Pages

Wednesday, September 28, 2011

જિપ્સીનો વિસામો: 'આવાઝકી દુનિયાકે દોસ્તો..' (શેષ)

કૉલેજમાં હતો ત્યારે ભાવનગરમાં બિમલબાબુ દિગ્દર્શીત અને દિલીપ કુમાર અભિનીત ‘દેવદાસ’ આવ્યું ત્યારે અમે બધા તે જોવા ગયા. મારાં બાએ કહ્યું, ‘જુના દેવદાસની સામે આ કશું નથી!’ અને નસીબ જોગે બંદર રોડ પર આવેલા નૉવેલ્ટી સિનેમાના માલિક પ્રાણભાઇએ દિલીપ કુમારના ‘દેવદાસ’ની સામે સાયગલ સાહેબનું દેવદાસ મૂક્યું. બા અમને તે જોવા લઇ ગયા. ચિત્ર પૂરૂં થયા પછી કહે, “બન્ને વચ્ચે કેટલું અંતર છે તે જોયું?” અને તેમનું appreciation શરૂ થઇ ગયું. જે રીતે અમારાં ચાર ચોપડી ભણેલા બાએ ચલચિત્રના nuances સમજાવ્યા, તે સાંભળી અમે અવાક્ થઇ ગયા!

‘દેવદાસ’ ફિલ્મની એક વાત મને મારા મોટાભાઇએ જે વાત કરી તે કદી ભુલી ન શક્યો.
‘નરેન, બાપુજીના સંગ્રહમાં ખાં સાહેબ અબ્દુલ કરીમ ખાનસાહેબે ગાયેલ ઠુમરી “પિયા બિન નાહી આવત ચૈન!” તને યાદ છે?”
“હા, કેમ નહિ! એ તો અદ્ભૂત ચીજ છે!”
“ખાનસાહેબે આ ઠુમરી ગાયા બાદ કોઇ ગાયકની તે ગાવાની હિંમત ન થઇ, કારણ કે તે એક સિમાચિહ્ન-સમી બની ગઇ હતી. કોઇ પણ આ ઠુમરી ગાય તો તેની સરખામણી તરત કિરાણા ઘરાણાના સરતાજ અબ્દુલ કરીમખાન સાહેબની ઠુમરી સાથે થાય. પણ પ્રમથેશ બરૂઆએ સાયગલ પાસે આ ઠુમરી ગવડાવી. દારૂના નશામાં ધૂત્ થઇને રસ્તામાં પડેલ દેવદાસ ‘પિયા બિન..’ ગાય છે અને તેમને શોધવા ફીટનમાં બેસી આખા કલકત્તાનું ચક્કર ખાતી ચંદ્રમુખી દૂરથી તે સાંભળે છે અને તેના દેવદાસ પાસે પહોંચી જાય છે. નરેન, સાયગલે ગાયેલ આ ઠુમરી સંગીતના ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આપણા બાપુજીએ તે સમયની રેકૉર્ડ કંપનીઓ સાથે પત્રવ્યવહાર કરી સાયગલે ગાયેલ ‘પિયા બિન..’ ને પ્રસિદ્ધ કરવાની વિનંતિ કરી હતી. બધી બાજુથી જવાબ આવ્યો કે કૉપીરાઇટના કારણે તેને પ્રસિદ્ધ કરી શકાય નહિ. અહીં આપના શ્રવણ આનંદ માટે ખાંસાહેબ અબ્દુલ કરીમખાન સાહેબની ઠુમરી પણ રજુ કરી છે.

સમય ગયો, ‘યુ ટ્યુબ’ની દુનિયામાં લોકોએ એવી કરામત કરી કે સાયગલ સાહેબનાં પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગીતોને આસાનીથી હાથવગા કરી સાંભળી શકાયા. મને જ્યારે આ ઠુમરી ઇન્ટરનેટ પર મળી, મેં તેની CD બનાવી મારા મોટા ભાઇ મધુભાઇને મોકલી. મારા કમનસીબે તેમને તે સમય પર મળી નહિ. દેવદાસની કરૂણાંતિકાની છાયા મારા જીવનમાં પણ કોઇ ને કોઇ રીતે પડતી જ રહી.

