Pages

Sunday, September 5, 2021

૧૯૭૦ - અનોખી રણભૂમિ (અંતિમ)

    આજે અમારી જવાબદારીના વિભાગમાં આવેલા રણ પ્રદેશની આખ્યાયિકાઓ કહીશ. આખ્યાયિકાઓ કહો કે દંતકથા, તે ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસનો અંશ એટલા માટે કે જુના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ વાતો હોય છે, પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. રાણકદેવીનું અપહરણ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણ લઇ જઇ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઇ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તુટી પડતા ગિરનારને “મા પડ, મારા આધાર, ચોસલાં કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે...” કહ્યું હતું અને પહાડ પરથી પડતો ખડક છેક કિનારા પર આવીને અટક્યો હતો - જે હજી પણ જોઇ શકાય છે. તેની થઇ આખ્યાયિકા; રાણકદે જીવંત, ઐતિહાસીક પાત્ર અને વંદનીય સતી હતાં. 


***
    કચ્છના રણની આખ્યાયિકાઓ એવી જ છે - સત્યના અંશ સમાન.
    ભુજની પાસે આવેલ માધાપર ગામ પાસેનું જખનું મંદિર સુપ્રસિદ્ધ છે. અહીંની આખ્યાયીકા છે કે હજારો વર્ષ પહેલાં અહીંની ધનિક અને શાંત પ્રજા પર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે ગોરા વાનના ‘તેજસ્વી’ યક્ષ ઘોડા પર બેસીને ત્યાં આવ્યા અને દુશ્મનોને મારી હઠાવ્યા. લડાઇમાં કેટલાક ‘યક્ષ’ મૃત્યુ પામ્યા અને સ્થાનિક પ્રજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટેકરી પર ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ રચી. ત્યાં મંદીર થયું અને દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ આપણને હજી જોવા મળશે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો આકાશમાંથી ઉતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા, અને કચ્છના બંદરેથી પોતાને વતન જવા નીકળ્યા હતા. ગામલોકોની ચીસો સાંભળી તેઓ તેમની મદદે ધસી ગયા હતા.
આવી જ વહેમભરી આખ્યાયિકા હતી સિંધમાં. એક ઉંચા, વિશાળ ટેકરામાં ભૂતોનો વાસ છે એમ મનાતું. સાંજ પછી ત્યાં કોઇ જતું નહિ. આ ટેકરાનું નામ જ પડી ગયું- મરેલાઓનો અડ્ડો. સિંધી ભાષામાં લોકો તેને “મૂંએ-જો-ડેરો” કહેતા. અંગ્રેજોએ તેનો જેવો ઉચ્ચાર કર્યો તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ તેનું ભારતીય-કરણ કર્યું, “મોહન જો દરો”. પુરાતત્વવિદ્ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઇ. સિંધુ-સરસ્વતિની ભારતીય સંસ્કૃતીની પ્રાચિનતાનો નક્કર પુરાવો મળ્યો. કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ આવો જ ઇતિહાસ છે. 
આમાંની કેટલીક CRPF તથા SRPના સમયની વાતો છે. આ વિસ્તારની ચોકીઓનું SRPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ  રેડકર તથા આંબેગાંવકર પાસેથી Taking over કરતી વખતે આ અનુભવો વર્ણવ્યા હતા.  નાડાબેટ નામની અમારી BOPમાં આવેલા નાડા માતા (હવે લોકો તેમને નાડેશ્વરી માતાના નામે ઓળખે છે)ના સ્થાનક પર ગૂંથાયેલી છે.
    ભારતના ભાગલા થયા બાદ ગુજરાત સીમા પરની ચોકીઓઓના રક્ષણની જવાબદારી CRPF તથા ગુજરાત રાજ્યની સ્ટેટ રિઝર્વ પોલીસ પાસે હતી. ૧૯૬૫ સુધી તેમણે સંયુક્ત રીતે સીમાનું રક્ષણ કર્યું હતું. ૧૯૬૫ બાદ કેવળ SRP કાર્યરત હતી. ગુજરાતના અફસરોએ કહેેલા બે પ્રસંગો અહીં રજુ કરીશું.
