Pages

Saturday, May 3, 2014

"જલસાઘર"

ભવ્ય રાજમહેલની વિસ્તીર્ણ અગાશીમાં જમીનદાર વિશ્વેશ્વર રૉય બેઠા છે. દૃષ્ટીપથમાં દૂર-સુદૂર પદ્મા નદીના કિનારો છે, પણ હુઝુરનાં અર્ધોન્મિલીત નયન શું જોઇ રહ્યા હશે? એક જમાનો હતો, અા જ અગાશી પરથી જ્યાં જ્યાં તેમની નજર પહોંચતી તે જમીન, પદ્મા નદીનાં ઘાટ, ત્યાં વસતી પ્રજા - બધા પર તેમનો વંશપરંપરાગત અધિકાર હતો, માલિકી હતી. પ્રજા, નોકર, ચાકર, શ્રીમંત અને પ્રતિષ્ઠીત નાગરિકો અમસ્થાં જ તેમને ‘હુઝુર’ નહોતા કહેતા. આજે પણ તેમની વાણીમાં, તેમની દૃષ્ટિમાં, જ્યાં જ્યાં તેમનાં પગલાં પડે છે, આ અધિકાર આપોઆપ વ્યક્ત થાય છે. તેમનું વિશાળ ભાલ, શાહી મુખમુદ્રા અને તેમની રાજદંડ સમાન લાકડી, આ બધામાં  તેમનું વ્યક્તિત્વ પ્રદર્શીત થાય છે. હજી પણ.

પ્રથમ દૃશ્યમાં તેમનો ઘરડો નોકર આનંદ હુક્કો લાવીને હુઝુરની ડાબી બાજુએ મૂકે છે. હુક્કાની નળીને ધીમે ધીમે unwind કરી તે હુઝુરના હાથમાં મૂકે છે, તેની દરેક કૃતિ દિગ્દર્શકે ફ્રેમ-બાય-ફ્રેમ રજુ કરી છે. બહારનું જગત ગમે તે ગતિથી ચાલતું હોય, પણ અહીં તે હુઝુરની ઇચ્છા, તેમની સગવડ અને તેમના આદેશ પ્રમાણે ક્ષણ પ્રતિક્ષણ આગળ વધે છે. રોજની જેમ તેઓ જરી-ભરતનો formal ગાઉન પહેરી, રાજસિંહાસન જેવી નકશીદાર આરામખુરશી પર બેઠા છે.
“આજે કયો દિવસ છે?” 
વાક્યના એક એક શબ્દમાં હુઝુરના અધિકારનો રણકો ગૂંજે છે. 
“વૈશાખનો પહેલો દિવસ, હુઝુર!”
“નાયબને બોલાવી લાવ.”
આનંદ ઝડપથી હુઝુરના મૅનેજરને બોલાવે છે. મૅનેજર આવીને રોજની જેમ રિપોર્ટ આપે છે. બૅંક તરફથી આવેલ પત્ર વાંચી સંભળાવે છે. એટલામાં દૂરથી શહેનાઇના સૂર હવામાં વહીને આવે છે. ચિર-પરિચીત સૂરમાં શહેનાઇનવાઝની કલાત્મક પ્રસ્તુતી અને તેમનું વ્યક્તિત્વ હુઝુર ઓળખી ગયા છે.
“બંદેખાં કે?”
“જી, હુઝુર!”
“કેમ, શું ચાલી રહ્યું છે?”
“પેલા જનાર્દન ગાંગુલીના છોકરા મહિમ ગાંગુલીના દિકરાની જનોઇનો કાર્યક્રમ છે. ત્યાં બંદેખાં આવ્યા છે.”
“આપણને આમંત્રણ આવ્યું છે?”
“જી.”
“શું તે જાતે આવ્યો હતો?”
“ના, પત્ર પાઠવ્યો હતો. પણ અત્યારે આમંત્રણ આપવા સંબંધે મહિમ આપને મળવા આવ્યો છે. આપ તેમને ઘેર પધારશો?”
“આપણે ક્યાંય જઇએ છીએ?”
“જી ના, હુઝુર.”
અહીં 'આપણે જઇએ કે ન જઇએ, પણ નિમંત્રણ આવ્યું છે કે નહી' તે અગત્યનું છે.