સાયગલ સાહેબના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું: તેઓ કલકત્તા છોડી મુંબઇ ગયા. એક પછી એક એટલી ફિલ્મો મળી, કામનું દબાણ કહો કે અન્ય કોઇ કારણ, તેઓ શરાબને શરણે ગયા. આ એટલી હદ સુધી થયું કે જ્યાં સુધી સ્કૉચનો એક ‘શૉટ’ ન લે, ગાઇ જ શકતા નહોતા. તેમ છતાં તેમણે ગાયેલા ‘તાનસેન, ‘સુરદાસ’, ‘મેરી બહન’, ‘શાહજહાન’ ના ગીતો ચિરસ્મરણીય થઇ ગયા. મારા ઉર્દુભાષી મિત્રોએ સાયગલ સાહેબે ગાયેલી ગઝલનો રસાસ્વાદ કરાવ્યો, જે એક લહાવો બની ગયો. તેમની ગાયકીની ખુબી એ હતી કે તેમણે ઉચ્ચારેલા દરેક શબ્દ, જ્યાં જ્યાં ભાર આપવો જરૂરી હતો ત્યાં અપાયેલ emphasis માં શુદ્ધતા હતી, પણ તેના ઉચ્ચારણમાં ક્યાંય લય, સૂર કે તાલમાં ખલેલ નહોતી પડતી. શ્રોતાઓ તેથી જ તેમની ગઝલનો આસ્વાદ ભરપૂર માણી શક્યા. એવો જ આનંદ તેમનાં ગીતોમાં.’દો નૈના, મતવાલે, તિહારે, હમ પર ઝુલ્મ કરે...’, ‘પ્રેમકા હૈ ઇસ જગમેં, પંથ નિરાલા...’ ક્યા કયા ગીતોનું વર્ણન કરૂં! તેની યાદી કદી ખતમ નહિ થાય!

*

જુના જમાનામાં આકાશવાણીના ઉર્દુ પ્રોગ્રામમાં મહાન કલાકારોની ગીતો ભરી મુલાકાત લેવાતી તેમાં નૌશાદ સાહેબની મુલાકાત મને કાયમ માટે યાદ રહી ગઇ. તેમણે કહ્યું, “ ૧૯૪૬માં જ્યારે ‘શાહજહાન’ને મેં સંગીત આપ્યું, ત્યારે સાયગલના એક ગીતના મારે અનેક ‘ટેક’ લેવા પડતા હતા. જ્યારે ગાવાનું થાય, તેઓ તેમના ડ્રાયવરને બોલાવતા અને કહેતા, “જોસેફ, ‘કાલી-પાંચ’ લે આ.”. કાળી પાંચ તેમના સૂરની પટ્ટી. શરાબ હવે તેનો પર્યાય બની ગયો. તે દિવસે મેં તેમને એ ગીત બૉટલમાંની ‘કાળી પાંચ’ વગર ગાવા વિનંતિ કરી. પાંચે’ક વાર ગાયા બાદ તેમણે કહ્યું, ‘નૌશાદમિયાં, માફ કરના, કાલી પાંચકે બગૈર હમ ગા નહિં સકતે.’ અને બે-ચાર ઘૂંટડા બાદ ગાવાનું શરૂ કર્યું. બીજા દિવસે તેઓ આવ્યા ત્યારે મેં તેમને રેકર્ડ સંભળાવી. સાયગલ ખુશ થઇને બોલ્યા, ‘જોયું? કાળી પાંચ વગર સૂર જામતો જ નથી. મેં તેમને કહ્યું, ‘સાહેબ, આ આપની ‘ખાસ’ કાળી પાંચ વગરનું ગાયેલું છે. આપની અસલ કાળી પાંચ સો ટચના સોના જેવી છે. શરાબની કાળી પાંચ તેની તોલે કદી પણ નહિ અાવે. તેમણે મારી તરફ કરૂણ નજરે જોયું અને બોલ્યા, ‘નૌશાદભાઇ, તમારા જેવા કોઇ મિત્રે મને થોડા સમય પહેલાં આ વાત કહી હોત તો બે-ચાર વર્ષ વધુ જીવી શક્યો હોત...”

