Pages

Friday, April 23, 2021

૧૯૬૨ : બીજું પગલું

 અત્યાર સુધી ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે કંઇ મહત્વનું કામ કરવાનું હોય તો સૌ પ્રથમ અમે બાની રજા લેતા. ગુજરાતીમાં માતાને બા કે મા કહીને બોલાવાય, તેમ મરાઠીમાં બા માટે શબ્દ છેઆઈ’. અમુક પરિવારોમાં જ્યાં ઔપચારિકતા વધુ પાળવામાં આવતી હોય ત્યાંઆઇ સાહેબઅથવાબાઈ સાહેબકે સરળ એવોબાઇશબ્દ વપરાતો. મારા મોટા ભાઈ-બહેનો તેમનેબાઈકહેતા, તેથી અમે પણ બાને બાઈ કહીને બોલાવતાં.  

વખતે પહેલી વાર મેં બાઇને મિલિટરીમાં જોડાવા અંગેના મારા વિચારની વાત કરી નહોતી. વિષય એટલો સંવેદનશીલ હતો કે તેની પ્રસ્તાવના બાઈ પાસે કેવી રીતે કરવી તેની મને મુંઝવણ હતી. આપણા સમાજમાં મિલિટરીમાં જોડાવું એટલે હાથમાં માથું મૂકીને જવું એવી માન્યતા હતી. આપણા લોકસાહિત્યમાં આવી વાતો સઘળે લખાઇ છે. લોકશાયર ઝવેરચંદ મેઘાણીનીરસધારવિ. જેવી શ્રેણીઓમાં આવો ઉલ્લેખ ઠેર ઠેર જોવા મળૈ છે.

બાઇ અનન્ય વિભૂતિ સમાન હતા. વિશ્વની દરેક માતા જેવાં. મારા પર તેમનો પોતાના પ્રાણથી પણ વધુ સ્નેહ હતો. મને સામાન્ય માંદગી આવે કે સાધારણ તકલીફ થાય તો બાઇ મને સારૂં થાય તે માટે સતત જાપ કરતાં. કેટલીયે વાર તેમણે મારા આરોગ્ય માટે શ્રી રંગ અવધૂતનીદત્ત બાવનીએક દિવસમાં બાવન વાર નકોરડા ઉપવાસ સાથે જપી હતી. મિલિટરીમાં જવાનો મારો વિચાર તેમને કેવી રીતે કહેવો તેની મને ચિંતા હતી.

બાઇને તેમનાં અંગત સ્વાસ્થ્ય અંગે પણ અનેક તકલીફનો સામનો કરવો પડતો હતો. એક તો તેમને સાવ ઓછું દેખાતું. તેમનો ચશ્માનો નંબર માઈનસ ૧૪ જેટલો ભારે હતો. જાણે ઓછું હોય, તેમ સાંભળવાની પણ તેમને જબરી તકલીફ હતી. તેમને સાવ ઓછું સંભળાતું. બુદ્ધિમાન હતાં તેથી lip reading અને અનુમાનથી બધું સમજી શકતાં. હું સવારે કામ પર  વહેલો જતો અને આખો દિવસ બહાર રહેવું પડતું તેથી મારી સાથે તેમને વાત કરવાનો સમય રહેતો નહોતો. આથી રોજ સાંજે કામ પરથી આવ્યા બાદ હું તેમની પાસે અર્ધો - પોણો કલાક તેમના કાનની નજીક બેસી તેમને સંભળાય તે રીતે દિવસ દરમિયાન કોઈ રસપ્રદ અનુભવ આવ્યો હોય કે દિવસ કેવો ગયો તેનું વર્ણન કરતો. આવા એક દિવસે મેં બાને કહ્યું, ”બા, તમે તો જાણો છો કે ચીને ભારત પર હુમલો કર્યા બાદ દેશને મિલિટરી માટે સૈનિકો અને અફસરોની ખાસ જરૂર છે. મને મિલિટરીમાં ઓફિસરની જગ્યા મળે તેમ છે. તે માટેનો મોટો ઇંટરવ્યૂ આવવાનો છે. તમે રજા આપો તો જઉં.”

બાઇ પ્રાથમિક શાળાના કેવળ ચોથા ધોરણ સુધી ભણ્યાં હતાં, પણ લાઇબ્રેરીમાંથી હું લાવતો તે પુસ્તકો તથા અખબાર વાંચીને તેમનું જ્ઞાન અને રાજકારણ વિશેની જાગરૂકતા વિશેષ કક્ષાની હતી. ચીન સાથેના યુદ્ધની બાબતમાં તેઓ મારી સાથે ઘણી વાર વાત કરતાં. સમાચાર હજી પણ તાજા હતા, તેથી મારી વાત સાંભળી તેઓ એક ક્ષણ શાંત રહ્યાં. તેમની આંખ ભીંજાઈ આવી. મારા ખભા પર હાથ મૂકી તેમણે ગદ્ગદ્ સ્વરે કહ્યું, “ભાઈ, તારા વિચાર સાથે હું સંમત છું. સેનામાં જોડાવાની તારા અંતરની ઇચ્છા હોય તો હું આડે નહીં આવું. મારો તો તું આધાર છે, તેમ છતાં દેશની સેવા કરવા માટે તું મોરચા પર જઈશ તો વીરપુત્રની માતા તરીકે મને ગૈારવની લાગણી થશે. તું ખુશીથી જા.”

