Pages

Tuesday, May 18, 2021

યંગ ઑફિસર્સ કોર્સ

પાસિંગ આઉટ પરેડ પહેલાં સેનાની કઇ શાખામાં જવું છે, અને તેમાં સુદ્ધાં, કઇ રેજીમેન્ટમાં જવાની ઇચ્છા છે તે લખી આપવું પડે છે. તેમાં પણ અમારે ત્રણ પસંદગીઓ આપવાની રહે, જેથી જે રેજિમેન્ટમાં જગ્યા પૂરાઇ ગઇ હોય તો તેની અવેજીમાં બીજી કોઇ રેજિમેન્ટમાં અમને મોકલી શકાય.  ત્યાર બાદ દરેક કૅડેટના રિપોર્ટ, તેની ઉમર, શિક્ષણ અને અન્ય આવડતને ધ્યાનમાં લઇ તેમની નીમણૂંક કરવામાં આવે છે. 

મારી પહેલી પસંદગી રિસાલામાં જવાની હતી; તે ન મળે તો ઇન્ફન્ટ્રી (રાજપુતાના રાઇફલ્સ કે ગુરખા રાઇફલ્સ જેવી પલ્ટન)  કે આર્ટિલરી (તોપખાનું). તે સમયની જરૂરિયાત એવી હતી કે ૨૫ની નીચેની વયના અફસરોને જ આ ત્રણ સેવાઓમાં મોકલવામાં આવતા. હું લગભગ ૩૦ની વયનો હતો તેથી મારી 'રવાનગી' આર્મી સર્વિસ કોરમાં થઇ. આ શાખામાં મિકૅનિકલ ટ્રાન્સપોર્ટ, ઍનિમલ ટ્રાન્સપોર્ટ, રાશન્સનો પૂરવઠો તથા પેટ્રોલિયમ પદાર્થોની આપૂર્તિ જેવા વિભાગ આવે. તેમાંથી કયા વિભાગમાં અમને મૂકવામાં આવશે તેનો નિર્ણય અમારા યંગ ઑફિસર્સ કોર્સમાં થનારા અમારા મૂલ્યાંકન પરથી લેવાશે, એવું જણાવવામાં આવ્યું. અમારૂં ટ્રેનિંગ સેન્ટર ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં હતું.

ASC School બરેલીમાં મારા જૂથમાં ત્રીસ ઑફિસર્સ હતા. સૈન્યમાં અફસરોનું જીવન કેવું હોય છે તેનો આછો ખ્યાલ અમને અહીં આવ્યો. પ્રથમ તો અફસરોના 'સામાજિક' જીવન પર આવી પડતો વધારાનો આર્થિક બોજ. અમારૂં ટ્રેનિંગ સેન્ટર અખીલ ભારતીય કક્ષાનું હોવાથી કેન્દ્રની મુલાકાતે ઘણા મહેમાનો આવતા. વળી અહીંના કૅન્ટોનમેન્ટમાં માઉન્ટન ડિવિઝનનું હેડક્વાર્ટર હોવાથી જુદી જુદી રેજીમેન્ટમાં પાર્ટીઓ થાય, જેમાં અમારા કમાન્ડન્ટને તથા અન્ય સિનિયર અફસરોને નિમંત્રણ મળતું. તેથી અમારે પણજવાબી પાર્ટીઆપવી પડે. ફેર એટલો હતો કે બહારની પાર્ટીઓમાં અમારા જેવા સેકન્ડ લેફ્ટનન્ટસ્ બાકાત રહેતા, પરંતુ જવાબી પાર્ટીનો ખર્ચ આવે તેમાં અમારેપ્રો રાટાફાળો આપવો પડતો. અમારો અર્ધાથી વધુ પગાર મેસ બિલમાં જતો. અંગત ખર્ચ કાઢતાં જે રકમ બચતી, જેને ઘેર મોકલતાં પણ સંકોચ થાય. પરિણામે ઘણા અફસરો પોતાની અંગત જરુરિયાતોના ખર્ચમાં કરકસર કરીને પણ ઘેર પૈસા મોકલતા.

એક દિવસ અમારા સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાથે અનઔપચારિક વાત કરતી વખતે દત્તાત્રેય નામના અમારા એક સાથીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. “સર, અમે જ્યારે અફસર થયા ત્યારે મારાં કુટુમ્બીજનોને હાશ થઇ હતી કે હવે ઘરકામ કરવા માટે નોકર રાખી શકીશું. આજે હાલ છે કે હું આ અગાઉ ઑડિટર તરીકે જેટલો પગાર ઘરમાં આપતો હતો, તેનાથી અર્ધો પણ હવે નથી મોકલી શકતો. આજે પણ અમારા મોટા સંયુક્ત પરિવારમાં મારાં પત્નીને કપડાં-વાસણ હાથે કરવા પડે છે. આવી પાર્ટીના ખર્ચા અમને પોસતા નથી. આના માટે કંઇ થઇ શકે?”