થોડા સમય બાદ સાયગલ સાહેબ તેમની પ્રિય ‘આવાઝકી દુનિયા’ને છોડી ચાલ્યા ગયા. તે પહેલાં મુંબઇમાં તેમણે ગાયેલા ફિલ્મી ગીતો અને સૂરદાસના ભજન અમર બની ગયા. તેમણે ગાયેલું બાલ ગીત, ‘એક રાજેકા બેટા લેકર, ઉડને વાલા ઘોડા...”, પંકજ કુમાર મલ્લીકના સંગીત નિર્દેશનમાં ગાયેલ “સો જા રાજકુમારી”, “અય કાતિબે તકદીર..” “જબ દિલ હી ટૂટ ગયા..” એક પછી એક તેમનાં ગીતોની યાદ આવે છે, અંત:કરણના બધા હિસ્સા તેમના સંગીતમાં રમમાણ થઇ જાય છે. મધરાતે તમરાંનો અવાજ પણ સંભળાતો નથી. મનની હાર્ડ ડિસ્કમાંથી સાયગલ સાહેબનાં ગીતોની પંક્તિઓ આપમેળે સંભળાવા લાગે છે.

*

લંડનમાં અમે દૃષ્ટિહિન ભારતીય વડીલો માટે બોલતું અખબાર શરૂ કર્યું, ત્યારે કૅસેટ ટેપમાં જગ્યા બાકી રહી હોય તો તેમાં અમે ભજન કે ગીત ઉમેરતા. અમારા એક શ્રોતા (હાલ દિવંગત) છોટુભાઇ ભટ્ટે વિનંતિ કરી. અમને “નૈન હિન કો રાહ દિખા પ્રભુ...” સંભળાવો. અમે તે રજુ કર્યું અને અનેક સંદેશા આવ્યા. સાયગલનું અમારૂં ભજન ઘણા દિવસે સાંભળ્યું અને અમને ઘણી ખુશી ઉપજી! ભક્ત સૂરદાસમાં તેમણે ગાયેલા બીજા ગીતો પણ મૂકશો! “

*

સન ૧૯૯૦માં જિપ્સી લંડનમાં મેન્ટલ હેલ્થના ડે સેન્ટરમાં કામ કરતો હતો ત્યારે તેણે ચલાવેલા ‘રેમીનીસન્સ ગ્રૂપ’માં એક દિવસ ‘મને ગમતાં ગીત’નો વિષય રાખ્યો. બધાંએ ગીતો ગયા. અંતમાં મૂળ કેન્યાનાં અમારા એક ઇસ્માઇલી બહેન સુલ્તાના વીરજીને ગીત ગાવું હતું. સૌએ હા કહી. અને તેમણે ગાયું, “મધુકર શ્યામ હમારે ચોર!”,

*

મારા પ્રિય ગીતો? એક હોય તો કહું! મારા અતિ પ્રિય ગીતોની વાત કરૂં તો બે ગીતો યાદ આવે. “ઇક બંગલા બને ન્યારા!’ બીજા ગીત વિશે જરા વિસ્તારથી કહીશ.

કોઇ પણ સંગીતના કાર્યક્રમના અંતે ગવાતી ભૈરવી હોય, અને ૧૮૫૭ના બળવા પહેલાં અંગ્રેજોએ જબરજસ્તીથી તેમના રાજ્યમાંથી નિકાલ બહાર કરેલા લખનૌના નવાબ વાજીદ અલી શાહે લખેલ ગીતને જે રીતે સાયગલ સાહેબે ‘સ્ટ્રીટ સિંગર’ ફિલ્મમાં ગાયું છે, તે છે. આટલી ભાવવાહી ભૈરવી ભાગ્યે જ કોઇએ ગાઇ હશે.

“બાબુલ મોરા, નૈહર છૂટો જાય!”

હા, જી. આ જિપ્સીનું આ સૌથી પ્રિય ગીત છે! જીવનનો સાર તેમાં આવી જાય છે, ખરૂં ને?

8 comments:

  1. પંકજ મલિકના ચલે પવનકી ચાલ,ગુજર ગયા વો જમાના,કબ તક નિરાશકી,મંહક રહી ફૂલવારી અત્યારે પણ સાંભળીએ ત્યારે મન તાઝગી અનુભવે છે.તે ફિલ્મ ડૉકટરની યાદ અમર કરી ગયું અમારો લાઇટ,પાણીના નળ ,રસ્તા વગરની, હેલી,જંગલ કે વેરાનમા માણેલી મઝાની જીંદગી યાદ કરાવી.

    આવાઝકી દુનિયા... શેષમા યાદ આવે

    વાદ્ય માંથી
    વાદન બાદ થાય તો
    શેષ વધે શાંતિ.

    સ્થિતિમાંથી
    ઉપસ્થિતિ બાદ થાય તો
    શેષ વધે એકાંત.

    રકમમાંથી
    રકમ બાદ થાય તો
    શેષ વધે શૂન્ય.