    રણમાં રાત ઘણી વાર કાળરાત્રી નીવડે છે. રેતી અને ખારા પાટમાં માઇલો સુધી કોઇ વૃક્ષ હોતું નથી, જેની છાયામાં કોઇ બેસી શકે. હજારો વર્ગ માઇલના વિસ્તારમાં કોઇ વસવાટ, કોઇ ઘર કે ઝુંપડી નથી કે નથી મળતું પાણીનું એક ટીપું. લોકશાયર મેઘાણીએ વર્ણવેલ 'ભૂત રૂએ ભેંકાર' ભૂમિ તે કચ્છનું રણ. ત્યાં વસે કેવળ ભારતીય સૈનિકો, અને... જવા દો, આપ વિશ્વાસ નહીં કરો અને કહેવાતા રૅશનાલિસ્ટ તેને hallucination કે અંધશ્રદ્ધાના નમૂના કહી તેને તરત મજાકમાં ઉડાવી દેશે. જી, હા. હું અમને બચાવનાર દિવ્યાત્માઓ તથા હજારો વર્ષોથી ત્યાં વસતા આત્માઓની વાત કરૂં છું.  
    પ્રથમ કિસ્સા વિશે રેડકરની સાથે રહેલી CRPFની ટુકડીની એક પગપાળા પેટ્રોલ કમાંડરે પોસ્ટ પર પાછા આવ્યા બાદ  debriefing reportમાં કહી હતી.
    આ પેટ્રોલને તેમને મળેલા આદેશ પ્રમાણે  નક્કી કરેલા બાઉંડરી પિલર (BP)પર કોઇના ઘૂસપેઠના ચિહ્ન છે કે નહીં તેની તપાસ કરવા ગયા હતા. પાછા ફરતાં રાત પડી ગઇ. અંધારામાં જ્યારે કોઇ ઉજાસ હોય તો ફક્ત ટમટમતા તારલાઓ કે પૂનમની રાતનો પ્રકાશ હોય, ત્યારે રણ કોઇ અજાણ્યા ગ્રહ જેવું થઇ જાય. અધુરામાં પૂરૂં, રાતના સમયે દિશાસૂચક liquid prismatic compass અને નકશા કામ ન આવે. કમ્પાસ દિશા જરૂર બતાવે પણ જ્યાં સુધી નકશામાં આપણે પોતે ક્યાં છીએ તે બિંદુ જડે નહીં તો કમ્પાસ શા કામનો? કમ્પાસ અને 'one inch to a mileનો નકશો એક બીજા માટે Siamese Twins જેવા હોય છે. એક વગર બીજો એક ઇંચ પણ ચાલી શકે નહીં ! રાતના સમયે રણછોડદાસ પગી (જેઓ અમારા સુઇગામ વિસ્તારના જ હતા અને ફિલ્ડ માર્શલ માણેકશૉએ તેમને પ્રસિદ્ધી અપાવી હતી, તેમના) જેવા ભોમિયાની મદદ વગર આપણે એક પણ ડગલું ચાલી ન શકીએ.
    CRPFની એક પેટ્રોલ રણમાં અટવાઇ ગઇ. રાતના બાર વાગવા આવ્યા હતા. પેટ્રોલ પાર્ટી સાંજના છેલ્લા કિરણ સુધી પાછી ન આવે તો તેમને શોધવા માટેની સર્ચ પાર્ટી બીજા દિવસે જ નીકળી શકે. રેડકર ચિંતામાં પડી ગયા. રાતના લગભગ એક વાગ્યાના સુમારે આ પેટ્રોલ પાર્ટી કૅમ્પમાં પાછી આવી. હવાલદારે વાત કહી તે આ પ્રમાણે હતી.
