮ની સાલમાં અમદાવાદના રિગલ કે લાઇટહાઉસ સિનેમામાં “સાયગલકી અમર કહાની” નામનું તેમનું bio-pic આવ્યું. મારા મોટાભાઇઓ સાથે તે જોવા ગયો. ફિલ્મમાં જોયેલી સાયગલ સાહેબની જીવન યાત્રા કેવળ સંગીતના ઉત્સવ જેવી ન રહેતાં માનવતા અને કરૂણાના વહેણ જેવી હતી. ક્યારે ચિત્ર શરૂ થયું, ક્યારે સમાપ્ત થયું તેનો ખ્યાલ ન રહ્યો.. કેવળ અંતિમ ‘શૉટ’ બાદ ગાલ પર ભિનાશ અનુભવી ત્યારે સમજાયું ફિલ્મ પૂરી થઇ હતી.
ફિલ્મનો એક પ્રસંગ માનસપટલ પર હંમેશ માટે અંકાઇ ગયો. આ પ્રસંગ હતો કલકત્તામાં તેમને પહેલ વહેલું કામ મળ્યું હતું કાપડની ફેરી કરી વેચાણ કરવાનું. આ પ્રસંગ દિગ્દર્શકે ચિતર્યો હતો.

એક મજુરના માથે કાપડનો મોટો થેલો મૂકાવી કુંદનલાલ સહગલ - જે બદલાઇને સાયગલ થઇ ગયું -કલકત્તાની શ્રીમંત વ્યક્તિઓની હવેલીમાં જઇ કાપડ, સાડીઓ બતાવે અને વેચે. એક વાર તેઓ કોઇ ગૃહિણીને સાડીઓ બતાવી રહ્યા હતા. તેમની પાછળ તેમની દાસી તથા દાસીની પુત્રી ઉભાં હતા. દાસીની નાનકડી દિકરીને એક સાડી ગમી અને તે બોલી પડી, “મા, કોતો શુંદર શાડી! આમાકે ખૂબ ભાલો લાગે. કિનબે તો?” (કેટલી સુંદર સાડી છે! મને ખુબ ગમી. વેચાતી લઇશું કે?)
“અરે જા, જા,” શેઠાણી તાડૂકી. “આ સાડી લેવાની તારી ક્યાં હેસિયત છે!”
સાયગલે શેઠાણીને કહ્યું, “એની હેસિયત હોય કે ન હોય, પણ આપની આવી ઉમદા સાડી લેવાની લાયકાત નથી,” કહી, પેલી મોંઘી સાડી દાસી પુત્રીને આપી, થેલો ઉપાડાવી ત્યાંથી ચાલી નીકળ્યા. દુકાને પહોંચી શેઠને કહ્યું, “સાડીના પૈસા મારા પગારમાંથી કાપી લેજો.”

