Pages

Sunday, April 25, 2021

જુલાઇ ૧૯૬૩: જેન્ટલમન કૅડેટ ‘ઇલેવન સેવન્ટી-ફાઇવ’.

    ચારેક મહિના બાદ દિલ્હીના આર્મી હેડક્વાર્ટર્સમાંથી મને પત્ર આવ્યો. 7મી જુલાઈ, 1963ના રોજ મારે પૂના ખાતે આવેલ ઓફિસર્સ ટ્રેનિંગ સેન્ટરમાં હાજર થવાનું હતું. પત્રની સાથે રેલવેનો પાસ અને સાથે લઈ જવાની વસ્તુઓની યાદી હતી. તેમાં એક સૂટ, બ્લેઝર, ગ્રે ફ્લૅનલની `સ્લૅક' તથા રોજિંદા વપરાશનાં કપડાં વગેરે લઈ જવાનાં હતાં.

ટ્રેનિંગ માટે જવાનો સમય આવ્યો તે વખતે મારા ડિવિઝનલ મૅનેજર શ્રી એમ.કે.ડી. પટેલ હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એક્ચ્યુઅરીલ સાયન્સ સાથે માસ્ટર્સની ડિગ્રી લીધેલા શ્રી પટેલ જેટલા બુદ્ધિમાન અને સુસંસ્કૃત હતા, એટલા રાષ્ટ્રાભિમાની હતા. તેમણે મને બધી રીતે મદદ કરવાનું વચન આપ્યું અને મારા `લિયન' વગેરેની બાબતમાં અંગત રસ લઈને રજા આપી.

પાંચમી જુલાઈ, 1963ના રોજ હું પુના જવા નીકળ્યો ત્યારે સ્ટેશન પર મૂકવા બાઇ, મારી ત્રણ નાની બહેનો મીના, સુધા અને જયશ્રી (ડૉલી) તથા મારા ખાસ મિત્ર સદાનંદ આવ્યાં હતાં. મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો હતો. અત્યાર સુધી બાઇનાં લાડ અને પ્રેમથી ટેવાયેલ શરીરે કદી કષ્ટ ભોગવ્યાં નહોતાં. મારી નાનીમોટી બધી જરૂરિયાતો તેમણે પૂરી પાડી હતી. હાથેથી પાણી લેવાની પણ મને જરૂર નહોતી પડી. બહેનોનું ભાઈ પર અત્યંત પ્રેમ. મારી ઓફિસ ઘરથી કેવળ એક માઇલ દૂર હતી, છતાં બાઇ મને આગ્રહપૂર્વક બસમાં જવાનું કહેતા. વહાલા દીકરાને જરા જેટલી વ્યાધિ થાય તે માટે જહેમત કરતાં રહેતાં. મને સહેજ શરદી કે ઉધરસ જેવું થાય તો દવાદારૂ તો કરાવતાં , સાથે સાથે જલદી સાજો થઈ જાઉં તે માટે દિવસમાં બાવન વાર દત્તબાવનીનો પાઠ કરતાં. તે પૂરું થાય એટલે `ઘોર કષ્ટહરણસ્તોત્ર' અખંડ જપતાં રહેતાં.

બાઇને કે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે મિલિટરીની ટ્રેનિંગ કેવી હશે. સારૂં થયું કે મેં તેમને કદી તેની વાત કરી નહીં. અન્યથા - બીજું તો કાંઇ નહીં, મારા OTSના વાસ્તવ્યના સાત મહિના બાઈ કદી શાંતિથી સુઇ શક્યાં હોત.


***


મારા એક મિત્ર - કૅપ્ટન અરૂણ ભદ્રીના કહેવા પ્રમાણે જુલાઇના રોજ પુનામાં બે હોનારતો થઇ. તારીખે, ત્રણ વર્ષ પહેલાં પુનાની નજીક મુળા-મૂઠા નદી પરનો પાનશેત બંધ ભાંગી પડ્યો હતો, અને તેમાં અર્ધું પુના શહેર વહી ગયું હતું. બીજીહોનારતનરેન મિલીટરીમાં ઑફિસર થવા પુના સ્ટેશન પર પહોંચ્યો ત્યારે થઇ!


