Pages

Tuesday, September 27, 2011

જિપ્સીનો વિસામો: 'આવાઝકી દુનિયાકે દોસ્તો..'

દૃશ્ય છે જુની બ્લૅક-અૅન્ડ-વાઇટ ફિલ્મનું. રેડીયો સ્ટેશનના રેકૉર્ડીંગ રૂમમાં એક ગાયક આવે છે અને ગીત શરૂ કરતાં પહેલાં શ્રોતાઓને સંબોધે છે, “આવાઝકી દુનિયાકે દોસ્તો..” ગીત શરૂ થાય છે “પ્રીત મેં જીવન.... ભોર સુહાની, ચંચલ બાલક...” અને ગીત પૂરૂં થાય છે અસહાય પ્રશ્નથી: ‘ઐસા ક્યોં?” ફિલ્મ હતી ‘દુશ્મન’, સંગીતકાર શ્રી. પંકજ કુમાર મલ્લીક અને ગાયક-નાયક?

જી હા! સ્વરની દુનિયાના મિત્ર કહો કે સમ્રાટ, તે કુંદન લાલ સાયગલ હતા.

*

પિતાજીને શાસ્ત્રીય સંગીતનો ભારે શોખ. વઢવાણ કૅમ્પના ઉજ્જડ વિસ્તારમાં આવેલા ‘સરકાર વાડા’માં અમારૂં જ ઘર એવું હતું જ્યાં રોજ સાંજે તેમના સંગ્રહમાંની શાસ્ત્રીય સંગીતની રૅકોર્ડ્ઝમાંથી ખાંસાહેબ અબ્દુલ કરીમખાં સાહેબ, હિરાબાઇ બરોડેકર, ફૈયાઝખાં સાહેબનો ધ્વનિમુદ્ર્ીત અવાજ હંમેશા સંભળાતો. કોઇ વાર મન થાય ત્યારે તેમનો દિલરૂબા કાઢી એકાદ રાગ વગાડતા. એક દિવસ રમીને બહારથી આવ્યો ત્યારે અમદાવાદથી તાજી આવેલી રેકર્ડ સાંભળી રહ્યા હતા. ઉમરામાં ઉભો રહીને હું પણ એ દિવ્ય અવાજને સાંભળી મંત્રમુગ્ધ થઇ ગયો. પિતાજીનું મારી તરફ ધ્યાન ગયું ત્યારે તેમણે મને બોલાવ્યો અને કહ્યું, “બેસ. આપણે તે ફરી સાંભળીશું.” અને ફરીથી વાજાંને ચાવી આપી રેકૉર્ડ શરૂ કરી.
બાલમ આયે બસો મોરે મનમેં...”
મુખડાના શબ્દો પૂરા થયા ત્યારે તેમણે કહ્યું,”હવે અંતરા પર ધ્યાન આપ. એક એવું પરિવર્તન નજર આવશે...” અને અંતરો શરૂ થયો:
“સૂરતિયા જાકી મતવારી/પતરી કમરીયા ઉમરીયા બાલી...”
ગીત પૂરૂં થયા બાદ તેમણે દિલરૂબાને ખોળમાંથી કાઢી, મને કહ્યું, “હવે આ ગીતની તને ખુબી સમજાવું!”
તેમણે દિલરૂબા પર આ જ ગીતના સૂર કાઢ્યા અને રોકાઇ રોકાઇને મને સમજાવતા ગયા. અંતરો શું તે સમજાવ્યું, અને કહ્યું, “શરૂઆતના વિલંબિતમાં ગાયેલા મુખડા પછી સાયગલે ગાયેલ દ્રુત ગતના અંતરામાં તેઓ સાયગલ ગાયક મટી ખુદ દેવદાસ બની ગયા જેમાં તેઓ હૃદયનો આંતરીક આનંદ વ્યક્ત કરતા હોય તેવું લાગશે.” મને આ બધું સમજાયું નહિ, પણ મારી બાલબુદ્ધીની સમજ પ્રમાણે પહેલી કડી અને બીજી કડીમાં જે ફેરફાર હતો તે સમજમાં આવ્યો અને ખરે જ, ‘બીજી કડી’માં સાયગલના અવાજમાં થયેલું ભાવપ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું! મારો આનંદ જોઇ તેમણે પાર્સલમાં આવેલી બીજી રૅકર્ડ “મૈં ક્યા જાનું ક્યા જાદુ હૈ...” સંભળાવી. આ વખતે સાયગલ સાહેબે “મૈં ક્યા જાનું ક્યા” પછી જે તાન લગાવી તેની અદ્ભૂત ભાવના મનની વીણાને ઝંકાર કરી ગઇ. એક અજબ ઝણઝણાટી અનુભવી હું ગીત સાંભળતો ગયો. શબ્દો હૃદયમાં અંકાતા ગયા: “મન પૂછ રહા હૈ, અબ મુઝસે, નૈનોંને કહા હૈ કયા તુઝ સે?” આજે આ ગીતનો વિચાર કરૂં છું ત્યારે લાગે છે, ગીત અને સંગીતનું અનોખું મિલન સાયગલ સાહેબના અવાજની સરસ્વતિમાં મળીને એક ભવ્ય ત્રિવેણી સંગમ બની ગયો!
બચપણનો સમય એવો હતો જ્યારે મને સંગીત - સિનેમા વિશે થોડી ઘણી સમજ આવી હતી. વઢવાણ કૅમ્પમાં નવા ચલચિત્રો બહુ મોડા આવતા, પણ આવે ત્યારે પિતાજી અમને સૌને સાયગલ સાહેબનાં ‘દેવદાસ’, ‘દુશ્મન’ જેવા ચલચિત્રો જોવા લઇ જતા હતા. તે જોઇને સાયગલ સાહેબના અવાજ અને અભિનય પ્રત્યે અપાર સ્નેહ થઇ ગયો! બહાર રમતો હોઉં અને પિતાજીએ શરૂ કરેલ “ઝૂલના ઝૂલાયે, અંબૂવાકી ડારી પે, કોયલ બોલે..”ના સ્વર દૂરથી પણ સંભળાય તો હું રમત છોડી ગીત સાંભળવા ઘરમાં દોડી જતો.

