Pages

Thursday, July 22, 2021

ફિલ્લોરા

    ૧૯૩૯-૪૪માં થયેલા બીજા વિશ્વયુદ્ધ બાદ જગતના ઇતિહાસમાં સૌથી ભયંકર ટૅંક યુદ્ધ ફિલ્લોરામાં થયું હતું. અહીં ભિડાઇ હતી પાકિસ્તાનની 6 Armoured Division, જેમની પાસે હતા આધુનિક યંત્રણા અને હથિયારોથી સજ્જ થયેલ પૅટન તથા  ચૅફી ટૅંક  અને ઇન્ફન્ટ્રી પાસે જીપ પર ચઢાવેલ ભારે RCL (રિકૉઇલ-લેસ) ગન, જેના ખાસ પ્રકારના ગોળા આપણી ટૅંકને ભેદી શકે. તેમની સામે હતી ભારતની 1 Armoured Division જેમની પાસે સેન્ચ્યુરિયન તથા જુની શર્મન ટૅંક્સ હતી.

    ભારતીય સેના માટે ફિલ્લોરા પર કબજો કરવાનું કારણ એ હતું કે ત્યાંથી ઉત્તરમાં સિયાલકોટ તરફ અને પશ્ચિમમાં લાહોર પર કબજો કરી શકાય એવી પરિસ્થિતિ ઉભી કરવી. આ સ્થિતિને ટાળવા પાકિસ્તાનની સેના, જે અખનૂર પાસેના ચિનાબ નદી પરના પૂલ પર, અને ત્યાંથી જમ્મુની દક્ષિણનો ધોરી માર્ગ કબજે કરી કાશ્મિરને ભારતથી અલગ કરવાની યોજના કરી રહી હતી, તેને ત્યાંથી પાછા ફરી સિયાલકોટ-પસરૂર-લાહોરનું રક્ષણ કરવા માટે જવું પડે. જ્યારે આપણી સેનાએ રામગઢ થઇ ચરવાહ અને મહારાજકે વિસ્તાર પર કબજો કર્યો, તેમની સેનાને ઉપર જણાવેલ વિસ્તારમાંથી પાછા આવી ફિલ્લોરા તથા તેની ઉત્તરમાં આવેલ ચવિંડાના ચાર રસ્તા પર મોરચાબંધી કરવાની ફરજ પડી. 

   ફિલ્લોરા ગામ પાકિસ્તાનના સિયાલકોટ શહેરથી 25 કિલોમિટર દક્ષિણમાં આવેલ છે. તેના પર સંયુક્ત હુમલો કરવાની જવાબદારી  કર્નલ અરદેશર તારાપોરની 17 Horse (જે પુના હૉર્સના નામે પ્રખ્યાત છે) તથા 4 Horse - જે 'હડસન્સ હૉર્સ' ના નામે જાણીતી છે, તેમને તથા ઇન્ફન્ટ્રી (પાયદળ)માં અમારી 5/9 ગોરખા રાઇફલ્સ તથા 5મી જાટ બટાલિયનને સોંપવામાં આવી. 

    ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫ની વહેલી સવારે પુના હૉર્સ અને હડસન્સ હૉર્સની તોતીંગ સેન્ચ્યુરીયન ટૅંક્સના ગડગડાટ ભર્યા અવાજમાં તેમની સાથે મારા વાહનોમાં સવાર થયેલા ગોરખાઓને લઇ અમે ધસી ગયા. સામે તૈયાર બેઠેલી તેમની ટૅંક્સ તથા ઇન્ફન્ટ્રીની રિકૉઇલલેસ ગનની ગોલંદાજી સામે એક તરફ ટૅંક યુદ્ધ શરૂ થયું, અને સાથે સાથે તેમની બલોચ, ફ્રન્ટિયર ફોર્સ તથા પંજાબ રેજિમેન્ટના લડવૈયાઓ સામે જયઘોષની ગર્જના થઇ : ગોરખા બટાલિયનની  “જય મહાકાલી - આયો ગોરખાલી” અને બીજી પાંખ પર જાટ રેજિમેન્ટનો યુદ્ધ નિનાદ  “જાટ બલવાન-જય ભગવાન”ના નારાથી રણ મેદાન ગાજી ઉઠ્યું. અમારાં વાહનોમાંથી ઉતરીને કતારબદ્ધ થયેલા ગોરખાઓ દુશ્મનની તોપની બૉમ્બવર્ષામાંથી આગળ વધી ખાઇઓમાં ઉભા રહીને કાતિલ લાઇટમશીન ગન તથા બ્રાઉનીંગ મીડિયમ મશીનગનથી ગોળીબાર કરી રહેલ શત્રુ પર ધસી ગયા. તેમના ગોળીબારમાં આપણા ઘણા યોદ્ધાઓ વીર થયા, ઘાયલ થયા, પણ અંતિમ લક્ષ્ય પરથી કોઇની નજર હઠી નહિ. ટૅંકોની તોપોની ધણધણાટી, તેના પાટા નીચેથી ઉડતી ધૂળ, કાળભૈરવના સેંકડો મુખમાંથી નીકળતા ક્રુર અને ખડખડાટ હાસ્યનો આભાસ કરાવતા હોય તેવા મશીનગનના ગોળીબારના અવિરત ધ્વનિમાં ઠેર ઠેરથી સામુહિક ગર્જના સંભળાતી હતી “આયો ગોરખાલી”! દુશ્મન પર ધસી જતા આપણા સૈનિકો ગોળી વાગતાં ધરા પર પડતા હતા, પણ ઘસડાતા જઇને દુશ્મનની ખાઇમાં હાથગોળા (ગ્રેનેડ) ફેંકવા આગળ વધતા હતા.