મારા માટે ખરેખર પ્રેરણાદાયી શબ્દો હતા. જેના મસ્તક પર માના આશીર્વાદ હોય તેને બીજી કોઈ વાતની ચિંતા કરવાની જરૂર હોય ખરી?

હું હવેમોટાઇન્ટરવ્યૂના પત્રની રાહ જોવા લાગ્યો.

પ્રાથમિક ઇન્ટરવ્યૂ પછીના ત્રણ મહિના મારા માટે ખરી કસોટી સમાન નીવડ્યા. સમય દરમિયાન શહેરમાં ફેલાયેલી કેટલીક અફવાઓના આધારે ટલાક મિત્રોએ સાંભળેલી અફવાઓના આધારકેટલાક મિત્રોએ  મને મિલિટરીમાં જવા વિશે સલાહ આપી. રિલીફ રોડ પર આવેલ એક સિનેમા થિયેટરના મૅનેજરને ઇમર્જન્સી કમિશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. તેઓ દહેરાદૂન ટ્રેનિંગ માટે ગયા હતા, પણ તેઓ સખત ટ્રેનિંગ જીરવી શક્યા નહીં. એક અઠવાડિયામાં તેઓ ઘેર પાછા આવી ગયા હતા. આવા સમાચાર મેં ગુજરાતમાંથી અફસરની ભરતી માટે ગયેલા અન્ય યુવાનો વિશે સાંભળ્યા. ઓફિસના કેટલાક લોકો તો એવું કહેવા લાગ્યા, ‘ભાઈ, આપણા લોકોનું કામ નહીં. મોટા ઉપાડે ઓફિસર બનવા જાવ તો છો, પણ પેલા સિનેમા મૅનેજરની જેમ અડધેથી પાછા આવશો તો કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહો! આવી વાતો ચાલતી હતી તેવામાં આર્મી હેડક્વાર્ટર્સનો પત્ર આવ્યો. 

મને જબલપુરના સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં અંતિમ સિલેક્શન માટે બોલાવવામાં આવ્યો હતો. પત્રની સાથે ઉપલા વર્ગનો રેલવે પાસ હતો.

અર્ધો જંગ જીત્યા જેવો અનુભવ થયો!

ઘર અને નોકરીમાં આરામદાયક સ્થિતિ હોય તો તે છોડીને અજાણ્યા ક્ષેત્રમાં ઝંપલાવવા માટે બહુ ઓછા લોકો તૈયાર થતા હોય છે. જે તૈયાર થાય છે, તેમને હતોત્સાહ કરી તેમના માર્ગમાં અડચણો ઊભી કરનારા લોકોની સમાજમાં કમી હોતી નથી. અણ્ણાસાહેબ જેવા નિ:સ્વાર્થ સજ્જન વિરલા હોય છે. તેમણે ફરી એક વાર મને હિંમતપૂર્વક આગળ વધવા પ્રેરણા આપી. બાઇના આશીર્વાદ મારી સાથે હતા. હવે મારો નિશ્ચય અડગ થયો. જબલપુર જવાનો હુકમ મળવાથી મારો ઉત્સાહ વધી ગયો.

3 comments:

  1. મા ના પ્રેમની વાતો ફરી ફરી માણી આનંદ

    ReplyDelete
  2. “ભાઈ, તારા વિચાર સાથે હું સંમત છું. સેનામાં જોડાવાની તારાશહેરમાં ફેલાયેલી અંતરની ઇચ્છા હોય તો હું આડે નહીં આવું. મારો તો તું આધાર છે, તેમ છતાં દેશની સેવા કરવા માટે તું મોરચા પર જઈશ તો વીરપુત્રની માતા તરીકે મને ગૈારવની જ લાગણી થશે. તું ખુશીથી જા.”

    બાઈને અંતરથી પ્રણામ

    ReplyDelete
  3. શૈલા મુન્શા.April 24, 2021 at 10:06 AM

    માતાના આશીર્વાદ તમારા શિરે હમેશ રહ્યા. દેશ સેવા કરવાની તમારી લાગણીને માતાએ વીરપુત્રની માતા કહેવડાવવાના ગૌરવ તરીકે ગણાવી તમારૂં આત્મબળ વધાર્યું, બાકી સૈનિક તરીકે મોરચે જતાં રોકવા મિત્રોની કમી નથી હોતી.

    ReplyDelete