“My dear friend, તમારી વ્યથા જાણીને દુ:ખ થયું. આ એક પરંપરાગત સત્ય છે.  તમારા યુનિટમાં જશો તો ત્યાં પણ આવા ખર્ચામાંથી તમે બચી નહિ શકો.”

ભારતીય સેનાના અફસરોના સામાજિક જીવનનો ઇતિહાસ જાણવા જેવો છે. 

આપણી સેના બ્રિટીશ પરંપરા પર ઘડાયેલી છે. ખાસ કરીને અફસર વર્ગ પર તેની છાપ એટલી ઘેરી છે કે તેનો જાત અનુભવ વગર ખ્યાલ આવી ન શકે. આજે ઘણી વાર અફસર મેસમાં સૈનિકો પાસેથી 'વેઇટર'નું કામ કરાવવામાં આવે છે એવા અર્ધસત્ય પર આધારિત સમાચાર આવે છે, જે સાંભળી "ઉદારમતવાદી" પત્રકારો અને વાચકો સંપાદકને લખાતા પત્રોમાં આક્રોશ કરતા હોય છે કે જવાનો પાસેથી 'આવાં' કામ કરાવવામાં સૈનિકોનું અપમાન છે!  આ વાતનું  સહેજ વિસ્તારથી નિરામરણ કરવું જોઇશે. 

સૌ પ્રથમ અફસર મેસની સ્થાપના પાછળનું ઐતિહાસિક કારણ જાણવું જરૂરી છે

અગાઉ જણાવ્યા પ્રમાણે ભારતીય સેનામાં "Tradition"નું મહત્વ સર્વોપરી છે. તેમાં અફસરો તથા સૈનિકોના સાહસ, તેમની રેજિમેન્ટોએ મેળવેલા વિજયની ગાથા, યુદ્ધમાં જીતેલા દુશ્મનના નેજા, શસ્ત્ર વિ.નું ભવ્યતાથી પ્રદર્શન કરવામાં આવે છે. અને આ પ્રદર્શનનું સ્થળ હોય છે ઑફિસર્સ મેસ તથા બટાલિયનના દર્શની ભાગમાં આવેલ 'ક્વાર્ટરગાર્ડ'માં. આ સૌની પાછળ રહી છે જુની અંગ્રેજી પ્રથા.

અંગ્રેજોની તેમજ આપણાં રજવાડાંઓની પુરાતન વારસા પદ્ધતિ - system of primogeniture મુજબ આખો ગરાસ પરિવારના પાટવી પુત્રને કે સૌથી મોટા દીકરાને મળે. આથી પિતાના મૃત્યુ બાદ મર્હૂમને ત્રણ પુત્રો હોય તો સૌથી મોટાને રાજગાદી સાથે પૂરી જમીન-જાગીર મળે. બાકીની રોકડ અને અન્ય માલમિલ્કતના ભાગ મરનાર તેના મૃત્યુપત્રમાં લખે તે મુજબ વહેંચવામાં આવે

બ્રિટનની પરંપરા મુજબ મોટા પુત્રને પૂરો વારસો અપાયા બાદ બાકીના પુત્રોમાંથી એક સેનામાં અફસર થવા સૅંડહર્સ્ટની રૉયલ મિલિટરી ઍકેડેમીમાં દાખલ થતો. મિલિટરી ટ્રેનીંગ બાદ રાજા કે રાણી તરફથી બ્રિટીશ સેનામાં અફસરની નીમણૂંકનોપાર્ચમેન્ટ  (દસ્તાવેજ) તૈયાર કરવામાં આવતો, જેમાં તેને રાજા તથા દેશની સેવા માટેનો હુકમ જેને ‘કિંગ્ઝ કમિશન’ કે 'ક્વિન્સ કમિશન' કહેવામાં આવતું-તે વિધીસર આપવામાં આવતો. ત્રીજો પુત્ર બહુધા દેવળ (ચર્ચ ઑ ઇંગ્લન્ડ)માં જોડાઇ બિશપ જેવા ભારે પગારના કોઇ મોટા હોદ્દા પર નીમાતો, અથવા રાજની વસાહતોમાં ગવર્નર કે પરદેશમાં આવેલી મોટી અસક્યામતોના માલિક તરીકે મોકલવામાં આવતા. આમ સેનામાં આવતા આવા ઉમરાવ ઘરાણાના અફસરો ભવ્ય મેળાવડા અને ભોજન સમાંરંભ ગોઠવતા. સારા એવા પગાર ઉપરાંત તેમની પોતાની ખાનગી આવક હોવાથી ઑફિસર મેસમાં યોજાતા ભવ્ય કાર્યક્રમનો ખર્ચ સહેલાઇથી કરી શકતા. નીચેની છબિમાં ઑફિસર્સ મેસના મુખ્ય ખંડ - જેને Ante Room કહેવાય છે તે અને ભોજન વખતે જે રીતે ટેબલ સજાવાય છે તે જોવા મળશે.