*

જિપ્સી નવ વર્ષનો થયો અને પિતાજીનું અવસાન થયું. ત્યાર પછીનો સમય કેવી રીતે ગયો તેનું અહીં કોઇ મહત્વ નથી. કેવળ જુની યાદો તાજી થતી જતી હતી, જ્યારે “નૈન હિનકો રાહ દીખા પ્રભુ, પગ પગ ઠોકર ખાઉં મૈં...” સાંભળતો. કોઇ કોઇ વાર “કરૂં ક્યા આસ નિરાસ ભયી” સાંભળું, આંખમાંથી આંસુ ટપકતા. કોણ જાણે કેમ, આ ગીત સાથે પિતાજી સાથે હૉસપિટલમાં થયેલી મારી છેલ્લી મુલાકાત જોડાઇ હતી. સ્ટ્રોકને કારણે તેમની વાચા ગઇ હતી. મને જોઇને તેમના ચહેરા પર મને જોયાનો આનંદ, ઔદાસ્ય, અસહાયતા અને આંખમાંથી નિતરતા અશ્રુમાં જાણે સાયગલસાહેબનું આ ગીત વ્યક્ત થતું લાગ્યું. બીજા દિવસે તેમનું અવસાન થયું. ન તે દિવસ ભુલી શક્યો, ન સાયગલ સાહેબનું ગીત. બન્ને એકબીજા સાથે જોડાઇ ગયા. કાયમ માટે.

૧૯૫૭ - ૫૮ની સાલમાં અમદાવાદના રિગલ કે લાઇટહાઉસ સિનેમામાં “સાયગલકી અમર કહાની” નામનું તેમનું bio-pic આવ્યું. મારા મોટાભાઇઓ સાથે તે જોવા ગયો. ફિલ્મમાં જોયેલી સાયગલ સાહેબની જીવન યાત્રા કેવળ સંગીતના ઉત્સવ જેવી ન રહેતાં માનવતા અને કરૂણાના વહેણ જેવી હતી. ક્યારે ચિત્ર શરૂ થયું, ક્યારે સમાપ્ત થયું તેનો ખ્યાલ ન રહ્યો.. કેવળ અંતિમ ‘શૉટ’ બાદ ગાલ પર ભિનાશ અનુભવી ત્યારે સમજાયું ફિલ્મ પૂરી થઇ હતી.
ફિલ્મનો એક પ્રસંગ માનસપટલ પર હંમેશ માટે અંકાઇ ગયો. આ પ્રસંગ હતો કલકત્તામાં તેમને પહેલ વહેલું કામ મળ્યું હતું કાપડની ફેરી કરી વેચાણ કરવાનું. આ પ્રસંગ દિગ્દર્શકે ચિતર્યો હતો.