*

સમય બદલાતો ગયો. સંગીતની દુનિયામાં સાયગલ સાહેબનો પ્રવેશ થયો તે પણ એક પ્રોડ્યુસરે તેમનું શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીત સાંભળ્યા બાદ. કલકત્તામાં તે સમયે સિનેમાના નાયકમાં ત્રણ વસ્તુઓ અગત્યની જોવાતી: રૂપ, અભિનય અને ગાયકી. ગાયકી હોય અને અભિનય આવડે પણ રૂપ ન હોય તો ચાલે. પહાડી સન્યાલ, કે.સી. ડે, પંકજ કુમાર મલ્લિક આનાં ઉદાહરણ હતા. સાયગલે ગાયેલ ગીત “ઝુલના ઝુલાયે, અંબુવાકી ડારી પે, કોયલ બોલે..” પ્રોડ્યુસરના મનને સ્પર્શી ગયું. કરાર થયા, પણ શરૂઆતની ફિલ્મો સાવ અસફળ રહી. ભલા, સાવ અજાણ્યા કલાકારનું ‘ઝિંદા લાશ’ નામનું ચલચિત્ર જોવા કોણ જાય? પણ જ્યારે તેમની ‘ચંડીદાસ’ પડદા પર આવી, ફિલ્મ અને ફિલ્મી સંગીતના વિશ્વમાં ક્રાન્તિ થઇ ગઇ! ઉમા શશી સાથે ગાયેલ ‘પ્રેમ નગરમેં બસાઉંગી ઘર મૈં, તજકે સબ સંસાર....” લોકોને ગમ્યું પણ સાયગલલ સાહેબે ગાયેલ “સુનો સુનો હે ક્રિશન કાલા”એ તો સાચે જ અણુ વિસ્ફોટ કર્યો! તેનું ‘રૅડીએશન’ હજી પણ લોકોના હૃદયમાં કંપન પેદા કરે છે! બંગાળના પ્રખ્યાત ભઠિયાલી લોકગીતની પ્રથામાં રચાયેલું, બંગાળી ઢોલકના તાલમાં ગવાયેલું આ ભાવપૂર્ણ ગીત કૃષ્ણભક્તિના રસમાં તરબોળ થયેલ ચંડીદાસના આત્માએ સાયગલ સાહેબના કંઠમાં પ્રવેશીને ખુદ ગાયું હોય તેમ આ ભજન અવતર્યું અને ભારતની સિનેસૃષ્ટિમાં એક સૂર્ય પ્રકાશ્યો! ત્યાર પછી તો બસ, ભારતભુમિ પર તેમના ગીત-કિરણોની વર્ષા થતી રહી!
‘મનકી બાત બતાઉં..’
દુનિયા રંગ રંગીલી...’
‘બાલમ આયે બસો મોરે મનમેં...’
‘દુ:ખ કે અબ દિન બિતત નાહી..’
‘અંધેકી લાઠી તુ હી હૈ, તુહી જીવન ઉજીયારા..’
અહીં તેમના પ્રખ્યાત થયેલા ગીતોની વાત કરવા બેસીએ તો તેનો અંત નહિ આવે. તેમનું પ્રત્યેક ગીત ‘માસ્ટરપીસ’ છે. પંકજ કુમાર મલ્લીક, તિમિર બરન, રાય ચંદ બડાલ, નૌશાદ સાહેબના સંગીતમાં ગાયેલા ગીતો હોય કે રવીંદ્ર સંગીત, ગઝલ, દાદરા ઠુમરી કે પછી સુરદાસનાં ભજન હોય, બસ સાંભળતા જ રહીએ!

સાયગલ સાહેબના ‘દેવદાસ’ વિશે અનેક ગાથાઓ વાંચી અને સાંભળી. ફિલ્મના નિર્દેશક શ્રી. પ્રમથેશ બરૂઆએ બંગાળી ફિલ્મમાં પોતે અભિનય કર્યો હતો. જ્યારે તેમણે તેનું હિંદી સંસ્કરણ બનાવ્યું, તેમને આ ચલચિત્ર પૈસા અપાવે છે કે નહિ તે જોવા કરતાં પ્રેક્ષકોને તે ગમશે કે કેમ તેની ચિંતા વધારે હતી. તેમણે આશા-નિરાશા વચ્ચે પહેલા દિવસે ‘પીટ ક્લાસ’માં બેસી ફિલ્મ જોવાનું નક્કી કર્યું. બે આના ખર્ચી ફિલ્મ જોવા આવનાર મજુરને આ ચલચિત્ર ગમે તો જ તે સફળ થયું ગણાશે, અને ન ગમે તો તેમણે આત્મહત્યાના વિચાર સાથે પોતાની રિવોલ્વર સાથે રાખી હતી! જેમ જેમ ફિલ્મના પ્રવાહની ગતિ વધતી ગઇ, સાયગલ સાહેબના ગીતોની અસરને કારણે કહો કે તેમના અભિનયથી પ્રભાવિત થયેલા પ્રેક્ષકોની આંખમાંથી વહેતા અશ્રુ જોયા, ત્યારે પ્રમથેશબાબુ ધન્યતા અનુભવી બહાર આવ્યા. તેમની જીંદગી બચી ગઇ!

દેવદાસનું પરિણામ એ આવ્યું કે મુખ્ય પાત્રના ચરિત્રમાં રમમાણ થઇ અભિનય આપનારા સાયગલ સાહેબ અને દેવદાસ અલગ વ્યક્તિ મટી એક જીવ બની ગયા! જેવો અભિનય તેવા તેમણે ગાયેલા ગીતો!
“દુ:ખ કે અબ દિન બિતત નાહી...” ગાતાં ગાતાં શિકાર પર નીકળેલા દેવદાસને જોઇ પક્ષીઓ ઉડવા લાગ્યા, તેમને જોઇ ‘દેવદાસ’ કરૂણ હાસ્ય કરી બોલે છે, “ડર ગયે! મુઝસે ડર ગયે!” અને પછી ગાય છે, “ના મૈં કિસીકા, ના કોઇ મેરા, છાયા, ઘોર અંધેરા....” થિયેટરમાં આ ગીત સાંભળીને મેં લોકોને આંસુ સારતા જોયા છે. સાયગલ સાહેબના ‘દેવદાસ’ની મોહિની એવી હતી કે - જેમ પહેલાં કહ્યું તેમ દેવદાસ અને સાયગલ અભિન્ન વ્યક્તિ બની ગયા.