    "સાહેબ, અમે તો સાચે જ ગભરાઇ ગયા હતા. વૉટર બૉટલમાંનું પાણી ખતમ થઇ ગયું હતું. અમને થયું કે બસ, અમે તો ગયા. ઘરવાળી અને બચ્ચાંઓને આખરી વાર મળી પણ નહીં શકીએ એ ખ્યાલથી મારા યુવાન સાથીઓ દુ:ખી થઇ ગયા હતા. મને અચાનક યાદ આવ્યું કે આપણી ચોકીનાં સ્થાનકનાં આઇ હાજરા હજૂર છે, અને સંકટના સમયે તેમને યાદ કરો તો હંમેશા મદદે આવે છે એવું સાંભળ્યું હતું. અમે સૌ એક જગ્યાએ બેસી ગયા, અને આંખો બંધ કરી માતાને પ્રાર્થના કરી. "મા, હમેં બચા લો!"  પાંચ - સાત મિનિટ થઇ હશે ત્યાં કાળી લોબડી પહેરેલી ઘરડી માઇને અમે અમારી નજીક આવતી જોઇ. અમારી પાસે રોકાઇને તેણે પૂછ્યું, "અટાણે અહિંયા શું કરો છો? કોઇ ઘરબાર નથી તે અહિંયા બેઠા છો?"
    "અમે તેમને કહ્યું કે અમે ભૂલાં પડયાં છીએ."
    "ક્યાં જાવું છે? હું નાડાબેટ ભણી જઉં છું. ત્યાં જવું હોય તો મારી ભેગા ચાલો" કહી અમને પેલા ગાંડા બાવળની ઝાડીના ખૂણામાં આવેલી સ્થાનકની દેરી સુધી લઇ આવ્યા. અમે માઇનો આભાર માનીએ તે પહેલાં તે જતાં રહ્યાં હતાં."  
    "નરેન, તે વખતે તો ઠીક, અત્યારે પણ અહીં કોઇ સિવિલિયનોની વસ્તી નથી. આ ડોશીમા વિશે અમે કોઇ જાણતા નથી. મને ગુજરાતી આવડે તેથી અમારા પગીને આ વિશે પૂછ્યું, તો કહે, "હા, અહીંયા તો કેવળ એક શક્તિ રહે છે. નાડા માતા. આપણા જેવા રડ્યા ખડ્યા દેશના રખવાળાની અને જે કોઇ તેમની મદદ માગે તેમને મારગ બતાવે છે." થોડી વાર શાંત રહીને રેડકરે વાત આગળ ચલાવી. "સાચું કહું તો મેં આ વાત પર વિશ્વાસ ન કર્યો. થયું હવાલદારને ભ્રાન્તિ થઇ હશે. પણ એક વાર હું પોતે ફસાઇ ગયો હતો. શિયાળામાં આપણી આગળની ચોકી જલોયાની આજુબાજુની ઝાડીમાં તેતર જેવા તિલ્લોર પક્ષી આવે છે. મને અભિમાન હતું કે અહીં રણમાં ચાર વર્ષ રહીને હું અહીંનો ભોમિયો થઇ ગયો છું. એક સાંજે મને થયું બે-ચાર તિલ્લોર મારી આવું અને એકલો જીપ લઇને જલોયા તરફ નીકળી ગયો. પંખીની શોધમાં બહુ રખડ્યો, પણ તિલ્લોર કંઇ એવું પંખી નથી કે સામે આવીને કહે, આવ રેડકર, મને માર! બહુ ભટક્યા બાદ મને કેટલાક પંખી દેખાયા. મારૂં કામ પતાવીને જંગલમાંથી બહાર આવતામાં તો અંધારૂં થઇ ગયું. ત્યાર પછી બસ, જીપ ચલાવતો ગયો પણ  હંમેશ વાપરીએ તે ટ્રૅક દેખાય જ નહીં. હું ગોળ ગોળ ફરતો રહ્યો. રાતના અગિયાર થયા. સાથે પાણી પણ લીધું નહોતું. મને પેલા હવાલદારની વાત યાદ આવી. જીપમાંથી નીચે ઉતરીને આસપાસ નજર કરી, પણ અંધારામાં કશું દેખાતું નહોતું. મને મારાં પત્ની અને બાળકોની યાદ આવી, હૈયું ભરાઇ આવ્યું થયું, રેડકર, આજે તું ગયો. તારી બૈરી - બચ્ચાંને રામ રામ કહ્યા વગર પહોંચી જા ઉપર!. અભિમાન - અહંકારમાં અવીને મેં જે 'પરાક્રમ' કર્યું તેનો અફસોસ થયો . અંતે  મેં નાડામાતાની માનતા કરી, 'મા આ વખતે બચાવી લો. આવી ભૂલ ફરી કદી નહીં કરૂં." અર્ધો કલાક કશું ન થયું. હું રણમાં દેખાતા પેલા દિવા જોઇ રહ્યો હતો. અચાનક તેમાંનો એક દિવો મારી જીપથી પચીસ - ત્રીસ ગજ દૂર પ્રગટ્યો અને આગળ વધવા લાગ્યો. મેં અંત:સ્ફૂરણાથી (intuitively) તેની પાછળ જીપ ચલાવી. અર્ધા કલાકમાં આ દેેરી પાસેના બાવળના ઝાંખરામાં દીવો અદૃશ્ય થઇ ગયો. મારી વાત યાદ રાખજે, તું believer છે કે નહીં તે હું નથી જાણતો, પણ કોઇ પણ વખતે આવી મુસીબતમાં આવી પડે તો આ વાત યાદ રાખજે." 
