Pages

Thursday, May 20, 2021

યંગ ઑફિસર્સ કોર્સ (૨)

     ચાર મહિનાના યંગ ઓફિસર્સ કોર્સ દરમિયાન ઘણાં સુંદર સ્થળો જોવા મળ્યાં. ફિલ્ડ એક્સર્સાઈઝ માટે અમને કુમાંયૂંની પર્વતરાજીમાં લઈ જવામાં આવ્યા. મેજર જિમ કોર્બેટે તેમના પ્રખ્યાત Man-eaters of Kumaonમાં સુંદર રીતે ચિત્રિત કરેલો પ્રદેશ જોવા મળ્યો. અમારો કૅમ્પ નૈનિતાલથી થોડે દૂર આવેલ ભવાલી નામના સુંદર ગામમાં હતો. જોકે મારા મનમાં કાયમ માટે કોઈ ગામ કોતરાઈ ગયું હોય તો તે રાનીખેતના રસ્તા પર આવેલ રમણીય રામગઢ હતું




યુરોપ-અમેરિકામાં અનેક સુંદર સ્થળો જોયા પણ સૌંદર્યવતી માતા પાર્વતીની બન્ને કેડ પર બિરાજેલા કાર્તિક અને ગણેશ જેવા શોભતા, અપ્રતિમ દૃશ્ય જેવું ગામ તથા તેની સામેના ભાગમાં આવેલી સફરજનની વાડીઓ, વનશ્રી અને નયનરમ્ય પહાડનું ચિત્ર મારા મનમાંથી કદી ખસ્યું નથી. તે વખતે વિચાર આવી ગયો હતો કે જીવનની સંધ્યામાં આવનારું વાનપ્રસ્થ અહીં કરીશ. કોઈ કોઈ સ્વપ્ન સત્ય નથી થતાં, તેમ છતાં તેમાંના કેટલાક સ્વપ્નોનું સૌંદર્ય એવું હોય છે કે તે જીવનભર આપણી સાથે રહે છે. આંખ મીંચતાં અંતર્દૃષ્ટિ સામે તે હાજર થાય છે અને લઈ જાય છે આપણા સૂક્ષ્મ શરીરને પેલી પગદંડી પર, જેની બન્ને બાજુએ આવેલી વાડ પર ગૂઝબેરી, રાસ્પબેરીના છોડ, સફરજનની વાડીઓમાં મબલક ફળથી ઝળૂંબતાં વૃક્ષ અને તેમને જોઈ આનંદ અને સંતોષનું સ્મિત કરતા હોય તેવા પર્વતની સમીપે! ભીમતાલના સરોવર, રાનીખેત અને અલ્મોડાની નિસર્ગ સંપદા જોઈને એવું લાગ્યું કે પુરુષ અને પ્રકૃતિને પરમાત્માએ અહીં એક સાથે ઉતાર્યાં છે. અલૌકિક દંપતીનું દર્શન કરવાનું ભાગ્ય કુમાંયૂંમાં મળ્યું અને જીવન ફરી એક વાર ધન્ય થયું!

રાનીખેતથી અલમોડા જનારી સડકની આજુબાજુના વિસ્તારમાં, ભીમતાલના સાન્નિધ્યમાં એક સુંદર દૃશ્ય જોવા મળ્યું. ત્યાંની ટેકરીઓ પર ગાય ચારવા લઇ ગયેલી ઓઢણી પહેરેલી નાનકડી બાળા સાથે તોફાન કરતી વાછરડી જોઈ. સાંજના ચારે વાગ્યાનો સમય હતો. બાળાનો ઘેર જવાનો સમય થયો હતો. ડચકારા કરી તેણે ગાયો તો એકઠી કરી, પણ તેના નાનકડા ધણની એક વાછરડી તેનું કહેવું માનતી નહોતી. બાળા લાકડી લઇને જેમ જેમ તેની નજીક જાય, તેમ તેમ વાછરડી દૂર ભાગતી.  બન્ને વચ્ચે પકડદાવનો ખેલ જોવા અમે સૌ રોકાઇ ગયા. આખરે થાકીને વાછરડી તેની મા પાસે પહોંચી અને બાળા તેના ધણને હાંકી તેના ગામ તરફ ગઇ.

