Pages

Saturday, April 24, 2021

સર્વિસીઝ સિલેક્શન બોર્ડ

જબલપુરનું સર્વિસીઝ સિલેક્શન બોર્ડ – SSB – ઘણું સખત છે તેની માહિતી ત્યાંના સ્ટેશન પર પહોંચતાં વેંત મળી! પ્રથમ વર્ગના વેઇટિંગ રૂમમાં મને કેટલાક અસફળ થઈ ઘેર પાછા જવા નીકળેલા ઉમેદવારો મળ્યા. અત્યંત મુશ્કેલ એવી શારિરીક કૌશલ્યની, `સ્ટૅમિના', બૌદ્ધિક આંક (IQ) તથા Psychological Testની લેખિત પરીક્ષાઓ તથા ટીમ-વર્ક, યોજના કરવાની આવડત, અને નેતૃત્વ શક્તિ ચકાસવા માટે કરાતા કઠણ પરીક્ષણ વિશે તેમણે વાતો કહી. SSB પાસ કરના ઐસે-વૈસેકા કામ નહીં, કહી તેઓ ટ્રેનમાં બેસી ગયા. તેમના ગયા બાદ વેટિંગરૂમના ખૂણામાં શાંત બેઠેલ એક પંજાબી યુવાને મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, “સુનો યાર, નાહિંમત કરાને વાલે લોગોંકી ઈસ દુનિયામેં કમી નહિં. તુમ સિર્ફ પોઝિટિવ ઍટિટ્યુડ રખના. જો ભી સવાલ પૂછા જાય, ચાહે સાઇકોલોજીકલ ટેસ્ટકી લેખિત ઈમ્તેહાન હો યા પર્સનલ ઇન્ટરવ્યૂ, હિંમતસે પોઝિટિવ જવાબ દેના. ફૈાજ કો હિંમતસે લીડ કરનેવાલે અફસર ચાહિયે. લીડરશિપ, પ્લાનિંગકી કોઈ ભી ટેસ્ટ હો, હંમેશાં આગે રહેના. યે બાત યાદ રખોગે તો તુમ્હેં સિલેક્ટ હોનેસે કોઈ નહીં રોક સકતા!”

વાત મારા મગજમાં મોતીની જેમ પરોવાઈ ગઈ. ‘મોતીએટલા માટે કે તે કેવળ SSB પૂરતી નહીં, પણ આખી કારકિર્દીમાં અમૂલ્ય મણિની જેમ પ્રકાશ ફેલાવતી રહી.

વાત ચાલતી હતી ત્યાં સિલેક્શન બોર્ડનો ટ્રક લઈને એક અમલદાર આવ્યા. સ્ટેશનના વેઇટિંગ રૂમમાં રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં હું એકલો ગુજરાતી યુવાન હતો. બધા ઉમેદવારોને તેઓ જબલપુર કૅન્ટોનમેન્ટ લઈ ગયા અને અમને એક બૅરેકમાં ઉતારો આપ્યો. બીજા દિવસથી જે કાર્યક્રમ અંકાયા હતા તેની તેમણે પૂર્ણ રૂપરેખા આપી. ત્યાર પછીના ચાર દિવસ કેવી પરીક્ષાઓ લેવામાં આવશે તેનો મને સ્વપ્ને ખ્યાલ નહોતો. જોકે મને તેની ચિંતા નહોતી. મારા મનમાં જે વાત ચાલતી હતી તેનું વર્ણન ઉર્દૂના એક શબ્દમાં કરી શકાય: જુનૂન. ઉત્કટ ઝંખના! જબલપુરના ઈંટરવ્યૂનો પત્ર આવ્યો ત્યારથી મનમાં ઝંખના જાગી હતી કે મારા શરીરમાં અને આત્મામાં ઘૂમી રહેલ શક્તિના પ્રત્યેક બિંદુને એકાગ્ર કરી સિલેક્શન બોર્ડની દરેક પરીક્ષા, શારીરિક ક્ષમતા અને માનસિક દૃઢતાની ચકાસણીને પાર કરવી. તે વખતે મને જરા પણ ખ્યાલ નહોતો કે વાસ્તવમાં બધી પરીક્ષાઓ કેટલી  સખત હશે. એક તરફ મારા જેવા અનેક યુવાનો સીધા સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં જતા હતા, જ્યારે પંજાબ અને હરિયાણાથી આવતા  ઉમેદવારો ચંડીગઢમાં ચાલતી દિઓલ એકૅડેમી જેવી સંસ્થાઓમાં ભારે ફી આપીને  બોર્ડમાં લેવાતી પરીક્ષાઓની તાલીમ લઈને જતાMeet The Red Socks, The Corps Which Trains Soldiers and Officers of the Indian  Army Line of Control Between India and Pakistan