ત્યાર પછીનાં બધા ચિત્રપટોએ અને તેમણે ગાયેલા ફિલ્મી તથા બિન ફિલ્મી ગીતોએ લોકપ્રિયતાના શિખરો સર કર્યા. સાયગલ નામ ઘર ઘરમાં પ્રખ્યાત થયું. બંગાળના ભદ્ર સમાજમાં કોઇ માનવા તૈયાર નહોતું કે સાયગલ પંજાબી હતા. તેમના માટે તેઓ બંગાળી હતા અને બંગાળી રહ્યા. ખાસ કરીને રવીંદ્ર સંગીતમાં તેમના અણીશુદ્ધ ઉચ્ચારોએ જનતાનાં હૃદય જીતી લીધા. અહીં પંકજ કુમાર મલ્લીકે તેમની સાથે કરેલી મહેનત કામયાબ નીવડી. (વધુ આવતા અંકમાં)

Thursday, September 22, 2011

જિપ્સીનો વિસામો: ઇન્હેં ના ભુલાના....(શેષ)

બીજા દિવસે જિપ્સી પંકજબાબુને મળવા પહોંચી ગયો. તેમની પાસે એક વૃદ્ધ બંગાળી સજ્જન બેઠા હતા. ચરણસ્પર્શ, અભિવાદન બાદ તેમણે મને બેસવાનું કહ્યું અને વાતચીત બંગાળીમાં શરૂ થઇ. હું તેમને કશું પૂછું તે પહેલાં તેમણે મને જ પ્રશ્ન પૂછ્યો.

“તમે અમદાવાદમાં રહો છો?
“જી.”
“તમે કવિગુરૂનું ‘ક્ષુધીત પાષાણ’ વાંચ્યું છે?”
“જી. મારા કૉલેજના અભ્યાસક્રમમાં ‘Hungry Stones and Other stories’ નામનું પુસ્તક હતું. હું તે શીખ્યો છું!’
“તમને ખબર છે આ કથામાં જે નદી, તેના ઓવારા અને ઘાટનું વર્ણન છે તે ક્યાં આવ્યા છે?”
મેં આ બાબતમાં મારૂં અજ્ઞાન જાહેર કર્યું.
“એ તમારા શહેરના જ છે! અત્યારે જે રાજ ભવન છે, તે મૂળ શહેનશાહ શાહજહાનનો મહેલ હતો. કવિગુરૂના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં રીજનલ કમીશ્નર હતા ત્યારે આ મહેલ તેમનું ‘અૉફીશીયલ રેસીડન્સ’ હતું. રવીન્દ્રનાથ ૧૮-૧૯ વર્ષના હતા ત્યારે તેઓ તેમની પાસે રહેચા આવ્યા હતા. તેમને થયેલ અનુભવનું તેમણે તાદૃશ વર્ણન કર્યું છે આ ‘ક્ષુધીત પાષાણ’માં!”

મને હવે વાત કરવાનો વિષય મળી ગયો. આમ તો મેં તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર કર્યો નહોતો. મારે તો તેમના સાન્નિધ્યમાં પાંચ-પંદર મિનીટ ગાળવાનો લહાવો લેવો હતો.

“દાદા, મેં સાંભળ્યું છે કે કવિગુરૂએ તેમના ગીતોને સુરબદ્ધ કરવાની પરવાનગી આપના સિવાય અન્ય કોઇને આપી નહોતી.”

“હા. ગુરૂદેવની મારા પર અસીમ કૃપા હતી. તેમનાં ગીતોથી હું તો શું, આખું વિશ્વ પ્રભાવિત હતું. મને તેમના ગીતને સુરબદ્ધ કરવાની અદમ્ય ઇચ્છા હતી. અનેક પ્રયત્નો બાદ તેમણે મને બોલાવ્યો અને મેં સ્વરબદ્ધ કરેલ ગીત સંભળાવવાનો આદેશ આપ્યો. મેં તેમને ‘દિનેર શેષે,ઘૂમેર દેશે’ ગાઇ સંભળાવ્યું. તેમણે મને તે પ્રકાશિત કરવાની રજા આપી.”

