Pages

Thursday, September 22, 2011

જિપ્સીનો વિસામો: ઇન્હેં ના ભુલાના....(શેષ)

બીજા દિવસે જિપ્સી પંકજબાબુને મળવા પહોંચી ગયો. તેમની પાસે એક વૃદ્ધ બંગાળી સજ્જન બેઠા હતા. ચરણસ્પર્શ, અભિવાદન બાદ તેમણે મને બેસવાનું કહ્યું અને વાતચીત બંગાળીમાં શરૂ થઇ. હું તેમને કશું પૂછું તે પહેલાં તેમણે મને જ પ્રશ્ન પૂછ્યો.

“તમે અમદાવાદમાં રહો છો?
“જી.”
“તમે કવિગુરૂનું ‘ક્ષુધીત પાષાણ’ વાંચ્યું છે?”
“જી. મારા કૉલેજના અભ્યાસક્રમમાં ‘Hungry Stones and Other stories’ નામનું પુસ્તક હતું. હું તે શીખ્યો છું!’
“તમને ખબર છે આ કથામાં જે નદી, તેના ઓવારા અને ઘાટનું વર્ણન છે તે ક્યાં આવ્યા છે?”
મેં આ બાબતમાં મારૂં અજ્ઞાન જાહેર કર્યું.
“એ તમારા શહેરના જ છે! અત્યારે જે રાજ ભવન છે, તે મૂળ શહેનશાહ શાહજહાનનો મહેલ હતો. કવિગુરૂના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં રીજનલ કમીશ્નર હતા ત્યારે આ મહેલ તેમનું ‘અૉફીશીયલ રેસીડન્સ’ હતું. રવીન્દ્રનાથ ૧૮-૧૯ વર્ષના હતા ત્યારે તેઓ તેમની પાસે રહેચા આવ્યા હતા. તેમને થયેલ અનુભવનું તેમણે તાદૃશ વર્ણન કર્યું છે આ ‘ક્ષુધીત પાષાણ’માં!”

મને હવે વાત કરવાનો વિષય મળી ગયો. આમ તો મેં તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર કર્યો નહોતો. મારે તો તેમના સાન્નિધ્યમાં પાંચ-પંદર મિનીટ ગાળવાનો લહાવો લેવો હતો.

“દાદા, મેં સાંભળ્યું છે કે કવિગુરૂએ તેમના ગીતોને સુરબદ્ધ કરવાની પરવાનગી આપના સિવાય અન્ય કોઇને આપી નહોતી.”

“હા. ગુરૂદેવની મારા પર અસીમ કૃપા હતી. તેમનાં ગીતોથી હું તો શું, આખું વિશ્વ પ્રભાવિત હતું. મને તેમના ગીતને સુરબદ્ધ કરવાની અદમ્ય ઇચ્છા હતી. અનેક પ્રયત્નો બાદ તેમણે મને બોલાવ્યો અને મેં સ્વરબદ્ધ કરેલ ગીત સંભળાવવાનો આદેશ આપ્યો. મેં તેમને ‘દિનેર શેષે,ઘૂમેર દેશે’ ગાઇ સંભળાવ્યું. તેમણે મને તે પ્રકાશિત કરવાની રજા આપી.”

એક રીતે તો આ એક ઇતિહાસ રચાયો હતો. ગુરૂદેવે પંકજદા’ સિવાય કોઇને પોતાના ગીતોને સૂર આપવાની રજા આપી નથી. ‘દિનેર શેષે..’ અમર ગીત બની ગયું!

“ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન ઉઠતો રહ્યો છે. અાપની અનુમતિ હોય તો પૂછું? આપે ગાયેલા હિંદી ગીતોમાંના બે ગીત સાવ જુદા તરી આવે છે. તેમાં આપને સાથ આપનાર વાદ્યવૃંદ પૂરી રીતે પાશ્ચાત્ય છે!” મારો નિર્દેશ ‘યાદ આયે કે ન આયે તુમ્હારી’ તથા ‘પ્રાણ ચાહે નૈન ન ચાહે’ તરફ હતો.

