Pages

Wednesday, July 21, 2021

યુદ્ધ, યોદ્ધા અને યુદ્ધબંદી!


    અમારી બ્રિગેડનું પ્રથમ લક્ષ્ય હતું ચરવાહ નામનું ગામ. અહીં પાકિસ્તાનની સેના બે રીતે અમારૂં સ્વાગત કરવા તૈયાર હતી. યુદ્ધ પ્રણાલીમાં આને classical scenario કહી શકાય. રક્ષણ કરવા સુરક્ષિત ખાઇઓ ખોદી, તેમાં સાબદા બેઠેલા સૈનિકો તેમના પર હુમલો કરવા આવનાર સેનાને મરણીયા થઇને રોકવા તૈયાર બેઠા હોય છે. આ ખાઇઓ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે સામાન્ય નજરે જોઇ ન શકાય. આ ખાઇઓ પર ઘાસ, ઝાંખરા, વેલા અને પત્થર એવી રીતે ગોઠવવામાં આવે છે - જેને camouflage કહેવામાં આવે છે, જેથી આગંતુક સેનાને એવું લાગે કે આ સામાન્ય વિસ્તાર છે, અને ત્યાં આસાનીથી જઇ શકાય. તેથી આગેકૂચ કરનાર સૈનિક સહેજ અસાવધ રહે અને જેવા તેઓ ખાઇમાં બેસેલા સૈનિકોના હથિયારની rangeમાં આવે, તેમની આગેકૂચ રોકીને શકે. તેમના સંરક્ષણમાં વધારો કરવા બીજી પણ તૈયારી કરવામાં અવે છે. જ્યાં હુમલો થવાની આશંકા હોય, ત્યાં અગાઉથી આ તૈયારી થાય, જેમાં ખાઇથી ૫૦૦ આગળના વિસ્તારમાં આર્ટિલરીના ગોળા વરસાવવા માટેની યોજના. તેમાંથી પણ આગળ વધી જનાર સૈન્યને રોકવા ખાઇઓની સામે માઇનફિલ્ડ બિછાવવામાં આવે છે. છેલ્લે મોરચાબંધી કરીને બેસેલા સૈનિકો તેમના હથિયાર સાથે તૈયાર હોય. 

    અમારી ડિવિઝને જે Front પરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો, તે વિસ્તારમાં તેમની સેનાએ કોઇ પૂર્વ તૈયારી કરી નહોતી. તેથી ત્યાં  માઇનફિલ્ડ નહોતાં, પણ તેમની આર્ટિલરી અને ઇન્ફન્ટ્રીને ત્યાં મોકલી ઉતાવળે જ મોરચાબંધી કરી હતી. વળી આ વિસ્તારમાં ઉઁચા વૃક્ષ હતા અને ગામડાંઓમાં ગીચ વસ્તી હતી. આ જગ્યાઓમાં તેમના FOO છુપાયા હતા અને અમારા પર સચોટ અને અસરકારક ગોળા વરસાવી રહ્યા હતા. 

    ડિવિઝનની આગેકૂચમાં તે સમયે મોખરા પર હતી ગઢવાલ રાઇફલ્સની આઠમી બટાલિયન. ઘમસાણ યુદ્ધ થયું. બન્ને પક્ષે યોદ્ધાઓ પોતાનું શૌર્ય બતાવી રહ્યા હતા. આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે પાકિસ્તાનના સૈનિકો સામે યુદ્ધ સહેલાઇથી જીતી શકાય છે.  માન્યતા બરાબર નથી. અમે પ્રત્યક્ષ જોયું છે કે તેમના સૈનિકો સુદ્ધાં છેલ્લી ગોળી - છેલ્લા સૈનિક સુધી લડી લેવાની ક્ષમતા ધરાવે છે. જે જોયું તેનું સવિસ્તર વર્ણન કરી શકાય નહીં; એટલું જરૂર કહીશ કે અમારી તરફ રાઇફલ તાકીને બેસેલા તેમના મૃત સૈનિકોને જોયા છે, અને અમે અમારી સૈનિકોની રીતભાત પ્રમાણે દુશ્મનોના પણ મૃત સૈનિકોને સૅલ્યૂટ કરી વંદન કરીએ અને અંતિમ માન આપીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે બલિદાન વગર વિજય પ્રાપ્ત નથી થતો અને યુદ્ધમાં તો કદી નહીં. 