એક રીતે તો આ એક ઇતિહાસ રચાયો હતો. ગુરૂદેવે પંકજદા’ સિવાય કોઇને પોતાના ગીતોને સૂર આપવાની રજા આપી નથી. ‘દિનેર શેષે..’ અમર ગીત બની ગયું!

“ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન ઉઠતો રહ્યો છે. અાપની અનુમતિ હોય તો પૂછું? આપે ગાયેલા હિંદી ગીતોમાંના બે ગીત સાવ જુદા તરી આવે છે. તેમાં આપને સાથ આપનાર વાદ્યવૃંદ પૂરી રીતે પાશ્ચાત્ય છે!” મારો નિર્દેશ ‘યાદ આયે કે ન આયે તુમ્હારી’ તથા ‘પ્રાણ ચાહે નૈન ન ચાહે’ તરફ હતો.

પંકજદા’ સ્મિત સાથે બોલ્યા, “ઓ રે બાબા! જરૂર કહીશ. તે જમાનામાં કલકત્તામાં કૅસાનોવાનો ડાન્સ બૅન્ડ અત્યંત પ્રખ્યાત હતો. ફિર્પોઝ જેવી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરાં તથા હોટેલમાં તેમનો કાર્યક્રમ રખાતો. એવા સંજોગો બની આવ્યા કે ભારતીય ગીત કોઇ પાશ્ચાત્ય અૉર્કેસ્ટ્રાના સંગીત પર ગાઇ શકાય કે કેમ એવો વિચાર આવ્યો. આ એક મોટી ચૅલેન્જ હતી. અમે ફ્રાન્ચેસ્કો કૅસેનોવા સાથે મળી રવીન્દ્ર સંગીતના ગીતનું સમન્વય કરવાનું નક્કી કર્યું. મૂળ ગીત હતું ‘મોને રોબે કે ના રોબે આમારે’. તેનું હિંદી રૂપાંતર કર્યું, “યાદ આયે કે ના આયે તુમ્હારી!” બીજું ગીત હતું ‘પ્રાણ ચાહે નૈના ન ચાહે”. આ બન્ને ગીતો બેહદ લોકપ્રિય થયા. ત્યાર પછી ત્રીજું ગીત “જબ ચાંદ મેરા નીકલા/છાયીંથીં બહારેં” પ્રસિદ્ધ થયું.