બીજો એક મજાનો પ્રસંગ યાદ રહી ગયો હતો તે નૈનીતાલ શહેરમાં . ૧૯૬૪ની વાત છે. તે વખતે બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપ જેવી ગણાતી All England Badminton Championshipની ક્વાર્ટર - ફાઇનલના રાઉન્ડમાં ભારતના દેવિંદર મોહન નામના ખેલાડી રમવાના હતા. મૅચનું પરિણામ જાણવા હું આતુર હતો. નૈનીતાલ સરોવરના કિનારા પર એક લાઇબ્રેરી હતી. હું ત્યાં પ્રવેશ કરવા જતો હતો ત્યાં દરવાને મને રોક્યો. “ભૈયા, યહાં તો લોગ પઢને આતે હૈં. તુમ્હારા કામ નહીં…” મેં જરા ગુસ્સામાં પૂછ્યું, “ક્યોં, યહાં મિલિટરીકે અફસરોંકે આને પર કોઇ પાબંદી હૈ?” 

માફ કરના સાહેબ. હમેં લગા આપ સેન્ટરસે હૈં. આપ અફસર હૈં જાન નહીં પાયા,”

અમેફિલ્ડ સર્વિસનો પોશાક પહેર્યો હતો તેથી ખભા પર પિત્તળના સ્ટારને બદલે કાપડ પર ભરતકામથી બનાવેલા સ્ટાર હતા, તે દરવાને જોયા નહીં. પૂછપરછ કરતાં જણાયું કે નજીકમાં ભારતીય સેનાની  એક શાખા - પાયોનિયર કોરના જવાનોની કંપનીનો કૅમ્પ હતો. પાયોનિયર્સનું કામ unskilled labor નું. સડક બાંધવા માટેનો સામાન લાવવા-લઇ જવાનું, સડક સમારવાનું કામ ઇત્યાદી જેવા કામ કરવા માટે તે જમાનામાં  મોટા ભાગે અશિક્ષિત યુવાનો ભરતી કરવામાં આવતા. દરવાનને લાગ્યું અમે પણઅનપઢ મજદૂર-સિપાહીહતા! 


અમારી એક એક્સરસાઇઝ અલ્મોડા શહેરની નજીક હતી. દૂરથી શહેર દેખાતું હતું, પણ ત્યાં જઇ શક્યા. મને યાદ આવ્યું કે ભારતીય નૃત્યકલાને વિશ્વમાં પ્રસિદ્ધી આપનાર ઉદય શંકર તથા તેમનાં પત્ની અમલા શંકરે અલ્મોડા નજીક નૃત્ય ઍકેડેમી સ્થાપી હતી.

કુમાંયૂંની સ્વર્ગીય સૌંદર્યસભર યાત્રા બાદ મારી બદલી મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરના પરા જેવા મોરાર ગામમાં આવેલા એક લૉજિસ્ટિક્સ યુનિટમાં થઈ. મારું પ્રથમ પોસ્ટીંગ હતું.

સિંધિયાના પાટનગરમાં બદલી થઈ ત્યારે પહેલવહેલો કોઈ વિચાર આવ્યો હોય તો ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીબાઈની સમાધિનો. સ્ટેશનથી અમારા કૅમ્પમાં જવાના રસ્તા પર દેવીની સમાધિ છે. યુનિટમાં જતી વખતે અહીં રોકાઈ તેમના ભવ્ય શિલ્પને ભાવાંજલિ આપી. સુભદ્રાદેવી ચૌહાણની કવિતાના શબ્દો યાદ આવ્યાં: ખૂબ લડી મર્દાની થી, વહ ઝાંસી વાલી રાની થી!