લશ્કરી અધિકારીઓના પુત્રો તેમના પિતાની રેજિમેન્ટમાં `ઓબ્સ્ટેકલ કોર્સ'માં નૈપુણ્ય પ્રાપ્ત કરી આવતા

 એક એવી પરીક્ષા છે જેમાં પાંચ મિનિટમાં દસ અંતરાયોમાંથી પસાર થવું જોઈએ -  જેમ કે 30 ફીટની ઊંચાઇ સુધી બાંધેલા લાંબા દોરડાને પકડી જે ડાળીએ કે બીમ પર તે બાંધેલું હોય તેને અડી નીચે ઉતરવાનું. 8 ફીટ લાંબો અને પહોળો, પાણી-પથ્થરથી ભરેલ ખાડો કૂદી જવાનું, વીસ-પચીસ ફીટના અંતરે આવેલા બે ઊંચાં વૃક્ષો પર ત્રીસેક ફીટ ઊંચે બાંધેલા લાંબા બે દોરડાના પુલને પાર કરવાનું, 15 ફીટ ઊંચાઈ પરથી જમીન પર ભૂસકો મારવો, આવી કૂલ દસ પરીક્ષાઓ હોય છે. થોડી શરતચૂક થાય તો હાથ કે પગ તૂટ્યા વગર રહે! ૩૦ ફીટના આ દોરડા પરથી નીચે ઉતરવામાં મેં ઉતાવળ કરી અને સરકીને નીચે આવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારા હાથ છોલાઈ ગયા! આ કામ કરવાની પણ 'ટેક્નિક' હોય છે તે મિલિટરી ટ્રેનિંગમાં ગયો ત્યારે શીખ્યો.

 અમદાવાદમાં સ્વ. વસંતરાવ હેગિષ્ટેએ શરૂ કરેલ વ્યાયામશાળામાં કરેલ કસરત અને રમતગમતમાં વર્ષો સુધી ભાગ લીધો હતો તેનો મને  ઘણો ફાયદો થયો, પણ SSBમાં જે પરીક્ષાઓ હતી તેમાંની એક પણ જાતની કસરત અમારા નાનકડાઅખાડામાં નહોતી

અન્ય પરીક્ષાઓમાં બૌદ્ધિક અને માનસિક ક્ષમતા તથા નેતૃત્વ અને યોજના (leadership and planning) જેવા વિષયો હતા. સૌથી છેલ્લે હતી સખત દાક્તરી તપાસ. શરીરના અગત્યના અવયવો (આંખમાં colour blindness તો નથી ને? નંબર હોય તો નિયત પાવર સુધીનો જ હોવો જોઇએ વિ.), બરાબર કામ કરે છે કે નહીં તે જોવા ઉપરાંત પગની હાલત પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો. અગાઉ જણાવ્યા પ્રમાણે Flat Foot કે knock-kneeની ચકાસણી ઘણી સખ્તાઈથી કરવામાં આવે છે. આનું કારણ બાદમાં સમજાયું. સૈનિકોને રણક્ષેત્રમાં જવા માટે ઘણી વાર પોતપોતાનાં અંગત હથિયાર અને દારૂગોળા ઉપરાંત વીસ કિલોગ્રામથી પણ વધુ વજન ઉંચકીને પચાસથી સો માઈલ પગપાળા જવું પડે છે. જે વ્યક્તિના પગમાં ક્ષતિ હોય તે આટલું અંતર ચાલી શકે નહીં.  