    ૧૯૬૮-૭૦ દરમિયાન આ વિસ્તાર ઉજ્જડ હતો. SRPની પરંપરા યાદ રાખી અમે નાડા માતાની દેરીને સફેદ ચૂનાથી ધોળતા રહ્યા, અને એક જવાનની ડ્યુટી લગાવી કે તે સવાર - સાંજ ત્યાં સાફસફાઇ કરી દિવો પ્રગટાવે. વર્ષમાં એકાદ વાર સુઇગામથી બે - ચાર સ્ત્રી-પુરુષો, જેમણે માતાની કૃપાનો અનુભવ લીધો હતો તે આવતા, માનતા પૂરી કરી, જવાનોને પ્રસાદી વહેંચી પાછા જતા રહેતા.
   ૧૯૬૮માં આ ચોકીઓ Take over કરતી વખતે સાંભળેલી વાત હું ભૂલ્યો નહોતો. આનો અનુભવ છેક ૧૯૭૦ની શરૂઆતમાં આવ્યો.
   ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-બાળકોની કરૂણ ઘટના રણમાં થઇ. આ ઇતિહાસ પાછળ અને તેની આસપાસ વણાઇ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે જીપ્સીને નાડાબેટની સામેના રણમાં થયેલ અનુભુતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4x4 મીટરની દેરી હતી તેનું આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી હજારો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષીત સહાય - આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે તો સામાન્ય લોકો તેને ચમત્કાર કહેશે. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું દિવ્ય અમૃત મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઇને મળે તો તેની ધન્યતામાં ચમત્કારની ચમક રહેલી છે એવું જીપ્સીનું માનવું છે.
અહીં જીપ્સીને નાડાબેટમાં થયેલા અનુભવનો ઉલ્લેખ કર્યો છે તો તેની સંક્ષીપ્ત વાત કહીશ.
    બનાસકાંઠા- થર પારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. રસ્તામાં આવતા પાડણ નામના ગામમાં સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદીર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઇ અમે હંમેશા દર્શન કરવા રોકાઇએ.
એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઇગામ જઇએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં ઉતરી સીધી લાઇનમાં નાડાબેટ જઇએ તો કેવળ ત્રણ-ચાર કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ ખારાપાટમાં વાહન લઇ જવાની અમને સખ્ત મનાઇ હતી. મેં મારા ડ્રાઇવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઇ જઇએ.’ ડ્રાઇવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે ખારાપાટમાં જીપ ઉતારી.
અમે પચીસે’ક મીટર ગયા હઇશું ત્યાં આગલા પૈડાંની નીચેથી સફેદ મીઠાના બદલે કાળો કાદવ દેખાયો. ડ્રાઇવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં ખૂંપવા લાગી. તેણે 4x4નો ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં skid થવા લાગ્યા અને વ્હીલની નીચેથી ભીનો, કાળો કાદવ ઉડવા લાગ્યો. પોણા ભાગની આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઇ. ડ્રાઇવરે જીપ રીવર્સ કરી, તો પાછળનાં પૈડાં પણ સ્કીડ થયા અને એક જ જગ્યાએ ઘૂમતા રહ્યા. મીઠાના થરને દૂર કરી વ્હીલ તથા પાછલી એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઇ.
    હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને હવે જીપ ખારાપાટમાં અટવાઇ ગઇ. અહીં મીઠાના થરની નીચે કળણ હતું. જીપ અને અમે એવી સ્થિતિમાં હતા કે ત્યાં જ જીપની સાથે અમારી  જળસમાધિ થાય. કોઇ પણ હિસાબે જીવી જઇએ  તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ ઑફ ઇન્ક્વાયરી થાય અને મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઇવરે મદદ માટે બૂમો પાડી, પણ શિવ મંદીરમાં તે સમયે કોઇ નહોતું. આસપાસ કોઇ મકાન પણ નહોતાં. તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતિજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને કારણે લીલો છમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. અમને નાડાબેટનાં માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. ડ્રાઇવરે થોડી વારે ફરી જીપનું એન્જીન સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઉંચકીને ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતા હોય તેમ થોડા ઉપર આવ્યા અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડા ઉંચકાયા અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યા હતા ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ પંદર મિનીટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.
    હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઇવરે ધ્રુજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો મૈંને કિયો? ઐસો લાગો જૈસો ગાડીકો કિસીને પીછેસે ઉઠાયો ઔર ખિંચ કે અઠે રણ-રે કિનારે લાયો!”
    આ શું હતું? ચમત્કાર? આભાસ?
    કોઇ કહેશે તમારી જીપ 4x4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઇ. ખારા પાટમાં ફસાયા બાદ પહેલી વાર જીપ રિવર્સ કરી ત્યારે પણ તેને 4 x 4 માં જ ચલાવી હતી. તે સમયે  જીપનાં આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના કાદવમાં ખૂંપી ગયા હતા. આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય મારા માટે અગમ્ય છે. નીચે આપેલ નકશો જોવાથી ખ્યાલ આવશે કે જેને હું નક્કર મીઠાનો થર સમજી બેઠો હતો તે હકીકતમાં છિછરી ખાડી હતી. જ્યાં X નજર આવે છે ત્યાંથી મેં સીધા નાડાબેટ જવાનો પ્રયત્ન કર્યો હતો!






    રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
    તે સમયે હું તેની વાતથી અસંમત ન થઇ શક્યો!    
અહીં બે ચિત્રો રજુ કરૂં છું. પહેલી છબિ એક દેરીની છે. ૧૯૬૮માં નાડા માતાની દેરી આવી જ, પણ તેનાથી નાની, અને સિમેન્ટને બદલે ગારાથી લીંપાયેલ અને તેના પર જવાનો નિયમિત રીતે સફેદ ચૂનાનો ધોળ ચઢાવતા હતા. તેની આજુ બાજુમાં ગાઁડા બાવળની ઝાડી હતી જેમાં મંદિર ભાગ્યેજ દેખાતું.તાજીના ચમત્કારની વાતો જેમ જેમ ફેલાતી ગઇ,  દેરીના સ્થાને એક ભવ્ય મંદિર તૈયાર થયું છે. દૂર દૂરથી લોકો માતાના દર્શન માટે અને માનતા પૂરી કરવા આવે છે. 

માતાજીની દેરી.



નાડેશ્વરી માતાના મંદિરનો ક્લોોઝ અપ ફોટો (૨૦૧૯)


***

          સેકન્ડ બટાલિયન બીએસએફમાં મને ત્રણ વર્ષ થયા હતા. ગમે ત્યારે મારી બદલીનો હુકમ આવવાનો હતો. હું પણ તૈયાર હતો.
    કુલપતિ ક.મા. મુન્શીના પ્રિય પ્રદેશમાં અને રણમાં અત્યંત રોમાંચક સમય ગાળ્યા બાદ નવેમ્બરમાં મારી બદલીનો હુકમ આવ્યો. હુકમ પ્રમાણે મારે પંજાબ-પાકિસ્તાનની સરહદ પર જવાનું હતું. બદલીનો આ હુકમ જોઇ મને નવાઇ લાગી. હું બંગાળી લખી-વાંચી-બોલી શકું એવું મારા સર્વિસ રેકોર્ડમાં લખાયું હતું તેથી પૂર્વ પાકિસ્તાનની સરહદ પર બંગાળમાં મારી બદલી થાય તેવું કહેવામાં આવ્યું હતું. આનું એક અન્ય કારણ પણ હતું.