આ પ્રથમ શૉટથી ‘જલસાઘર” શરૂ થાય છે અને ‘ફ્લૅશબૅક’ તથા વર્તમાનના કૌશલ્યપૂર્ણ સંયોજનથી દિગ્દર્શક પ્રેક્ષકને ચિત્રના અંત સુધી ખુબીથી લઇ જાય છે.

સ્વ. તારાશંકર બંદ્યોપાધ્યાયની આ જ શિર્ષકની લઘુકથાનું ચિત્રીકરણ શ્રી. રાયે તેમની ‘અપુ ટ્રીલૉજી’ની બીજી ફિલ્મ ‘અપરાજીત’ બનાવ્યા બાદ શરૂ કર્યું. ભારતીય ચિત્રપટ ઉદ્યોગમાં તે વખતે પણ એવી માન્યતા હતી કે ગીત અને નૃત્ય ફિલ્મનાં અવિભાજ્ય અંગ છે, અને તે વગર ફિલ્મ ન સંભવી શકે. બને તો ચાલે નહી. શ્રી. રાય આ વાતથી સહમત નહોતા. તેમની પ્રથમ ફિલ્મ ‘પથેર પાંચાલી’ તેમણે ગીત અને નૃત્ય વગર બનાવી. પં. રવિશંકરે યોજેલા વાંસળીના signature tune પર ‘પથેર પાંચાલી’ની કથા આરૂઢ થઇને વહેતી ગઇ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઇ! જ્યારે ‘જલસાઘર’નો વારો આવ્યો, તેમણે બતાવ્યું કે ગીત અને નૃત્ય જેવા રત્નોને ફિલ્મના મુકુટમાં જડતાં પહેલાં કલાકારે તે ક્યાં શોભી ઉઠશે તે નક્કી કરવું પડે છે.  તેમાં દિગ્દર્શકની કલાદૃષ્ટિનું પરિમાણ દેખાય છે. આમ, જલસાઘરમાં જ્યારે દુર્ગાબાઇ (બેગમ અખ્તર) “ભર ભર આયી મોરી અઁખીયાઁ” રજુ કરે છે ત્યારે સંગીતકક્ષ (જલસાઘર)નું ambience, તેની રચના, સંગીતના જાણકાર શ્રોતાઓની હાજરી અને તેમના પ્રતિભાવ, કલાકાર તથા તેમના સાથીઓનું સ્થાન તથા ક્યારે કોના પર કૅમેરા સ્થિર થાય - આ બધું એક ચિત્રના ફલક - canvas પર આલેખાતા compositionની જેમ રજુ થાય છે. સંગીત જીવંત છે, અને તેના શ્વાસ પ્રદર્શીત થાય છે તેને ઓળખનાર, જાણનાર અને તેનું સૌંદર્ય સમજનાર શ્રોતાઓના હૃદયના પ્રતિઘોષમાં, તેમના શાંત પ્રતિભાવમાં. જ્યારે બેગમ અખ્તર રાગની છણાવટ કરતી વખતે તાનમાં નાજુક હરકતો પેશ કરે છે, ત્યારે હુઝુર અને તેમના મિત્ર એકબીજા તરફ જોઇ આ નજાકતને આનંદમય માન્યતા આપે છે, તે પણ સહેજ મસ્તક હલાવીને! આ વાત આપે જોઇ હશે.

