અહીંની રાત્રીઓ ગહન અને દિવસ રોમાંચક છે. દરેક દિવસ જુદા જ સ્વરૂપે પ્રકાશે છે એવી ભાવનાથી અમે અમારો રણમાં સમય વ્યતિત કર્યો. મારા સૈનિકોની વાત કરૂં તો સૈન્યમાં પ્રવર્તતી કહેવત સાચી નીકળી: There are good officers and bad officers, but never a bad soldier. મારા જવાનો જગતના સર્વશ્રેષ્ઠ સૈનિકો હતા. બળબળતા રણમાં ઊંટ પર માઇલોના માઇલો પેટ્રોલિંગ ડ્યુટી કરવામાં તેમણે કદી પાછી પાની ન કરી. રણમાં અમારા માટે આવતા ખારા પાણીમાં સ્નાન કરવાથી શરીર પર સફેદ થર જામી જતો, તેનો તેમણે વિના વીરોધ સ્વીકાર કર્યો. કેટલાક જવાનોનાં ગામ રાઘાજીના નેસડાથી કેવળ ૫૦ કિલોમીટર દૂર રાજસ્થાનમાં હતા. રજાઓ પર પ્રતિબંધ આવ્યો ત્યારે તેમાંના કેટલાક નવપરિણીતો પોતાની પત્નિને મળવા જઇ શકતા નહોતા, પણ ડ્યુટીમાં તેમણે કદી કંટાળો કે નારાજી ન દર્શાવી. તેમનો કંપની કમાંડર પણ તેમની સાથે જ એકલતા અનુભવી રહ્યો હતો જેનો તેમને અહેસાસ હતો. એક બીજાના દુ:ખમાં અને સુખમાં અમે સાથી હતા અને આ સંબંધ તેમણે બરાબર નિભાવ્યો. મારી બટાલિયનમાં ‘ફૉક્સટ્રૉટ’ કંપની બધી વાતે ઉત્તમ હતી.
સેકન્ડ બટાલિયન બીએસએફમાં મને ત્રણ વર્ષ થયા હતા. ગમે ત્યારે મારી બદલીનો હુકમ આવવાનો હતો. હું પણ તૈયાર હતો.
કુલપતિ ક.મા. મુન્શીના પ્રિય પ્રદેશમાં અને રણમાં અત્યંત રોમાંચક સમય ગાળ્યા બાદ નવેમ્બરમાં મારી બદલીનો હુકમ આવ્યો. હુકમ પ્રમાણે મારે પંજાબ-પાકિસ્તાનની સરહદ પર જવાનું હતું. બદલીનો આ હુકમ જોઇ મને નવાઇ લાગી. હું બંગાળી લખી-વાંચી-બોલી શકું એવું મારા સર્વિસ રેકોર્ડમાં લખાયું હતું તેથી પૂર્વ પાકિસ્તાનની સરહદ પર બંગાળમાં મારી બદલી થાય તેવું કહેવામાં આવ્યું હતું. આનું એક અન્ય કારણ પણ હતું.
માર્ચ ૧૯૭૧માં શ્રીમતી ગાંધીએ જનરલ માણેકશૉને પૂર્વ પાકિસ્તાનના મોરચે યુદ્ધ શરૂ કરવા લગભગ આદેશ જ આપ્યો હતો. આખી કૅબીનેટની સમક્ષ જનરલ માણેકશૉએ પોતાનો સ્પષ્ટ મત આપ્યો: વ્યૂહાત્મક દૃષ્ટીએ યુદ્ધ માટે આ સમય અનુકૂળ નથી. પ્રથમ તો ઈશાન દિશામાં હિમાલયના ઘાટ ચીન માટે ખુલ્લા હોવાથી તેમની સેના પાકિસ્તાનની મદદે તરત જ તીડનાં ધાડાંની જેમ હાલના અરૂણાચલમાં પ્રવેશી આસામ અને બંગાળમાં ઉતરશે. પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાથી પશ્ચિમ પાકિસ્તાનમાં રહેલ પાકિસ્તાનની બે આર્મર્ડ ડીવીઝન્સ માટે પંજાબનો સપાટ પ્રદેશ આક્રમણ કરવા અનુકૂળતા કરી આપશે. તેવી જ રીતે કાશ્મીરમાં અખનૂર - ચિકન નેક વિસ્તારમાંથી દુશ્મનની સેના સીધો જમ્મુ પર હુમલો કરશે. આમ ભારતીય સેનાને ચાર મોરચા પર યુદ્ધ ખેલવું મુશ્કેલ થશે. લડાઇમાં જીત મેળવવી હોય તો ડીસેમ્બર મહિનો બધી રીતે અનુકૂળ છે અને તેઓ નિશ્ચયપૂર્વક વિજય મેળવી આપશે.