    માર્ચ ૧૯૭૧માં શ્રીમતી ગાંધીએ જનરલ માણેકશૉને પૂર્વ પાકિસ્તાનના મોરચે યુદ્ધ શરૂ કરવા લગભગ આદેશ જ આપ્યો હતો. આખી કૅબીનેટની સમક્ષ જનરલ માણેકશૉએ પોતાનો સ્પષ્ટ મત આપ્યો: વ્યૂહાત્મક દૃષ્ટીએ યુદ્ધ માટે આ સમય અનુકૂળ નથી. પ્રથમ તો ઈશાન દિશામાં હિમાલયના ઘાટ ચીન માટે ખુલ્લા હોવાથી તેમની સેના પાકિસ્તાનની મદદે તરત જ તીડનાં ધાડાંની જેમ હાલના અરૂણાચલમાં પ્રવેશી આસામ અને બંગાળમાં ઉતરશે. પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાથી પશ્ચિમ પાકિસ્તાનમાં રહેલ પાકિસ્તાનની બે આર્મર્ડ ડીવીઝન્સ માટે પંજાબનો સપાટ પ્રદેશ આક્રમણ કરવા અનુકૂળતા કરી આપશે. તેવી જ રીતે કાશ્મિરમાં અખનૂર - ચિકન નેક વિસ્તારમાંથી દુશ્મનની સેના સીધો જમ્મુ પર હુમલો કરી શકશે. આમ ભારતીય સેનાને ચાર મોરચા પર યુદ્ધ ખેલવું મુશ્કેલ થશે. બીજીજ પ્રતિકૂળ સ્થિતિ હવામાન ની હતી. બંગાળમાં એપ્રિલ - મેમાં વરસાદની ઋતુ શરૂ થાય છે. વરસાદના એ ઝાપટામાં જ પૂર્વ પાકિસ્તનામાં આવેલાં અસંખ્ય નાળાં-નદીઓ પાણીથી ઉરાઇ જાય અને આજુબાજુના ખેતરોમાં ફેલાય. આવી ચીકણી ધરતી પર આપણી ભારે સેન્ચ્યુરીઅન ટૅંક્સ એવી ફસાઇ જાય, કે ત્યાંથી આગળ કે પાછળ વધી જ ન શકે. આવા મોરચા પર યુદ્ધ કરવા રશિયાની PT - એટલે પાણીમાં તરી શકે તેવી ટાંક્સ જોઇએ અને પુલ બાંધવા માટેની સામગ્રી  પણ જોઇએ. આમાંનું કશું ભારતીય સેના પાસે નહોતુંં.  જીત મેળવવી હોય તો ડિસેમ્બર મહિનો બધી રીતે અનુકૂળ છે અને તેઓ નિશ્ચયપૂર્વક વિજય મેળવી આપશે.
    બીજી તરફ આસામમાં પૂર્વ પાકિસ્તાનમાંથી આવતા નિર્વાસીતોની સંખ્યા એક કરોડથી વધુ થઇ હતી. પૂર્વ બંગાળના નાગરિકો અને ખાસ કરીને શેખ મુજીબુર્રહેમાન ભારત પાસે મદદનો પોકાર કરી રહ્યા હતા. તેમને શસ્ત્રાસ્ત્ર તથા માનવબળની સહાયતા આપવાની આવશ્યકતા તીવ્રતાપૂર્વક ભાસવા લાગી હતી. શ્રીમતી ગાંધીએ બીએસએફના ડાયરેક્ટર જનરલ કે.એફ. રુસ્તમજીને બોલાવી આ દિશામાં તેઓ કશું કરી શકશે કે કેમ પૂછ્યું. શ્રી. રુસ્તમજીએ તૈયારી દર્શાવી, અને તે મુજબ તેમણે પચાસ જેટલા ચુનંદા અફસરોને મુક્તિવાહિનીને પ્રશિક્ષણ આપી, પાકિસ્તાની સેના પર ગેરીલા યુદ્ધ આદરવા નેતૃત્વ આપવાનો હુકમ આપ્યો. બંગાળી અફસરોને પાકિસ્તાનની સીમા પર રેડીયો સ્ટેશન સ્થાપી પ્રચાર કાર્ય માટે મોકલ્યા. બીએસએફના અફસર અને જવાન સામાન્ય નાગરિકના પોશાકમાં પૂર્વ પાકિસ્તાનમાં કારવાઇ કરતા થયા હતા. આ કાર્યમાં મુક્તિવાહિનીના કમાંડર મેજર ઝીયા ઉર્રહેમાન, જેઓ ઇસ્ટ બૅંગાલ રાઇફલ્સના અફસર હતા તેમની સાથે મળી ઉગ્ર કારવાઇ શરૂ કરી. આપણા અફસરોએ આપેલ નેતૃત્વ અને પ્રશિક્ષણનો લાભ લઇ મુક્તિવાહિનીને પાકિસ્તાની સેના સામે છાપામાર લડાઇ (guerrilla warfare)માં સારી સફળતા મળી.