આ વાત થઇ તે સાલમાં - અને અત્યારના જમાનામાં પણ કોઇને ખ્યાલ નહોતો કે વિશ્વમાં કદાચ પહેલી વાર કોઇ લોકપ્રિય ગીતના આધુનિક બૅન્ડ કે ઓરકેસ્‌ટ્રા સાથે ‘રિમિક્સ’નો પ્રયોગ પંકજદા’એ કર્યો હતો! સંગીતની દુનિયામાં તેઓ સાચે જ સ્વપ્નદૃષ્ટા હતા. આનો અનુભવ સતત રીતે લોકોને થતો રહ્યો. શરૂઆતમાં રવીન્દ્રસંગીતમાં તબલાંનો સાથ નહોતો અપાતો. ગુરૂદેવની રજાથી પંકજદા’એ સૂર સાથે તાલનું આયોજન કર્યું અને રવીન્દ્રસંગીતના પ્રસારમાં અગ્રેસર બની બંગાળના ઘરઘરમાં તેને પહોંચાડ્યું. કન્યાને જોવા જનાર વરપક્ષના લોકો પહેલો પ્રશ્ન એ પૂછવા લાગ્યા કે કન્યાને રવીન્દ્રસંગીત આવડે છે કે કેમ, અને આવડતું હોય તો તેની પાસે ગવડાવતા. પંકજદા’એ તો બિન-બંગાળી એવા સાયગલસાહેબ પાસે રવીંદ્રસંગીત ગવડાવીને તેમને એટલી પ્રસિદ્ધિ અપાવી કે તેનું વર્ણન ન થઇ શકે. આજે પણ સાયગલસાહેબે ગાયેલ ‘આમી તોમાય જાતો” કોઇ ભુલી શક્યું નથી. આનાં ઘણા કારણ હતા. એક તો સાયગલ high pitch એટલે હાર્મોનિયમની કાળી પાંચની પટ્ટી પર ગાતા. પંકજદા’એ તેમની પાસેથી ઉપરના સૂરમાં ગવડાવ્યું. બીજું, કુંદનલાલ સાયગલ ઉર્દુ/પંજાબી ભાષીક ગાયક હતા. પંકજદા’એ તેમની પાસેથી અણીશુદ્ધ બંગાળી ઉચ્ચાર કરાવ્યા! એવી જ રીતે તેમણે કાનનદેવીને રવીંદ્રસંગીતનો મર્મ, તેના nuances, ભાવાર્થ એવી રીતે સમજાવ્યા, કાનનદેવીએ તેમના ગીતો ભાવપૂર્ણ થઇને ગાયા. તેમના ફિલ્મી ગીતો સુદ્ધાં લોકો હજી યાદ કરે છે. ‘ઐ ચાંદ છુપ ના જાના/જબ તક મૈં ગીત ગાઉં’ યાદ છે ને?
કલકત્તામાં તેમણે સાયગલ સાહેબ, કાનનદેવી, રાય ચંદ બડાલ, કે.સી.ડે, ઉમા શશી વ. સાથે મળીને એવું સંગીત રચ્યું, એવું ગાયું, બસ, વાહ! સિવાય બીજો શબ્દ ન નીકળે. સાઠ વર્ષ બાદ પણ તેમણે સાયગલસાહેબ અને ઉમા શશી સાથે મળીને ‘ધરતીમાતા’ ફિલ્મમાં ગાયેલા ગીતો ‘દુનિયા રંગ રંગીલી બાબા‘ તથા ‘મનકી બાત બતાઉં‘ જેવા ગીતોમાં ધરતીની ખુશ્બૂ પમરાતી જણાશે.
પંકજદા’એ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ગીતોને સંગીત આપવા ઉપરાંત તેમણે તે ગાયા હતા. તેમાંની સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી ‘ડૉક્ટર’. ભારતીય સિનેમામાં ઘોડાગાડીમાં બેસી, ઘોડાની ચાલના ઠેકા પર સૌથી પહેલું કોઇ ગીત ગવાયું હોય તો તે પંકજદા’નું ‘ચલે પવનકી ચાલ’ હતું. ત્યાર પછી તો ઘણાં ગીતો આવ્યા અને ગયા - દિદારનું ‘બચપનકે દિન ભુલા ન દેના’થી માંડીને નયા દૌર, હાવરા બ્રીજ (ઇંટકી દુગ્ગી, પાનકા ઇક્કા..”) આવ્યા અને ગયા, પણ ‘ચલે પવનકી ચાલ’ જેવી તાજગી, તેનું તત્વજ્ઞાન (કટ ના સકે યે લંબા રસ્તા, કટે હજારોં સાલ/જહાં પહુંચને પર દમ છૂટે, હૈ વહી કાલા કાલ, જગમેં ચલે પવનકી ચાલ) કદી પણ જુનું લાગતું નથી.
પંકજદા’ના જીવનમાં દુ:ખદ બનાવો બની ગયા તેમાં બે મુખ્ય હતા. એક તો સાયગલસાહેબ કલકત્તા છોડી મુંબઇ જતા રહ્યા, અને ત્યાં દારૂની લતમાં આવી અકાળે કાલવશ થઇ ગયા. બીજો બનાવ હતો ન્યુ થિયેટર્સના બી.એન. સરકારે આંતરીક ખટપટ કરનારાઓની કાનભંભેરણીથી અચાનક, એક કલાકની નોટિસ પર તેમને કામ પરથી કાઢી મૂક્યા. આ થયું તેના એક વર્ષ પહેલાં મુંબઇના નિર્માતાઓ તેમને ભારે પગારે બોલાવી રહ્યા હતા. ન્યુ થિયેટર્સ પરત્વે તેમની વફાદારી એટલી મજબૂત હતી, તેમણે બાદ પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકાર્યા હતા. હવે પરિસ્થિતિ એવી આવી ગઇ કે તેમની પાસે ન કોઇ પેન્શન, ન કોઇ આજીવિકાનું સાધન હતું. જુની મૈત્રીના આધારે તેમને કેટલીક ફિલ્મોમાં સંગીત નિર્દેશનનું કામ મળ્યું અને તેમાં તેમણે સાયગલસાહેબ માટે આપેલ સંગીત ‘અય કાતિબે તકદીર મુઝે ઇતના બતા દે’, ‘દો નૈના મતવાલે, તિહારે, હમ પર ઝૂલ્મ કરે’ હજી સંભળાય છે અને યાદ કરાય છે.
પંકજદા’ના સંગીતની ખુબી તેમની સાત્ત્વીકતા, દાર્શનિકતા અને ભારતીય સંગીતની પરંપરાની સભરતામાં હતી. ફિલ્મ ‘યાત્રીક’માં તેમણે અાપેલ સંગીત ‘તુ ઢુંઢતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’, અથવા બિનોતા ચક્રવર્તીએ ગાયેલ ‘સાધન કરના ચાહે રે મનવા/ભજન કરના ચાહે’ શ્રોતાને ભક્તિરસમાં તરબોળ કરી દે. આવા જ બિન-ફિલ્મી ભજન, ‘મેરે હઠીલે શ્યામ’, ‘તેરે મંદિરકા હું દીપક જલ રહા..’ મનને એવી સ્થિતિએ પહોંચાડે કે આપણે પોતે આપણા આરાધ્યને પ્રશ્ન કરતા હોઇએ એવું લાગે.