સાંસ્કૃતીક કાર્યક્રમોમાં હાજરી અાપવા કેટલાક 'નવધનાઢ્ય' શા માટે જતા હોય છે એ તો આપ જાણતા જ હશો! સંગીતનું જ્ઞાન શૂન્ય બરાબર, પણ હુઝુર આવા મોંઘા અને તેમના ક્ષેત્રના માંધાતા જેવા સંગીતકારોને બોલાવે છે તેથી પોતાની સમૃદ્ધીનું પ્રદર્શન કરનાર મહિમ ગાંગુલી પણ તેમનો કાર્યક્રમ રાખે છે. આવા નવધનિકની અસલિયત દિગ્દર્શકે કૂશળતાપૂર્વક દાખવી છે. જ્યારે બેગમ અખ્તર રાગની છણાવટ કરતી વખતે તાનમાં નાજુક હરકતો પેશ કરે છે, ત્યારે હુઝુર અને તેમના મિત્રનો પ્રતિભાવ જુદો છે. બીજી તરફ નાણાંની લેણદેણના પઠાણી વ્યાજમાંથી ધનાઢ્ય બનેલ અને હુઝુરને નીચું દેખાડવાનો પ્રયત્ન કરનાર મહિમ ગાંગુલી પર કૅમેરા સ્થિર થાય છે, ત્યારે આપણે જોઇ શકીએ છીએ કે તે ભલે સંગીતનો ‘દર્દી’ અને શોખિન છે એવું બતાવવાનો પ્રયત્ન કરે, પણ હકીકતમાં તે એટલો જ અરસીક અને અબૂધ છે, સંગીતને પોતાનો વૈભવ દાખવવાનું સાધન માનનારો સાહુકાર. દુર્ગાબાઇની પેશકશ વખતે એ તો કટાણી નજરે આમ તેમ જુએ છે, છિંકણી સૂંઘે છે, શરબતનો પ્યાલો શોધે છે. અને જ્યારે કોઇની તેના પર નજર પડે છે, જુઠું સ્મિત કરી, મસ્તક હલાવી બતાવવાનો પ્રયત્ન કરે છે કે તેને પણ સંગીતનું જ્ઞાન છે!
***
હુઝુર તેમના કૂળ અને વંશની શ્રેષ્ઠતા કદી ખંખેરી શક્યા નથી. પત્ની પાસે પણ નહી. સ્ત્રીઓ પ્રત્યે તેમની વૃત્તિ કેવી હતી તે ફિલ્મના એક અલ્પશા ભાગમાં શ્રી. રાયે સંવેદનાપૂર્વક રજુ કર્યું છે. તેમ છતાં તેમનો પુત્રપ્રેમ, પોતે કેળવેલી કલાની સમજ, ઘોડેસ્વારી અને પૌરુષત્વની ભાવના તેમના દિકરામાં ઉતરે તે અંગેની જાગરૂકતા સ્પષ્ટ દેખાય છે. પત્નિના પાત્રમાં ‘રાણીમા’ની નાનકડી, કૂલ દસ -કે પંદર મિનીટની ઉપસ્થિતિમાં રાજખાનદાનની મહિલાઓનું અવ્યક્ત જીવન, બહારના કાર્યક્રમોમાં વ્યસ્ત એવા પતિ દ્વારા થતી અવગણના અને તેનો કૃત્રીમ કેમ ન હોય પણ આછા સ્મિત દ્વારા તેનો સ્વીકાર તેમના જીવનનું સત્ય છે. આ ભુમિકા પદ્માદેવીએ ઘણી સમજદારીથી નિભાવી છે.
***