    મને બંગાળી સારૂં આવડતું હોવાથી મને ત્યાં મોકલવામાં આવશે એવું હું ધારતો હતો. મેં પણ બંગાળ જવાની માનસિક તૈયારી કરી રાખી હતી, તેથી NRS Amritsar (નિયરેસ્ટ રેલ્વે સ્ટેશન અમૃતસર)નો હુકમ જોઇ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું.
    મારા સૈનિકોની વાત કરૂં તો સૈન્યમાં પ્રવર્તતી કહેવત સાચી નીકળી: There are good officers and bad officers, but never a bad jawan. મારા જવાનો જગતના સર્વશ્રેષ્ઠ સૈનિકો હતા. બળબળતા રણમાં ઊંટ પર માઇલોના માઇલો પેટ્રોલિંગ ડ્યુટી કરવામાં તેમણે કદી પાછી પાની ન કરી. રણમાં અમારા માટે આવતા ખારા પાણીમાં સ્નાન કરવાથી શરીર પર સફેદ થર જામી જતો, તેનો તેમણે વિના વiરોધ સ્વીકાર કર્યો. કેટલાક જવાનોનાં ગામ રાઘાજીના નેસડાથી કેવળ ૫૦ કિલોમીટર દૂર રાજસ્થાનમાં હતા. રજાઓ પર પ્રતિબંધ આવ્યો ત્યારે તેમાંના કેટલાક નવપરિણિતો પોતાની પત્નિને મળવા જઇ શકતા નહોતા, પણ ડ્યુટીમાં તેમણે કદી કંટાળો કે નારાજી ન દર્શાવી. તેમનો કંપની કમાંડર પણ તેમની સાથે જ એકલતા અનુભવી રહ્યો હતો જેનો તેમને અહેસાસ હતો. એક બીજાના દુ:ખમાં અને સુખમાં અમે સાથી હતા અને આ સંબંધ તેમણે બરાબર નિભાવ્યો. મારી બટાલિયનમાં મારી ‘ફૉક્સટ્રૉટ’ કંપની બધી વાતે ઉત્તમ હતી. તેમને છોડવાનો સમય આવ્યો હતો. ભારે હૃદયે તેમને છોડીને જવું પડ્યું.

1 comment:

  1. 'कधीही वाईट जवान नाही. धगधगत्या वाळवंटात उंटांवर मैल-बाय-मैल पेट्रोलिंग ड्युटी करण्यापासून तो कधीही मागे हटला नाही. जवानांचे गाव राजस्थान मध्ये होते, राघाजी मध्ये NASDA पासून फक्त 30 किमी अंतरावर. सुट्ट्यांवर बंदी घालण्यात आली होती, परंतु कर्तव्यात त्याने कधीही कंटाळा किंवा राग दाखवला नाही. त्याचा कंपनी कमांडर देखील त्याच्याबरोबर एकटेपणा जाणवत होता ज्याची त्याला जाणीव होती. आम्ही एकमेकांच्या दुःख आणि आनंदात भागीदार होतो आणि त्यांनी हे नाते चांगले जपले. '
    जड अंतःकरणाने ही पोस्ट सोडूया.

    ReplyDelete