Pages

Sunday, May 11, 2014

એક વસમી વિદાય

આજે એક સાવ જુદી જ વાત કહીશ. આજની વાત છે એક એવી મહિલાની છે, જે આખી જિંદગી એક અલ્લડ, આનંદમયી, હસતી ખેલતી કન્યાની જેમ જ જીવી. જીવનનાં ઉંચા ચઢાણ, સંઘર્ષ એણે આનંદથી ઝીલ્યાં અને જીવ્યાં. સાસુ, પતિ, નણંદ, દિયરોની સેવા કરી. ત્યાર પછી પુત્ર અને પૌત્રીમાં વહાલથી સંસ્કાર સિંચ્યા, પુત્રવધુને દિકરી બનાવી અને ઉત્તમ માતાનું જીવન જીવી. 
ચાર ભાઇબહેનોમાં એ સૌથી નાની. રિસાય ત્યારે ઘરની બહાર આવેલા લીમડાના ઝાડ પર ચઢીને બેસી જાય. બહેનો એને મનાવવા જાય, આકાશ-પાતાળ એક કરે, પણ ભાઈલો મનાવવા ન જાય ત્યાં સુધી એ સૌથી ઉંચી ડાળીએ બેસી રહે! કોઇ વાતમાં એને ખોટું લાગે તો સૌથી પહેલાં ભાઇને ખબર પડે: વાળ ખેંચીને ચોટલો એવો તો ટાઇટ બાંધે, ભાઇની નજરે ચઢ્યા વગર ન રહે. “કોણે નાનકીને નારાજ કરી છે? શું થયું મારી બેનીને?” અને બસ, ઉંચા સાદે ભાઇ આટલું બોલે કે જે વાતનું એને ખોટું લાગ્યું હોય તેનું તરત જ નિરાકરણ થઇ જાય. વહાલથી હૃદય સરસી ચાંપીએ કે નાનકી ખુશ!
ભણવામાં હોંશિયાર, પણ સખત શિક્ષકો તેને ન ગમે. નિશાળમાં એક શિક્ષીકા ગણિત શીખવે, અને કોઇને જવાબ  ન આવડે તો ચિંટીયો ભરે. તેના વર્ગમાં ભણતા મસિયાઇ ભાઇ સાથે નાનકીએ ગણિતના વર્ગમાંથી ગાપચી મારવાની શરૂઆત કરી. એક દિવસ માસાજીએ પૂછ્યું, “આજે ગણિતમાં શું ભણાવ્યું?”
હવે ગણિતના વર્ગમાં હાજરી આપી હોય તો જવાબ આપે ને? પણ હારી જાય તો તે નાનકી શાની?
“કાકા, આજે અમને બજરૂપીના દાખલા શીખવ્યા!”
“બજરૂપી? ભાઇ આજ સુધી તો અમે બજરૂપી સાંભળ્યું નથી. આ શું હોય છે?”
“આ નવા દાખલા આવ્યા છે. અત્યારે અમે રમવા જઇએ છીએ. પછી તમને દેખાડીશ,” કહી નાનકી અને તેનો ભાઇ ત્યાંથી રવાના થઇ ગયા. એજેટલી રમતિયાળ, એટલી જ તેમાં પારંગત. છોકરાઓ સાથે લખોટી રમવા જાય અને ઢગલો'ક રંગબેરંગી લખોટીઓ જીતી લાવે. તે વર્ષના ઉનાળામાં બાએ મોટી બહેનને કહ્યું, “કાલે અથાણું નાખવાનું છે. પેલી ખાલી બરણી પડી છે તે ધોઇને સાફ કરી રાખીશ?"  બહેનથી બરણી ઉપડતી નહોતી. તેણે ભાઇને બોલાવ્યો. ભાઇએ બરણીનું ઢાંકણું ખોલીને જોયું તો આખી બરણી લખોટીઓથી ભરી હતી!
બસ, આમ રમત અને ભણતર ચાલ્યાં, પણ આગળ જતાં સહેજ ગંભીરતાથી. તેમાં બજરૂપીના દાખલા નહોતા કે નહોતી રમતમાં લખોટીઓ. હા, અમદાવાદની પ્રકાશ કૉલેજમાં શેતરંજની ચૅમ્પિયન થઇ, નાટ્ય હરિફાઇમાં ઉત્તમ અભિનય કર્યો અને સાથે સાથે માનસશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ પણ થઇ ગઇ.
સમય જતાં લગ્ન થયા. મા થઇ પણ ભાઇ માટે નાનકી તો નાનકી જ રહી.

***
વખત વહેતો ગયો. સંજોગોએ પરિવારને જગતનાં જુદા જુદા ખૂણામાં મોકલી આપ્યા. નાનકી યાદ કરીને દર વર્ષે ભાઇને પરદેશમાં રાખડી મોકલે. ભૌતિક અંતર ભલે હજારો માઇલોનું હોય, પણ આત્મિક સૂત્રથી બંધાયેલા સ્વજનોમાં એક તસુનું અંતર પણ કદી કોઇને ભાસ્યું છે?
***
બે વરસ પહેલાં નાનકી બિમાર પડી ગઇ. ડૉક્ટરોએ તેના રોગને Terminal ગણ્યો. ભાઇને ખબર પડતાં હજારો માઇલનું અંતર કાપીને નાનકીને મળવા ગયો. જે થોડા દિવસ બહેની સાથે રહેવા મળ્યું, નાનપણની યાદો તાજી કરવા મળી આનંદથી માણી. છેલ્લી વારનું ભોજન સાથે કરીને ભાઇ પાછો પરદેશ ગયો. પણ ટેલીફોન પર દરરોજ વાત થતી રહી. અંતે કરચલાએ તેને જીવલેણ દંશ આપ્યો.
૧૧ મે ૨૦૧૪. આજે માતૃદિને ભાઇને અમદાવાદથી ફોન આવ્યો. “તારી ડૉલી તમારાં બાઇ પાસે પહોંચી ગઇ છે.”
મન, શરીર અને સમય સ્તબ્ધ થઇ ગયા. શબ્દો સૂકાઇ ગયા. પણ અંતરમાંથી ધ્વનિ ઉપજ્યો, “ડૉલી, માતૃદિને તું બાઇ પાસે પહોંચી છે. કેટલી નસીબદાર છે તું! તેમની તો તું સૌથી વહાલી દિકરી હતી તેથી આજના પવિત્ર દિવસે તેમનાં શિતળ પાલવ નીચે અનંત નિદ્રામાં પોઢવા પામી છે તું. પરમાત્મા તને અપૂર્વ શાંતિ બક્ષે!” અંતર્મને તેનું કામ કર્યું. આંખોએ તેમનું.