બીજી તરફ આસામમાં પૂર્વ પાકિસ્તાનમાંથી આવતા નિર્વાસીતોની સંખ્યા એક કરોડથી વધુ થઇ હતી. પૂર્વ બંગાળના નાગરિકો અને ખાસ કરીને શેખ મુજીબુર્રહેમાન ભારત પાસે મદદનો પોકાર કરી રહ્યા હતા. તેમને શસ્ત્રાસ્ત્ર તથા માનવબળની સહાયતા આપવાની આવશ્યકતા તીવ્રતાપૂર્વક ભાસવા લાગી હતી. શ્રીમતી ગાંધીએ બીએસએફના ડાયરેક્ટર જનરલ કે.એફ. રુસ્તમજીને બોલાવી આ દિશામાં તેઓ કશું કરી શકશે કે કેમ પૂછ્યું. શ્રી. રુસ્તમજીએ તૈયારી દર્શાવી, અને તે મુજબ તેમણે પચાસ જેટલા ચુનંદા અફસરોને મુક્તિવાહિનીને પ્રશિક્ષણ આપી, પાકિસ્તાની સેના પર ગેરીલા યુદ્ધ આદરવા નેતૃત્વ આપવાનો હુકમ આપ્યો. બંગાળી અફસરોને પાકિસ્તાનની સીમા પર રેડીયો સ્ટેશન સ્થાપી પ્રચાર કાર્ય માટે મોકલ્યા. બીએસએફના અફસર અને જવાન સામાન્ય નાગરિકના પોશાકમાં પૂર્વ પાકિસ્તાનમાં કારવાઇ કરતા થયા હતા. આ કાર્યમાં મુક્તિવાહિનીના કમાંડર મેજર ઝીયા ઉર્રહેમાન જેઓ ઇસ્ટ બૅંગાલ રાઇફલ્સના અફસર હતા તેમની સાથે મળી ઉગ્ર કારવાઇ શરૂ કરી. આપણા અફસરોએ આપેલ નેતૃત્વ અને પ્રશિક્ષણનો લાભ લઇ મુક્તિવાહિનીને પાકિસ્તાની સેના સામે છાપામાર લડાઇ (guerrilla warfare)માં સારી સફળતા મળી.
મને બંગાળી સારૂં આવડતું હોવાથી મને ત્યાં મોકલવામાં આવશે એવું હું ધારતો હતો. મેં પણ બંગાળ જવાની માનસિક તૈયારી કરી રાખી હતી, તેથી NRS Amritsar (નિયરેસ્ટ રેલ્વે સ્ટેશન અમૃતસર)નો હુકમ જોઇ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું.
Website counter from www.website-hit-counters.com . |
nice to read yr experiences...keep on writing..thanks
ReplyDeletenilam doshi
http://paramujas.wordpress.com
sundar abhivyakti...keep it up.
ReplyDeleteઅને રાતના સમયે રણમાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-ચાર દીપક કેવી રીતે પ્રગટે છે? અને તેમને તેજ ગતિથી જમીનને સમાંતર કોણ ઉડાવે છે?
ReplyDelete-------------
આ ન સમજાયું.
@ સુરેશભાઇ,
ReplyDeleteસુઇગામ સેક્ટરમાં આવેલી અગ્રીમ ચોકીઓમાં ડ્યુટી બજાવતી વખતે રોજ રાતે ખારાપાટમાં અચાનક દીપજ્યોતિ જોવા મળતી હતી. કોઇ કોઇ વાર બે કે ત્રણ "દીવડા" જુદી જુદી દિશામાં એકાએક પ્રગટતી દેખાતી આ જ્યોતી સામાન્ય રીતે અમારા સ્થાનથી ઘણે દૂર ઉદ્ભવતી દેખાતી અને પૂર્વથી પશ્ચીમની દિશામાં જમીનને સમાંતર 'ઉડતી' હોય તેવું દેખાતું. ૧૫-૨૦ સેકન્ડ સુધી જલતી જ્યોતિ જેવી રીતે પ્રગટતી, તેવી જ રીતે અદૃશ્ય થતી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે રણમાં મૃત્યુ પામેલા પ્રાણીઓના હાડપીંજરમાંથી નીકળતા ફૉસ્ફરસનો વાતાવરણમાંના અૉક્સીજન સાથે સંપર્ક થતાં આ જ્યોતિ દેખાય છે. જમીનથી એક સરખી ઉંચાઇ પર સમાંતર કેવી રીતે જાય છે તેનું કારણ વાંચવામાં આવ્યું નથી.
લોકવાયકા એવી છે કે આ અલૌકિક શક્તિ છે.
મેં આ phenomenon રોજ રાત્રે જોયું હતું.