અમને મળેલા લેખિત હુકમ પ્રમાણે સૌ પ્રથમ મુવમેન્ટ કન્ટ્રોલ ઓફિસર પાસે મેં હાજરી આપી અને નામ નોંધાવ્યું. વેઇટીંગ રુમમાં મારા જેવા અનેક યુવાનો ભેગા થયા હતા. થોડા સમયમાં અમને લેવા ત્રણ-ચાર થ્રી-ટન ટ્રક આવ્યા. તેની સાથે જીપમાં ગ્રેનેડીયર રેજીમેન્ટના કૅપ્ટન ચંદર નાગરાની આવ્યા. તેમનો રુવાબદાર યુનિફૉર્મ, કૅપ પર લગાવેલ સફેદ પીંછાનું હૅકલ અને હાથમાં છડી જોઇ અમે અંજાઇ ગયા. અમે પણ તેમના જેવા અફસર બનવાના છીએ ખ્યાલથી અપૂર્વ ઉત્સાહ સાથે અમે જાણે અત્યારથી અફસર થઇ ગયા તેવા રૉફથી ટ્રકમાં ચઢ્યા અને કુલી પાસેથી ટ્રંક અને બિસ્તરો અંદર મૂકાવ્યો. અમારી ખુમારી ક્ષણભંગુર નીકળશે તેનો અમને જરા પણ ખ્યાલ નહોતો. જેવા અમારા ટ્રક્સ OTS (ઑફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ)માં પહોંચ્યા, અમારુંસ્વાગતકરવા સાવ ઝીણા કાપેલા વાળ, સ્માર્ટનેસ અને સખ્તાઇથી સભર ચહેરા અને સફેદ શર્ટ, ભૂરી ફ્લૅનલની પૅન્ટ, ગળામાં સ્કાર્ફ અને ઘેરા નીલા રંગના બ્લેઝરમાં સજ્જ એવા અમારી પહેલાંની બૅચના પાંચ કે જેન્ટલમેન કૅડેટ્સ હાજર હતા. તેમનાથી થોડે દૂર બે મેજર અને ચાર કૅપ્ટન ઉભા હતા.


અમે ટ્રકમાંથી નીચે ઉતર્યા અને અમારો ટ્રકમાંથી સામાન ઉતારવા કુલી કે પોર્ટરની રાહ જોવા લાગ્યા. તેવામાં વિજળીના કડાકા જેવી ગર્જના સાંભળી.


યૂ બ્લડી ફૂલ્સ...તમારો સામાન ઉતારવા કોણ તમારા પૂર્વજ આવવાના છે? ઉતારો સામાન! અને યાદ રાખજો, અહીં ચાલવાની મનાઇ છે. બધું કામ દોડીને કરવાનું છે,” બુલ ડૉગ જેવા લાગતા જેન્ટલમેન કૅડેટ તાડુક્યા. અમે ધડાધડ સામાન ઉતાર્યો અને આગલા હુકમની રાહ જોવા લાગ્યા. અમને એક લાઇનમાં ઉભા રહેવાનું કહેવામાં આવ્યું, અને નંબર વાર અમારી જુદી જુદી કંપનીઓમાં વહેંચણી કરવામાં આવી. મારો નંબરએટલે 'આલ્ફા' કંપની અને તેની 'સી' પ્લૅટૂનમાં મૂકવામાં આવ્યો. ત્યાર બાદ અમને ચેસ્ટ નંબર અપાયા. મારો નંબરઆલ્ફા-૧૧૭૫હતો. હવે પછી અમારાં નામમાં ધરમૂળથી ફેરફાર થયો. મારૂં સામાન્ય નામ થયું જી.સી. - એટલે જેન્ટલમન કૅડેટ, અને વિશેષ નામ નરેન્દ્ર મટીને થયુંઇલેવન સેવન્ટી-ફાઇવ” - ટૂંકમાં નરેનને બદલે 'સેવન્ટી-ફાઇવ'. અમને ટ્રેનિંગ આપનારા હવાલદાર, નાયબ સુબેદાર અને સુબેદાર અમને જીસી - અને માન આપવાનો ભાગ્યે જ વિચાર આવે તોસરકહીને બોલાવે, પણ વર્તન અત્યંત કડક. હવાલદારોને અમારેઉસ્તાદકહીને સંબોધવાના. નાયબ સુબેદાર, સુબેદાર અને સુબેદાર મેજરનેસાકહી બોલાવવાના.


બીજો હુકમ મળતાં અમે ભારે ભારે ટ્રંક અને બિસ્ત્રાઓ ઉંચકીને અમને બતાવાયેલી બૅરેકમાં લગભગ દોડતા ગયા. ત્યાં સામાન મૂકતાં વેંત ક્વાર્ટરમાસ્ટર સાર્જન્ટ આવ્યા.  તેમણે પણ અમનેબ્લડી ફૂલની વધામણી સાથે આવકાર આપ્યો અને બૅરેક પાછળના નાનકડા ચોગાનમાં લઈ ગયા. ત્યાં અમને કૅડેટના યુનિફોર્મ અને અન્ય ઇક્વિપમેન્ટ (હૅવરસૅક - જેને 'પીઠ્ઠુ' કહેવાતું અને ઇક્વિપમેન્ટ મટીને તે અમારા શરીરનું એક વધારાનું અવયવ બની ગયું), ભારે ભરખમ બૂટ વિ. આપ્યા. ત્યાર બાદ અમને અમારા પ્લૅટુન સાર્જન્ટ બહાદુરસિંઘનો પરિચય અપાયો. હવેથી તેઓ અમારા વાલી છે, તેવું કહેવામાં આવ્યું. આનો અર્થ હતો કે તે અમને ગમે ત્યારે સજા આપી શકતા હતા, ગમે ત્યારે - મધરાતે પણ - બૅરેકની બહારફૉલ ઇનએટલે લાઇનબંધ થવાનો હુકમ આપી શકતા હતા. અમારી કોઇ ફરિયાદ હોય તો તેમને રિપોર્ટ કરવાનો, પણ બહાદુરસિંઘની આજ્ઞા હતી કે ફરિયાદ કરવી હોય તો અમારા જોખમે કરવી. શુદ્ધ પંજાબી-હિંદી (આવી કોઇ ભાષા છે તેની મને અગાઉ જાણ નહોતી!) માં તેમણે કહ્યું, “સુણો બ્લડી ફૂલો, ફરિયાદ કરણ-વાળે રોતી સૂરત લોગાંસે મૈંનું સખ્ત નફરત હૈ. કમ્પ્લેન્ટ કરણ-તૂં પહિલાં સૌ બાર સોચણાં.” અહીંબ્લડી ફૂલોમૂળ શબ્દના બહુવચન તરીકે વપરાયો હતો!