ઑફિસર્સ
મેસની રચના પણ કોઇ રજવાડાના દરબાર હૉલ કરતાં ઓછી ભવ્ય નથી હોતી! સમય જતાં સેનામાં મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવનારા અફસરોમાં વધારો થતો ગયો, પરંતુ મેસમાં થતીરેજીમેન્ટલ ડિનર નાઇટ્સ’, કે રેજિમેન્ટે યુદ્ધમાં મેળવેલા વિજયના દિવસની યાદગિરીમાં યોજાતી પાર્ટીઓ, નવા અફસરના આગમનનીડાઇનીંગ-ઇનઅને બદલી થઇને જનારા અફસરો માટેડાઇન-આઉટપાર્ટીઓ જુની પરંપરા મુજબ ચાલુ રહી. આમાંની કેટલીક પાર્ટીઓમાં ઉચ્ચ હેડક્વાર્ટર્સ - જેમ કે ડિવિઝન કે બ્રિગેડના અફસરો તથા તેમની પત્નિઓને નિમંત્રણ આપવામાં આવતું, જેનો ખર્ચ બટાલિયનના અફસરોને સરખા ભાગે ભોગવવો પડે. જે અફસરોને તેમના સંયુક્ત પરિવારના ગુજારા માટે ફાળો આપવો પડતો હોય તેમને મળતો પગાર ગમે એટલો ભારે કેમ ન હોય, પણ થોડી ઘણી નાણાંકિય મુશ્કેલી તો ભોગવવી પડતી. રહી વાત મેસમાં કામ કરનારા "સૈનિક"ની. અફસર મેસના કર્મચારીઓ Non-combatant Enrolled' એટલે બિન-હથિયારધારી અ-સૈનિક તરીકે મેસ-વેઇટર, વાઇન વેઇટર, આબદાર કે water carriers (જુના જમાનામાં પાણી ભરી લાવવા માટે રખાતા અ-સૈનિક કામદાર), રસોઇયા વિ.ની ભરતી કરવામાં આવે છે. તેથી મેસમાં કામ કરનાર વ્યક્તિ સૈનિક નથી હોતા. મેસમાં કેવળ એક જ સૈનિક કામ કરે : મૅનેજરનું, જેને મેસ-હવાલદાર કહેવામાં આવે છે. તેનું કામ કેવળ બટાલિયનના સિનિયર મેજર - જેને President of Mess Committee કહેવામાં આવે છે, તેની નિગરાણી નીચે વ્યવસ્થાપકનું કામ કરવાનું હોય છે. 

અમે કોર્સ કરતા હતા તે વખતના અમારા કમાન્ડન્ટને તુક્કો સુઝ્યો : મિલિટરીમાં અમારી કોરના અફસરોને આરામપ્રિય અનેફિઝીકલ ફીટનેસમાં ઇન્ફન્ટ્રી કે તોપખાનાના અફસરો કરતાં થોડા નબળા ગણવામાં આવતા તેની છાપ દૂર કરવી. માટે તેમણે હુકમ આપ્યો કે યંગ ઑફિસર્સ કોર્સમાં આવનાર અફસરોએ ફરજીયાત ૨૬ માઇલની મૅરેથોન દોડવી. અમારી ટ્રેનિંગ દરમિયાન અમે પાંચ અને દસ માઇલની દોડ તો નિયમીત રીતે નિયત સમયમાં પૂરી કરતા. હવે બાકીની આ "કમી" પૂરી કરવા અમનેફીલ્ડ સર્વિસ માર્ચીંગ ઑર્ડરનો યુનિફૉર્મ તથા ઇક્વીપમેન્ટ પહેરીને મૅરેથોન દોડાવવામાં આવ્યા! જો કે દોડને પરીક્ષા ગણવામાં આવી નહોતી તેથી અમે આરામથી દોડ્યા અને ચાર - સાડા ચાર કલાકમાં દોડ પૂરી કરી. મારો સિવિલિયન ઑર્ડર્લી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લિંબુનું શરબત અને બરફ લઇને મારી રાહ જોઇને બેસી રહ્યો હતો. “સાબજી, ઇસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જીસસે આપકા બૅલેન્સ ઠીક રહેગા!” કોણ જાણે તે ક્યાંથી શરીરમાંના ઇલેક્ટ્રોલાઇટના બૅલેન્સ વિશે માહિતી કાઢી આવ્યો હતો ! ચાર કલાકમાં તો કોઇ પણ વ્યક્તિ ૨૬ માઇલ દોડી શકે, પણ અમને અભિમાનથી કહેવાનું બહાનું તો મળ્યું, "હા, અમે પણ મૅરેથોન દોડી આવ્યા છીએ!"

