Pages

Thursday, April 22, 2021

૧૯૬૨નું યુદ્ધ (૨) : પહેલું પગલું.

     ચીન સાથેના યુદ્ધનો આઘાત દેશે મહા મુશ્કેલીથી સહ્યો. તેની કળ વળતાં ઘણો સમય નીકળી ગયો. અમારી દૃષ્ટિએ દેશ માટે આ સમય કપરો હતો. અમે મિલિટરીમાં જોડાવાનું નક્કી કર્યું. મારી અંગત વાત કરૂં તો જીવનના આજ સુધીના પ્રવાસનું વિહંગાવલોકન કરવાનો આ સમય હતો.
    જુના જમાનામાં આપણે ત્યાં સર્વ સામાન્ય માન્યતાઓની પાછળ તથ્ય શું છે તે જાણવાની ઉત્સુકતા ઓછી  હતી. અમારા જેવા સામાન્ય માણસોએઆગે સે ચલી રહી હૈના ન્યાયે જે કહેવા કે સાંભળવામાં આવતું, તેથી આગળ વધીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નહીં. આવું કંઈક મિલિટરીની બાબતમાં હતું.     તે સમયે મિલિટરી એટલે વિશ્વયુદ્ધ માટે તૈયાર કરાયેલી સેના, અથવા દેશમાં ચાલતા તોફાન ડામવા માટે માર્શલ લૉલાગુ કરવા માટેનો ઉપાય. અમારી છેલ્લા વીસ વર્ષના અનુભવની વાત હતી. અમદાવાદમાં જ્યારે પણ કોમી હુલ્લડ થતા અને મિલિટરીને બોલાવવામાં આવતી ત્યારે શહેરના કોટ વિસ્તારમાં આવેલા સૌથી વધુ ખૂનખાર ગણાતા વિસ્તારમાં પણ ચકલુંયે બહાર ફરકી શકતું નહિ.  મિલિટરી એટલે ઘેરા લીલા રંગના યુનિફૉર્મ, માથા પર લોખંડના ટોપ, શરીરની આગળ પાછળ ફિટ કરેલીકિટ બૅગ’ ( તે સમયેકિટ બૅગઅને કમરપટા પર ફિટ કરેલા ‘pouches’ અને પીઠ પરના haversack વચ્ચેનો ફરક અમે જાણતા નહોતા) લગાડી, હાથમાં રાઈફલ, કમર પર બૅયોનેટ લગાડીનેજુઓ ત્યાં ઠાર કરોએવા ખુંખાર જવાનો - એવી સેનાની ધાક હતી. 

સાચું કહીએ તો અમારા મંડળમાંથી કોઈએ એન.સી.સી.ની ટ્રેનિંગ નહોતી મેળવી તેથી મિલિટરીમાં શું કરવાનું હોય છે તે વિષયમાં અમારા અજ્ઞાનનો ભંડાર વિશાળ હતો. અમે પણ નહોતા જાણતા કે મિલિટરીમાં ઇન્ફન્ટ્રી (પાયદળ), આર્ટિલરી (તોપખાનું), આર્મર્ડ કોર (ટૅંક), રેજિમેન્ટ ઑફ સિગ્નલ્સ, એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર જેવા જુદા જુદા વિભાગ હોય છે, અને દરેકનું કાર્યક્ષેત્ર, જવાબદારી અને પ્રશિક્ષણ જુદા જુદા હોય છે.  સોલ્જરએટલે યુનિફૉર્મ પહેરી, હાથમાં રાઇફલ લઇ રણક્ષેત્રમાં જઇ દુશ્મનનો પ્રતિકાર કરનાર સૈનિક. તેમાં પણ હાથોહાથની લડાઇ કરીને વીરગતિ પ્રાપ્ત થતી હોય તો તેના જેવું મરણ કાશીનું પણ નહિ, એવો અમારો ખ્યાલ હતો. 

