Pages

Tuesday, April 27, 2021

WT - વેપન્સ ઍન્ડ ટૅક્ટિક્સ ટ્રેનિંગ

સૈન્યમાં દરેક જવાન અને અફસર માટે તેનું હથિયાર તેના ત્રીજા હાથ જેવું ગણાય. જેટલી કાળજી આપણા શરીરની લેવાય એટલી જ માવજત દરેક સૈનિકે તેના હથિયારની કરવાની રહે છે. યુદ્ધમાં સૈનિકનું આ જ એક 'અંગ' છે, જે તેને જીવંત રાખે છે. આપણા હાથની આંગળીઓ, કાંડું, હાથના સ્નાયુઓને મજબૂત રાખવા અને આપણા ખુદના આરોગ્ય માટે આપણાં અંગ-પ્રત્યાંગને જે રીતે સાફ રાખવા પડે, એવી જ કાળજી હથિયારની રાખવાની હોય. અમારા કૅડેટકાળમાં અમને અપાતા પ્રશિક્ષણમાં આ વાત પર અત્યંત ભાર અપાયો. WTમાં મુખ્યત્વે ત્રણ ચીજો આવે (૧) બંદૂક વડે નિશાન સાધવાની રીત. આને 'રીત' ન કહેતાં 'કાયદો' કહેવામાં આવે છે. આપણા પર હુમલો કરી મારી નાખવા માટે ધસી આવતો દુશ્મન આપણું કાસળ કાઢે તે પહેલાં આપણે તેના પર ગોળી ચલાવી આપણા મોરચા સુધી પહોંચવા ન દેવાય એટલા માટે નિશાનબાજીનો નિયમ અમને કાયદા તરીકે શીખવવામાં આવે. આ 'કાયદ'નું પાલન ન થાય તો તેની એક જ શિક્ષા - જે અન્ય કોઇ નહીં, આપણો દુશ્મન આપે : મૃત્યુ. દુશ્મન તમારા પર હુમલો કરવા દોડે, ત્યારે તમે નિશાન ચૂકી જાવ તો શત્રુની ગોળી તમને વિંધી નાખે. તેણે પણ પોતાની ટ્રેનિંગ સાવધાનીપૂર્વક કરેલી હોય છે તેથી તે પણ તેણે શીખેલા 'કાયદા' મુજબ આપણા પર ફાયરિંગ કરતો આવે. ભારતીય સેનામાં 'નિશાન'ને 'શિસ્ત' કહેવાય છે, અને અમારા WT (વેપન્નાસ ટ્રેનિંગ)ના ઉસ્તાદ "શિસ્તકા કાયદા' પર એટલું જોર આપે, અને તેનું રટણ કરાવે કે અર્ધી રાતના ભર ઉંઘમાંથી અમને 'શિસ્તકા કાયદા' પૂછવામાં આવે તો અમે તેનું અક્ષરશ: પુનરૂચ્ચારણ કરી શકીએ. બીજી એટલી જ મહત્વની વાત છે રાઇફલને સાફ કરવાની. આમાં રાઈફલનું નાળચું (Barrel) અરિસા જેવું સાફ અનેચળકતું હોવું જોઈએ. જ્યાં ગોળી ભરાય, તે (breach) પણ એટલો જ સાફ હોવો જોઇએ. આનું કારણ  એ હોય છે કે રાઇફલમાંથી ગોળીબાર કર્યા બાદ રાઇફલનું નાળચું અત્યંત ગરમ થાય છે. વળી ગોળી છૂટતાં કારતૂસમાંથી નિકળતો કાર્બન (મેશ) નાળચામાં અને બ્રીચમાં જામી જતા હોય છે. આ સાફ કરવામાં ન આવે તો ગોળી રાઇફલના નાળચામાં જ ફાટે અને ગોળી ચલાવનાર ખુદ જખમી થાય. ત્રીજી અગત્યની વાત છે હથિયારના હલનચલન કરનારા હિસ્સા ખોલીને સાફ કરવાની પ્રક્રિયા. યુદ્ધમાં મોટા ભાગે થનારા હુમલા રાતના અંધારામાં થતા હોય છે. તેથી ફાયરિંગ કરનારું શસ્ત્ર ખોટકાઇ જાય  તો તેમાંના કળપૂર્જા અંધારામાં જ ખોલીને  સાફ કરી, ફરીથી જોડી ફાયરિંગ કરવું પડે. તેથી અમને ટ્રેનિંગ દરમિયાન આંખે પાટા બાંધી રાઇફલના હિસ્સા ખોલી, સાફ કરી ફરી ફિટ કરવાનો મહાવરો આપવામાં આવે. આ કામ સચોટતાથી શિખવવામાં આવે. 

