Pages

Friday, September 3, 2021

૧૯૭૦ - એક અનોખી રણભૂમિ (૨)

    ક્ચ્છના મોટા રણમાં વિતાવેલ વર્ષો ઘણી દૃષ્ટીએ યાદગાર રહ્યાં. અહીં જોયા અમે જંગલી ગધેડાં. કલાકના ૪૦ કિલોમીટરની ગતિથી દોડતાં આ પ્રાણી બાવળનાં પાંદડા ખાઇને જીવે. પણ પાણી ક્યાંથી મેળવતા હશે? તેમને પાળવાના બધાં પ્રયત્ન નિષ્ફળ થયા છે. શિયાળામાં યુરોપથી હજારોની સંખ્યામાં 'રાતા બગલા'

સુરખાબ (ફ્લેમિંગોઝ) રણમાં આવી ચઢે છે અને ખારા પાટમાં આખા વર્ષની ગરમીમાં નજરે ન ચઢનારા નાનકડા કરચલા અને જિંગા એક જ વરસાદમાં જાદુઇ રીતે જીવિત થઇને તેમનું ખાદ્ય બનવા તૈયાર થાય છે! રશિયાના સૌંદર્યવાન કુંજ પક્ષી (Demoiselle Crane - અર્થ : કૌમાર્યશીલ કન્યા-સમા બગલા) અહીં જ શા માટે આવે છે? ‘ગ્રેટ ઇંડીયન બસ્ટર્ડ’ તથા હરણાંઓના ઝુંડને રણમાં જેટલી સુરક્ષીતતા જણાય છે, એટલી અન્ય સ્થળે શા માટે જણાતી નથી? અને રાતના સમયે ખારા પાટની મધ્યમાં, જ્યાં કોઇ માનવ પગ પણ ન મૂકી શકે, ત્યાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-ચાર દીપક કેવી રીતે પ્રગટે છે? અને તેમને તેજ ગતિથી જમીનને સમાંતર કોણ ઉડાવે છે?
   

મૃગજળની વાતો ઘણી વાર સાંભળી હતી.  પહેલી વાર બળબળતી બપોરમાં અમે ઊંટ પર બેસી પેટ્રોલિંગ પર નીકળ્યા તો દૂર, ખારાપાટની પેલે પાર દરિયા જેવો પાણીનો પ્રવાહ જોયો. તેની ઉપર વરાળની પરત હતી અને તેની પેલે પાર  ઊંટોનું ટોળું દેખાયું. મેં અમારા પગીને પૂછ્યું, આ જંગલી ઊંટ છે કે પછી કોઇએ તે છૂટા મૂક્યા છે? તેણે કહ્યું,' સાહેબ, તમારી દુરબિનથી જુઓ. આ હરણાં છે.  અને આ દરિયો નથી. ઝાંઝવાનાં જળ છે. રણમાં આવું હંમેશા દેખાય છે.' વાત સાચી હતી. Refraction of lightના કારણે આવું optical illusion થતું હોય છે.