કથાના પ્રવાહમાં આપણે જોઇએ છીએ કે હુઝુરે સંગીત તથા ખોટી શાન પાછળ આખી જાગીર ઉડાવી છે. દુર્ગાબાઇનો કાર્યક્રમ રાખવા તેઓ તિજોરીમાંથી રાણીનાં ઘરેણાં કાઢી ગિરવી મૂકે છે. આ અંગે પતિ-પત્ની વચ્ચે જે સંવાદ થાય છે તે હૃદયમાં જઇ બેસે! પરાકાષ્ઠા તો ત્યારે આવે છે, મહિમ ગાંગુલીને નીચો દેખાડવા તેના ઘરમાં યોજાયેલ કાર્યક્રમના દિવસમાં વ્યત્યય લાવવા છેલ્લી ઘડીએ હુઝુર ‘રાજબાડી’માં ખાસ કાર્યક્રમ ગોઠવે છે. રાણી તેમના બિમાર પિતાને મળવા પુત્ર સાથે પિતાગૃહે ગયા છે, તેમને તેઓ તત્કાળ પાછા બોલાવે છે. નાયબ (મૅનેજર) અને આનંદ કહે છે, “હુઝુર, બહાર તોફાન વકર્યાં છે. નદીમાં ભયંકર પૂર છે. આવા સમયે નૌકાને પદ્મા નદીમાં ઉતારવી ભારે જોખમકારક છે. કૃપા કરી રાણીમાને ના બોલાવશો." પણ વાત માને તો તે હુઝુર શાના?  