પંકજદા’ સ્મિત સાથે બોલ્યા, “ઓ રે બાબા! જરૂર કહીશ. તે જમાનામાં કલકત્તામાં કૅસાનોવાનો ડાન્સ બૅન્ડ અત્યંત પ્રખ્યાત હતો. ફિર્પોઝ જેવી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરાં તથા હોટેલમાં તેમનો કાર્યક્રમ રખાતો. એવા સંજોગો બની આવ્યા કે ભારતીય ગીત કોઇ પાશ્ચાત્ય અૉર્કેસ્ટ્રાના સંગીત પર ગાઇ શકાય કે કેમ એવો વિચાર આવ્યો. આ એક મોટી ચૅલેન્જ હતી. અમે ફ્રાન્ચેસ્કો કૅસેનોવા સાથે મળી રવીન્દ્ર સંગીતના ગીતનું સમન્વય કરવાનું નક્કી કર્યું. મૂળ ગીત હતું ‘મોને રોબે કે ના રોબે આમારે’. તેનું હિંદી રૂપાંતર કર્યું, “યાદ આયે કે ના આયે તુમ્હારી!” બીજું ગીત હતું ‘પ્રાણ ચાહે નૈના ન ચાહે”. આ બન્ને ગીતો બેહદ લોકપ્રિય થયા. ત્યાર પછી ત્રીજું ગીત “જબ ચાંદ મેરા નીકલા/છાયીંથીં બહારેં” પ્રસિદ્ધ થયું.