બરેલીની મારા માટે પહેલી મુલાકાત હતી. અહીંનો સુરમો પ્રખ્યાત હોવાથી બહેનો માટે મિત્રો સાથે ‘મોતી કા સુરમાલેવા ગયો. ભયંકર ગરમી પડી હતી તેથી રસ્તામાં ઍ કન્ડીશન્ડ રેસ્ટોરાઁમાં અમે થોડો વિસામો લેવા ગયા. મિત્રોએ સાદા કોલ્ડ-ડ્રીંક મગાવ્યા. મને થયું અહીંની કોઇ સ્થાનિકસ્પેશિયાલીટીમંગાવીએ. મેન્યૂ કાર્ડમાં ઠંડા પીણામાં એકઆઇટમહતીશિકંજવી”. કિંમત અન્ય પીણાં કરતાં લગભગ ત્રણ ગણી. મને થયું ફાલુદા કે ખાસ જાતની લસ્સી જેવો કોઇ પ્રકાર હશે. વટમાં આવીને મેં તેનો ઑર્ડર આપ્યો. ‘શિકંજવીઆવી અને તેનો એક ઘૂંટડો લીધો ત્યારે ઉદ્ગાર નીકળ્યો, "હત્તેરેકી  તો લિંબુ-પાણી છે!" 

મારા લખનવી સાથી આ સાંભળી હસી પડ્યા. “મેરે દોસ્ત, યૂ.પી.મેં તો ગધે ભી જાનતે હૈં ઉર્દુમેં  નિંબૂ-પાની કો ‘શિકંજવીકહેતે હૈં

મેં કહ્યું, ‘આપની વાત સાચી છેપણ મેનુ કાર્ડ અંગ્રેજીમાં જ બનાવવાના હોય તો અહીંના ગધેડાઓએ હવે થોડું અંગ્રેજી શીખવું જોઇએ એવું નથી લાગતું આપને?" બધા હસી પડ્યા.




1 comment:

  1. સૈન્યમાં અફસરોનું જીવન કેવું હોય છે તે અંગે વધુ માહિતી જાણી
    અને
    વધુ મઝા ઑફિસર્સ મેસ અંગે જાણી .
    અમારા ઘરમા વારંવાર વપરાતી “શિકંજવી”-વાતે ..
    ઉનાળો આવી ગયો છે અને ગરમીની આ સીઝનમાં સૌ કોઈનું ફેવરિટ ડ્રિંક હોય તો તે છે શિકંજી. કોરોનાના કારણે તમે રસ્તા પર ઉભી રહેતી લારીમાંથી શિકંજી પીવાની મિસ કરતાં હશો. ત્યારે આજે અમે અહીંયા તમારી સમસ્યાનો સ્માર્ટ ઉકેલ લાવ્યા છીએ. તમે અહીંયા તમે શિકંજી મસાલો બનાવતા શીખવી રહ્યા છે. જે ન્યૂટ્રિશન્સથી ભરપૂર છે. શિકંજી મસાલો બનાવવા માટે સામગ્રી કઈ-કઈ જોઈશે તેના પર એક નજર કરી લો.
    સામગ્રી
    ૨ ટે. સ્પૂન જીરું
    ૧ ટે. સ્પૂન કાળા મરી
    ૧ તજનો ટુકડો
    ૧ ટે. સ્પૂન સંચળ પાઉડર
    ૧ ટે. સ્પૂન વરિયાળી
    બનાવવાની રીત
    એક પેન લો, તેમાં જીરું, કાળા મરી, સંચળ પાઉડર તેમજ વરિયાળી લઈને શેકી લો. ૪-૫ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર તેને શેકો અને બાદમાં ગેસ બંધ કરીને તે મસાલાને ઠંડા થવા દો. આ મસાલાને મિક્સર જારમાં લઈને બારીક પાઉડર બનાવી લો. તેમાં હવે સંચળ પાઉડર ઉમેરો અને મિક્સ કરી લો. તો તૈયાર છે શિકંજી પાઉડર. જ્યારે તમને શિકંજી પીવાની ઈચ્છા થાય ત્યારે એક ગ્લાસ લીંબુ પાણીમાં એક ચમચી આ મસાલો ઉમેરો.

    ReplyDelete