બસ, ત્યારથી સમય વિતતો જાય છે. ભૂતકાળનો વૈભવ, પોતાનો શોખ અને સંગીતનું જ્ઞાન, પ્રતિસ્પર્ધી મહિમનો સતત ઉત્કર્ષ જેની તેઓ ઉપેક્ષા તો કરવા માગે છે, પણ તેને ઉતરતો દેખાડવા માટે પોતાની ક્ષમતાની તમા કર્યા વગર અંતિમ પગલાં ભરે છે. આ ‘જલસાઘર’ના છેલ્લા ટપ્પામાં જોવા મળે છે. ‘જલસાઘર’ના છેલ્લા કાર્યક્રમમાં તેમણે સુપ્રસિદ્ધ નર્તકીને બોલાવી છે. તિજોરીમાંનું છેલ્લું પારિવારીક ઘરેણું તેમણે વેચી નાખ્યું છે. આ વખતે પ્રેક્ષકો સાવ ઓછા છે. તેમના કલાપારખુ મિત્ર સાથે હુઝુર બેઠા છે. નૃત્ય જ્યારે તેના crescendo પર પહોંચે છે, નર્તકીનું પદલાલિત્ય તબલાં પર થિરકતી તબલાનવાઝની આંગળી સાથે એવું તો તાદત્મ્ય સાધે છે, હુઝર અને તેમના મિત્ર અવાચક થઇને નર્તકીના પગ તરફ એક નજરે જોઇ રહ્યા છે. એક તરફ તબલા પર કલાકારની આંગળીઓનું નૃત્ય અને બીજી બાજુ નર્તકીના પગની આંગળીઓ જાણે તબલાંને બદલે સ્ટેજ પરથી ધ્વનિ કાઢે છે. જાણકાર શ્રોતાઓનાં કાન સતર્ક થઇને તબલાનાં ઠેકા તથા પોતાનું કૌશલ્ય દાખવતી નર્તકી તબલાંની સાથે નૃત્યનાં બોલ સંભળાવે છે ત્યાં સ્થિર થયા છે, જ્યારે રૂપલોલુપ મહિમ ગાંગુલી નર્તકીના મુખ તરફ એક ટસ જોઇ રહ્યો છે! 
અચાનક તબલાં અને નૃત્ય, બન્ને ‘સમ’ પર આવીને precisionથી રોકાય છે. રસિકો વાહ! વાહ! ના ઉદ્ગાર કાઢે છે. જ્યારે નર્તકી ઇનામ લેવા હુઝુર પાસે પહોંચે છે, મહિમ બધી મર્યાદાઓ ભુલીને પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને નૃત્યાંગનાને આપવા જાય છે ત્યારે-
હુઝુર તેમની લાકડી મહિમના કાંડા પર ઠેરવે છે. તિજોરીમાંથી કાઢેલી છેલ્લી સોનાની મહોરો તે નર્તકીને પેશ કરે છે અને કહે છે, “કલાકારને ઇનામ આપવાનો હક્ક કેવળ મેજબાનને જ હોય છે.” 
મહેમાનો વિદાય લે છે. હુઝુર પાસે તેમનો નોકર આનંદ અને મૅનેજર નાયબ - જે તેમના છેલ્લાં કેટલાય વર્ષોથી બચેલા માત્ર બે નોકર રહ્યા છે. તેઓ હજી વફાદારીથી તેમની સેવા કરી રહ્યા છે. હુઝુરની જમીનદારીની પરંપરારાની ગવાહી આપનાર સિલીંગ પરના મસમોટા ઝુમ્મરમાંના દિવાઓ એક પછી એક બુઝાતા જાય છે. છેલ્લો દિપક બુઝાય છે અને હુઝર ઝબકી જાય છે. “કેમ, અંધારૂં થયું?”
“હુઝુર, પ્રાત:કાળ થયો. હું પરદા ખોલું છું” કહી નાયબ પરદા ખોલે છે. આખું જલસાઘર પ્રકાશમય થઇ જાય છે, ઠંડો પવન આવે છે. હુઝુર કહે છે, “તુફાનને તૈયાર કરો. અમે ઘોડેસ્વારી કરીશું!” તુફાન તેમનો વેગીલો અશ્વ છે. નાયબ અને આનંદ બન્ને ના કહે છૈ, પણ હુઝર તો જાય છે, અદ્ભૂત કલાપ્રયોગનો આનંદ હજી તેમના ઝહેનમાં વ્યાપી રહ્યો છે; વિદેશી દારૂનો સૂરુર હજી ઉતર્યો નથી. આનંદ પાસેથી અશ્વારોહણનો પોશાક તૈયાર કરાવીને પહેરે છે અને અસ્થિર પગલે તેઓ નીકળી પડે છે પદ્માનદીના પટ તરફ. તુફાન તો પવનવેગે જાય છે. માલિકની ચિંતામાં પાછળ દોડતા જાય છે નાયબ અને આનંદ. અંતે એક ભગ્ન નૌકા પાસે આવીને તુફાન એકદમ રોકાય છે, ઉલળે અને પાછલા પગ પર ઉભો થઇ જાય છે. હુઝુર ભોંય પર પડે છે.  કદાચ આ એ જ જગ્યા હતી જ્યાં તેમનાં પ્રિય પત્નિ અને પુત્રનાં શબ લાવવામાં આવ્યા હતા.
***
‘જલસાઘર’માં શ્રી. રાયે symbolismનો ઘણો સરસ પ્રયોગ કર્યો છે. ટાઇટલની શરૂઆતમાં જ તેમનું પહેલું ચિહ્ન - સંગીતકક્ષ યાને જલસાઘરના વિરાટ ઝુમ્મર પર કૅમેરા સ્થિર થઇને ફિલ્મ શરૂ થાય છે. 

કંઠ્યસંગીતના એક દૃશ્યમાં હુઝુરનું ચિત્ત સંગીતમાં નથી. તેમનું મન તરફડે છે. બહાર વાતાવરણમાં તોફાન અને નદીમાં વિકરાળ પૂર છે. રાણી તથા પુત્ર હજી રાજબાડી પહોંચ્યા નથી. હુઝુરના શરાબના ગ્લાસમાં એક કિટક પડે છે. તેને તડફડતું બતાવી કૅમેરા નાયકના ચહેરા પર રોકાય છે. જીવનમાં પહેલી વાર તેઓ કાર્યક્રમમાંથી ઉભા થઇ જાય છે અને બહાર નિકળે છે. પાછળ ફક્ત તેમના અનુચર, નાયબ અને આનંદ. દોડતા જ તેઓ પદ્મા કિનારે પહોંચે છે ત્યાં એક નાવિક તેમના હાથમાં તેમના પુત્રનું શબ સોંપે છે. 