    આ તો બધું સહજ છે.તેવો જ આ લેખ સહજ,સરળ,,હ્રુદયસ્પર્શી...પણ આ લેખની વાતનું શેષ તો બાકી જ રહેને!







    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  2. સાહેબ આપણે બે એક જ ફ્રિક્વન્સી પર જીવીએ છીએ. મારે ત્યાં બેઠાં બેઠાં મિત્રો સાથે આ જ બધી વાતો થાય છે.વધુ તો શું કહું ? અમેરિકામાં ૧૯૭૦ માંમારા પહેલા પગારમાંથી ત્રણ એલ પી ખરીદી હતી– પંકજ મલિક, સાયગલ અને મુકેશ. ભારતમાં રસ્તામાં વાગતા લોકોના રેડિયો સાંભળતો ત્યારે મારું પોતાનું કાંઈક હોવું એ લકઝરી હતી.
    તમારી વાત ખરી છે.યુ ટ્યુબનું ભલું થજો. બધાં ગીતો લભ્ય છે. તમે બહુ સરસ એનાલિસીસ કર્યું તમારી કલમને સલામ.

    ReplyDelete
  3. હા,એક નોંધ, દિલીપકુમારનું દેવદાસ આવ્યું તે પહેલાં દેવદાસ પુસ્તક વાંચ્યું હતું. એટલે મારા મનો જગતના દેવદાસની તોલે કોઈ દેવદાસ નથી આવ્યો પછી તે સાયગલ હોય કે દિલીપ કમાર કે શાહરુખખાન હોય.

    ReplyDelete
  4. નરેન્દ્રભાઈ,

    આજે તમારી બીજી પોસ્ટ વાંચી.

    સાયગલ સાહેબ વિષે જાણતા, સાથે એમણે ગાયેલા જુના ગીતો ફરી તાજા થયા.

    અને, જ્યારે તમે આ પોસ્ટના અંતમાં લખ્યું કે "બાબુલ મોરા નેહર છુટો જાય" એ જિપ્સીનું સૌથી પ્રિય ગીત છે" એ વાત બરાબર પણ ત્યારે આ નામ કરણે યાને "આવાઝકી દુનિયાકે દોસ્તો" આ છેલ્લી પોસ્ટ છે એ માનવા હું તૈયાર ન હતો.

    મારા મનમાં થયું કે આ વિષયે કે સંગીત/ગીતોના વિષયે વધુ પોસ્ટો હોવી જોઈએ ..એથી, હું તો એમ કહું કે નરેન્દ્રભાઈ "આવાઝની દુનિયા કે દોસ્તો"ચાલુ જ રાખો...અને સાઈગલના બીજા ગીતો ...અન્યના પ્રખ્યાત જુના ગીતો વિગેરે પોસ્ટે

    પોસ્ટે મુકતા જાઓ...એથી તમારો સંગીત પ્રત્યેનો ઉંડો પ્રેમ અમો સૌને માણવા મળે...આપણે સૌ એકવાર ફરી જુની ફિલ્મ દુનિયામાં પ્રવેશ કરી આનંદ માનીશું.

    આ પ્રમાણે તમો પોસ્ટો પ્રગટ કરવાનું ચાલુ જ રાખશો એવી આશા.

    અરે....હું તો એવું પણ ઈચ્છું કે એક દિવસ આ જુના "ખજાના"નો કાર્યક્રમ લોસ એન્જીલીસ શહેરમાં તમારા માર્ગદર્શન હેઠળ હોય..અને પ્રભુની ઈચ્છા હશે તો એવું પણ શક્ય હશે...અને, એવા પ્રોગ્રામમાં હું હોલમાં એક "ઓડિઅન્સ" તરીકે સાંભળી મઝા માણતો હોય !

    આવા પ્રોગ્રામ માટે કોઈ સ્પોન્સર મળી જશે...આવી ઘડીએ ગિપ્સીની ડાયરીમાંથી આ પોસ્ટો દ્વારા એમાં ગીતોનું "સીલેકશન " હશે !

    >>>ચંદ્રવદન.
    Narendrabhai,
    Enjoyed this & the previous Post on Saigal Saheb.
    The matter of the Posts can be an ANJALI to Saigalji.
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  5. triનરેન્દ્રભાઈ,

    આજે તમારી બીજી પોસ્ટ વાંચી.

    સાયગલ સાહેબ વિષે જાણતા, સાથે એમણે ગાયેલા જુના ગીતો ફરી તાજા થયા.