WT ની કવાયત બાદ ક્લાસરૂમમાં બેસીને યુદ્ધશાસ્ત્ર, યુદ્ધનો ઇતિહાસ, ભારતીય સેનાનાં જુદા જુદા વિભાગોની સંઘટના, મૅપ રીડીંગ વગેરેનો અભ્યાસ, વાયરલેસ સંચાર વિજ્ઞાન વગેરેનો અભ્યાસ કરવાનો.

વેપન્સ ટ્રેનિંગમાં પ્લૅટૂનના સૌથી ભારે હથિયાર Bren Gun અથવા LMG – લાઈટ મશીનગનનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ હતો. બ્રેનગનના હિસ્સા અને તેના નાના નાના પુર્જાઓ ખોલી, સાફ કરી, તેના પર તેલ ચઢાવ્યા બાદ તેની એસેમ્બ્લી કરવા પર હાથોટી મેળવવા પર ઘણો ભાર મૂકાતો. ઘણી વાર અમારા `ઉસ્તાદજી' અમને પલોટવામાં એટલા મશગૂલ થઈ જતા કે તેમને સમયનું ભાન ન રહેતું. 

એક વાર LMGનો વર્ગ બ્રેકફાસ્ટ પહેલાં લેવાયો. પીટી કર્યા બાદ અમે બૅટલ ડ્રેસ પહેરી સીધા વેપન ટ્રેનિંગ એરિયામાં ગયા. ક્લાસનો સમય પૂરો થયો હોવા છતાં ઉસ્તાદજી અમને છોડવાનું નામ ન લે! અમે બધા ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા હતા, બીજી તરફ ઉસ્તાદજી તો મંડી પડ્યા હતા અમને પલોટવામાં! આ વર્ગમાં અમારે બ્રેનગનના હિસ્સા-પૂર્જા ખોલી, સાફ કરી, ફરી પાછા ફિટ કરવાના હતા. આ કામ પૂરું થયા બાદ દરેક કૅડેટે `રિપોર્ટ' આપવાનો હોય છે: નંબર વન બ્રેન ઠીક! નંબર ટૂ બ્રેન ઠીક! વિગેરે.

જ્યારે અમારા સાથી જેન્ટ્લમન કૅડેટ સરદાર બચૈંતસિંઘ ('બચૈંત' પંજાબી શબ્દ છે : જેમ દેવેન્દ્રનો અર્થ દેવોનો રાજા થાય, તેમ બચૈંતનો અર્થ થાય 'નિશ્ચિંત'!) અર્થાત્ નિશ્ચિંત સિંહનો વારો આવ્યો, તેમણે થાકેલા પણ પડછંદ અવાજમાં રિપોર્ટ આપ્યો:

"નંબર વન બ્રેકફા...સ્ટ ઠીક!"

અમારો આખો સ્ક્વોડ ખડખડાટ હસી પડ્યો. ઉસ્તાદજી ઝંખવાણા પડી ગયા અને અમને `લાઇન તોડ' એટલે `ડિસમિસ'નો હુકમ આપ્યો.

આવી હાલતમાં સેંડ મોડેલ રૂમમાં આવેલા વર્ગમાં બેઠાં પછી `થિયરી'ના લેક્ચરમાં ઘણા કૅડેટ્સ થાકીને ક્લાસમાં જ ઝોકાં ખાઈને ઊંઘી જતા. તેમના પર કોઈ પ્રશિક્ષકની નજરે પડી જાય તો તત્કાળ સૌની સામે તેને ગલોટિયાં ખાવાની શિક્ષા. એકથી વધુ કૅડેટ્સ ઝોકાં ખાતાં દેખાય તો આખા ક્લાસને સામૂહિક રીતે પુનાના ઘોરપડી વિસ્તારની પથરાળ જમીનમાં ઇક્વિપમેન્ટ સાથે 20-25 ગલોટિયાં ખાવાનું કામ કરવું પડે!

એક દિવસ અમારી આલ્ફા કંપની સાથે ચાર્લી કંપનીનો સંયુક્ત ક્લાસ ગોરખા રાઇફલ્સના કર્નલ વિષ્ણુ શર્મા લેતા હતા. એકસો એંસી કૅડેટ્સના ક્લાસમાં ઝોકું ખાનારા વીસ-પચીસ કૅડેટ્સમાંથી હું જ પકડાઈ ગયો. બૂમ પાડી તેમણે મને ઊભો કર્યો, અને પૂછ્યું, `એક પ્લૅટૂનમાં કેટલા ટુ-ઈંચ મોર્ટર બૉમ્બ હોય છે?'