આ સિવાય વિશેષ પ્રતિક છે એક વિરાટ અરીસો. કદાચ બેલ્જીયમ કે અૉસ્ટ્રીયાના સાલ્ઝબર્ગથી આવેલો, દસ ફીટ ઉંચો, પાંચ ફિટ પહોળો, નકશીદાર ફ્રેમમાં ફિટ કરેલો અને જલસાઘરની મૂખ્ય દિવાલને અઢેલીને રાખેલો. નૃત્ય-સંગીતના બધા કાર્યક્રમો અહીં જ યોજાય છે. કલાકારની પીઠ, હુઝુર અને તેમના સાથીદારોના ચહેરા અને આખા જલસાઘરની સમૃદ્ધી અા અરીસામાં સમાઇ જાય છે. ઉપરની દિવાલો પર હુઝુરના પૂર્વજોના તૈલચિત્રો છે.
***
જાહોજલાલી નષ્ટ થઇ ગયા પછી હુઝુર કદી જલસાઘરમાં ગયા નથી. તેમના શરીર અને મન પર જે પરિવર્તન આવ્યું છે તેનાથી તેઓ સાવ અનભિજ્ઞ છે. છેલ્લા કાર્યક્રમ પહેલાં તેની તૈયારી જોવા તેઓ જલસાઘરમાં જાય છે. આ વિરાટ અરીસા સામે ઉભા રહે છે અને તેના પરની ધૂળ તેઓ ખેસથી સાફ કરે છે. અચાનક ઉપસ્થિત થતા પ્રતિબિંબમાં હુઝુર પોતાને ઓળખી શકતા નથી એવું લાગે! પોતે ઘરડા થયા છે તેનો તેમને કદાચ પહેલી વાર ખ્યાલ આવે છે. પૂર્વજોની છબીઓને જોઇ તેમણે એક વાર કહ્યું હતું, “આ મારા પૂર્વજો,” દરેકનાં નામ લઇ તેઓ પોતાની છબી પર આવીને અટકે છે. “આ સૌમાં એક વસ્તુ સમાન છે: રક્ત. અમારી નસોમાં વહેતું રક્ત!”

આજે જ્યારે તેઓ પોતાના લાઇફ-સાઇઝના પોર્ટ્રેટ તરફ જુએ છે તો તેના પર તેમને મોટો કરોળીયો દેખાય છે. તેને લાકડી વતી દૂર કરવા જાય છે, પણ કાળનો કરોળીયો ત્યાંથી છટકી જાય છે. 

છેલ્લા freeze shotમાં કૅમેરા હુઝુરના જમીન પર પડેલા રક્ત પર કેન્દ્રીત થાય છે. રક્ત-કૂળ ગમે એટલું ઉચ્ચ કેમ ન હોય, અંતે તો તે પંચમહાભૂતમાં જ લય પામવાનું છે.
***
શ્રી. સત્યજીત રાયે આ સંગીતપ્રધાન ચિત્રમાં શાસ્ત્રીય સંગીતનો સુંદર ઉપયોગ કર્યો છે. ફિલ્મમાં બેગમ અખ્તરે પોતે ગીત રજુ કર્યું, ભારતરત્ન બિસ્મિલ્લાખાઁ સાહેબની શહેનાઇ દૂરથી જ સંભળાય છે, જ્યારે ઉસ્તાદ સલામત અલીખાં અને ઉસ્તાદ વાહિદખાંએ તેમનું સંગીત પ્લેબૅકમાં આપ્યું છે. કથ્થક નૃત્ય રોશન કુમારીએ પ્રસ્તુત કર્યું છે, જે ખરેખર પ્રેક્ષણીય છે.