   યુદ્ધની રણનીતિમાં જે ટુકડીઓ હુમલો કરવામાં અગ્રેસર હોય છે, તેમને હુમલો પૂરો થતાં જખમપટ્ટી કરવા relieve કરવામાં આવે છે અને તેમના સ્થાને બીજી ટુકડીઓ મોકલવામાં આવે છે. ચરવાહ ગામમાં થયેલી લડાઇમાં ગઢવાલ રાઇફલ્સને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અમે (એટલે ગોરખા રેજિમેન્ટે) તેમને રિલીવ કરી ત્યારે તેમના અફસરોને મળ્યા. તેમના એક અફસરનો આબાદ બચાવ થયેલો જોોયો. કૅપ્ટન સિંધુના લોખંડી ટોપા (હેલ્મેટ)નો ઉપરનો ભાગ તોપના ગોળાની કરચથી ઉડી ગયો હતો. એકાદ ઇંચ નીચે આ કરચ લાગી હોત તો...સૈન્યમાં કહેવત છે : મારનેવાલે કો દો હાથ હોતે હૈં. બચાને વાલે કે હજાર હાથ! શિરસ્તા પ્રમાણે અમે ગઢવાલ રેજીમેન્ટે clear કરેલ ચરવાહ ગામથી આગળ ગયા અને ત્યાંની જમરૂખની વાડીમાં મોરચા બાંધ્યા. રાત થઇ હતી અને અમે અમારી બ્રિગેડના મોબાઇલ સ્ટોરેજ, કિચન વિ.ના વિસ્તાર - જેને B-Echelon Area કહેવાય છે, ત્યાંથી આવનાર ભોજનની ગાડીઓની રાહ જોતા હતાં. લડાઇમાં રોજ રાતે ગરમ ભોજન અને બીજા દિવસના બ્રેકફાસ્ટ અને લંચના પાર્સલ, તાજું પાણી, સૈનિકોની ટપાલ વિ. આવતા હોય છે. ત્યાં ખબર આવી કે સવારે પાકિસ્તાની સેબર જેટે અમારા કૉલમની જે ગાડીઓ ઉધ્વસ્ત કરી હતી તેમાં અમારા ‘ફીલ્ડ કિચન’ અને રાશનના કોઠારની ગાડીઓ હતી. વહેલી સવારે અમે કૂચ કરી ત્યારે અમને ગરમ પૂરી-શાક નાસ્તામાં મળ્યાં હતા, અને સાથે બપોર માટે ‘પૅક લંચ’માં પરાઠાં અને સૂકી દાળ મળ્યા હતા. બસ, અમારી પાસે આટલું જ ભોજન હતું.

    નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે. કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે નષ્ટ થયેલા ટ્રક્સની જગ્યાએ નવા ટ્રક્સ આવવામાં વિલંબ થયો હતો. વળી તેમની આધુનિક તોપ અને સ્ટાર ફાઇટર વિમાનોએ અમારી supply chain પર બુરી અસર કરી હતી તેથી પાંચ દિવસ સુધી અમને તાજું ભોજન મળ્યું નહીં ! કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પૂરી અને પરાઠા ત્રીજા દિવસે ચામડા જેવી થઇ ગયા હતા. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા. પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી રીતે કરી શકું?

    આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો. અમારા સમયમાં બટાલિયનના કમાન્ડીંગ ઑફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા. સીઓ એટલે ૧૦૦૦ સૈનિકોના પિતા, તારણહાર. હું મારી પાસે હતા એટલા દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ”

    મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે કાયમ માટે શો કેસમાં રાખીશ.”

    અમે બધાં જ ભુખ્યા રહ્યા.