***
    મારી કંપનીની જવાબદારીના બાઉંડરી પિલર (BP) પર સીધા જઇ શકાય તેવું નહોતું. આ BP અને અમારી સેક્શનના દસ જવાનોની ચોકીનો બેટ, જે OP (ઑબ્ઝર્વેશન પોસ્ટ) હતી અને જેનું વર્ણન ગયા અંકમાં કર્યું હતું, ત્યાંથી ખારો પાટ શરૂ થાય. આ salt flat એવા હતા કે તેની સપાટીથી ત્રણ - ચાર ફિટ નીચે ઊંડું ખારૂં પાણી હતું. તેમાં ગરક થઇ જવાય તો હાડકાં પણ હાથ આવે નહીં. તેથી BP તપાસવા કે ત્યાંથી કોઇ ઘૂસણીયા દેશમાં પેસી તો નથી ગયાને તે જોવા, પાડોશી દેશની બૉર્ડર પર કોઇ ગતિ વિધિ તો નથી થઇ તેની ચોકસાઇ કરવા મારે ત્યાં પહોંચવું જરૂરી હતું. આ માટે અમારે માવસારીથી રાજસ્થાનમાં  BSFની બાડમેર બટાલિયનની ભાખાસર અને બ્રાહ્મણાં-કી-ઢાણી નામની બૉર્ડર આઉટપોસ્ટ (BOP) પર જવું પડતું. જ્યાં તેમની હદ પૂરી થાય, ત્યાંથી BSF ગુજરાતના BP શરૂ થાય. અમારે  તેના કિનારે જવું પડે. અમને સખત હુકમ હતો કે જો જીપના પૈડાં નીચેથી કાળા કાદવનો છાંટો પણ ઉડે, તરત જીપ રોકી પાછા ફરવું. નકશામાં કયા પૉઇન્ટ પર આ કાદવ છે તેની નોંધ કરી અમારા હેડક્વાર્ટરને જણાવવું. આની નોંધ છેક દિલ્હીમાં આવેલા અમારા ડાયરેક્ટર ઑફ ઑપરેશન્સ પાસે જાય અને ત્યાંથી આર્મી હેડક્વાર્ટર્સમાં. આનું કારણ છે ક્યા પૉઇન્ટ સુધી જમીન સખત છે જ્યાંથી ભવિષ્યમાં કદાચ હુમલો કરવાનો થાય કે હુમલો થવાનો હોય, તેની અમને જાણ રહે અને તે પ્રમાણે તૈયારી કરી શકાય.
    મારી પહેલી પેટ્રોલિંગ ડ્યુટી યાદગાર રહી. જેવા અમે રાજસ્થાના ગામમાં પ્રવેશ કર્યો, ગામના મુખીએ અમારી જીપ રોકી અને 'પધારો સા, ચાઇ આરોગીને આગળ જવાનું છે, હુકમ." આ હતી તેમની પરંપરાગત મહેમાનગતિ. મને તરત કિશનસિંહજી ચાવડાના પુસ્તક - અમાસના તારામાંનો એક પ્રસંગ યાદ આવ્યો. ટ્રેનથી પ્રવાસ કરતી વખતે તેમના ડબામાં એ અત્તરવાળો આવ્યો અને 'હુકમ' શબ્દ બોલતાં જ કિશનસિંહજીએ તેમને પૂછેલું કે રાજસ્થાનના ક્યા ગામથી તેઓ પધારે છે! તેને નવાઇ લાગી ત્યારે કિશનસિંહજીએ તેને કહ્યું હતું, "રાજસ્થાનની તહેજીબ (સંસ્કાર)માં વાક્યને અંતે શબ્દ બોલાય છે, 'હુકમ'.  અમે રોકાઇ શકતા નહોતાં ત્યાં ગામનો પોલીસ પટેલ આવ્યો આદરથી પૂછ્યું, 'સા, કઠિને પધાર્યા હો, હુકમ?" (ક્યાંથી પધાર્યા છો, સાહેબ?) અને એ જ મહેમાનગતિનો આગ્રહ. અમારે તરત નીકળવું પડ્યું તેથી કહ્યું, ફરી કોઇક વાર!
    વહેલી સવારે નીકળ્યા હતા પણ બપોરનું ભોજન સાથે લઇને નીકળ્યા હતા. ભાખાસરની BOP પર ત્યાંના કમાંડરને મળી સીધા બ્રાહ્મણાં કી ઢાણી પર ગયા.
    ઢાણી એટલે પાંચ- દસ ઝૂંપડાઓનું ગામ. આવી જ્ઞાતિ સૂચક કે સ્થળ સૂચક ગામ રાજસ્થાનના થારમાં ઠેર ઠેર મળે. બ્રામ્હણાં કી ઢાણીનાં ઝૂંપડા બે-ત્રણ માઇલ દૂર હતા. ચોકી એક નાનકડી ગઢી જેવી હતી. પત્થરોની દિવાલ પર રાઇફલમેનના બંકર, પાછળ નાનકડી ઓસરી અને એક મોટો ઓરડો જ્યાં જવાનો સૂએ. રસોઇ માટે લંગર અને એક સાંગરીના ઝાડની નીચે ઓટલો બાંધેલો હતો, જેની આસપાસ બેસી જવાનો જમે. 
    ચોકીમાં પહોંચતાં પહેલાં ભાખાસરની ચોકીએ તેમને જાણ કરી હતી કે અમે ત્યાં પહોંચીએ છીએ. પોસ્ટ કમાંડર એક વૃદ્ધ ગુરખા હવાલદાર હતા. તેમણે સૅલ્યૂટ કરીને કહ્યું, "હુકમ, ભોજનનો ટેમ થયો છે તો જમી - કરીને જ આગળ જશો. આપના માટે ભોજન તૈયાર છે."   મને નવાઇ લાગી. પણ આ તો ફોજનો શિરસ્તો છે, અને તેમાં ભળી રાજસ્થાનની મહેમાનગતી! ભોજનમાં રોટલી, તીખું તમતમતું બટેટા - સાંગરીનું શાક અને દાળ. અમને ખબર હતી કે આ ભોજન ત્યાંના જવાનોના રાશન એલાવન્સમાંથી ખરીદેલી સામગ્રીમાંનું હતું. મેં તેમને કહ્યું  કે અમે પૅક લંચ લઇને નીકળ્યા છીએ, પણ તેઓ માનવા તૈયાર જ નથયા. 'સા, આપ નહીં જીમેંગે તો યે ખાના બરબાદ હો જાયેગા, હુકમ." શું કરીએ? અમે જમ્યા અને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો. હવાલદારની આંખમાં પાણી આવ્યું. 'સાબજી, આપ અમારા મહેમાન છો." Between the Lines અર્થ નીકળતો હતો, મહેમાનગતીની કિંમત ના કરશો, હુકમ. 
    અમે તેમની સાથે વાતો કરી ત્યારે જાણવા મળ્યું કે મહિનામાં એક વાર, જ્યારે તેમના કંપની કમાંડર જવાનોનો પગાર આપવા આવે, ત્યારે તેમના માટે મહિનાનું રાશન લાવે. શાક ભાજીમાં કાંદા - બટેટા અને બે -ત્રણ દિવસ ચાલે એટલાં તાજાં શાક ભાજી. ત્યાર પછી 'દાલ-રોટી-ચાવલ' કોઇ કોઇ વાર કાંદા બટેટાનું શાક, નહીં તો નજીકનાં સાંગરીના ઝાડનાં કૂણાં પાંદડાંનું શાક રોજનો આહાર. કોઇ કોઇ વાર ભાખાસરના બજારમાંથી મળે તો શાકભાજી લાવે. ભોજન બાદ અમે પેટ્રોલીંગ પર ગયા, પાંચે'ક માઇલ ગયા બાદ પાછા આવવું પડ્યું.
    બીજી વાર પેટ્રોલીંગ પર જવાનું થયું તે પહેલાં મેં એક જવાનને પાલનપુર મોકલ્યો અને ચાર-પાંચ ડઝન કેળાં અને એટલી જ નારંગી મંગાવી. ભાખાસર પોસ્ટ પર થોડી આપી. જ્યારે બ્રાહ્મણાં કી ઢાણીના કમાંડરને ફળ આપ્યાં તો પહેલાં તો તેમની આંખમાં ઝળઝળીયાં આવ્યા. પછી બોલ્યા,"શાબજી, આપ શંતરા લાયા? ઇસ ઢાણીને ઉસકી હયાતીમેં પહેલી બાર શંતરા દેખા ! આપને બો'ત મહેરબાની કિયા! " અમે નિ:શબ્દ. અમે તો તેમની મહેમાનગતીની કદર કરવા એક નાની સરખી ભેટ લઇ ગયા હતા અને તેની આટલી કૃતજ્ઞતા જોઇને ખરેખર સંકોચ થયો. પણ જ્યાં સુધી જિપ્સી રાઘાજીના નેસડામાં રહ્યો, અને રાજસ્થાન જવાનું થયું, આ શિરસ્તો ચાલુ રાખ્યો.
    આવતા અંકમાં બનાસકાંઠામાં  સાંભળેલી - અનુભવેલી કેટલીક આખ્યાયિકાઓની વાત કરીશું. 
***
    