***
દેશ પરદેશના વિવેચકોને આ ચિત્રપટ ઘણું ગમ્યું. કેટલાકે તો ‘હુઝુર’ના પાત્રની સરખામણી King Lear સાથે કરી! એક વાત જરૂર કહીશું: કલારસિકો આવા સમાંતરો અને દિગ્દર્શકોની શૈલીઓ વિશે હંમેશા ચર્ચા કરતા રહેશે, પણ આ ચિત્રપટમાં સ્વ. છબી બિશ્વાસ પૂરી રીતે છવાઇ ગયા છે! ફિલ્મનું બીજું મહત્વનું અંગ છે તેનું સંગીત: ખાંસાહેબ વિલાયતખાંસાહેબે 'જલસાઘર'ના સંગીતનું સંચાલન કર્યું છે. સંગીત જેનું મુખ્ય અંગ છે, એવા ચિત્રપટમાં તેઓ એવી જ રીતે પરોક્ષ રીતે છવાઇ ગયા છે. એક તરફ છબી વિશ્વાસ તેમની હાજરીથી ફિલ્મનો પ્રાણ બન્યા છે, તે રીતે ફિલ્મનું સંગીત વાતાવરણમાં પ્રસરેલ સુગંધની જેમ વિલાયતખાં આખા ચિત્રપટમાં સમાઇ ગયા છે. આમ જોવા જઇએ તો મહિમ ગાંગુલીનું પાત્ર ઘણું complex છે, અને તેને પૂર્ણ ન્યાય આપે છે કલાકાર રમાપદ બોઝ.
***

તારાશંકર બંદ્યોપાધ્યાયે કથા લખી ત્યારે તેમણે મુર્શીદાબાદની નજીક આવેલી નિમતિતા ગામના જમીનદારોની રાજબાડી આલેખી. સત્યજીત રાયે આખું ચિત્ર આ જ મહેલમાં પૂરૂં કર્યું! અહીં જોઇશું તાજેતરમાં લેવાયેલી રાજબાડીની તસ્વીર.


B & Wનું આ ચિત્રપટ બે versionsમાં Youtube પર મૂકાયું છે. એક તો સળંગ છે, પણ તેમાં સબ-ટાઇટલ નથી. અહીં ક્લિક કરવાથી તે જોઇ શકાશે. 

બીજું version, જેમાં અંગ્રેજી સબ-ટાઇટલ છે, તે દસ વિભાગમાં વહેંચાયું છે. પ્રથમ ભાગ 1/10થી શરૂ થઇ 10/10 પર સમાપ્ત થાય છે. આની લિન્ક અહીં ક્લિક કરવાથી મળી જશે.
આશા છે આપને આ ચિત્રપટ ગમશે.

11 comments:

  1. બીરેન કોઠારીMay 3, 2014 at 8:18 PM

    વાહ! અદ્‍ભુત રસાસ્વાદ! ફિલ્મ જોતી વખતે તેને માણવામાં વધુ સહાયરૂપ બને એવો!

    ReplyDelete
  2. Replies
    1. સતીશભાઇ, પત્ર માટે આભાર. સહેજ સારૂં લાગતાં ફરી આપની સેવામાં હાજર થઇશ.

      Delete
  3. નરેન્દ્ર સર ઘણા સમયથી આપનો બ્લોગ વાંચતો આવ્યો છું અને હમણાથી જ્યારથી આપે શ્રી સત્યજીત રાય'ની કૃતિઓનું રસદર્શન કરાવવાનું શરુ કર્યું છે ત્યારથી તો બસ આનંદ જ વ્યાપી ગયો છું કેમકે હું ઘણા સમયથી તેમની મુવીઝ જોવાનું વિચારતો હતો , પણ પછી નિરાંતે સઘળી મુવીઝ એકસાથે જોઇશ એવું વિચારી મોડું કરતો હતો પણ આપ'ની આ સુંદર પોસ્ટ્સ'થી ફરી જીવ'માં સંચાર થયો છે અને હવે તે તરફ આગળ વધવાની મહેચ્છા પુન: જાગી ઉઠી છે . . .