મિલિટરીના કૅમ્પમાં સિવિલિયનોને પેસવા નથી દેતા, અને કોઇ જાય તો તેની ખેર નથી રહેતી, આવા સેના વિશેના ખ્યાલ હોવાથી કોઇની કૅમ્પમાં જવા માટે હિંમત ચાલતી નહોતી. તેથી સૈન્યમાં ભરતી થવા અંગેની માહિતી મેળવવાનું મેં સ્વીકાર્યું. સદભાગ્યે તે સમયે મારાં મોટાં બહેન ભાનુબહેનનાં પતિ મધુકર કોરડેજેમને અમે માનથી અણ્ણાસાહેબ કહેતાં, અમદાવાદમાં મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસીઝમાં કાર્યરત હતા. એક દિવસ કૅમ્પમાં જઇ હું તેમને મળ્યો અને સેનામાં સિપાહીની ભરતી કેવી રીતે થાય છે તે પૂછ્યું. જ્યારે તેમને ખબર પડી કે મારા મિત્રોને અને મને સેનામાં સોલ્જરતરીકે જોડાવું છે, ત્યારે તેમણે કહ્યું, “અરે, તમે બધા ગ્રૅજ્યુએટ છો તો ઑફિસરના પદ માટે શા માટે અરજી નથી કરતા? ટ્રેનિંગ તો સિપાહી અને અફસર બન્ને માટે સખત હોય છે. એક સરખી મહેનત કરવાથી તમે અફસર બની શકશો. ચીન સામેના યુદ્ધ બાદ સરકારે સૈન્યમાં વધારો કરવાની શરૂઆત કરી છે. તેમાં અફસરોની ખાસ જરૂર છે. તે માટે તેમણે એમર્જન્સી કમીશન્ડ આફિસર્સની ભરતી શરૂ કરી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રકારની ભરતી પહેલી વાર થાય છે તો તમે તક ચૂકશો મા. માટેનું ફૉર્મ ભરો. સરકારે વય મયર્યાદા પણ ૩૦ વર્ષની કરી છે તેનો લાભ તમારે જરૂર લેવો જોઇએ. એટલું જરૂર કહીશ કે મિલિટરીમાં અફસરોનું સિલેક્શન ઘણું કડક અને અઘરું હોય છે, પણ તમને વાંધો નહિ આવે.

અણ્ણાસાહેબની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. થોડા સમય પહેલાં અમારા મકાનની સામે એક મેજર સાહેબ રહેવા આવ્યા હતા. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, કડક ઇસ્ત્રીનો યુનિફૉર્મ, ચળકતા પૉલિશ કરેલા બૂટ, યુનિફૉર્મના શર્ટના ડાબા ખિસ્સાની ઉપર રંગબેરંગી મેડલ - રિબન અને તેમનો દબદબો જોઇ અમારો આખો લત્તો અંજાઇ જતો. જાણે ઓછું હોય, સવારે તેમને લેવા જીપ આવતી, અને જેવા મેજર સાહેબ ઘરની બહાર નીકળતા, જીપનો ડ્રાઈવર અને તેમને લેવા આવેલ સિપાહી એક લયમાં પગ પટકી શિસ્તબદ્ધ સલામ કરતા તે જોઇ અમને થતું, મિલિટરીના અફસર કોઇ જુદી દુનિયાના માનવી હોય છે. મેજર સાહેબ જેવા પ્રભાવશાળી અને ભવ્ય વ્યક્તિત્વ વગર આપણને કોઇ અફસર તરીકે સિલેક્ટ કરશે? એટલું નહીં, સિલેક્શનનો વિધિ શું હોય છે તે વિશે પણ અમે સાવ અનભિજ્ઞ હતા. જો કે જનક રાવળ, વિરેન્દ્ર અને સિડની કસાયેલા શરીરના, જ્યારે હું એકવડિયા શરીરનો.  તેથી ઉંચાઇ, વજન અંગેની મિલિટરીની જરુરિયાતમાં ફિટથઇશું કે નહિ એવી દ્વિધામાં હું પડી ગયો હતો.