આવી હતી નાનકી, અમારી ડૉલી. અસલ નામ જયશ્રી. જિપ્સીની બહેન.
                                                               (૨૦૧૨:પૌત્રી સાથે ડૉલી)
                   

9 comments:

  1. વસમી વિદાય ની યાદ હ્રુદય વિદારી ગયું
    યાદ આવે કવિતા હિતેન આનંદપરાની
    એની યાદો બસ બાકી બચે છે,
    કોઈ એવી રીતે વિસ્તરે છે.

    શાંત દરિયો અને ખાલી હોડી,
    બેઉ સાથે ઉદાસી ઘડે છે.

    કાં તો સરનામું ખોટું કાં પોતે,
    દ્વાર પરથી એ પાછો વળે છે.

    લાખ હસવાની કોશિશ કરું છું,
    એમને તોય ઓછી પડે છે.

    છે મુમકીન મળે કોઈ પંખી,
    એક પીછું હવામાં તરે છે.

    - પ્રજ્ઞાજુ

    ReplyDelete
    Replies
    1. આ. પ્રજ્ઞાજુ,
      આપની ભાવાંજલિ માટે લાગણીસભર આભાર.

      Delete
  2. “ડૉલી, માતૃદિને તું બાઇ પાસે પહોંચી છે. કેટલી નસીબદાર છે તું!

    વાહ , કેવો સંજોગ બન્યો કહેવાય કે ભાઈની વ્હાલીબેન ડોલી મધર્સ ડે ના દિવસે જ માતાને મળવા ચાલી નીકળી !

    ડોલી જતાં ભાઈનું હૃદય અંદરથી તો ડંખે છે પણ એક આશ્વાશન ખોળે છે !

    નરેન્દ્રભાઈ તમોએ અંગત જીવનમાં બનેલી બેનના જીવનની વાત ખુબ જ સરસ શબ્દોમાં અને સંવેદનશીલ રીતે રજુ કરી છે અને બહેનને ભવ્ય અંજલિ આપી છે .ધન્યવાદ .

    કહે છે ને કે Sometimes facts of life are more effective than fiction .

    ReplyDelete
    Replies
    1. સ્નેહી શ્રી. વિનોદભાઇ,
      આપના સ્નેહભર્યા આશ્વાસન માટે આભાર. કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યાં શબ્દો સુઝતા નથી. આજની ઘડી કંઇક એવી જ છે.

      Delete
  3. શું લખું?

    ReplyDelete
  4. કુદરત નો વણ બદલી શકાય તેવા નિયમો આપણે સૌ જાણીએ છીએ જેમકે;
    એક જણ ત્યારે જ મેળવશે છે જ્યારે બીજો આપે છે;
    એકજ ની અપૂર્ણતા એ બીજા માટે પૂર્ણતા;
    એક સ્થળ થી સ્થળાંતર થાય તો બીજા સ્થળે સ્થિર થવાય;
    હા, નાની બહેન મધર્સ ડે ના દિવસે જ આપણા બાઈને મળવા પ્રયાણ કરી ગયા..........
    ઈશ્વર દિવંગત ના આત્મા ને ઈશ્વરીય સ્થળે મોક્ષ જરૂર બક્ષસશે કારણ તેઓ મધર્સ ડે ના દિવસે ત્યાં સ્થિત માતુશ્રી પાસે સ્થળાંતર કરી ગયા.
    પરંતુ, તેમના પુત્ર, પુત્રવધૂ અને પુત્રી ને મધર્સ ડે ના દિવસે જ માતાની પડેલ ખોટ ને ઝીલવા ની શક્તિ ઈશ્વર શક્તિ આપે.
    આપે બ્લોગ માં પ્રસંગનો સમાવેશ કર્યો એ પણ મધર્સ ડે ના દિવસની માતુશ્રી ને શ્રદ્ધાંજલિ આપીજ કહેવાય ને

    ReplyDelete
  5. May maa bless Dollybahen with her grace and eternal joy.

    ReplyDelete
  6. તમે એક પારદર્શી વ્યક્તીત્વને અંજલી આપી છે. બહેનની વીદાયની વેદના સૌની વેદના બની રહી છે. પ્રાર્થના જ એક ઉપાય છે; બાકી તો શ્રી બીરેનના જ શબ્દો સૂઝે છે......

    ReplyDelete
  7. 'બાઈ'ની કથા બહુ ધ્યાનથી વાંચી છે. તેમની દીકરી એમનાથી સવાયી જ હોય ને?
    બહેનને અમારાં વંદન. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે.

    ReplyDelete