આ વાત થઇ તે સાલમાં - અને અત્યારના જમાનામાં પણ કોઇને ખ્યાલ નહોતો કે વિશ્વમાં કદાચ પહેલી વાર કોઇ લોકપ્રિય ગીતના આધુનિક બૅન્ડ કે ઓરકેસ્‌ટ્રા સાથે ‘રિમિક્સ’નો પ્રયોગ પંકજદા’એ કર્યો હતો! સંગીતની દુનિયામાં તેઓ સાચે જ સ્વપ્નદૃષ્ટા હતા. આનો અનુભવ સતત રીતે લોકોને થતો રહ્યો. શરૂઆતમાં રવીન્દ્રસંગીતમાં તબલાંનો સાથ નહોતો અપાતો. ગુરૂદેવની રજાથી પંકજદા’એ સૂર સાથે તાલનું આયોજન કર્યું અને રવીન્દ્રસંગીતના પ્રસારમાં અગ્રેસર બની બંગાળના ઘરઘરમાં તેને પહોંચાડ્યું. કન્યાને જોવા જનાર વરપક્ષના લોકો પહેલો પ્રશ્ન એ પૂછવા લાગ્યા કે કન્યાને રવીન્દ્રસંગીત આવડે છે કે કેમ, અને આવડતું હોય તો તેની પાસે ગવડાવતા. પંકજદા’એ તો બિન-બંગાળી એવા સાયગલસાહેબ પાસે રવીંદ્રસંગીત ગવડાવીને તેમને એટલી પ્રસિદ્ધિ અપાવી કે તેનું વર્ણન ન થઇ શકે. આજે પણ સાયગલસાહેબે ગાયેલ ‘આમી તોમાય જાતો” કોઇ ભુલી શક્યું નથી. આનાં ઘણા કારણ હતા. એક તો સાયગલ high pitch એટલે હાર્મોનિયમની કાળી પાંચની પટ્ટી પર ગાતા. પંકજદા’એ તેમની પાસેથી ઉપરના સૂરમાં ગવડાવ્યું. બીજું, કુંદનલાલ સાયગલ ઉર્દુ/પંજાબી ભાષીક ગાયક હતા. પંકજદા’એ તેમની પાસેથી અણીશુદ્ધ બંગાળી ઉચ્ચાર કરાવ્યા! એવી જ રીતે તેમણે કાનનદેવીને રવીંદ્રસંગીતનો મર્મ, તેના nuances, ભાવાર્થ એવી રીતે સમજાવ્યા, કાનનદેવીએ તેમના ગીતો ભાવપૂર્ણ થઇને ગાયા. તેમના ફિલ્મી ગીતો સુદ્ધાં લોકો હજી યાદ કરે છે. ‘ઐ ચાંદ છુપ ના જાના/જબ તક મૈં ગીત ગાઉં’ યાદ છે ને?
કલકત્તામાં તેમણે સાયગલ સાહેબ, કાનનદેવી, રાય ચંદ બડાલ, કે.સી.ડે, ઉમા શશી વ. સાથે મળીને એવું સંગીત રચ્યું, એવું ગાયું, બસ, વાહ! સિવાય બીજો શબ્દ ન નીકળે. સાઠ વર્ષ બાદ પણ તેમણે સાયગલસાહેબ અને ઉમા શશી સાથે મળીને ‘ધરતીમાતા’ ફિલ્મમાં ગાયેલા ગીતો ‘દુનિયા રંગ રંગીલી બાબા‘ તથા ‘મનકી બાત બતાઉં‘ જેવા ગીતોમાં ધરતીની ખુશ્બૂ પમરાતી જણાશે.
પંકજદા’એ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ગીતોને સંગીત આપવા ઉપરાંત તેમણે તે ગાયા હતા. તેમાંની સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી ‘ડૉક્ટર’. ભારતીય સિનેમામાં ઘોડાગાડીમાં બેસી, ઘોડાની ચાલના ઠેકા પર સૌથી પહેલું કોઇ ગીત ગવાયું હોય તો તે પંકજદા’નું ‘ચલે પવનકી ચાલ’ હતું. ત્યાર પછી તો ઘણાં ગીતો આવ્યા અને ગયા - દિદારનું ‘બચપનકે દિન ભુલા ન દેના’થી માંડીને નયા દૌર, હાવરા બ્રીજ (ઇંટકી દુગ્ગી, પાનકા ઇક્કા..”) આવ્યા અને ગયા, પણ ‘ચલે પવનકી ચાલ’ જેવી તાજગી, તેનું તત્વજ્ઞાન (કટ ના સકે યે લંબા રસ્તા, કટે હજારોં સાલ/જહાં પહુંચને પર દમ છૂટે, હૈ વહી કાલા કાલ, જગમેં ચલે પવનકી ચાલ) કદી પણ જુનું લાગતું નથી.
પંકજદા’ના જીવનમાં દુ:ખદ બનાવો બની ગયા તેમાં બે મુખ્ય હતા. એક તો સાયગલસાહેબ કલકત્તા છોડી મુંબઇ જતા રહ્યા, અને ત્યાં દારૂની લતમાં આવી અકાળે કાલવશ થઇ ગયા. બીજો બનાવ હતો ન્યુ થિયેટર્સના બી.એન. સરકારે આંતરીક ખટપટ કરનારાઓની કાનભંભેરણીથી અચાનક, એક કલાકની નોટિસ પર તેમને કામ પરથી કાઢી મૂક્યા. આ થયું તેના એક વર્ષ પહેલાં મુંબઇના નિર્માતાઓ તેમને ભારે પગારે બોલાવી રહ્યા હતા. ન્યુ થિયેટર્સ પરત્વે તેમની વફાદારી એટલી મજબૂત હતી, તેમણે બાદ પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકાર્યા હતા. હવે પરિસ્થિતિ એવી આવી ગઇ કે તેમની પાસે ન કોઇ પેન્શન, ન કોઇ આજીવિકાનું સાધન હતું. જુની મૈત્રીના આધારે તેમને કેટલીક ફિલ્મોમાં સંગીત નિર્દેશનનું કામ મળ્યું અને તેમાં તેમણે સાયગલસાહેબ માટે આપેલ સંગીત ‘અય કાતિબે તકદીર મુઝે ઇતના બતા દે’, ‘દો નૈના મતવાલે, તિહારે, હમ પર ઝૂલ્મ કરે’ હજી સંભળાય છે અને યાદ કરાય છે.
પંકજદા’ના સંગીતની ખુબી તેમની સાત્ત્વીકતા, દાર્શનિકતા અને ભારતીય સંગીતની પરંપરાની સભરતામાં હતી. ફિલ્મ ‘યાત્રીક’માં તેમણે અાપેલ સંગીત ‘તુ ઢુંઢતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’, અથવા બિનોતા ચક્રવર્તીએ ગાયેલ ‘સાધન કરના ચાહે રે મનવા/ભજન કરના ચાહે’ શ્રોતાને ભક્તિરસમાં તરબોળ કરી દે. આવા જ બિન-ફિલ્મી ભજન, ‘મેરે હઠીલે શ્યામ’, ‘તેરે મંદિરકા હું દીપક જલ રહા..’ મનને એવી સ્થિતિએ પહોંચાડે કે આપણે પોતે આપણા આરાધ્યને પ્રશ્ન કરતા હોઇએ એવું લાગે.