    મારી પોતાની વાત કરૂં તો મને એક વધારાની ચિંતા હતી. મારાથી નાની ત્રણ બહેનોમાંની બે બહેનોનાં લગ્ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો મારો વિચાર નહોતો. મારી ઉમર અઠ્યાવીસ વર્ષનો થઇ હતી, પણ કારણવશાત્ મેં લગ્ન કર્યાં નહોતા. એક તરફ મારી ઉમર વધતી જતી હતી. એક રાષ્ટ્રીયકૃત નિગમમાં હું આસિસ્ટન્ટના પદ પર હું pen-pushing કરતો હતો જેમાં હું સંતુષ્ટ નહોતો. મારે ગાડરિયા પ્રવાહમાંથી બહાર નીકળવું હતું. મહત્વપૂર્ણ જવાબદારીના કોઇ પણ ક્ષેત્રમાં મને પ્રવેશ મળે તો મારા પોતાના અને મારી આસપાસના લોકોના જીવનમાં થોડી ઉન્નતિ લાવી શકીશ એવો ગુરૂજનોના આશીર્વાદથી આત્મવિશ્વાસ કેળવ્યો હતો.

મારી અંગત રુચિ અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે હતી. અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી અંગ્રેજી સાહિત્યના વિદ્વાન હતા. મેં સાંભળ્યું હતું કે હૅમ્લેટના સ્વગત passages અને મરચન્ટ ઑફ વેનિસની પોર્શિયાના કોર્ટમાં રજુ થયેલા સંવાદ બાપુજીને વૃદ્ધાવસ્થામાં પણ યાદ હતા અને છટાદાર રીતે તે બોલી સંભળાવતા. મારા ત્રણે મોટા ભાઈ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી. આથી આ પારિવારિક વારસો મને પણ મળ્યો હતો. શક્ય હોત તો મારે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.. કરવો હતો. જીવનમાં કરેલી અનેક ભૂલોમાંની એક તે આર્ટ્સને બદલે મેં કૉમર્સ પસંદ કર્યું હતું!  

ગુજરાતીમાં લખવા પ્રેરણા આપી હોય તો મોટાભાઈ રવીંદ્રએ. તેમણે માતૃભાષામાં લખવા પ્રેર્યો, કેમ કે તેમાં ભાવનાની અભિવ્યક્તિ સરળ હોય છે. તે પ્રમાણે મેં કેટલાક લેખ લખ્યા અનેનવચેતનના માલિક/સંપાદક સ્વ. ચાંપશીકાકા ઉદ્દેશીને મોકલ્યા. તેમને મારૂં લેખન ગમ્યું હતું અને તેમણે તે પ્રસિદ્ધ કર્યાં હતા,  ત્યાર પછી અમારા યુનિયનના મુખપત્રમાં કેટલાક અંગ્રેજી લેખ પણ પ્રકાશિત થયા હતા. સંજોગોને કારણે લેખન પ્રવૃત્તિ આગળ વધારી શક્યો નહીં. 

જીવનમાં નોંધપાત્ર કામ કરી છૂટવા માટે બીજા પર્યાય હોય છે એવી મને શ્રદ્ધા હતી, અને પ્રયત્ન ચાલુ હતા, તેવામાં ત્રીસીને આરે આવીને મારા જીવનનું વિહંગાવલોકન કર્યું તો મને સ્પષ્ટ જણાયું કે મારી કારકિર્દીને કોઇ દિશા નહોતી. મારા મનની ભાવનાત્મક સ્થિતિ અત્યંત દ્વિધા ઉપજાવનારી હતી. દેશ પ્રેમ, રાજકીય વિચારો અને આદર્શ મને મિલિટરીમાં ભરતી થવા માટે પ્રવૃત્ત કરતા હતા. અણ્ણાસાહેબે સહજતાથી કહ્યું કે હું અફસર બની શકીશ, તેથી મારા મનમાં આશા જાગી. ભાગ્ય સાથ આપે અને હું સેનામાં અફસર તરીકે સિલેક્ટ થઉં તો મારી મહેચ્છા તથા આદર્શ એક સાથે ફળીભૂત થઇ શકે તેવું હતું.