                                                ***

નવા યુનિટમાં મારી નિમણૂક રિસિટ્સ એન્ડ ડિસ્પૅચીસ ઓફિસર તરીકે થઈ.

1962ના યુદ્ધ બાદ મિલિટરીમાં વાહનોની કમી હતી. વિશ્વસનીય અને ખાતરી લાયક ગણાય તેવાં ખાસ વાહનોની ફાળવણીમાં અગ્રતા સરહદ પરના મોરચા સાચવી રહેલા યુનિટ્સને અપાતી. અમારું યુનિટ શાંતિના સ્થળે હતું તેથી ભારવહન માટે અમને ખાનગી પબ્લિક કૅરિયર કોન્ટ્રૅકટ પર લેવાની સૂચના આપવામાં આવી હતી. આવાં વાહનો માટે તેમની `રોડ-વર્ધીનેસના સ્પેસિફિકેશન હોય છે, પરંતુ `ઓછામાં ઓછાભાવનું ટેન્ડર સ્વીકારવાનો આદેશ હોવાથી કે કોઈ `અન્યકારણસર સ્પેસિફિકેશનનું ધ્યાન રખાતું નહોતું. અમને મળેલા આવા `ઓછા ભાવનાજે ખટારામાં બેસી રેલવે સ્ટેશન પર આવેલા પેટ્રોલના ટેંકર તથા અન્ય માલ-સામાનનું ચેકિંગ કરી તેની ડિલિવરી લેવા જતો તે વિશ્વની આઠમી અજાયબી સમાન હતો.

અમારા `સિવિલટ્રકની હાઈડ્રોલિક બ્રેક કામ નહોતી કરતી. તેથી બ્રેકને બદલે તેના હોર્નનો ઉપયોગ કરવામાં આવે. વસ્તીવાળા વિસ્તારમાં પ્રવેશ કરતી વેળાએ અર્ધા માઈલ દૂરથી હોર્નને સતત દાબીને સાઇરન જેવું વગાડવું પડે, જેથી માણસ રસ્તા પરથી હઠી જતાં અને જાનવર ચોમેર દોડવા લાગતાં. અંધાધૂંધ દોડતા જાનવરો અને ગેંડાની જેમ ધસી આવતી અમારી ટ્રકથી બચવા લોકો અમારી ટ્રકનું હોર્ન ઓળખવા લાગી ગયા હતા અને તે દૂરથી સાંભળી આખો રસ્તો ખાલી થઈ જતો. ટ્રકનું સેલ્ફ સ્ટાર્ટર કામ નહોતું કરતું. તેથી ખટારાને ઢાળ પર ઊભો રાખવામાં આવતો. અહીં એક નાનકડો વાંધો પડતો: ટ્રકની હૅન્ડબ્રેક નબળી હતી, તેથી ઢાળ પરથી તેને નીચાણવાળા ભાગમાં ધસી જતી રોકવા માટે તેના પૈડાંની આગળ મોટા પથ્થર મૂકવામાં આવતા. હવે પછી અમારા મજૂરોના કૌશલ્યની કસોટી થાય. વૅગનમાંથી અનાજની ગૂણો અમારી ટ્રકમાં ચડાવ્યા બાદ બે મજૂર પાછળના વ્હિલ પાસે જઈ પથ્થર ખસેડે અને ચારેક જણા પથ્થર ખસેડાયા બાદ ટ્રકને ધક્કો મારે. ટ્રક ગતિમાં આવે કે ડ્રાઇવર ઈગ્નિશન ઓન કરી ટ્રકને બીજા ગિયરમાં નાખે અને ક્લચ અને એક્સિલરેટર પર પમ્પીંગ કરવા લાગે. એન્જિન શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહે અને જેવું ટ્રકનું એન્જિન ચાલુ થાય, મજૂરો પ્રાણ મુઠ્ઠીમાં મૂકી, વાનર જેવી ચપળતાથી કૂદીને ટ્રકમાં ચઢવા લાગે. જાણે ઓછું હોય, અમારા ડ્રાઇવરની એક આંખ બચપણમાં શીતળાને કારણે જ્યોતિ-વિહીન થઈ હતી! આવામાં ભૂલેચૂકે જો ગાડી રસ્તામાં રોકાઈ જાય તો અમારા દહાડિયા મજૂરોની આવી બને! ધક્કા મારી મારીને તેઓ થાકી જાય અને ટ્રક ચાલુ થઈ જાય તો નસીબ નહીં તો કોઈ ભલા ટ્રક ડ્રાઇવરની મદદથી `ટોકરીને યુનિટ સુધી લઈ જવાની જહેમત કરવી પડે!