અહીં તેમના સાત્વીક ગીતોની વાત કરીએ તો તેમણે ગાયેલા બે પ્રેમગીતોનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. એક તો ચિરસ્મરણીય ગીત છે “યે રાતેં, યે મૌસમ, યે હંસના-હંસાના/મુઝે ભુલ જાના - ઇન્હેં ના ભુલાના...” મનમાં એવી કસક ઉઠાવે, એવા સ્મરણ-ક્ષિતીજને પેલે પાર લઇ જાય, અાકાશમાં ઉગતા પહેલા તારકમાં આપણી મુગ્ધાવસ્થામાં જ વિખુટી થયેલી પ્રિયતમાની ભાવનાસભર છબી ઉપસતી લાગે. હા, મને બુલી જશો, પણ....” બીજું ગીત યાદ આવે છે, ‘મૈંને આજ પીયા હોંઠોંકા પ્યાલા..” આ ગીતમાં કેવળ ઉલ્લાસની ભાવના જણાઇ આવે છે. નથી તેમાં અશીષ્ટ શૃંગાર, નથી અતિ મોહનો આવિર્ભાવ.

પંકજદા’નું જીવન એક ચિત્રપટકથા જેવું હતું. તેમણે સંગીત શીખવા માટે કેવા પરિશ્રમ કર્યા અને ઘેર ઘેર જઇ સંગીત શીખવતા તે જાણવા જેવું છે. કલકત્તાની ભિષણ વર્ષામાં તેમની પાસે છત્રી પણ નહોતી! અને તેને કારણે જ તેમને જીવનમાં પ્રથમ ‘બ્રેક’ મળ્યો! એક દિવસ વરસાદથી બચવા નજીકના મકાનના ઓટલા પર તેઓ ઉભા રહ્યા. વરસાદ રોકાતો નહોત. તેમણે ખરજના સ્વરમાં રવીંદ્રસંગીતમાંનું એક વર્ષા ગીત ગાવાનું શરૂ કર્યું. તેમનો અદ્ભૂત અવાજ સાંભળ્યો મકાનમાં રહેતા સજ્જને. તેમણે પંકજદા’ને અંદર બોલાવ્યા અને પૂછપરછ કર્યા બાદ તેમના ખાસ મિત્ર, જે અૉલ ઇન્ડીયા રેડીયોના સ્ટેશન ડિરેક્ટર હતા, તેમની પાસે મોકલ્યા. અને બસ, ભારતને એક અણમોલ રત્ન મળી ગયું.