***

    ત્રીજા દિવસના પ્રસંગો મારા માટે અવિસ્મરણીય છે.
અમારી બટાલિયનને આર્મર્ડ બ્રિગેડની સાથે રહી ફિલ્લોરા નામના ગામ નજીકની કાચા રસ્તાની ચોકડી પર કૂચ કરી રહી હતી. ખેમકરણ સેક્ટર તરફ જવા નીકળેલી પાકિસ્તાનની ૬ઠી આર્મર્ડ ડિવીઝનની ટૅંક્સને તેમણે અમારા સેક્ટરમાં વાળી, તે તથા ઇન્ફન્ટ્રીની એક બ્રિગેડ અમારી રાહ જોઇને બેઠી હતી. તેમના પર હુમલો કરવા સૌ પ્રથમ અમને મહારાજકે નામના ગામ પર કબજો કરી આગળના આક્રમણ માટે તૈયારી કરવાની હતી. આ નાનકડા ગામમાં પાકિસ્તાનની સેનાએ મોરચાબંધી કરી હતી, પણ ઘમસાણ લડાઇ બાદ પાકિસ્તાનની સેના હારી અને તેમને આ ગામ છોડવું પડ્યું. તેમની ‘અજેયતા’ પર ભરોસો રાખનાર મહારાજકેના ગ્રામવાસીઓ ગામમાં રોકાઇ રહ્યા હતા, પણ તેમના ‘રક્ષક’ તેમને ભગવાન ભરોસે છોડી ગયા હતા. આપણા સૈન્યની ટૅંક્સનો ભયાવહ અવાજ નજીક આવેલો સાંભળી ગામમાં  રહી ગયેલા સિવિલિયનો ગામ છોડીને નજીકના શેરડીના ખેતરમાં છુપાઇ ગયા. ગામ પર અમે કબજો કર્યો ત્યારે રાત હતી. સવારે જ્યારે અમે ગામને ‘ક્લિયર’ કર્યું અને આગળ પેટ્રોલિંગ કરવા ટુકડીઓ મોકલી, તેમાંની એક ટુકડી આ ખેતરમાં ગઇ અને તેમાં છુપાયેલ ૩૦-૩૫ જણાંના ટોળાને શોધ્યું.  ટોળામાં હતી કિશોરીઓ, બાળાઓ,  મહિલાઓ અને કેટલાક વૃદ્ધજનોને. પાકિસ્તાની સ્ત્રીઓ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. હું ઍડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે લાવવામાં આવ્યા. મેં તેમને હિંમત આપીને  જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે, તમારી સાથે નહિ. તમે ગભરાશો મા. લડાઇના આ વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડી લઇ જશે. અમારી પાસે આપ બધા સુરક્ષિત છો.”
    આ સમૂહના આગેવાન ગામની પ્રાથમિક શાળાના પ્રૌઢ હેડમાસ્તર હતા. આ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “અમારા અખબાર અને રેડિયો આપની સેના વિશે  ગંદો પ્રચાર કરતા રહે છે. સિવિલિયનો અને સ્ત્રીઓ તો... સાચે જ અમે બહુ ગભરાઇ ગયા હતા. ભારતી ફોજ શરીફ છે એવી મને ધારણા હતી, તેમાં આપ ખરા ઉતર્યા છો. ખુદા આપને..." તેઓ આગળ કશું બોલી શક્યા નહીં.
    મેં આ લોકોને સાંબા જીલ્લાના કઠુઆ નામના ગામ પાસે આવેલા રેફ્યુજી કૅમ્પમાં લઇ જવાની જવાબદારી મારા પ્લૅટુન હવાલદાર ઉમામહેશ્વરનને આપી અને તરત જ તેમને રવાના કર્યા.

1 comment:

  1. amouflage , હથિયારની range , આર્ટિલરીના ગોળા વરસાવવા માટેની યોજના. તેમાંથી પણ આગળ વધી જનાર સૈન્યને રોકવા ખાઇઓની સામે માઇનફિલ્ડ બિછાવવામાં આવે છે.વાત માણી/અનુભવી. છેલ્લે મોરચાબંધી કરીને બેસેલા સૈનિકો ની તૈયારી સામાન્યજન પણ સચેત રહે તો ઘણા પ્રશ્નો ઉકેલાઇ જાય.ાને FOO છુપાયા હતા અને અમારા પર સચોટ અને અસરકારક ગોળા વરસાવી રહ્યા હતા ત્યાં એકલા બળ નહીં પણ કળ પણ અગત્યના રહે.'અમારી સૈનિકોની રીતભાત પ્રમાણે દુશ્મનોના પણ મૃત સૈનિકોને સૅલ્યૂટ કરી વંદન કરીએ અને અંતિમ માન આપીએ...'વાત ખૂબ ગમી.તે પણ કોઇનો લાડકવાયો તો હશે જ!.B-Echelon Area વાતે મજા આવી. Army marches on its stomach!) -a group of soldiers or workers can only fight or function effectively if they have been well fed.વાત દરેક ક્ષેત્રે સત્ય છે.Just as there is no record of Marie Antoinette saying, "Let them eat cake."
    If he did say it, the words would have been as hollow as the stomachs of his soldiers. Though one of the greatest military generals of all time, Napoleon was surprisingly negligent about feeding his army.
    His orders for the Grande Armée's rations were ample enough: "Soup, boiled beef, a roasted joint and some vegetables; no dessert." But bad roads and poor weather often prevented supply wagons from reaching campsites in time.As the Duke of Wellington's redcoats waited outside the village of Waterloo, in present-day Belgium, Napoleon summoned his generals to the farmhouse where he had spent a sleepless night. Wellington, he told them with trademark bravado, was "a poor general." The English were "poor troops." His officers were unconvinced. But the emperor assured them it would all be over by lunchtime.પણ સૌથી સુંદર વાત--અમે બધાં જ ભુખ્યા રહ્યા.
    'ભારતી ફોજ શરીફ છે એવી મને ધારણા હતી, તેમાં આપ ખરા ઉતર્યા છો. ખુદા આપને..." તેઓ આગળ કશું બોલી શક્યા નહીં.'કેવો મોટો ઇલ્કાબ!

    ReplyDelete