5 comments:

  1. जंगली गाढवे. सुरखब, खेकडे आणि गिंगा, सुंदर कुंज पक्षी, एकदा पाहिल्यावर आयुष्य गोड होते
    'उगवत्या दुपारी, आम्ही उंटांवर बसलो आणि गस्तीवर गेलो, आणि अंतरावर, मिठाच्या सपाट ओलांडून, आम्हाला समुद्रासारखा पाण्याचा प्रवाह दिसला. त्यावर वाफेचा परतावा होता आणि उंटांचा कळप त्या ओलांडून दिसला. मी आमच्या पायांना विचारले, हा रानटी उंट आहे की कोणीतरी त्याला जाऊ दिले आहे? तो म्हणाला, '
    सर, तुमच्या दुर्बीणातून बघा. हे हरण आहेत. आणि हा समुद्र नाही. कुंडात पाणी आहे. हे नेहमीच वाळवंटात असते. '
    ते खरे होते. प्रकाशाच्या अपवर्तनामुळे असा ऑप्टिकल भ्रम होतो. ' वर्षापूर्वी मी जे अनुभवले ... मला पुन्हा आनंद घ्यायचा आहे
    गस्त घालण्याच्या कर्तव्याचा अविस्मरणीय
    धन्य

    ReplyDelete
    Replies
    1. આ. પ્રઝાજુ,
      મરાઠીમાં પ્રતિભાવ આપવા માટે આભાર. જો કે આપને મરાઠી લખવામાં (કે અનુવાદ કરવામાં) જે માતાજી કે બહેનજી મદદ કરે છે, તેમને એટલું કહેજો કે જીંગાને મરાઠીમાં ગીંગા નહીં, जिंगे કહેવાય છે. વળી उंटांचा कळप त्या ओलांडून दिसला.બરાબર નથી. "त्याच्या पलीकडे उंटांचा कळप दिसला" બાકી આપના પ્રયત્ન માટે અભિનંદન અને આભાર!

      Delete
    2. आदरणीय कॅप्टनजी
      तुमचे उत्तर आवडले
      मी चुका करत राहीन
      सुधारण्यापेक्षा
      धन्यवाद

      Delete
  2. Replies
    1. આભાર, સુરેશભાઇ. Teachers' Day માટે આપનો આભાર અને વંદન - આ બ્લૉગ તૈયાર કરી આપવા માટે આપે જે માર્ગદર્શન આપ્યું તે માટે ફરી એક વાર આભાર!

      Delete