એક મજુરના માથે કાપડનો મોટો થેલો મૂકાવી કુંદનલાલ સહગલ - જે બદલાઇને સાયગલ થઇ ગયું -કલકત્તાની શ્રીમંત વ્યક્તિઓની હવેલીમાં જઇ કાપડ, સાડીઓ બતાવે અને વેચે. એક વાર તેઓ કોઇ ગૃહિણીને સાડીઓ બતાવી રહ્યા હતા. તેમની પાછળ તેમની દાસી તથા દાસીની પુત્રી ઉભાં હતા. દાસીની નાનકડી દિકરીને એક સાડી ગમી અને તે બોલી પડી, “મા, કોતો શુંદર શાડી! આમાકે ખૂબ ભાલો લાગે. કિનબે તો?” (કેટલી સુંદર સાડી છે! મને ખુબ ગમી. વેચાતી લઇશું કે?)
“અરે જા, જા,” શેઠાણી તાડૂકી. “આ સાડી લેવાની તારી ક્યાં હેસિયત છે!”
સાયગલે શેઠાણીને કહ્યું, “એની હેસિયત હોય કે ન હોય, પણ આપની આવી ઉમદા સાડી લેવાની લાયકાત નથી,” કહી, પેલી મોંઘી સાડી દાસી પુત્રીને આપી, થેલો ઉપાડાવી ત્યાંથી ચાલી નીકળ્યા. દુકાને પહોંચી શેઠને કહ્યું, “સાડીના પૈસા મારા પગારમાંથી કાપી લેજો.”

*

સમય બદલાતો ગયો. સંગીતની દુનિયામાં સાયગલ સાહેબનો પ્રવેશ થયો તે પણ એક પ્રોડ્યુસરે તેમનું શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીત સાંભળ્યા બાદ. કલકત્તામાં તે સમયે સિનેમાના નાયકમાં ત્રણ વસ્તુઓ અગત્યની જોવાતી: રૂપ, અભિનય અને ગાયકી. ગાયકી હોય અને અભિનય આવડે પણ રૂપ ન હોય તો ચાલે. પહાડી સન્યાલ, કે.સી. ડે, પંકજ કુમાર મલ્લિક આનાં ઉદાહરણ હતા. સાયગલે ગાયેલ ગીત “ઝુલના ઝુલાયે, અંબુવાકી ડારી પે, કોયલ બોલે..” પ્રોડ્યુસરના મનને સ્પર્શી ગયું. કરાર થયા, પણ શરૂઆતની ફિલ્મો સાવ અસફળ રહી. ભલા, સાવ અજાણ્યા કલાકારનું ‘ઝિંદા લાશ’ નામનું ચલચિત્ર જોવા કોણ જાય? પણ જ્યારે તેમની ‘ચંડીદાસ’ પડદા પર આવી, ફિલ્મ અને ફિલ્મી સંગીતના વિશ્વમાં ક્રાન્તિ થઇ ગઇ! ઉમા શશી સાથે ગાયેલ ‘પ્રેમ નગરમેં બસાઉંગી ઘર મૈં, તજકે સબ સંસાર....” લોકોને ગમ્યું પણ સાયગલલ સાહેબે ગાયેલ “સુનો સુનો હે ક્રિશન કાલા”એ તો સાચે જ અણુ વિસ્ફોટ કર્યો! તેનું ‘રૅડીએશન’ હજી પણ લોકોના હૃદયમાં કંપન પેદા કરે છે! બંગાળના પ્રખ્યાત ભઠિયાલી લોકગીતની પ્રથામાં રચાયેલું, બંગાળી ઢોલકના તાલમાં ગવાયેલું આ ભાવપૂર્ણ ગીત કૃષ્ણભક્તિના રસમાં તરબોળ થયેલ ચંડીદાસના આત્માએ સાયગલ સાહેબના કંઠમાં પ્રવેશીને ખુદ ગાયું હોય તેમ આ ભજન અવતર્યું અને ભારતની સિનેસૃષ્ટિમાં એક સૂર્ય પ્રકાશ્યો! ત્યાર પછી તો બસ, ભારતભુમિ પર તેમના ગીત-કિરણોની વર્ષા થતી રહી!
‘મનકી બાત બતાઉં..’
દુનિયા રંગ રંગીલી...’
‘બાલમ આયે બસો મોરે મનમેં...’
‘દુ:ખ કે અબ દિન બિતત નાહી..’
‘અંધેકી લાઠી તુ હી હૈ, તુહી જીવન ઉજીયારા..’
અહીં તેમના પ્રખ્યાત થયેલા ગીતોની વાત કરવા બેસીએ તો તેનો અંત નહિ આવે. તેમનું પ્રત્યેક ગીત ‘માસ્ટરપીસ’ છે. પંકજ કુમાર મલ્લીક, તિમિર બરન, રાય ચંદ બડાલ, નૌશાદ સાહેબના સંગીતમાં ગાયેલા ગીતો હોય કે રવીંદ્ર સંગીત, ગઝલ, દાદરા ઠુમરી કે પછી સુરદાસનાં ભજન હોય, બસ સાંભળતા જ રહીએ!