    ભવિષ્ય'માં પણ આવી જ અદભુત મુવીઝ પર આપની પોસ્ટ્સ મળતી રહેશે , તે આશા સહ . . .

    નિરવ .

    ReplyDelete
    Replies
    1. કૅપ્ટન નરેન્દ્રMay 7, 2014 at 12:31 PM

      આપના પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર! મણાસની તબિયત જ્યારે થોડી નાદુરસ્ત હોય છે, ત્યારે ઘણી વાર પ્રતિકૂળ વિચાર આવતા હોય છે. તેમાંનો એક હતો, જિપ્સી જુની ફિલ્મો વિશે લખે તો છે, પણ તેના ખાસ સ્નેહીઓ (જેમને તેના પ્રત્યે હજી પ્રેમભાવ છે) સિવાય કોઇને તેમાં રસ છે ખરો? આપના પ્રતિભાવે મન પ્રસન્ન થયું, નવો ઉત્સાહ પ્રકટ થયો છે અને આ નાનકડો કેમ ન હોય, પ્રયાસ ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ. ફરી એક વાર આભાર!

      Delete
  4. નરેંદ્ર સર, ઘણા સમયે આપની પોસ્ટ વાંચી. જીપ્સીની ડાયરી હજુ એજ ફ્લેવર અને ટચ ધરાવે છે તે જાણી મજા પડી. આપ અને આપનો પરિવાર ક્ષેમકુશળ હશો.... આવજો.

    ReplyDelete
    Replies
    1. ડૉ. મૌલીકભાઇ, ઘણા સમયે આપનો પત્ર વાંચી ખુશી ઉપજી. આપની શુભેચ્છાઓ અને સ્નેહભાવને કારણે અમે સૌ મજામાં છીએ. આવી જ રીતે કોઇ કોઇ વાર મળતા રહીશું!

      Delete
  5. '...વચ્ચે ગંભીર માંદગીમાં સપડાયો હતો, તેમ છતાં આ એક પ્રવૃત્તિ એવી નિકળી, જેમાંથી બહાર આવવું અશક્ય થયું. તાવના સન્નેપાત-સમી સ્થિતિમાં પણબેગમ અખ્તરના સ્વર્ગીય સૂર સંભળાતા હતા. થોડું સારૂં લાગતાં આજનો અંક પૂરો કરી આપની સેવામાં મોકલું છું. ' આપની વાત ફીકર કરાવે છે.જલદી જલદી એકદમ સારા થઇ જાવ...હંમેશની જેમ આપની પોસ્ટ નીરાળી હોય છે અને આ રસદર્શન વગર આટ્લી સુંદર ફીલ્મ બરોબર માણી ન શકાતે..
    ૐ સ્વસ્તિન ઈન્દ્રો વૃઘ્ધશ્રવાહાઃ
    સ્વસ્તિન ઃ પૂષા વિશ્વવેદા
    સ્વસ્તિનસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ
    સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ

    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. સાદર નમસ્કાર. સાચી વાત તો એ છે કે આપ 'જિપ્સી'ની પોસ્ટ વાંચીને તેમાંથી આનંદ અનુભવો છો એ મારા માટે સૌથી વધુ આનંદની વાત છે. આપનાં સ્વસ્તિ વચનોથી મનને ખુબ શાંતિ મળી. બસ, આપના તરફથી આવા જ આશિર્વચનો મળતા રહે એવી અભ્યર્થના!

      Delete
  6. સરસ આસ્વાદ ફિલ્મના રસસ્થાનો સુંદર રીતે મૂકી આપ્યા.આનંદ આભાર.
    અજય રાવલ

    ReplyDelete