પંજાબી ટ્રક માલિકોને તેમના `ખટારાપાછળ કંઈક ને કંઈક લખવાની ટેવ હોય છે. અમારી ટ્રકની પાછળ લખાયેલા વાક્યમાં અમારા વાહનની હાલત સ્પષ્ટ રીતે જણાવી હતી: સદ્ગુરૂ તેરી ઓટ. અર્થ: પરમાત્મા, તારો આધાર!

આવી હતી અમારી વાહનયાત્રા!

યુનિટમાંના મારા સમય દરમિયાન અમારું વાર્ષિક ઇન્સ્પેક્શન થયું. અન્ય વાતોની સાથે શારીરિક ક્ષમતાની પણ કસોટી થાય. આ વખતે નસીબ સારા કે  અમારા દરેક અફસર અને જવાને પૂરી ઇક્વિપમેન્ટ સાથે દસ માઇલને બદલે એક કલાકમાં પાંચ માઈલની દોડ કરવાની હતી. દોડ દરમિયાન મારા ખાતાના 48 વર્ષના નાયક (કોર્પોરલ) અને એક બુઢ્ઢા હવાલદાર હાંફી ગયા. તેઓ રાઇફલ સાથે દોડતા હતા અને તેમની હાલત એવી થઈ હતી કે બન્નેમાંથી કોઈ એક ડગલું પણ દોડી શકે તેમ નહોતાં. મારા સાથી લેફ્ટનન્ટ સુરેશનંદ ધસ્માના અને મેં તેમની રાઇફલો ઊંચકી લીધી, અને આખી દોડ પૂરી થાય ત્યાં સુધી તેમની સાથે રહી તેમને દોડ પૂરી કરવા ઉત્તેજન આપતા રહ્યા. વજન હળવું થવાથી અમારા સાથીઓ પણ દોડ પૂરી કરી શક્યા.

આખું યુનિટ એન્ડ્યોરન્સમાં સફળ થયું તેની ઇન્સ્પેક્શનમાં ખાસ નોંધ લેવામાં આવી.

1 comment:

  1. મેજર જિમ કોર્બેટે તેમના પ્રખ્યાત Man-eaters of Kumaon વાતે દેખાય-
    ટોડલનું શબ --તેની પત્નીનો પ્રેમી અને વકીલની દલિલમા આ પુસ્તકે કેવી રીતે છોડાવ્યો !
    કુમાંયૂંની પર્વતરાજી -'સૂક્ષ્મ શરીરને પેલી પગદંડી પર, જેની બન્ને બાજુએ આવેલી વાડ પર ગૂઝબેરી, રાસ્પબેરીના છોડ, સફરજનની વાડીઓમાં મબલક ફળથી ઝળૂંબતાં વૃક્ષ અને તેમને જોઈ આનંદ અને સંતોષનું સ્મિત કરતા હોય તેવા પર્વતની સમીપે!' વર્ણને આનંદ થયો .
    તો પ્રત્યક્ષ દર્શન ચિતમા જડાઇ જતા યાદ આવે કીટ્સ
    A thing of beauty is a joy for ever:
    Its loveliness increases; it will never
    Pass into nothingness; but still will keep
    A bower quiet for us, and a sleep...
    And now, at once adventuresome, I send
    My herald thought into a wilderness:
    There let its trumpet blow, and quickly dress
    My uncertain path with green, that I may speed
    Easily onward, thorough flowers and weed.
    ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીબાઈની સમાધિનીના દર્શને ધન્ય. પણ હિંદીનાં જાણીતા કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા 'ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી'ની એક પંક્તિ આજે પણ ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારને તકલીફ આપે છે.તે પંક્તિ છે: "અંગ્રેજો કે મિત્ર સિંધિયાને છોડી રાજધાની થી." મતલબ કે અંગ્રેજોના મિત્ર સિંધિયાએ પોતાની રાજધાની પણ છોડી દીધી હતી.સુભદ્રા કુમારી ચૌહાણની આ પંક્તિનો હવાલો આપીને લોકો વારંવાર 1857ની લડાઈમાં સિંધિયા પરિવારે લક્ષ્મીબાઈનો સાથે નહોતો આપ્યો તેની વાત કરે છે.
    નગરનિગમની વેબસાઇટે સિંધિયા રાજવી પરિવાર પર આરોપ લગાવતા લખ્યું કે આ પરિવારે રાણી લક્ષ્મીબાઈને નબળો ઘોડો આપીને તેમની સાથે દગો કર્યો હતો.તે સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ તત્કાલિન મેયર સમીક્ષા ગુપ્તાને વેબસાઇટ પરથી 'આપત્તિજનક' સામગ્રીને હટાવવાની માગ કરી હતી.તે સમયે ગ્વાલિયરનાં સાંસદ યશોધરા સિંધિયા હતાં, જે સિંધિયા રાજવી પરિવારના જ છે.જ્યારે રાજસ્થાનનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયાને ઇન્દોર ખાતે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાના અનાવરણ માટે બોલાવવામાં આવ્યાં હતાં. ત્યારે તેમનો વિરોધ પણ થયો હતો.વસુંધરાએ ત્યારે આ આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે એક મહિલા તરીકે તેમના મનમાં રાણી લક્ષ્મીબાઈ માટે ખૂબ જ સન્માન છે. સિંધિયા પરિવાર પર આંગળી ચીંધવા માટે સમાયાંતરે ઇતિહાસને ખોદવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને નિશાન બનાવવા માટે રાણી લક્ષ્મીબાઈનો ઉલ્લેખ કરી હુમલો કરે છે.
    આમેય ઇતિહાસ માટે કહેવાય'ફતેહ સરકારકી હોતી હૈ,કબ્જા ઉનકા હોતા હૈ !
    `સિવિલ’ ટ્રકની હાઈડ્રોલિક બ્રેક કામ નહોતી અને સદ્ગુરૂ તેરી ઓટ વાત તો અમે ઘણી વાંચી છે એકવાર અનુભવી પણ છે . આહવાથી પરત થતા વઘ ઇ પાસે ડ્રા ઇવરે કહ્યું બ્રેક નથી લાગતી અને એકદમ ધીરી પાડતા અમે કુદી પડ્યા અને પછી આવતા ઢાળે...સૌથી વધુ ગમી વાત-'મારા સાથી લેફ્ટનન્ટ સુરેશનંદ ધસ્માના અને મેં તેમની રાઇફલો ઊંચકી લીધી, અને આખી દોડ પૂરી થાય ત્યાં સુધી તેમની સાથે રહી તેમને દોડ પૂરી કરવા ઉત્તેજન આપતા રહ્યા. વજન હળવું થવાથી અમારા સાથીઓ પણ દોડ પૂરી કરી શક્યા.' એન્ડ્યોરન્સમાં સફળ થયું
    આ પ્રેરણાદાયી વાત પ્રમાણે બધા એન્ડ્યોરન્સમા સફળ થાય...

    ReplyDelete