અહીં તેમના સાત્વીક ગીતોની વાત કરીએ તો તેમણે ગાયેલા બે પ્રેમગીતોનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. એક તો ચિરસ્મરણીય ગીત છે “યે રાતેં, યે મૌસમ, યે હંસના-હંસાના/મુઝે ભુલ જાના - ઇન્હેં ના ભુલાના...” મનમાં એવી કસક ઉઠાવે, એવા સ્મરણ-ક્ષિતીજને પેલે પાર લઇ જાય, અાકાશમાં ઉગતા પહેલા તારકમાં આપણી મુગ્ધાવસ્થામાં જ વિખુટી થયેલી પ્રિયતમાની ભાવનાસભર છબી ઉપસતી લાગે. હા, મને બુલી જશો, પણ....” બીજું ગીત યાદ આવે છે, ‘મૈંને આજ પીયા હોંઠોંકા પ્યાલા..” આ ગીતમાં કેવળ ઉલ્લાસની ભાવના જણાઇ આવે છે. નથી તેમાં અશીષ્ટ શૃંગાર, નથી અતિ મોહનો આવિર્ભાવ.

પંકજદા’નું જીવન એક ચિત્રપટકથા જેવું હતું. તેમણે સંગીત શીખવા માટે કેવા પરિશ્રમ કર્યા અને ઘેર ઘેર જઇ સંગીત શીખવતા તે જાણવા જેવું છે. કલકત્તાની ભિષણ વર્ષામાં તેમની પાસે છત્રી પણ નહોતી! અને તેને કારણે જ તેમને જીવનમાં પ્રથમ ‘બ્રેક’ મળ્યો! એક દિવસ વરસાદથી બચવા નજીકના મકાનના ઓટલા પર તેઓ ઉભા રહ્યા. વરસાદ રોકાતો નહોત. તેમણે ખરજના સ્વરમાં રવીંદ્રસંગીતમાંનું એક વર્ષા ગીત ગાવાનું શરૂ કર્યું. તેમનો અદ્ભૂત અવાજ સાંભળ્યો મકાનમાં રહેતા સજ્જને. તેમણે પંકજદા’ને અંદર બોલાવ્યા અને પૂછપરછ કર્યા બાદ તેમના ખાસ મિત્ર, જે અૉલ ઇન્ડીયા રેડીયોના સ્ટેશન ડિરેક્ટર હતા, તેમની પાસે મોકલ્યા. અને બસ, ભારતને એક અણમોલ રત્ન મળી ગયું.

પંકજદા’એ આત્મકથા લખી, અને તેનું ભાષાંતર/સંપાદન કર્યું તેમના શિષ્ય શ્રી. અજીત શેઠે. ગુજરાતી પુસ્તકનું નામ છે “ગુજર ગયા વહ જમાના‘ અને પ્રસિદ્ધ કરનાર છે મુંબઇના ‘સંગીત ભવન ટ્રસ્ટ’.
‘અખંડ આનંદ’માં જ્યારે આ લેખ પ્રસિદ્ધ થયો ત્યારે તે સમયના તેના સંપાદક આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાએ લેખને અંતે પંકજદા’નું આખું ગીત ઉતાર્યું હતું: ‘ગુજર ગયા વહ જમાના...’
સાચે જ, એક જમાનો વિતી ગયો, પણ નથી ઓસરી યાદ પંકજદા’ની કે તેમના ગીત, “ઇન્હેં ના ભુલાના...’ની.