    અને, જ્યારે તમે આ પોસ્ટના અંતમાં લખ્યું કે "બાબુલ મોરા નેહર છુટો જાય" એ જિપ્સીનું સૌથી પ્રિય ગીત છે" એ વાત બરાબર પણ ત્યારે આ નામ કરણે યાને "આવાઝકી દુનિયાકે દોસ્તો" આ છેલ્લી પોસ્ટ છે એ માનવા હું તૈયાર ન હતો.

    મારા મનમાં થયું કે આ વિષયે કે સંગીત/ગીતોના વિષયે વધુ પોસ્ટો હોવી જોઈએ ..એથી, હું તો એમ કહું કે નરેન્દ્રભાઈ "આવાઝની દુનિયા કે દોસ્તો"ચાલુ જ રાખો...અને સાઈગલના બીજા ગીતો ...અન્યના પ્રખ્યાત જુના ગીતો વિગેરે પોસ્ટે

    પોસ્ટે મુકતા જાઓ...એથી તમારો સંગીત પ્રત્યેનો ઉંડો પ્રેમ અમો સૌને માણવા મળે...આપણે સૌ એકવાર ફરી જુની ફિલ્મ દુનિયામાં પ્રવેશ કરી આનંદ માનીશું.

    આ પ્રમાણે તમો પોસ્ટો પ્રગટ કરવાનું ચાલુ જ રાખશો એવી આશા.

    અરે....હું તો એવું પણ ઈચ્છું કે એક દિવસ આ જુના "ખજાના"નો કાર્યક્રમ લોસ એન્જીલીસ શહેરમાં તમારા માર્ગદર્શન હેઠળ હોય..અને પ્રભુની ઈચ્છા હશે તો એવું પણ શક્ય હશે...અને, એવા પ્રોગ્રામમાં હું હોલમાં એક "ઓડિઅન્સ" તરીકે સાંભળી મઝા માણતો હોય !

    આવા પ્રોગ્રામ માટે કોઈ સ્પોન્સર મળી જશે...આવી ઘડીએ ગિપ્સીની ડાયરીમાંથી આ પોસ્ટો દ્વારા એમાં ગીતોનું "સીલેકશન " હશે !

    >>>ચંદ્રવદન.
    Narendrabhai,
    Enjoyed this & the previous Post on Saigal Saheb.
    The matter of the Posts can be an ANJALI to Saigalji.
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  6. આદરણીય કેપ્ટ. નરેન..

    બારેક વર્ષ નો થયો હોઈશ ને મારા બાપુજી.. જેને અમે ભાઈ કહેતા..તેમને મને સીગલ નો પરિચય તેમના ગીતો દ્વારા કરાવેલો..
    તેમને સાયગલ ના ગીતો બહુજ પ્રિય હતા..આ જે આપની કલમે સાયગલ વિષે વાંચી પાછી તે જૂની યાદો તાજી થઇ..
    સાયગલ ના ગીતો હું રેડિયો સિલોન પર રોજ સવારે ૭.૩૦ થી ૮.૦ દરમ્યાન જુના ગીતો આવતા અને છેલ્લું ગીત સાયગલ નું આવતું તે સંભાળતો..
    પછી તો લગભગ ૪૫ વર્ષ ભાન્તત -વ્યવસાય -પરદેશ માં વીતી ગયા..આજે પણ એ બધા ગીતો યાદ છે.. અને મારા ગમતા ગીતો ના ખજાનામાં
    મોખરે. છે..આપે લખેલા લેખ માં વાંચતા વાંચતા તે ગીતો ની તર્જ મારા કાન માં ગુંજવા લાગી..
    આગળ ઉપર લખેલા પંકજ માલિક ના બે અને સાયગલ ના બે લેખ, જૂની યાદો ને ગૌરવ ભરી રીતે યાદ કરાવવા બદલ હાર્દિક આભાર અને અભિનંદન

    શૈલેષ મહેતા

    ReplyDelete
  7. આદરણીય શ્રીકેપ્ટનસાહેબ,

    ખૂબ-ખૂબ આભાર સાથે એક વિનંતી.આપની આ શ્રેણીને કોઈ સંજોગોમાં અટકાવતા નહીં પ્લી..ઝ..!!

    આજે આખો દિવસ બાગ-બાગ થઈ ગયો.ખૂબખૂબ આભાર.

    માર્કંડ દવે.

    ReplyDelete
  8. DUNIYA RANG RANGILI BABA.......OF DHARATIMATA!!!!!!!!!!!!!!!!!

    ReplyDelete