સાયગલ સાહેબના ‘દેવદાસ’ વિશે અનેક ગાથાઓ વાંચી અને સાંભળી. ફિલ્મના નિર્દેશક શ્રી. પ્રમથેશ બરૂઆએ બંગાળી ફિલ્મમાં પોતે અભિનય કર્યો હતો. જ્યારે તેમણે તેનું હિંદી સંસ્કરણ બનાવ્યું, તેમને આ ચલચિત્ર પૈસા અપાવે છે કે નહિ તે જોવા કરતાં પ્રેક્ષકોને તે ગમશે કે કેમ તેની ચિંતા વધારે હતી. તેમણે આશા-નિરાશા વચ્ચે પહેલા દિવસે ‘પીટ ક્લાસ’માં બેસી ફિલ્મ જોવાનું નક્કી કર્યું. બે આના ખર્ચી ફિલ્મ જોવા આવનાર મજુરને આ ચલચિત્ર ગમે તો જ તે સફળ થયું ગણાશે, અને ન ગમે તો તેમણે આત્મહત્યાના વિચાર સાથે પોતાની રિવોલ્વર સાથે રાખી હતી! જેમ જેમ ફિલ્મના પ્રવાહની ગતિ વધતી ગઇ, સાયગલ સાહેબના ગીતોની અસરને કારણે કહો કે તેમના અભિનયથી પ્રભાવિત થયેલા પ્રેક્ષકોની આંખમાંથી વહેતા અશ્રુ જોયા, ત્યારે પ્રમથેશબાબુ ધન્યતા અનુભવી બહાર આવ્યા. તેમની જીંદગી બચી ગઇ!

દેવદાસનું પરિણામ એ આવ્યું કે મુખ્ય પાત્રના ચરિત્રમાં રમમાણ થઇ અભિનય આપનારા સાયગલ સાહેબ અને દેવદાસ અલગ વ્યક્તિ મટી એક જીવ બની ગયા! જેવો અભિનય તેવા તેમણે ગાયેલા ગીતો!
“દુ:ખ કે અબ દિન બિતત નાહી...” ગાતાં ગાતાં શિકાર પર નીકળેલા દેવદાસને જોઇ પક્ષીઓ ઉડવા લાગ્યા, તેમને જોઇ ‘દેવદાસ’ કરૂણ હાસ્ય કરી બોલે છે, “ડર ગયે! મુઝસે ડર ગયે!” અને પછી ગાય છે, “ના મૈં કિસીકા, ના કોઇ મેરા, છાયા, ઘોર અંધેરા....” થિયેટરમાં આ ગીત સાંભળીને મેં લોકોને આંસુ સારતા જોયા છે. સાયગલ સાહેબના ‘દેવદાસ’ની મોહિની એવી હતી કે - જેમ પહેલાં કહ્યું તેમ દેવદાસ અને સાયગલ અભિન્ન વ્યક્તિ બની ગયા.

ત્યાર પછીનાં બધા ચિત્રપટોએ અને તેમણે ગાયેલા ફિલ્મી તથા બિન ફિલ્મી ગીતોએ લોકપ્રિયતાના શિખરો સર કર્યા. સાયગલ નામ ઘર ઘરમાં પ્રખ્યાત થયું. બંગાળના ભદ્ર સમાજમાં કોઇ માનવા તૈયાર નહોતું કે સાયગલ પંજાબી હતા. તેમના માટે તેઓ બંગાળી હતા અને બંગાળી રહ્યા. ખાસ કરીને રવીંદ્ર સંગીતમાં તેમના અણીશુદ્ધ ઉચ્ચારોએ જનતાનાં હૃદય જીતી લીધા. અહીં પંકજ કુમાર મલ્લીકે તેમની સાથે કરેલી મહેનત કામયાબ નીવડી. (વધુ આવતા અંકમાં)

6 comments:

  1. ત્યાર પછીનાં બધા ચિત્રપટોએ અને તેમણે ગાયેલા ફિલ્મી તથા બિન ફિલ્મી ગીતોએ લોકપ્રિયતાના શિખરો સર કર્યા. સાયગલ નામ ઘર ઘરમાં પ્રખ્યાત થયું. બંગાળના ભદ્ર સમાજમાં કોઇ માનવા તૈયાર નહોતું કે સાયગલ પંજાબી હતા. તેમના માટે તેઓ બંગાળી હતા અને બંગાળી રહ્યા. ખાસ કરીને રવીંદ્ર સંગીતમાં તેમના અણીશુદ્ધ ઉચ્ચારોએ જનતાનાં હૃદય જીતી લીધા. અહીં પંકજ કુમાર મલ્લીકે તેમની સાથે કરેલી મહેનત કામયાબ નીવડી.
    Narendrabhai, With this Post it's the Introduction of Saigal///and will wait for the next Post to know more about Saigal.
    Enjoyed !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo..Inviting All to my Blog !

    ReplyDelete
  2. Dear Narenbhai,

    We enjoyed thiese songs in late 40's
    Jiotubhai and Trivedi parivar thanks to put us back in Avaz ki Dunia.
    Regards

    Rajendra
    www.bpaindia.org

    ReplyDelete
  3. બે ત્રણવાર કેખ વાંચ્યો...જાણે અમારા જેવી જ દાસ્તાં!!
    તે સમયની યાદ ગુંજી
    ચલો, મારી જિંદગી
    કો’કને એટલી તો ફળી !
    મફતના ભાવમાં,
    એક પ્રયોગશાળા તો મળી !

    આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
    આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?

    ..........................................................અને
    હું તું – હતા ને સામે તો સેના ઊભી હતી
    કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
    માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
    તારો જ રથ હતો અને આ આંગળી હતી
    આ બધામાં ૧૯૪૯મા સાયગલસાહેબને છેલ્લી વિદાય વખતે વાગતું તેમનું જ ગાયેલું
    ફિલ્મ:- સ્ટ્રીટ સિંગરનું ગીત

    બાબુલ મોરા નૈહર છૂટો જાય [2]
    મોરા નૈહર છૂટો હી જાય

    ચાર કહાર મિલ મોરી ડોલિયા સજાવો
    મોરા અપના બેગાના છૂટો જાયે
    મોરા નૈહર છૂટો જાય

    અંગના તો પરબસ ભયો
    ઔર દેરી ભઈ બિદેસ
    લે ઘર બાબુલ આપનો
    મૈં ચલી પિયા કે દેસ...........
    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  4. @ Dr. Chandravadanbhai: Thank you for your comments.

    @. મુકુંદભાઇ: આપના એક શબ્દમાં છુપાયેલી અનેક ભાવનાઓ માટે આભાર!

    @ ડૉ. રાજેન્દ્રભાઇ: આભાર! ૧૯૪૦નો જમાનો સાચે જ સંગીતનો સુવર્ણયુગ હતો. આનંદની અભિવ્યક્તિ માટે આભાર.

    @ પ્રજ્ઞાબહેન, આપે જિપ્સીને કેવો ભાવવિવશ કર્યો, તે હું કહું તે કરતાં મારા હૃદયની આર્દ્રતા વધુ સારી રીતે કહી શકશે. આપના પ્રતિભાવનો સ્વીકાર જિપ્સીનાં નયનોનાં નીર આપનો પ્રતિભાવ વાંચ્યો ત્યારથી આ લખું છું ત્યાં સુધી આપતા રહ્યા છે. જ્યાં સુધી જિપ્સીનું 'આવાઝકી દુનિયા'માં વાસ્તવ્ય હશે, આપનો પ્રતિભાવ, કાવ્ય તેનું આકાશ બની રહેશે. આવા આકાશનો કદી વિલય નથી. 'આવાઝકી દુનિયાકે દોસ્તો'નો શેષ ભાગ આપને અર્પણ કરૂં છું.

    ReplyDelete
  5. મારા બાના સમયના આ ગીતો!

    પણ એટ્લી વાર સાંભળેલા કે જાત સાથે જોડાઈ ગયેલા.

    મહુવા-મોસાળમાં,નાનાનુ `થાળીવાજુ`ગ્રામોફોન રેકોડ્ર્સ,

    મન એ સમયમાં પહોચી ગયુ,હજિ એ રેકોર્ડ્સ,સચવાયેલી,

    ખુબ આભાર..

    આવી જ રીતે જ્યુથિકા રોય,કનનબાલા,કે.સિ.ડે,ની દુનિયામાં

    લઇ જવા વિનંતિ.

    ReplyDelete