પંકજદા’એ આત્મકથા લખી, અને તેનું ભાષાંતર/સંપાદન કર્યું તેમના શિષ્ય શ્રી. અજીત શેઠે. ગુજરાતી પુસ્તકનું નામ છે “ગુજર ગયા વહ જમાના‘ અને પ્રસિદ્ધ કરનાર છે મુંબઇના ‘સંગીત ભવન ટ્રસ્ટ’.
‘અખંડ આનંદ’માં જ્યારે આ લેખ પ્રસિદ્ધ થયો ત્યારે તે સમયના તેના સંપાદક આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાએ લેખને અંતે પંકજદા’નું આખું ગીત ઉતાર્યું હતું: ‘ગુજર ગયા વહ જમાના...’
સાચે જ, એક જમાનો વિતી ગયો, પણ નથી ઓસરી યાદ પંકજદા’ની કે તેમના ગીત, “ઇન્હેં ના ભુલાના...’ની.

5 comments:

  1. ભારતની મહાન ધરતી પર સંગીતના છેત્રે એક મહાન વ્યક્તિ હોય તો એ છે "પંકજ કુમાર મલ્લિક" !

    એમના વિષે મારૂં જ્ઞાન અલ્પ હતું.

    ફીલ્મી ગીતો સાંભળતા, એમનું ગાયેલા ગીતો સાંભળી હૈયે આનંદ હતો..એમના જીવન વિષે અજાણ હતો.

    આજે, "જિપ્સીની ડાયરી"માં નરેન્દ્રભાઈએ પ્રગટ કરેલી આ બે પોસ્ટો "જિપ્સીનો વિસામો;ઈન્હે ના ભુલના"વાંચતા મને ખુબ જ આનંદ થયો.

    આ બે પોસ્ટો દ્વારા નરેન્દ્રભાઈએ પંકજબાબુ વિષે જે લખ્યું તે વાંચી હું જણે રૂબરૂ એમને મળી રહ્યો છું એવું હૈયે થયું.

    ૫-૬ વર્ષના બાળ નરેન્દ્રએ પિતાના પંકજ મલ્લિક પ્રેમ કારણે એમનું ગાયેલું ગીત સાંભળી ફરી ફરી એ સાંભળવા માટે ઈચ્છાઓ જાગૃત કરી.

    આ ઘટના બાદ, યુવાનીમાં એમનો કાર્યક્રમમાં એમને સાંભળવાનો લ્હાવો..અને ખુદ એમને મળવાની તક ! આ સફરમાં પ્રભુનો સાથ હતો.

    આજે એ નરેન્દ્રને હું જાણું એમાં પણ પ્રભુ ઈચ્છા હશે !

    અને એ ઓળખાણના કારણે હું આ બ્લોગ પર..અને પંકજદાને જાણી શક્યો.

    એમના વિષે લખાયેલી બુકો વાંચવાની ઈચ્છા થઈ..અને સ્વપ્નમાં પ્રવેશ કરી જાણે એવી બુક હું મારી જન્મભુમી "વેસ્મા"ની પુસ્તકાલયમાં નિહાળી રહ્યોછું !.........ચંદ્રવદન.
    DR. CHANDRAVADAN MISTRY
    Narendrabhai..Really enjoyed these 2 Posts.
    Thanks for sharing !

    ReplyDelete
  2. @ ડૉ. ચંદ્રવદનભાઇ,
    આપના સુંદર પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. આપે ઘણા સરસ ભાવ વ્યક્ત કર્યા છે.

    ReplyDelete
  3. Narendrabhai,
    On revisiting your Blog I am happy to read your Comment in reference to my Comment fot the Post.
    Thanks !
    DR. CHANDRAVADAN MISTRY

    ReplyDelete
  4. મજાની યાત્રા કરાવી તમે તો ! ધન્ય.

    ખૂબ આભારી છું.

    ReplyDelete
  5. નવ વરસની ઉંમરે મારા નાનાનું હિઝ માસ્ટર વોઈસ– તાવડી વાજા પર મેં પહેલ વહેલો પ;કજ મલિકનો અવાાજ સાંભળ્યો. ત્યારે દાદાને મેં કહ્યું હતું કે તમે આવારા હું ની રેકર્ડ લાવોને !– આજે મારા માટે પંકજદાનું કોઈપણ ગીત આવારા હું–ને કયાં ય ટપી જાય.

    ReplyDelete