     દુશ્મન પર “ચાર્જ” કરતી વખતે (ધસી જવાના સમયે) જમીન પર પડતા સૈનિકને તે ઘડીએ ઉઠાવવા કોઇ રોકાય નહિ. તેમના સાથીઓનું કામ હોય છે કેવળ ખાઇ (ટ્રેન્ચ)માં બેસી અમારા પર રાઇફલ અને મશીનગનથી ગોળીઓનો મારો કરી રહેલ દુશ્મનને તેની ખાઇમાંજ ખતમ કરવાનું. 

     તેમની ટૅંકોની એક બ્રિગેડ (૧૨૦ જેટલી ટૅંક્સ) આપણો હુમલો નાકામ કરવા તથા પોતાના પાયદળના સૈનિકોનું રક્ષણ કરવા તૈયાર હતી. પૅટન ટૅંક આધુનિક શસ્ત્ર-સામગ્રીથી સજ્જ હોવા છતાં આપણી સેન્ચ્યુરિયન ટૅંક્સના યુવાન અફસરો તથા અનુભવી JCOsની ટ્રેનિંગ તથા નિશાનબાજી અચૂક હતી.  આ લડાઇમાં ટૅંકની સામે ટૅંક એક બીજા પર ગોળા વરસાવતી હતી. અંતે આપણા સૈનિકોનો આત્મવિશ્વાસ, હિંમત, અનુભવ અને પ્રશિક્ષણ વધુ પ્રભાવશાળી નિવડ્યો. આ ઘમસાણ યુદ્ધમાં ભારતની ૧૫૦ - ૨૦૦ વર્ષની જુની પરંપરાગત શૌર્યગાથા ધરાવતી 'પુના હૉર્સ' અને 'હડસન્સ હૉર્સ'ના સવારોએ આ લડાઇમાં પાકિસ્તાનની ૬૦ જેટલી ટૅંક્સ ધ્વસ્ત કરી. તેની સામે આપણે ૬ સેન્ચ્યુરિયન ટૅંક્સ ગુમાવી. હાથોહાથની લડાઇમાં ગોરખા તથા જાટ સૈનિકોએ તેમની સામેના પાયદળની સંગિન મોરચાબંધી પર ધસી ગયા. અમારી ગોરખા રેજિમેન્ટનો 'ચાર્જ' જોવા જેવો હતો. ગોરખા સૈનિકો ડાબા હાથમાં રાઇફલ અને જમણા હાથમાં ખુલ્લી ખુખરી વિંઝતા  "આયો ગોરખાલી"ની ત્રાડ પાડી તેમની ખાઇઓ પર ધસી ગયા. અમારી બાજુના flank (પડખા)માં રહેલા દુશ્મન પર રાઇફલ પર બૅયોનેટ ચઢાવીને ધસી રહ્યા હતા જાટ સૈનિકો. જોતજોતામાં પર્તિસ્પર્ધીને પરાજિત કરી અમે ફિલ્લોરા ગામની સીમમાં મોરચાબંધી કરી..

    વિશ્વની સૈનિક પરંપરામાં જે રણભૂમિ પર વિજય ગાથા લખનાર રેજિમેન્ટને માન-ચિહ્ન અપાય ચે - જેને Battle Honour કહેવામાં આવે છે. આ યુદ્ધમાં 5/9 GR (નવમી ગોરખા રેજિમેન્ટની પાંચમી બટાલિયન)ને તથા જાટ રેજિમેન્ટની પાંચમી બટાલિયનને 'Battle Honour Phillora' ના બહુમાનથી વિભૂષિત કરવામાં આવી.

    ત્યારથી દર વર્ષે ૧૧મી સપ્ટેમ્બરના રોજ પાંચમી જાટ અને 5/9 ગોરખા બટાલિયન Phillora Day ઉજવે છે. શહિદોને અંજલી આપે છે. તે દિવસે યોજાતા “બડા ખાના”માં અફસરો અને જવાનો એક સાથે ભોજન કરી તે દિવસનો ઉત્સવ ઉજવે છે.  

9th Gorkha Rifles - Wikipedia
5/9 ગોરખા રાઇફલ્સનો કૅપમાં લગાવવાનો બૅજ


    આવતા અંકમાં આ રણક્ષેત્રમાં ખેલાયેલ બીજા યુદ્ધની - ચવીંડાની લડાઇની વાત કરીશું.   


No comments:

Post a Comment