માનસિક ક્ષમતા અને analytical skills ચકાસવા માટે નિષ્ણાત માનસશાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરાયેલ લગભગ સોએક સવાલોની બે પ્રશ્નાવલીઓ હતી. કેટલાક પ્રશ્નો એવી ખૂબીથી બદલાવીને ફરી ફરી પૂછાતા હોય છે જેના જવાબ પરથી આકલન કરી શકાય કે પરીક્ષાર્થીના વ્યક્તિત્વમાં એકસૂત્રતા (consistency) છે કે નહીં. કેટલાક સવાલ ઉમેદવારની માનસિકતા જાણવા ગર્ભિત અને સૂચક પ્રશ્નો હોય છે, જેનું મર્મ ત્યારે સમજાયું. બાદમાં જાણવા મળ્યું કે ઉમેદવાર નિરાશાવાદી છે કે કેમ અને હોય તો કેટલી માત્રામાં. વિદેશમાં જનરલની કક્ષાના એક ઉચ્ચ અફસરના પુત્રને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યો હતો; પણ જનરલની પોતાની વીરતાની ખ્યાતિ એટલી પ્રસિદ્ધ હતી અને તે અંગેના શૌર્ય પદક પણ તેમણે જીત્યા હતા, કે માનસશાસ્ત્રીની યુવાનની pessimistic માનસિકતાને કારણે તેને અફસર થવા માટે અયોગ્ય ઉમેદવાર ઠેરવવામાં આવે, તેવા નિર્ણયની ઉપરવટ જઇ તેને પસંદ કરવામાં આવ્યો. અફસર થયા બાદ તે પ્રેમમાં નિષ્ફળ ગયો અને તેની પ્રિયતમા બીજા કોઇને પરણી હતી. નાસીપાસ થયેલા યુવાને આત્મહત્યા કરી લીધી હતી. એક પ્રસંગ બાદ psychological testમાં આવેલ પરિણામ પર ચિવટતાથી ધ્યાન આપવામાં આવ્યું

નેતૃત્વ, પરિયોજના અને ટીમવર્કની પરીક્ષા જુદા પ્રકારની હતી. દરેક યુવાનને વારા પ્રમાણે ટીમનો નેતા બનાવી તેને એક વિકટ લાગતી યોજના સોંપવામાં આવી અને ઉમેદવારોમાંથી સાતે જણાને પોતાની ટીમના સદસ્ય બનાવવા માટે ચૂંટવાની જવાબદારી પણ તેને સોંપવામાં આવી. તેમાં ત્રણ જાતનાં પરીક્ષણ કરવામાં આવે. () ટીમનો નેતા સમસ્યા હલ કરવા માટે તર્કપૂર્ણ વિશ્લેષણ અને યોજના કરી શકે છે કે કેમ; (તે તેની ટુકડીનું નેતૃત્વ દૃઢતાપૂર્વક કરે છે કે કેમ, અને () તેની ટીમમાં કામ કરનારા ક્યા ક્યા સભ્યોમાં કામ પૂરૂં કરવાની ધગશ છેઅને ટીમના નેતાના હુકમનું પાલન પૂર્ણ નિષ્ઠાથી કરે છે કે નહીં. વળી પણ જોવામાં આવે છે કે કયા ઉમેદવારને વધુમાં વધુ ટીમોમાં પસંદ કરવામાં આવ્યો છે.

મારા જૂથના ચાલીસ ઉમેદવારોમાંથી કેવળ બે યુવાનો સિલેક્ટ થયા. તેમાંનું એક નામ મારૂં હતું.

2 comments:

  1. 'મારા જૂથના ચાલીસ ઉમેદવારોમાંથી કેવળ બે યુવાનો સિલેક્ટ થયા. તેમાંનું એક નામ મારૂં હતું.' ફરી ધન્યવાદ
    આવી ટ્રેનીંગ દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત કરાય અથવા આવી ટ્રેનીંગવાળાને ભણતર દરમિયાન થતા ખર્ચામા રાહત અને નોકરી મેળવવામા સરળતા થાય તે જરુરી લાગે છે
    અહીં અમેરીકામા અમારા ઘણા સ્નેહીઓના દીકરા-દીકરી મીલીટરીમા જોડાઇ અભ્યાસ કરે છે તેમા અમારી પૌત્રી આશ્કા પણ છે.

    ReplyDelete