કાર્યવાહી પૂરી થઇ ત્યાં સાંજ પડી ગઇ અને અમને મેસમાં ભોજન માટે જવાનો હુકમ અપાયો. મેસમાં સૂટ અને ટાઇ વગર જવાય નહિ. મેસ બે ભાગમાં વહેંચાયેલી હતી. લાઉન્જ - અથવા Ante Room - એન્ટી રૂમ અને તેની પાછળ ડાઇનીંગ રુમ. ભોજનકક્ષમાં દરેક નવા કૅડેટની સાથે એક એક સિનિયરને બેસાડવામાં આવ્યો. તેમનું કામ હતું અમને ‘Table Manners’ અને એટિકેટ શીખવવાનું! તેમાં છરી કાંટા કેવી રીતે વપરાય તેનો પણ અભ્યાસ કરાવાયો. મારી કંપનીમાં મોટા ભાગનાનવાજીસી- એટલે જેન્ટલમૅન કેડૅટ - પંજાબ અને હરિયાણાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હતા. ત્યાર બાદ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના. તેઓ પણરુરલવિસ્તારના. આસામ, બંગાળ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ઓરિસ્સાથી આવતા લગભગ બધા કૅડેટ્સ શહેરી વિસ્તારના હતા. મોટા ભાગના જીસીઓએ અગાઉ કદી છરી-કાંટા તો દૂર, ચમચા વડે સુદ્ધાં ભોજન કર્યું નહોતું!

અહીં રાજ્ય વાર આવતા કૅડેટ્સનું વર્ણન કર્યું. તમે પૂછશો, ગુજરાતના કૅડેટ્સની વાત કેમ કરી?


અહીં એક મજાની વાત કહું. અમારી OTS પુનાના કમાન્ડન્ટ બ્રિગેડિયર આપજી રણધીરસિંહજી હતા. જોધપુરના રાજવી પરિવારના. તેમણે ઇંગ્લેંડની પ્રખ્યાત ઑફિસર્સ માટેની ટ્રેનિંગ સંસ્થા સૅન્ડહર્સ્ટમાંથી કિંગ્ઝ કમીશન મેળવેલું. આપજીનાં લગ્ન સૌરાષ્ટ્રના રાજપરિવારમાં થયા હતા. તેઓ ગુજરાતી જાણતા હતા. અમારી ટ્રેનિંગના છેલ્લા દિવસે આપેલા પ્રવચનમાં તેમણે કહ્યું કે અમારા OTSના વાસ્તવ્ય દરમિયાન અમને ઘણી શિક્ષા ભોગવવી પડી હતી, પણ ગુજરાતની કહેવતસોટી વાગે ચ ચ, વિદ્યા આવે ઘમ ઘમનું અહીં સારૂં પરિણામ આવ્યું છે, કહી તેમણે અનાયાસે પુછ્યું, ‘અહીં ગુજરાતના કેટલા કૅડેટ્સ છે?”

હાજર રહેલા મારા કોર્સના અને નવા આવેલા કૂલ ૧૫૦૦ કૅડેટ્સમાંથી ફક્ત એક હાથ ઉંચો થયો હતો!

2 comments:

  1. ‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ઘમ ઘમ’નું અહીં સારૂં પરિણામ આવ્યું છે,
    વાત ગમી
    તેમણે અનાયાસે પુછ્યું, ‘અહીં ગુજરાતના કેટલા કૅડેટ્સ છે?”
    'હાજર રહેલા મારા કોર્સના અને નવા આવેલા કૂલ ૧૫૦૦ કૅડેટ્સમાંથી ફક્ત એક હાથ ઉંચો થયો હતો'
    જય જય ગરવી ગુજરાત.
    જય હિંદ
    ધન્યવાદ

    ReplyDelete