એક તો હું ઊંઘતો હતો, તેમાં વળી પકડાઈ ગયો. જેમ સવાલ બૂમ પાડીને પૂછાય તેમ અમારે જવાબ બૂમ પાડીને આપવાનો હોય. હું ગૂંચવાઈ ગયો હતો તેમ છતાં ઘાંટો પાડીને પૂરા (પણ બનાવટી) આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, `ટ્વેન્ટી ફો...ર, સર!' – જે સાવ ખોટો હતો. કર્નલસાહેબનો પારો એકદમ ચઢી ગયો, અને તેમણે આખા વર્ગને ક્લાસરૂમમાંથી બહાર કાઢી સો ગજ સુધી ગલોટિયાં ખાવાનો હુકમ કર્યો. દરેક ગલોટિયે દોઢસોથી વધુ ગળામાંથી દબાયેલા અવાજ નીકળતા હતા, "સા... સેવન્ટી ફાઇવ!"

આ જાણે ઓછું હોય તેમ બૅરેકમાં પાછા જઈએ ત્યાં અમારા સિનિયરો અમને `પલોટવા' તૈયાર હોય. ડગલે ને પગલે તેઓ તાત્કાલિક શિક્ષા આપે. અમને અપાતી `ઢઢ્ઢુ ચાલ'ની શિક્ષા તેમને અત્યંત પ્રિય હતી, અને તે અમારી પાસેથી કરાવતા જ રહેતા. ઉર્દુમાં દેડકાને ઢઢ્ઢુ કહેવાય છે. આ શિક્ષામાં અમારે ઉભડક બેસી, કમર પર હાથ રાખી દેડકાની માફક કૂદી કૂદીને સોએક ગજનું અંતર કાપવાનું હોય છે, જેમાં અગાઉ જણાવ્યા પ્રમાણે પગની પાની, calf muscle, સાથળ અને ઘૂંટણનો સામુહિક સત્યાનાશ થતો હોય છે અને તેનો દુ:ખાવો એક અઠવાડિયા સુધી જતો નથી.

રાતના ડિનર બાદ અમારી આવી 'પરેડ' શરૂ થતી. `બ્લડી ફૂલ' અમારા સિનિયરોનો પ્રિય ઉદ્ગાર! દિવસમાં આ શબ્દનો તેઓ જેટલી વાર પ્રયોગ કરતા એટલી વાર તેમણે ભગવાનનું નામ લીધું હોત તો કાં તો ભગવાને તેમને અર્જુનને આપ્યાં તેવા વિરાટ દર્શન આપ્યાં હોત અથવા તેમને સહુને સદેહે સ્વર્ગમાં જવાનું વરદાન આપ્યું હોત!

આવા સખત કાર્યક્રમ તથા શિક્ષાઓથી હેરાન થઈને ઘણા કૅડેટ એક અઠવાડિયામાં જ OTS છોડીને જતા રહ્યા હતા. સરકારી નિયમ પ્રમાણે જે લોકો એક અઠવાડિયામાં પાછા ઘેર જવાનું નક્કી કરે તો તેમને કોઈ દંડ ભરવો નહોતો પડતો. ત્યાર બાદ દરેક દિવસ દીઠ નિયત કરેલા દરે ટ્રેનિંગનો ખર્ચ આપવો પડે. ૧૯૬૩ના વર્ષમાં દર કૅડેટ પાછળ છ મહિનાની ટ્રેનિંગમાં એક લાખ રૂપિયા ખર્ચાતા. આજના હિસાબે પંદરથી વીસ લાખ જેવું થાય! આવી સખ્તાઇ અને કડક ટ્રેનિંગથી કંટાળીને કે થાકીને ઘણા જીસી એક અઠવાડિયામાં જ OTS છોડીને પાછા જતા રહ્યા હતા. અમદાવાદના સિનેમા મૅનેજર કદાચ આ કારણથી જ પાછા ગયા હતા.

'જિપ્સી જેવો એક સંવેદનશીલ અને ભાવનાશીલ વ્યક્તિ કેવી રીતે ટકી શક્યો?

આની પણ એક નાનકડી કહાણી છે. જે ફરી કદી'ક...

3 comments:

  1. WT (વેપન્નાસ ટ્રેનિંગ)ના ઉસ્તાદ "શિસ્તકા કાયદા' પર એટલું જોર આપે અંગે સુંદર માહિતી માણી
    સખ્ત ટ્રેનીંગ છતા- જિપ્સી જેવો એક સંવેદનશીલ અને ભાવનાશીલ વ્યક્તિ કેવી રીતે ટકી શક્યો?' તે મજાની વાતની રાહ

    ReplyDelete
  2. કાચા પોચા માણસો આપની વાતો વાંચીને આર્મીમાં ભરતી થવાનું માંડી જ વાળે. શિસ્ત અને શરીરનું સાચું ઘડતર તો આર્મીમાં જ થાય. કોપી પેસ્ટ કરીને આપના સૌજન્ય સાથે મારા બ્લોગમાં મૂક્યું છે.

    ReplyDelete
  3. કાલે સવારે નાસ્તા ટાણે આ યાદ આવશે!

    ReplyDelete