અણ્ણાસહેબે બીજા વિશ્વ યુદ્ધમાં ઈરાકના યુદ્ધક્ષેત્રમાં સેવા બજાવી હતી. તેમના અનુભવનો લાભ લેવા ફરી એક વાર તેમને મળવા કૅમ્પમાં ગયો. તે દિવસે તેમના મિત્ર સુબેદાર કુંજન તેમને મળવા આવ્યા હતા. બન્નેએ મને ઘણી હિંમત આપી ને કહ્યું, નરેન, અત્યારે સેનામાં અફસરોની ભારે કમી છે. અફસરોના સીલેક્શન માટે શારીરિક સ્વસ્થતા અને પરિશ્રમ કરવાની ક્ષમતાની સાથે જે ચીજ પર ભાર આપવામાં આવે છે તે ‘Officer-like Quality’- OLQ- હોય છે. OLQમાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, તેનું શિક્ષણ, સંસ્કાર, તેના પરિવારની સૈનિક પરંપરા, વર્તન, પ્રામાણિકતા અને વફાદારીની ભાવનાની સાથે સાથે નેતૃત્વશક્તિનો સમાવેશ થાય છે. તમારી પાસે OLQ છે કે નહિ તે ઇન્ટરવ્યૂ અને સર્વિસીઝ સીલેક્શન બોર્ડની બધી પરીક્ષાઓમાં વરતાઇ આવશે. અમે તો ખાતરીપૂર્વક કહીશું કે તને બાબતમાં વાંધો નહિ આવે. બાકી શારીરિક ફિટનેસમાટે અત્યારથી વહેલી સવારે દોડવાનું અને કસરત કરવાનું શરુ કરો.

મેં વાત મારા મિત્રોને કરી. અમે સૌએ ફૉર્મ ભર્યા અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યા.






4 comments:

  1. 'સદભાગ્યે તે સમયે મારાં મોટાં બહેન ભાનુબહેનનાં પતિ મધુકર કોરડે – જેમને અમે માનથી અણ્ણાસાહેબ કહેતાં,'આપના વડીલ અને તેઓની સલાહ જાણી આનંદ અને આપના કુટુંબની પરીસ્થિતિ અને અંગ્રેજીમા લખી શકો છતા ગુજરાતી લખ્યું તે અમારા જેવા માટે વધુ સારુ રહ્યું અને'અફસરોના સીલેક્શન માટે શારીરિક સ્વસ્થતા અને પરિશ્રમ કરવાની ક્ષમતાની ખબર હતી પણ વધુ મજા - OLQ- વિષે જાણવાની વધુ મજા આવી
    ધન્યવાદ

    ReplyDelete
  2. કેપ્ટન, આપના શબ્દો ની સરળતા તથા કલમ ની શક્તિ થી હૃદય ના ધબકારા અનુભવી શકાય છે..અદ્ભૂત
    SP

    ReplyDelete
  3. જિપ્સી, કેપ્ટન નરેન્દ્ર, નરેન મામા,
    આપના યુદ્ધ ભૂમિના અને આગળ જતાં બી.એસ.એફ ખાતે દેશસેવા ના અનુભવો વાંચતા મને અનુભૂતિ વિશેષ પ્રકારની થઈ અને તેનું કારણ પણ સાહજિક છે. આપે જે અન્નાસાહેબ વિશે લખ્યું તે મારા માટે ખાસ નોંધ પાત્ર એટલે છે, કારણ અન્નાસાહેબ જમણે બીજા વિશ્વયુદ્ધમાં તે સમયની બ્રિટિશ સરકાર તરફથી ભાગ લીધો હતો નો ઉલ્લેખ શરૂઆતમાં જ કરવાનું આપ ચૂક્યા નથી. હા, અન્નાસાહેબ જે મારા પિતા થાય તેથી વિશેષ અનુભૂતિ થાય જ.
    જીપ્સીએ તેમના યોદ્ધા તરીકે ના જીવન ના અનુભવ માં અનેક અનેક પાત્રો નો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નથી અને મારા પિતાશ્રીનું નામ વાંચતા જ મારા પિતાશ્રીએ તેમના બીજા વિશ્વયુદ્ધના અનુભવોનું વર્ણન કર્યું તે ચિત્રો મારી સામે ફરીથી યાદગીરી રૂપે ઉભરી આવ્યા. આ જાણે મારા પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપી કહેવાય.
    આભાર જિપ્સી.
    વાચક રસિકો કે જેમણે જિપ્સીની ડાયરી પુસ્તક વાંચ્યું નથી તેમને આગળ જતાં જિપ્સી ના આગળ જતાં ખૂબ જ માણવા મળશે તેની ખાતરી આપું છું.
    નિરંજન કોરડે.

    ReplyDelete